Home Blog Page 633

15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રમાં પાંચ વિધેયક રજૂ કરાશે

ગાંધીનગર: ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. જેના અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 8મી સપ્ટેમ્બરના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે. ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત પાંચ વિધેયક રજૂ કરાશે.વધુમાં તેમણે જણાવ્યું કે, પાંચ વિધેયકમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, ૨૦૨૫’, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક’, ૨૦૨૫ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫’ અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે.વધુમાં, પ્રવક્તા મંત્રીએ કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (GGST Act) ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણીઃ NDAમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી?

પટના: બિહાર વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોમાં બેઠક વહેંચણીને લઈને મથામણનો દોર તેજ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર NDAમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. NDAમાં પાંચ પક્ષો છે – જેમાં ભાજપ અને JDU ઉપરાંત ચિરાગ પાસવાનની પાર્ટી, જીતન રામ માંઝીની પાર્ટી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી સામેલ છે. આ પાંચેય વચ્ચે બેઠકોનું વહેંચણી નક્કી થઈ જવાનું ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી વધુ બેઠકો પર નીતીશકુમારની પાર્ટી JDU લડશે. બિહારની કુલ 243 બેઠકોમાંથી JDUને 102 બેઠકો આપવામાં આવી છે. બીજા નંબરે પર ભાજપ છે, જે આ વખતે 101 બેઠકો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને 20 બેઠકો આપવામાં આવી છે. જ્યારે જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને 10-10 બેઠકો મળશે.

એકાદ-બે બેઠકો ઉપર-નીચે થઈ શકે છે. જોકે આ આંકડા અંગે હજી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બેઠક વહેંચણી અંગે બહુ જલદી જાહેરાત થશે, તે પણ નક્કી છે. એટલે કે બિહારમાં NDA ગઠબંધનની બેઠક વહેંચણીની તસવીર હવે લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. પરંતુ કઈ પાર્ટી કઈ બેઠક પરથી લડશે તેની ચર્ચા હજુ આગળ થશે.

JDUને વધુ બેઠકો આપીને આ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે નીતીશકુમારના નેતૃત્વમાં જ NDA ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે.હકીકતમાં, લોજપા (આર)ની સ્થિતિ ઘણી મજબૂત થઈ છે. એટલા માટે લોકસભાની જીતના સમીકરણ મુજબ લોજપા (આર)ને 30થી 35 બેઠકો મળવી જોઈએ, પરંતુ સાથે-સાથે NDAના વ્યૂહરચનાકારોને ગઠબંધનના બીજા સાથી પક્ષોને પણ એડજસ્ટ કરવાના છે. આ હિસાબે JDU, ભાજપ અને લોજપા (આર)એ પોતાની બેઠકોમાં કાપ મૂકીને અન્ય સાથી પક્ષોને એડજસ્ટ કરવાની વ્યૂહરચના પર કામ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોજપા (આર)નું અડગ રહેવું NDAના રાજકારણને નુકસાન પહોંચાડી શકે છે.

શાહબાઝ શરીફની ફરી એકવાર મજાક ઉડી, પુતિન પણ હસી પડ્યા

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર પોતાનું અપમાન કર્યું. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે ત્રણ વખત પહેલા જેવી જ ભૂલનું પુનરાવર્તન કર્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

બેઇજિંગમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની બેઠક દરમિયાન શાહબાઝ શરીફ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. જ્યારે તેઓ વાતચીત માટે બેઠા હતા, ત્યારે તેઓ ફરી એકવાર તેમના ઇયરફોન સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, જ્યારે રશિયન નેતા તેમને હાથના ઈશારાથી ઇયરફોન કેવી રીતે લગાવવા તે શીખવી રહ્યા હતા.

