Home Blog Page 670

છ કાને વાત જાય તે ખાનગી રહે નહીં

 

છ કાને વાત જાય તે ખાનગી રહે નહીં

 

મૂળ ચાણક્યએ કહેલ આ વાત છે. ચાણક્ય નીતિમાં કહ્યું છે તેમ

षट्कर्णे भिद्यते मन्त्रश्चतुष्कर्णः स्थिरोभवेत |

द्विकर्णस्य च मन्त्रस्य व्रह्माSप्यन्तं न गच्छति ||

એટલે કે જે વાત છ કાને પડે છે તેનો ભેદ શત્રુ સુધી પહોંચી જાય છે. વાત જ્યાં સુધી બે માણસ એટલે કે ચાર કાન સુધી જ મર્યાદિત રહે ત્યાં સુધી જ તે ખાનગી રહે. પણ છ અથવા વધારે કાને જે વાત પડે તે મોડા વહેલા બહાર આવી જ જતી હોય છે.

આનો સરળ ભાવાર્થ એ થાય કે જો તમે ઝાઝા માણસો વચ્ચે વાત કરો છો તો એ ગમે એટલા વિશ્વાસુ હોય ક્યાંકને ક્યાંક આ વાત બહાર આવી જશે એવું જોખમ તમે લો છો.

બીજા અર્થમાં ઝાઝા માણસોની હાજરીમાં જ્યારે વાત કરો ત્યારે એમ સમજીને ચાલો કે આ વાત મોડીવહેલી બહાર પડી જશે અને એ જો બહાર પડી જાય તો એના સંભાવિત જોખમો શું હોઇ શકે, એના સામે આગોતરી તૈયારી અથવા સાવચેતીરૂપે પાળ બાંધવી જોઈએ. કોઈ પણ વાત તમે ખાનગી રાખવા માંગતા હોવ તો એ સિદ્ધાંત ધ્યાનમાં રાખવો કે છ કાને વાત જાય એ ખાનગી રહે નહીં.

ઉપરોક્ત મંત્રમાં બીજી પંક્તિ ખૂબ જ અગત્યની છે. એનો અર્થ થાય અગર કોઈ રહસ્ય અથવા મંત્ર એક જ વ્યક્તિ સુધી સીમિત રહે તો સાક્ષાત બ્રહ્માજી પણ એનો ભરમ પામી શકતા નથી. અર્થાત આવી વાત ગુપ્ત જ રહે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

દિલીપકુમારનો બોડી ડબલ રવિ એમનો નિર્દેશક બની ગયો!

હિન્દી ફિલ્મોમાં એક અભિનેતાના બોડી ડબલ તરીકે કામ કરનાર સ્ટંટમેન રવિ દીવાન એક દિવસ એ કલાકારની ફિલ્મના એક્શન નિર્દેશક બની ગયા હતા. રવિ સહાયક ઉપરાંત સ્ટંટમેન તરીકે ફિલ્મ ‘દુનિયા’ (1984) માં કામ કરી રહ્યા હતા ત્યારે દૂરના એક દ્રશ્યમાં તે દિલીપકુમાર જેવા દેખાતા હતા. નિર્દેશક રમેશ તલવારે આ બાબત નોંધી હતી અને દિલીપકુમારનું ધ્યાન દોર્યું હતું.

રવિ અદ્દલ દિલીપકુમાર જેવા જ દેખાતા હતા. એટલું જ નહીં ચાલ અને સ્ટાઈલ પણ અપનાવી હતી. એટલે દિલીપકુમારે પોતાના બોડી ડબલ તરીકે કાયમ માટે રાખી લીધા હતા. એમની કોઈપણ ફિલ્મમાં સ્ટંટ હોય ત્યારે એક્શન નિર્દેશક રવિને બોલાવી લેતા હતા. વર્ષો પછી રવિએ ફિલ્મ ‘સૌદાગર’ (1991) માં એમના એક્શન નિર્દેશક તરીકે કામ કર્યું હતું અને નિર્દેશક બન્યા પછી બોડી ડબલ તરીકે બીજા માણસને રાખ્યો હતો. કેમકે એક વખત નિર્દેશક બન્યા પછી એવા કામ છોડી દેવા પડતાં હતા. પરંતુ ‘સૌદાગર’ પહેલાં સુભાષ ઘઈ સાથે દોસ્તી થઈ એની પાછળ એક લાંબી કહાની છે.

