Home Blog Page 690

દિલ્હીમાં ભારે વરસાદ બાદ દીવાલ ધરાશાયીઃ સાત લોકોનાં મોત

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે રાજધાનીના જૈતપુર વિસ્તારમાં એક ઇમારતની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયી થવાથી અત્યાર સુધી કુલ સાત લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ-વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

દીવાલ ધરાશાયી થવાની આ ઘટના સવારે બની હતી અને આઠ લોકો તેના નીચે દબાઈ ગયા હતા,  કાટમાળની નીચે દબાયેલા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ મૃતકોની ઓળખ શબીબુલ (30), રબીબુલ (30), મુત્તુ અલી (45), રૂબીના (25), ડોલી (25), રુખસાના (6) અને હસીના (7) તરીકે થઈ છે.

એડિશનલ ડીસીપી સાઉથ ઈસ્ટ ઐશ્વર્ય શર્માએ જણાવ્યું હતું  કે અહીં એક જૂનું મંદિર છે અને તેની બાજુમાં જૂની ઝૂંપડપટ્ટી છે, જ્યાં કબાડી લોકો રહે છે. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. અમે હવે આ ઝૂંપડીઓને ખાલી કરાવી દીધી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. ગયા મહિને દિલ્હીના મુસ્તફાબાદમાં એક ઇમારત ધરાશાયી થઈ હતી અને આ ઘટનામાં 11 લોકોનાં મોત થયાં હતાં.

ઝાલાવાડમાં અકસ્માત

જુલાઈમાં જ રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી સ્કૂલની છત ધરાશાયી થઈ ગઈ હતી. તેમાં 10 બાળકોનાં મોત થયાં હતાં અને ઘણાં બાળકો ઘાયલ થયાં હતાં. સવાલ એ છે કે વરસાદના મોસમમાં સતત ઇમારત અથવા દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ શા માટે બની રહી છે? જો ઇમારતો અથવા કોઈ દીવાલ એટલી જર્જરિત છે તો નગરપાલિકા, નગરનિગમ અને બાકીની સરકારી એજન્સીઓએ સમયસર કાર્યવાહી શા માટે ન કરી?

ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ્સને તોડી પાડ્યાઃ એરફોર્સ ચીફ

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર અંગે એરફોર્સ ચીફ એ.પી. સિંહે મોટો ખુલાસો કર્યો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ભારે નુકસાન થયું, જેને કારણે પાકિસ્તાન સીઝફાયર માટે મજબૂર થયું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના પાંચ લડાકુ વિમાનો અને એક એરક્રાફ્ટને તોડી પાડ્યા હતા. આ આખા ઓપરેશનમાં S-400 સિસ્ટમ ગેમચેન્જર સાબિત થયું. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર કામ કર્યું. તેમણે કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવા માગતી હતી કે જો પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો ભારત મક્કમ જવાબ આપશે, એમ તેમણે કહ્યું હતું.

ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી કે ભારતે પાકિસ્તાનના પાંચ લડાકુ વિમાનોને પાડી દીધા. નૂર ખાન બેઝ સાથે બુરારી બેઝ પર હાજર એરક્રાફ્ટને પણ નષ્ટ કર્યું. એરફોર્સ ચીફે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 2 કમાન્ડ સેન્ટર, 6 રડાર ઉડાવ્યાં અને સાથે ત્રણ હેંગરને પણ નષ્ટ કરી નાખ્યા હતા.

એરફોર્સ ચીફે એર ડિફેન્સ સિસ્ટમ ‘આકાશ’ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ સિસ્ટમે પાકિસ્તાની હુમલાનો મક્કમ જવાબ આપ્યો. અમે પાકિસ્તાનની રડાર સિસ્ટમને તોડી નાખ્યું. આપણા કોઈ પણ સૈનિક મથકને નુકસાન થયું નથી. તેમણે ડ્રોન સિસ્ટમની પણ પ્રશંસા કરી અને કહ્યું કે અમારા ડ્રોન્સે શાનદાર કામ કર્યું હતું.

