Home Blog Page 58

મને અજીબ રીતે ગળે લગાવી…અભિનેત્રી શમા સિકંદરે કર્યો ખુલાસો

મુંબઈ: ટીવી એક્ટ્રેસ શમા સિકંદર અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. શમા સિકંદરને ઈન્સ્ટાગ્રામ પર 3.2 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. શમા સિકંદરે હાલમાં જ એક સુપરસ્ટાર અંગે પર્દાફાશ કર્યો છે અને તેના પર તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો છે. શમા સિકંદરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સુપરસ્ટારે એક જાહેરાતના શૂટિંગ દરમિયાન ઈમ્પ્રુવાઇઝિંગની આડમાં તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. જોકે, શમા સિકંદરે તે સુપરસ્ટારનું નામ જાહેર કર્યું નથી.

અભિનેત્રી શમા સિકંદરે શું કહ્યું?

શમા સિકંદરે બોલિવૂડ બબલને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું બોલિવૂડના એક સુપરસ્ટાર સાથે એક જાહેરાતનું શૂટિંગ કરી રહી હતી. આ જાહેરાતમાં હું તેની પત્નીનો રોલ કરી રહી હતી. ગળે લગાવવું એ શૂટિંગનો ભાગ નહોતો. પરંતુ મને લાગ્યું કે તે મને કોઈક રીતે ગળે લગાવવા માંગતો હતો. ઘણી વખત લોકોની વાઈબ્સથી આપણને ખબર પડી જાય કે તેઓ શું ઇચ્છે છે. આ શૂટમાં તેણે તેની પત્ની એટલે કે મને જ્વેલરી પહેરાવવાની હતી અને પછી તેરે તેમની સામે ઝૂકવાનું હતું અને પછી તે મને ગળે લગાવે એ પ્રકારનું દ્રશ્ય હતું. પણ તેણે મને ગળે લગાડતાં જ મને ખૂબ વિચિત્ર લાગ્યું. આ પહેલા મને ભેટતી વખતે આવી વસ્તુઓનો અનુભવ થયો ન હતો.

શમા સિકંદરને આશ્ચર્ય થયું

શમા સિકંદરે જણાવ્યું કે સુપરસ્ટાર હોવા છતાં પણ તે આવું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. શમા કહે છે, ‘મેં ઘણા લોકો સાથે કામ કર્યું છે. મારા મિત્રોની યાદીમાં છોકરાઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ સ્પર્શનો તે અનુભવ મારા માટે ખૂબ જ વિચિત્ર હતો. મને આશ્ચર્ય થયું કે સુપરસ્ટાર બન્યા પછી તે આવું કેમ કરશે? હું તેને પહેલીવાર મળી હતી. શરૂઆતમાં મને કંઈ સામાન્ય લાગતું નહોતું. હું મારા જીવનમાં તેની સાથે ક્યારેય કામ કરીશ નહીં, ભલે હું મોટો સ્ટાર બની જાઉં. શમા સિકંદર ટીવી જગતની સ્ટાર છે અને ફિલ્મોમાં સ્થાન શોધી રહી છે.

મુસ્લિમ વિસ્તારને ‘મિની પાકિસ્તાન’ કહેતાં SCએ HC પાસે માગ્યો જવાબ

બેંગલુરુઃ કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ સી. શ્રીસાનંદાએ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનથી જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન મુસ્લિમ વિસ્તારને ‘મિની પાકિસ્તાન’ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે એના પર માહિતી મેળવી છે અને હાઇકોર્ટ પાસે આ બાબતનો જવાબ માગ્યો છે. 

કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ શ્રીશાનંદના બે વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ વિડિયોમાં તેઓ એવી ટિપ્પણી કરી રહ્યા છે કે કે બેંગલુરના મુસ્લિમ બહુમતી વિસ્તારને તેઓ મિની પાકિસ્તાન કહી રહ્યા છે.બીજા વિડિયોમાં તેઓ મહિલા વકીલ પર અસંવેદનશીલ ટિપ્પણી કરતા નજરે ચઢી રહ્યા છે. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે પણ એ વિડિયોને શેર કર્યો છે.

CJI જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ રાજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઋષિકેશ રોયની બેન્ચે એના પર હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે રિપોર્ટ માગ્યો છે. બેન્ચે કહ્યું હતું કે અમારું ધ્યાન ન્યાયિક સુનાવણી દરમ્યાન કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ વી. શ્રીસાનંદા દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ તરફ ધ્યાન ગયું છે. અમે AG અને SGથી સલાહ માગી છે. અમે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલથી કોર્ટને એક રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે, એમ રિપોર્ટ કહે છે.