એક મિત્રએ રવિને ફિલ્મ ‘કિસાન’ માટે એક્શન નિર્દેશક શોધવા કહ્યું. રવિએ ફી પૂછી ત્યારે એણે ખાસ ના કહી એટલે રવિએ કહ્યું કે કોઈ કામ કરશે નહીં. એણે રવિને કહ્યું કે તું જ એક્શન નિર્દેશક બની જા. તને સહાયકની ફી ઉપરાંત પાંચ હજાર રૂપિયા મળશે. ત્યારે નિયમો હતા એટલે સ્ટંટમેન રવિએ ફિલ્મમાં બીજા એક એક્શન નિર્દેશકને તેમનું નામ આપવા માટે મનાવી લીધા. ફિલ્મમાં એક એક્શન સીકવન્સ કર્યા પછી હીરો મઝહર ખાન રવિથી બહુ પ્રભાવિત થયો હતો. મઝહરે નિર્માતા ગુલ આનંદને એની વાત કરી હતી. જ્યારે ‘જલવા’ (૧૯૮૭) બનાવવાનું નક્કી થયું ત્યારે એક એક્શન નિર્દેશકને સાઇન કરી લેવામાં આવ્યા હતા પણ મઝહર ખાને એટલી પ્રશંસા કરી હતી કે રવિને લેવાનું નક્કી કર્યું હતું.

રવિએ એક્શન નિર્દેશક તરીકે પહેલી મુખ્યધારાની પંકજ પરાશર નિર્દેશિત ‘જલવા’ નસીરુદ્દીન સાથે કરી હતી. એમાં રવિની ફાઇટના દ્રશ્યો જોઈ અનેક નિર્દેશકો સંપર્ક કરી રહ્યા હતા. એમાં નિર્દેશક મનમોહન દેસાઇ પણ હતા. એમની મિથુન ચક્રવર્તી સાથેની ફિલ્મ ‘રોજી રોટી’ માટે રવિને એક્શનનું કામ આપવામાં આવ્યું હતું. કમનસીબે એ ફિલ્મ બની જ નહીં. દરમ્યાનમાં નિર્દેશક અનિલ શર્માની ફિલ્મ ‘હૂકુમત’ (૧૯૮૭) કરી હોવાથી એમની નવી ફિલ્મ ‘એલાને જંગ’ (૧૯૮૯) માટે એક્શન નિર્દેશકનું કામ મળ્યું હતું. પરંતુ એક સપ્તાહ પછી ખબર પડી કે રવિના સ્થાને બીજા કોઈને લેવામાં આવ્યા છે. તેથી રવિ મોટી ફિલ્મ ગુમાવવાના દુ:ખમાં હતા. રવિ ત્યારે વિધુ વિનોદ ચોપડાની ‘પરિન્દા’ (૧૯૮૯) માં સહાયક ફાઇટ માસ્ટર હતા.

રવિના કામથી પ્રભાવિત થઈને એક દિવસ જેકી શ્રોફ સુભાષ ઘઈ પાસે લઈ ગયા. ઘઈએ ફિલ્મ ‘રામ લખન’ (૧૯૮૯) ના એક્શન નિર્દેશક તરીકે કામ આપી દીધું હતું. અસલમાં ‘રામ લખન’ ના એક્શન નિર્દેશક દ્વારા ફિલ્મ છોડી દેવામાં આવી હતી અને એમણે અનિલ શર્માની ‘એલાને જંગ’ સ્વીકારી હતી. રવિ દીવાનને ‘રામ લખન’ મેળવીને ‘એલાને જંગ’ ગુમાવવાનો અફસોસ રહ્યો ન હતો. પાછળથી સુભાષ ઘઈની બધી જ ફિલ્મોમાં રવિને તક મળતી રહી હતી. જેમાં દિલીપકુમારની ‘સૌદાગર’ પણ હતી.

