Home Blog Page 768

ન્યુ યોર્ક, ન્યુ જર્સીમાં ભારે વરસાદને લીધે ઇમર્જન્સી સ્થિતિ જાહેર

ન્યુ યોર્કઃ ઉત્તર-પૂર્વ અને મધ્ય એટલાન્ટિકના કેટલાક ભાગોમાં થયેલી ભારે વરસાદને કારણે ન્યુ યોર્ક શહેર અને ઉત્તરીય ન્યુ જર્સીમાં પૂર આવ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખી ઇમર્જન્સી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. હાલતને જોતાં ન્યુ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ સોમવારે મોડી રાત્રે ઇમર્જન્સીની સ્થિતિની જાહેરાત કરી છે.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે હું રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક આવેલા પૂર અને ભારે વરસાદને પગલે ઇમર્જન્સી સ્થિતિ જાહેર કરું છું. કૃપા કરીને ઘરમાં રહો અને અનાવશ્યક મુસાફરી ટાળો. સુરક્ષિત રહો, ન્યુ જર્સી.

નેશનલ વેધર સર્વિસે ન્યુ યોર્ક શહેરમાં પૂરની ચેતવણી જાહેર કરી છે, કારણ કે સોમવાર સાંજ સુધીમાં ભારે તોફાનને કારણે સ્ટેટન આઇલેન્ડ અને મેનહટ્ટન જેવા વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. પૂર્વાનુમાન અનુસાર રાતભર સતત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ન્યુ યોર્ક શહેરના અધિકારીઓએ નાગરિકોને, ખાસ કરીને બેઝમેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળ ખાલી કરવાની તૈયારી રાખવા સૂચના આપી છે.

ન્યુ યોર્ક સિટી ઇમર્જન્સી મેનેજમેન્ટે X પર લખ્યું છે કે જો તમે બેઝમેન્ટ ફ્લેટમાં રહેતા હો તો સતર્ક રહો. અચાનક પૂરની સ્થિતિ કોઈ ચેતવણી વિના પણ આવી શકે છે, ત્યાં સુધી કે રાત્રે પણ.” અધિકારીઓએ કહ્યું કે ફોન, ટોર્ચ અને જરૂરી સામાન સાથે બેગ તૈયાર રાખો. ઊંચા સ્થળે જવા માટે તૈયાર રહો. ન્યુ યોર્ક અને ન્યુ જર્સીના અધિકારીઓ રાત્રિ સુધી હાઇ અલર્ટ પર રહ્યા હતા. શહેરોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે.

અમૃતસરના ગોલ્ડન ટેમ્પલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને ફરી એકવાર ગોલ્ડન ટેમ્પલમાં વિસ્ફોટકો મૂકવાના કાવતરા સંબંધિત ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. આ બીજી ચેતવણી છે, જેમાં સચખંડ શ્રી હરમંદિર સાહિબમાં RDX મૂકવાના કાવતરા વિશે માહિતી આપવામાં આવી છે.

મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની માંગણી

આ ગંભીર ધમકીને ધ્યાનમાં રાખીને, SGPC એ પંજાબના મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે. SGPC એ પોતાના પત્રમાં લખ્યું છે કે, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ, શ્રી અમૃતસર સાહિબના ઇમેઇલ આઈડી પર બીજો ઇમેઇલ મળ્યો છે. આ ઇમેઇલમાં, કોઈએ સચખંડ શ્રી હરમંદિર સાહિબમાં RDX મૂકવાના કાવતરા વિશે માહિતી આપી છે.

SGPC એ પંજાબ સરકારને તાત્કાલિક સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને ગુરુદ્વારાઓની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા વિનંતી કરી છે. અગાઉ પણ, SGPC ને ઇમેઇલ દ્વારા આવી જ ધમકીઓ મળી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ સતર્ક છે.

નોંધનીય છે કે સોમવારે રાત્રે સુવર્ણ મંદિર પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. વારંવાર મળતી ધમકીઓને કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

ભારત-અમેરિકા વચ્ચેનો વિવાદ: નોન-વેજ મિલ્ક શું છે?

