શ્રીનગરઃ કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 60 લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (NDRF) અને અર્ધસૈનિક દળો બચાવ કાર્યમાં લાગેલાં છે. અત્યાર સુધીમાં 167 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
કેવી રીતે બની ઘટનાઆ ઘટના કિશ્તવાડથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા ચિશોટી ગામના મચૈલ માતા મંદિર પાસે બની હતી. આ મંદિર આશરે 9000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને ત્યાં સુધી પહોંચવા માટે આઠ કિલોમીટર પગપાળા ચઢાણ કરવું પડે છે. દુર્ઘટના સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં તંબુઓમાં રોકાયા હતા. અચાનક વાદળ ફાટવાથી ભયંકર પૂર આવ્યું અને લોકો કંઈ સમજે તે પહેલાં જ લોકો તણાઈ ગયા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાએ પણ શોધ અને બચાવ અભિયાનને ઝડપી બનાવવા માટે વધારાની ટુકડીઓ તતહેનાત કરી છે. નેશનલ રાઈફલ્સના જવાનો પણ આ અભિયાનમાં જોડાયા છે. કુલ 300 જવાનો, જેમાં 60-60 જવાનોની પાંચ ટુકડીઓ, વ્હાઇટ નાઇટ કોરની મેડિકલ ટુકડીઓ સાથે, પોલીસ, SDRF અને અન્ય નાગરિક એજન્સીઓ સાથે મળીને લોકોને બચાવવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે.
જોકે બચાવ કાર્યમાં કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર સેવાઓમાં અવરોધ આવ્યો છે, જેના કારણે ટીમો ઉધમપુરથી માર્ગ દ્વારા આવી છે. વાદળ ફાટવાને કારણે પુલ અને રસ્તાઓને પણ વ્યાપક નુકસાન થયું છે, હજુ પણ હજારો લોકો મચૈલ ગામમાં ફસાયેલા હોવાની માહિતી છે અને ગુમ થયેલા લોકોની શોધ માટે ઓપરેશન શરૂ કરવામાં આવશે. કેટલાક અહેવાલો મુજબ 200થી વધુ લોકો હજુ પણ ગુમ છે.સ્વાતંત્ર્ય દિવસના દિવસે JKNC પ્રમુખ ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે અભિનંદન છે પરંતુ દુઃખ પણ છે. મને લાગે છે કે કિશ્તવાડમાં 500થી વધુ લોકો હજી પણ કાટમાળમાં દટાયેલા છે.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી મોટી જાહેરાતો કરી. તેમણે યુવાનો માટે રોજગાર યોજનાઓમાં GSTમાં ફેરફારની ભેટ આપી. પ્રધાનમંત્રી મોદીએ કૃષિ ક્ષેત્રથી લઈને ભાષા અને આત્મનિર્ભર ભારત સુધી મોટી જાહેરાતો કરી. ચાલો જાણીએ PM મોદીએ કઈ જાહેરાતો કરી…?
દિવાળી પર ભેટ મળશે, GST દર બદલાશે
PM મોદીએ કહ્યું કે અમે આ દિવાળી પર એક મોટો સુધારો કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા આઠ વર્ષમાં, અમે GST દ્વારા કર પ્રણાલીને સરળ બનાવી છે. આઠ વર્ષ પછી, સમયની માંગ એ છે કે આપણે તેની સમીક્ષા કરીએ. અમે તેની સમીક્ષા કરી. રાજ્યો સાથે વાત કરી. અમે આગામી પેઢીના GST સુધારા લાવી રહ્યા છીએ. ખૂબ મોટી સુવિધા ઊભી થશે. આપણા ઉદ્યોગોને મોટો ફાયદો થશે. રોજિંદા વસ્તુઓ સસ્તી થશે, જે અર્થતંત્રને મોટો વેગ આપશે.
પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના લાગુ
યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજના લાગુ કરવામાં આવી. પીએમ મોદીએ કહ્યું કે આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના લાગુ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનાર પુત્ર કે પુત્રીને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. વધુ રોજગાર ઉત્પન્ન કરતી કંપનીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના લગભગ 3.5 કરોડ યુવાનો માટે રોજગારની તકો ઉભી કરશે.
ડીપ વોટર એક્સપ્લોરેશન મિશન
પીએમ મોદીએ કહ્યું કે ભારત એક નવું મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. ભારત ડીપ વોટર એક્સપ્લોરેશન મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે આ અમારી મહત્વપૂર્ણ જાહેરાત છે. આ દ્વારા, અમે સમુદ્ર નીચે તેલ અને ગેસના ભંડાર શોધવા તરફ કામ કરીશું.
રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન
પીએમ મોદીએ કહ્યું કે આજે વિશ્વ ક્રિટિકલ મિનરલ્સ પ્રત્યે સતર્ક બન્યું છે. ક્રિટિકલ મિનરલ્સમાં આત્મનિર્ભરતા પણ આપણા માટે જરૂરી છે. ક્રિટિકલ મિનરલ્સ સંરક્ષણ, ટેકનોલોજી વગેરે ક્ષેત્રોમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. તેથી, અમે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કર્યું છે. 1200થી વધુ સ્થળોએ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. અમે ક્રિટિકલ મિનરલ્સની દિશામાં પણ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.
મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિન
પીએમ મોદીએ કહ્યું કે ભારત એક આધુનિક ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે. આ ઇકોસિસ્ટમ દેશને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે. આજે હું યુવા વૈજ્ઞાનિકો, ઇજનેરો અને દેશ સરકારના તમામ વિભાગોને અપીલ કરું છું કે શું આપણી પાસે મેડ ઇન ઇન્ડિયા ફાઇટર જેટ માટે આપણું પોતાનું જેટ એન્જિન હોવું જોઈએ કે નહીં.
ટાસ્ક ફોર્સની રચના
પીએમ મોદીએ કહ્યું કે અમે આગામી પેઢીના સુધારણા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાનું નક્કી કર્યું છે. વર્તમાન નીતિઓ 21x`મી સદી અને વર્તમાન વાતાવરણ અનુસાર તૈયાર થવી જોઈએ. અમે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે જેથી ખાતરી કરી શકાય કે તેનું કાર્ય સમયસર થાય. આ ટાસ્ક ફોર્સ તમામ પ્રકારના ઉદ્યોગો માટે કામ સરળ બનાવશે.
પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે. અમે એવા 100 જિલ્લાઓ ઓળખી કાઢ્યા છે જ્યાં ખેતી નબળી છે. આ યોજના દ્વારા, અમે તે 100 જિલ્લાઓમાં ખેતી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ભારતના માછીમારો, પશુપાલકોને લગતી કોઈપણ હાનિકારક નીતિ સામે મોદી દિવાલની જેમ ઉભા છે.
જ્ઞાન ભારતમ યોજના
પીએમ મોદીએ કહ્યું કે જેટલી વધુ ભાષાઓનો વિકાસ થશે, તેટલું જ આપણા જ્ઞાનને વધુ શક્તિ મળશે. જ્યારે ડેટાનો યુગ છે, ત્યારે આ ભાષાઓ પણ વિશ્વને શક્તિ આપી શકે છે. દરેક વ્યક્તિએ આપણી બધી ભાષાઓ માટે કામ કરવું જોઈએ. જ્ઞાન ભારતમ યોજના હેઠળ, જ્યાં પણ હસ્તલિખિત ગ્રંથો, હસ્તપ્રતો, જૂના દસ્તાવેજો છે, અમે તેમને આગળ લાવવા માટે ટેકનોલોજીના આધારે કામ કરી રહ્યા છીએ.
હાઈ પાવર્ડ ડેમોગ્રાફી મિશન
પીએમ મોદીએ કહ્યું કે એક ષડયંત્ર હેઠળ, એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ, દેશની ડેમોગ્રાફી બદલવામાં આવી રહી છે. એક નવા સંકટના બીજ વાવી રહ્યા છે. આ ઘુસણખોરો મારા દેશના યુવાનોની આજીવિકા છીનવી રહ્યા છે. આ ઘુસણખોરો મારા દેશની બહેનો અને દીકરીઓને નિશાન બનાવી રહ્યા છે. આ ઘુસણખોરો આદિવાસીઓના ઘરોમાં ઘૂસી રહ્યા છે અને તેમની જમીન પર કબજો કરી રહ્યા છે. એટલા માટે અમે હાઇ પાવર્ડ ડેમોગ્રાફી મિશન શરૂ કરી રહ્યા છીએ.
મિશન સુદર્શન ચક્ર
પીએમ મોદીએ કહ્યું કે આગામી 10 વર્ષમાં, એટલે કે 2035 સુધીમાં, દેશના તમામ મહત્વપૂર્ણ સ્થળોને નવી ટેકનોલોજી પ્લેટફોર્મ દ્વારા સંપૂર્ણ સુરક્ષા કવચ આપવામાં આવશે. હું આ માટે રાષ્ટ્રીય કવચ 2035 સુધી લંબાવવા માંગુ છું. હવે દેશ મિશન સુદર્શન ચક્ર શરૂ કરશે. આ સુદર્શન ચક્ર, એક શક્તિશાળી શસ્ત્ર પ્રણાલી, ફક્ત દુશ્મનના હુમલાને બેઅસર કરશે નહીં પરંતુ દુશ્મન સામે અનેક ગણી ઝડપથી બદલો પણ લેશે.
પટનાઃ ચૂંટણી પંચ (ECI) ને બિહારમાં મતદાર યાદીની વિશેષ ઊંડાણપૂર્વકની પુનઃસમીક્ષા (SIR) બાદ જાહેર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદી પર કુલ 23,557 દાવા અને આક્ષેપો પ્રાપ્ત થયા છે, જેમાંથી 741 ફરિયાદોનું નિવારણ કરી દેવામાં આવ્યું છે, એમ પંચે જણાવ્યું હતું.
ECIએ જણાવ્યું હતું કે 14 દિવસ બાદ પણ કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કોઈ દાવો કે આક્ષેપ રજૂ કરવામાં આવ્યો નથી. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નવા મતદારો પાસેથી કુલ 87,966 ફોર્મ પ્રાપ્ત થયા છે, જેમાં BLA પાસેથી પ્રાપ્ત છ ફોર્મ પણ સામેલ છે. નિયમો મુજબ પાત્રતા દસ્તાવેજોની ચકાસણી બાદ સાત દિવસની અંદર સંબંધિત ERO/AERO દ્વારા દાવા અને આક્ષેપોનું નિવારણ કરવાનું રહે છે.
SIRના આદેશો મુજબ 1 ઓગસ્ટ 2025એ પ્રકાશિત થયેલી ડ્રાફ્ટ યાદીમાંથી કોઈ પણ નામ ERO/AERO દ્વારા તપાસ કર્યા વગર અને નિષ્પક્ષ તથા યોગ્ય તક આપ્યા વગર તથા સ્પષ્ટ આદેશ આપ્યા વગર દૂર કરી શકાશે નહીં. ચૂંટણી પંચે બિહારમાં SIR પ્રક્રિયા બાદ 1 ઓગસ્ટે મતદાર યાદીની ડ્રાફ્ટ યાદી જાહેર કરી હતી. અંતિમ મતદાર યાદી દાવા અને આક્ષેપો માટે આપવામાં આવેલા એક મહિના બાદ જાહેર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટએ બિહારમાં મતદાર યાદીની SIR કરાવવાના ચૂંટણી આયોગના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણી પંચનું આ કહેવું સાચું છે કે આધાર કાર્ડ નાગરિકત્વનો નિશ્ચિત પુરાવો નથી.
ન્યાયમૂર્તિ સુર્યકાંત અને ન્યાયમૂર્તિ જૉયમાલ્યા બાગચીની પીઠે એ પણ ટિપ્પણી કરી હતી કે મતદાર યાદીમાં નાગરિકો અને ગેરનાગરિકોને સામેલ કરવાનું અને બહાર રાખવાનું ભારત ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સુપ્રીમ કોર્ટ આ દલીલથી પણ સહમત નહોતો કે બિહારના લોકો પાસે SIR દરમ્યાન ECI દ્વારા પુરાવા તરીકે માગવામાં આવેલા મોટા ભાગના દસ્તાવેજો નથી.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી સિંધુ જળ કરાર અંગે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે વહેવા નહિ દઉં અને સિંધુ જળ સંધિ અંગે થયેલો કરાર ભારતને મંજૂર નથી.