ભાવનગર : ભદ્રેશ્વર મહાદેવ મંદિરે બાબા મહાકાલનો અદભુત શૃંગાર કરાયો

ભાવનગર : પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં શિવ ભક્તિનું ઘોડાપૂર આવ્યું છે. શિવભક્તોએ શ્રાવણ માસ દરમિયાન જુદી જુદી રીતે ભક્તિ, આરાધના, અનુષ્ઠાન કર્યા. ત્યારે ભાવનગરના ભાદ્રોડ ગામ ખાતે મહાકાલ (અઘોરી)નો શૃંગાર કરવામાં આવ્યો હતો.

શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી આ વર્ષે બાબા મહાકાલના દર્શન કરાવવાનું આયોજન કરાયું. ભાદ્રોડ ગામના ભદ્રેશ્વર મંદિર આખા શ્રાવણ માસ દરમિયાન બપોરના સમયે મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે.

આ મહાપૂજા દરમિયાન દરરોજ અલગ અલગ પ્રકારના શૃંગાર કરવામાં આવે છે. જેમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે બાબા મહાકાલનો શૃંગાર કરવામાં આવ્યો છે. જેના સમગ્ર ગામના લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પંચાંગ 19/08/2025

ગોપાલ મુખર્જીના પૌત્રએ વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ FIR નોંધાવી

ફિલ્મ ‘બંગાળ ફાઇલ્સ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. તાજેતરમાં કોલકાતામાં આયોજિત આ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હોબાળો થયો હતો. વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ અનેક એફઆઈઆર પણ નોંધાઈ છે. ગોપાલ મુખર્જીના પરિવારે પણ દિગ્દર્શક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

‘બંગાળ ફાઇલ્સ’ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. એવામાં 1946માં રમખાણો અટકાવનારા લોકપ્રિય બંગાળી યોદ્ધા ગોપાલ મુખર્જીના પૌત્ર શાંતનુ મુખર્જીએ વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તેમણે દિગ્દર્શક પર તેમના દાદાની છબી ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

બંગાળી યોદ્ધા ગોપાલ મુખર્જીના પરિવારે ફિલ્મ ‘બંગાળ ફાઇલ્સ’માં તેમની ભૂમિકા પર વાંધો ઉઠાવ્યો છે. ટ્રેલરમાં ગોપાલ મુખર્જીને ‘કસાઈ ગોપાલ પઠા’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમના પરિવારે આનો વિરોધ કર્યો છે અને દિગ્દર્શક સામે ફરિયાદ નોંધાવી છે.

ગોપાલ મુખર્જીના પૌત્ર શાંતનુનો દાવો છે કે ટ્રેલરમાં તેમના દાદાને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમના દાદા વ્યવસાયે કસાઈ નહોતા, પરંતુ એક કુસ્તીબાજ અને અનુશીલન સમિતિના વડા હતા. તેમણે રમખાણો રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ચીનની ડેમ યોજના સંકટમાં: કરોડો રૂપિયા ડૂબવાની આશંકા

નવી દિલ્હીઃ ચીનની સૌથી મોટી હાઇડ્રોપાવર મહત્ત્વાકાંક્ષા – 167 અબજ ડોલરનો યારલુન્ગ ત્સાંગપો ડેમ પ્રોજેક્ટ હવે હવામાન અને વાતાવરણનો માર સહન કરી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે હાઇડ્રોઇલેક્ટ્રિસિટી ઉત્પાદન 27.8 ટેરાવોટ-કલાક ઘટ્યું છે, જે થર્મલ (મુખ્યત્વે કોલસા આધારિત) વીજ ઉત્પાદન જેટલું જ છે. ચીને 2020 પછી હાઇડ્રો ક્ષમતા એક-તૃતીયાંશ વધારી છે, પરંતુ ઉત્પાદન માત્ર 11 ટકા જ વધી શક્યું છે. યાંગત્ઝી બેસિન, જે વિશ્વની કુલ હાઇડ્રો વીજળીનું 20 ટકા આપે છે, સતત દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. જુલાઈમાં વરસાદ સામાન્ય કરતાં 25 ટકા ઓછો રહ્યો અને છેલ્લાં છ વર્ષમાંનાં ચાર વર્ષ દુષ્કાળ જેવી સ્થિતિ રહી.

