Home Blog Page 634

આસ્થાનું અનોખું કેન્દ્ર ગણપતપુરાનું આ મંદિર

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું ભગવાન ગણેશજીનું મંદિર ખૂબ જ પ્રસિધ્ધ છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ 4ના રવિવારના રોજ હાથેલમાંથી જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિ પ્રગટ થઇ હતી. આ મૂર્તિના પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ અને કેડમાં કંદોરો પણ હતા.

લોકવાયકા પ્રમાણે એ સમયે નજીકના ગામ કોઠ, રોજકા, વણકુટાના આગેવાનોમાં ગણપતિ દાદાની મૂર્તિને લઇને વિખવાદ શરૂ થયો. એ પછી નક્કી થયું દાદાની ઇચ્છા હશે ત્યાં સ્થાપિત થશે એટલે મૂર્તિ ગાડામાં ચડાવાઇ અને વગર બળદે ગાડુ ચાલ્યું. થોડેક દૂર ગણપતિપુરાના ટેકરે જઇને ઉભું રહ્યું એટલે એક ભરવાડના હાથે આ સ્થળે મૂર્તિ ઉતારવામાં આવી. એ સમયથી આ સ્થળનું નામ ગણપતપુરા પડ્યું હતું.

ગણપતપુરાના મંદિરની કેટલીક ઐતિહાસિક બાબતો લીલાપુરવાળા ભરવાડના બારોટ જીલુભાઇ મોહનભાઇના ચોપડે પણ મળી આવી હતી. ગણપતપુરાના ભગવાન ગણેશજીની આ મૂર્તિ અતિ વિશિષ્ટ છે. બાપ્પાની મૂર્તિ જમણી તરફની સુંઢ ધરાવે છે. અમદાવાદથી 60 કિલોમિટરના અંતરે આવેલું આ મંદિર આસ્થાનું અનોખું કેન્દ્ર છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

GST કાઉન્સિલની બેઠક: આમ આદમીને મળશે મોટી રાહત

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 56મી બેઠક યોજાશે, જે ચોથી સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં ચાલશે, તેમાં GST સુધારાઓ પર ચર્ચા થશે, જેમાં ટેક્સ દર ઘટાડવો, કોપ્લાયન્સને સરળ બનાવવું અને સ્ટ્રક્ચરલ સુધારા સામેલ છે. આ બેઠકમાં હોમ એપ્લાયન્સ જેમ કે AC, ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવાં પ્રોડક્ટ્સના GST દરોમાં ઘટાડો થવાની શક્યતા છે. જેથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

બે મુખ્ય દર પર થશે ચર્ચા

GST કાઉન્સિલ માત્ર બે મુખ્ય દરો, પાંચ ટકા અને 18 ટકા રાખવા પર વિચાર કરી રહી છે. હાલના 12 ટકા અને 28 ટકાના દરો ખતમ થવાની શક્યતા છે. સિન, લક્ઝરી અને ડિમેરિટ ગુડ્સ પર 40 ટકા સુધી ટેક્સ લગાડવાનો પ્રસ્તાવ છે, જેમાં વધારાની ડ્યૂટી પણ લાગી શકે છે.

સિટી યુનિયન બેંકના 120મા ફાઉન્ડેશન ડે પર સીતારામને કહ્યું હતું કે GST સુધારાઓનો હેતુ અર્થતંત્રને સંપૂર્ણ ખુલ્લું અને પારદર્શક બનાવવાનો છે અને નાના બિઝનેસ માટે કોપ્લાયન્સનો ભાર ઘટાડવાનો છે. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ નેક્સ્ટ-જનરેશન સુધારા માટે ટાસ્ક ફોર્સ બનાવી છે, જે સ્ટાર્ટઅપ્સ, MSME અને ઉદ્યોગ સાહસિકો માટે સરળ ઇકોસિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

 નિર્મલા સીતારામને શું કહ્યું?

તેમણે કહ્યું હતું કે નેક્સ્ટ-જન GST સુધારાઓનો પ્લાન નાના બિઝનેસનો ભાર ઘટાડશે અને તેમને આગળ વધારવા માટે સરળ વાતાવરણ આપશે. તેમણે બેંકોની ભૂમિકા પર પણ ભાર મૂક્યો, ખાસ કરીને વિકસિત ભારત 2047ના વિઝનમાં ક્રેડિટ વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, MSME અને ગરીબોને સમયસર ફંડિંગ આપવા મામલે.

