Home Blog Page 816

RSSને બંધારણ કદી સ્વીકાર્ય નહોતું: જયરામ રમેશનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSSએ) ક્યારેય ભારતીય બંધારણને સંપૂર્ણ રીતે સ્વીકાર્યું નથી. તે શરૂઆતથી જ બંધારણ બનાવનારાઓ પર નિશાન સાધતો રહ્યો છે. રમેશે આરોપ મૂક્યો હતો કે RSSને કારણ કે બંધારણ ‘મનુસ્મૃતિને આધારે લખાયું નથી’, તેથી તેને તે પસંદ નથી.

તેમણે RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેના નિવેદનનો જવાબ આપતાં કહ્યું હતું કે RSS અને ભાજપે વારંવાર નવા બંધારણની માગ ઉઠાવી છે. તેમણે કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન મોદીના પ્રચારનું આ મુખ્ય સૂત્ર હતું, પરંતુ ભારતની જનતાએ આ સૂત્રને સ્પષ્ટપણે નકારી દીધું હતું.

દત્તાત્રેય હોસબોલેએ ગુરુવારે ઇમર્જન્સીનાં 50 વર્ષ પૂર્ણ થવા અંગે આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, “બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ જેવા શબ્દો મૂળમાં નહોતા. ઇમર્જન્સી દરમિયાન જ્યારે માળખાગત અધિકારો નિલંબિત કરાયા હતા, સંસદ કાર્યરત નહોતી અને ન્યાયપાલિકા નિષ્ક્રિય બની ગઈ હતી, ત્યારે આ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા, એમ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ત્યાર બાદ ચર્ચા થઈ, પરંતુ આ શબ્દોને દૂર કરવાનો કોઈ પ્રયાસ થયો નથી. અત્યારે સવાલ ઊઠે છે કે શું આ શબ્દો પ્રસ્તાવનામાં હોવા જોઈએ કે નહીં – એ મુદ્દે વિચાર કરવો જોઈએ, તેમ હોસબોલેએ કહ્યું હતું.

જયરામ રમેશે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે RSS 30 નવેમ્બર, 1949 પછીથી કદી પણ બંધારણને સંપૂર્ણ સ્વીકાર્યું નથી. એ દિવસથી લઈને આજદિન સુધી તે ડો. બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ અને અન્ય બંધારણના ઘડવૈયાઓ પર આક્ષેપ કરતા આવ્યા છે.

તેમણે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના 25 નવેમ્બર, 2024ના એક ચુકાદાની નકલ પણ શેર કરી અને પૂછ્યું હતું કે શું RSSના નેતાઓ આ ચુકાદાને વાંચવાનું પણ કષ્ટ કરશે?

આલિયાએ એક લાઈનમાં રેખા માટે એવા તો શું વખાણ કર્યા?

રેખાની ફિલ્મ ‘ઉમરાવ જાન’ ફરીથી રિલીઝ થઈ છે. મુંબઈમાં બૉલિવૂડની ક્લાસિક ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયુ હતું. આ રિ-રિલીઝ કાર્યક્રમમાં બૉલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. અભિનેત્રી આલિયા ભટ્ટે પણ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી રેખા સાથેની તસવીરો શેર કરતી વખતે તેણે એક સરસ નોંધ પણ લખી છે.


આલિયા ભટ્ટે રેખા સાથેની તસવીરો શેર કરી છે અને પોતાની પોસ્ટમાં લખ્યું છે,’એક જીવંત લિજેન્ડ માટે એક લાઈન, તમારા જેવું કોઈ નહોતું, તમારા જેવું કોઈ નથી અને તમારા જેવું કોઈ હશે નહીં.’ આલિયાએ પોસ્ટમાં પોતાના ફોટા પણ શેર કર્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટે આછા ગુલાબી રંગની સાડી પહેરી છે. એક તસવીરમાં આલિયા ભટ્ટ ગુલાબ સાથે પોઝ આપી રહી છે.

