વડોદરાઃ પંચમહાલ જિલ્લામાં ગોધરા-વડોદરા હાઇવે પર ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં બાઇક સવાર પુરુષ અને ત્રણ બાળકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ પહોચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોર ગામે રહેતો પરિવાર બાઇક પર ગોધરા-વડોદરા હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. આ પરિવાર તૃપ્તિ હોટલ નજીક પહોંચ્યો ત્યારે પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી, જેમાં બાઇકચાલક સહિત બાઇક પર સવાર ત્રણ બાળકો હવામાં ફંગોળાયાં હતાં અને જમીન પર પટકાતાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. આ અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિકજામ સર્જાયો હતો. ચાર લોકોનાં મોત થતાં હોસ્પિટલ બહાર પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માત સર્જનાર ટ્રકચાલક ભીડનો લાભ લઈ ફરાર થઈ ગયો. હાજર થયેલા લોકોએ અકસ્માતનો ભોગ બનેલા પરિવારને બચાવવા પ્રયાસ કર્યો હતો.
ગુજરાતી રંગભૂમિમાં જ્યારે નાટકોના વિષયને લઈ નવા પ્રયોગો થાય ત્યારે તેની વાત કરવી જરૂરી છે. આવો જ એક પ્રયોગ કર્યો છે દિગ્દર્શક પ્રિતેશ સોઢાએ. છેલ્લા કેટલાક સમયથી મુંબઈ અને ગુજરાતમાં જે નાટકના શૉ થઈ રહ્યાં છે એ’કોશેટો’ નાટક કેન્સર અને કવિતા વચ્ચેની મધુર પળોને જીવંત કરે છે.
પ્રિતેશ સૌઢા દ્વારા દિગ્દર્શિત અને મંથન જોશી દ્વારા લેખિત નાટક ‘કોશેટો’નું ફરી મુંબઈમાં પૃથ્વી થિયેટર ખાતે મંચન થવા જઈ રહ્યું છે. નાટકમાં કેન્સરની બિમારી સામે ઝઝૂમવાથી લઈ, કવિતાઓ અને જિંદગીની અંતિમ પળોને માણવાની વાત છે. ખાસ બાબત એ છે કે આ નાટકમાં રમેશ પારેખની અદ્ભુત કવિતાઓ થકી સાહિત્યને વિશેષ રૂપે રજૂ કરવામાં આવ્યું છે, જે પ્રેક્ષકોને આ નાટક સાથે જોડવામાં વધારે મદદરૂપ બને છે.
વ્યક્તિની માનસિક ધારણાઓને દર્શાવતા ‘કોશેટો’ નાટકમાં અભિનેતા દર્શન જરીવાલા મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે સેજલ પોંડા, હેમાક્ષ વૈષ્ણવ અને પૂજા ગામી પણ નાટકનો મહત્વનો ભાગ છે. નિર્દેશક પ્રિતેશ સોઢાએ આ નાટકમાં કેન્સર જેવા વિષય સાથે રમેશ પારેખની જાણીતી કવિતાઓને સામેલ કરી બખુબી સમન્વય દર્શાવ્યો છે. આ નાટકમાં કવિ રમેશ પારેખની 14 જેટલી કવિતાઓને જીવંત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરતાં પ્રિતેશ સોઢા જણાવે છે કે,’ કેન્સરનું વધવું અને સાહિત્યનું ઘટવું એ એક સામાજિક ટ્રેજેડી છે. જીવન શૈલીની અધોગતિ છે. એમાં કોશેટો જેવું નાટક બનાવવું એ વિચાર જ મને તો પ્રેરણાદાયી લાગે છે. અત્યાર સુધીમાં 21 શો કર્યા .છે અમે પૃથ્વી થિયેટર, NCPA, NMACC હોય કે પછી ગુજરાતના દરેક મોટા સ્ટેજ હોય, દરેક જગ્યાએ પ્રેક્ષકોએ નાટકને એ રીતે વધાવ્યું છે જાણે એ લોકો સાહિત્યને ઘટવા દેવા નથી માંગતા. આપણા પ્રેક્ષકો જીવંત અને સમકાલીન વાર્તાઓ ઈચ્છે છે એટલે આપણે કહેવી જ જોઈએ.’