CJI ચંદ્રચૂડે જજની ટિપ્પણી પર ધ્યાને લેતાં એટર્ની જનરલ આર. વેંકટરમણીથી કહ્યું હતું કે અમે કેટલીક પાયાના દિશાનિર્દેશ નક્કી કરી શકીએ છીએ. સોશિયલ મિડિયાના આ યુગમાં અમારા પર કડક નજર રાખવામાં આવે છે અને અમારે એના અનુસાર કાર્ય કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

આ ઈન્ડિયન વેબ સીરિઝ હોલીવૂડ એમી એવોર્ડ્સ માટે થઈ નોમિનેટ

મુંબઈ: અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સ્ટારર ઓટીટી સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ ગયા વર્ષે 2023માં હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. લોકોને આ સીરિઝ ઘણી પસંદ આવી. હવે આ સિરીઝને ‘ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2024’માં નોમિનેટ કરવામાં આવી છે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત કરવામાં આવી હતી. ફિલ્મમાં અનિલ કપૂર અને આદિત્ય કપૂર સાથે શોભિતા ધુલીપાલા, તિલોત્તમા શોમય, શાશ્વત ચેટર્જી અને જગદીશ રાજપુરોહિત જેવા કલાકારો જોવા મળ્યા હતા.

આ સિરીઝ બ્રિટિશ શોથી પ્રેરિત છે

હોટસ્ટારની આ સિરીઝ બ્રિટિશ ટીવી શોથી પ્રેરિત છે જે સંદીપ મોદી અને શ્રીધર રાઘવન દ્વારા બનાવવામાં આવી છે. આ સિરીઝની વાર્તા બ્રિટિશ નવલકથા ‘જ્હોન લે કેરે’ અને ટીવી શો ધ નાઈટ મેનેજરથી પ્રેરિત છે. આ સિરીઝમાં અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ધ ઈન્ટરનેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટસ એન્ડ સાયન્સના સીઈઓ બ્રુસ એલ પેસનેરે આની જાહેરાત કરી છે. આ સિરીઝ ભારત દ્વારા નોમિનેટ કરવામાં આવી છે. આ સિરીઝ હવે અન્ય દેશોની વાર્તાઓ સાથે સ્પર્ધા કરશે. હવે જોવાનું એ રહે છે કે આ સિરીઝ એમી એવોર્ડ જીતી શકશે કે નહીં.

કોમેડિયન વીર દાસ એવોર્ડ સમારોહમાં હોસ્ટ કરશે

આખી દુનિયામાં પોતાની સ્ટેન્ડઅપ કોમેડી ફેલાવનાર કોમેડિયન વીર દાસ આ એવોર્ડ શોને હોસ્ટ કરવા જઈ રહ્યા છે. વીર દાસ ગયા વર્ષે આ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. અભિનેતા, કોમેડિયન અને દિગ્દર્શક વીર દાસ આ શોને હોસ્ટ કરતા જોવા મળશે. વીર દાસ આંતરરાષ્ટ્રીય હિટ સેલિબ્રિટી છે. બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ વીર દાસે હોલીવુડની દુનિયામાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. વીર દાસ આ સિરીઝને હોસ્ટ કરતા જોવા મળશે. આ સીરિઝ Hotstar પર જોઈ શકાશે.

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ યાદવની વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી

નવી દિલ્હીઃ લેન્ડ ફોર જોબ કૌભાંડમાં ગૃહ મંત્રાલયે CBIને લાલુ યાદવની વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. CBIએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટમાં આપી છે. આ પહેલાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટને 18 સપ્ટેમ્બરે નૌકરીના બદલામાં જમીનથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ભૂતપૂર્વ CM લાલુ યાદવ, ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કર્યા હતા. નોકરીના બદલામાં જમીન કેસમાં 30થી વધુ અન્ય આરોપી છે.

કોર્ટે CBIને કહ્યું હતું કે અન્ય આરોપીઓ માટે મંજૂરી પ્રાપ્ત કરવા માટે 15 દિવસ માગ્યા હતા, જ્યારે કોર્ટે CBIને કહ્યું હતું કે અન્ય આરોપીઓ માટે મંજૂરી પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયામાં ઝડપ લાવે. આ કેસની આગામી સુનાવણી 15 ઓક્ટોબર છે.

આ કેસમાં સૌપ્રથમ વાર કોર્ટે લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ, અખિલેશ્વર સિંહ અને તેમનાં પત્ની કિરણ દેવીને પણ સમન્સ મોકલ્યાં છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેજ પ્રતાપ યાદવની સંડોવણીને નકારી શકાય નહીં. તેઓ એકે ઈન્ફોસિસ્ટમ લિમિટેડના ડિરેક્ટર પણ હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) છઠ્ઠી ઓગસ્ટે 11 આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાંથી ચારનાં મોત થયાં છે. આમાં લલ્લન ચૌધરી, હજારી રાય, ધર્મેન્દ્ર કુમાર, અખિલેશ્વર સિંહ, રવીન્દર કુમાર, સ્વ. લાલ બાબુ રાય, સોનમતીયા દેવી, સ્વ. કિશુન દેવ રાય અને સંજય રાયનો સમાવેશ થાય છે.