એવું કહેવાય છે કે આલિયાનો આ લુક ફિલ્મ ‘સિલસિલા (1981)’ ના રેખાના લુકથી પ્રેરિત છે. આલિયા ભટ્ટે પોતાના લુકને પૂર્ણ કરવા માટે લાઈટ મેકઅપ કર્યો છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આલિયાએ તસવીરો સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તે વિવિધ પોઝ આપી રહી છે અને ડાન્સ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

આલિયાની તસવીરો પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. IIFA એ કોમેન્ટ કરી, ‘એક ફ્રેમમાં બે રાણીઓ.’ બીજા યુઝરે કોમેન્ટ કરી, ‘તમે ગુલાબી રંગમાં સુંદર લાગો છો.’ બીજા યુઝરે લખ્યું, ‘હું ભાગ્યશાળી છું કે મને આટલા સારા લોકો જોવા મળે છે.’

રથયાત્રામાં ‘ઓપરેશન સિંદુર’ છવાયું

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે એટલે સૌ પ્રથમ શણગારેલા ગજરાજ અને પાછળ શણગારેલી વિવિધ થીમ સાથેની ટ્રકો જોડાય. આ ટ્રકો વિવિધ વિસ્તાર, સંસ્થા, ધાર્મિક આધ્યાત્મિક સંગઠનો કે સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા સંચાલિત હોય છે. કેટલીક ટ્રકોમાં મગની સાથે વિવિધ પ્રસાદ સામગ્રી હોય છે.જે રથયાત્રાના રૂટ પર ભગવાન જગન્નાથના દર્શન કરવા આવેલા ભક્તોને આપવામાં આવે છે. દર વર્ષે નજીકના સમયમાં બનેલી ઘટનાઓ, બાબતોને ટ્રકો પર વેશભુષા સાથે સજાવવામાં આવે છે.આ વર્ષે ‘ઓપરેશન સિંદુર ‘ રથયાત્રાની અનેક ટ્રકો પર જોવા મળ્યું. પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સુરક્ષા દળોની ઝાંખી રથયાત્રાની ટ્રકો પર જોવા મળી.સૌથી મહત્વની વાત રથયાત્રાની ટ્રકો પર ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકાસિંગના મોટા પોસ્ટર્સ લગાડવામાં આવ્યા. બ્રહ્મોસ મિસાઈલ અને સશસ્ત્ર દળોના ટેબ્લો-પોસ્ટર્સ વીરગાથાઓ જોવા મળી. ભારતીય સુરક્ષા દળોની પ્રશંસા સાથેની ટ્રકો પસાર થતાં જ રથયાત્રાના રૂટ પર લોકો ભારે ઉત્સાહમાં આવી ગયા હતાં.આ સાથે ભજન કીર્તનના મંડળોમાં પણ ભારતીય સેનાની વીરતાની ઝાંખી જોવા મળી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

રાજા રઘુવંશી હત્યાકાંડમાં નવો ટ્વિસ્ટ: શું સોનમ બચી જશે?

શિલોંગ: મેઘાલયમાં રાજા રઘુવંશીની હત્યામાં સહાય કરનારા ત્રણ આરોપીઓમાંથી બે આરોપી તેમના અગાઉનાં નિવેદનમાંથી ફરી ગયા છે અને મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ પણ નિવેદન આપવાનો ઈનકાર કર્યો છે. શિલોંગના SP હર્બર્ટ પિનિયાડ ખારકોંગોરે જણાવ્યું હતું કે આકાશ રાજપૂત અને આનંદ કુર્મીને ગુરુવારે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, પરંતુ બંને ચૂપ રહ્યા હતા અને કોઈ પણ નિવેદન આપ્યું નહીં.

પોલીસનો દાવો છે કે તેમના પાસે પૂરતા પુરાવા છે. SPના કહેવા પ્રમાણે પાંચમાંથી માત્ર બે આરોપીઓને મેજિસ્ટ્રેટ પાસે રજૂ કરવામાં આવ્યા હતા અને અમે ફોરેન્સિક રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 180 હેઠળનાં નિવેદનો તપાસ માટે ઉપયોગી થાય છે, પરંતુ કલમ 183 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ આપવામાં આવેલાં નિવેદનો જ કાયદેસર રીતે માન્ય ગણાય છે.