કોશેટો નાટક વિશે વધુ વાત કરીએ તો આ નાટક એક ગુજરાતી ભાષાના સંશોધકની વાર્તા કહે છે જે એક ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે, જે પ્રખ્યાત રમેશ પારેખની કવિતા દ્વારા અર્થ અને ભાવનાત્મક આશ્રયને ફરીથી શોધે છે. આત્માને જગાડવાથી લઈ સંગીત સાથે આત્મનિરીક્ષણ બાદ વાત રજૂ કરવાની ક્ષણોની અલગ અનુભૂતિ કરાવે છે આ નાટક. અનેક સફળ પ્રયાસો બાદ હવે ફરી આગામી 22 અને 23 એપ્રિલના રોજ પૃથ્વી થિયેટર ખાતે આ નાટકનું મંચન થવાનું છે.
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(EDએ) મની લોન્ડરિંગના એક જૂના કેસમાં આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ CM વાયએસ જગન મોહન રેડ્ડીના દાલમિયા સિમેન્ટ્સ (ભારત) લિમિટેડ (DCBL)ના રૂ. 27.5 કરોડના શેર અને રૂ. 377.2 કરોડની જમીનને કામચલાઉ રીતે જપ્ત કરી છે. જોકે DCBL એ દાવો કર્યો છે કે જપ્ત કરાયેલી મિલકતની કુલ કિંમત રૂપિયા 793.3 કરોડની છે.
આ કાર્યવાહી વર્ષ 2011માં નોંધાયેલા CBI કેસ સાથે જોડાયેલી છે. એવો આરોપ છે કે દાલમિયા સિમેન્ટ્સે ભારતી સિમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડમાં મૂડીરોકાણ કર્યું હતું, જે જગન રેડ્ડીનું છે. ED દ્વારા જપ્ત કરાયેલા શેર જગન રેડ્ડીના કાર્મેલ એશિયા હોલ્ડિંગ્સ લિમિટેડ, સરસ્વતી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને હર્ષ ફર્મમાં હિસ્સા સાથે સંબંધિત છે.
આ અંગે EDનું કહેવું છે કે DCBLએ રઘુરામ સિમેન્ટ્સ લિમિટેડમાં રૂ. 95 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું, જેનું પ્રતિનિધિત્વ જગન રેડ્ડી કરતા હતા. તેના બદલામાં જગને કથિત રીતે તેમના પિતા અને તત્કાલીન CM વાયએસ રાજશેખર રેડ્ડીના પ્રભાવનો ઉપયોગ કરીને DCBL માટે કડપ્પા જિલ્લામાં 407 હેક્ટર જમીનની ખાણકામ લીઝ મેળવી હતી.
ED attaches Rs 27.5cr shares of ex-Andhra CM YS Jagan Mohan Reddy and Rs 377.2cr land of Dalmia Cements in 14 yr old quid pro quo case. Linked to 2011 CBI probe into DCBL’s investment in Bharathi Cement.
ED અને CBIના કહેવા પ્રમાણે YS જગન રેડ્ડી, પૂર્વ સાંસદ વી વિજયા સાંઈ રેડ્ડી અને DCBLના પુનિત દાલમિયા વચ્ચેના કરાર હેઠળ રઘુરામ સિમેન્ટ્સ લિમિટેડના શેર ફ્રેન્ચ કંપની PARFICIMને 135 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. તેમાંથી રૂ. 55 કરોડ મે, 2010 અને જૂન, 2011 વચ્ચે હવાલા દ્વારા જગનને રોકડમાં આપવામાં આવ્યા હતા. આ ચુકવણીઓની વિગતો દિલ્હીસ્થિત આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલી સામગ્રીમાં મળી હતી.
અમેરિકામાં ટ્રમ્પની સરકાર બની અને જાણે દેશ-દુનિયા માટે ગ્રહોની દશા અને દિશા બદલાઈ ગઈ હોય તેવું વર્તાય રહ્યું છે. ટ્રમ્પ ચૂંટણી જીત્યા બાદથી ગ્લોબલ ન્યૂઝની રોજની હેડલાઈન બની ચૂક્યા છે. ટ્રમ્પ પ્રશાસનની નવી ઈમિગ્રેશન નીતિઓએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે.
