Home Blog Page 689

પંચાંગ 10/08/2025

દિલમાં જન્મતી, દુનિયા સુધી પહોચતી એ ગ્રામ્યકથાઓ…

યા…હૂ… આ વખતે જે નેશનલ એવૉર્ડ ઘોષિત થયા એમાં ગામડાગામમાંથી નીકળેલી વાર્તાને પ્રાધાન્ય મળ્યું છે. ભારતના આત્મા સમી એ ભૂમિ, જ્યાં જમીનની સુગંધ સાથે સ્મૃતિઓ શ્વાસ લે છે, એવા નાના નાના ગામની ધૂળમાં મોટી કથાઓ જન્મે છે, જ્યાં જિંદગીનાં લાગણીના તાણાવાણા, ધૂળિયા મારગ અથવા સાંકડી શેરીઓમાં વણાય છે. ભારતનાં આવાં નાનકડાં ગામ, નગરોનાં હૃદયમાંથી નીકળતા અવાજ હવે ફિલ્મ અને ઓટીટીના માધ્યમથી ભારત જ નહીં, પણ દેશના ખૂણે ખૂણે પહોંચ્યા છે, જે સાંભળીને-જોઈને પરદેશીઓમાં ભારત વિશે કુતૂહલ જગાવે છે ને એમને અહીં આવવા પ્રેરે છે. આવી ફિલ્મોનાં પાત્રો, સંઘર્ષ અને સંસ્કૃતિના રંગોથી ભરેલાં હોય છે. ક્યારેક તીખા વ્યંગવાળી વાર્તા હોય છે, તો ક્યારેક દિલધડક થ્રિલર. ‘મિરઝાપુર’થી લઈને ‘પંચાયત’ અને ‘લાપતા લેડીસ’થી લઈને ‘કઠલ’, ‘ભૂલચૂક માફ’, વગેરે.

દેશના ખૂણામાંથી ઊગીને ખીલી ગયેલી થોડી વાર્તાઓ જોઈએઃ ચોટી પર છે મારી ફેવરીટઃ ‘કઠલ’- ગામડાની માટીથી લખાયેલી વાર્તા ‘કઠલઃ અ જેકફ્રૂટ મિસ્ટ્રી’. મધ્ય પ્રદેશનું ચંબલ ક્ષેત્ર આમ તો ડાકુના નામે જાણીતું હતું, પણ હવે સમય બદલાયો છે. પ્રદેશના જિલ્લા ભીંડનાં અંતરિયાળ ગામડાંમાં ‘કઠલ’…નું શૂટિંગ થયું. ચંબલ અને આસપાસના વિસ્તારમાં શૂટ થયેલી આ ફિલ્મ યુવા ડિરેક્ટર યશોધર મિશ્રાએ દિલથી બનાવી છે. પિતા અશોક મિશ્રાએ લેખનકાર્ય સંભાળ્યું છે.

71મા નેશનલ ફિલ્મ એવોર્ડસમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો ખિતાબ મેળવનારી ‘કઠલ’ રાજકીય કટાક્ષકથા છે. મધ્ય પ્રદેશની અંતરિયાળ નગરીમાં સ્થાનિક વિધાનસભ્ય (વિજય રાઝ)ના બંગલાના બગીચામાંથી બે રસાળ કઠલ (ફણસ)ની ચોરી થાય છે. એમનો ફોન જતાં નાના-મોટા પોલીસ અફસરો બધા કેસ પડતા મૂકીને ફણસ અને એના ચોરને શોધવા નીકળી પડે છે. તપાસ દરમિયાન ફણસ સિવાય બીજું બધું બહાર આવે છે. સાન્યા મલ્હોત્રા ચતુર મહિલા પોલીસના રોલમાં છે. દલિતની રાજનીતિ, બ્યુરોક્રેટિક હાહાકાર, પુરુષ આધિપત્ય, વગેરે અહીં વ્યંગાત્મક સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. જાણે રેશમી રૂમાલમાં લપેટીને મારવામાં આવેલો જડબાતોડ મુક્કો. પ્રાસંગિકતાનું એવું અનોખું મિશ્રણ, જે સાબિત કરે છે કે હાર્ટલેન્ડની વાર્તાઓ દૂર દૂર સુધી ગુંજે છે અને ઈનામ પણ જીતે છે.