NPV એન્ડ એસોસિયેટ્સના બૃજેશ ગાંધીના જણાવ્યા મુજબ, ટૂથપેસ્ટ, છત્રી, સિલાઈ મશીન અને નાની વોશિંગ મશીન 5 ટકા મેરિટ સ્લેબમાં આવશે. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ, એસી, ટીવી, નાની કાર અને ટૂ-વ્હીલર્સ 28 ટકામાંથી 18 ટકા સ્લેબમાં જશે. જેથી ટેક્સનો ભાર 10 ટકા સુધી ઘટશે અને ફેસ્ટિવ સીઝન પહેલા ભાવો ઘટી શકે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે આ વખતે બેઠકમાં લેવાયેલા નિર્ણયો સીધા સામાન્ય માણસની ખિસ્સા અને ઇન્ડસ્ટ્રીના કોસ્ટ સ્ટ્રક્ચરને અસર કરશે. GSTના દરોમાં મોટો ઘટાડો જ્યાં સામાન્ય ગ્રાહકોને મોટી રાહત આપશે, ત્યાં ઇન્શ્યોરન્સ અને હેલ્થ સેક્ટરને પણ પ્રોત્સાહન મળી શકે છે.

અભિનેત્રી શેફાલીના નિધન બાદ પરાગે ભર્યુ આ પગલું

અભિનેત્રી શેફાલી જરીવાલાના નિધન બાદ પરાગ ત્યાગીએ તેણીનું અધૂરું સપનું પૂરુ કર્યુ છે. પરાગ ત્યાગીએ તેની સ્વર્ગસ્થ પત્ની શેફાલી જરીવાલાની યાદમાં શેફાલી જરીવાલા રાઇઝ ફાઉન્ડેશન નામની એક NGO શરૂ કરી છે. પરાગે આ માહિતી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો દ્વારા શેર કરી છે.

શેફાલી જરીવાલાનું 27 જૂન, 2025 ના રોજ 42 વર્ષની વયે અવસાન થયું. તેણીના નિધન પછી, પરાગ તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે આ પગલું ભરી રહ્યા છે. પરાગે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે શેફાલીની યુટ્યુબ ચેનલમાંથી થતી કમાણી આ NGO ને જશે. આ NGO ગરીબ બાળકોના શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Pari aur Simba ke Papa (@paragtyagi)


પરાગે વીડિયોમાં કહ્યું કે શેફાલીનું સ્વપ્ન જરૂરિયાતમંદોને મદદ કરવા માટે એક NGO શરૂ કરવાનું હતું. તેણે કેપ્શનમાં લખ્યું,’પરીની ચેનલ ટૂંક સમયમાં YouTube પર આવશે. મારું Instagram અને YouTube શેફાલી અને તેના ફાઉન્ડેશનને સમર્પિત છે. આમાંથી થતી કમાણી ફાઉન્ડેશનને જશે. અમને તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે જેથી અમે તેનું સ્વપ્ન પૂર્ણ કરી શકીએ.’

શેફાલીના નિધનને ઘણો સમય વિતી ગયો પણ હજુ સુધી ચાહકો અને સેલેબ્સ આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. શેફાલી બિગ બોસ 13 માં જોવા મળી હતી અને દરેક તેને યાદ કરી રહ્યું છે. એક ચાહકે લખ્યું, ‘તમારા અવાજમાં ખૂબ પીડા છે, કોઈ આટલો બધો પ્રેમ કેવી રીતે કરી શકે, શેફાલી મેડમ, તે જ્યાં પણ હોય, તે તમને જોઈ રહી હશે, બસ ખુશ હો’, બીજા ચાહકે લખ્યું, ‘પ્રેમ શાશ્વત છે, કોઈની ગેરહાજરીમાં પ્રેમ કરવો એ સાચો પ્રેમ છે અને તમે તેને સાબિત કરો છો’, બીજા ચાહકે લખ્યું,’તમને હંમેશા શક્તિ મળે’, બીજા ચાહકે લખ્યું,’તમે મને રડાવી દીધો, સાચો પ્રેમ’, બીજા ચાહકે લખ્યું, ‘મિસ યુ પરી દીદી, પરાગ ભાઈ તમારું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે, આપણે બધા સાથે છીએ ભાઈ’, બીજા ચાહકે લખ્યું, ‘તમે ખૂબ સારું કરી રહ્યા છો સર.’

