હિંદી સિનેમા-ઈતિહાસનું એક સોનેરી પ્રકરણ નામે ‘શોલે’ની રીલીઝના પચાસમા વર્ષે વાગોળીએ એનાં નિર્માણ સાથે
સંકળાયેલી કેટલીક ઓછી જાણીતી વાતો..
ગોપાલદાસ પરમાનંદ સીપહિમલાની અખંડ ભારતના પાકિસ્તાનના હૈદરાબાદમાં ધનાઢ્ય કુટુંબમાં જન્મેલા. એમનો પરિવાર બ્રિટિશરોની કંપનીઓ સાથે વેપાર કરતો. ગોરા લોકોને ‘સિપહિમલાની’ બોલતાં જીભે લોચા પડતા એટલે ટૂંકું ને મીઠું ‘સિપ્પી’ કરી નાખ્યું- જી.પી. સિપ્પી. 1947માં ભાગલા બાદ 33 વર્ષની વયે ગોપાલદાસ મુંબઈ આવ્યા. એ ભણેલા વકીલાતનું, પણ સ્વભાવે ખિલાડી. મુંબઈમાં કોલાબા વિસ્તારમાં રેસ્ટોરાં ચલાવી, કન્સ્ટ્રક્શનમાં ગયા, ફિલ્મનાં નિર્માણ-દિગ્દર્શન-ડિસ્ટ્રિબ્યુશન કર્યાં.
ગોપાલદાસને પાંચ સંતાન. ચાર પુત્ર, એક પુત્રી. વચેટ દીકરા રમેશનો જન્મ કરાચીમાં 1947માં. શાળાશિક્ષણ બાદ લંડન સ્કૂલ ઓફ ઈકનોમિક્સમાં અર્થશાસ્ત્ર ભણવા ગયેલા રમેશ છ મહિનામાં પાછા આવી ગયા. મુંબઈ આવી સાઈકોલોજી ભણવાની શરૂઆત કરી, પણ એમનું મન હતું ફિલ્મી દુનિયામાં. રોજ સવારે એ કોલેજ બાદ મુંબઈમાં કારદાર સ્ટુડિયોમાં જતા, જ્યાં પિતાની ફિલ્મનાં શૂટિંગ ચાલતાં. ત્યાં પ્રોડક્શન-ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં નાનાં-મોટાં કામ કરતા. જી.પી. સિપ્પીની ‘મેરે સનમ’ના શૂટિંગ વખતે રમેશ બન્યા દિગ્દર્શક એચ.એસ. રવૈલના સાતમા આસિસ્ટન્ટ. કામ? હીરોઈન સાધનાનાં સ્લીપર્સ સાચવવાનાં.

દિગ્દર્શનનો કસબ શીખી રમેશે આયુના પચીસમા વર્ષે ‘અંદાઝ’ (શમ્મી કપૂર-હેમા માલિની) બનાવી અને 27મા વર્ષે ‘સીતા ઔર ગીતા’ (ધર્મેન્દ્ર-હેમા માલિની-સંજીવકુમાર). હવે ત્રીજી ફિલ્મમાં એમને જરા ધમાકો કરવો હતો. કંઈક જબરદસ્ત કરવું હતું- સમથિંગ બિગ.
1973ના જાન્યુઆરીમાં જી.પી. સિપ્પીએ મુંબઈના એમના ટેરેસ અપાર્ટમેન્ટમાં પાર્ટી રાખેલી, જેમાં હિંદી સિનેમાના મોટા ગજાના એક્ટર-એક્ટ્રેસ-રાઈટર-ડિરેક્ટર હાજર હતા. 102 તાવથી ધગધગતા શરીરે અમિતાભ બચ્ચન પણ હતા. પાર્ટીમાં થોડી વાર હાજરી આપી, પણ પછી ટાઢ સાથે તાવ ભરાયો એટલે એ સિપ્પીના બેડરૂમમાં આડા પડ્યા.