પુતિન પણ પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં

વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે શરીફનો હેડસેટ કાનમાં મૂકવાનો પ્રયાસ કરવા છતાં લપસી ગયો અને પડી ગયો. પુતિન થોડીક સેકન્ડો સુધી શરીફને સંઘર્ષ કરતા જોતા રહ્યા અને હસવા લાગ્યા. વૈશ્વિક મંચ પર શરમથી બચવા માટે, રશિયન નેતાએ પાકિસ્તાની રાષ્ટ્રપતિને ઇયરફોન ઉપાડીને તેને કેવી રીતે લગાવવો તે બતાવ્યું.

 

PM મોદીને 111મી ગાળઃ શું વિરોધ પક્ષોને પડશે ભારે?

નવી દિલ્હીઃ કોંગ્રેસ-RJDના મંચ પરથી સ્વર્ગસ્થ માતા માટે અત્યંત અભદ્ર શબ્દો અને ગાળોઓને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં મહિલાઓને સંબોધતા ભાવુક થયા હતા. તેમણે ભોજપુરીમાં કહ્યું હતું કે બિહારમાં ‘માઈ’નું સ્થાન દેવતા-પિતૃઓ કરતાં પણ ઊંચું હોય છે. તેમણે કહ્યું હતું કે આ માત્ર તેમની માતાનું નહીં, પરંતુ દેશની દરેક માતા-બહેન અને દીકરીનું અપમાન છે. તેમનું આ સંબોધન સાંભળીને રાજ્ય ભાજપાધ્યક્ષ દિલીપ જયસ્વાલની આંખોમાં આંસુ આવી ગયા હતા.

રાજ્યભરમાં મહિલા ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને ચોથી સપ્ટેમ્બરે NDAએ બિહાર બંધનું આહવાન કર્યું છે.વિરોધ પક્ષના અપશબ્દોની લાંબી યાદી

PM મોદી વિષે વિરોધ પક્ષે બોલેલા અપશબ્દોની લાંબી યાદી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભાજપાધ્યક્ષ જે.પી. નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને આ બધું વિગતવાર જણાવ્યું હતું. નડ્ડાએ લખ્યું કે કોંગ્રેસના નેતાઓએ પીએમ માટે 100થી વધુ વખત અપશબ્દો, ગાળો અને અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. ક્યારેક “મોદી તારી કબર ખૂદશે”, “નીચ”, “કમિના”, “મોતનો સોદાગર”, “ઝેરીલો સાપ”, “બિચ્છુ”, “ચૂહો”, “રાવણ”, “ભસ્માસુર”, “નાલાયક”, “કૂતરાના મોતે મરશે”, “મોદીને જમીનમાં દાટી દઈશું”, “રાક્ષસ”, “દુષ્ટ”, “કાતિલ”, “હિંદુ જિન્ના”, “જનરલ ડાયર”, “જેબકતરો”, “ગંદી નાળી”, “કાળો અંગ્રેજ”, “કાયર”, “ઔરંગઝેબનો આધુનિક અવતાર”, “દુર્યોધન”, “હિંદુ આતંકવાદી”, “ગધેડો”, “નામર્દ”, “ચોકીદાર ચોર છે”, “તુઘલક”, “મોદીની બોટી-બોટી કરી દઈશું”, “સાલો મોદી”, “નમક હરામ”, “ગંવાર”, “નિકમ્મો” જેવા શબ્દો વપરાયા હતા.

કોંગ્રેસ નેતાને ‘ચાવાળો’ કહેવું પડ્યું ભારે

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે “ચાવાળો” કહીને મોદીની મજાક ઉડાવી હતી. મોદીએ તેનો પ્રચારમાં જબરદસ્ત ઉપયોગ કર્યો અને ભાજપે ઘણાં સ્થળોએ ચાવાળાઓનું સન્માન કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યો. જ્યારે મોદીને “નીચ” શબ્દ કહેવામાં આવ્યો ત્યારે તેમણે બતાવ્યું કે કેવી રીતે એક ઓબીસી વર્ગમાંથી આવેલા ગરીબ માતાના પુત્રનો અપમાન થયો છે. આ પણ કોંગ્રેસને ભારે પડ્યું. ઇતિહાસ સાક્ષી છે કે આવો દરેક હુમલો કોંગ્રેસ પર જ ભારે પડ્યો છે.