પંજાબના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેરઃ  3.5 લાખ લોકો અસરગ્રસ્ત

ચંડીગઢઃ પંજાબ સરકારે મંગળવારે તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કર્યા છે. એ સાથે જ જણાવ્યું હતું કે પૂરથી અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત થયા છે અને 3.5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. રાજ્યના ડેમોનાં જળાશયો હજુ પણ પૂરતા ભરેલા છે, જ્યારે નદીઓ ખતરાના નિશાન પર વહી રહી છે, જેને કારણે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને CM ભગવંત માને અલગ-અલગ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. માને નાવ દ્વારા ફિરોઝપુરના પૂરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો. કટારિયાએ ફિરોઝપુર અને તરણતારનના ગંભીર રીતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.માને કેન્દ્ર પાસે પંજાબના 60,000 કરોડ રૂપિયાના બાકી ફંડને રિલીઝ કરવાની ફરીથી માગ કરતાં કહ્યું હતું કે તેઓ પૂરના સંદર્ભમાં રાજ્યના હકોની માંગ કરી રહ્યા છે, ભીખ નહિ. કટારિયાએ સ્થાનિક ખેડૂતોની જમીન પર કાયમી માલિકીના હકની માગને સમર્થન આપ્યું, જેથી તેમને પાક નુકસાનનું વળતર અને સરકારી યોજનાઓનો લાભ મળી શકે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દો CMના ધ્યાનમાં લાવવામાં આવશે અને તેનો કાયમી ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવશે.

કેબિનેટ મંત્રી હરદીપ સિંહ મુન્ડિયને જણાવ્યું હતું 1400 ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 3,54,626 લોકો અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં અંદાજે 20,000 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે 1,48,590 હેક્ટર ઊભો પાક બરબાદ થઈ ગયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુરદાસપુર, માનસા, અમૃતસર, કપૂરથલા, ફિરોઝપુર, તરણતારન અને હોશિયારપુરનો સમાવેશ થાય છે.

PM મોદીનાં માતા અંગે ટિપ્પણીથી NDAનું બિહાર બંધનું એલાન

પટનાઃ ભાજપ અને NDAના સહયોગી પક્ષોએ ગયા સપ્તાહે બિહારમાં રાહુલ ગાંધીની ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કરાયેલી અશ્લીલ ટિપ્પણીઓના વિરોધમાં ચોથી સપ્ટેમ્બરે ‘બિહાર બંધ’નું આહવાન કર્યું છે. બિહાર ભાજપના અધ્યક્ષ દલીપ જયસવાલના જણાવ્યા મુજબ NDA મહિલા મોર્ચા દ્વારા આ બંધ સવારે સાત વાગ્યેથી શરૂ થઈ બપોરે 12 વાગ્યા સુધી ચાલશે.

તેમણે જણાવ્યું હતું કે બંધનો સમય સામાન્ય જનજીવનને અસર ન કરે તે માટે નક્કી કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે બંધના સમયગાળા દરમિયાન તાત્કાલિક સેવાઓ ચાલુ રહેશે. દલીપ જયસવાલે જણાવ્યું હતું કે બિહારમાં પહેલી વાર થનારા આ બંધ આયોજનની સફળતાની જવાબદારી મહિલા મોર્ચા ઉઠાવશે. બપોરે 12 વાગ્યા પછી તમામ સુવિધાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.

આ વિવાદ ગયા અઠવાડિયે દરભંગામાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન વડા પ્રધાન મોદીની સ્વર્ગસ્થ માતા અંગે કરાયેલી અશ્લીલ ટિપ્પણી પછી શરૂ થયો છે. ત્યાર બાદ ભાજપેએ પટનાના એક પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી અને રાહુલ ગાંધી પાસે માફી માગવાની માગ કરી છે.

દરભંગામાં થયેલી આ ઘટનાનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસ કાર્યકર મંચ પરથી અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો  મંચ પર પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના ફોટા હતા. પરંતુ ઘટના સમયે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ મંચ પર હાજર નહોતા, કારણ કે બંને બાઈક પરેડ માટે મુઝફ્ફરનગર જઈ રહ્યા હતા.

