Home Blog Page 994

નૌકામાં આગ લાગ્યા પછી પલટતાં 148નાં મોત, અનેક લાપતા

નવી દિલ્હીઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઓઇલ લઈ જતી એક નૌકામાં આગ લાગી હતી અને એ ઊંધી વળી જતાં કમસે કમ 148 લોકોનાં મોત થયાં છે અને અનેક લાપતા થયા છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. 

સ્થાનિક અધિકારીઓના અહેવાલ અનુસાર એક લાકડાની નૌકામાં કુલ 500 જેટલા મુસાફરો સવાર હતા,જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા. એ દરમ્યાન આગ લાગી હતી. આ દુર્ઘટના કોંગોના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સર્જાઈ હતી. આ દુર્ઘટના ઇક્વેટરની રાજધાની મબંડાકાની પાસે અ કોંગો નદીના સંગમ પર થઈ હતી. કોંગો વિશ્વની સૌથી ઊંડી નદી છે.

એક મહિલાએ ખાવાનું બનાવવા માટે આગ લગાડી હતી, એની ચિંગારીથી પાસે રહેલા ઓઇલમાં આગ લાગી હતી અને એનાથી ધડાકો થયો હતો, જેને કારણે નૌકા પલટી ગઈ હતી, એમ એખ અધિકારીએ જણાવ્યું હતું.કોંગોમાં બોટ દુર્ઘટના સામાન્ય વાત છે. અહીં લાકડાની બનેલી બોટો પરિવહનનું મુખ્ય સાધન મનાય છે અને અનેક વાર તેમાં ક્ષમતા કરતાં વધારે લોકોની અવર-જવર કરવામાં આવે છે, જે દુર્ઘટનાનું કારણ બને છે. તાજેતરની દુર્ઘટનામાં હજુ પણ સેંકડો લોકો ગુમ છે જેને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા મૃતકાંક 50 જણાવાયો હતો જોકે પછીથી આંકડો વધ્યો હતો. આ બોટ મટનકુમુ પોર્ટથી બોલોમ્બા માટે જવા રવાના થઈ હતી એમ અહેવાલ કહે છે.

‘કુલી’ ની કિંમત વધારવા મનમોહન દેસાઇનું નામ મુકાયું

નિર્દેશક મનમોહન દેસાઇની ગણાતી ફિલ્મ ‘કુલી’ (1983) ના શરૂઆતના ટાઈટલ્સ જેમણે પણ ધ્યાનથી જોયા હશે કે પોસ્ટર પણ જોયું હશે એમને ખબર હશે કે એમાં નિર્દેશક તરીકે પહેલાં પ્રયાગ રાજ અને મનમોહન દેસાઇનું બંનેનું નામ લખાયું છે. અમિતાભ સાથે ફિલ્મ ‘નસીબ’ (1981) પછી મનમોહન દેસાઇએ ‘કુલી’ પર કામ શરૂ કરી દીધું હતું. પરંતુ ‘દેશપ્રેમી’ (1982) નું નિર્દેશન કરી રહ્યા હોવાથી મોડેથી શરૂ કરવી પડી હતી. એમની ઘણી ફિલ્મોના વાર્તાલેખક પ્રયાગ રાજને ‘કુલી’ ના નિર્દેશક તરીકે નક્કી કર્યા હતા.

પ્રયાગ રાજ અગાઉ પાપ પુણ્ય, ચોર સિપાહી, પોંગા પંડિત વગેરે ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા હતા. કહેવાયું છે કે જ્યારે ‘કુલી’ ના વિતરણ અધિકાર વેચવાની વાત આવી ત્યારે મનમોહનને ખ્યાલ આવી ગયો કે વાર્તા લેખક તરીકે પ્રયાગ સફળ છે પણ નિર્દેશક તરીકે એમનું નામ આવવાથી ‘કુલી’ ની કિંમત વધારે મળી રહી નથી. એમણે પ્રયાગ રાજને કહ્યું કે નિર્દેશક તરીકે મારું પણ નામ રાખવાથી કિંમત સારી મળી શકે એમ છે. પ્રયાગને એની સામે કોઈ વાંધો ન હતો. એટલે જ પોસ્ટર ઉપર પણ પ્રયાગ રાજનું નામ પહેલાં રાખવામાં આવ્યું હતું. બાકી અગાઉ ઘણી વખત પ્રયાગ રાજે મનમોહનની ફિલ્મો માત્ર લેખક તરીકે જ કરી હતી.