‘કઠલ’ની જ હીરોઈન સાન્યા મલ્હોત્રા ઉમેશ બિસ્ત લિખિત-દિગ્દર્શિત ‘પગલૈટ’માં બની છેઃ સંધ્યા ગિરિ. ઉત્તર ભારતના નાનકડા નગરમાં આકાર લેતી કથા ધીમે ધીમે ખૂલે છે. ભણેલી-ગણેલી સંધ્યાનાં લગ્નના થોડા જ મહિનામાં પતિનું મૃત્યુ થાય છે, જેનું એને દુઃખ નથી. ઘરમાં રોકકડ ચાલી રહી છે, પણ સંધ્યા રડવાને બદલે પેપ્સી અને વેફર માણતી જોવા મળે છે. પરિવારનું માનવું છે કે આઘાતના લીધે તે આવું કરી રહી હશે. એની મા નજર પણ ઉતારે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે, જ્યારે પતિના પચાસ લાખ રૂપિયાના વીમાની વાત આવે છે. એ પૈસાની પાછળ પિયરિયાં, સાસરિયાં પડી જાય છે. આ બધા વચ્ચે તમામ વચ્ચે સંધ્યા પોતાની જાતને કેવી રીતે શોધે છે એની આ કહાની છે.

વિક્રાંત મેસી અને તાપસી પન્નૂની ‘હસીન દિલરૂબા’ અને ‘ફિર આયી  હસીન દિલરૂબા’ની વાર્તામાં પ્રેમ, કામુકતા અને ખૂનની ટક્કર છે- સાંકડી ગલીઓમાં છુપાયેલી ઝેરીલી પ્રેમકથા, જ્યાં ચહેરા પર સ્મિત અને આંખોમાં ખંજર બંને સાથે રહે છે. તો વાસ્તવિક ઘટનાઓ પરથી પ્રેરિત ‘ખાકી: ધ બિહાર એન્ડ બેંગાલ ચૅપ્ટર્સ’માં બિહાર અને બંગાળના ગેંગલેન્ડમાં એક નિષ્ઠાવાન પોલીસ અધિકારીની હિંમતભરી લડતને દર્શાવે છે.

આવી જ એક વાર્તા એટલે ‘લાપતા લેડીઝ’. બે નવવધૂ, એક ચૂકાઈ ગયેલી ટ્રેન અને બે દુલ્હનોની અદલાબદલી, જે આત્મખોજની યાત્રામાં ફેરવાઈ જાય છે. ભારતના ગ્રામ્ય પ્રદેશના મોતી જેવી કથા હાસ્ય અને હૃદયસ્પર્શી ક્ષણોનું મિશ્રણ છે. સ્ત્રીત્વ, પિતૃસત્તા અને મુક્તિના વિષયો… આ બધું જ નાના શહેરની નિર્દોષ નજરેથી બતાવે છે ડિરેક્ટર કિરણ રાવ.

આ ઉપરાંત બનારસના ઘાટની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રણયકથા ભૂલચૂક માફ, એ પહેલાં આવેલી સંઘર્ષકથા ટવેલ્થ ફેલ કે પછી પંચાયત જેવી સિરીઝ- પ્રેક્ષકોને ધરતીની માટી, એની લોકબોલી, એની સ્થાનિક રમૂજ, સ્લેંગ, વગેરે દર્શકને પસંદ પડી રહ્યાં છે.