ક્રિસ્પી રાજગરા વડા

અગિયારસ કે અન્ય કોઈપણ વ્રત માટે રાજગરાના ફરાળી વડા સહેલી રીતથી સ્વાદિષ્ટ બની શકે છે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 4 અથવા બાફેલા કાચાં કેળા
  • શેકેલા શીંગદાણાનો ભૂકો ¼ કપ
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • આદુ ખમણેલું 1 ટે.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • ખાંડ (optional)
  • લીલા મરચાં 3
  • કાળા મરીનો પાઉડર 1 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર ½ કપ
  • રાજગરાનો લોટ 1 કપ
  • સ્વાદ મુજબ સિંધવ મીઠું
  • વડા તળવા માટે તેલ

રીતઃ બાફેલા બટેટાને ખમણી લેવા (બટેટાને બદલે બાફેલા કાચાં કેળા લેવા હોય તો તે પણ ખમણી લેવા). તેમાં શીંગદાણાનો ભૂકો, સફેદ તલ 1 ચમચી જેટલાં ઉમેરવા, ખમણેલું આદુ, લીંબુનો રસ, ખાંડ, કાળા મરીનો પાઉડર, સમારેલાં લીલાં મરચાં, સમારેલી કોથમીર તેમજ સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરીને રાજગરાનો લોટ થોડો થોડો મેળવતાં જઈ લોટ બાંધવો.

આ વડામાં રાજગરાના લોટનું પ્રમાણ ફક્ત વડા વળી શકે તેવો લોટ બંધાય તેટલું જ લેવું.

એક પ્લેટમાં તલ લઈ રાખવા.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. સાથે વડાના લોટમાંથી થોડો લૂવો લઈ તેને બંને હાથની હથેળીમાં થાપીને થેપલી બનાવો. જેમાં વડાની કિનારી સહેજ પાતળી હશે અને વચ્ચેથી વડા ભરેલા રહેશે. વડાની બંને બાજુએ તલ લગાડીને ફરીથી એકવાર થાપીને પ્લેટમાં ગોઠવી દો.

તેલ ગરમ થાય એટલે ગેસની તેજ આંચે વડા હળવેથી તેલમાં મૂકતા જાઓ. એકાદ મિનિટ બાદ ગેસની આંચ મધ્યમ કરી દેવી. વડા આપમેળે ઉપર આવવા માંડે અને સોનેરી રંગ પકડે એટલે ઝારા વડે તેને ઉથલાવીને બીજી બાજુએથી પણ તે સોનેરી રંગના થાય એટલે ગેસની આંચ તેજ કરીને ઝારા વડે વડામાંનું તેલ નિતારીને વડા પ્લેટમાં કાઢી લો.

આ વડા દહીં અથવા ફરાળી લીલી ચટણી સાથે પીરસો.

૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫

લોકો ફક્ત ક્યારેક જ પ્રામાણિક કેમ હોય છે?

ઘણા લોકો આશીર્વાદ માંગે છે, પણ બહુ ઓછા લોકોને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું શા માટે? કારણ કે જે આપનાર છે, તે તો હંમેશા આપતો જ હોય છે, પણ જે લેવાવાળો છે, તેની પ્રામાણિકતા ક્યાંક ખોવાઈ ગઈ છે. જે લોકો આશીર્વાદ આપી રહ્યા છે તેઓ ઉદારતાથી આપી રહ્યા છે, પરંતુ જે લોકો તેમને પ્રાપ્ત કરે છે તેઓએ પ્રામાણિક રહેવું જોઈએ. પ્રામાણિકતા એ આશીર્વાદ મેળવવાની લાયકાત છે. અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ક્ષણે સાચો અને પ્રામાણિક બની શકે છે.

લોકો ફક્ત ક્યારેક જ પ્રામાણિક કેમ હોય છે?

ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે તેઓ કોઈ સાંસારિક સુખથી વંચિત રહી જશે. આનંદ અને સુખની ઇચ્છા તેમને નિષ્ઠાવાન બનાવે છે. જ્યારે તમે નિષ્ઠાવાન હોવ છો, ત્યારે તમે તૃષ્ણા રહીત દરેક સુખનો આનંદ માણી શકો છો. પ્રામાણિકતાનો અર્થ એ છે કે તમારી અંદર રહેલ ગહનતા સાથે જોડાઈ રહેવું.