મધરાતે પાર્ટીમાં શત્રુઘ્ન સિંહાએ ગ્રાન્ડ એન્ટ્રી મારી. એની ઉપરાઉપરી બે ફિલ્મ સુપરહિટ થઈ હતીઃ ‘રામપુર કા લક્ષ્મણ’ અને ‘ભાઈ હો તો ઐસા’. ફોટોગ્રાફરો શત્રુ-હેમા-ધર્મેન્દ્ર-અમિતાભના ગ્રુપ ફોટા લેવા પડાપડી કરવા લાગ્યા. શત્રુએ હળવેકથી બચ્ચનને સાઈડમાં કરી દીધા અને… હેમા-ધર્મેન્દ્ર-શત્રુ પર ફ્લેશના ઝબકારા થવા માંડ્યા. એક જાણીતા ફિલ્મ-ડિસ્ટ્રિબ્યૂટરે જી. પી. સિપ્પીના કાનમાં ફૂંક મારીઃ “તમારી આગામી ફિલ્મની આ કાસ્ટ. પેલા લંબુનો વિચાર પણ ન કરતા”. ફિલ્મવિતરકોને બચ્ચનની એલર્જી હતી. ‘બોમ્બે ટુ ગોવા’ અને ‘આનંદ’ સિવાય એમની દસેક ફિલ્મ ફ્લોપ થઈ હતી.
આ તરફ સલીમ ખાન-જાવેદ અખ્તર સ્ટ્રગલર રાઈટર હતા. સિપ્પીની ‘સીતા ઔર ગીતા’ એમણે લખેલી. ફિલ્મ સુપરહિટ હતી, પણ લેખક તરીકે નામ આવતુઃ ‘સિપ્પી સ્ટોરી ડિપાર્ટમેન્ટ’. બન્ને ખૂબ ગુસ્સે થયેલા. રમેશે એમને સમજાવ્યાઃ “હવે પછીની ફિલ્મમાં તમને ફરિયાદનો મોકો નહીં આપું. પ્રોમિસ”.
એ અરસામાં સલીમ-જાવેદ એક કથાવિચાર લઈને વિવિધ સર્જકો પાસે જતા, પણ કોઈ લેતું નહોતું. નિર્માતા બલદેવ પુષ્કરણાએ વીસ હજાર રૂપિયામાં એ આઈડિયા મનમોહન દેસાઈ માટે ખરીદ્યો, પણ મનજીએ સલીમ-જાવેદને ‘ચાચા-ભતીજા’ની સ્ટોરી ડેવેલપ કરવા કહ્યું. પ્રોડ્યુસર પ્રેમ સેઠીએ પ્રકાશ મેહરા માટે એ કથાવિચાર ખરીદી લીધો, પણ પ્રકાશજી તે વખતે ‘ઝંજીર’માં બિઝી હતા. છેવટે એ ચાર લીટીનો કથાવિચાર સિપ્પી પિતા-પુત્ર પાસે આવ્યોઃ
“એક નિવૃત્ત લશ્કરી અધિકારી છે. એમના પરિવારની ડાકુઓ દ્વારા સામૂહિક હત્યા થાય છે. લશ્કરી અધિકારીને બે ટપોરી જેવા સૈનિક યાદ આવે છે. બન્નેને કોર્ટમાર્શલ કરવામાં આવેલા. બન્ને બહાદુર હતા. આર્મી ઓફિસર એમને સામૂહિક હત્યાનો બદલો લેવા ભાડે રાખે છે.”
સલીમ-જાવેદે આ કથાબીજ સાથે એક સ્ટોરી-સ્ક્રીનપ્લે તૈયાર રાખેલાં- એક યુવાનને એવું લાગે છે કે એને બ્રેન ટ્યુમર છે. એટલે એ પૈસા માટે કોઈના ખૂનનો આરોપ પોતાના પર લેવા તૈયાર થાય છે, જેથી પોતાના મૃત્યુ બાદ પરિવારને આર્થિક મુશ્કેલી ન નડે. વાર્તાનું શીર્ષકઃ ‘મજબૂર’.
‘મજબૂર’વાળી વાત રમેશને ગમી ગઈ, પણ થયું કે આના પરથી મોટા બજેટની, હટકે ફિલ્મ નહીં બને એટલે એમણે પેલી ચાર લીટીવાળી વાર્તા ડેવેલપ કરવાનું કહ્યું. એમ તૈયાર થયાં શોલેનાં કથા-પટકથા-સંવાદ. રેડી-ટુ-શૂટ. સ્ક્રિપ્ટ વાંચીને રમેશજીએ કહ્યું, “યાર, આમાં આર્મી ઓફિસરની વાત છે તો ડિફેન્સની, સરકારની પરમિશન લેવી પડશે. એના બદલે બીજું કંઈ કરો” એટલે આર્મી ઓફિસરના બદલે (નિવૃત્ત) પોલીસ અધિકારી આવ્યા.