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા વેપાર સમજૂતી મુદ્દે કૃષિ અને ડેરી એવાં ક્ષેત્ર બની રહ્યાં છે જ્યાં બંને દેશો ‘મધ્યમ માર્ગ’ શોધી રહ્યા છે. ભારત માટે ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરવાનું  મહત્વનું છે જ, પરંતુ નોન-વેજ મિલ્ક હવે સાંસ્કૃતિક મુદ્દો પણ બની ગયો છે. અમેરિકા ભારત પર ડેરી માર્કેટ ખોલવા માટે દબાણ કરી રહ્યો છે, પણ ભારત કડક પ્રમાણપત્રોની માગ પર અડગ છે – જેથી ખાતરી થાય કે આયાત કરાતું દૂધ ક્યાંક નોન-વેજ મિલ્ક તો નથી?

નોન-વેજ મિલ્ક એટલે શું?
એવું દૂધ કે જે એવી ગાય કે પશુ પાસેથી મળ્યું હોય જેને માંસ કે લોહી જેવા પશુ-આધારિત ઉત્પાદનો ખવડાવવામાં આવ્યાં હોય, તેને નોન-વેજ મિલ્ક કહેવામાં આવે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાઓને ધ્યાનમાં રાખીને ભારત માટે નોન-વેજ મિલ્ક એક “રેડ લાઇન” છે – એટલે કે આવું દૂધ ભારત સ્વીકારી શકે નહીં.

ભારત-અમેરિકા વેપાર માટે અવરોધ
ભારત-અમેરિકા દ્વિપક્ષી વેપારનો ઉદ્દેશ હતો કે 2030 સુધી એ $500 અબજ સુધી વધે. પરંતુ કૃષિ અને ડેરી ઉદ્યોગમાં ભારતની આ રેડ લાઇન મોટો અવરોધ બની ગઈ છે. ભારત કડક પ્રમાણપત્ર માગે છે – જેને આધારે નક્કી થાય કે જે ડેરી ઉત્પાદનો આયાત થાય છે, તે એવી ગાયો પાસેથી મળેલા નથી જેમને માંસ કે લોહી ખવડાવવામાં આવેલું હોય.

GTRIના અજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે કલ્પના કરો કે તમે એવું માખણ ખાઈ રહ્યા છો જે એવી ગાયના દૂધથી બન્યું છે જેને બીજી ગાયનું માંસ કે લોહી ખવડાવાયું છે. ભારત કદાચ ક્યારેય આની મંજૂરી નહીં આપે. ભારતમાં ડેરી ઉત્પાદનો માત્ર ખાદ્ય પદાર્થો નથી, તે ધાર્મિક વિધિઓમાં પણ મહત્વ ધરાવે છે.

મહારાષ્ટ્રમાં બનશે ધર્માંતરણ વિરોધી કાયદો, આ રાજ્યોમાં પહેલાથી જ બનેલો છે કાયદો

મહારાષ્ટ્ર સરકાર રાજ્ય વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં ધર્મ પરિવર્તન અટકાવવા માટે એક કડક કાયદો લાવવાની યોજના બનાવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી (ગ્રામીણ) પંકજ ભોયરે વિધાનસભા પરિષદમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત કાયદામાં અન્ય રાજ્યોના સમાન કાયદાઓની તુલનામાં કડક જોગવાઈઓ હશે. એકવાર અમલમાં આવ્યા પછી, મહારાષ્ટ્ર આ પ્રકારનો કાયદો લાગુ કરનાર ભારતનું 11મું રાજ્ય બનશે.

શિયાળુ સત્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો રજૂ કરવામાં આવશે

પંકજ ભોયરે ગૃહને જણાવ્યું હતું કે ધાર્મિક પરિવર્તન સામે કાયદો તૈયાર કરવા માટે પોલીસ મહાનિર્દેશકની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી છે જે બાકીના 10 રાજ્યો કરતાં વધુ કડક હશે. આ મુદ્દા પર પોલીસ મહાનિર્દેશક દ્વારા તૈયાર કરાયેલ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે અને આગામી (શિયાળુ) સત્રમાં કાયદો પસાર કરવામાં આવશે.

રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર સામાન્ય રીતે ડિસેમ્બરમાં મહારાષ્ટ્રની બીજી રાજધાની નાગપુરમાં યોજાય છે.

ધર્માંતરણ વિરોધી કાયદા ધરાવતા 10 રાજ્યોની વાત કરીએ તો તેમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ

આદિવાસીઓના ધર્માંતરણના આરોપો લાગ્યા છે

તમને જણાવી દઈએ કે ભાજપ-શિવસેના-એનસીપી સરકાર દ્વારા આવા કાયદા તરફનું આ પગલું ભાજપના ધારાસભ્યોએ આરોપ લગાવ્યા બાદ લેવામાં આવ્યું છે કે વિદેશી ભંડોળથી બનેલા ગેરકાયદેસર ચર્ચો દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના અનૂપ અગ્રવાલે દાવો કર્યો હતો કે પાલઘર અને નંદુરબાર જેવા આદિવાસી જિલ્લાઓમાં ગેરકાયદેસર ચર્ચોની સંખ્યા ખૂબ વધી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે લગભગ 2,000 ની વસ્તીવાળા ગામડાઓમાં અડધો ડઝન ચર્ચ છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ધમકીઓ અને તબીબી સહાયની લાલચ દ્વારા ધર્માંતરણ કરવામાં આવે છે.

આ પહેલીવાર નથી જ્યારે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે કથિત બળજબરીથી ધર્માંતરણ સામે કાર્યવાહીની માંગ કરી હોય. માર્ચમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં “લવ જેહાદ” કાયદાની જરૂરિયાતની હિમાયત કરી હતી, અને કહ્યું હતું કે સરકારને આવા કેસોની 100,000 થી વધુ ફરિયાદો મળી છે.

ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોનું ઇંગ્લેન્ડમાં ઉષ્માભર્યું સ્વાગત

છેલ્લા દિવસ સુધી ચાલેલી લોર્ડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ ઐતિહાસિક મેચના બીજા દિવસે, ટીમ ઇન્ડિયા કિંગ ચાર્લ્સ III ને મળવા પહોંચી. આ દિવસોમાં ભારતની મહિલા ટીમ પણ ઇંગ્લેન્ડના પ્રવાસે છે, મહિલા ટીમ ઇન્ડિયા પણ કિંગ ચાર્લ્સ સાથે મળી. કિંગ ચાર્લ્સ ત્રીજાએ લંડનના સેન્ટ જેમ્સ ખાતે બંને ટીમો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો. આ દરમિયાન, ભારતીય કેપ્ટન શુભમન ગિલ, ઉપ-કેપ્ટન ઋષભ પંતથી કોચ ગૌતમ ગંભીર, હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના પણ અહીં હાજર હતા. ચાર્લ્સે પણ ભારતીય ખેલાડીઓ સાથે હાસ્ય કર્યું.

ભારતીય પુરુષ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે, જેમાં ત્રણ મેચ પછી ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે. બીજી તરફ, ભારતીય મહિલા ટીમે પાંચ મેચની T20 શ્રેણી 3-2થી જીતી છે. હવે 16 જુલાઈથી ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી શરૂ થવા જઈ રહી છે. બીજી તરફ, ભારત અને ઈંગ્લેન્ડની પુરુષ ટીમો વચ્ચે 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે કિંગ ચાર્લ્સને મળવા પર ખુશી વ્યક્ત કરી. ચાર્લ્સે કહ્યું કે જે રીતે ભારતની છેલ્લી વિકેટ પડી તે દુર્ભાગ્યપૂર્ણ હતું. તમને યાદ અપાવીએ કે ટીમ ઈન્ડિયાની છેલ્લી વિકેટ લોર્ડ્સ ટેસ્ટમાં ત્યારે પડી જ્યારે મોહમ્મદ સિરાજ બોલનો બચાવ કરી રહ્યા હતા, પરંતુ બોલ તેમના બેટ સાથે અથડાયો અને સ્ટમ્પ પર વાગ્યો.

ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે અને શ્રેણીની છેલ્લી મેચ 31 જુલાઈથી ધ ઓવલ મેદાન પર રમાશે.

‘પૃથ્વી પર આપનું સ્વાગત છે…’, શુભાંશુના પાછા ફરવા પર PM મોદીની પ્રતિક્રિયા

આજે આખી દુનિયાની નજર કેલિફોર્નિયાના સમુદ્રમાં તરતા ડ્રેગન અવકાશયાન પર ટકેલી હતી. 18 દિવસ અવકાશમાં વિતાવ્યા પછી, શુભાંશુ શુક્લા સહિત ચારેય અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર ઉતર્યા છે. શુભાંશુના પાછા ફરવા પર દેશભરમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા લોકોએ શુભાંશુને તેમના પાછા ફરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

શુભાંશુ શુક્લા એક્સિઓમ-04 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ગયા હતા. આજે બપોરે 3 વાગ્યે, ડ્રેગન અવકાશયાન તમામ અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવ્યું છે. 18 દિવસમાં, શુભાંશુએ ISS માં 7 પ્રયોગો કર્યા છે.  શુભાંશુ અવકાશમાં જનાર બીજા વ્યક્તિ અને ISS માં જનાર પ્રથમ ભારતીય બન્યા છે.

પીએમ મોદીએ સ્વાગત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટ શેર કરીને શુભાંશુનું સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ લખ્યું, “અવકાશમાં તેમના ઐતિહાસિક મિશન પછી, શુભાંશુ પૃથ્વી પર પાછા ફર્યા છે. બધા દેશવાસીઓની સાથે, હું પણ શુભાંશુના સ્વાગતમાં જોડાઉ છું. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી બનેલા શુભાંશુએ પોતાના સમર્પણ અને હિંમતથી કરોડો લોકોના સપનાઓને મજબૂત બનાવ્યા છે. આ આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

બધા ભારતીયોને શુભાંશુ પર ગર્વ છે: રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ શુભાંશુના વાપસી પર એક પોસ્ટ શેર કરી છે. રાજનાથ સિંહે X પર લખ્યું, બધા ભારતીયોને Axiom-4 મિશન હેઠળ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના ઐતિહાસિક વાપસી પર ગર્વ છે. તેમણે માત્ર અવકાશને સ્પર્શ કર્યો જ નથી પરંતુ તેમણે ભારતની આકાંક્ષાઓને પણ નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે. ISS પર જવું અને પાછા આવવું એ તેમના માટે માત્ર એક સીમાચિહ્નરૂપ નથી પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. હું તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.

 

યુવતીએ ક્યારે લગ્ન કરવા એ કોણ નક્કી કરે?

ફરી એક ફેમિલી ગેધરિંગ, ફરી એ જ વાત. સંસ્કૃતિને કાકીએ ટપકારતા કહ્યું, બેટા, હવે તો ઉંમર થઈ, લગ્ન ક્યારે? સંસ્કૃતિએ હસીને વાત ટાળી, પણ એના મનમાં અનેક સવાલો થતા હતાઃ શું લગ્ન ન કર્યા એટલે મારું જીવન અટકી ગયું? હું ભણું, નોકરી કરું, મારી રીતે જીવું, પણ લોકોને બસ એક જ ચિંતા, લગ્ન કેમ નથી થયા? સમાજને શું ફરક પડે હું ક્યારે લગ્ન કરું?

સંસ્કૃતિ મનમાં ને મનમાં વિચારી રહીઃ મમ્મી-પપ્પા પણ ચિંતા કરે અને એમની આ ચિંતા સમજું છું, પણ આ ચિંતા એમની નથી, સમાજની છે. એમણે જ મને આગળ વધતા શીખવ્યું,  પણ હવે કહે છે થોડું એડજસ્ટ કર. એડજસ્ટ એટલે શું? પોતાના સપના દબાવી દેવા?  હું એવો સાથી શોધું છું જે મારી સાથે ખભેખભો મિલાવે, નહીં કે મને બદલવાનો પ્રયત્ન કરે. શું લગ્ન એ જીવનનો એકમાત્ર ધ્યેય છે?