કલ્પના કરો, એક યુવાન ભારતીય વિદ્યાર્થી, જે પોતાના ઘર-પરિવાર, દોસ્તો અને આરામદાયક જીવનને પાછળ છોડીને અમેરિકાની ધરતી પર પોતાના સપનાને પાંખો આપવા ઉડાન ભરે છે. ફૂલબ્રાઈટ સ્કોલરશિપ હોય કે ટોચની યુનિવર્સિટીમાં એડમિશન, દરેક પગલું એક નવી આશા જગાવે છે. પરંતુ, અચાનક એક ઈમેલ આવે છે: “તમારો F-1 વીઝા રદ કરવામાં આવ્યું છે. તાત્કાલિક દેશ છોડી દો.” કારણ? ક્યારેક નાનું ટ્રાફિક ઉલ્લંઘન, ક્યારેક સોશિયલ મીડિયા પર એક લાઈક કે કોમેન્ટ, અને ક્યારેક તો કોઈ કારણ જ નહીં. આ છે આજના અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની હકીકત.
હવે એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે, જ્યારે સપનાઓને નીતિઓની બેડીઓ પહેરાવવામાં આવે, તેવામાં શું ભારતીય વિદ્યાર્થી અમેરિકાને કર્મ ભૂમિ તરીકે સ્વીકારી શકશે?
મિતલ ગોસ્વામી, MD, ડાયનેમિક કન્સલ્ટન્ટ્સ, અમદાવાદ
ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે અમેરિકા સહિતના વિવિધ દેશોમાં અભ્યાસ કે અન્ય કારણોસર જતા હોય છે. પરંતુ અમુક જ એવા કેસ જેમાં વિદ્યાર્થીના વિઝા કેન્સલ કરવા કે પરત મોકલવા જેવી ઘટનાઓ ધ્યાને આવતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓનું ધ્યેય નક્કી હોય છે કે અભ્યાસ કરવો અને કારકિર્દીનું આયોજન કરવું. દુનિયાનો કોઈ પણ દેશ હોય વિદ્યાર્થીને તકલીફ ત્યારે પડે છે જ્યારે તે કોઈપણ ચળવળનો હિસ્સો બને, કે રાજકારણના વિવાદોમાં ઉડા ઉતરે કે પછી ત્યાંના ક્લબ્સમાં જઈને જગડા કરે. હા એ વાત બની શકે કે, આ ઘટના પર ટ્રમ્પ સરકાર કડક કાર્યવાહી કરી રહ્યા હોય. જો વિદ્યાર્થી પોતાના ફોક્સ બહાર અને જે તે દેશમાં રહેતા હોય તેના નિર્ણય વિરુધ્ધ ભૌગોલિક તણાવોમાં પોતાનું યોગદાન આપશે તો પછી તેમના વિરુધ્ધ પણ કડક પગલા લેવાઈ શકે. મારા મત પ્રમાણે, હાલના સમયમાં લોકો અમેરિકા સામે U.K., ઓસ્ટેલિયા,અને જર્મનીને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. ભારત સરકારે આ મામલે ગાઈડ લાઈન જાહેર કરી છે અને ભારત સરકાર પણ પોતાના વિદ્યાર્થીની સુરક્ષા માટે જરૂરી પગલાં લેતા હોય છે.