તે પછી આવી કલાકારોની વરણી. રમેશજીની ‘સીતા ઔર ગીતા’ની હિટ જોડી ધર્મેન્દ્ર-હેમા માલિની તો હોય જ. જો કે હેમાજીને ટાંગેવાલીની ભૂમિકા પસંદ પડી નહોતી. એક તો રોકડા સાડાપાંચ સીન અને લાંબા લાંબા ડાયલોગ. રમેશજીએ એમને કહ્યું, “શોલે ઠાકૂર બલદેવસિંહ અને ગબ્બરસિંહની ફિલ્મ છે છતાં તમારો રોલ ઈન્ટરેસ્ટિંગ બનશે એની ગેરંટી”.
મોટો સવાલ એ હતો કે જય કોણ બનશે? દૌડમાં મોખરે હતા શત્રુઘ્ન સિંહા, પણ સલીમ-જાવેદને અમિતાભ જોઈતા હતા. રમેશે અલમોસ્ટ શત્રુને ફાઈનલ કરી દીધેલા, પણ થયું, શત્રુ મોટો સ્ટાર છે, ધર્મેન્દ્ર પણ છે, બીજા એકાદ આવશે. બધાના ઈગો સાચવવા ભારે પડશે. એના કરતાં બચ્ચન ઠીક રહેશે.
ઠાકૂર બલદેવસિંહ માટે પ્રાણની વિચારણા થયેલી, પણ રમેશની ઈચ્છા સંજીવકુમારને લેવાની હતી. રંગભૂમિ પરથી આવેલા હરિભાઈ જરીવાલા સિપ્પીની ‘સીતા ઔર ગીતા’ ઉપરાંત ‘ખિલોના’, ‘કોશિશ’, ‘પરિચય’ જેવી ફિલ્મમાં છવાઈ ગયેલા. રાધાની નાનકડી ભૂમિકા માટે જયા ભાદુડીને ફાઈનલ કરવામાં આવી.
ફિલ્મમાં ગબ્બરસિંહનું પાત્ર બહુ મહત્વનું હતું, આ માટે ડેનીને સાઈન કરવામાં આવ્યા. જગજાહેર છે કે ‘શોલે’ સાઈન કરી તે પહેલાં ડેનીએ ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ સાઈન કરેલી. ‘શોલે’નું શૂટિંગ શરૂ થવા આડે થોડા દિવસ બાકી હતા ત્યાં ‘ધર્માત્મા’ના શૂટિંગની તારીખો પણ આવી ગઈ, એ પણ છેક અફઘાનિસ્તાનમાં. કમને ડેનીએ શોલે છોડવી પડી. તે પછી સલીમ-જાવેદે જાણીતા અભિનેતા જયંતના પુત્ર અને રંગભૂમિના ઉમદા અદાકાર અમજદ ખાનનું સ્ટેજ ગોઠવ્યું.
રસપ્રદ વાત એ કે સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ સંજીવકુમારે ગબ્બરનો રોલ ભજવવાની ઈચ્છા દર્શાવી. જો કે એમણે બહુ મગજમારી ન કરી. માંડ એ પત્યું ત્યાં ધર્મેન્દ્રે જિદ કરીઃ “મને ઠાકૂરનો રોલ જોઈએ”. એને ખબર હતી કે હીરો એ હતો, પણ ‘શોલે’ ફિલ્મ ઠાકૂર બલદેવસિંહની હતી. રમેશજીએ એમને સમજાવતાં કહ્યું, “ઠાકૂરનું પાત્ર કેન્દ્રસ્થાને છે, પણ એ ન ભૂલશો કે એ કેરેક્ટર રોલ છે. અને, જો પાત્રની અદલાબદલી કરીશું તો એન્ડમાં હેમામાલિની મળશે સંજીવકુમારને. હવે બોલો”? ધર્મેન્દ્રે કહ્યું, “ના ના, હું વીરુ જ ભજવીશ”.