22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મોદી સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. દેશને ખબર પડી ગઈ છે કે સિંધુ જળ કરાર કેટલો અન્યાયી અને એકતરફી છે. ભારતમાંથી નીકળતી નદીઓનું પાણી દુશ્મનની ધરતીને સીંચી રહ્યું છે અને મારા દેશની ધરતી તરસી રહી છે. આ એવો કરાર હતો, જેણે છેલ્લા સાત દાયકાથી મારા દેશના ખેડૂતોનું અકલ્પનીય નુકસાન કર્યું. હિંદુસ્તાનના હકના પાણી પર અધિકાર અહીંના ખેડૂતોનો છે. ખેડૂત હિતમાં, રાષ્ટ્રીય હિતમાં સિંધુ જળ સંધિ કરાર અમને મંજૂર નથી એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાને લાલ કિલ્લા પરથી સિંધુ જળ કરાર અંગે આ નિવેદન આપી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે, કારણ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ સહિત અનેક નેતાઓ સિંધુ જળ કરાર અંગે અનાપ-શનાપ નિવેદનબાજી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમારા વીર, જાંબાજ સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના કરતાં પણ પરે સજા આપી છે.
Water and blood cannot flow together. The water which is rightfully India’s and Indian farmers’ will be only ours. No longer will we we accept the Indus Water Treaty. Sponsors of terror & terrorist will be meted out the same punishment says PM. pic.twitter.com/FnQvOOHZy6
ઓપરેશન સિંદૂર બાદ ભારતે સિંધુ જળ સંધિ કરાર અંગે ઘણી વાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ કહ્યું હતું કે ભારત આ વાત સુનિશ્ચિત કરશે કે સિંધુ નદીના પાણીનું એક પણ ટીપું પાકિસ્તાનને ન જાય. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ ઐતિહાસિક ભૂલ હતી અને આ આપણા દેશના ખેડૂતોનું દુર્ભાગ્ય હતું કે આપણા દેશમાંથી વહેતી નદીઓનું 80 ટકા પાણી પાકિસ્તાનને આપી દેવાયું હતું.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અમારી ટુર મેનેજર્સ મીટ ચાલુ હતી. તેમાં અમે જે સારું કામ કર્યું છે તે માટે પોતાની પીઠ થાબડીએ, જે ભૂલો અમારા તરફથી થઈ તેનું પ્રાયશ્ચિત્ત કરીએ અને ભવિષ્યમાં તે ફરી નહીં થાય તેની સાવચેતી રાખીએ. બધાએ મળીને આગળ શું કરવાનું તેની રૂપરેખા તૈયાર કરીએ અને કામે લાગીએ, એવો વિચાર હતો. ગયા વર્ષની આ મિટિંગ્સમાં અમે સૌથી વધુ આગ્રહ જો કશા માટે રાખ્યો હોય તો તે હતો `દાદાગીરી’ શબ્દની બાદબાકી કરવાનો. `દાદા’નું નામશેષ કરવાનું. `દાદા’ શબ્દને મૂળમાંથી ઉખેડી નાખવાનો. હવે આ શું છે વળી એવો પ્રશ્ન તમને પડ્યો હશે. કારણ કે `દાદા એટલે મોટો ભાઈ, દાદા એટલે સપોર્ટ, દાદા એટલે એક નિશ્ચિંતી,’ એવી આપણા ઘેર-ઘેર શીખ અપાયેલી હોય છે. કોઈક આપણને દાદા કહીને સંબોધે તે ભાવના જ તે `દાદા’ને એટલું સુખ આપનારી હોય છે કે `દાદા’ ઈઝ વોન્ટેડ એવરીવ્હેર. જે આપણાથી મોટાં હોય તે દાદા, જેની પર આપણે આધાર રાખી શકીએ તે દાદા, જે આપણને શીખવે તે દાદા, જેના પગલે આપણે પગલું મૂકીએ તે દાદા અને તેથી જ અમારા ટુર મેનેજર્સમાં પણ `દાદા’ કલ્ચર દ્રઢ બન્યું. અને `દાદા’નું પિરામિડ નિર્માણ થયું.
વીણા વર્લ્ડના આરંભથી, એટલે કે, 2013થી જે હતા તે સૌથી મોટા દાદા, તે પછી દરેક વર્ષે અલગ-અલગ દાદા. દર વર્ષે પચાસેક જણ નવેસરથી આ ટુર મેનેજર્સની ટીમમાં જોઈન થતા હોય છે. તેઓ આવતાંવેંત `દાદા’ એ અજાણતા કેળવાયેલી સંસ્કૃતિ સાથે હાથ મેળવી લે છે અને આગામી વર્ષની નવી બેચ પાસે આશાની નજરે જુએ છે, કારણ કે આવનારી નવી બેચ તેમને `દાદા’ કહેવાની હોય છે. આ થોડું કોલેજમાં સિનિયર્સ, જુનિયર્સ જેવું જ છે. એટલે કે, અહીં રેગિંગ નથી, પણ તે `સિનિયર’ છે એવું ઉપરવટનું એક પ્રકારનું ભાન નિશ્ચિત છે. અને અહીં જ અમને પ્રહાર કરવાનો હતો. આપણે વ્યવસાય કરીએ છીએ. આપણું આ એક નાનું કોર્પોરેટ છે. બધા ખુલ્લા મનથી, એકબીજાના સંગાથથી, પોતાની અને સંસ્થાની પ્રગતિ કરી રહ્યા છે. દરેક પાસે કાંઈક એક હકારાત્મક અનોખાપણું છે તેથી જ તો તે અથવા તેણી આ મિશનમાં છે. અમુક લોકો પાસે અનુભવ હોય છે, તો અમુક જણ પાસે નવી જગ્યાની નવી સ્કિલ્સ હોય છે. દરેક પાસે કાંઈક તો છે, તેથી જ તો અહીં છે. તો પછી તેમાં આ મોટો, તે નાનો, આ સિનિયર તે જુનિયર, આ ઉપરનો તે નીચેનો એવું કેમ? એકદમ અમારાથી જ વિચાર કરીએ તો અમે પણ અમારી ટીમમાં કોઈક કરતાં મોટા કઈ રીતે? હા,એટલે કે, ઉંમરથી કે અનુભવથી હોઈ શકીએ,પરંતુ તેને કારણે ઉપરવટ નહીં થઈ શકે ને. અમે એકલાં સંસ્થા ચલાવી શકીશું કે? સંસ્થા માટે હજુ ગઈકાલે જ જોઈન થયેલી વ્યક્તિનું પણ તેટલું જ મહત્ત્વ છે જેટલું અમારું છે અથવા ઓર્ગેનાઈઝેશનમાંની અગાઉની દરેક વ્યક્તિનું. તો પછી ઉપરવટની સૂક્ષ્મ ભાવના છે તે દાદા-તા, સર-મેમ, આ જીહજૂરી શા માટે?
બ્રિટિશોએ ભારત છોડ્યું તે સમયે જ સર-મેમ આ તેમની સાથે જવા જોઈતા હતા, પરંતુ તેવું બન્યું નહીં તે હકીકત છે. આપણા ભારતમાંની સંસ્થાનો ખાલી થઇ ત્યારે જ `જી હુજૂર’વાળી જીહજૂરી બંધ થવી જોઈતી હતી, પરંતુ તે સુધ્ધાં બન્યું નહીં. આજે પણ રાજસ્થાનમાં ગયા પછી `જી હુજૂર’ની `સોર્ટ ઓફ ગુલામગીરી’ નજરે પડે છે અને રૂવાડાં ઊભાં થઈ જાય છે. ખરેખર તો જેમને `જી હુજૂર’ કહેવામાં આવે છે તે વ્યક્તિઓએ, લીડર્સે, બોસીસે આગેવાની લઈને આ ગુલામગીરી ખતમ કરવી જોઈએ. સલામ ઠોકવી, કારનો દરવાજો ખોલીને ઊભા રહેવું જેવી ભેદભાવ દર્શાવતી બાબતો આપણા રોમે-રોમમાં એટલી ઘૂસી ગઈ છે કે તે બાબત નહીં બને તો માણસો અસ્વસ્થ થઈ જાય છે. ક્રોધિત થઈ જાય છે. આ ક્યારેકને ક્યારેક તમે નિશ્ચિત જ અનુભવ્યું હશે. શાળામાં આ બાબત શીખવવી જોઈએ. જ્યાં એક જણ અન્ય કરતાં, મિત્રો કરતાં પોતાને જમણો, મોટો, ઉપરવટ બતાવવાનો પ્રયાસ કરે છે ત્યાં એકતા અને એકસંઘતા કઈ રીતે નિર્માણ થશે? કામના સ્વરૂપ માટે `પદ’ અથવા ડેઝિગ્નેશન અલગ-અલગ હોઈ શકે, પરંતુ વ્યક્તિઓમાં ભેદભાવ કઈ રીતે હોઈ શકે? તે પદ પર પહોંચવા માટે અનેકોના હાથ કામે લાગેલા હોય છે. તો પછી તરત `સાહેબી ઠાઠ’ કઈ રીતે આવે છે? બેઝિક પ્રશ્ન એ જ છે અને જ્યાં સુધી લીડર્સ લીડ લેતા નથી ત્યાં સુધી આ `હિડન જીહજૂરી’ ચાલુ જ રહેશે. આ બાબતમાં મજેદાર બાબત આપણને હોર્ડિંગ્સ પર જોવા મળે છે. ત્યાં તો `સાહેબ’ લોકોનો પાક આવ્યો છે. આજે હોર્ડિંગ પર પક્ષ પ્રમુખોને સાહેબ સંબોધવામાં આવેલા હોય છે, બીજા દિવસે તે જ પક્ષનો એકાદ ગલીમાંનો કોઈક `સાહેબ’ તરીકે ઝળકતો હોય છે. હવે આ સાહેબોની આ શૃંખલા કહેવી કે તેમની વચ્ચેની સ્પર્ધા. ભાવિ જનરેશન આ જ જુએ છે અને તે પણ પછી `હું પણ ક્યારેક એક દિવસ આ રીતે સાહેબ બનીને `જી હજૂરી’ સ્વીકારવાનાં સપનાં જોવાનું શરૂ કરે છે. આ `સાહેબી’ વાતાવરણ જેમને રુચતું નથી તે અમેરિકાની વાટ પકડે છે. ત્યાં બધું જ એક લેવલ પર છે. વચ્ચે કોઈકે આ પોસ્ટર્સ બંધ કરવાના સમાચાર આવ્યા હતા,પરંતુ તે કાંઈ સાક્ષાત બન્યું નહીં. ઊલટું, તેમની સંખ્યામાં વધારો થયો છે. જો કે આ કોઈ પણ બાબત આપણા સામાન્ય માણસોના હાથોમાં હોતી નથી. જેથી પછી આપણે થોડી નિરાશાથી આત્મકેન્દ્રી વિચાર કરીએ છીએ. અમે પણ તે જ કર્યું.