પરેશ મોદી, હાઈકોર્ટ એડવોકેટ, અમદાવાદ
ભારતમાં પોપ્યુલેશન વધારે છે અને આપણે ત્યાં એવી તકો નથી મળતી જેવી વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓને મળી રહી છે. જે લોકો મહેનત કરવા ઈચ્છે છે, તેમના માટે વિદેશનો વિકલ્પ ઉત્તમ છે. ઘણી વખત એવું બનતું હોય કે, વિદ્યાર્થી અભ્યાસના વિઝાનો દુરુઉપયોગ કરે છે અથવા તો કોઈ ગેરકાયદે પ્રવૃતિમાં જોડાય છે. અત્યારના સમયમાં અમેરિકા થોડું કડક વલણ અપનાવી રહ્યું છે. તેમનું માનવું એવુ છે કે તમે જે કોઈ એજન્ડા લઈ આવ્યા છો તેના પર ફોકસ કરો. અમેરિકાની વીઝા નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હા, એ વાત છે કે હાલ જે થઈ રહ્યું છે, તે એમના દેશની પોલીસીની વિરુધ્ધ કામ કરવાથી વિદ્યાર્થીઓનો ભોગ લેવાય રહ્યો છે. કોઈ પણ દેશમાં જતા પહેલાં ત્યાંના સામાન્ય કાનૂન વિશે આપણે થોડી માહિતી રાખવી જોઈએ. આ સાથે જો જાણી-અજાણી રીતે કોઈ ભૂલ થઈ હોય તો ત્યાંની કોર્ટમાં મોસન ટુ ઓપન, અને મોસન ટુ રીઓપન પણ કરી શકાય છે. આ ઉપરાંત આપણે કોર્ટ દ્વારા માફી માગી એને સમસ્યાનું સમધાન લાવી શકાય છે. ટ્રમ્પે એક સ્માર્ટ પગલું ભર્યું છે કે ચળવળોનો જન્મ શાળાઓ અને કોલેજોમાંથી થાય છે. એટલા જ માટે તેમને ત્યાં કડક કાયદાઓ બનાવ્યા છે. આ સામે ભારત સરકારે પણ કોઈ પણ દેશ માટે એવી પોલીસી બનાવવી જોઈએ, જેમાં આપણે તેમને પ્રશ્ન પૂછી શકીએ કે, ક્યા આધાર પર વિદ્યાર્થીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ભારતનું એક લિગલ હેલ્પ ડેસ્ક દરેક દેશમાં હોવું જોઈએ.
દર્શ સોની, વિદ્યાથી, કેનેડા
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સામેના વિવાદોને ચિંતાજનક ગણું છું. ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પ્રો-પેલેસ્ટાઈન આંદોલનને સમર્થન આપે છે, જે અમેરિકાની સુરક્ષા નીતિઓનું ઉલ્લંઘન ગણાય છે. આનાથી યહૂદી વિદ્યાર્થીઓને અસુરક્ષા લાગે છે, જેના કારણે આવા વિદ્યાર્થીઓને ઓળખીને ડિપોર્ટ કરવામાં આવે છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ એક્સ જેવા પ્લેટફોર્મ પર લેફ્ટ આઇડિયોલોજીનું સમર્થન કરે છે, જે રાજકીય દબાણને આમંત્રણ આપે છે. મારા મતે, વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરવાનો હક છે, પરંતુ સ્થાનિક કાયદા અને સંવેદનશીલતાનું પાલન કરવું જરૂરી છે. આ નીતિઓ ભારતીય વિદ્યાર્થીઓના શૈક્ષણિક સપનાંને અસર કરે છે, પરંતુ સંવાદ અને સમજણથી આ મુદ્દાઓનો ઉકેલ શક્ય છે. વિદ્યાર્થીઓએ સકારાત્મક અભિગમથી પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવું જોઈએ.