હવે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને “વોટ ચોર” કહેવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં મતદાર યાદીના વિશેષ પુનરીક્ષણ અભિયાનને લઈને ‘વોટ અધિકાર યાત્રા’ કાઢી છે. આ વચ્ચે ભાજપને પીએમ મોદીની સ્વર્ગસ્થ માતાને ગાળવાનો મુદ્દો હાથ લાગ્યો છે. પીએમ મોદીએ હંમેશાની જેમ આને પણ હથિયાર બનાવ્યું છે.

“AI નજરે અંબાજી: અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી”

પાલનપુર: વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે દૂર-દૂરથી પગપાળા આવે છે. યાત્રિકોની સુરક્ષા, સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વોને ડામવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલન-ચલન, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે. સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્વના સ્થળો પર CCTV કેમેરાથી લાઇવ મોનીટરિંગ થાય છે. કોઈ પણ પ્રકારની અણધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે.બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, CCTV સર્વેલન્સ સાથે AI ટેક્નોલોજીનો સમન્વય સાધી મેળામાં યાત્રિકોને સલામતિ અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોમાંથી મેળવેલ ગુનેગારોના ચહેરા ઓળખી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત એક સમયે મંદિરમાં કેટલાં લોકોએ દર્શન કર્યા તેનો અંદાજ મેળવી ભીડને નિયંત્રણ કરી શકાય છે.

“શો માય પાર્કિંગ” એપ દ્વારા પાર્કિંગ નિયોજન કરવામાં આવે છે. આમ મેળામાં આધુનિક ટેક્નોલોજી અને AIના સમન્વયથી પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક માઇભકતો માટે નિષ્ઠાપૂર્વક ખડેપગે સેવા બજાવી રહી છે. પોલીસ અધિક્ષકએ કહ્યું કે “યાત્રિકોની જાનમાલની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ટેક્નોલોજીનો આ ઉપયોગ ભક્તોની સલામતિને વધુ મજબૂત બનાવશે.”અંબાજી મંદિર ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુરક્ષાના અન્ય ઉપકરણો જોઈએ તો પીપલ કાઉટીંગ કેમેરા – ૧૨, AI કેમેરા – ૧૨, સોલાર બેઝ AL કેમેરા – ૨૦, બોડી વોર્ન કેમેરા – ૯૦, પોલીસ વ્હીકલ માઉટીંગ કેમેરા, ક્રાઉડ મેનેજમેન્ટ સીસ્ટમ વિથ માઈક્રો ફોન સ્પીકર તેમજ હંગામી તમામ પાર્કિંગ કેમેરાની ફીડ GPYVB દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં આપવામાં આવે છે, જેના દ્વારા મેળામાં કોઇપણ અસામાજિક કે ગુનાહિત પ્રવૃતિ પર બાઝ નજર રાખી તેને ડામી શકાય છે.

વરસાદને કારણે હિમાચલ પ્રદેશ સરકારનો મોટો નિર્ણય

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હિમાચલમાં થયેલા વિનાશને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ 7 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થશે. રાજ્ય શિક્ષણ વિભાગે વર્તમાન હવામાન પરિસ્થિતિઓ વચ્ચે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સમયમાં મંડી, ઉના, બિલાસપુર, સિરમૌર અને સોલન જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. આને ધ્યાનમાં રાખીને, હિમાચલ સરકારે સાવચેતીના પગલાં લીધા છે અને 7 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરી છે.