ભારત પર પણ અસર થશે

ચીનના યારલુન્ગ ત્સાંગપો (તિબેટ) પર બનતા ડેમ અને વરસાદની અછત માત્ર ચીન પૂરતી નથી, તેની સીધી અસર ભારત પર પણ થઈ શકે છે.

  1. બ્રહ્મપુત્ર નદી પર દબાણ – યારલુન્ગ ત્સાંગપો જ એ નદી છે, જે ભારતમાં આવીને બ્રહ્મપુત્ર બને છે. જો ચીન મોટા પાયે પાણી રોકે કે વાળે, તો આસામ અને અરુણાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં પાણીનો પ્રવાહ ઘટી શકે છે. દુકાળ સમય દરમિયાન આ રાજ્યોમાં ખેતી, માછીમારી અને હાઇડ્રોપાવર પર મોટી અસર પડશે.
  2. પૂર અને આફતનો ખતરો – જો ચીનના ડેમમાં પાણી ભરાઈ જતાં અચાનક છોડવામાં આવે તો બ્રહ્મપુત્ર ખીણમાં અચાનક પૂર આવી શકે છે. આ ભારત માટે પર્યાવરણીય તેમ જ સુરક્ષા જોખમ બંને બની શકે છે. આસામના પૂર પહેલેથી જ દર વર્ષે લાખો લોકોને અસર કરે છે, ડેમ મેનેજમેન્ટથી આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

ચીનની હાઇડ્રો નીતિ જૂના હવામાન અનુમાન પર આધારિત હતી. જો આ દુષ્કાળનો સિલસિલો ચાલુ રહ્યો, તો મેગા ડેમ પ્રોજેક્ટ્સનો તર્ક જ નબળો પડી જશે. આવા સંજોગોમાં ચીનને ઉનાળામાં વધતી વીજળીની માગ પૂરી કરવા માટે ફરી કોલસા પર આધાર રાખવો પડી શકે છે. એટલે કે હાઇડ્રોપાવરની નિષ્ફળતા માત્ર ચીન માટે નહીં, પરંતુ આખી દુનિયા માટે કાર્બન ઉત્સર્જનનો પડકાર બની શકે છે.

ભોપાલમાં બે મસ્જિદો દૂર કરવાના આદેશથી વિવાદ

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની બે મસ્જિદોને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. જિલ્લા પ્રશાસને આ મસ્જિદોને ગેરકાયદે ગણાવીને દૂર કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ વકફ બોર્ડ એના વિરોધમાં હાઈકોર્ટ પહોંચી ગયું છે. મુસ્લિમ સંસ્થાઓનું કહેવું છે કે મસ્જિદો વકફની મિલકત છે અને આ આદેશ પ્રભાવશાળી લોકોના લાભ માટે આપવામાં આવ્યો છે. બીજી તરફ, હિન્દુ સંસ્થાઓ તરત જ મસ્જિદો તોડી પાડવાની માગ પર છે.

શું છે આખો મામલો?

ભોપાલમાં હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, કારણ  કે ભોપાલની લાઈફલાઇન ગણાતા મોટા તળાવના વિસ્તારમાં આવેલી દિલકશ મસ્જિદ અને ભદભદા મસ્જિદ. ચોથી જુલાઈએ જિલ્લા પ્રશાસન દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં આ બંને મસ્જિદોને કબજાની જમીન પર બાંધવામાં આવેલી ગણાવી હતી. નાયબ તહેસીલદારના આદેશમાં લખેલું છે કે બંને સ્થાયી મસ્જિદો કબજો કરીને ઊભી કરવામાં આવી છે. એને તત્કાળ દૂર કરવામાં આવે નહીં તો બળજબરીથી ખસેડવામાં આવશે.

મુસ્લિમ સંસ્થાઓએ શી ચેતવણી આપી?

મુસ્લિમ સંસ્થાઓએ ચેતવણી આપતાં કહ્યું હતું કે ભોપાલની જનતા સાંભળી લે, શહેરની મસ્જિદ પર જો પગ પણ મૂક્યો છે તો આરપારની લડાઈ થશે, લાશો પરથી પસાર થવું પડશે. બીજી તરફ હિન્દુ સંસ્થાઓએ પણ ચેતવણી આપી છે કે મસ્જિદ તૂટવી જ જોઈએ એટલે તૂટવી જ જોઈએ.