દુનિયા સુધારવી, દેશ સુધારવો, સમાજ સુધારવો આ આપણી ક્ષમતાની બહાર છે તેનું ભાન થઈને, કમ સે કમ આપણે આપણી ઓર્ગેનાઈઝેશનમાં તો અજાણતા જ કેળવાયેલા આ ભેદભાવના વાતાવરણને દૂર કરીએ એવો વિચાર આવ્યો. આપણાં માતા-પિતાએ આપણને એક સુંદર નામ આપ્યું છે. તે નામ જેટલું વપરાય તેટલું આપણું પોતાનું બ્રાન્ડિંગ વધશે. લેટ્સ જસ્ટ લવ અવર નેમ, વિધાઉટ એની એડજેક્ટિવ્ઝ લાઈક સર-મેમ, દાદા-તાઈ. તેની જરૂર જ શું છે? એક્ચ્યુઅલી આપણે ઘર અને ઓફિસ, પર્સનલ અને પ્રોફેશનલ, ફેમિલી અને ટીમ વચ્ચે ગફલત કરીએ છીએ. ઓફિસમાં ઘરમાં હોઈએ તે રીતે વર્તીએ છીએ અને ઘરે ઓફિસમાં હોય તે રીતે અને ત્યાં જ બધી ગડબડ થાય છે. પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફમાં શું ફરક છે તે આપણે સમજવું જોઈએ, આપણે જાણી લેવું જોઈએ. તે જ મિટિંગમાં એક ટુર મેનેજરને મેં પૂછ્યું, `તું અગાઉનાઓને દાદા તરીકે કેમ સંબોધે છે?’ તેણે કહ્યું, `હું તેઓ મોટા હોવાથી તેમને માન આપું છું. આપણને એવી જ તો શીખ મળી છે ને?’ આ જ ફરક છે. ઘરની બાબતો, આપણો દેવધર્મ, આપણી પરંપરા આ બધું આપણો અભિમાન છે ને તેની કદર આપણે જ કરવી જોઈએ. નો ડાઉટ અબાઉટ ઈટ, પણ એક વાર આપણું પગલું આપણા કાર્યક્ષેત્રમાં પડે એટલે ત્યાં સમાનતાની, એકતાની અને એકબીજા પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના જાગૃત થવી જોઈએ. બધા એક લેવલ પર. બધાને કોઈ પણ વિશેષણ વિના નામથી બોલાવવાના. માન આપવાનું હોય તો `તું’ને બદલે `તમે’ એવું કહો. ગુજરાતીમાં તે વ્યવસ્થા છે. ઈન્ગ્લિશમાં તે વ્યવસ્થા નથી. ભાષાએ જ બધાને એક લેવલ પર લાવી દીધા છે. જો કે આ વ્યવસ્થા ભાષાએ શબ્દોમાં કરેલી હોય કે નહીં હોય, માન આપવું અથવા આદર કરવો તે શબ્દો કરતાં ટોન પરથી, આપણી બોડી લેન્ગ્વેજ પરથી વધુ દેખાય છે. ક્યારેક-ક્યારેક આપણને ભાન થાય છે ને એકાદ વ્યક્તિ શબ્દો બહુ જ મીઠા વાપરે છે, ટોન એકદમ સારો હોય છે પણ મનમાં તે શબ્દોનો ભાવ પણ નથી હોતો. મતિતાર્થ, આદર એ પહેલા મનમાં હોય છે અને પછી તે બહાર દેખાય છે. તેને દાદા, તાઈ, સર, મેડમની જરૂર નથી. અમારા કો-ફાઉન્ડર નીલને બધા `નીલ’ તરીકે જ સંબોધિત કરે છે. દાદા સર કહે તો તે જ તેમને કરેક્ટ કરાવે છે. પ્રશ્ન પડ્યો તે અમારી બાબતમાં. અમને કોઈ તેડતું જ નથી. આથી અમે તે નિયમોની સુધારિત આવૃત્તિ લાવ્યાં. ઉંમરના અઠ્ઠાવન વર્ષ, એટલે કે, રિટાયરમેન્ટ એજ પાર કરવા પર સર, મેમ, તાઈ, જીજાજી ઓકે. ટૂંકમાં અમને કોઈ તેડીને ક્નવર્સેશન કરે તે માટે શોધેલી આ એક યુક્તિ છે. લગભગ એક વર્ષથી આ દાદા, તાઈ, સર, મેમનું ઈરેડિ કેશન કરવાની ઝુંબેશ ચાલુ છે. ધીમે-ધીમે આ ફેરફાર કેળવાઈ રહ્યો છે. અને અમારી અંદર પણ પેશન્સ છે અને પ્રયાસોમાં સાતત્યતા રાખવામાં આવે તો બાબત સર્જાઈને રહે છે એવો તેની પર વિશ્વાસ છે.
ગયા વર્ષે નીલને એક પ્રેસ્ટિજિયસ એવોર્ડ ફંકશનમાં `ફ્યુચર ફેસ ઓફ ટ્રાવેલ’ નામે અત્યંત જવાબદારીપૂર્ણ ટાઈટલથી નવાજવામાં આવ્યો. તેના અલગ-અલગ ઉપક્રમનું અને પ્રયાસોનું તે ફળ હતું. અને તેનું સાયટેશન કરતી વખતે તેણે કહ્યું, `કેરીઈંગ ફોર્વર્ડ ધ લેગસી, એટ ધ સેમ ટાઈમ ક્રિયેટિંગ હિઝ ઓન નિશ.’ ઓર્ગેનાઈઝેશન માટે આ બહુ મહત્ત્વની બાબત હોય છે. `જૂનું તે સોનું અને નવું તે જોઈએ’ આ બંનેનો સુમેળ સાધી શકાય તો ઓર્ગેનાઈઝેશન આગળ વધશે, આવનારા વૈશ્વિકીકરણમાં ખભેખભા મિલાવી રાખી શકશે, વૃદ્ધિ કરી શકશે. નીલને કહ્યું, `ઓર્ગેનાઈઝેશન વતી તને અભિનંદન. ગ્રેટ ગોઈંગ. કીપ ઈટ અપ. વર્લ્ડ ઈઝ વોચિંગ યોર એફર્ટસ. હવે એક મા તરીકે થોડો ઉપદેશ, આદત સે મજબૂર. આ તારો પહેલો મોટો પુરસ્કાર એટલે તેં ગઈકાલ સુધી કરેલાં કામોનું ફળ છે, રેકગ્નિશન મહત્ત્વનું હોય છે. તે તારા ગઈકાલ સુધીના કામની શાબાશી છે. ખુશ હો જાઓ! ખુશીની ઉજવણી કર. પણ આજે જ. તારુ ઈન્સ્ટા, એફબી આજે જ પતાવી દે. આવતીકાલે આ પુરસ્કાર ભૂલી જવાનો. પૂર્ણ રીતે. તેમાં બિલકુલ અટવાઈ રહેવું નહીં. આવતીકાલે તારા પ્રયાસોની લડાઈ ફરીથી શરૂ થવી જોઈએ. એવોર્ડ જે દિવસે મળે છે તે દિવસે તેનું સેલિબે્રશન પૂરું થવાનું હોય છે. અને હા, આગળ જતાં વધુ મોટા એવોર્ડ મેળવવા માટે કામ કર. કર્મણ્યે વાધિકરસ્તે!’ નીલે કદાચ મનમાં કહ્યું હશે, `અરે યાર! આ મને એવોર્ડ સેલિબ્રેશનની ખુશી પણ માણવા દેતી નથી.’ પણ ઈટ્સ ઓકે, પુરસ્કાર એ ભૂતકાળ છે. ભવિષ્યમાં મળનારા એવોર્ડસ એ સ્વપ્નરંજન છે. અને મુખ્યત્યે પુરસ્કાર એટલે ફરી એક પ્રકારનું ઉચ્ચ-નીચ દર્શાવનારું પરિમાણ પણ છે. તમને યાદ હોય તો અગાઉ દસમા બારમાની પરીક્ષામાં બોર્ડમાં આવનારા વિદ્યાર્થીઓની યાદી પ્રસિદ્ધ કરાતી અને તે જ કારણસર તે યાદી છાપવાનું સરકારે બંધ કર્યું છે. તે એક બહુ સારું પગલું હતું. દસમા બારમાની પરીક્ષા એટલે બધું જ નથી. આ સમીકરણને તેમણે માત આપી અને તેથી અન્ય બાળકો પર થનારી નકારાત્મક અસર તેમણે રોકી દીધી.
વિમ્બલ્ડનની ટેનિસ મેચીસ આપણે બધા જ જોઈએ છીએ. શિસ્તબદ્ધ રીતે રમવામાં આવતી આ રમત તો એક અફલાતૂન અનુભવ હોય છે. તેમાં સૌથી સારી બાબત જો કોઈ હોય તો તે રમત પૂરી થયા પછી રોજર ફેડરર હોય કે નોવ્હાક જોકોવિચ, રાફેલ નાદાલ હોય કે કાર્લોસ આલ્કારાઝ, જગવિજેતા પ્લેયર્સ પોતાની બેગ પોતે ભરે છે, બધું શાંતિથી તે બેગમાં વ્યવસ્થિત મૂકે છે અને પેવિલિયનમાંથી નીકળી જાય છે. હવે આ તે રમતનું કલ્ચર છે અથવા શિસ્ત છે એ વાત માન્ય છે. એટલે કે, ત્યાંના બોલ કિડ્સ અથવા ઓફિશિયલ્સ આ ભગવાન તુલ્ય ખેલાડીઓ માટે તે કામ કરી પણ શકે, પરંતુ નહીં, `ટ્રેડિશનનું જતન’ કરવું એ ખેલાડીઓને તે લાડ પ્યાર અથવા સોર્ટ ઓફ જીહજૂરી કરતાં વધુ મહત્ત્વનું લાગે છે.
દુનિયામાં અથવા આપણા લિવિંગ રૂમમાં સ્ક્રીન પર આવી અનેક સારી સારી બાબતો આપણને દેખાતી હોય છે તેની પરથી ઈન્સ્પિરેશન લઈને આગળ વધીએ. ધ વર્લ્ડ ઈઝ બ્યુટિફૂલ.લેટ્સ રિસ્પેક્ટ ઈચ અધર.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
મુલ્ય એટલે કીમત કે પછી જીવવાના નિયમો એ વિચારવું પડે તેવા સંજોગો ઉભા થાય એટલે નકારાત્મકતાની શરૂઆત દેખાય. બધું જ ખરીદી શકાય પણ માણસના સિદ્ધાંતોને નહિ એ વાત હવે જૂની થઇ ગઈ છે. કેટલાક લોકો પોતાની કીમત કહેતા દેખાય છે. અને એનો એમને ગર્વ પણ હોય છે. સતત કોઈને છેતરીને સુખી થવા માટે પ્રયત્નશીલ વ્યક્તિ ભૌતિકતાના આવરણ હેઠળ એટલી દબાઈ જાય છે કે એને પોતાના અંગત લોકો પાસે પર આર્થિક અપેક્ષાઓ ઉદ્ભવે એવું બને. વળી સાચું શું કે સારું શું એના બદલે આપણું કોણ છે? એ વિચાર પણ વધી રહ્યો છે. જાતિવાદ અને અનામત એ સંસ્કૃતિ માટે ઘાતક છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: આજની પેઢીને સંસ્કાર કોણ આપશે? રીલ્સ જોઇને ઈતિહાસ અને ધર્મનું જ્ઞાન મેળવવું યોગ્ય નથી. વાતવાતમાં તૂટી પડવું. શક્તિ પ્રદર્શન કરવું, મોતના મલાજાના બદલે પોપ્યુલર થવા કોઈ પણ પ્રસંગે મોબાઈલમાં રીલ્સ બનાવવી જેવા દુષણો ઠેર ઠેર છે પણ ઘરમાં પણ એ લોકો નફીકરાઈ દેખાડે છે. કોઈ પણ રસ્તે પૈસા કમાવા અને પછી એને ઉડાડવા એ વિચારધારા ધરાવતા લોકો વધી રહ્યા છે. શું આનો કોઈ યુ ટર્ન ન હોઈ શકે?
જવાબ: બાળકોને મોબાઈલ આપીને પોતાની જવાબદારી માંથી છુટી જવાની વૃત્તિ આના માટે જવાબદાર છે. વ્યક્તિ જેની સાથે રહે છે એની માયા ઉદ્ભવે. આજની પેઢી સહુથી વધારે મોબાઈલ સાથે રહે છે. એમાં એ શું જુએ છે એની માહિતી ઘરમાં કોઈને હોય છે ખરી? બાળકને પ્રેમ આપવાના બદલે વસ્તુઓ આપતા માબાપ એમને વસ્તુઓથી પ્રેમ કરતા શીખવે છે. જે સમય જતો રહ્યો એને રડવાનો અર્થ નથી. માબાપ જયારે જવાબદારી શીખશે ત્યારે જ યુ ટર્ન આવી શકે.