મનમોહનના પુત્ર કેતન દેસાઈની નિર્માતા તરીકે આ પહેલી ફિલ્મ હતી. જો ફિલ્મ ટાઈટલ્સને વધુ ધ્યાનથી જોવામાં આવશે તો ખબર પડશે કે ‘કુલી’ જેવી મસાલા ફિલ્મના એડિટર ઋષિકેશ મુખર્જી હતા. નિર્દેશક તરીકે એમણે ક્યારેય આવી ફિલ્મ બનાવી નથી. ફિલ્મના ઘણા કલાકારો બદલાયા હતા. ‘કુલી’ માં અમિતાભની હીરોઈન તરીકે અનિતા રાજને લેવા માટે તેના પિતા જગદીશ રાજે ભલામણ કરી હતી. ઋષિકેશ મુખર્જીની પોતાની અમિતાભ સાથેની ફિલ્મ ‘ઔકાત’ માટે પણ અનિતાનું નામ હતું. કોઈએ અનિતા મોટી સ્ટાર ન હોવાનું કહ્યું એટલે ‘કુલી’ માં તક ના મળી. અને ‘ઔકાત’ તો બની જ ના શકી. ત્યારે ફિલ્મ ‘એક દુજે કે લિયે’ (1981) હિટ રહી હોવાથી રતિ અગ્નિહોત્રીનું નામ હતું. તેથી એને અમિતાભની હીરોઈન તરીકે તક મળી ગઈ હતી.

રિશિ કપૂર સાથે હીરોઈન તરીકે રીના રોયનો વિચાર થયો હતો. પછી સોમા આનંદને તક મળી હતી. રંજીતા કોરે એક મુલાકાતમાં એમ કહ્યું હતું કે રિશિ સામે પહેલાં એને તક મળી રહી હતી પણ નિર્માતા કેતન દેસાઇની ભલામણને કારણે એના બદલે સોમાને લેવામાં આવી હતી. જ્યારે સોમાએ કહ્યું હતું કે અસલમાં સુપ્રિયા પાઠકનું નામ હતું પણ એ મસાલા ફિલ્મોની હીરોઈન લાગતી ન હોવાથી મને પસંદ કરવામાં આવી હતી. મુખ્ય વિલન તરીકે કાદર ખાન હતા. કેમકે એ અગાઉ મનમોહનના નિર્દેશનમાં અમિતાભ સાથે ઘણી ફિલ્મો કરી ચૂક્યા હતા અને ‘કુલી’ ના સંવાદ લેખક હતા.

સંવાદ એટલા જબરદસ્ત હતા કે એની અલગથી ઓડિયો કેસેટ બહાર પાડવામાં આવી હતી. ફિલ્મમાં ડેનીને એક ભૂમિકા કરવા કહેવામાં આવ્યું હતું. ડેની મનમોહન દેસાઈની ફિલ્મોને પસંદ કરતાં ન હોવાથી ગોગા કપૂરને તક મળી હતી. એ જ રીતે શરત સક્સેનાનું જે ભૂમિકા માટે નામ હતું એ પાછળથી પુનિત ઇસ્સરને મળી હતી. પુનિતની આ પહેલી ફિલ્મ હતી અને એક એક્શન દ્રશ્ય દરમ્યાન પુનિત સાથે કામ કરતાં અમિતાભ ઇજાગ્રસ્ત બન્યા હતા. મનમોહન દેસાઇની એ વાત સાચી પડી હતી કે એમના નામથી ‘કુલી’ ની કિંમત વધુ મળશે. ફિલ્મ પાછળ રૂ.૨ કરોડનો ખર્ચ કર્યો હતો અને વિતરણ અધિકારથી જ રૂ.૩.૫ કરોડ મળી ગયા હતા. અને કુલ કમાણી રૂ.૯ કરોડ સુધી પહોંચી હતી.

ગુલકંદ – ૧૯ એપ્રિલ ૨૦૨૫

૧૯ એપ્રિલ ૨૦૨૫

પંચાંગ 19/04/2025

ગુજરાતમાં હીટવેવ અને ધૂળની ડમરીનું એલર્ટ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે 18 એપ્રિલ, 2025 (શુક્રવાર) માટે કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી સાત દિવસ રાજ્યમાં ઊંચું તાપમાન અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, 19 અને 20 એપ્રિલે કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના 24 જિલ્લામાં ધૂળની ડમરી સાથે તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે. 19-20 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ અને અરવલ્લી જિલ્લામાં ધૂળની ડમરી ઉડાડે તેવા પવનની આગાહી છે. 21 એપ્રિલે હવામાન શુષ્ક રહેશે, જ્યારે 22થી 24 એપ્રિલ દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.