જ્યારે આપણે જીવનમાં અટવાયેલા અનુભવીએ છીએ અને આગળ વધવામાં અસમર્થ હોઈએ છીએ, અથવા જ્યારે આપણે ઇચ્છાઓથી ભરેલા હોઈએ. જ્યારે જીવન શુષ્ક બની જાય, કોઈ ઉત્સાહ ના હોય, નીરસતા હોય, ત્યારે આપણે શું કરવું જોઈએ?

ઉદાર બની જાઓ – આ ક્ષણે જ, કાલે નહીં. રાજકુમારી અને ગરીબ બંને ઉદાર હોઈ શકે છે. ઉદારતા એ આત્માનો ગુણ છે. જ્યારે તમે ઉદાર બનો છો, ત્યારે તમારું જીવન દયા અને પ્રેમથી ભરેલું બની જાય છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પંચાંગ 03/09/2025

મહિલાઓના ડ્રાઇવિંગ માટે આવો પૂર્વગ્રહ કેમ?

દસ વર્ષનો આરવ મમ્મી રશ્મિને પૂછે છે, “મમ્મી, તમે કાર કેમ નથી ચલાવતા? તમને મન નથી થતું?” રશ્મિ જવાબ આપે એ પહેલાં જ એના પિતા નીરવ બોલી ઉઠ્યાઃ “સારું છે તારી મમ્મી કાર નથી ચલાવતી, નહીંતર રોજ કાર અથડાવીને આવે. મહિલા ડ્રાઈવ કરે એટલે અંદર બેઠેલા કે આસપાસ ડ્રાઇવ કરતા લોકો સુરક્ષિત નથી રહેતા” નીરવની વાત સાંભળીને રશ્મિ ચૂપચાપ રૂમમાંથી નીકળી ગઇ, પરંતુ આરવને આ વાત ગળે ન ઉતરી.

એ ફરી મમ્મી પાસે જાય છે. રશ્મિ ધીમા સ્વરે કહે છે “હા બેટા, મને કાર ચલાવતા આવડતી નથી, પરંતુ જો તારી ઇચ્છા છે તો હું જરૂર શીખીશ. જો મહિલાઓ આખું ઘર, પરિવાર અને દેશ ચલાવવાની શક્તિ ધરાવે છે, તો એમના માટે કાર ચલાવવી એ મોટું કામ નથી… ”

હકીકતમાં રશ્મિ સાચું કહેતી હતી. આજે તો મહિલાઓ વિમાન અને રોકેટ સુધી ઉડાવે છે, તો પછી કાર ચલાવવી તો ખરેખર સહેલું જ કહેવાય. મૂળ મુદ્દો માનસિકતાનો છે.

આ મુશ્કેલી ડ્રાઈવિંગથી નહીં..

આજકાલ મહિલાઓ કાર ચલાવે એ સામાન્ય છે, છતાં સમાજમાં એમની આવડતને શંકાની નજરે જોવામાં આવે છે. “મહિલા ડ્રાઈવ કરે એટલે અકસ્માતની શક્યતા વધારે” એવી માન્યતા એમનો આત્મવિશ્વાસ તોડી નાખે છે. હકીકતમાં આ મુશ્કેલી ડ્રાઈવિંગથી નહીં, પરંતુ સ્ત્રી પ્રત્યેના પૂર્વગ્રહોથી જન્મે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મૈત્રી યશ ચૌહાણ કહે છે, “રસ્તા પર જ્યારે કોઈ મહિલા ધીમે કાર ચલાવે કે પાર્કિંગમાં થોડી ગડબડ કરે, ત્યારે માત્ર પુરુષો જ નહીં, ઘણીવાર મહિલાઓ પણ ટીકા કરે છે કે આને તો બરાબર પાર્કિંગ કરતા પણ નથી આવડતું! શું જોઈને કાર લઈને નીકળી પડી છે. આવી ટિપ્પણીઓથી પૂર્વગ્રહો મજબૂત થાય છે, ડ્રાઇવિંગ કરતી મહિલાને બાહ્ય દબાણ ઉપરાંત આંતરિક સંકોચનો સામનો કરવો પડે છે. આ સમસ્યા આ પ્રકારના પૂર્વગ્રહોનું પરિણામ છે. સાચી સમાનતા ત્યારે આવશે જ્યારે સ્ત્રીઓ એકબીજાની ટીકા નહીં, પરંતુ પ્રોત્સાહન આપશે, અને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરશે.”