કોઈ યુવતિએ લગ્ન કયારે કરવા એ નિર્ણય લેવાનો હક એને નથી?

સ્ત્રીઓને પણ સમાન પસંદગીનો અધિકાર મળવો જોઈએ

લગ્ન એક વ્યક્તિગત પસંદગી હોવી જોઈએ, એમાં દબાણ કે બળજબરી ન હોવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાની પસંદગીના અધિકાર સાથે જન્મે છે, કારણ કે એ તેમનું જીવન છે. એ જે રીતે જીવવા માંગે છે, જે કરવા માંગે છે, એ એમની પસંદગી છે. જ્યારે તેઓ પોતાનું જીવન સ્થિર કરવા માંગે, ત્યારે તેઓ પોતાના માટે સૌથી યોગ્ય જીવનસાથી શોધી શકે છે, જે એમને સમજે અને એમની સાથે સુસંગત હોય. આ એમની પસંદગી છે કે તેઓ પહેલા પોતાનું કરિયર સ્થાપિત કરવા માંગે છે કે પછી કુટુંબ શરૂ કરવા માંગે છે. આ બાબતમાં કોઈને એમના પર આંગળી ચીંધવાનો કે એમના ચારિત્ર્ય કે પસંદગી પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડેન્ટલ સર્જન ડો. સ્નેહા છાબરા કહે છે, “પુરુષોને પોતાનું જીવન સ્થિર કરવા, કરિયર બનાવવા અને કુટુંબ માટે કમાણી કરવાની પસંદગી આપવામાં આવે છે, તો સ્ત્રીઓને પણ સમાન પસંદગીનો અધિકાર મળવો જોઈએ. જો કોઈ સ્ત્રી લગ્ન માટે તૈયાર ન હોય, તો કોઈને એના પર આંગળી ચીંધવાનો કે એવું કહેવાનો અધિકાર નથી કે એનામાં કંઈક ખામી છે. આ એનું જીવન છે, એને પોતાની રીતે જીવવા દો. આપણે એમના પર આપણા મંતવ્યો થોપવાનો પ્રયાસ ન કરવો જોઈએ.”

પહેલા કારકિર્દીને પ્રાધાન્ય આપવું ખોટું નથી

આજના સમયમાં દરેક યુવતી સૌપ્રથમ પોતાની કારકિર્દી બનાવવા અને માનસિક રીતે સ્વસ્થ રહીને પોતાના પગ પર ઊભા રહેવાનું લક્ષ્ય રાખે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર દિપ્તી જોષી કહે છે, “આજના સમાજનો દૃશ્યપટ જોતાં, દરેક યુવતી પહેલા ભણીને, કમાઈને, અને અદ્ભુત આત્મવિશ્વાસ હાંસલ કરીને સમાજમાં અને પોતાના પરિવારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. પોતાના માતા-પિતાને આર્થિક રીતે ટેકો આપ્યા પછી જ એ લગ્ન વિશે વિચારે છે. ઉત્તમ કારકિર્દી બનાવવા અને પરિવારની જવાબદારીઓ નિભાવતાં એના લગ્નનો સમય 30થી 35 વર્ષ સુધી જાય છે. આમાં કંઈ ખોટું નથી. પોતાના ભવિષ્યના જીવન માટે પહેલા કારકિર્દીને પ્રાધાન્ય આપવું ખોટું નથી. સમાજે આવી યુવતીઓના વિચારને, એમના શિક્ષણ અને આદર્શોને સંપૂર્ણ રીતે સ્વીકારીને એમના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ. એમને ટેકો આપવો જોઈએ. જે યુવકને આવી યુવતી પસંદ હોય, એણે એની કારકિર્દી અને નિર્ણયો પર ગર્વ અનુભવવો જોઈએ, અને એના આ નિર્ણયને માન આપવું જોઈએ.”