આનંદ અને આકાશ પર સોનમ અને રાજને મદદ કરવાનો આરોપ છે. વિશાલ સિંહ ચૌહાણ સાથે મળીને ત્રણેયે સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહની મદદથી હનીમૂન દરમિયાન તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરી હતી. રાજા રઘુવંશી અને સોનમનાં 11 મેએ ઇન્દોરમાં લગ્ન થયાં હતાં. રાજ સોનમના કુટુંબની ફર્નિચર શીટ કંપનીમાં એકાઉન્ટન્ટ હતો અને તેમનો સંબંધ પહેલેથી હતો.

પોલીસે જણાવ્યું કે એક વાહનમાંથી એક ગન, કારતૂસ અને રૂ. 50,000 મળી આવ્યા છે. રાજ અને આકાશે બેગમાં હથિયાર છુપાવ્યાનો ખુલાસો કર્યો હતો. તેમનો દાવો છે કે લેપટોપ ફેંકી દીધું હતું પણ પોલીસ તપાસ દ્વારા જાણવા માગે છે કે એ ખરેખર ક્યાં છે – કે ફેંકી દીધું છે કે ક્યાંક છુપાવેલું છે.

ઈન્દોરથી લગ્ન પછી બંને મેઘાલય હનીમૂન પર ગયા હતા. 23 મેએ તેઓ નોનગ્રીયાટ ગામના એક હોમસ્ટેમાંથી ચેકઆઉટ થયા બાદ ગુમ થઈ ગયા હતા અને રાજાનું શબ 2 જૂને મળ્યું હતું.

148મી રથયાત્રામાં ‘સ્પેશિયલ એક્શન ફોર્સ ‘

અમદાવાદ: શહેરના જમાલપુર જગન્નાથ મંદિર પ્રાંગણમાંથી રથયાત્રા નીકળી એ વેળાએ એકદમ નવા જ પોલીસ યુનિફોર્મ સાથે એક યુનિટ બંદોબસ્તમાં જોવા મળ્યું.આ યુનિટના એક અધિકારીએ ચિત્રલેખા.કોમને કહ્યું ગુજરાત પોલીસનું આ એકદમ નવું SAF ( special action force) યુનિટ છે. આ વર્ષે 2025ની રથયાત્રામાં પ્રથમ વખત આ ફોર્સને બંદોબસ્તમાં લાવવામાં આવી છે.કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની સી.આર.પી.એફની RAF ( Rapid action force) છે. એ જ રીતે આ રાજ્ય સરકારની સ્પેશિયલ એક્શન ફોર્સ છે. કોઈ પણ કોમી તોફાનો, ભીડ કાબૂમાં લેવી તેમજ આજના યુગમાં બદલાતા ગુનાઓમાં તાત્કાલિક નિયંત્રણ માટે આ ફોર્સની રચના કરવામાં આવી છે.

આ વર્ષે પણ રથયાત્રામાં ગુજરાત પોલીસ, RAF, હોમગાર્ડસ, સિવિલ ડીફેન્સની શસસ્ત્ર ટીમો સાથે નવી ‘સ્પેશિયલ એક્શન ફોર્સ ‘ પણ જોડાઈ હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાના વિવાદ વચ્ચે શરદ પવારનું શું કહેવુ છે?

હવે હિન્દી ભાષા વિવાદ પર મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. હિન્દી ભાષા વિવાદ અંગે શરદ પવારે કહ્યું કે આને અવગણી શકાય નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ હિન્દીને ફરજિયાત બનાવવા અંગેના કોઈ મોરચામાં પણ જોડાશે?

આ અંગે શરદ પવારે કહ્યું કે, આના બે મુખ્ય ભાગ છે. પહેલા ધોરણથી ચોથા ધોરણ સુધી હિન્દી ફરજિયાત બનાવવી યોગ્ય નથી. પાંચમા ધોરણ પછી હિન્દી ફરજિયાત બનાવી શકાય છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો હિન્દી બોલે છે. આવી બીજી કોઈ ભાષા નથી. હિન્દીને અવગણી શકાય નહીં.

પવારે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો હિન્દીની વિરુદ્ધ નથી. જો તેને પહેલા ધોરણથી ચોથા ધોરણ સુધી ફરજિયાત કરવામાં આવે તો તે બાળકો પર વધુ બોજ પડશે. મેં આ મુદ્દા પર બંને ઠાકરે (ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે) ને સાંભળ્યા છે.