IAF ચીફે ઓપરેશન સિંદૂર પર મોટા ખુલાસા કર્યા

એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે શનિવારે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના (IAF) એ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક મોટા વિમાનને તોડી પાડવાની પુષ્ટિ કરી છે. તેમણે તેને ભારત દ્વારા અત્યાર સુધીનો સપાટીથી હવામાં હુમલો કરવાનો સૌથી મોટો રેકોર્ડ ગણાવ્યો.

ભારતીય વાયુસેનાના વડા અમર પ્રીત સિંહે બેંગલુરુમાં એર ચીફ માર્શલ એલ.એમ. કાત્રેના મેમોરિયમમાં વ્યાખ્યાનના 16મા સંસ્કરણને સંબોધતા, પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર સુધી ભારતીય વાયુસેના દ્વારા દર્શાવવામાં આવેલી ક્ષમતાની પ્રશંસા કરી અને પાકિસ્તાન દ્વારા થયેલા મોટા નુકસાન વિશે જણાવ્યું. IAF વડાએ કહ્યું, અમને તે AWC હેંગરમાં ઓછામાં ઓછું એક AWC અને કેટલાક F-16 વિમાન હોવાના સંકેત મળ્યા છે જે ત્યાં જાળવણી હેઠળ છે.

અમે પુષ્ટિ આપી છે કે ઓછામાં ઓછા પાંચ ફાઇટર એરક્રાફ્ટને ટક્કર મારી છે અને એક મોટું વિમાન, જે કાં તો વિમાન અથવા એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) હોઈ શકે છે, જે લગભગ 300 કિલોમીટરના અંતરેથી ટક્કર મારીને નાશ પામ્યું હતું. આ ખરેખર અત્યાર સુધીનું સૌથી મોટું સપાટીથી હવામાં ગોળીબાર છે જે અમે હાંસલ કર્યું છે.” વાયુસેના વડાએ કહ્યું, “ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, IAF એ એરફિલ્ડ પર હુમલો કરવાનું નક્કી કર્યું. તેથી એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો અને મુખ્ય ઇમારત પર પણ હુમલો કરવામાં આવ્યો, જ્યાં આયોજન કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ક્યારેક સિવિલ ટર્મિનલ બિલ્ડિંગ તરીકે પણ થતો હતો.

તેમણે કહ્યું, જ્યાં સુધી સુકુર એરબેઝનો સંબંધ છે, અમે UAV હેંગર અને રડાર સાઇટ પર પણ હુમલો કર્યો. તમારી પાસે અહીં ઉપલબ્ધ દ્રશ્યો છે – આ એ જ હેંગર છે જેને તોડી પાડવામાં આવ્યું છે, આ પહેલા અને પછી રડાર સાઇટ છે. AWC હેંગર પર ફરીથી હુમલો કરવામાં આવ્યો. તે જોઈ શકાય છે કે એક વિમાન હતું જ્યાં હુમલો થયો હતો. સરગોધા વિશે, વાયુસેનાના વડાએ કહ્યું, આપણે આપણા વાયુસેનામાં આવા દિવસોના સપના જોતા મોટા થયા છીએ. કોઈ દિવસ આપણને તક મળશે. સંયોગથી, મને મારી નિવૃત્તિ પહેલા આ તક મળી. અમે એરફિલ્ડ પર હુમલો કર્યો જ્યાં અમને F-16 વિમાન વિશે ખૂબ જ મજબૂત માહિતી મળી.

વોટ ચોરીના મુદ્દે શરદ પવારનો રાહુલ ગાંધીને ટેકો

મુંબઈઃ રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પરના આક્ષેપો વચ્ચે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM અને NCP-SPપ્રમુખ શરદદ્ર પવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને એક વ્યક્તિએ 288માંથી 160 સીટો જિતાડવાની ગેરંટી આપી હતી.