મહિલાઓના જીવન માટે સમાજની લીમિટો હવે બદલાવાની જરૂર છે

આજની યુવતીઓ શિક્ષિત છે, સંવેદનશીલ છે અને પોતાનું કરિયર બનાવવાની ક્ષમતા રાખે છે. બાળપણથી જ એમને કહેવામાં આવે છે કે ભણો, સપનાઓ જુઓ, ઊંચાં ઉડો  પણ જ્યારથી વાત લગ્નની આવે છે, ત્યારે એ દરેક સપનાને રોકવાનો, મર્યાદિત કરવાનો પ્રયોગ થવા લાગે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા આઇઇએલટીએસ ટ્રેનર અને બિઝનેસ વુમન કપિલા ગાંધી કહે છે કે, “કોઈ પણ યુવતીનું 22-23 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પૂર્ણ થાય, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, જોબ, સેટલ થવામાં જ 28-30ની ઉંમર થઈ જાય છે, એ નૅચરલ છે. યુવતીઓ આ ઉંમરે ખૂબ મેચ્યોર પણ બને છે. પરંતુ સમાજ આજે પણ એ જ જૂના પરિપ્રેક્ષ્યમાં વિચારે છે કે છોકરીએ ભણ્યા પછી ઘરના કામમાં જ લાગવું જોઈએ, લગ્ન પછી કરિયર પર ધ્યાન ઓછું આપવું જોઈએ. એવુ લાગતું હોય કે શિક્ષણ માત્ર એક ‘માર્કેટ વેલ્યુ’ વધારવા માટે આપવામાં આવ્યું હોય. હકીકત એ છે કે હવે માતાઓ પણ એ સમજવા લાગી છે કે જેમ એમના સપનાઓ અધૂરા રહી ગયા, એમ દીકરીના સપનાઓ અધૂરા ન રહે. સમાજને પણ હવે એ મર્યાદિત પેરેમિટરથી બહાર આવીને માનવું પડશે કે યુવતી પોતાનું જીવન ક્યારે, કેવી રીતે જીવવી એનો નિર્ણય લે એ એનો અધિકાર છે.”

શિક્ષણ, કરિયર અને લગ્ન આ ત્રણેય પસંદગીઓમાં યુવતીની ઈચ્છા કેન્દ્રસ્થાને હોવી જોઈએ, નહીં કે સમાજની મર્યાદા.

હેતલ રાવ

શું અભિનેતા દીપક તિજોરી વાયરલ ગર્લ મોનાલિસા સાથે કામ કરશે?

દિગ્દર્શક સનોજ મિશ્રાએ વાયરલ ગર્લ મોનાલિસા પર ફિલ્મ બનાવવાનું વચન આપ્યું ત્યારે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જોકે, બાદમાં તેઓ વિવાદોમાં ફસાઈ ગયા અને જેલમાં ગયા. હવે તેઓ જેલમાંથી પાછા ફર્યા છે, પરંતુ ફિલ્મનું શું થયું તે અંગે કોઈ માહિતી નથી. એવા અહેવાલો હતા કે સનોજની ફિલ્મમાં પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા દીપક તિજોરી પણ હતા. હવે દીપક તિજોરીએ અમર ઉજાલા સાથેની ખાસ વાતચીતમાં આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ આ ફિલ્મનો ભાગ છે કે નહીં.

જ્યારે દીપક તિજોરીને સનોજ મિશ્રાની ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દીપક તિજોરીએ કહ્યું કે હું ખરેખર તેમને ઓળખતો નથી, અને મને ક્યારેય મળ્યાનું યાદ નથી. જ્યારે કોઈએ તેમનું નામ લીધું ત્યારે મને થોડું આશ્ચર્ય થયું. મને ખબર નથી કે આવું કેમ થયું, કદાચ કોઈ મૂંઝવણ હતી. અનુપમ ખેરનું નામ પણ લેવામાં આવ્યું હતું. હવે આ વિશે હું શું કહું?

આ વિશે વધુ વાત કરતાં દીપક તિજોરીએ કહ્યું કે અમને આ વાતની જાણ નહોતી અને મને નથી લાગતું કે ખેર સાહેબને પણ આ વિશે કોઈ ખ્યાલ હશે. પણ ગમે તે હોય, આ તો ઉદ્યોગ છે, ક્યારેક અહીં આવી ઘટનાઓ બને છે. જો કોઈને આનાથી કોઈ ફાયદો થાય છે, તો મને કોઈ વાંધો નથી. હું ક્યારેય આ બધી બાબતોમાં સામેલ રહ્યો નથી.