જાહેર ક્ષેત્રમાં હજી પણ અવરોધો છે

મહિલાઓ માટે કાર ચલાવવું માત્ર એક કુશળતા નથી, એ એક સ્વતંત્રતાનું પ્રતિક છે. સ્ટિયરિંગ પાછળ બેસતાં જ સ્ત્રી પોતાની પસંદગીનો રસ્તો પોતે નક્કી કરી શકે છે. ઘણીવાર મહિલાઓ જ્યારે એકલી લાંબી મુસાફરી કરે છે, ત્યારે આસપાસના લોકો ચકિત પણ થઈ જાય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એકાઉન્ટન્ટ શિરીન સોની કહે છે, મહિલાઓ હવે કૌટુંબિક ક્ષેત્રે કે ખાનગી ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે કાર ચલાવે છે અને સામાજિક ટીકાઓથી બહુ પ્રભાવિત થતી નથી. તેમની ક્ષમતા પર પણ સવાલ ઉઠતા નથી. જોકે, જાહેર પરિવહન ક્ષેત્રે આ ચિત્ર અલગ છે. મહિલાઓ બસ કે જનરલ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે ભાગ લેતી નથી, જોકે રિક્ષા ચલાવવામાં થોડીઘણી સહભાગીતા દેખાય છે. આ દર્શાવે છે કે જાહેર ક્ષેત્રમાં હજુ પણ સામાજિક પૂર્વગ્રહો અને અન્ય અવરોધો મહિલા ડ્રાઇવરોની સહભાગીતાને અસર કરે છે.

રસ્તા પર ચાલતી કારનું મૂલ્યાંકન ડ્રાઈવિંગથી થવું જોઈએ

ડ્રાઈવિંગ કરતી મહિલાઓ માટે સૌથી મોટો પડકાર ટ્રાફિક નહીં, પરંતુ લોકોની નજર હોય છે. રસ્તા પર જો કોઈ પુરુષ ટ્રાફિક નિયમ તોડે તો એને બેદરકાર ડ્રાઈવર ગણવામાં આવે છે, જ્યારે એ જ ભૂલ મહિલા કરે તો તરત જ એ તો મહિલા છે માટે આવી ભૂલ તો થવાની જ આવી ટિપ્પણી થાય છે. આ દ્વિધા દર્શાવે છે કે સમસ્યા ડ્રાઈવિંગ કૌશલ્યની નથી, પરંતુ માનસિકતાની છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર પ્રિયા વ્યાસ કહે છે કે, “કેબ ડ્રાઈવરથી લઈને રેલ ડ્રાઈવર સુધી, મહિલાઓ એ સાબિત કર્યું છે કે હિંમત અને તાલીમ હોય તો સ્ટિયરિંગ પુરુષ કે સ્ત્રી કોઈના હાથમાં પણ સુરક્ષિત છે. સમાજે હવે આ વાત સમજવી પડશે કે રસ્તા પર ચાલતી કારનું મૂલ્યાંકન એની ડ્રાઈવિંગથી થવું જોઈએ, ડ્રાઈવર સ્ત્રી છે કે પુરુષ એથી નહીં.”

સંશોધન દર્શાવે છે કે મહિલાઓ પુરુષોની તુલનામાં વધુ સલામત રીતે વાહન ચલાવે છે. પુરુષો વધુ ઝડપથી ડ્રાઇવિંગ કરે છે, નિયમોનો ભંગ વધારે કરે છે અને વ્યસન કરીને પણ ડ્રાઇવ કરવાની ઘટનાઓમાં એમનો હિસ્સો વધુ હોય છે. ભારતમાં રોડ અકસ્માતોમાં મહિલાઓનો પ્રતિશત પુરુષોની તુલનામાં બહુ ઓછો જોવા મળે છે. મહિલાઓ નિયમોનું પાલન કરે છે, સીટબેલ્ટ અને હેલમેટ વાપરવામાં આગળ રહે છે. ફ્રાન્સ જેવા દેશોમાં તો “ડ્રાઇવ લાઈક અ વુમન” જેવા અભિયાનથી પણ સાબિત થયું છે કે મહિલાઓ ગંભીર અકસ્માતોમાં ઓછો હિસ્સો ધરાવે છે.

હેતલ રાવ