સસ્પેન્શનના એક દિવસ પછી કે. કવિતાએ છોડી BRS

હૈદરાબાદઃ BRS દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા પછીના એક દિવસમાં KCRની પુત્રી કે. કવિતાએ MLC પદેથી રાજીનામું આપી દીધું અને પાર્ટી છોડી દીધી. પિતા અને ભાઈ સાથેના સંબંધોને લગતા સવાલ પર કે. કવિતાએ હૈદરાબાદમાં કહ્યું હતું કે આલોચકો ઈચ્છે છે કે અમારું કુટુંબ તૂટી જાય.

તેમણે પોતાના સસ્પેન્ડને સંપૂર્ણ BRSને નિયંત્રિત કરવાની કાવતરાનો ભાગ ગણાવ્યો અને પિતાને આસપાસ થઈ રહેલી પ્રવૃત્તિઓ પર નજર રાખવા કહ્યું હતું. કે. કવિતાએ એ પણ જણાવ્યું કે તિહાર જેલમાંથી છૂટ્યા બાદથી તેઓ વિવિધ મુદ્દાઓ માટે લડી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે જ્યારે મારા વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અભિયાન ચલાવવામાં આવ્યું ત્યારે ભાઈ રામા રાવે મને ટેકો નહોતો આપ્યો.

ભાઈ રામા રાવને ચેતવણી

કે. કવિતાએ સગા હરિશ રાવ અને સંતોષ સામે તીવ્ર હુમલો કરતાં ભાઈ રામા રાવને ચેતવણી આપી હતી કે તેઓ તેમના શુભચિંતક નથી. હરીશ રાવ અને સંતોષ રાવના ભ્રષ્ટાચારને કારણે KCR વિરુદ્ધ CBI તપાસ ચાલી રહી છે, તેઓ વિશ્વાસ કરવા યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે હરીશ અને અન્ય લોકો કોંગ્રેસ–BJP સાથે મળી કામ કરી રહ્યા છે અને BRSને નુકસાન પહોંચાડી રહ્યા છે.

કોંગ્રેસ સરકારે અગાઉની BRS સરકાર દરમિયાન બનેલી કાળેશ્વરમ યોજનામાં થયેલી ગેરરીતિઓની CBI તપાસની જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં કવિતાએ સોમવારે કહ્યું હતું કે KCRના કેટલાક નજીકના લોકોએ તેમના નામનો ઉપયોગ કરીને અનેક રીતે લાભ લીધો છે અને તેમનાં ખોટાં કાર્યોને કારણે તેમને બદનામ કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કાળેશ્વરમ પ્રોજેક્ટ મામલે KCR પર ભ્રષ્ટાચારનો ડાઘ લાગવા માટે હરીશ રાવ અને સંતોષ કુમાર જવાબદાર છે. કવિતાએ દાવો કર્યો કે હરિશ રાવ અને સંતોષ કુમાર પાછળ CM એ. રેવન્ત રેડ્ડીનો હાથ છે.

KCR કુટુંબે જાહેર નાણાંની લૂંટ કરીઃ  કોંગ્રેસ

કવિતાના સસ્પેન્ડ પર પ્રદેશકોંગ્રેસ પ્રમુખ બોમ્મા મહેશ કુમાર ગૌડે આક્ષેપ કર્યો કે સમગ્ર KCR કુટુંબે જાહેર નાણાંની લૂંટ કરી છે.

ઓગસ્ટમાં સૌપ્રથમ વાર UPIના વ્યવહારો રૂ. 20 અબજને પાર

નવી દિલ્હીઃ ઈતિહાસમાં સૌપ્રથમવાર યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસે (UPIએ) ઓગસ્ટમાં રૂ. 20 અબજ વ્યવહારો પાર કર્યા છે. ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા 20.01 અબજ સુધી પહોંચી છે, જે ગયા મહિને જુલાઈના 19.47 અબજ આંકડા કરતાં 2.8 ટકા વૃદ્ધિ દર્શાવે છે. વાર્ષિક આધારે આ 34 ટકા વૃદ્ધિ છે, એમ ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (NPCI) દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા જણાવે છે.