પોતે ગોળ ખાતા હોય અને અન્યને ગોળ ન ખાવાની સલાહ આપનાર પેઢી પોતાની નવી પેઢી પાસેથી શું અપેક્ષા રાખવાની છે? સતત દેખાડો કરવાનો તણાવ અને જોયા જાણ્યા વિના રીલ્સ ફોરવર્ડ કરનારા લોકો એ જ વસ્તુ ન કરવાની સલાહ આપે તો એ કોણ માને? બાળકો તો માટીના પીંડ જેવા હોય છે. એને આકાર આપીને પકવવાનું કામ એનું વાતાવરણ કરે છે. પાકા ઘડે કાંઠા ન ચડે. આ પ્રક્રિયાની શરૂઆત બાળક ઘોડિયામાં હોય ત્યારે થવી જોઈએ. જે સમયે મહત્વકાંક્ષી માબાપ પોતે સોસીયલાઈઝ થવામાં પડ્યા હોય છે. અને પછી ફરિયાદો કરે છે. યોગ્ય સમયે બાળકને યોગ્ય સમય આપો. એને સુધારવાની જરૂર નહિ પડે.
સવાલ: હું એક શિક્ષક છું. મારા ઘરની બાજુમાં એક નવા પડોશી આવ્યા છે. એ થોડા વિચિત્ર છે. અમારા ઘર પાસે કચરો નાખી જાય, આવતા જતા ગંદુ પાણી રેડે, ઝગડા કરે. અમારે પડોશીઓ સાથે સંબધ જુના અને સારા છે. પણ આ નવા પડોશી એ લોકોની જ્ઞાતિના છે. અમે આવું ન કરવા માટે એમને સમજાવ્યા. તો એમણે અન્ય લોકોને અમારી વિરુદ્ધ ચડાવીને કહ્યું કે અમે અલગ જ્ઞાતિના છીએ. હવે એમની જ્ઞાતિ વાળા પણ અમને હેરાન કરે છે. આટલા વરસના સંબંધ ભૂલીને સતત એવું કહે છે કે પહેલા જ્ઞાતીભાઈ પછી તમે. શું આટલું બધું ગંદુ કોઈ વિચારી શકે? આ યોગ્ય છે? વાસ્તુની રીતે કોઈ ઉપાય આપોને.
જવાબ: ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા હતી જ નહિ. કર્મના આધારે વર્ણ નક્કી થતા. જ્ઞાતિવાદ એ સાંસ્કૃતિક પતન છે. આપણા દેશનો પ્રથમ પ્રશ્ન છે વસ્તી વધારો અને બીજો છે બેરોજગારી. જે લોકો પાસે કામ નથી એ નકારાત્મક વિચારણા ફેલાવી શકે. વળી જે તમારા નથી એમના જવાનું દુખ શા માટે કરવું? તમારા ઘરના ઈશાનમાં પાંચ તુલસી વાવી દયો. ચોક્કસ રાહત થશે.
સુચન: શિવલિંંગ કેટલું મોંઘુ છે એના કરતા મનમાં ભાવ કેવો છે એના આધારે પૂજાનું ફળ મળે છે.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વાતંત્ર્ય દિવસ પર રાષ્ટ્રને સંબોધતાં ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી હતી અને પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાને નિશાન બનાવનારાં સશસ્ત્ર દળોની ભૂમિકાને બિરદાવી હતી. તેમણે કહ્યું કે આ ઓપરેશન પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતના આક્રોશનું પ્રતીક છે.
મને ખૂબ ગર્વ છે કે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઓપરેશન સિંદૂરના નાયકોને નમન કરવાની તક મળી. આપણા બહાદુર જવાનોએ દુશ્મનને એની કલ્પનાથી પણ વધારે સજા આપી.
તેમણે જણાવ્યું હતું કે 22 એપ્રિલે સરહદ પારથી આતંકવાદીઓ પહલગામ આવ્યા અને લોકોનો ધર્મ પૂછીને તેમની હત્યા કરી દીધી. ભારત આક્રોશિત હતું અને આખી દુનિયા આ નરસંહારથી સ્તબ્ધ હતી. ઓપરેશન સિંદૂર એ જ આક્રોશની અભિવ્યક્તિ છે. પહલગામ હુમલા પછી સરકારે સશસ્ત્ર દળોને સંપૂર્ણ છૂટ આપી હતી.
તેમણે કહ્યું હતું કે સિંઘુ જળ સંધિ ભારત માટે અન્યાયપૂર્ણ અને એકતરફી છે. તેમણે જણાવ્યું કે સિંઘુ નદીના જળ પર માત્ર ભારત અને તેના ખેડૂતોનો અધિકાર છે. ભારતની નદીઓ દુશ્મન દેશને સિંચાઈ પૂરી પાડી રહી હતી જ્યારે અમારા ખેડૂત પાણીથી વંચિત હતા. હવે ભારતના હિસ્સાના પાણી પર માત્ર ભારતનો જ અધિકાર હશે.
તેમણે કહ્યું હતું કે આજે 140 કરોડ દેશવાસીઓનો એક જ મંત્ર હોવો જોઈએ – સમૃદ્ધ ભારત. સ્વદેશીનો ઉપયોગ મજબૂરીમાં નહીં, પણ શક્તિ માટે કરવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે આ દિવાળી નેક્સ્ટ જનરેશન GST સુધાર’ આવશે અને સામાન્ય માણસની જરૂરિયાતના ટેક્સ ઘણા ઓછા કરવામાં આવશે.
ભગવાન શ્રીકૃષ્ણથી પ્રેરણા લઇને ‘સુદર્શન ચક્ર મિશન’ શરૂ થશે. 2035 સુધી તમામ મહત્વના સ્થળોને ટેક્નોલોજીકલ સુરક્ષા કવચ આપવામાં આવશે. ઘુસણખોરોને લઈને કડક ચેતવણી આપતાં ‘હાઇ પાવર ડેમોગ્રાફી મિશન’ની જાહેરાત કરવામાં આવી. અંતે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને એકતાથી સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પિત થવાનું આહવાન કર્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા દાયકામાં ભારત વિકાસ અને સુરક્ષામાં સોનાનો યુગ જોશે.
હિંદી સિનેમા-ઈતિહાસનું એક સોનેરી પ્રકરણ નામે ‘શોલે’ની રીલીઝના પચાસમા વર્ષે વાગોળીએ એનાં નિર્માણ સાથે સંકળાયેલી કેટલીક ઓછી જાણીતી વાતો..
ગોપાલદાસ પરમાનંદ સીપહિમલાની અખંડ ભારતના પાકિસ્તાનના હૈદરાબાદમાં ધનાઢ્ય કુટુંબમાં જન્મેલા. એમનો પરિવાર બ્રિટિશરોની કંપનીઓ સાથે વેપાર કરતો. ગોરા લોકોને ‘સિપહિમલાની’ બોલતાં જીભે લોચા પડતા એટલે ટૂંકું ને મીઠું ‘સિપ્પી’ કરી નાખ્યું- જી.પી. સિપ્પી. 1947માં ભાગલા બાદ 33 વર્ષની વયે ગોપાલદાસ મુંબઈ આવ્યા. એ ભણેલા વકીલાતનું, પણ સ્વભાવે ખિલાડી. મુંબઈમાં કોલાબા વિસ્તારમાં રેસ્ટોરાં ચલાવી, કન્સ્ટ્રક્શનમાં ગયા, ફિલ્મનાં નિર્માણ-દિગ્દર્શન-ડિસ્ટ્રિબ્યુશન કર્યાં.
ગોપાલદાસને પાંચ સંતાન. ચાર પુત્ર, એક પુત્રી. વચેટ દીકરા રમેશનો જન્મ કરાચીમાં 1947માં. શાળાશિક્ષણ બાદ લંડન સ્કૂલ ઓફ ઈકનોમિક્સમાં અર્થશાસ્ત્ર ભણવા ગયેલા રમેશ છ મહિનામાં પાછા આવી ગયા. મુંબઈ આવી સાઈકોલોજી ભણવાની શરૂઆત કરી, પણ એમનું મન હતું ફિલ્મી દુનિયામાં. રોજ સવારે એ કોલેજ બાદ મુંબઈમાં કારદાર સ્ટુડિયોમાં જતા, જ્યાં પિતાની ફિલ્મનાં શૂટિંગ ચાલતાં. ત્યાં પ્રોડક્શન-ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં નાનાં-મોટાં કામ કરતા. જી.પી. સિપ્પીની ‘મેરે સનમ’ના શૂટિંગ વખતે રમેશ બન્યા દિગ્દર્શક એચ.એસ. રવૈલના સાતમા આસિસ્ટન્ટ. કામ? હીરોઈન સાધનાનાં સ્લીપર્સ સાચવવાનાં.
1973ના જાન્યુઆરીમાં જી.પી. સિપ્પીએ મુંબઈના એમના ટેરેસ અપાર્ટમેન્ટમાં પાર્ટી રાખેલી, જેમાં હિંદી સિનેમાના મોટા ગજાના એક્ટર-એક્ટ્રેસ-રાઈટર-ડિરેક્ટર હાજર હતા. 102 તાવથી ધગધગતા શરીરે અમિતાભ બચ્ચન પણ હતા. પાર્ટીમાં થોડી વાર હાજરી આપી, પણ પછી ટાઢ સાથે તાવ ભરાયો એટલે એ સિપ્પીના બેડરૂમમાં આડા પડ્યા.
મધરાતે પાર્ટીમાં શત્રુઘ્ન સિંહાએ ગ્રાન્ડ એન્ટ્રી મારી. એની ઉપરાઉપરી બે ફિલ્મ સુપરહિટ થઈ હતીઃ ‘રામપુર કા લક્ષ્મણ’ અને ‘ભાઈ હો તો ઐસા’. ફોટોગ્રાફરો શત્રુ-હેમા-ધર્મેન્દ્ર-અમિતાભના ગ્રુપ ફોટા લેવા પડાપડી કરવા લાગ્યા. શત્રુએ હળવેકથી બચ્ચનને સાઈડમાં કરી દીધા અને… હેમા-ધર્મેન્દ્ર-શત્રુ પર ફ્લેશના ઝબકારા થવા માંડ્યા. એક જાણીતા ફિલ્મ-ડિસ્ટ્રિબ્યૂટરે જી. પી. સિપ્પીના કાનમાં ફૂંક મારીઃ “તમારી આગામી ફિલ્મની આ કાસ્ટ. પેલા લંબુનો વિચાર પણ ન કરતા”. ફિલ્મવિતરકોને બચ્ચનની એલર્જી હતી. ‘બોમ્બે ટુ ગોવા’ અને ‘આનંદ’ સિવાય એમની દસેક ફિલ્મ ફ્લોપ થઈ હતી.
આ તરફ સલીમ ખાન-જાવેદ અખ્તર સ્ટ્રગલર રાઈટર હતા. સિપ્પીની ‘સીતા ઔર ગીતા’ એમણે લખેલી. ફિલ્મ સુપરહિટ હતી, પણ લેખક તરીકે નામ આવતુઃ ‘સિપ્પી સ્ટોરી ડિપાર્ટમેન્ટ’. બન્ને ખૂબ ગુસ્સે થયેલા. રમેશે એમને સમજાવ્યાઃ “હવે પછીની ફિલ્મમાં તમને ફરિયાદનો મોકો નહીં આપું. પ્રોમિસ”.
એ અરસામાં સલીમ-જાવેદ એક કથાવિચાર લઈને વિવિધ સર્જકો પાસે જતા, પણ કોઈ લેતું નહોતું. નિર્માતા બલદેવ પુષ્કરણાએ વીસ હજાર રૂપિયામાં એ આઈડિયા મનમોહન દેસાઈ માટે ખરીદ્યો, પણ મનજીએ સલીમ-જાવેદને ‘ચાચા-ભતીજા’ની સ્ટોરી ડેવેલપ કરવા કહ્યું. પ્રોડ્યુસર પ્રેમ સેઠીએ પ્રકાશ મેહરા માટે એ કથાવિચાર ખરીદી લીધો, પણ પ્રકાશજી તે વખતે ‘ઝંજીર’માં બિઝી હતા. છેવટે એ ચાર લીટીનો કથાવિચાર સિપ્પી પિતા-પુત્ર પાસે આવ્યોઃ
“એક નિવૃત્ત લશ્કરી અધિકારી છે. એમના પરિવારની ડાકુઓ દ્વારા સામૂહિક હત્યા થાય છે. લશ્કરી અધિકારીને બે ટપોરી જેવા સૈનિક યાદ આવે છે. બન્નેને કોર્ટમાર્શલ કરવામાં આવેલા. બન્ને બહાદુર હતા. આર્મી ઓફિસર એમને સામૂહિક હત્યાનો બદલો લેવા ભાડે રાખે છે.”