રમેશ શિપ્પીના આર્ટ ડિરેક્ટર રામ યેડેકરે બેંગલોરથી કલાકેકના અંતર પર આવેલા રામનગરમ્ પર પસંદગી ઉતારી. ઉલ્લેખનીય છે કે તે વખતે ડાકુનાં પિક્ચર રાજસ્થાનમાં ઊતરતા. કલાકારો શિર પર પાઘડી, લાંબી બાયનું ખમીસ, ધોતિયું ને મોજડી પહેરતા. કેડ પર રાઈફલની બૂલેટનો પટ્ટો, કપાળે મોટું તિલક. એટલે જ સૌને નવાઈ લાગીઃ ડાકુની ફિલ્મ દક્ષિણ ભારતમાં બનશે? ‘શોલે’ના સિનેમેટોગ્રાફર દ્વારકા દિવેચાએ પણ રામનગરમ્ પર મંજૂરીની મહોર લગાવી. પાઘડી-ધોતિયું-ખમીસ-મોજડીને બદલે ગબ્બરને મિલિટરીમાં હોય એવો લીલા રંગનો યુનિફોર્મ-બૂટ આપવામાં આવ્યાં.
બેંગલોર જવાના દિવસે અમજદ વેળાસર મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા, પ્લેન ટેકઓફ્ફ તો થયું, પણ બેંગલોર પહોંચ્યું જ નહીં. તકનિકી ખરાબીના લીધે એ પાછું મુંબઈ આવ્યું. અમજદ એરપોર્ટ પર બેસી રહ્યા. પાંચેક કલાક બાદ ટેક્નિકલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, પણ કોઈ એમાં બેસવા રાજી નહીં. માંડ 4-5 જણે હિંમત કરી, જેમાં એક હતા અમજદ ખાન. ઉડ્ડયન દરમિયાન એમને એક જ વિચાર આવતો હતોઃ પ્લેન ક્રૅશ થયું તો ડેનીને ગબ્બરનો રોલ મળી જશે.
2 ઓક્ટોબર, 1973ના રોજ શોલેના શૂટિંગનો પહેલો દિવસ હતો, પણ એ દિવસે રામનગરમ્ અને આસપાસ ધોધમાર વરસાદ વરસતાં શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું ને ત્રીજીથી શરૂ કરવામાં આવ્યું.
આશરે દોઢસો જેટલા કલાકાર-કસબીનો કાફલો રોજ વહેલી રામનગરમ્ પહોંચતો. મુખ્ય કલાકાર-કસબીઓ બેંગલોરની નવીનક્કોર ‘હોટેલ અશોકા’ તથા ‘હોટેલ બેંગલોર ઈન્ટરનેશલ’માં રહેતા, જ્યારે બાકીનું યુનિટ રામનગરમ્ નજીકની હોટેલમાં.

1974ના જાન્યુઆરી-એન્ડમાં સૌ મુંબઈ પાછા ફર્યા. જો કે હજુ ઘણું કામ બાકી હતું. છેલ્લો શોટ જયના મૃત્યુનો લેવામાં આવ્યો. એ સીનમાં રાધા દોડતી જયના મૃતદેહ પાસે આવે છે, પછી ગમગીન-નિરાશ ચહેરે ઠાકૂર સામે જુએ છે. સંજીવકુમારે તે વખતે રમેશજીને સૂચન કર્યું- “આ કરુણાંતિકા બાદ ભાંગી પડેલી રાધાને હું મારા બન્ને હાથોએ હળવું આલિંગન દઈ એને આશ્વાસન આપું તો સીન નીખરી ઊઠશે”. ત્યારે રમેશજીએ કહ્યું “કયા હાથ? ઠાકૂર બલદેવસિંહને હાથ જ નથી”. સંજીવકુમારે કપાળ કૂટ્યું, “ધત્તેરિકી”.