શરદ પવારે કહ્યું કે હું મુંબઈ જઈશ અને વિચારીશ કે તેમનું શું કહેવું છે અને તેમની સાથે વાત કરીશ. આ સાથે શરદ પવારે અપીલ કરી છે કે બધા રાજકીય પક્ષો તેમના કાર્યક્રમમાં જોડાય, જો તેઓ તેમાં જોડાવા માંગતા હોય, તો પહેલા તેમણે સમજવું પડશે કે તેમનું શું કહેવું છે.

પવારે કહ્યું કે મેં હમણાં જ રાજ ઠાકરેના મોરચાનો જવાબ આપ્યો છે, એવું નથી કે જો કોઈ મને ફોન કરે તો હું તેમાં ભાગ લઈશ. તેમણે જે કહેવું છે તે સમજવું પડશે. જો તેમનો મુદ્દો મહત્વપૂર્ણ છે, તો આપણે તેને સમજીશું અને પછી તેના પર નિર્ણય લઈશું.

રીલ બનાવતી યુવતીનું 13મા માળેથી પડીને મોત

બેંગલુરુઃ મિત્રો સાથે પાર્ટી કરવા નીકળી 20 વર્ષની યુવતીનું નિર્માણાધીન બિલ્ડિંગના 13મા માળેથી પડી જવાથી મોત થયું છે., યુવતી લિફ્ટ માટે રાખેલી ખાલી શાફ્ટ પાસે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહી હતી ત્યારે તેનો પગ સ્લીપ થતાં તે નીચે પડી ગઈ. બેંગલુરુ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 194 હેઠળ અકુદરતી મોતનો કેસ દાખલ કર્યો છે.

જોકે પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર તેઓ હત્યાના એંગલ સહિત તમામ દિશામાં તપાસ કરી રહ્યા છે અને મળનારા પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પાર્ટી દરમિયાન થયો હતો ઝઘડો
યુવતી અને તેના મિત્રોએ બુધવારે રાત્રે લગભગ આઠ વાગ્યે પારાપાના અગ્રહારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં પાર્ટી માટે એકઠા થયા હતા. પાર્ટી દરમિયાન સંબંધોને લઈને ગ્રુપમાં ઝઘડો થયો હતો. ત્યાર બાદ યુવતી તેના મોબાઇલથી દુઃખ વ્યક્ત કરતી ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહી હતી. તે સમયે તે લિફ્ટ માટેની ખાલી શાફ્ટ પાસે પહોંચી અને પગ લપસવાથી નીચે પડી ગઈ હતી, એમ અહેવાલ કહે છે.

મોબાઇલમાં રીલ મળી નથી
પોલીસના DCP (દક્ષિણ પૂર્વ)ના જણાવ્યા અનુસાર, યુવતીનો ફોન સ્થળ પરથી જ મળી આવ્યો છે, પરંતુ તેમાં કોઈ રીલની રેકોર્ડિંગ મળી નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે હજુ સુધી સ્પષ્ટ નથી કે આ ઘટના સંબંધોની સમસ્યા સાથે સંકળાયેલી છે કે નહીં. હાલ તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. પોલીસનું માનવું છે કે યુવતીનું મોત દુર્ઘટનાવશ થયું છે.

હિન્દી ભાષા મુદ્દે ઠાકરે બંધુ આવ્યા એકસાથે, મુંબઈમાં ભેગા મળીને કરશે વિરોધ

રાજકારણમાં પરિવારના ફાટા પડે અને પાછા ભેગા થાય એ ઘટનાઓ કંઈ નવાઈ પમાડે તેવી નથી. મહારાષ્ટ્રમાં છૂટા પડી ગયેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે સમાધાનના મોટા સંકેત દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) 5 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત કૂચ કાઢવા જઈ રહી છે.

મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાનો મુદ્દો ખૂબ જ ચર્ચિત બન્યો છે. તેના વિરોધમાં ઠાકરે ભાઈઓ એકસાથે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે કૂચ કરશે. પહેલા એવું આયોજન કરવામાં આવ્યું હતું કે બંને પક્ષો અલગ-અલગ કૂચ કાઢશે, પરંતુ હવે બંનેએ રાજ્ય પર હિન્દી લાદવાના વિરોધમાં એકસાથે આવવાનું નક્કી કર્યું છે.