જય શંકર જાની, જર્નલિઝમ સ્કોલર, અમદાવાદ
અમેરિકામાં ભારતીય સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, તાજેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિઝા રદ થવાના બનાવો, ડિપોર્ટેશનની ધમકી અને યુનિવર્સિટીઓ પર ફેડરલ દબાણ જેવા વિવાદો ચિંતાજનક છે. આ પરિસ્થિતિએ અમેરિકામાં અભ્યાસ માટેના વિશ્વાસને ધક્કો પહોંચાડ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ હવે ભવિષ્યના સુરક્ષિત વિકલ્પ તરીકે ભારતમાં જ અભ્યાસ કરવાનો વિચાર કરી રહ્યા છે. સાથે જ, કૅનડા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો વધુ સ્થિર અને અનુકૂળ નીતિઓના કારણે વિકલ્પ રૂપે સામે આવી રહ્યા છે. હાલમાં અમેરિકા સ્થિત ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ મિશ્ર છે. જેમના દસ્તાવેજો યોગ્ય છે અને જેમણે વિવાદાસ્પદ પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું પસંદ કર્યું છે, તેમનું ભવિષ્ય સ્થિર બની શકે છે. અન્યથા, નાની ઘટનાઓ પણ ગંભીર પરિણામ આપી શકે છે. ભારત સરકાર માટે આવાં સમયમાં સક્રિય હસ્તક્ષેપ જરૂરી છે. દૂતાવાસો દ્વારા સહાય કેન્દ્રો, વિદેશી સરકારો સાથે સંવાદ, અને વિદ્યાર્થીઓના હક્ક માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવાની જરૂર છે. આવી નીતિગત અસ્થિરતા ભારતના વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યાવસાયિક ભવિષ્ય માટે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન છેલ્લા ઘણા સમયથી તેમની આગામી ફિલ્મ ‘સિતાર જમીન પર’ને લઈને સમાચારમાં છે. આમિરની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે ફિલ્મના દરેક અપડેટ વિશે માહિતી માંગે છે. તાજેતરમાં જ માહિતી બહાર આવી હતી કે આમિર ખાનની ‘સિતારે જમીન પર’ 20 જૂને રિલીઝ થશે. હવે ફિલ્મને લઈને બીજી એક નવી માહિતી બહાર આવી છે. જે બાદ ચાહકો ફિલ્મને લઈને વધુ ઉત્સાહિત થઈ ગયા છે.
ફિલ્મમાં 10 મુખ્ય પાત્રો હશે
આમિર ખાને પોતે ફિલ્મ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. આમિરે બોલિવૂડ હંગામાને જણાવ્યું હતું કે ફિલ્મમાં ફક્ત એક કે બે નહીં પરંતુ 10 મુખ્ય પાત્રો હશે. અભિનેતાએ જણાવ્યું કે ‘સિતાર જમીન પર’ ના મુખ્ય પાત્રોમાં કેટલાકને ડાઉન સિન્ડ્રોમ છે અને કેટલાક ઓટીસ્ટીક છે. ફિલ્મના કેટલાક મુખ્ય પાત્રો પણ દિવ્યાંગ લોકોએ ભજવ્યા છે.
આ ફિલ્મ 20 જૂને રિલીઝ થશે
‘સિતાર જમીન પર’ વિશે દર્શકોમાં ઘણો ઉત્સાહ છે. તાજેતરમાં, ફિલ્મની રિલીઝ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. જેમાં, અહેવાલોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘સિતાર જમીન પર’ 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર અજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ સાથે જોડવામાં આવશે જે 1 મેના રોજ રિલીઝ થઈ રહી છે. જે આ ફિલ્મ સાથે બતાવવામાં આવશે.
ફિલ્મમાં આમિર સાથે જેનેલિયા છે
‘સિતાર જમીન પર’ આમિર ખાનની 2007માં આવેલી ફિલ્મ ‘તારે જમીન પર’ની સિક્વલ છે. તારે ઝમીનને બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળતા મળી. આ ફિલ્મને દર્શકો અને વિવેચકો બંને તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ જ કારણ છે કે જ્યારથી આમિરે ‘સિતારે જમીન પર’ની જાહેરાત કરી છે, ત્યારથી દર્શકોમાં આ ફિલ્મને લઈને ઉત્સાહ છે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે જેનેલિયા દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ઉનાળાની તપતી ગરમી વાહનો અને ચાલકો બંનેને અસર કરે છે. આ સમયે વાહનચાલકોએ પોતાના સ્વાસ્થ્યની સાથે વાહનની જાળવણી પર ધ્યાન આપવું જરૂરી છે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, ચાલકોએ પૂરતું પાણી પીવું, આરામ લેવો અને વાહનની ટેકનિકલ તપાસ કરાવવી જોઈએ.ૉ
ગરમીમાં વાહનચાલકો માટે સૂચનો
ટાયરની કાળજી: નિયત હવાનું દબાણ તપાસો. જો ટાયરની ઉંમર વધુ હોય કે નિયત કિલોમીટર પૂર્ણ થઈ ગયા હોય, તો તે બદલી નાખો.
એન્જિન અને ફિલ્ટર: એન્જિન ઓઈલ, કૂલન્ટ, અને એર ફિલ્ટર નિયમિત સાફ કરાવો. નિયત કિલોમીટર પછી આ બદલવા જરૂરી છે.