ફિલ્મનાં ગીત તથા બેકગ્રાઉન્ડ મ્યુઝિક પંચમદા એટલે જ આર.ડી. બર્મને તૈયાર કર્યા. સૌપ્રથમ ગીત રેકોર્ડ થયું “કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ”… બધાં ગીતની બંદિશ પંચમદાએ પહેલાં બનાવી તે પરથી આનંદ બક્ષીએ ગીત લખ્યાં. એક કવ્વાલી પણ તૈયાર થયેલી, જે સૂરમા ભોપાલી (જગદીપ) પર ચિત્રિત થવાની હતી, પણ ફિલ્મ લાંબી થઈ જતાં કાઢી નાખવામાં આવી.
બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે રમેશજી-પંચમદા વચ્ચે લાંબી લાંબી ચર્ચા થતી. બસંતીની પાછળ ડાકુ પડે છે ને એ જાતને બચાવવા પૂરપાટવેગે ટાંગાને ભગાવે છે. આ સીન વખતે, પંચમદાએ કહ્યું, “આ ચેઝ સિક્વન્સમાં હું માત્ર તબલાંવાદન જ રાખવા માગું છું”. પંડિત શામતા પ્રસાદે એ સીનમાં તબલાં વગાડ્યાં છે. જય હાર્મોનિકાના સૂર રેલાવે છે એ પંચમદા પોતે વગાડતા.
ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ નવીસવી પોલિડોર કંપનીને પાંચ લાખ રૂપિયામાં આપવામાં આવ્યા. સિપ્પી અને પોલિડોર કંપનીને બિઝનેસ સિવાય બીજો પણ એક સંબંધ હતોઃ પોલિડોરના માલિક શરદ પટેલની બહેન ગીતા સાથે રમેશ સિપ્પીના વિવાહ થયેલા. (1991માં રમેશજીએ ગીતા સાથે ડિવોર્સ લઈને કિરણ જુનેજા સાથે લગ્ન કર્યાં. આશરે સાડાત્રણ દાયકાથી એ સ્થિર ગૃહસ્થી ચલાવે છે.)
‘શોલે’ના અમુક મહત્વના એક્શન સીન માટે લંડનથી સ્ટંટ ડિરેક્ટરો જિમ એલન અને ગેરી ક્રેમ્પટન તથા સ્ટંટ કોઓર્ડિનેટર જોન ગ્રાન્ટને મગાવવામાં આવેલા. 1974ના જૂનમાં એ બેંગલોર ગયા. હિંદી ફિલ્મ કેવી હોય એ સમજવા એમણે કોઈ લેટેસ્ટ મૂવી જોવાનું નક્કી કર્યું. રમેશજીના ચીફ આસિસ્ટંટ ડી. આર. ઠક્કર એમને ‘હાથ કી સફાઈ’ જોવા લઈ ગયા. ફિલ્મ જોઈને એ ડઘાઈ ગયા. ખાસ તો ગીત આવતું ને એ અજંપ બની જતા. ઠક્કર સાહેબે એમના રિએક્શન જોઈને કહ્યું કે “પાંચેક સોંગ તો આપણી ફિલ્મમાં પણ છે”.
ટ્રેન-સિક્વન્સ માટે આર્ટ ડિરેક્ટર રામ યેડેકર બે અઠવાડિયાં ગુજરાતમાં ભટક્યા, છેવટે મુંબઈ નજીક ઉરણ-પનવેલ લાઈન પર પસંદગી ઉતારી. 1975ના ફેબ્રુઆરીમાં ટ્રેન-લૂંટનું શૂટિંગ શરૂ થયું, જે સાત અઠવાડિયાં ચાલ્યું. ઠાકૂર બલદેવસિંહ જય-વીરુને પહેલી વાર જેલની બહાર મળે છે એ સીન સૌથી છેલ્લે લેવામાં આવ્યો. આ સાથે બે વર્ષે ‘શોલે’નું શૂટિંગ પૂરું થયું.
રમેશ સિપ્પીએ આશરે ત્રણ કરોડ રૂપિયાના જંગી ખર્ચે ત્રણ લાખ ફૂટ જેટલું શૂટિંગ કરેલું. ફાઈનલ રાખવામાં આવ્યુઃ 18,000 ફૂટ, ત્રણ કલાક ને વીસ મિનિટ. જે લંડન મોકલવામાં આવ્યું, જ્યાં સેવન્ટી એમએમ અને સ્ટિરિયોફોનિક સાઉન્ડ ઈફેક્ટવાળી પ્રિન્ટ્સ તૈયાર થઈ.
