દુનિયામાં સર્વ શ્રેષ્ઠ જગ્યા!

પર્યટકો સૌંદર્ય જોવા માટે વિવિધ સ્થળોએ જાય છે. પરંતુ તેઓ એ સ્થળનું સૌંદર્ય બગાડતા હોય છે અને પોતે થાકી જતા હોય છે અને શ્યામ થઈ જતા હોય છે. અરે, સૌથી સુંદર સ્થળ અહીં જ છે! તમે જ્યારે અહીં આવો છો ત્યારે તમને અનુભવાય છે કે તમે જ્યાં પણ હોવ દરેક વસ્તુ એકદમ સુંદર લાગે છે. આ સ્થળ ક્યાં છે? તેને માટે આમ તેમ શોધશો નહીં, તે તમારી અંદર જ છે!

તમારા અસ્તિત્વના એ સ્વસ્થ, રોચક, નિશ્ચલ, નિર્મળ ઊંડાણમાં વિશ્રામ કરો-એ અત્યંત બહુમૂલ્ય છે. સમસ્ત વિશ્વના આ સૌથી સૌંદર્યસભર સ્થળમાં પોતાની જાતને સ્થિત કરો. મન, જે બધે ભટકતું હોય છે, તેને તેના સ્રોતમાં પાછું લાવો. તમે જ્યારે તમે પોતાનામાં સ્થિત થાવ છો ત્યારે જ તમને દરેક સ્થળ સુંદર લાગે છે. તમે જ્યાં પણ જાવ છો ત્યાં તમે સૌંદર્યમાં ઉમેરો કરો છો અને અન્યોને અનુકૂળતા કરી આપો છો.

તમે દુખી હોવ છો ત્યારે મીઠાઈ પણ પસંદ નથી આવતી, સંગીત ખલેલ આપતું જણાય છે અને ચંદ્રથી પણ ચીડીયાપણું લાગે છે. જ્યારે તમે શાંત અને કેન્દ્રિત હોવ છો ત્યારે ઘોંઘાટ સંગીતમય, વાદળો નૈસર્ગિક અચરજ અને વરસાદ જાણે સૂર્યના ઓજસનું તરલ સ્વરુપ હોય એવું લાગે છે. વિશ્વની આ સૌથી આહ્લાદક જગ્યાની સફર પર જવા પોતાની જાતને નિશ્ચિત કરો. અને પછી તમને લાગશે કે દરેક દિવસ રજા માણતા હોઈએ તેવો અને ઉજવણીનો છે. જો તમે પાર્ટીઓમાં મજા માણવા માટે હંમેશાં ઉત્સુક હોવ છો તો એકલતા તમારી પાસે આવશે. જો તમે પોતાની જાતના એકાંતને માણી શકો છો તો તમારી આસપાસ પાર્ટી થઈ જાય છે!

જીવનમાં એ દ્વિધા છે કે દરેક વ્યક્તિ એક સંપૂર્ણ સમતોલન શોધતી હોય છે. જે લોકો હંમેશાં અન્યોના સહવાસમાં હોય છે તેઓ એકાંતનું સુખ ઝંખે છે. જે લોકો એકાંતમાં રહેતા હોય છે તેમને એકલું લાગતું હોય છે અને કોઈનો સહવાસ ઈચ્છે છે. સંપૂર્ણ સમતોલન તલવારની ધાર જેવું છે, તે પોતાની અંદર જ,પોતાની ચેતનામાં, મળી શકે છે.

લોકો મોટા ભાગે પોતાની ચેતનાને મન અને શરીરના સંઘટિત તરીકે સમજે છે. આ એક ભૂલભરેલી માન્યતા છે. શરીર કે મન-એ બેમાંથી એક પણ ચેતના નથી. તમે જે તમામ યોગ કરો છો તે શરીર માટે છે. જે તમામ ધ્યાન કરો છો તે મન માટે છે. શાંત હોય કે ડહોળાયેલું – તમારું મન,મન જ રહે છે. બીમાર હોય કે તંદુરસ્ત- તમારું શરીર શરીર જ રહે છે. ‘તમે’,તમારી ચેતના,સર્વ સમાવિષ્ટ છે.

સૌર મંડળના તમામ ગ્રહોમાં પૃથ્વીને એ વિશિષ્ટ લાભ છે કે તે વિવિધ જીવ સ્વરુપોને નિભાવી શકે છે.અને તમામ જીવસૃષ્ટિમાં મનુષ્યને એ વિશિષ્ટ લાભ છે કે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.તમે વારંવાર યાદ કર્યા કરો કે તમે શાંતિ છો,તમે પ્રેમ છો,તમે આનંદ છો અને તમે સર્જકને તમારામાં સમાવેલો છે.એ લોકો કમનસીબ છે જેમને ખ્યાલ નથી આવતો કે તેઓ કેવા સદ્દભાગી છે.