એર ચીફ માર્શલ એ.પી. સિંહે બહાવલપુરની તસવીરો બતાવી અને જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર કરવામાં આવેલા હુમલામાં આસપાસની ઇમારતો સંપૂર્ણ સુરક્ષિત રહી હતી. ફક્ત જૈશના મુખ્યાલયને જ નુકસાન થયું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન મુરીદકે ખાતે આવેલા લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય પર હુમલા પહેલાં અને બાદની તસવીરો બતાવતાં એર ચીફ માર્શલ એ.પી. સિંહે ત્યાં થયેલા નુકસાન અંગે માહિતી આપી હતી.

માર્શલ એ.પી. સિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતાનું મુખ્ય કારણ રાજકીય ઈચ્છાશક્તિ હતું. અમને ખૂબ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. અમારા પર કોઈ પ્રતિબંધ નહોતો. જો કોઈ અવરોધ હતા તો તે સ્વનિર્મિત હતા. અમારે નક્કી કરવું હતું કે કેટલું આગળ વધવું છે. અમને આયોજન બનાવવાની અને તેને અમલમાં મૂકવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી.

CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી

ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યો અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની ઝાંખી કરાવતી તૈયાર કરેલી 100 ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમ, બ્રહ્માકુમારી તેમજ અન્ય સંસ્થાની બહેનો, વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ, પ્રજ્ઞાચક્ષુ બહેનો, દિવ્યાંગ બહેનો સહિત મોટી સંખ્યામાં બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધીને આ પાવન પર્વની ઉજવણી કરી હતી.

રેલવેની નવી યોજનાઃ ટ્રેન ટિકિટો પર 20 ટકાની છૂટ

નવી દિલ્હીઃ રેલવેએ મુસાફરો માટે રાઉન્ડ ટ્રિપ પેકેજ સ્કીમની જાહેરાત કરી છે, જેના અંતર્ગત રિટર્ન જર્ની પર 20 ટકાની છૂટ મળશે. આ યોજના હાલ પ્રયોગાત્મક આધાર પર લાગુ કરવામાં આવશે, જેથી તેનો પ્રભાવ અને મુસાફરોની પ્રતિસાદનો અંદાજ લગાવી શકાય.

રેલવેએ તહેવારોના સીઝનમાં ભીડનું મેનેજમેન્ટ કરવા અને મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે ‘રાઉન્ડ ટ્રિપ પેકેજ’ સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ જે મુસાફરો પોતાની રિટર્ન જર્ની નક્કી સમયમર્યાદામાં બુક કરશે, તેમને રિટર્ન ટિકિટનાં બેઝ ભાડાં પર 20 ટકાની છૂટ મળશે.

કનેક્ટિંગ જર્ની ફીચર મારફતે થશે બુકિંગ

આ યોજના 14 ઓગસ્ટ 2025થી શરૂ થશે. તેના અંતર્ગત પહેલી મુસાફરી (Onward Journey)નું ટિકિટ 13 ઓક્ટોબર 2025થી 26 ઓક્ટોબર 2025 વચ્ચેની તારીખ માટે બુક કરવું પડશે. ત્યાર બાદ પરત ફરવાની મુસાફરી (Return Journey)નું ટિકિટ 17 નવેમ્બર 2025થી 1 ડિસેમ્બર 2025 વચ્ચેની તારીખ માટે કનેક્ટિંગ જર્ની ફીચર મારફતે બુક કરી શકાશે.

બેઝ ભાડા પર મળશે છૂટ

આ સ્કીમમાં છૂટ ત્યારે જ મળશે જ્યારે બંને તરફનું ટિકિટ એક જ મુસાફરને નામે અને કન્ફર્મ હશે. રિટર્ન ટિકિટ બુક કરવા માટે એડવાન્સ રિઝર્વેશન પિરિયડ લાગુ નહીં થાય. છૂટ ફક્ત રિટર્ન જર્નીના બેઝ ભાડાં પર આપવામાં આવશે. રેલવેએ જણાવ્યું કે આ યોજના હાલ પ્રયોગાત્મક આધાર પર લાગુ કરવામાં આવી છે, જેથી તહેવારોના સમયમાં ટ્રેનોનો બંને તરફથી વધુ સારો ઉપયોગ થઈ શકે.

