અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં આજે TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ગત 25મી મેના રોજ સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેમાં 28 લોકોનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે કોર્ટે આજે સરકારી અધિકારીઓનો ઉધડો લીધો. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે TRP ગેમ ઝોનને અગાઉ ડિમોલિશન નોટિસ આપવામાં આવી હતી. ત્યારે કોર્ટે પૂછ્યું કે સરકારની આ રજૂઆત અંગે ઓફિસરોને ખબર હતી?
ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજ્યમાં અનેક શાળાઓ તેમજ પ્લેગ્રુપ બંધ કરાવવામાં આવ્યા છે. જેના પર પ્રતિક્રિયા આપતા કોર્ટે કહ્યું કે શાળાઓ બંધ કરવી તો કોઈ ઉપાય નથી, તેમને નિયમો પાળતા કરો. બીજી તરફ ફાયર વિભાગના સ્ટ્રક્ચર વિશે થયેલી ચર્ચામાં કોર્ટે પૂછ્યં કે, રાજ્યમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ શું પૂરતા પ્રમાણમાં છે? તેમનું ક્વોલિફિકેશન શું હોય છે? હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે કોર્ટમાં કહ્યું કે કેટલાંક ફાયર ઓફિસરો પાસે પૂરતી લાયકાત પણ નથી હોતી. ફાયર ઓફિસરોની ખાલી જગ્યા ભરવી પણ એટલી જ જરૂરી છે.