આગામી 24 કલાક બાદ, 2 દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 19 એપ્રિલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શુક્રવારે સવારે 8:30 સુધીના 24 કલાકમાં કંડલા એરપોર્ટે 44.6 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું, જ્યારે ભુજમાં 41.4, સુરેન્દ્રનગરમાં 43.3, રાજકોટમાં 42.9, ડીસામાં 40.2, અમદાવાદમાં 41.8, ગાંધીનગરમાં 41, અમરેલીમાં 42.5 અને વડોદરામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું.

નાગરિકોએ ગરમીથી બચવા પૂરતું પાણી પીવું, બહાર નીકળતી વખતે છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો અને ધૂળની ડમરી દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ. માછીમારોએ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરીને દરિયામાં ન જવું જોઈએ.

કેએલ રાહુલ-આથિયાએ તેમની પુત્રીના નામનો કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી તાજેતરમાં જ માતા-પિતા બન્યા છે. આલિયા અને દીપિકાની જેમ, આથિયા શેટ્ટી પણ એક પુત્રીની માતા બની ગઈ છે. તેણીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. કેએલ રાહુલથી લઈને સુનીલ શેટ્ટી સહિત પરિવારના તમામ સભ્યો બેબી ગર્લના આગમનથી હરખમાં છે. હવે આ બાળકીની ઝલક સાથે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ દુનિયાને તેમની પુત્રીનું નામ જણાવી દીધું છે. સુનીલ શેટ્ટીની પૌત્રીનું નામ ખૂબ જ અનોખું છે એમ કહેવું ખોટું નથી.

દીકરીનું નામ શું છે?

કેએલ રાહુલના જન્મદિવસના ખાસ પ્રસંગે આથિયા શેટ્ટીએ તેની પુત્રીની પહેલી ઝલક દુનિયાને બતાવી છે. આ સાથે તેમણે પોતાની પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે. આ પોસ્ટમાં એક ખાસ તસવીર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં કેએલ રાહુલ પોતાની દીકરીને ખોળામાં પકડીને બેઠો છે અને સામે ઉભેલી આથિયા તેને હળવેથી સ્પર્શ કરી રહી છે. તસવીર ખૂબ જ સુંદર છે. આ સાથે તેણે કેપ્શનમાં તેની પુત્રીનું નામ જાહેર કર્યું, જેનું નામ ઇવારા છે. કેપ્શનમાં તેણે લખ્યું, ‘આપણી બાળકી, આપણું બધું. ઇવારા – ભગવાનની ભેટ.’

 

View this post on Instagram

 

A post shared by KL Rahul👑 (@klrahul)

નામનો અર્થ શું છે?

દીકરીના નામનો અર્થ કેપ્શન પરથી જ સ્પષ્ટ થઈ ગયો છે. આથિયા અને કેએલ રાહુલે તેમની દીકરીને ભગવાનની ભેટ કહી અને તેના નામનો અર્થ પણ એ જ છે. માર્ચમાં, આથિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ દ્વારા ચાહકો સાથે તેની પુત્રીના જન્મના સારા સમાચાર શેર કર્યા હતાં. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત પણ કરી હતી અને તે સતત પોતાની ગર્ભાવસ્થાના ફોટા બતાવી રહી હતી.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 23 જાન્યુઆરી, 2023 ના રોજ સુનીલ શેટ્ટીના ખંડાલાના ફાર્મહાઉસમાં ખાનગી લગ્ન કર્યા હતા. નવેમ્બર 2024 માં, બંનેએ તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી. સોશિયલ મીડિયામાં જાહેરાત કરતાં તેમણે લખ્યુ હતું કે,’આપણા સુંદર આશીર્વાદ ટૂંક સમયમાં આવી રહ્યા છે, 2025.’

વર્લ્ડ હેરિટેજ ડે: જામનગરનો ભુજીયો કોઠો લઇ રહ્યો છે નવા રંગરૂપ

જામનગર: એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા જામનગરના ભવ્ય ભૂતકાળની યાદ તાજી કરાવતા અનેક ધરોહરરૂપ ઈમારતોનું રાજય સરકારની સહાયથી જામનગર મહાનગરપાલિકા પુન:નિર્માણ અને પુન:સ્થાપન કરી રહી છે. દુષ્કાળના કપરા સમયે તત્કાલીન રાજવીએ પ્રજાને માનભેર આજીવિકા મળી રહે અને પાણીના સંગ્રહ માટે શહેરની મધ્યમાં લાખોટા તળાવ અને લાખોટા કોઠાનું નિર્માણ કરેલ. સાથે-સાથે જામનગરની ઓળખ ગણાતા ઐતિહાસિક ભુજીયા કોઠાનું તળાવની પાળે બાંધકામ કરેલ.