રેડિયેટર અને એ.સી.: રેડિયેટર તથા એ.સી. સિસ્ટમના પાઈપોની ટેકનિશિયન પાસે તપાસ કરાવો, જેથી ઓવરહિટિંગ ટળે.
હાઈડ્રેશન: વાહનમાં પીવાનું પાણી રાખો અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવો.
વિરામ: લાંબી મુસાફરીમાં દર 1-1.5 કલાકે 10 મિનિટનો આરામ લો.
બાળકોની સલામતી: ગરમીમાં બાળકોને કારમાં એકલા ન છોડો, કારણ કે હીટ સ્ટ્રોક જોખમી બની શકે છે.
CNG વાહનો: ISI પ્રમાણિત અગ્નિશામક ઉપકરણ રાખો અને તેની નિયમિત તપાસ કરાવો.
આ માર્ગદર્શિકા અનુસાર, નાગરિકોએ ગરમીમાં વાહનની જાળવણી અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપીને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવી જોઈએ. આ નાની સાવચેતીઓ મોટા અકસ્માતો ટાળી શકે છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસઅધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે. વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ખાલી હોવાથી ત્યાં પેટા ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે. એવામાં હવે આ બંને બેઠકો પર ગઠબંધન વિના ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
તેમણે જાહેરાત કરી છે કે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે. આ બંને બેઠકો પર કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે. આ ગઠબંધન વિશે વાત કરતાં શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ગઠબંધનનો કેટલાક નિયમ હોય છે. કેન્દ્રમાં અમારું ગઠબંધન યથાવત્ છે, પરંતુ રાજ્ય અંગે હાઇ કમાન્ડ તરફથી સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારો ઉતારશે.
વિસાવદરમાં ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતાં બેઠક ખાલી પડી હતી. કડી વિધાનસભા બેઠક પરથી કરશન સોલંકીના નિધનના કારણે બેઠક ખાલી પડી હતી. જોકે આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પરથી પહેલાંથી જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે. કોંગ્રેસ પણ ટૂંક સમયમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરશે. જોકે અગાઉ આપ નેતા ઈસુદાન ગઢવીએ વિસાવદરમાં ઉમેદવાર ન ઊભા રાખવા કોંગ્રેસને અપીલ કરી હતી.
વિસાવદર બેઠક પર ભૂતપૂર્વ CM કેશુભાઈ પટેલની આ પરંપરાગત બેઠક ગણાય છે અને તેમના બાદ જો કોઈએ સૌથી વધુ આ બેઠક પર જીત મેળવી હોય તો તે હર્ષદ રિબડિયા છે. કોંગ્રેસની ટિકિટ પરથી હર્ષદ રિબડિયા બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ ગઈ ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાયા અને તેમને આપ પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીએ 7000 મતોના માર્જિનથી હાર આપી હતી.
2025નો પહેલો ક્વાર્ટર વીતી ગયો છે. પરંતુ અત્યાર સુધી ‘છાવા’ સિવાય બોલિવૂડના ખાતામાં બીજી કોઈ મોટી ફિલ્મ આવી નથી. આ ઉદ્યોગ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. હવે દિગ્દર્શક શૂજિત સરકારે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બોલિવૂડમાં શું ખોટું થઈ રહ્યું છે, જેના કારણે દર્શકો ફિલ્મોમાં નથી આવી રહ્યા તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
જોખમ લેવું પડશે
ANI સાથેની વાતચીતમાં, દિગ્દર્શક શૂજિત સરકારે ફિલ્મો સારી ન ચાલી રહી હોવા અને દર્શકો થિયેટરોમાં ન આવતા હોવા અંગે પોતાના વિચારો શેર કર્યા. દિગ્દર્શકે કહ્યું, “આના બે ખૂબ જ મહત્વપૂર્ણ કારણો છે. પ્રથમ, હું કહીશ કે ફિલ્મ દિગ્દર્શકો અને નિર્માતાઓ, સર્જનાત્મક લોકો તરીકે જોખમ લેતા નથી. જ્યારે વાર્તા કહેવાની વાત આવે છે, ત્યારે તમે જૂની વાર્તાઓનું પુનરાવર્તન કરી શકતા નથી. તમારે ક્યાંકને ક્યાંક થોડું જોખમ લેવું પડશે. તમારે નવા, વ્યવહારુ વિષયો લાવવાની જરૂર છે, પછી ભલે તે શૈલી ગમે તે હોય.”