ઓગસ્ટમાં મૂલ્યના સંદર્ભમાં UPI દ્વારા 24.85 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા, જે ગયા વર્ષની તુલનામાં 24 ટકા વધુ છે. આ ઉપરાંત, NPCI ના આંકડા મુજબ સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન સંખ્યા વધીને 64.5 કરોડ થઈ ગઈ, જ્યારે જુલાઈમાં તે 62.8 કરોડ હતી. જોકે ઓગસ્ટમાં સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન મૂલ્ય 80,177 કરોડ રૂપિયા રહ્યું, જે જુલાઈમાં 80,919 કરોડ રૂપિયા હતું. UPIએ આ પહેલાં બીજી ઓગસ્ટે એક જ દિવસે 70 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સિદ્ધિ છેલ્લા કેટલાક મહિનામાં સતત થયેલી વૃદ્ધિ પછી પ્રાપ્ત થઈ છે. ખાસ વાત એ છે કે ઓગસ્ટમાં આ ઉછાળો રિયલ મની ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ હોવા છતાં જોવા મળ્યો હતો.

જૂનમાં, UPIથી 24.04 લાખ કરોડ રૂપિયાના 18.40 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. તે પછીના મહિને તેમાં 5.8 ટકાની તેજ વૃદ્ધિ થઈ અને તે 19.47 અબજ ટ્રાન્ઝેક્શન સુધી પહોંચી ગયો, જેથી વ્યવહારનું મૂલ્ય 25.08 લાખ કરોડ રૂપિયા થયું હતું. SBI રિસર્ચના તાજા આંકડા મુજબ માત્ર જુલાઈમાં જ 9.8 ટકાની હિસ્સેદારી સાથે મહારાષ્ટ્ર ડિજિટલ ચુકવણીમાં સતત અગ્રણી રહ્યું હતું, ત્યાર બાદ કર્ણાટક 5.5 ટકા હિસ્સેદારી સાથે અને ઉત્તર પ્રદેશ 5.3 ટકા સાથે રહ્યાં હતાં.

શિલ્પા શેટ્ટીએ મુંબઈમાં તેની ફેમસ રેસ્ટોરન્ટ બેસ્ટિયન કરશે બંધ, શા માટે?

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા હાલમાં 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના વિવાદમાં છે. તેમના પર 2015 થી 2023 દરમિયાન લોન-કમ-રોકાણ સોદામાં 60 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ છે. આ વિવાદ વચ્ચે શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત કરી છે કે તેનું મુંબઈ સ્થિત રેસ્ટોરન્ટ ‘બેસ્ટિયન બાંદ્રા’ હવે બંધ થઈ રહ્યું છે.

શિલ્પા શેટ્ટીએ રેસ્ટોરન્ટ બંધ કરવાનું કારણ જણાવ્યું નથી. અભિનેત્રીએ એક ભાવનાત્મક નોંધ લખી અને કહ્યું કે ગુરુવાર રેસ્ટોરન્ટનો છેલ્લો કાર્યકારી દિવસ હશે. શિલ્પા શેટ્ટીએ બેસ્ટિયન બાંદ્રા વિશે પોસ્ટ કરી છે, જે તમને ભાવુક કરી દેશે.

શિલ્પાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, ‘આ ગુરુવારે એક યુગનો અંત આવ્યો છે કારણ કે આપણે મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત સ્થળોમાંના એક, બેસ્ટિયન બાંદ્રાને વિદાય આપી રહ્યા છીએ. એક એવી જગ્યા જેણે આપણને અસંખ્ય યાદો, અવિસ્મરણીય રાતો આપી છે. તેણે આપણને એવી ક્ષણો આપી છે જેણે શહેરની નાઇટલાઇફને આકાર આપ્યો છે, તે હવે અંતિમ વિદાય આપી રહી છે.’