તેમણે કહ્યું હતું  કે મને યાદ છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં બે લોકો દિલ્હીમાં મને મળવા આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે મહારાષ્ટ્રની 288 સીટોમાંથી અમે તમને 160 સીટોની ગેરંટી આપીએ છીએ. હું આશ્ચર્યચકિત થયો હતો, સાચું કહું તો મને ચૂંટણી પંચ પર કોઈ શંકા નહોતી.

તેમણે આગળ જણાવ્યું હતું કે ત્યાર બાદ મેં તે લોકોની અને રાહુલ ગાંધી સાથે બેઠક નક્કી કરી. તેઓ જે કહેવા માગતા હતા તે તેમણે રાહુલ ગાંધી સમક્ષ કહ્યું, પરંતુ રાહુલ ગાંધી અને મારો મત એ હતો કે એના પર ધ્યાન આપવું નહીં જોઈએ, આ અમારો માર્ગ નથી.

તેમણે કહ્યું હતું કે ‘વોટ ચોરી’ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેઝન્ટેશન સારી રીતે સંશોધિત અને દસ્તાવેજ આધારિત હતી અને આ મામલે તપાસ કરવી ચૂંટણી પંચ (ECI)નું કામ છે.  તેમણે સ્વીકાર્યું હતું કે વિરોધી મહા વિકાસ આઘાડીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં વધુ સાવધ રહેવું જોઈએ. તેમણે કહ્યું  હતું કે અમારે આ પર પહેલાથી જ વિચારવું જોઈએ હતું અને સાવચેતી રાખવી જોઈએ હતી.

પવારે કહ્યું હતું કે ગાંધીએ વિગતવાર પુરાવા સાથે પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે આ પર વિચારવું જોઈએ.

હિમાચલ કોંગ્રેસના અધ્યક્ષની જાહેરાત પહેલાં કોંગ્રેસમાં બળવાના સૂર

સિમલાઃ હિમાચલ કોંગ્રેસના નવા અધ્યક્ષની નિમણૂકને લઈને રાજકારણમાં ગરમાટો છે. દિલ્હી પ્રવાસ પરથી પરત આવેલાં પ્રતિભા સિંહે અનૌપચારિક વાતચીતમાં કહ્યું હતું કે જો વીરભદ્ર સિંહના વારસાની અવગણના કરવામાં આવશે તો કોંગ્રેસ સંગઠનને તેનું નુકસાન પણ ભોગવવું પડશે.

પ્રતિભા સિંહે દિલ્હીમાં પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની બેઠકમાં પણ તેમણે આ વાત કરી હતી. પ્રતિભા સિંહે જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધીને કહ્યું હતું કે તેમના કહેવા પર જ વીરભદ્ર સિંહના વારસાને ધ્યાનમાં રાખીને તેમને પક્ષ દ્વારા અધ્યક્ષની મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.તેમણે જણાવ્યું હતું કે પક્ષમાં અધ્યક્ષને લઈને ચર્ચા થઈ ગઈ છે. હાઈકમાન્ડે તેમનો પક્ષ સાંભળ્યો છે. આશા છે કે જલદી નિર્ણય લેવામાં આવશે. પ્રતિભા સિંહે કહ્યું હતું કે રાહુલ અને ખડગેએ વિશ્વાસ આપ્યો છે કે ટૂંક સમયમાં સંગઠન બનાવી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મજબૂત નેતા બનવો જોઈએ, માત્ર ‘રબર સ્ટેમ્પ’ અધ્યક્ષ ન બનવો. પ્રતિભા સિંહે કહ્યું હતું કે તેમના સિવાય તમામ મંત્રીઓએ પણ રાહુલ ગાંધી સમક્ષ પોતાની વાત રજૂ કરી છે.