સલીમ-જાવેદે આ કથાબીજ સાથે એક સ્ટોરી-સ્ક્રીનપ્લે તૈયાર રાખેલાં- એક યુવાનને એવું લાગે છે કે એને બ્રેન ટ્યુમર છે. એટલે એ પૈસા માટે કોઈના ખૂનનો આરોપ પોતાના પર લેવા તૈયાર થાય છે, જેથી પોતાના મૃત્યુ બાદ પરિવારને આર્થિક મુશ્કેલી ન નડે. વાર્તાનું શીર્ષકઃ ‘મજબૂર’.
‘મજબૂર’વાળી વાત રમેશને ગમી ગઈ, પણ થયું કે આના પરથી મોટા બજેટની, હટકે ફિલ્મ નહીં બને એટલે એમણે પેલી ચાર લીટીવાળી વાર્તા ડેવેલપ કરવાનું કહ્યું. એમ તૈયાર થયાં શોલેનાં કથા-પટકથા-સંવાદ. રેડી-ટુ-શૂટ. સ્ક્રિપ્ટ વાંચીને રમેશજીએ કહ્યું, “યાર, આમાં આર્મી ઓફિસરની વાત છે તો ડિફેન્સની, સરકારની પરમિશન લેવી પડશે. એના બદલે બીજું કંઈ કરો” એટલે આર્મી ઓફિસરના બદલે (નિવૃત્ત) પોલીસ અધિકારી આવ્યા.
તે પછી આવી કલાકારોની વરણી. રમેશજીની ‘સીતા ઔર ગીતા’ની હિટ જોડી ધર્મેન્દ્ર-હેમા માલિની તો હોય જ. જો કે હેમાજીને ટાંગેવાલીની ભૂમિકા પસંદ પડી નહોતી. એક તો રોકડા સાડાપાંચ સીન અને લાંબા લાંબા ડાયલોગ. રમેશજીએ એમને કહ્યું, “શોલે ઠાકૂર બલદેવસિંહ અને ગબ્બરસિંહની ફિલ્મ છે છતાં તમારો રોલ ઈન્ટરેસ્ટિંગ બનશે એની ગેરંટી”.
મોટો સવાલ એ હતો કે જય કોણ બનશે? દૌડમાં મોખરે હતા શત્રુઘ્ન સિંહા, પણ સલીમ-જાવેદને અમિતાભ જોઈતા હતા. રમેશે અલમોસ્ટ શત્રુને ફાઈનલ કરી દીધેલા, પણ થયું, શત્રુ મોટો સ્ટાર છે, ધર્મેન્દ્ર પણ છે, બીજા એકાદ આવશે. બધાના ઈગો સાચવવા ભારે પડશે. એના કરતાં બચ્ચન ઠીક રહેશે.
ઠાકૂર બલદેવસિંહ માટે પ્રાણની વિચારણા થયેલી, પણ રમેશની ઈચ્છા સંજીવકુમારને લેવાની હતી. રંગભૂમિ પરથી આવેલા હરિભાઈ જરીવાલા સિપ્પીની ‘સીતા ઔર ગીતા’ ઉપરાંત ‘ખિલોના’, ‘કોશિશ’, ‘પરિચય’ જેવી ફિલ્મમાં છવાઈ ગયેલા. રાધાની નાનકડી ભૂમિકા માટે જયા ભાદુડીને ફાઈનલ કરવામાં આવી.
ફિલ્મમાં ગબ્બરસિંહનું પાત્ર બહુ મહત્વનું હતું, આ માટે ડેનીને સાઈન કરવામાં આવ્યા. જગજાહેર છે કે ‘શોલે’ સાઈન કરી તે પહેલાં ડેનીએ ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ સાઈન કરેલી. ‘શોલે’નું શૂટિંગ શરૂ થવા આડે થોડા દિવસ બાકી હતા ત્યાં ‘ધર્માત્મા’ના શૂટિંગની તારીખો પણ આવી ગઈ, એ પણ છેક અફઘાનિસ્તાનમાં. કમને ડેનીએ શોલે છોડવી પડી. તે પછી સલીમ-જાવેદે જાણીતા અભિનેતા જયંતના પુત્ર અને રંગભૂમિના ઉમદા અદાકાર અમજદ ખાનનું સ્ટેજ ગોઠવ્યું.
રસપ્રદ વાત એ કે સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ સંજીવકુમારે ગબ્બરનો રોલ ભજવવાની ઈચ્છા દર્શાવી. જો કે એમણે બહુ મગજમારી ન કરી. માંડ એ પત્યું ત્યાં ધર્મેન્દ્રે જિદ કરીઃ “મને ઠાકૂરનો રોલ જોઈએ”. એને ખબર હતી કે હીરો એ હતો, પણ ‘શોલે’ ફિલ્મ ઠાકૂર બલદેવસિંહની હતી. રમેશજીએ એમને સમજાવતાં કહ્યું, “ઠાકૂરનું પાત્ર કેન્દ્રસ્થાને છે, પણ એ ન ભૂલશો કે એ કેરેક્ટર રોલ છે. અને, જો પાત્રની અદલાબદલી કરીશું તો એન્ડમાં હેમામાલિની મળશે સંજીવકુમારને. હવે બોલો”? ધર્મેન્દ્રે કહ્યું, “ના ના, હું વીરુ જ ભજવીશ”.
રમેશ શિપ્પીના આર્ટ ડિરેક્ટર રામ યેડેકરે બેંગલોરથી કલાકેકના અંતર પર આવેલા રામનગરમ્ પર પસંદગી ઉતારી. ઉલ્લેખનીય છે કે તે વખતે ડાકુનાં પિક્ચર રાજસ્થાનમાં ઊતરતા. કલાકારો શિર પર પાઘડી, લાંબી બાયનું ખમીસ, ધોતિયું ને મોજડી પહેરતા. કેડ પર રાઈફલની બૂલેટનો પટ્ટો, કપાળે મોટું તિલક. એટલે જ સૌને નવાઈ લાગીઃ ડાકુની ફિલ્મ દક્ષિણ ભારતમાં બનશે? ‘શોલે’ના સિનેમેટોગ્રાફર દ્વારકા દિવેચાએ પણ રામનગરમ્ પર મંજૂરીની મહોર લગાવી. પાઘડી-ધોતિયું-ખમીસ-મોજડીને બદલે ગબ્બરને મિલિટરીમાં હોય એવો લીલા રંગનો યુનિફોર્મ-બૂટ આપવામાં આવ્યાં.
બેંગલોર જવાના દિવસે અમજદ વેળાસર મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા, પ્લેન ટેકઓફ્ફ તો થયું, પણ બેંગલોર પહોંચ્યું જ નહીં. તકનિકી ખરાબીના લીધે એ પાછું મુંબઈ આવ્યું. અમજદ એરપોર્ટ પર બેસી રહ્યા. પાંચેક કલાક બાદ ટેક્નિકલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, પણ કોઈ એમાં બેસવા રાજી નહીં. માંડ 4-5 જણે હિંમત કરી, જેમાં એક હતા અમજદ ખાન. ઉડ્ડયન દરમિયાન એમને એક જ વિચાર આવતો હતોઃ પ્લેન ક્રૅશ થયું તો ડેનીને ગબ્બરનો રોલ મળી જશે.
2 ઓક્ટોબર, 1973ના રોજ શોલેના શૂટિંગનો પહેલો દિવસ હતો, પણ એ દિવસે રામનગરમ્ અને આસપાસ ધોધમાર વરસાદ વરસતાં શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું ને ત્રીજીથી શરૂ કરવામાં આવ્યું.
આશરે દોઢસો જેટલા કલાકાર-કસબીનો કાફલો રોજ વહેલી રામનગરમ્ પહોંચતો. મુખ્ય કલાકાર-કસબીઓ બેંગલોરની નવીનક્કોર ‘હોટેલ અશોકા’ તથા ‘હોટેલ બેંગલોર ઈન્ટરનેશલ’માં રહેતા, જ્યારે બાકીનું યુનિટ રામનગરમ્ નજીકની હોટેલમાં.
1974ના જાન્યુઆરી-એન્ડમાં સૌ મુંબઈ પાછા ફર્યા. જો કે હજુ ઘણું કામ બાકી હતું. છેલ્લો શોટ જયના મૃત્યુનો લેવામાં આવ્યો. એ સીનમાં રાધા દોડતી જયના મૃતદેહ પાસે આવે છે, પછી ગમગીન-નિરાશ ચહેરે ઠાકૂર સામે જુએ છે. સંજીવકુમારે તે વખતે રમેશજીને સૂચન કર્યું- “આ કરુણાંતિકા બાદ ભાંગી પડેલી રાધાને હું મારા બન્ને હાથોએ હળવું આલિંગન દઈ એને આશ્વાસન આપું તો સીન નીખરી ઊઠશે”. ત્યારે રમેશજીએ કહ્યું “કયા હાથ? ઠાકૂર બલદેવસિંહને હાથ જ નથી”. સંજીવકુમારે કપાળ કૂટ્યું, “ધત્તેરિકી”.
ફિલ્મનાં ગીત તથા બેકગ્રાઉન્ડ મ્યુઝિક પંચમદા એટલે જ આર.ડી. બર્મને તૈયાર કર્યા. સૌપ્રથમ ગીત રેકોર્ડ થયું “કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ”… બધાં ગીતની બંદિશ પંચમદાએ પહેલાં બનાવી તે પરથી આનંદ બક્ષીએ ગીત લખ્યાં. એક કવ્વાલી પણ તૈયાર થયેલી, જે સૂરમા ભોપાલી (જગદીપ) પર ચિત્રિત થવાની હતી, પણ ફિલ્મ લાંબી થઈ જતાં કાઢી નાખવામાં આવી.
બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે રમેશજી-પંચમદા વચ્ચે લાંબી લાંબી ચર્ચા થતી. બસંતીની પાછળ ડાકુ પડે છે ને એ જાતને બચાવવા પૂરપાટવેગે ટાંગાને ભગાવે છે. આ સીન વખતે, પંચમદાએ કહ્યું, “આ ચેઝ સિક્વન્સમાં હું માત્ર તબલાંવાદન જ રાખવા માગું છું”. પંડિત શામતા પ્રસાદે એ સીનમાં તબલાં વગાડ્યાં છે. જય હાર્મોનિકાના સૂર રેલાવે છે એ પંચમદા પોતે વગાડતા.
ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ નવીસવી પોલિડોર કંપનીને પાંચ લાખ રૂપિયામાં આપવામાં આવ્યા. સિપ્પી અને પોલિડોર કંપનીને બિઝનેસ સિવાય બીજો પણ એક સંબંધ હતોઃ પોલિડોરના માલિક શરદ પટેલની બહેન ગીતા સાથે રમેશ સિપ્પીના વિવાહ થયેલા. (1991માં રમેશજીએ ગીતા સાથે ડિવોર્સ લઈને કિરણ જુનેજા સાથે લગ્ન કર્યાં. આશરે સાડાત્રણ દાયકાથી એ સ્થિર ગૃહસ્થી ચલાવે છે.)
‘શોલે’ના અમુક મહત્વના એક્શન સીન માટે લંડનથી સ્ટંટ ડિરેક્ટરો જિમ એલન અને ગેરી ક્રેમ્પટન તથા સ્ટંટ કોઓર્ડિનેટર જોન ગ્રાન્ટને મગાવવામાં આવેલા. 1974ના જૂનમાં એ બેંગલોર ગયા. હિંદી ફિલ્મ કેવી હોય એ સમજવા એમણે કોઈ લેટેસ્ટ મૂવી જોવાનું નક્કી કર્યું. રમેશજીના ચીફ આસિસ્ટંટ ડી. આર. ઠક્કર એમને ‘હાથ કી સફાઈ’ જોવા લઈ ગયા. ફિલ્મ જોઈને એ ડઘાઈ ગયા. ખાસ તો ગીત આવતું ને એ અજંપ બની જતા. ઠક્કર સાહેબે એમના રિએક્શન જોઈને કહ્યું કે “પાંચેક સોંગ તો આપણી ફિલ્મમાં પણ છે”.