જામનગરના રાજવી જામ રણમલજીએ બંધાવેલ તે સમયની 137 ફૂટની ઉંચાઈ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઈમારત ગણાતી. અગાઉ આ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો. ઇ.સ.1839 થી 1852 વચ્ચે ગોળ બાંધણીવાળા કલાત્મક અને આકર્ષક ભૂજીયા કોઠાના બાંધકામમાં 13 વર્ષનો સમય લાગ્યો હતો.

2001ના ધરતીકંપ દરમ્યાન જામનગરની ઓળખ ગણાતા આ ભુજીયા કોઠાને અતિશય નુકશાન થયેલ. હાલ, અંદાજે રૂ.23 કરોડના ખર્ચે 173 વર્ષ જૂના ભુજીયા કોઠાના રિસ્ટોરેશનનું કામ ચાલુ છે.

મૂળ કચ્છમાંથી આવેલ જામનગરના રાજવંશ અને ભુજના રાજા ભાઈઓ હતા. જેમણે લગભગ 300 કિમી દૂર પોતાના રાજ્યો સ્થાપ્યા હતા. લોકવાયકા તો એવી છે કે, ભુજિયો કોઠો જામનગરથી ભુજ જવાના ગુપ્ત માર્ગનું પ્રવેશદ્વાર હતું. તેથી તેનું નામ ભુજીયો કોઠો રાખેલ.

બાંધકામની દ્રષ્ટિએ ભુજિયો કોઠો તેના ઘેરાવા અને ઊંચાઈના કારણે અજોડ છે. 137 ફૂટની ઉંચાઈ ધરાવતું આ સ્ટ્રક્ચર તે સમયે સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઐતિહાસિક ઈમારત હતી. કોઠાના બાંધકામમાં કુલ ચાર લાખ પચીસ હજાર કોરીનું ખર્ચ થયું હતું. ભુજીયો કોઠો પાંચ માળનો છે. 66 પગથિયા ચડ્યા બાદ પ્રથમ માળે પહોંચી શકાય છે. ભુજીયાકોઠામાં સિંહદ્વાર ઉપરાંત કાષ્ઠ થાંભલાની હાર અને મકરા કૃતિ કમાનોથી સુશોભિત ડાયમંડ અને લુમાઓના શણગાર સુશોભિત રંગમંડપ, સુંદર પડસાળ, ચોતરફ વર્તુળાકારે ફરતી અટારી આવેલી છે. ભુજીયા કોઠા પરથી નજર કરતા શહેરનું મનોહ૨ દૃશ્ય દેખાય છે.

જામનગરના કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું કે, આશરે રૂ. 45 કરોડના ખર્ચે જામનગ શહેરના પુરાતત્વીય સ્મારકોનું રિસ્ટોરેશન-રિનોવેશનનું કામ કરવામાં આવશે. જેમાંથી લાખોટા કોઠાનું કામ થઈ ગયું છે. આ ઉપરાંત, શહેરના ભૂતકાળના પ્રવેશદ્વાર ગણાતા ખંભાળિયા ગેઈટ અને ગ્રેઇનમારકેટ પાસેના ત્રણ દરવાજાનું રિસ્ટોરેશન થઈ ગયું છે. હજુ અંદાજે રૂ.12 કરોડના ખર્ચે માંડવી ટાવર, દરબારગઢ અને એકદંડિયા મહેલનું પુન:નિર્માણ થવાનું કામ બાકી છે. ભુજીયા કોઠાના રેસ્ટોરેશનની કામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ જૂન-2025 પહેલાં પૂર્ણ થઇ જશે તથા બીજા તબક્કાનું કામ અંદાજે વર્ષ ૨૦૨૫ના અંતમાં પૂર્ણ થશે તેમ જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરશ્રી ભાવેશ જાનીએ જણાવ્યું છે.