સ્ટાર્સે તેમની ફી ઘટાડવી પડશે
શૂજિત સરકારે બોલિવૂડ સ્ટાર્સની ફી અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને આ અંગે પોતાના સૂચનો આપ્યા. તેમણે કહ્યું, “કેટલાક લોકપ્રિય કલાકારોએ તેમની ફી પર પુનર્વિચાર કરવો જોઈએ, નહીંતર તકો ગુમાવવાનું જોખમ લેવું જોઈએ. લોકો જે ફી લે છે તેના વિશે હું વધુ કહીશ નહીં, પરંતુ એક વાતની મને ખાતરી છે કે લોકપ્રિય કલાકારોએ તેમની ફી ઘટાડવી પડશે. જો તેઓ આમ નહીં કરે, તો દિગ્દર્શકો તેમનો સંપર્ક કરવાનું બંધ કરી દેશે.”
આપણી ફિલ્મોનો ખર્ચ વધારે નથી હોતો
તેમના પ્રોડક્શન હાઉસ રાઇઝિંગ સન ફિલ્મ્સ વિશે વધુ વાત કરતા દિગ્દર્શકે કહ્યું, “અમારી સાથે આવું ક્યારેય બન્યું નથી. અમે જેટલી પણ ફિલ્મો બનાવી છે, તેમાં અમે ક્યારેય ખર્ચ વધારે પડતો વધવા દીધો નથી. તેથી અમારી પાસે ઓછી ફરિયાદો છે. અમે એવા કલાકારો સાથે કામ કર્યું છે જેઓ સમજે છે કે તેઓ શૂજિત સરકાર સાથે રાઇઝિંગ સન ફિલ્મ પર કામ કરી રહ્યા છે અને ખર્ચ વધારે નહીં હોય.”
યમનના હૂથી વિદ્રોહીઓના કબજા હેઠળના રાસ ઈસા ઓઈલ પોર્ટ પર અમેરિકાએ ગુરુવારે ઘાતક હવાઈ હુમલો કર્યો, જેમાં 38 લોકોનાં મોત થયાં અને 102 લોકો ઘાયલ થયા. હૂથીઓએ આ દાવો કર્યો છે, જ્યારે અમેરિકન સૈન્યના સેન્ટ્રલ કમાન્ડે હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલો હૂથીઓના આર્થિક સ્ત્રોતો અને સંસાધનોને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો, કારણ કે યમનની 70% આયાત અને 80% માનવતાવાદી સહાય આ પોર્ટ દ્વારા પસાર થાય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ હેઠળ, અમેરિકન સૈન્ય હૂથીઓના વિસ્તારો પર સતત હુમલા કરી રહ્યું છે. રાસ ઈસા પોર્ટ પરનો આ હુમલો અત્યાર સુધીનો સૌથી ઘાતક હતો, જેમાં પોર્ટના કામદારો અને પેરામેડિક્સનો પણ સમાવેશ થાય છે. આ પહેલાં માર્ચમાં અમેરિકાએ બે દિવસ સુધી હુમલા કર્યા હતા, જેમાં 50થી વધુ લોકો માર્યા ગયા હતા. અમેરિકાનો ઉદ્દેશ હૂથીઓને ફંડિંગ અને સંસાધનોની સપ્લાય રોકવાનો છે.
હૂથી નેતા મોહમ્મદ નાસર અલ-અતિફીએ જણાવ્યું કે આ હુમલાઓથી તેઓ ડરશે નહીં અને ગાઝાને સમર્થન આપવાનું ચાલુ રાખશે. નવેમ્બર 2023થી અમેરિકા અને ઈઝરાયલે હૂથીઓના 100થી વધુ જહાજો પર હુમલા કર્યા છે. બીજી તરફ, હૂથીઓએ 15 માર્ચથી અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ 59 હુમલા કર્યા છે, જેમાં 26 હુમલા ઈઝરાયલ અને 33 હુમલા યુએસ એરક્રાફ્ટ કેરિયર્સ પર હતા.