ટ્રેન-સિક્વન્સ માટે આર્ટ ડિરેક્ટર રામ યેડેકર બે અઠવાડિયાં ગુજરાતમાં ભટક્યા, છેવટે મુંબઈ નજીક ઉરણ-પનવેલ લાઈન પર પસંદગી ઉતારી. 1975ના ફેબ્રુઆરીમાં ટ્રેન-લૂંટનું શૂટિંગ શરૂ થયું, જે સાત અઠવાડિયાં ચાલ્યું. ઠાકૂર બલદેવસિંહ જય-વીરુને પહેલી વાર જેલની બહાર મળે છે એ સીન સૌથી છેલ્લે લેવામાં આવ્યો. આ સાથે બે વર્ષે ‘શોલે’નું શૂટિંગ પૂરું થયું.
રમેશ સિપ્પીએ આશરે ત્રણ કરોડ રૂપિયાના જંગી ખર્ચે ત્રણ લાખ ફૂટ જેટલું શૂટિંગ કરેલું. ફાઈનલ રાખવામાં આવ્યુઃ 18,000 ફૂટ, ત્રણ કલાક ને વીસ મિનિટ. જે લંડન મોકલવામાં આવ્યું, જ્યાં સેવન્ટી એમએમ અને સ્ટિરિયોફોનિક સાઉન્ડ ઈફેક્ટવાળી પ્રિન્ટ્સ તૈયાર થઈ.
ફિલ્મને સેન્સર બોર્ડ પાસે મોકલવામાં આવી ત્યારે ઈમરજન્સીનો કાળ હતો. અધિકારીઓએ હિંસાનાં ઘણાં દશ્યો સામે વાંધાવચકા કાઢ્યા. ક્લાઈમેક્સમાં ઠાકૂર બલદેવસિંહ ધારદાર ખિલ્લાવાળા બૂટથી ગબ્બરસિંહને મારી નાખે છે એ સીન તો પાસ જ ન કર્યો. અધિકારીઓની દલીલ હતી કે “નિવૃત્ત તો નિવૃત્ત, પણ વરિષ્ઠ પોલીસ અધિકારી કાયદો હાથમાં લઈને મર્ડર કરે એનાથી ખોટો દાખલો બેસે”. રમેશ સિપ્પીએ સર્જકના દષ્ટિકોણથી સમજાવવાની કોશિશ કરી, પણ સેન્સર બોર્ડના અધિકારીઓ નમતું ન જોખ્યું. છેવટે રમેશજી ફરી એક નાના યુનિટ સાથે રામનગરમ્ ગયા. સંજીવકુમાર રશિયા હતા ત્યાંથી રાતોરાત ઊડીને રામનગરમ્ પહોંચ્યા. 1975ના જુલાઈમાં નવેસરથી અંત શૂટ કરવામાં આવ્યો. અને 15 ઑગસ્ટે તો ફિલ્મની રિલીઝ હતી.
રિલીઝના આગલા દિવસે, 14 ઓગસ્ટે મુંબઈમાં ‘શોલે’નાં બે પ્રીમિયર રાખવામાં આવ્યાં. એક ‘મિનરવા’માં અને, બીજો ‘એક્સલસિયર’માં. જો કે દિલ્હીના અમુક સરકારી બાબુને કોણ જાણે કઈ વાતનું ખોટું લાગ્યું કે એ લંડનથી મુંબઈ આવેલી સેવન્ટી એમએમ, સ્ટિરિયોફોનિક સાઉન્ડવાળી પ્રિન્ટ્સ ક્લિયર કરતો નહોતો. કોઈ કારણસર એનો અહં ઘવાયો હતો. પ્રીમિયરમાં ત્યારના ઈન્ફર્મેશન-બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર વિદ્યા ચરણ શુક્લા પણ આમંત્રિત હતા. પ્રીમિયરની બપોર સુધી પ્રિન્ટો મળી નહીં એટલે જી.પી. સિપ્પીએ શુક્લા તથા ઈન્દિરા ગાંધીના સ્નેહી એવા બેરિસ્ટર રજની પટેલ (અભિનેત્રી અમીશા પટેલના દાદાજી) આગળ ધા નાખી. બન્નેએ દિલ્હી ફોન ખખડાવ્યા. બાબુ હેબક ખાઈ ગયોઃ “આ સિપ્પી લોકોની ભારે પહોંચ”. અપમાન ગળી જતાં એણે કહ્યું, “જી સાહેબ, હમણાં જ મુંબઈ કસ્ટમ્સમાં પ્રિન્ટ્સ ક્લિયર કરવા જણાવું છું”, પણ એ જમાનાના ખાધેલ અધિકારીએ એવી દાંડાઈ કરી કે પ્રિન્ટના ડબ્બા પ્રીમિયર પછી જ પહોંચ્યા. આમંત્રિતોએ 35 એમએમમાં ફિલ્મ જોઈ.
ફિલ્મ જોઈને મેક મોહને (સાંભા) રડમસ અવાજે સિપ્પીને કહ્યુઃ “બે વર્ષમાં હું 27 વાર મુંબઈથી બેંગલોર શૂટિંગ માટે ગયો ને આવડો આ એક સીન? એક ડાયલોગ? હું તો એક્સ્ટ્રા કલાકાર બની ગયો. પ્લીઝ, આ સીન પણ કાઢી નાખો”.
રમેશ કહેઃ “તારી ફરિયાદ વાજબી છે, પણ લખી રાખજે. ફિલ્મ ચાલી નીકળી તો લોકો જિંદગીભર સાંભા અને પૂરે પચાસ હજાર નહીં ભૂલે”. એમની ભવિષ્યવાણી સાચી પડી.
ફિલ્મ જોઈને જાતજાતના પ્રતિભાવ આવ્યા. સમીક્ષકોએ સખ્ખત શબ્દોમાં ઝાટકણી કાઢી. ઈન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈને ફિલ્મ પસંદ આવી. રિલીઝના પહેલા અઠવાડિયામાં જ ચુકાદો આવી ગયોઃ ‘શોલે’ ફ્લોપ છે. એડવાન્સ બુકિંગની લાઈનમાં માંડ 4-5 જણ દેખાતા. રિલીઝના 2-3 દિવસ બાદ અમિતાભ બચ્ચનના ઘરે મિટિંગ થઈ. શું કરવું? કોઈએ સૂચન કર્યું, જય જીવતો હોવો જોઈએ. વિધવા રાધાનું સુખી સંસારજીવનનું સપનું માંડ સાકાર થવાનું હોય છે ત્યાં જય મરી જાય… આ ન ચાલે. 1975માં જ અમિતાભની ‘દીવાર’ રિલીઝ થયેલી, એમાં પણ એ મૃત્યુ પામે છે. એટલે ‘શોલે’માં જય જીવતો જ રહેવો જોઈએ. નવો અંત શૂટ કરવાનું પ્લાનિંગ થવા માંડ્યું, પણ નિરાશ વદને રમેશ સિપ્પીએ કહ્યું, “આપણે એકાદ દિવસ રાહ જોઈએ”.
-અને ખરેખર, એક દિવસમાં જાણે ચમત્કાર થઈ ગયો. થિએટરો પ્રેક્ષકોથી ઊભરાવા માંડ્યાં. આખેઆખાં અઠવાડિયાંનાં બુકિંગ ફુલ થવા માંડ્યાં.
‘શોલે’ પાંચ વર્ષ કરતાં વધુ સમય ચાલતી રહી. ‘મિનરવા’માં 240મા અઠવાડિયે પણ એ ફુલ હાઉસ લઈ રહી હતી. એને એકમાત્ર કમ્પિટિશન હતીઃ ‘જય સંતોષી મા’. ‘દીવાર’ જાન્યુઆરીમાં રિલીઝ થઈ ગયેલી, સુપરહિટ હતી, પણ એને આઠેક મહિના વીતી ગયા હતા.
-અને વક્રતા એ કે 1975ની ફિલ્મો માટેના ‘ફિલ્મફેર એવોર્ડ્સ’માં મોટા ભાગનાં સમ્માન ‘દીવાર’ લઈ ગઈ. બેસ્ટ ફિલ્મઃ ‘દીવાર’. બેસ્ટ રાઈટરઃ સલીમ-જાવેદ (‘દીવાર’). બેસ્ટ ડિરેક્ટરઃ યશ ચોપરા (‘દીવાર’). બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ શશી કપૂર (‘દીવાર’). બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ નીરુપા રોય (‘દીવાર’). બેસ્ટ એક્ટરની કેટેગરીમાં સંજીવકુમાર બે ફિલ્મ માટે નોમિનેટ થયાઃ ‘આંધી’ અને ‘શોલે’. એવોર્ડ મળ્યો ‘આંધી’ માટે. 10 કેટેગરી માટે નોમિનેશન મેળવનારી ‘શોલે’ને માત્ર એડિટિંગનો એવોર્ડ મળ્યો (માધવરાવ શિંદે). સિનેમેટોગ્રાફીનો એવોર્ડ દ્વારકા દિવેચાને બદલે કમલ બોસને ‘ધર્માત્મા’ માટે મળ્યો. બેસ્ટ મ્યુઝિકઃ રાજેશ રોશન, ફિલ્મઃ ‘જુલી’.
કબૂલવું જોઈએ મારે કે, આમાંની અમુક માહિતી અનુપમા ચોપરાના પુસ્તક શોલેઃ ધ મેકિંગ ઓફ અ ક્લાસિકમાંથી મેળવી છે. તમારી પાસે ‘શોલે’ને લગતી કોઈ રોમાંચક માહિતી હોય તો શેર કરજો.
મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે બોમ્બે ટાપુ અને તેની નજીકનો, તેનાથી પણ મોટો સાલ્સેટ દ્વિપ કે જેના પર હાલમા થાણે અને મીરા-ભાયંદર જેવાં ઉપનગરો વસેલાં છે તે ગુજરાતના સુલતાનોના આધિપત્ય હેઠળ હતો અને તેમના શાસનના અભિન્ન અંગ જેવા આ ટાપુઓ પર ગુજરાતના સુલતાનોનાં થાણાં હતાં.
તસવીર સૌજન્ય: ચિત્રલેખા
૧૩મી સદીના અંતમાં જ્યારે ૧૨૯૭-૯૮માં અલાઉદ્દીન ખિલજીની સેનાએ ગુજરાત અને ઉત્તર કોંકણને તેના રાજપૂત શાસકો પાસેથી જીતી લીધાં ત્યારથી આ ટાપુઓ મુસ્લિમ અધિપત્ય હેઠળ આવ્યા. ત્યારબાદ ખિલજીના પુત્રના સેનાપતિઓએ આ નવા જીતાયેલા ટાપુઓ પર તેમની પકડ મજબૂત બનાવી. પ્રાંતને મુસ્લિમ સૂબેદારોના હવાલા હેઠળ મૂકવામાં આવ્યો, જેનું મુખ્ય મથક પાટણ-અણહિલવાડની પ્રાચીન રાજધાનીમાં હતું અને તાબાના અધિકારીઓ હેઠળ લશ્કરી ચોકીઓ વ્યૂહાત્મક સ્થળો પર તૈનાત હતી, જેમાંથી એક ચોકી થાણે ખાતે હતી.
તસવીર સૌજન્ય:( @mumbaicity.gov.in)
૧૦૦ વર્ષ પછી દિલ્હી સલ્તનતના વિઘટન બાદ અને ૧૫મી સદીના પ્રથમ દાયકામાં અમદાવાદના સુલતાનોના સ્વતંત્ર વંશના ઉદય પછી, બોમ્બે અને સાલ્સેટનો ઉત્તર કોંકણ સાથે સુલતાનોના વિસ્તરતા રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો. ૧૫૩૪માં મોગલ સમ્રાટ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યાં સુધી આ જ સ્થિતિ ચાલુ રહી. ગુજરાતના સુલતાન, બહાદુરશાહે, હુમાયુ સામે પોર્ટુગીઝની મદદ મેળવવા પોર્ટુગીઝ વાઈસરોય નુનો દ કુન્હા સાથે બસૈણ (વસઈ)ની સંધિ કરી, જેના હેઠળ તેણે પોર્ટુગલના રાજાને વસઇનો ટાપુ અને તેનો કિલ્લો, સાલ્સેટનો સમગ્ર દ્વિપ સમૂહ જેનાથી હાલના મુંબઇ મહાનગરની રચના થયેલી છે તે તબદીલ કર્યા. તે ઉપરાંત કરંજા, એલિફન્ટા અને અન્ય નાના ટાપુઓ પણ તબદીલ કર્યા. આ કમનસીબ ઘટના બાદ ઑક્ટોબર ૧૫૩૫માં આ બે પક્ષો વચ્ચે થયેલી બસીનની બીજી સંધિ થકી પોર્ટુગીઝને દીવ ખાતે કિલ્લો બનાવવાની પરવાનગી પણ આપવામાં આવી. પોર્ટુગીઝોએ ૧૫૩૭માં બહાદુરશાહને દીવના બંદરમાં ડૂબાડીને દીવ શહેર કબજે કર્યું. બીજાં ૧૦ વર્ષ વીતી ગયા બાદ તેઓએ દમણ નગર અને તેના કિલ્લા કબજો કરી લીધો.