ઈન્સ્ટન્ટ કોકોનટ પેંડા

ઘરે ઈન્સ્ટન્ટ મીઠાઈ બનાવવી હોય તો, કોકોનટના ઈન્સ્ટન્ટ જ્યુસી પેંડા બની શકે છે!

સામગ્રીઃ

  • દૂધ 1 કપ
  • સાકર ¼ કપ
  • સૂકા નાળિયેરનો બારીક ભૂકો 1 કપ
  • મિલ્ક પાઉડર ½ કપ
  • ઘી ½ ટી.સ્પૂન
  • એલચી પાઉડર 1 ટી.સ્પૂન

રીતઃ એક કઢાઈમાં દૂધને ગેસ ઉપર હલકું ગરમ કરી લો. ત્યારબાદ તેમાં સાકર મેળવીને તે ઓગળે ત્યારબાદ નાળિયેરનો બારીક ભૂકો મેળવી દો. દરમ્યાન ઝારા અથવા ચમચા વડે દૂધને સતત હલાવતાં રહેવું. મિશ્રણમાંનું દૂધ સૂકાઈ જાય એટલે ગેસની આંચ ધીમી કરીને તેમાં મિલ્ક પાઉડર મેળવીદો અને ઝડપથી ચમચા વડે એકરસ મેળવી દો. મિલ્ક પાઉડર સરસ ભળી જાય એટલે ½ ટી.સ્પૂન ઘી મેળવીને એકાદ મિનિટ ફરીથી હલાવીને એલચી પાઉડર મેળવી દો અને ગેસ બંધ કરી દો.

મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેમાંથી પેંડા વાળવા માટે ગોળો હાથમાં લઈ ચપટો ગોળાકાર પેંડો બનાવી લો. ગોળો વાળતી વખતે કિનારી થોડી ફાટી શકે. તેથી કાળજીપૂર્વક ગોળો વાળવો. ત્યારબાદ એક થાળીમાં નાળિયેરનો ભૂકો લઈ તેમાં રગદોળીને બીજી થાળીમાં ગોઠવીને દરેક પેંડા ઉપર થોડી પિસ્તાની કાતરી ગોઠવી, તેની ઉપર એક કેસરનો તાંતણો મૂકી દો. અથવા બદામની કાતરી ગોઠવી શકો છો.

આ પેંડા ત્રણેક દિવસ સુધી બહાર સારાં રહેશે. ફ્રિજમાં રાખવાથી તે અઠવાડિયા સુધી સારાં રહેશે.

હિમાચલ પ્રદેશના કુલુમાં વાદળ ફાટ્યું: ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કુલુમાં ક્લાઉડબર્સ્ટની ઘટના બની છે. કેન્દ્રીય જળ પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાની ખબર નથી. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) કુલુ અનુસાર પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગ (IMD)એ હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

IMD શિમલા કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંદીપ કુમાર શર્માએ જણાવ્યું કે નવ ઓગસ્ટ માટે કાંગરા, ઊના અને સિરમૌર જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે 10 ઓગસ્ટની રાતથી 11 ઓગસ્ટની સવાર સુધી વરસાદની પ્રવૃત્તિઓ ફરી તેજ થવાની શક્યતા છે.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- SEOCના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે રાજ્યના આધુનિક માળખાને ભારે નુકસાન થયું છે. કુલ 357 રસ્તાઓ અવરોધાયેલા છે. 599 વીજ વિતરણ ટ્રાન્સફોર્મર (DTRs) બંધ થઈ ગયા છે અને 177 પાણીપુરવઠાની યોજનાઓ પ્રભાવિત થઈ છે. રાજ્યમાં મંડી જિલ્લો સૌથી વધારે અસરગ્રસ્ત થયો છે, જ્યાં સૌથી વધુ 206 રસ્તાઓ બંધ છે અને 204 વીજ ટ્રાન્સફોર્મર ખરાબ થયાં છે.