હકીકતમાં, શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે ‘X’ પર એક તસવીર શેર કરી છે, જેમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જોવા મળી રહ્યા છે. સંજય રાઉતે લખ્યું,’મહારાષ્ટ્રની શાળાઓમાં ફરજિયાત હિન્દી વિરુદ્ધ એક સંયુક્ત કૂચ થશે. ઠાકરે બ્રાન્ડ છે!’ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ અને રાજ ઠાકરે બંને ગિરગાંવ ચોપાટીથી આઝાદ મેદાન સુધીના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. દેવેન્દ્ર ફડણવીસ સરકાર દ્વારા ધોરણ 1 થી 5 સુધી હિન્દીને વૈકલ્પિક ત્રીજી ભાષા તરીકે રજૂ કરવાના નિર્ણય વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

શિવસેના (UBT) સાંસદે કહ્યું કે અમે હિન્દીના વિરોધમાં નથી, પરંતુ તેને બળજબરીથી લાદવી ન જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ ઠાકરેનું વલણ અપનાવ્યું છે. 5 જુલાઈએ એક રેલી થશે. રેલી ક્યાં યોજાશે અને તેનો સમય શું હશે તેની અમે ચર્ચા કરીશું.

અમદાવાદની રથયાત્રામાં સામેલ હાથી બેકાબૂ થયો

અમદાવાદઃ અમદાવાદમાં 148મી રથયાત્રા યોજવામાં આવી રહી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન સામેલ એક હાથી બેકાબૂ થયો હતો. આ રથયાત્રામાં કુલ 18 હાથી સામેલ હતા અને બેકાબૂ થનારો હાથી સૌથી આગળ ચાલી રહ્યો હતો. બેકાબૂ થયા પછી હાથી રથથી આગળ નીકળી ગયો હતો. જે પછી મહાવત અને અન્ય લોકો હાથીને કાબૂમાં લેવા માટે તેની પાછળ દોડ્યા હતા. એક તરફ લોકો પણ હાથીના રસ્તામાંથી હટીને પોતાનો બચાવ કરતા નજરે પડ્યા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. થોડા સમય બાદ વન વિભાગના કર્મચારીઓએ હાથીને કાબૂમાં લઈ લીધો હતો.

આ ઘટનાથી જોડાયેલા બે વિડિઓ પણ સામે આવ્યા છે. એક વિડિયોમાં હાથી રથયાત્રાથી અલગ થઇને દોડતો દેખાઈ રહ્યો છે. જ્યારે બીજા વિડિયોમાં હાથી બેકાબૂ થયા પછીનાં દ્રશ્યો છે. આ વિડિયોમાં અન્ય હાથી પણ થોડી અસ્વાભાવિક હરકતો કરતા જોવા મળ્યા હતા અને તેમના મહાવત તેમને શાંત પાડવાનો પ્રયાસ કરતા હતા. જોકે અન્ય હાથીઓએ કોઈ તોફાન કર્યું ન હતું, પરંતુ એક હાથી બેકાબૂ થયા પછી બીજા હાથીઓમાં પણ થોડી અસ્વાભાવિકતા જોવા મળી હતી.

રથયાત્રામાંથી ત્રણ હાથી દૂર કરાયા
અમદાબાદ રથયાત્રા દરમિયાન અવાજને કારણે બેકાબૂ થયેલા હાથીને મહાવત અને ઝૂ ઓથોરિટીના કર્મચારીઓએ હાથીને કાબૂમાં લીધો હતો. આ ઘટના પછી કુલ ત્રણ હાથીઓને રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હતા.

રથયાત્રાનું મહત્વ
અહમદાબાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પુરી (ઓડિશા) બાદ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા તરીકે માનવામાં આવે છે. 148મી રથયાત્રા 27 જૂન, 2025એ સવારે 7 વાગ્યે જમાલપુર સ્થિત 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી શરૂ થઈ અને રાત્રે 8:30 વાગ્યા સુધીમાં મંદિર પરત ફરશે. આ યાત્રાનો માર્ગ કુલ 18 કિમી લાંબો છે, જે જમાલપુરથી શરૂ થઈને રાયપુર, કાલુપુર, શાહપુર, દરિયાપુર, મોસાળ સરસપુર, પ્રેમ દરવાજા, દિલ્હી ચોકલા અને માણેક ચોક જેવા વિસ્તારોમાંથી પસાર થાય છે.