મરીન ડ્રાઈવ (સૌજન્ય: Old Bombay ઈન્સ્ટાગ્રામ )
દીવ અને દમણનાં બે મુખ્ય બંદરો પર કબજો મેળવ્યા બાદ પોર્ટુગીઝોએ ખંભાતના મહત્ત્વના અખાત પર અધિપત્ય મેળવ્યું, જે ગુજરાતી વેપારીઓના વર્ચસ્વવાળા ખંભાત બંદરથી મલાક્કા સાથેના વેપાર માટે મહત્ત્વની કડીરૂપ હતું. એ વખતના આંતર-એશિયાઈ વેપારમાં કાપડનો વેપાર મુખ્ય હતો. જાવા અને મલાયાના લોકો ખાદ્યપદાર્થો અને મસાલાઓના બદલામાં કાપડ સિવાય અન્ય કોઈપણ ઉત્પાદનો સ્વીકારતા ન હતા. ભારતીય વેપારીઓ પાસેથી મેળવેલા કાપડના બદલામાં બર્મા (મ્યાનમાર) પેગુ પાસેથી ચોખા અને ચાંદીની આપ-લે કરતું હતું. દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચેનાં વાણિજ્યિક જોડાણો એટલાં મજબૂત હતાં કે પોર્ટુગીઝ ઔષધિ વિક્રેતા ટોમી પિરેસના જણાવ્યા મુજબ ‘મલાક્કા ખંભાત વિના અને ખંભાત મલાક્કા વિના જીવી શકે તેમ ન હતા.’
તે પછીનાં ૧૩૦ વર્ષ સુધી આ સ્થળો, પોર્ટુગીઝ શાસન હેઠળ હતાં, બસૈણ તેમની રાજધાની અને ‘ઉત્તર પ્રાંત’ના મુખ્ય વહેવટી થાણાં હતાં. ઉત્તર કોંકણમાં પોટુગીઝ પ્રદેશ બે વિભાગોમાં વિભાજિત થયેલો હતો – દમણ અને વસઇ. દમણના વહીવટીક્ષેત્રની હદમાં સંજાણ, તારાપોર, દહાણુ અને માહિમના ૪ જિલ્લાઓનો સમાવેશ થતો હતો; જ્યારે વસઇનું અધિકારક્ષેત્ર ઉત્તરમાં અગાશીથી દક્ષિણમાં કરંજા ટાપુ સુધી વિસ્તરેલું હતું. દક્ષિણ કોંકણમાં ગોવાની આસપાસની તેમની મુખ્ય સંપત્તિથી આ ભાગને અલગ પાડવા પોર્ટુગીઝોએ તેઓ જેને ‘ઉત્તરનો પ્રાંત’ કહેતા તેની રચના કરી હતી.
ગેટ વે ઓફ ઈન્ડિયા
મે ૧૬૬૧માં, ઇંગ્લેન્ડના ચાર્લ્સ બીજા અને પોર્ટુગીઝ રાજાની પુત્રી કેથરીન ઓફ બ્રાગાન્ઝાનાં લગ્ન વખતે બોમ્બે અંગ્રેજોને દહેજમાં આપવામાં આવ્યું હતું. જો કે પોર્ટુગીઝોએ વસઇ, સાલ્સેટ, સાયન, ધારાવી, મઝગાંવ, વરલી, પરેલ અને વડાલાનો કબજો જાળવી રાખ્યો હતો. ત્યારબાદ, ૧૬૬૮માં ઈંગ્લેન્ડના રાજાએ બોમ્બેનો કબજો વાર્ષિક ૧૦ બ્રિટિશ પાઉન્ડના નજીવા ભાડાથી લીઝ પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપ્યો. આ રીતે ગુજરાત સાથે બોમ્બેનો સંપર્ક પુનઃસ્થાપિત થયો કારણ કે આ ટાપુના પ્રથમ ચાર ગવર્નરો સૂરત ખાતેની અંગ્રેજી ફેક્ટરીના પ્રમુખ હતા. ૧૭૧૨માં આખરે કંપનીનું મુખ્યમથક સૂરતથી બોમ્બે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સાથે આ ટાપુએ એક સ્વતંત્ર રાજકીય અસ્તિત્વ પ્રાપ્ત કર્યું, જ્યાં એકમાત્ર અંગ્રેજી માલિકી હતી. તેમ છતાં, તેણે સૂરતના કારખાનાના ઉત્પાદનના આજ પર્યંત ચાલતા વેપારના આધારે અને સૂરતમાં અને મોગલ સામ્રાજ્યમાં બનતી રાજકીય અને ઐતિહાસિક ઘટનાઓમાં સક્રિયતા વધારીને ગુજરાત સાથે તેના સંપર્કો ચાલુ રાખ્યા. વર્ષ ૧૮૦૦ સુધી સૂરતનું સમગ્ર સંચાલન ત્યાંના અંગ્રેજ વહીવટકર્તાઓ દ્વારા, બોમ્બે ખાતેના તેમના ઉપરી અધિકારીઓના નિર્દેશો હેઠળ કરવામાં આવતું હતું.
અલબત્ત, આવી સુંદર રીતે ગોઠવાયેલી વહીવટી વ્યવસ્થાને બાદ કરતાં, તે સમયનું બોમ્બે આજની મોહમયી મુંબઇ નગરીની કોઇ લાક્ષણિકતા ધરાવતું ન હતું. તે વખતનું બોમ્બે ખાડીઓથી વિભાજિત થયેલા સાત ટાપુઓનું બનેલું હતું. દરેક ભરતી વખતે દરિયાનું પાણી આ ખાડીઓમા વહી આવતું હતું અને ઓટ વખતે આ ખાડીઓ દુર્ગંધયુક્ત કાદવકિચડનાં ખાબોચિયાં જેવી બની જતી હતી. આ સાત ટાપુઓ પૈકી સૌથી મહત્વનો ટાપુ માહિમ હતો. દરિયાકિનારે ભરાઇ જતા કાંપથી આ ટાપુઓની સંખ્યા ૧૬૭૩ સુધીમાં ઘટીને ૪ થઈ ગઇ હતી. આ ૪ ટાપુઓને ૧૮મી સદીના અંત સુધીમાં ઊંચા કોઝવે અને પાળાથી તથા નીચાણવાળા પાટ્ટામાં પૂરણ કરીને લેન્ડ રેક્લેમેશનથી જોડી દેવામાં આવ્યા.
સમય જતાં કોલાબાથી માહિમની ખાડી સુધીના સમગ્ર ટાપુ-સમૂહને મુંબઈ નામ આપવામાં આવ્યું. પોર્ટુગીઝ શાસકોએ અપભ્રંશ કરીને બોમ્બેઇમ અથવા મોમ્બાઈમ નામ આપ્યું, જે અંગ્રેજી કંપનીના નિયંત્રણ હેઠળ આવ્યા પછી બોમ્બે તરીકે ઓળખાવા લાગ્યું.
મરીન ડ્રાઈવ (સૌજન્ય: @mumbaicity.gov.in)
પોર્ટુગીઝોના બોમ્બે સાથેના સંપર્કના ઐતિહાસિક સંદર્ભો વર્ષ ૧૫૦૯ અને ૧૫૧૭ના વર્ષમાં નોંધાયેલા જોવા મળે છે. પરંતુ પોર્ટુગીઝ દફ્તરમાં નોંધાયેલો ૧૫૨૯નો એક કિસ્સો ઉલ્લેખનીય છે. આ વર્ષે પોર્ટુગીઝ ભારતનો ગવર્નર હેઇટર ડી સિલ્વીરા ભારતીય સમુદ્ર પર પોર્ટુગીઝ પ્રભુત્વ સ્થાપિત કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે ચૌલ અને બોમ્બેના કિનારા પસાર કરીને તેના નૌકાકાફલા સાથે ગુજરાતના નૌકાકાફલાને મહાત કરવા ચડી આવ્યો. આ બહાદુર અધિકારી સિલ્વીરા હેઠળના નૌકાકફલાની એક ટુકડીએ નાગોથના નદીના મુખ ખાતે ગુજરાતના નૌકા કાફલાને હરાવ્યો. ત્યારબાદ તે તેના માણસો સાથે દરિયાકાંઠાની આ તરફના જુદા જુદા ટાપુઓ પર ઘૂસી આવ્યો અને ત્યાં તેણે ભાત સાથે માંસની જ્યાફતો ઉડાવી. ત્યાં મોજમસ્તીમાં વિતાવેલા દિવસોની યાદમાં બોમ્બેને ઇલ્હા દ બોન વિડા (ઐયાશ જીવનનો ટાપુ) નામ આપ્યું. જ્યારે બોમ્બેના જીવન અને વિકાસના બીજ રોપાઇ રહ્યાં હતાં તે સમયે આ ટાપુને આવું નામ આપી તેની આગવી ઓળખ ઊભી કરી, જે આવનારાં વર્ષોમાં તેની સમૃદ્ધિની રસપ્રદ ભવિષ્યવાણી જેવી હતી.
તસવીર: ચિત્રલેખા
સિલ્વીરા તે પછી બસીનના કિલ્લા તરફ આગળ વધ્યો અને સુરક્ષિત ગણાતા આ મુસ્લિમ કિલ્લા પર હુમલો કરીને નગરને લૂંટીને ત્યાં આગ ચાંપી દીધી અને પછી બોમ્બે પાછો ફર્યો. જાન્યુઆરી ૧૫૩૧માં પોર્ટુગીઝોએ તેમની નૌકાદળની શક્તિ દર્શાવવા અને સ્થાનિક શાસકોને ડરાવવા માટે બોમ્બે ખાતે નૌકાદળ અને પાયદળનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. આ પછી માર્ચ ૧૫૩૧માં ગુજરાતના દરિયાકાંઠે છમકલાં કરી કનડગત ઊભી કરવાના ઇરાદે એક અધિકારીની પ્રતિનિયુક્તિ કરવામાં આવી. મહુઆ, વલસાડ, તારાપુર, સૂરત, ઘોઘા અને અન્ય નગરો પર હુમલા કરી લૂંટફાટ કરવામાં આવી. ત્યાર બાદ, ડિસેમ્બર ૧૫૩૨માં, ૮૦૦ કનારીઓ (કન્નડ ભાષીઓ) ઉપરાંત લગભગ ૨૦૦૦ પોર્ટુગીઝ સૈનિકોએ વસઇ પર હુમલો કર્યો. ઉગ્ર પ્રતિકાર બાદ મુસ્લિમ કિલ્લો કબજે કરવામાં આવ્યો. ત્યારબાદ થાણા, બાંદ્રા અને માહિમ તથા બોમ્બે ટાપુઓ પણ કબજે કરવામાં આવ્યા.
હાજી અલી દરગાહ (સૌજન્ય: @mumbaicity.gov.in)
પોતાના સામ્રાજ્ય પર મોગલોના આક્રમણથી દબાયેલા ગુજરાતના સુલતાને સુલેહની શરતો નક્કી કરવા એક દૂત મોકલ્યો. ૨૩મી ડિસેમ્બર ૧૫૩૪ના રોજ નુનો દ કુન્હા અને સુલતાન બહાદુરશાહના દૂત વચ્ચે બસીન બંદરે સેન્ટ મેથ્યુ નામનું વહાણ પર એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કમનસીબ સંધિથી વસઇનું ફળદ્રુપ પરગણું તેના સમગ્ર વિસ્તાર અને ટાપુઓ સાથે પોર્ટુગીઝના કબજા હેઠળ આવી ગયું. કોઇ યુરોપીયન સત્તા અને ભારતીય શાસક વચ્ચે થયેલી આ પ્રકારની પ્રથમ સંધિ તરીકે પણ આ સંધિ ઓળખાય છે. તેનાથી ઉત્તર કોંકણના કિનારે પોર્ટુગીઝને પ્રથમ પગપેસારો કરવાની તક મળી.