ફિલ્મને સેન્સર બોર્ડ પાસે મોકલવામાં આવી ત્યારે ઈમરજન્સીનો કાળ હતો. અધિકારીઓએ હિંસાનાં ઘણાં દશ્યો સામે વાંધાવચકા કાઢ્યા. ક્લાઈમેક્સમાં ઠાકૂર બલદેવસિંહ ધારદાર ખિલ્લાવાળા બૂટથી ગબ્બરસિંહને મારી નાખે છે એ સીન તો પાસ જ ન કર્યો. અધિકારીઓની દલીલ હતી કે “નિવૃત્ત તો નિવૃત્ત, પણ વરિષ્ઠ પોલીસ અધિકારી કાયદો હાથમાં લઈને મર્ડર કરે એનાથી ખોટો દાખલો બેસે”. રમેશ સિપ્પીએ સર્જકના દષ્ટિકોણથી સમજાવવાની કોશિશ કરી, પણ સેન્સર બોર્ડના અધિકારીઓ નમતું ન જોખ્યું. છેવટે રમેશજી ફરી એક નાના યુનિટ સાથે રામનગરમ્ ગયા. સંજીવકુમાર રશિયા હતા ત્યાંથી રાતોરાત ઊડીને રામનગરમ્ પહોંચ્યા. 1975ના જુલાઈમાં નવેસરથી અંત શૂટ કરવામાં આવ્યો. અને 15 ઑગસ્ટે તો ફિલ્મની રિલીઝ હતી.
રિલીઝના આગલા દિવસે, 14 ઓગસ્ટે મુંબઈમાં ‘શોલે’નાં બે પ્રીમિયર રાખવામાં આવ્યાં. એક ‘મિનરવા’માં અને, બીજો ‘એક્સલસિયર’માં. જો કે દિલ્હીના અમુક સરકારી બાબુને કોણ જાણે કઈ વાતનું ખોટું લાગ્યું કે એ લંડનથી મુંબઈ આવેલી સેવન્ટી એમએમ, સ્ટિરિયોફોનિક સાઉન્ડવાળી પ્રિન્ટ્સ ક્લિયર કરતો નહોતો. કોઈ કારણસર એનો અહં ઘવાયો હતો. પ્રીમિયરમાં ત્યારના ઈન્ફર્મેશન-બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર વિદ્યા ચરણ શુક્લા પણ આમંત્રિત હતા. પ્રીમિયરની બપોર સુધી પ્રિન્ટો મળી નહીં એટલે જી.પી. સિપ્પીએ શુક્લા તથા ઈન્દિરા ગાંધીના સ્નેહી એવા બેરિસ્ટર રજની પટેલ (અભિનેત્રી અમીશા પટેલના દાદાજી) આગળ ધા નાખી. બન્નેએ દિલ્હી ફોન ખખડાવ્યા. બાબુ હેબક ખાઈ ગયોઃ “આ સિપ્પી લોકોની ભારે પહોંચ”. અપમાન ગળી જતાં એણે કહ્યું, “જી સાહેબ, હમણાં જ મુંબઈ કસ્ટમ્સમાં પ્રિન્ટ્સ ક્લિયર કરવા જણાવું છું”, પણ એ જમાનાના ખાધેલ અધિકારીએ એવી દાંડાઈ કરી કે પ્રિન્ટના ડબ્બા પ્રીમિયર પછી જ પહોંચ્યા. આમંત્રિતોએ 35 એમએમમાં ફિલ્મ જોઈ.

ફિલ્મ જોઈને મેક મોહને (સાંભા) રડમસ અવાજે સિપ્પીને કહ્યુઃ “બે વર્ષમાં હું 27 વાર મુંબઈથી બેંગલોર શૂટિંગ માટે ગયો ને આવડો આ એક સીન? એક ડાયલોગ? હું તો એક્સ્ટ્રા કલાકાર બની ગયો. પ્લીઝ, આ સીન પણ કાઢી નાખો”.
રમેશ કહેઃ “તારી ફરિયાદ વાજબી છે, પણ લખી રાખજે. ફિલ્મ ચાલી નીકળી તો લોકો જિંદગીભર સાંભા અને પૂરે પચાસ હજાર નહીં ભૂલે”. એમની ભવિષ્યવાણી સાચી પડી.