પ્રતિભા સિંહે જણાવ્યું હતું કે સંગઠન રચવામાં થતા વિલંબનો મુદ્દો તેમણે રાહુલ ગાંધી સમક્ષ ઉઠાવ્યો છે. પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. હજી સુધી અમે સંગઠનને લઈને નિર્ણય કરી શક્યા નથી. તેમણે જણાવ્યું હતું કે સંગઠન વગર પક્ષની પ્રવૃત્તિઓ ઠપ પડી ગઈ છે. જો કોઈ વિરોધ પ્રદર્શન અથવા રેલી કરવી હોય તો તેઓ કરી શકતા નથી.પ્રતિભા સિંહે જણાવ્યું હતું કે તેમણે સરકારમાં નિમણૂકોનો મુદ્દો ઘણી વાર CMએ સમક્ષ ઉઠાવ્યો છે. તેમને ખબર નથી કે કોઈ કારણસર પક્ષ કાર્યકરોની નિમણૂક થઈ શકી નથી. તેઓ વારંવાર સંગઠનના લોકોની ભલામણ કરતી રહી છે. પક્ષના પ્રભારી સમક્ષ પણ આ વાત વારંવાર રજૂ કરી છે.

દિલ્હીમાં ભારે વરસાદ બાદ દીવાલ ધરાશાયીઃ સાત લોકોનાં મોત

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે રાજધાનીના જૈતપુર વિસ્તારમાં એક ઇમારતની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયી થવાથી અત્યાર સુધી કુલ સાત લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ-વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

દીવાલ ધરાશાયી થવાની આ ઘટના સવારે બની હતી અને આઠ લોકો તેના નીચે દબાઈ ગયા હતા,  કાટમાળની નીચે દબાયેલા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ મૃતકોની ઓળખ શબીબુલ (30), રબીબુલ (30), મુત્તુ અલી (45), રૂબીના (25), ડોલી (25), રુખસાના (6) અને હસીના (7) તરીકે થઈ છે.

એડિશનલ ડીસીપી સાઉથ ઈસ્ટ ઐશ્વર્ય શર્માએ જણાવ્યું હતું  કે અહીં એક જૂનું મંદિર છે અને તેની બાજુમાં જૂની ઝૂંપડપટ્ટી છે, જ્યાં કબાડી લોકો રહે છે. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. અમે હવે આ ઝૂંપડીઓને ખાલી કરાવી દીધી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. ગયા મહિને દિલ્હીના મુસ્તફાબાદમાં એક ઇમારત ધરાશાયી થઈ હતી અને આ ઘટનામાં 11 લોકોનાં મોત થયાં હતાં.

ઝાલાવાડમાં અકસ્માત

જુલાઈમાં જ રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી સ્કૂલની છત ધરાશાયી થઈ ગઈ હતી. તેમાં 10 બાળકોનાં મોત થયાં હતાં અને ઘણાં બાળકો ઘાયલ થયાં હતાં. સવાલ એ છે કે વરસાદના મોસમમાં સતત ઇમારત અથવા દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ શા માટે બની રહી છે? જો ઇમારતો અથવા કોઈ દીવાલ એટલી જર્જરિત છે તો નગરપાલિકા, નગરનિગમ અને બાકીની સરકારી એજન્સીઓએ સમયસર કાર્યવાહી શા માટે ન કરી?

ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ્સને તોડી પાડ્યાઃ એરફોર્સ ચીફ

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર અંગે એરફોર્સ ચીફ એ.પી. સિંહે મોટો ખુલાસો કર્યો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ભારે નુકસાન થયું, જેને કારણે પાકિસ્તાન સીઝફાયર માટે મજબૂર થયું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના પાંચ લડાકુ વિમાનો અને એક એરક્રાફ્ટને તોડી પાડ્યા હતા. આ આખા ઓપરેશનમાં S-400 સિસ્ટમ ગેમચેન્જર સાબિત થયું. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર કામ કર્યું. તેમણે કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવા માગતી હતી કે જો પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો ભારત મક્કમ જવાબ આપશે, એમ તેમણે કહ્યું હતું.

ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી કે ભારતે પાકિસ્તાનના પાંચ લડાકુ વિમાનોને પાડી દીધા. નૂર ખાન બેઝ સાથે બુરારી બેઝ પર હાજર એરક્રાફ્ટને પણ નષ્ટ કર્યું. એરફોર્સ ચીફે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 2 કમાન્ડ સેન્ટર, 6 રડાર ઉડાવ્યાં અને સાથે ત્રણ હેંગરને પણ નષ્ટ કરી નાખ્યા હતા.

એરફોર્સ ચીફે એર ડિફેન્સ સિસ્ટમ ‘આકાશ’ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ સિસ્ટમે પાકિસ્તાની હુમલાનો મક્કમ જવાબ આપ્યો. અમે પાકિસ્તાનની રડાર સિસ્ટમને તોડી નાખ્યું. આપણા કોઈ પણ સૈનિક મથકને નુકસાન થયું નથી. તેમણે ડ્રોન સિસ્ટમની પણ પ્રશંસા કરી અને કહ્યું કે અમારા ડ્રોન્સે શાનદાર કામ કર્યું હતું.

એર ચીફ માર્શલ એ.પી. સિંહે બહાવલપુરની તસવીરો બતાવી અને જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર કરવામાં આવેલા હુમલામાં આસપાસની ઇમારતો સંપૂર્ણ સુરક્ષિત રહી હતી. ફક્ત જૈશના મુખ્યાલયને જ નુકસાન થયું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન મુરીદકે ખાતે આવેલા લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય પર હુમલા પહેલાં અને બાદની તસવીરો બતાવતાં એર ચીફ માર્શલ એ.પી. સિંહે ત્યાં થયેલા નુકસાન અંગે માહિતી આપી હતી.

માર્શલ એ.પી. સિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતાનું મુખ્ય કારણ રાજકીય ઈચ્છાશક્તિ હતું. અમને ખૂબ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. અમારા પર કોઈ પ્રતિબંધ નહોતો. જો કોઈ અવરોધ હતા તો તે સ્વનિર્મિત હતા. અમારે નક્કી કરવું હતું કે કેટલું આગળ વધવું છે. અમને આયોજન બનાવવાની અને તેને અમલમાં મૂકવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી.

CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી

ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યો અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની ઝાંખી કરાવતી તૈયાર કરેલી 100 ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમ, બ્રહ્માકુમારી તેમજ અન્ય સંસ્થાની બહેનો, વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ, પ્રજ્ઞાચક્ષુ બહેનો, દિવ્યાંગ બહેનો સહિત મોટી સંખ્યામાં બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધીને આ પાવન પર્વની ઉજવણી કરી હતી.

રેલવેની નવી યોજનાઃ ટ્રેન ટિકિટો પર 20 ટકાની છૂટ

નવી દિલ્હીઃ રેલવેએ મુસાફરો માટે રાઉન્ડ ટ્રિપ પેકેજ સ્કીમની જાહેરાત કરી છે, જેના અંતર્ગત રિટર્ન જર્ની પર 20 ટકાની છૂટ મળશે. આ યોજના હાલ પ્રયોગાત્મક આધાર પર લાગુ કરવામાં આવશે, જેથી તેનો પ્રભાવ અને મુસાફરોની પ્રતિસાદનો અંદાજ લગાવી શકાય.

રેલવેએ તહેવારોના સીઝનમાં ભીડનું મેનેજમેન્ટ કરવા અને મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે ‘રાઉન્ડ ટ્રિપ પેકેજ’ સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ જે મુસાફરો પોતાની રિટર્ન જર્ની નક્કી સમયમર્યાદામાં બુક કરશે, તેમને રિટર્ન ટિકિટનાં બેઝ ભાડાં પર 20 ટકાની છૂટ મળશે.

