તમારા અસ્તિત્વનો અનુભવ કરો

મગજ મગજને સમજે છે અને હૃદય હૃદયને સમજે છે. નાક માત્ર સૂંઘી શકે છે; આંખો જોઈ જ શકે છે; કાન માત્ર સાંભળી શકે છે, કાન જોઈ શકતા નથી. હૃદય પણ એ જ રીતે અનુભવી શકે છે. આપણે હૃદયને મગજમાં અને મગજને હૃદયમાં રાખવાની કોશિશ કરીએ છીએ પણ એ કામ કરતું નથી. તમારું હૃદય અનુભવ કરે છે કે કંઈક સુંદર છે, જ્યારે તમારું મગજ તમને કહે છે કે તે સુંદર છે. આપણે આપણા મનમાં શબ્દને ફક્ત પકડી રાખીએ છીએ પણ તેને અનુભવી શકતા નથી. આપણે આપણા મગજમાં ‘સુંદર’ શબ્દનું વારંવાર પુનરાવર્તન કરીએ છીએ અને તેમ છતા સુંદર લાગતું નથી.

પ્રેમનું પણ કંઈક એવું જ છે, તમે પ્રેમ વિશે વધુ પડતી વાત કરો છો, જે તમારા મગજમાં જ અટવાઈ જાય છે અને તમારા હૃદયમાં પ્રેમનો ઉદય થતો નથી. પ્રેમ મૌન માં સ્ફુરે અને ફેલાય છે. આપણને જે વસ્તુઓ વધુ ગમે છે તેમાં આપણે આપણી જાતને અનુભવીએ છીએ. તેથી જ, જ્યારે આપણે આપણને ગમતી વસ્તુઓ ગુમાવીએ છીએ, ત્યારે આપણને દુઃખ થાય છે; આપણે આહત થઈએ છીએ. ચાલો માની લો કે તમે તમારા પિયાનોને ખૂબ પ્રેમ કરો છો અને તમે સાંભળો છો કે તમારા મસ્ત પિયાનો સાથે કંઈક થયું છે, તો તમે એવું અનુભવો છો જાણે તમારી અંદર કંઈક તૂટી ગયું છે. અથવા, જો તમારી કાર અથવા તમારા કૂતરાને કંઈક થાય છે, તો તમે પોતાને નુકશાન થયું છે તેવું અનુભવો છો. તમે ફક્ત તમારા શરીરમાં જ નથી રહેતા, પરંતુ તમે તેને તમારું ઘર પણ બનાવ્યું છે. પરંતુ જો આપણે સર્વસ્વને આવરી લેવા માટે આ અસ્તિત્વને વધુ વિસ્તૃત કરી શકીએ તો આપણે જાણીશું કે કોઈ નુકશાન નથી થયું અને આપણે સંપૂર્ણ છીએ.

તમે વાદળી મોતી છો. વાદળી સુંદર છે; વાદળી એવી વસ્તુ છે જે વિશાળ, વ્યાપક અને અનંત છે. આ સૃષ્ટિમાં જે કંઈ વિશાળ છે, જેનું ઊંડાણ છે, જે અનંત છે, તે વાદળી રંગમાં વ્યક્ત થાય છે. આકાશ વાદળી છે, સમુદ્ર વાદળી છે. તમે તમારા અસ્તિત્વમાં ખૂબ ગહન છો. તમે શરીરમાં હોવા છતાં તમારા અસ્તિત્વને કોઈ માપી શકતું નથી. તમારી અંદરનું અસ્તિત્વ માત્ર અનંત નથી; તે એક તેજસ્વી અનંત પ્રકાશ છે જે ગહન અને વિશાળ છે. વાદળી મોતી એટલે કે જે ચમકે છે, જે તેજસ્વી છે, જે અનંત છે; તેમ છતાં, તે મર્યાદિત જણાય છે, તે વ્યાપક દેખાય છે.

જ્યારે આપણે આપણા હૃદયને સાંભળવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે બધું એક છે; અને બધામાં એક જ ઈશ્વર છે. જુઓ, આપણા શરીરમાં ઘણા કોષો છે અને દરેક કોષનું પોતાનું જીવન છે. દરરોજ ઘણા કોષો જન્મે છે, ઘણા કોષો મરી રહ્યા છે પરંતુ તેઓ તમને ઓળખતા નથી. તમે જાણો છો કે કોઈ કોષમાં કંઈક ખોટું છે; તમે તેને અનુભવી શકો છો. તેવી જ રીતે, જો કે આપણા બધાનું જીવન ટૂંકું છે, તેમ છતાં એક અસ્તિત્વ એવું છે જે અન્ય તમામ જીવનને આવરી લે છે અને તેનું નિયંત્રણ કરે છે.

આપણે સૌ જીવનના મહાસાગરમાં તરી રહ્યા છીએ. આપણી આસપાસ ફક્ત ખાલી જગ્યા જ નથી; તે એક જીવંત વિશાળ જીવન છે. અને ત્યાં જીવનના વિશાળ સમુદ્રમાં, બધા છીપ તરી રહ્યા છે અને દરેક છીપમાં થોડું જળ છે જેની અંદર સમુદ્રનું જ જળ છે કોઈ અલગ જળ નથી. તેથી, આપણે આપણા કવચમાંથી બહાર આવવાની જરૂર છે અને એ સમજવાનું છે કે , “હું માત્ર શરીરમાં નથી, પણ હું સર્વત્ર વ્યાપ્ત છું; હરેક જગ્યાએ. હું મારી જાતને દરેકમાં જોઉં છું.” આ જીવનનો સાર છે!

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)