ફિલ્મ જોઈને જાતજાતના પ્રતિભાવ આવ્યા. સમીક્ષકોએ સખ્ખત શબ્દોમાં ઝાટકણી કાઢી. ઈન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈને ફિલ્મ પસંદ આવી. રિલીઝના પહેલા અઠવાડિયામાં જ ચુકાદો આવી ગયોઃ ‘શોલે’ ફ્લોપ છે. એડવાન્સ બુકિંગની લાઈનમાં માંડ 4-5 જણ દેખાતા. રિલીઝના 2-3 દિવસ બાદ અમિતાભ બચ્ચનના ઘરે મિટિંગ થઈ. શું કરવું? કોઈએ સૂચન કર્યું, જય જીવતો હોવો જોઈએ. વિધવા રાધાનું સુખી સંસારજીવનનું સપનું માંડ સાકાર થવાનું હોય છે ત્યાં જય મરી જાય… આ ન ચાલે. 1975માં જ અમિતાભની ‘દીવાર’ રિલીઝ થયેલી, એમાં પણ એ મૃત્યુ પામે છે. એટલે ‘શોલે’માં જય જીવતો જ રહેવો જોઈએ. નવો અંત શૂટ કરવાનું પ્લાનિંગ થવા માંડ્યું, પણ નિરાશ વદને રમેશ સિપ્પીએ કહ્યું, “આપણે એકાદ દિવસ રાહ જોઈએ”.
-અને ખરેખર, એક દિવસમાં જાણે ચમત્કાર થઈ ગયો. થિએટરો પ્રેક્ષકોથી ઊભરાવા માંડ્યાં. આખેઆખાં અઠવાડિયાંનાં બુકિંગ ફુલ થવા માંડ્યાં.
‘શોલે’ પાંચ વર્ષ કરતાં વધુ સમય ચાલતી રહી. ‘મિનરવા’માં 240મા અઠવાડિયે પણ એ ફુલ હાઉસ લઈ રહી હતી. એને એકમાત્ર કમ્પિટિશન હતીઃ ‘જય સંતોષી મા’. ‘દીવાર’ જાન્યુઆરીમાં રિલીઝ થઈ ગયેલી, સુપરહિટ હતી, પણ એને આઠેક મહિના વીતી ગયા હતા.
-અને વક્રતા એ કે 1975ની ફિલ્મો માટેના ‘ફિલ્મફેર એવોર્ડ્સ’માં મોટા ભાગનાં સમ્માન ‘દીવાર’ લઈ ગઈ. બેસ્ટ ફિલ્મઃ ‘દીવાર’. બેસ્ટ રાઈટરઃ સલીમ-જાવેદ (‘દીવાર’). બેસ્ટ ડિરેક્ટરઃ યશ ચોપરા (‘દીવાર’). બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ શશી કપૂર (‘દીવાર’). બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ નીરુપા રોય (‘દીવાર’). બેસ્ટ એક્ટરની કેટેગરીમાં સંજીવકુમાર બે ફિલ્મ માટે નોમિનેટ થયાઃ ‘આંધી’ અને ‘શોલે’. એવોર્ડ મળ્યો ‘આંધી’ માટે. 10 કેટેગરી માટે નોમિનેશન મેળવનારી ‘શોલે’ને માત્ર એડિટિંગનો એવોર્ડ મળ્યો (માધવરાવ શિંદે). સિનેમેટોગ્રાફીનો એવોર્ડ દ્વારકા દિવેચાને બદલે કમલ બોસને ‘ધર્માત્મા’ માટે મળ્યો. બેસ્ટ મ્યુઝિકઃ રાજેશ રોશન, ફિલ્મઃ ‘જુલી’.
કબૂલવું જોઈએ મારે કે, આમાંની અમુક માહિતી અનુપમા ચોપરાના પુસ્તક શોલેઃ ધ મેકિંગ ઓફ અ ક્લાસિકમાંથી મેળવી છે. તમારી પાસે ‘શોલે’ને લગતી કોઈ રોમાંચક માહિતી હોય તો શેર કરજો.