કનેક્ટિંગ જર્ની ફીચર મારફતે થશે બુકિંગ

આ યોજના 14 ઓગસ્ટ 2025થી શરૂ થશે. તેના અંતર્ગત પહેલી મુસાફરી (Onward Journey)નું ટિકિટ 13 ઓક્ટોબર 2025થી 26 ઓક્ટોબર 2025 વચ્ચેની તારીખ માટે બુક કરવું પડશે. ત્યાર બાદ પરત ફરવાની મુસાફરી (Return Journey)નું ટિકિટ 17 નવેમ્બર 2025થી 1 ડિસેમ્બર 2025 વચ્ચેની તારીખ માટે કનેક્ટિંગ જર્ની ફીચર મારફતે બુક કરી શકાશે.

બેઝ ભાડા પર મળશે છૂટ

આ સ્કીમમાં છૂટ ત્યારે જ મળશે જ્યારે બંને તરફનું ટિકિટ એક જ મુસાફરને નામે અને કન્ફર્મ હશે. રિટર્ન ટિકિટ બુક કરવા માટે એડવાન્સ રિઝર્વેશન પિરિયડ લાગુ નહીં થાય. છૂટ ફક્ત રિટર્ન જર્નીના બેઝ ભાડાં પર આપવામાં આવશે. રેલવેએ જણાવ્યું કે આ યોજના હાલ પ્રયોગાત્મક આધાર પર લાગુ કરવામાં આવી છે, જેથી તહેવારોના સમયમાં ટ્રેનોનો બંને તરફથી વધુ સારો ઉપયોગ થઈ શકે.

ઈન્સ્ટન્ટ કોકોનટ પેંડા

ઘરે ઈન્સ્ટન્ટ મીઠાઈ બનાવવી હોય તો, કોકોનટના ઈન્સ્ટન્ટ જ્યુસી પેંડા બની શકે છે!

સામગ્રીઃ

  • દૂધ 1 કપ
  • સાકર ¼ કપ
  • સૂકા નાળિયેરનો બારીક ભૂકો 1 કપ
  • મિલ્ક પાઉડર ½ કપ
  • ઘી ½ ટી.સ્પૂન
  • એલચી પાઉડર 1 ટી.સ્પૂન

રીતઃ એક કઢાઈમાં દૂધને ગેસ ઉપર હલકું ગરમ કરી લો. ત્યારબાદ તેમાં સાકર મેળવીને તે ઓગળે ત્યારબાદ નાળિયેરનો બારીક ભૂકો મેળવી દો. દરમ્યાન ઝારા અથવા ચમચા વડે દૂધને સતત હલાવતાં રહેવું. મિશ્રણમાંનું દૂધ સૂકાઈ જાય એટલે ગેસની આંચ ધીમી કરીને તેમાં મિલ્ક પાઉડર મેળવીદો અને ઝડપથી ચમચા વડે એકરસ મેળવી દો. મિલ્ક પાઉડર સરસ ભળી જાય એટલે ½ ટી.સ્પૂન ઘી મેળવીને એકાદ મિનિટ ફરીથી હલાવીને એલચી પાઉડર મેળવી દો અને ગેસ બંધ કરી દો.

મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેમાંથી પેંડા વાળવા માટે ગોળો હાથમાં લઈ ચપટો ગોળાકાર પેંડો બનાવી લો. ગોળો વાળતી વખતે કિનારી થોડી ફાટી શકે. તેથી કાળજીપૂર્વક ગોળો વાળવો. ત્યારબાદ એક થાળીમાં નાળિયેરનો ભૂકો લઈ તેમાં રગદોળીને બીજી થાળીમાં ગોઠવીને દરેક પેંડા ઉપર થોડી પિસ્તાની કાતરી ગોઠવી, તેની ઉપર એક કેસરનો તાંતણો મૂકી દો. અથવા બદામની કાતરી ગોઠવી શકો છો.

આ પેંડા ત્રણેક દિવસ સુધી બહાર સારાં રહેશે. ફ્રિજમાં રાખવાથી તે અઠવાડિયા સુધી સારાં રહેશે.