રાજ્યમાં અત્યાર સુધી 208 લોકોનાં મોત

રાજ્યના SDMAના તાજા આંકડા મુજબ આ મોસમમાં અત્યાર સુધી કુલ 208 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 112 લોકોનાં મોત ભૂસ્ખલન, અચાનક આવેલા પૂર અને મકાન ધરાશાયી થવા જેવી વરસાદ સંબંધિત આફતોને કારણે થયા છે, જ્યારે 96 મોત માર્ગ અકસ્માતોમાં થયા છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ખરાબ આબોહવા અને ભીની થયેલી ગયેલી સડકોને માનવામાં આવી રહ્યું છે.

યુક્રેન શાંતિ કરાર પર ટ્રમ્પ, પુતિનની ઐતિહાસિક મુલાકાત અલાસ્કામાં

વોશિંગ્ટનઃ હાલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની ચર્ચા ચોરે ને ચૌટે ચાલી રહી છે. ટ્રમ્પ પ્રેસ બ્રિફ કરવા આવે છે અને રોજ કોઈ ને કોઈ દેશ પર ટેરિફ કે પછી પ્રતિબંધનું એલાન કરે છે. આ બધાની વચ્ચે તેમણે શુક્રવારે એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તેઓ 15 ઓગસ્ટે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મળશે. આ બેઠકનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે એક શાંતિ કરાર પર ચર્ચા કરવાનો છે.

આ મુલાકાતની જાહેરાતે ઘણાં સપ્તાહથી ચાલી રહેલી અટકળોને અંત આવ્યો છે કે આ ઉચ્ચ સ્તરીય બેઠક ક્યાં થશે. અગાઉની અહેવાલોમાં પુતિન માટે સંયુક્ત અરબ અમીરાત પસંદીદા સ્થળ ગણાવાયું હતું, પરંતુ અમેરિકાએ સુરક્ષા અને કૂટનીતિક પ્રાથમિકતાઓનો હવાલો આપીને અલાસ્કાની પસંદગી કરી છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં સંકેત આપ્યો કે સંભવિત કરારમાં કેટલાક વિસ્તારોની આપલે’ સામેલ હોઈ શકે છે.  ક્રેમલિનના સહયોગી યુરી ઉશાકોવે પણ પુષ્ટિ કરી છે કે બંને નેતા ‘યુક્રેન સંકટ માટે લાંબા ગાળાનો શાંતિપૂર્ણ ઉકેલ મેળવવાના વિકલ્પો પર ચર્ચા’ કરશે. કેટલાક વિશ્લેષકો માને છે કે રશિયા તે વિસ્તારો છોડવા સંમત થઈ શકે છે, જેને તેણે સત્તાવાર રીતે પોતાનામાં જોડ્યા છે.

ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે પુતિન સાથે તેમની બેઠક યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથેની સંભવિત વાતચીત પહેલાં થશે. ટ્રમ્પ અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેઓ પુતિનને મળવા તૈયાર છે, ભલે રશિયન નેતા ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવા સંમત હોય કે નહીં.

ઘૂસણખોરો વિપક્ષની મતબેન્ક છે, એટલે SIRનો વિરોધઃ શાહ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહે બિહારમાં મતદાર યાદીની ખાસ ગહન પુનરીક્ષણ (SIR)નો વિરોધ કરવા બદલ વિરોધી પક્ષોને આડે હાથ લીધા હતા અને તેમના પર મતબેંકના રાજકારણમાં જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. શાહે આરોપ લગાવ્યો કે વિરોધી પક્ષો SIRનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે, કારણ કે ઘૂસણખોરો તેમની મતબેંકનો ભાગ છે.

આ પ્રક્રિયા પહેલી વાર થઈ રહી નથી, પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તેની શરૂઆત કરી હતી. એક સભાને સંબોધતાં શાહે કહ્યું હતું  કે બિહારમાં ચૂંટણી થવાની છે. મારા અહીં આવતાં પહેલાં અખબારોમાં આ પ્રશ્નથી પાનાં ભરાયેલાં હતાં કે SIR થવો જોઈએ કે નહીં.

