પત્તાના મહેલ માફક સપનાંઓ તૂટે છે ત્યારે…

આલાપ,

સમયના ધસમસતા પ્રવાહમાં દરેક માણસનું ઘણું તણાઈ જતું હોય છે. ઈચ્છા- અનિચ્છાએ ઘણું વહી જાય અને કેટલુંક રહી પણ જાય. માણસતો માત્ર સાક્ષીભાવે જતાંને જોઈ રહેવા અને રહી ગયેલાને સ્વીકારી લેવા સિવાય ક્યાં કશું કરી શકવા સમર્થ હોય છે?

બાળપણ અને યુવાનીમાં ખૂબ દોડ્યા. વસ્તુ, વ્યક્તિ, સપનાં, ઈચ્છાઓ અને સંબંધો- એ બધા પાછળ ભાગી ભાગીને હવે થાક્યા ત્યારે પ્રૌઢાવસ્થાના પડાવ પર આવીને શાંતિથી હિસાબો માંડવાનો સમય છે. આજે અચાનક વિચારોનો કોથળો ખુલ્યો અને એમાંથી જડી આવી વીતેલી જિંદગીની કેસેટ. બસ, પછીતો શું? આંખો બંધ કરીને નજર સામેના વર્તમાન પર પડદો પાડીને પેલી કેસેટ રિવાઇન્ડ કરી. આહાહા..!! અદભુત સમય હતો એ. સપનાંઓને કોઈ સરહદો નહતી, કોઈ બેડી નહતી અને નહતો કોઈ ડર. ચોમાસામાં અગાસીના ખાળમાં ડૂચો મારીને ઘરનો દરિયો કરતાં. ત્યાં જતાં રોકનાર પણ કોઈ નહિ.

આ દરિયામાં આપણાં રંગબેરંગી કેટલાય જહાજો ચાલતા કોઈ ક્યારેય ન કહેતું કે જહાજમાં ભરાઈને આવતા આનંદ અને ભવિષ્ય માટે સંગ્રહાઈ રહેલી સ્મરણોની મૂડી પર ટેક્સ ભરો. બાજુના ખેતરથી ચોરેલા કાતરા કે કેરીઓ માટે કોઈ કોર્ટમાં નહતું લઈ જતું. ખુલ્લા રસ્તા પર એક ટાયરનું વાહન લઈને નીકળતા ત્યારે એક લાકડીનો દંડીકો પેટ્રોલની ગરજ સારતો. ન ધુમાડો કે ન અવાજ અને એ ટાયરતો એટલું ભાગ્યું કે એની સાથે દોડીને બાળપણ પણ જુવાનીમાં પહોંચી ગયું.

જુવાનીના ઉંબરેથી નજર કરતાં હૃદયની ધરતી પર લાગણીનો લહેરાતો મોલ અને એને લણીને, ફાંટ ભરીને જ્યારે મનગમતા પાત્ર સામે મૂકેલો ત્યારે બદલામાં કમાયા હતા એક દિલ અને ગજવું ભરીને વ્હાલ. આવી જ રીતે એક બપોરે કોલેજ છૂટતી વેળા સાઇકલ-સ્ટેન્ડ પાસે આપણો આમનો સામનો થયેલો. બહુ સમયથી એકબીજાને ચોરીછુપી જોતા રહેતા આપણે પહેલી વાર સામસામે હતા. ને તેં મારા હૃદયના દરવાજે તારી લાગણીનો મોલ ઠલવતાં કહેલું, “મિત્ર બનીશ? ” હું એક ક્ષણ માટે મારી જાતને આકાશમાં ઊડતી અનુભવી રહેલી. ને તેં તરતજ બીજો સવાલ કરેલો,” તને કેવો મિત્ર ગમે એ પણ કહેતી જા, હું મને ચકાસી જોઉં તારી હા આવે ત્યાં સુધીમાં” હું તો જતી રહેલી કંઈ જ બોલ્યા વગર. એ આખો દિવસ સતત આ બે સવાલ મનમાં પડઘાયા કર્યા હતા પણ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું. હું જવાબ આપું એ પહેલાં તું શહેર છોડી ગયો. હજીતો મિત્રતા સુધી પણ નહીં પહોંચાયેલું અને મેં તો એ એક જ રાતમાં સહજીવનના કેટલાય સપનાંઓ જોઈ રાખેલા. પત્તાના મહેલ માફક સપનાંઓ તૂટે છે ત્યારે એમાં કરચો નથી ખરતી પણ એ આખું આયખું ઉઝરડી નાખે છે.

હજી ય મનમાં એક જ વાત ઘૂંટાય છે. ધારોકે તું કાળના પ્રવાહમાં તણાઈ ગયેલા એ સવાલનો જવાબ લેવા ફરી આવે તો હું તને જણાવું કે મારા મતે મિત્રતા એટલે જેની સાથે નાત-જાત કે સ્ત્રી-પુરુષના ભેદ વગર જીવી શકાય, જેની સામે જિંદગીના દરેક પાના ખુલ્લા મૂકી શકાય, જેને જિંદગીના કોઈપણ દુઃખદ પાનાંને ફાડી નાખવા વણમાંગ્યો હક્ક આપી શકાય એ ઉત્તમ મિત્ર. જેની સાથે જીવનનાં પહેલા ચુંબનથી લઈને સેલફોનના પાસવર્ડ સુધીની વાતો શેર કરી શકાય એ ઉત્તમ મૈત્રી. મોડી રાતનાં જાગરણ પછી ઘેરાતી આંખો જેવી, હળવી પળોમાં ફૂંકાતી બ્લેક સિગારની ધુમ્રસેર જેવી. ટૂંકમાં કહું તો આપણી મિત્રતા એક મિસાલ બને એવી મિત્રતા મને ગમે.

આલાપ, દુનિયાના કોઈ ખુણે બેસીને જો તું આ વાંચતો હોય તો આવીજા એ મૈત્રી નિભાવવા. અને હા, જીવનના કોઈ તબક્કે મને આવો મિત્ર મળશે ત્યારે મને એમાં તું અનુભવાઈશ એ નક્કી છે.

-સારંગી.
(નીતા સોજીત્રા)