જિલ્લા પ્રશાસનના આદેશ પર MP વકફ બોર્ડે વાંધો દાખવ્યો અને જણાવ્યું કે મસ્જિદો તેમની કાયદેસર મિલકત છે, તેમની પાસે એના દસ્તાવેજો પણ છે. NGT એ આ મામલે વકફ બોર્ડને પક્ષકાર બનાવ્યો હતો, પરંતુ સ્થગન આદેશ આપવાનો ઇનકાર કર્યો. તેના વિરુદ્ધ બોર્ડે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. આ માહિતી વકફ બોર્ડે મસ્જિદની દીવાલ પર નોટિસ ચોંટાડી જાહેર કરી. મસ્જિદ તોડવાના આદેશની ખબર મળતાં જ મુસ્લિમ સંસ્થાઓ વિરોધમાં ઊતરી આવી છે.

જાન્હવીનો ટ્રોલર્સને જવાબ- કહ્યું દરરોજ ‘ભારત માતા કી જય’ બોલીશ

જાહ્નવી કપૂરે મુંબઈના ઘાટકોપરમાં જન્માષ્ટમી દહીં હાંડી ઉજવણીમાં હાજરી આપી હતી, જ્યાં તેણીએ નાળિયેરથી મટકી ફોડી હતી અને ભારત માતા કી જયનો નારો લગાવ્યો હતો. આ પછી, કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી હતી. યુઝર્સે કહ્યું હતું કે જાહ્નવીએ જન્માષ્ટમીને સ્વતંત્રતા દિવસ તરીકે સમજી લીધી હતી. જાહ્નવીના ઉત્સાહિત વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા મીમ બનાવવામાં આવ્યો હતો. જાહ્નવી કપૂરે હવે આ બાબતે ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો છે.

જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર જન્માષ્ટમીનો આખો વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘આખો વીડિયો તમારા માટે છે. લોકોએ કાર્યક્રમમાં ભારત માતા કી જયનો નારા લગાવ્યા હતા, જો તેઓના નારા બાદ ના બોલુ તો સમસ્યા અને જો તમે બોલો છો તો તે વીડિયોનો ઉપયોગ મીમ મટીરીયલ તરીકે કરવામાં આવે છે. બાય ધ વે, ફક્ત જન્માષ્ટમી પર જ નહીં, હું દરરોજ ભારત માતા કી જયનો નારો લગાવીશ.’

જાહ્નવી કપૂરને ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે

આ પહેલી વાર નથી જ્યારે જાહ્નવી કપૂરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હોય. થોડા મહિના પહેલા તેણીને રેમ્પ વોક માટે પણ ટ્રોલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેણી ફિલ્મોમાં તેના અભિનય માટે ટ્રોલ થતી રહે છે. પરંતુ જાહ્નવી કપૂર પણ ઘણી વખત ટ્રોલર્સને યોગ્ય જવાબ આપે છે.

જાહ્નવીની ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે

આ દિવસોમાં જાહ્નવી કપૂર તેની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ માટે સમાચારમાં છે. આ ફિલ્મમાં, તે દક્ષિણ ભારતીય છોકરીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા હીરો તરીકે છે. ‘પરમ સુંદરી’ 29 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

IIT હૈદરાબાદે રચ્યો ઇતિહાસઃ ડ્રાઈવરલેસ ઇલેક્ટ્રિક બસ લોન્ચ

હૈદરાબાદઃ સામાન્ય રીતે તમે બસમાં મુસાફરી કરતા હો ત્યારે તે બસ ડ્રાઈવર ચલાવે છે અને પોતાની રીતે સ્પીડ ઓછી-વત્તી કરે છે કે બ્રેક લગાવે છે, પરંતુ કલ્પના કરો કે તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમને એવી બસ મળે કે જે ડ્રાઈવર વગર ચાલે – કદાચ એ બસમાં બેસવા વિશે તમે વિચારતા પણ નહીં હો, પરંતુ આવો કમાલ IIT હૈદરાબાદે કરી બતાવ્યો છે.