બહાદુરશાહનો રાજદૂત તેના ધર્મના રક્ષણ માટે સંધિમાં એક કલમ દાખલ કરવામાં સફળ રહ્યો. બહાદુરશાહ દ્વારા પોતાના શાસન હેઠળનો વિસ્તાર પોર્ટુગીઝોના હવાલે કર્યા પછી પોર્ટુગીઝે અગાઉની જેમ મસ્જિદોના ખર્ચને પહોંચી વળવા દર વર્ષે તેમની આવકમાંથી ૫૦૦૦ લેરીન આપવાના હતા. પરંતુ નવા શાસકોએ થોડા સમયમાં જ આ શરત નકારી કાઢી અને આ રકમનો ઉપયોગ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે કરવા લાગ્યા. આ નવા હસ્તગત કરેલા પ્રદેશોમાં પોતાને સ્થાપિત કરી ચૂકેલા ધર્મઝનૂની પોર્ટુગીઝ પાદરીઓ એક પછી એક મસ્જિદોનો નાશ કરતા રહ્યા.
(લેખક ડો. અમરજીત સિંહ ગુજરાત રાજ્યના નિવૃત્ત સનદી અધિકારી છે.)
જય શ્રી ક્રિષ્ના મહાભારતમાં યુદ્ધ સમયે શકુની અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ થાય છે, શકુની કહે છે, અમારાં પક્ષમા મહામહિમ ભીષ્મ છે, ગુરુ દ્રોણ છે, કવચ ધારી કર્ણ છે. છલ કે કપટ વગર તેમનું મૃત્યુ સંભવ જ નથી. અને તમારા પક્ષમા છે ધર્મ, જે કપટ નહીં કરી શકે. વિજય અમારો નિશ્ચિત જ છે. ત્યારે કૃષ્ણ ખૂબ સરસ રીતે સમજાવે છે. આજની વાત છોડો, પરંતુ છલ તો, રાજાધિરાજ રામચંદ્રના રામરાજ્યમાં પણ થયું હતું અને આજે પણ થશે જ. જયારે ભગવાને વાલીને છલથી સઁતાંયને જ માર્યો હતો અને રાવણને મારવા માટે વિભિષણની જ સહાય લેવામાં આવી હતી. છલનો આશય જો ધર્મ હોય ત્યારે છલ કપટ જ ધર્મ બની જાય છે.
આપણું વાસ્તવિક જીવન પણ આવું જ છે. જન્મ્યા બાદ ડગલે ને પગલે સંઘર્ષ છે, વાદ વિવાદ છે. મોં માં ચાંદીની ચમચી સાથે જન્મનારને પણ બધું અમસ્તું મળી જતું નથી. વાસ્તવિકતામાં માણસની સફળતાનો આધાર તેની ભાવનાત્મક લાગણીઓ અને બુદ્ધિનું સંતુલનના આધારે નકી થાય છે. ગોલેમેનના સિદ્ધાંત મુજબ, તેમના કામ અને અન્ય સામાજિક સંબંધોમાં, વ્યક્તિની સફળતા, તે પરિબળો પર આધાર રાખે જે સ્વસ્થ ભાવનાત્મક બુદ્ધિથી કામ કરે છે. અને સામાજિક સંબંધોને ટકાવવા માટે આવેગમાં નહીં પણ ભાવનાત્મક બુદ્ધિમત્તાને આધારે નિર્ણયો લે છે. અલગ અલગ વૈજ્ઞાનિકો ઈમોશનલ ઇન્ટિલિજન્સના અવનવા ઉદાહરણો દ્વારા સુખાકારી જીવનનો બોધ સમજાવે છે.
પરંતુ હિન્દૂ શાસ્ત્રમાં કૃષ્ણે આ બોધ આ 5000 વર્ષ પહેલા આપ્યો હતો. 5 હજાર વર્ષોથી આપણે કૃષ્ણને ભજીયે છીએ. કોઈ સખા સ્વરૂપમાં, કોઈ સારથી સ્વરૂપમાં તો કોઈ સ્વામી સ્વરૂપમાં. દરેક માટે કૃષ્ણએ વાસ્તવિકતા છે. એટલેજ આટલા વર્ષો પછી પણ કૃષ્ણત્વ ધરતી પર ઓસર્યું નથી. તેનું કારણ છે કે ટેક્નોલોજીકલ અને મટીરીલિયાસ્ટિક વર્લ્ડમાં પણ કૃષ્ણત્વ આજે પણ એડવાન્સમાં જ ચાલે છે. આવનારી પેઢી તેને કોઈ દેવી અવતાર કે ઈશ્વર રૂપે સ્વીકારે તો બેસ્ટ જ છે પણ મારી દ્રષ્ટિએ આવનારી પેઢીએ સફળ થવા માટે કૃષ્ણને મોસ્ટ ઇન્ટિલિજન્ટ કેરેક્ટરના રૂપમાં સ્વીકારવા જ જોઈએ. કેમ કે કૃષ્ણ, એ ઇમોશનલ ઇન્ટેલીજન્ટનુ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇમોશનલ ઇન્ટેલીજન્સ ટોપિક ઉપર જયારે ચોપડાઓ ખડકાયેલા છે ત્યારે કૃષ્ણનું પાત્ર અને તેનું જીવન ઇમોશનલ ઇન્ટેલીજન્સનું પુસ્તકાલય છે. જે મનથી નહિ પરંતુ પ્રેકટીકલી વિચારે છે.
કૃષ્ણ જન્મ પછી નવજાત હોવા છતાં પણ કારાવાસમાંથી, જૉ તે પોતે બહાર આવી સકતા હોય તો, તેના માતા પિતાને પણ લાવી જ શક્યા હોત પરંતુ તેને એવુ ના કર્યું. તે ગોવર્ધન પર્વત ઉપાડી શકતા હતાં ત્યારે વરસાદને પણ રોકી જ શક્યા હોત, પણ ના રોક્યો, કુરુક્ષેત્રના મેદાનમાં કાવાદાવાથી પણ પાંડવોને જીતાડવા શક્ય હતાં તો અભિમન્યુ અને પાંડુપુત્રો ને બચાવવાં, કૃષ્ણ માટે અશક્ય નહોતા જ, છતાં એને એવુ ના કર્યું. બધાજ પાંડુ વંશજૉ ને મારીને પણ ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતનો બચાવ એજ કૃષ્ણત્વની પરિસીમાં છે. કઠોરમાં કઠોર નિર્ણયો લેવામાં તેને પાછું વાળીને જોયું નથી. કૃષ્ણએ જયારે ગોકુળ છોડ્યું ત્યારે પ્રેમમાં લગભગ મરી ચૂકેલા ગોકુળવાસીઓ પાસે આવવું શક્ય હતુ. છતાં કૃષ્ણ કદી વળ્યા નથી. કારણકે તેનું આગળ વધવું વધારે જરૂરી હતુ. તે પોતે કરુણામય છે છતાં પણ તેને આવેશમાં, લાગણીથી કદી નિર્ણયો લીધા નથી.
જૉ ડોક્ટર પોતે દર્દીઓનું દુઃખ જોઈને કાંપવા લાગે તો તેનો ઈલાજ કરે કોણ, જૉ માં પોતે પોતાના બાળકને કાયમ છાતીએ વળગાડી રાખે તો બાળકનો સર્વાંગી વિકાસ શક્ય નથી. જન્મ સમયે બાળકના નવજીવન માટે માતા સાથે જોડેલી ગર્ભનાળનું કપાવું જેમ જરૂરી છે તેમ જીવનમાં આગળ વધવા માટે પ્રેક્ટિકલી વિચારવું ખૂબ જરૂરી છે.
90ના દાયકામાં જોન મેયર અને પીટર સેલ્વીએ પહેલી વખત ‘ઇમોશનલ ઇન્ટેલીજન્સ ‘શબ્દ પર પ્રકાશ પાડ્યો. કોર્પોરેટ જગતમાં તેને વારંવાર જોયું કે ઓછું ભણેલા લોકો, વધુ IQ ધરાવતા લોકો કરતાં વધુ સફળ થઇ રહ્યા હતાં, અને જેઓ વધારે ડિગ્રી અને અનુભવ ધરાવતા હતાં.. જેનું કારણ હતુ, અભણ હોવા છતાં તેઓનો હાઈ લેવલનો EQ એટલે કે ઇમોશનલ ક્વોસન્ટ.
કોર્પોરેટ વર્લ્ડમાં ઇમોશનલ ઇન્ટિલેજન્સનું ખૂબ મહત્વનું છે. તેઓ કંપનીના લીડર પણ હાઈ EQ ના આધારે ચૂંટે છે. જેઓમાં સેલ્ફ અવેરનેસ, સેલ્ફ રેગ્યુલેશન, મોટિવેશન તથા એમ્પથી કે સહાનુભૂતિ અને સોશ્યિલ સ્કીલ હોય. સાદી ભાષામાં કહીયે તો જેઓ કામ દરમ્યાન પિત્તો ગુમાવતા નથી, ગુસ્સો અને લાગણીઓને કાબુમાં રાખી શકે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં સેલ્ફ મોટીવેટ થઈ ને કામ પાર પાડી શકે છે. જ્યાં જીવનધોરણ મોટાભાગે કાલ્પનિક દુનિયાથી ઘેરાયેલું હોય ત્યાં પ્રેક્ટિકલી વિચારવું ખૂબજ જરૂરી હોય છે. એક નાની અમથી ઈમોશનલ ફૂલીશનેસ પણ પુરા સમાજ માટે કે મોટા સમૂહ માટે ધાતક સાબિત થઇ શકે છે. ધુતરાષ્ટ્રના આંધળા પુત્રમોહ થી લઈને ઢોલ વગાડીને વાયરસ ભગાડવા જેવા અસંખ્ય કિસ્સાઓ યુગોથી સતત બનતા રહે છે..ત્યારે આવા મુદ્દાઓને સમજવા જરૂરી બને છે.
ગોકુળ એ કૃષ્ણનુ હ્રદય હતુ, હાથ હતા મથુરા અને દ્વારિકા, જયારે તેઓ બુદ્ધિ અને મસ્તિષ્કથી સંપૂર્ણપણે કુરુક્ષેત્રમાં હતાં. તેણે તે સમયે અર્જુનને ગીતાપદેશ આપ્યો, જયારે અર્જુન ભાવુકતામાં સરી ચુક્યા હતાં. ગીતાનો ઉપદેશ જ ભાવુકતા અને આવેશતા સામે લડવાનું સાધન છે. તે સતત યુગોથી તમને ખોટા નિર્ણયો લેતાં રોકે છે. જીવનમાં બધુજ ગુમાવીને પણ આગળ વધવું જરૂરી હોય છે. કઈ પણ ના હોવા છતાં કર્મ કરવું અને પરિસ્થિતિઓનો સામનો કરવો જરૂરી છે. તમારી રાહમાં આવતા સગા વ્હાલા, મિત્રો,ભાઈઓ, ગુરુઓ, પુત્રો, પૌત્રો બધાજ ગૌણ બની જાય છે જયારે તમે કર્તવ્યની રાહ પર નીકળી ચુક્યા હોવ છો, ત્યારે માત્ર કર્મ અને ધર્મ જ મહત્વના હોય છે. ત્યારે પણ એજ સત્ય હતું અને આગળ પણ આજ હશે. કૃષ્ણત્વ અને ગીતાપદેશ દરેક યુગમાં લાગુ પડશે, તે આપણી આવનારી પેઢીઓને પણ ભટકતા અટકાવશે. અને એટલેજ તે અનેક કાળ બાદ પણ અવિરતપણે દરેકમાં જીવંત રહેશે.
કૃષ્ણપૂર્વક (નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)