આ વર્ષના કુંભ મેળામાં મોનાલિસાનો વીડિયો વાયરલ થયા પછી, દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેને મળી અને તેની સાથે ફિલ્મ બનાવવાની વાત કરી. તે જ સમયે એવી અફવાઓ હતી કે દીપક તિજોરી અને અનુપમ ખેર પણ આ ફિલ્મનો ભાગ બનશે. જોકે, સનોજ મિશ્રા પર પાછળથી બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને જેલ પણ મોકલવામાં આવ્યા હતા. બાદમાં તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં એવું લાગે છે કે ફિલ્મને મુલતવી રાખવામાં આવી છે કારણ કે ફિલ્મ વિશે કોઈ નવી માહિતી જાહેર કરવામાં આવી નથી.

અંતરિક્ષથી ધરતી પર સલામત પરત ફર્યા શુભાંશુ શુક્લા

નવી દિલ્હીઃ ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના અન્ય ત્રણ અંતરિક્ષ યાત્રીઓ સાથે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર 18 દિવસના નિવાસ પછી ધરતી તરફ પરત ફરી આવ્યા છે. સ્પેસએક્સનું ડ્રેગન યાન કેલિફોર્નિયાના દરિયાઈ વિસ્તારમાં ઊતર્યું છે. રાકેશ શર્મા (1984) બાદ અંતરિક્ષની સફર કરનાર શુભાંશુ શુક્લા બીજા ભારતીય બની ગયા છે.

એક્સિઓમ-4 મિશન હેઠળ શુક્લા અને ત્રણ અન્ય યાત્રીઓ સવાર હતા તે ડ્રેગન યાને સોમવારના રોજ સવારે લગભગ 7:05 વાગે EDT (ભારતીય સમય પ્રમાણે સાંજે 4:35 વાગ્યે) ISSના હાર્મોની મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ થવાનું (અનડોકિંગ) કર્યું હતું.

તેમની ધરતી પર પરત ફરવાની પ્રક્રિયા મંગળવારે સવારે 5:30 વાગ્યે EDT (ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે) અમેરિકાના કેલિફોર્નિયાના કિનારેથી નજીકના દરિયામાં “સ્પ્લેશડાઉન” (પાણીમાં અવતરવું) સાથે પૂર્ણ થવાની અપેક્ષા હતી.

શુભાંશુ શુક્લાનાં માતા-પિતા ભાવુક થયા

અંતરિક્ષથી શુભાંશુ શુક્લાની સુરક્ષિત વાપસીના સમાચાર સાંભળતાં જ તેમનાં માતા-પિતા ભાવુક થયાં હતાં. શુક્લા અને એક્સિઓમ-4ના સહયાત્રી હવે સલામત રીતે ધરતી પર પાછા આવી ગયા છે.

 

ભારત સહિત ઘણા દેશોમાં એલોન મસ્કનું X ડાઉન

એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ફરી એકવાર ડાઉન છે. બે દિવસ પહેલા જ, સમગ્ર અમેરિકામાં X ડાઉન હતું. આઉટેજને ટ્રેક કરતી સાઇટ ડાઉનડિટેક્ટરે પણ પુષ્ટિ આપી છે કે X ડાઉન છે. X વપરાશકર્તાઓ લોગિન કરી શકતા નથી, જોકે લોગ ઇન થયેલા વપરાશકર્તાઓ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.

ડાઉનડિટેક્ટર અનુસાર, આજે સવારે 8 વાગ્યાથી એટલે કે 15 જુલાઈથી ભારતમાં X સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. સમાચાર લખાય ત્યાં સુધી, 63 વપરાશકર્તાઓએ ડાઉનડિટેક્ટર પર ફરિયાદ કરી છે. સાઇટ અનુસાર, 76 ટકા વપરાશકર્તાઓ લોગિનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને 24 ટકા લોકો વેબસાઇટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.