દેશની પહેલી AI-પાવર્ડ ડ્રાઈવરલેસ ઇલેક્ટ્રિક બસ IIT હૈદરાબાદ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ઓટોનોમસ શટલ્સને ટેક્નોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન (TiHAN) દ્વારા વિકસાવવામાં આવી છે. દેશના સ્માર્ટ અને ટકાઉ પરિવહનની દિશામાં આ એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. પ્રોફેસર પી. રાજલક્ષ્મીના નેતૃત્વ હેઠળની ટીમે અત્યાર સુધી આ બસમાં 10,000થી વધુ મુસાફરોને મુસાફરી કરાવી છે અને લગભગ 90 ટકા સંતોષ દર હાંસલ કર્યો છે.

કેવી રીતે કામ કરે છે આ બસો?

ડ્રાઈવરલેસ શટલ્સ હાલ બે વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે – પહેલી 6-સીટર અને બીજી 14-સીટર ઇલેક્ટ્રિક મોડલ. તેમાં અદ્યતન ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમ કે

Autonomous Emergency Braking (AEB): અચાનક સામે આવતી અડચણોને ઓળખીને તરત જ બ્રેક લગાવે છે. Adaptive Cruise Control (ACC): સલામત અંતર જાળવીને ટ્રાફિક અનુસાર સ્પીડ એડજસ્ટ કરે છે.

આ સ્માર્ટ બસો ડ્રાઈવર વગર પણ મુશ્કેલ રસ્તાઓ પર સરળતાથી ચાલી શકે છે અને રિયલ-ટાઈમમાં અવરોધોને ઓળખીને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. સૌથી મોટી સિદ્ધિ એ છે કે આ ટેક્નોલોજીએ Technology Readiness Level 9 (TRL-9) હાંસલ કરી લીધું છે, જે સાબિત કરે છે કે ભારતીય રસ્તાઓ પર વાસ્તવિક પરિસ્થિતિમાં પણ આ સંપૂર્ણ રીતે અસરકારક અને વિશ્વસનીય છે.

અમદાવાદમાં અમરનાથ દર્શન..

પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તિનું ચારેય તરફ મંદિર મહાદેવમાં ઘોડાપૂર આવ્યું. શિવભક્તોએ આખાય શ્રાવણ મહિના દરમિયાન જુદી જુદી રીતે ભક્તિ, આરાધના, અનુષ્ઠાન કર્યા. અમદાવાદના ત્રાગડ ગામના મંડળે આબેહુબ અમરનાથ મહાદેવ બરફથી તૈયાર કરી ભક્તોને દર્શન કરાવ્યા.

શહેરના ત્રાગડ વિસ્તારમાં નિરમા યુનિવર્સિટી રોડ, લલિતા ગોવિંદ ઉદ્યાનની સામે આવેલા બહુચર માતાના મંદિરના સંકુલમાં ભવ્ય અમરનાથ ધામ ઉભું કર્યું. શિવભક્ત જેન્સી પટેલ ચિત્રલેખા.કોમને કહે છે “શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી આ વર્ષે બહુચરાજી મંદિરના સંકુલમાં બરફના અમરનાથ દર્શન કરાવવાનું આયોજન કરાયું.”

એ કહે છે, “આબેહુબ બરફના અમરનાથના દર્શન કરાવવા સફેદ બરફની સાથે  રંગીન બરફની પાટોનો ઉપયોગ કર્યો. ગુફા તૈયાર કરી, બરફની જાળવણી માટે 200 કિલો મીઠાનો ઉપયોગ કર્યો. પરિસરની અનુભુતિ માટે લોખંડની પાઇપો સાથે રેલિંગ ઉભી કરી. સાડા ચાર ફૂટ ઉંચા બરફના શિવલિંગને ત્રિનેત્ર, ચંદ્ર, ઓમથી શણગારવામાં આવ્યું. રંગબેરંગી શણગારની સાથે ભગવાન શિવજીનું ચાંદીનું મુખારવિંદ પણ મુકવામાં આવ્યું છે.”

વધુમાં ઉમેરે છે કે “છેલ્લો સોમવાર હોવાથી  બરફના અમરનાથના દર્શન શિવભક્તો રાત્રે 9-00 વાગ્યા સુધી કરી શકશે.”

(પ્રજ્ઞેશ વ્યાસ)