શિલ્પા શેટ્ટીએ ઉમેર્યું,’આ સુપ્રસિદ્ધ સ્થળને શ્રદ્ધાંજલિ આપવા માટે, અમે અમારા નજીકના જીવનસાથી માટે એક ખૂબ જ ખાસ સાંજનું આયોજન કરી રહ્યા છીએ – એક રાત જે નોસ્ટાલ્જીયા, ઉર્જા અને જાદુથી ભરેલી છે, જેમાં બેસ્ટિયન જે કંઈ પણ છે તેની ઉજવણી કરવામાં આવશે. બેસ્ટિયન બાંદ્રાને વિદાય આપી રહ્યા છીએ, તે દરમિયાન, ગુરુવાર રાત્રિના ધાર્મિક રહસ્યમય પ્રસંગ આવતા અઠવાડિયે બેસ્ટિયન એટ ધ ટોપ ખાતે ચાલુ રહેશે, જે વારસાને નવા અનુભવો સાથે એક નવા અધ્યાયમાં આગળ લઈ જશે.’

શિલ્પા શેટ્ટી અને રેસ્ટોરન્ટ માલિક રણજીત બિન્દ્રાની સહ-માલિકીવાળી આ રેસ્ટોરન્ટ 2016 માં ખોલવામાં આવી હતી. બાદમાં, તેને 2023 માં બાંદ્રા ખસેડવામાં આવી હતી. આ સુંદર રેસ્ટોરન્ટ ફક્ત તેના સ્વાદ માટે જ નહીં પરંતુ તેની કલાત્મક સજાવટ માટે પણ જાણીતું છે.

IANS ના એક અહેવાલ મુજબ, મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ દીપક કોઠારી, જે હાલમાં બંધ થઈ ગયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા છે, તેમણે સેલિબ્રિટી કપલ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. તેમનો દાવો છે કે આ દંપતીએ 2015 થી 2023 ની વચ્ચે વ્યાજ અને રોકાણ યોજનાઓમાં 60 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. વધુમાં, એક પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર દીપકે આરોપ લગાવ્યો હતો કે તેમણે વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આપેલા પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ માટે કરવામાં આવ્યો હતો.

આસ્થાનું અનોખું કેન્દ્ર ગણપતપુરાનું આ મંદિર

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું ભગવાન ગણેશજીનું મંદિર ખૂબ જ પ્રસિધ્ધ છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ 4ના રવિવારના રોજ હાથેલમાંથી જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિ પ્રગટ થઇ હતી. આ મૂર્તિના પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ અને કેડમાં કંદોરો પણ હતા.

લોકવાયકા પ્રમાણે એ સમયે નજીકના ગામ કોઠ, રોજકા, વણકુટાના આગેવાનોમાં ગણપતિ દાદાની મૂર્તિને લઇને વિખવાદ શરૂ થયો. એ પછી નક્કી થયું દાદાની ઇચ્છા હશે ત્યાં સ્થાપિત થશે એટલે મૂર્તિ ગાડામાં ચડાવાઇ અને વગર બળદે ગાડુ ચાલ્યું. થોડેક દૂર ગણપતિપુરાના ટેકરે જઇને ઉભું રહ્યું એટલે એક ભરવાડના હાથે આ સ્થળે મૂર્તિ ઉતારવામાં આવી. એ સમયથી આ સ્થળનું નામ ગણપતપુરા પડ્યું હતું.

ગણપતપુરાના મંદિરની કેટલીક ઐતિહાસિક બાબતો લીલાપુરવાળા ભરવાડના બારોટ જીલુભાઇ મોહનભાઇના ચોપડે પણ મળી આવી હતી. ગણપતપુરાના ભગવાન ગણેશજીની આ મૂર્તિ અતિ વિશિષ્ટ છે. બાપ્પાની મૂર્તિ જમણી તરફની સુંઢ ધરાવે છે. અમદાવાદથી 60 કિલોમિટરના અંતરે આવેલું આ મંદિર આસ્થાનું અનોખું કેન્દ્ર છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)