(પાર્થ સુખપરિયા – જામનગર)

પાકિસ્તાન માફી માગે અને 4.3 અબજ $ ચૂકવેઃ બાંગ્લાદેશ

ઢાકાઃ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 15 વર્ષ પછી સૌપ્રથમ વાર વિદેશ સચિવ સ્તરની વાતચીત થઈ હતી. એ સમય દરમિયાન બાંગ્લાદેશે ઘણા વણઉકેલાયેલા મુદ્દાઓ ઉઠાવ્યા. બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીને 1971ના અત્યાચાર માટે પાકિસ્તાન પાસેથી ઔપચારિક માફી માગવાની માગ કરી હતી. આ સિવાય બાંગ્લાદેશે કહ્યું હતું કે પાકિસ્તાને 1971ની સંયુક્ત સંપત્તિમાંથી બાંગ્લાદેશને તેનો હિસ્સો 4.3 બિલિયન ડોલર (રૂ.36 હજાર કરોડ અથવા રૂ. 52,000 કરોડ) ચૂકવવા જોઈએ, જ્યારે બંને દેશો એક હતા. આ સાથે તેણે 1970માં આવેલા ચક્રવાત દરમિયાન બાંગ્લાદેશ (તે સમયે પૂર્વ પાકિસ્તાન)ને મદદ કરવા બદલ મળેલા 200 મિલિયન ડોલર (લગભગ 2400 કરોડ રૂપિયા) પણ ચૂકવવા જોઈએ.

આ ઉપરાંત બાંગ્લાદેશે ઢાકા કેમ્પમાં રહેતા ત્રણ લાખથી વધુ ફસાયેલા પાકિસ્તાનીઓને પરત લાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બાંગ્લાદેશમાં તેમને ‘બિહારી’ કહેવામાં આવે છે. તેઓ મૂળ ઉર્દૂભાષી મુસ્લિમ સ્થળાંતર કરનારા છે, જેઓ 1947માં ભારતના ભાગલા પછી બિહાર અને ઉત્તર પ્રદેશથી પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)માં સ્થાયી થયા હતા.

1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પછી આ લોકોએ પશ્ચિમ પાકિસ્તાન પ્રત્યે વફાદારી દર્શાવી, જેના કારણે તેમને બાંગ્લાદેશમાં ભેદભાવ અને અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ‘પાકિસ્તાન સમર્થક’ માનવામાં આવતા હતા અને તેમની સામે બદલો લેવામાં આવતો હતો. તેમની મિલકતો જપ્ત કરવામાં આવી અને તેમણે હિંસા, બળાત્કાર અને હત્યાનો સામનો કરવો પડ્યો હતો.

રશિયાનો મહત્વનો નિર્ણય, તાલિબાન પરથી હટાવ્યો પ્રતિબંધ

રશિયાએ તાલિબાનને આતંકવાદી જૂથની યાદીમાંથી બહાર કરીને 2003માં લાદેલા પ્રતિબંધો દૂર કર્યા છે. આ નિર્ણયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને વૈશ્વિક સ્તરે માન્યતા મેળવવાના પ્રયાસોમાં મોટી સફળતા મળી છે. રશિયાની સુપ્રીમ કોર્ટે આ પગલું ભર્યું, જે મોસ્કો અને કાબુલ વચ્ચે સંબંધો સુધારવાનો સંકેત આપે છે.

2003માં રશિયાએ તાલિબાનને આતંકવાદી જૂથ જાહેર કર્યું હતું, જેના કારણે તેમની સાથે કામ કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પર કાનૂની કાર્યવાહી થઈ શકતી હતી. જોકે, 2021માં અમેરિકન સૈન્યની અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ બાદ તાલિબાને સત્તા હસ્તગત કરી. ત્યારથી તેઓ વિશ્વ સાથે રાજકીય અને આર્થિક સંબંધો વધારવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ગત વર્ષે તાલિબાનના નેતાઓએ સેન્ટ પીટર્સબર્ગના આર્થિક મંચમાં ભાગ લઈને આ દિશામાં પગલાં ભર્યા હતા.

રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયથી તાલિબાન સાથે સહયોગનો માર્ગ મોકળો થશે. આનાથી ડ્રગ્સ અને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અફઘાનિસ્તાન સાથે સંબંધો મજબૂત થશે. તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુતાકીએ આ નિર્ણયને આવકાર્યો અને તેને બંને દેશો વચ્ચે સંબંધો ગાઢ બનાવવાનું મહત્વનું પગલું ગણાવ્યું.

આ પગલું તાલિબાન માટે ડિપ્લોમેટિક સફળતા હોવા છતાં, તેમની દમનકારી નીતિઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકો પરના અત્યાચારોને લઈને વૈશ્વિક સ્તરે ટીકા થઈ રહી છે. રશિયાનો આ નિર્ણય અફઘાનિસ્તાનના રાજકીય ભાવિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર નોંધપાત્ર અસર કરી શકે છે.