આ શરીરના અસ્તિત્વનો એક માત્ર ઉદ્દેશ તમને સભાન કરવાનો છે કે તમે કેવા સુંદર છો અને તમે જે મુલ્યોને પુષ્ટિ આપો છો તેમની સાથે જીવી શકવું શક્ય છે. જ્યારે શરીરના કોઈ ભાગને ઉત્તેજિત કરવામાં આવે છે ત્યારે આનંદ ઉદ્ભવે છે.જ્યારે તમારા આત્માને ઉત્તેજિત કરવામાં આવે છે ત્યારે પ્રેમ ઉદ્ભવે છે.પ્રેમનો અંત હોતો નથી પરંતુ આનંદનો અંત આવે છે.લોકો ઘણી વાર એવું માને છે કે આનંદ એટલે પ્રેમ.

વ્યક્તિને માત્ર જેની જરૂર છે તે છે આત્માને ઉત્તેજના આપવાની. આત્માને ઉત્તેજિત કરવાથી ઊર્જા ઉદ્દભવે છે અને શરીરને ઉત્તેજિત કરવાથી થાક વર્તાય છે. દરેક ઉત્તેજના તમને ચેતના તરફ દોરી જવી જોઈએ જેથી જ્યારે તમે સંગીત સાંભળો છો ત્યારે તમે તેને પાર જાવ છો અને જ્યારે તમે જ્ઞાન સાંભળો છો ત્યારે તે તમને મૌન તરફ દોરી જાય છે.
ઝંખના,ચેતના પ્રત્યે જાગૃતિ અને ક્રિયા/કાર્ય આ તમામ એક જ ઊર્જાના એટલે કે તમારા પ્રગટીકરણ છે. જે તે સમયે આ ત્રણમાંથી એકનું પ્રભુત્વ હોય છે.જ્યારે તમને ઘણી ઈચ્છાઓ હોય છે ત્યારે તમે ચેતના પ્રત્યે જાગૃત નથી હોતા.જ્યારે ઈચ્છાનું પ્રભુત્વ હોય છે ત્યારે ચેતના વિશે જાગૃતિ સાવ ઓછી હોય છે.માટે જ,દુનિયાભરના તત્વચિંતકો હંમેશાં ઈચ્છાઓ ત્યજવા માટે સલાહ આપે છે. જ્યારે વ્યક્તિ ચેતના બાબતે જાગૃત હોય છે ત્યારે આનંદ ઉદ્ભવે છે. જ્યારે ઈચ્છાઓનો પ્રભાવ વ્યાપેલો હોય છે ત્યારે માનસિક તણાવ અને દુખ પરિણમે છે. જ્યારે ક્રિયા/કાર્યનો પ્રભાવ હોય છે ત્યારે અજંપો અને વ્યાધિ નીપજે છે.

તમારા કાર્યો અને ઈચ્છાઓ ઈશ્વર પ્રત્યે અથવા સમાજ કલ્યાણ માટે સન્નિષ્ઠતાથી દોરવાતા હોય છે ત્યારે આપોઆપ ચેતનાનું સ્તર ઊંચુ આવે છે આત્મસાક્ષાત્કાર અચૂક ઉપલબ્ધ થાય છે. તમને કશા માટે પ્રેમ હોય છે ત્યારે તમને તેના પ્રત્યે પોતીકાપણાંનો ભાવ હોય છે. જો કોઈ વસ્તુ તમારી હોય તો જ તમને તેના પ્રત્યે પ્રેમ થાય છે. પ્રેમ એ આત્માનો પડછાયો છે. આત્મા જેટલો મોટો,પડછાયો તેટલો મોટો અને પ્રેમ તેટલો વધુ.

સમસ્ત સર્જન માટે તમારો પ્રેમ વ્યક્ત થતો હોય છે ત્યારે તમે વૈશ્વિક ચેતના હોવ છો. એ જ ઈશ્વરી છે. ઈશ્વરી સત્તા ચેતના પર અવતરે છે ત્યારે નિરંતર ઉત્સવ હોય છે. ગુરુની ઉપસ્થિતિમાં ચેતના પ્રકાશિત થાય છે. પરંતુ તમે ગુરુની જે બધી લાક્ષણિકતાઓની પ્રશંસા કરો છો તે તમારા પોતાના સ્વભાવમાં હોય જ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)