હું ભાજપનો કાર્યકર છું, પરંતુ હું લોકોને પૂછવા માગું છું કે શું આપણે મતદાર યાદીમાંથી આપ્રવાસીઓને દૂર ન કરવા જોઈએ?  લાલુ પ્રસાદ યાદવ કોને બચાવવા માગે છે? શું તમે તે બાંગ્લાદેશીઓને બચાવવા માગો છો, જે બહારથી આવે છે અને બિહારના લોકોની નોકરી છીનવી લે છે?

રાહુલ ગાંધીએ મતબેંકનું રાજકારણ બંધ કરવું જોઈએ અને તેઓ તેનાં માટે કારણો શોધી રહ્યાં છે, કારણ કે તેઓ બિહાર ચૂંટણી હારી જશે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ઘૂસણખોરોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવા જોઈએ કે નહીં? ભારતનું બંધારણ તે લોકોને મત આપવાનો હક આપતું નથી, જે ભારતમાં જન્મેલા નથી. રાહુલ ગાંધી બંધારણ લઈને ફરી રહ્યા છે, તેમણે પણ તેને ખોલીને વાંચવું જોઈએ. તેઓ SIRનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઘૂસણખોરો તેમની મતબેંક છે, એમ તેમણે કહ્યું હતું.

અમિત શાહ ગુજરાત મુલાકાતે: રક્ષાબંધન પર માણસામાં પૈતૃક મકાનનું ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 8 ઓગસ્ટના રોજ રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના શનિવારે રક્ષાબંધનના તહેવાર અને રવિવારે એમ બે દિવસ તેઓ ગુજરાતની મુલાકાતે છે. શનિવારે સવારે 10:30 વાગ્યે અમિત શાહ વતન ગાંધીનગરના માણસા ખાતે પહોંચશે. વતનમાં તેમના જૂના પૈતૃક મકાનના રિનોવેશનના કામનું ખાતમુહૂર્ના કરીને પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે છ વાગ્યા બાદ તેઓ અમદાવાદ ખાતે પરત ફરશે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં રહેશે. બાદમાં સાંજે 5:30 વાગ્યાની આસપાસ  દિલ્હી જવા રવાના થશે.

શુક્રવાર રાત્રે અમદાવાદ આવ્યા બાદ તેમણે મેમનગર પાસે સુભાષચોક ખાતે આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા. ગૃહ મંત્રીએ હનુમાનજીના મંદિરે દર્શન કર્યા ત્યાર બાદ સીધા તેઓ થલતેજ ખાતેના પોતાના નિવાસ્થાને પહોંચ્યા હતા.

નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવશે

આજે અમિત શાહ તેમના કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન પણ કરશે. ખાતમુહૂર્ત પ્રસંગે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન પણ સહ પરિવાર દ્વારા કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દર નવરાત્રિએ વતન માણસામાં કુળદેવીના દર્શને આવે છે અને પરિવાર સાથે કુળદેવીની પૂજા-અર્ચના કરે છે.

કુલગામના અખાલમાં 2 જવાન શહીદ, 1 આતંકી ઠાર: 9 દિવસથી અથડામણની સ્થિતિ

જમ્મુ-કાશ્મીર: કુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરનો આજે નવમો દિવસ છે. આખી રાત આ વિસ્તાર જોરદાર વિસ્ફોટો અને ગોળીબારથી ગુંજી ઉઠ્યો. આ દરમિયાન ગઈકાલે રાત્રે થયેલા ગોળીબારમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે બે અન્ય સૈનિકો ઘાયલ થયા હતા.અત્યાર સુધીમાં 10 સૈનિકો ઘાયલ થયા 

અત્યાર સુધીમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કુલ બે સૈનિકો શહીદ થયા છે અને દસ સૈનિકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાઢ જંગલો અને કુદરતી ગુફા જેવા છુપાયેલા સ્થળોનો લાભ લઈને ઓછામાં ઓછા ત્રણ કે તેથી વધુ આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. આ એન્કાઉન્ટર છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી લાંબો ચાલતો આતંકવાદ વિરોધી ઓપરેશન બની ગયો છે.

સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ ઓપરેશન શરૂ કર્યું હતું

ભારતીય સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓની શોધમાં ‘ઓપરેશન અખાલ’ શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે અહીં 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ અનુસાર, દક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.