સુરક્ષાની કડક વ્યવસ્થા
આ યાત્રામાં 18 સુશોભિત હાથી, 101 ઝાંખીઓ, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને ત્રણ બેંડ-બાજા સામેલ છે. સુરક્ષા માટે 23,884થી વધુ પોલીસ કર્મચારીઓ, 41 ડ્રોન, 130 વધારાના CCTV કેમેરા, AI આધારિત મોનિટરિંગ અને 25 વોચ ટાવર તહેનાત કરવામાં આવ્યા છે.

એર ઇન્ડિયાના વિમાનને મુંબઈમાં પાંચ કલાકથી વધુ સમય માટે રોકી રાખવામાં આવ્યું, જાણો કારણો

25 જૂનના રોજ, મુંબઈથી બેંગકોક જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને વિમાનના એક પાંખમાં ઘાસ ફસાઈ જવાને કારણે પાંચ કલાકથી વધુ સમય માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને વિમાનને સંચાલન માટે મંજૂરી આપવામાં આવી હતી. ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત એરલાઈને અન્ય મુખ્ય વિગતો જેમ કે બોર્ડમાં મુસાફરો અને ક્રૂની સંખ્યા, વિમાનનો પ્રકાર, પ્રસ્થાનનો સમય અને મુસાફરો મુંબઈ એરપોર્ટ પર કેટલા સમય સુધી ફસાયેલા હતા તે શેર કરી ન હતી.

એર ઇન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 25 જૂન 2025 ના રોજ મુંબઈથી બેંગકોક જતી ફ્લાઇટ AI2354 ને ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી કારણ કે ઓપરેટિંગ એરક્રાફ્ટના ડાબા પાંખ નીચે થોડું ઘાસ ફસાયેલું મળી આવ્યું હતું. એરલાઇને જણાવ્યું હતું કે તેની તાત્કાલિક સંભાળ લેવામાં આવી હતી અને વિમાનને ઓપરેશન માટે મંજૂરી આપવામાં આવી હતી.

એરલાઇને વધુમાં જણાવ્યું હતું કે ઘાસના સ્ત્રોતની ઓળખ થઈ શકી નથી. તેણે એમ પણ કહ્યું હતું કે ફ્લાઇટ ક્રૂ નિયમનકારી ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદામાં હોવાથી, ફ્લાઇટ તાત્કાલિક રવાના થઈ શકતી ન હતી.

એર ઇન્ડિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈ એરપોર્ટ પર વિમાનનું સંચાલન કરતી સેવા પ્રદાતાને આ બાબતની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેની જાણ સુરક્ષા નિયમનકાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને કરવામાં આવી છે.

એરલાઈને જણાવ્યું હતું કે મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફ્લાઇટ ક્રૂના નવા સભ્યો આવતાની સાથે જ ફ્લાઇટ રવાના થઈ ગઈ હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે DGCA એ મુખ્ય એરપોર્ટ પર દેખરેખ દરમિયાન એરલાઈન્સ, એરપોર્ટ, વિમાન જાળવણી કામગીરી સંબંધિત અનેક ઉલ્લંઘનો અને વારંવાર ભૂલો શોધી કાઢી છે. 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાના બે અઠવાડિયાથી ઓછા સમયમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મંગળવારે નિયમનકારે એરલાઇન્સ, એરપોર્ટ અને ભૂલોમાં સામેલ અન્ય સંસ્થાઓના નામ જાહેર કર્યા વિના કહ્યું હતું કે મોનિટરિંગમાં ફ્લાઇટ ઓપરેશન્સ, એરવોર્થનેસ, રેમ્પ સેફ્ટી, એર ટ્રાફિક કંટ્રોલ (ATC), કોમ્યુનિકેશન, નેવિગેશન અને સર્વેલન્સ (CNS) સિસ્ટમ્સ અને પ્રી-ફ્લાઇટ મેડિકલ એસેસમેન્ટ જેવા અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.