રેડ સી સંકટ ઓક્ટોબર 2023માં શરૂ થયું, જ્યારે ઈરાન-સમર્થિત હૂથીઓએ ગાઝા યુદ્ધમાં ઈઝરાયલ વિરુદ્ધ હુમલા શરૂ કર્યા. ગાઝાને સમર્થન આપવા તેઓએ ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. આના જવાબમાં અમેરિકા અને ઈઝરાયલે હૂથીઓ વિરુદ્ધ સંયુક્ત કાર્યવાહી શરૂ કરી. આ હુમલાઓથી યમનના નાગરિકોને પણ નુકસાન થયું છે, જે વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે.
અમદાવાદ: ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઈડેનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે ઈસાઈ ધર્મના પ્રવર્તક પ્રભુ ઈસુ મસીહએ માનવ કલ્યાણ માટે વધ સ્થંભ પર લટકી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. એમને વધ સ્થંભ પર લટકાવી યાતનાઓ આપવામાં આવી હતી. જેના દ્રશ્યો અમદાવાદ શહેરની સેંટ ઝેવિયર્સ શાળામાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જમાલપુર વિસ્તાર નજીક રાયખડમાં આવેલી ચર્ચ પાસેથી ગુડ ફ્રાઈડે નિમિત્તે એક રેલી નીકળી હતી. શહેરના તમામ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રાર્થના કરી હતી.રાયખડ પાસેની ચર્ચ પાસેથી નીકળેલી રેલીના સંચાલન કાર્યકર રુફાસભાઈ કહે છે, “એ સમયે ભગવાન ઈશુએ માનવ જાતના કલ્યાણ માટે વેઠેલી યાતનાઓને અહીં અમે પ્રતિકાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ. આજના દિવસને ઈસાઈ અનુયાયી શોક દિવસ તરીકે મનાવે છે. આ દિવસે ઈસાઈ ધર્મને માનતા લોકો ચર્ચમાં જઈ પ્રભુને યાદ કરે છે.” ઈસાઈ માન્યતાઓ અનુસાર પવિત્ર ગુરુવારની સાંજે ભોજન બાદ કોઈ ઉત્સવ નથી થતા. આ સમય ઈસ્ટરની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા સ્થળ ખાલી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા ઘરમાં ક્રોસ, મીણબત્તી, વસ્ત્ર કંઈ જ પણ ચઢતું નથી. આ ઉપરાંત જળના પાત્ર પણ ખાલી કરી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે ઈશુને ક્રોસ પર લટકાવાયા હતા તે દિવસે શુક્રવાર હતો, ત્યારથી આ દિવસને ગુડ ફ્રાઈડ કહેવામાં આવે છે. ક્રોસ પર લટકાવાયાના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવારે ઈસા મસીહ ફરી જીવિત થયા હતા. આ દિવસની ખુશી તરીકે ઈસ્ટર રવિવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ઈસ્ટર સંડે કહેવામાં આવે છે.ઈસાઈ ધર્મ અનુસાર ઈસા મસીહ પરમેશ્વરના પુત્ર હતા. ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો કારણ કે તે અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા લોકોને શિક્ષિત અને જાગૃત કરી રહ્યા હતા. એ સમયે કટ્ટરપંથીઓ એમનો વિરોધ કરી રહ્યા હતા. કટ્ટરપંથીઓએ રોમન ગવર્નરને ઈશુની ફરિયાદ કરી હતી. કટ્ટર પંથીઓને ભય હતો કે, એમના વિરુદ્ધ આરોપ ઘડી નાખ્યો.. ઈશુને ક્રોસ પર લટકાવી અને મારી નાખવાનો આદેશ આપ્યો. પરંતુ યુગ પ્રવર્તક ભગવાન ઈશુએ પોતાના હત્યારાઓ માટે પણ પ્રાર્થના કરી કે ઈશ્વર તેમને ક્ષમા કરે કારણ કે તેઓ જાણતા નથી કે તે શું કરી રહ્યા છે.