આ કેસમાં તપાસ એજન્સી દ્વારા 13 ઓગસ્ટે 96 નવા દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને પુત્રી હેમા સહિત અન્ય આરોપીઓ સામે ED પહેલેથી જ ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે.

બરડા પર છૂંદણાથી લઈને અવનવા ટેટૂ સુધીની ગાથા : ધી બેકલેસ બાઉન્ડ્રીસ

નવરાત્રા એ, ઉમંગની અને સ્વમાનીપણાની ઉજવણી છે. શ્રરાધિયાની સાંજો સંકેલાતા જ,દરેક ગુજરાતણ જાણે આખા વર્ષની આળસ મરડીને સોળે કળાએ ખીલવા અધીરી બની જાય છે. આખુ વર્ષ બીજા માટે જીવતી, કયાંય પોતાને ખોળવા, પોતાને માણવા મથી રહેતી હોય છે.

ઘેરદાર ઘાઘરાઓ અને અવનવી ચોળીઓ માટે તે હજારો ખર્ચ કરતાં અચકાતી નથી. અને એમના માટે ગુજરાતી બજારો પણ જાણે કળા અને રંગોની ભાતોથી પોતાનું સૌંદર્ય પાથરવા થનગની રહ્યા હોય, એમ એની મોડી રાત સુધીની રોનક,એ ગુજરાતીના હરખનુ નજરાણું છે.

આ હર્ષોલ્લાસ આપણે તો નવ દિવસ જ માણીયે છીએ, પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગુજરાતીઓ સદીઓથી પરંપરાગત પોશાકોનો વારસો ધરાવે છે. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને કચ્છની મહિલાઓના પહેરણ વર્ષોથી આગવા અને અનોખા રહ્યા છે. ઘણી જ્ઞાતિમાં મહિલાઓ વર્ષોથી ઘેરા રાતા રંગના ઢાંસિયા (ચણીયા) સાથે કાળું ઓઢણું અને સોના ચાંદીના ઘરેણાં પહેરે છે. તેઓના એક દોરી વાળા બેકલેસ બ્લાઉઝ એમની આગવી ઓળખ છે અને તેમણે છુંદાવેલ છૂંદણાં,એમની ખમીરીનુ પ્રતીક.

દ્રન્દ્ર યુદ્ધના દ્રશ્યો સર્જતો મણિયારો રાસ રમતી, મહેર કોમની મહિલાઓ આજે પણ કિલોમોઢે સોનાના ઘરેણાં પહેરીને એક તાલે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજાવે છે.અને એમના અનોખા અંદાજ જોવા લોકોની મેદની જામે છે. જગજાહેર છે કે,બેકલેસ ચોલી અને માથે એક સરખા ઓઢણાંમાં 37 હજાર આહીરિયાણીઓએ દ્વારકાધીશને ચરણે ઇતિહાસ રચેલો છે.

આવાં અનોખા વારસા ધરાવતી આપણી ધરામાં સ્ત્રીઓના વસ્ત્રો એમના મસ્ત મિજાજનું પ્રતિબિંબ છે. આજે પણ મહિલાઓ,નવરાત્રીના ચણીયા ચોલી માટે ઘરના બજેટ ખોરવાય જવાનો અફસોસ નથી રાખતી.એમની પાસે નાકની ચૂંકથી લઈને વેણી વીંટેલા ચોંટલાઓનો શૃંગાર છે. દરેક અંગને ખીલવાનો ઉત્સવ સમાન ઘરેણાંઓનો ઠાઠમાઠ,એ એમના નવરાતોની ખરી ઉજવણી છે.પરંતુ દરેકમાં ખાસ છે એમની અવનવી વૈવિધ્યસભર ચોલીઓ ડિઝાઇનો..

સરસ મજાની વાત એ છે કે આજે પણ આજ હાથ-ભરત અને કળાઓ નવરાત્રીમાં ખુબજ ધૂમ મચાવી રહી છે. કરોડોમાં કમાતાં ડિઝાઇનર પણ અંતે તો આવાં ગ્રામીણ બહેનાઓ પાસેથીજ ભરતકામ કરાવે છે. જ્યાં ઓખાઈ, જયપુર જેવી ઘણી બ્રાન્ડ માત્ર ગ્રામીણ મહિલાઓના કામ પર જ નભે છે. જે આપણાં વારસા માટે ખૂબ ગર્વની વાત છે.

સૂફ કંજરી બ્લાઉઝ

મૂળ કચ્છના મુતવા શૈલીની ભરતથી બનાવેલ આ બ્લાઉઝ હાથથી વણવામાં આવે છે.કચ્છના મુસ્લિમ ‘બની’ સમુદાયના લોકો ખૂબ જ મહેનતથી વણાટ દ્વારા બનાવે છે. જેમાં આગળનો ભાગ લાંબો હોય છે. જયારે પાછળ બેકલેસ હોય છે.વિવિધ ટાંકાઓને ગૂંથીને તેઓ અદ્ભૂત કળાકૃતિ રચે છે. એટલે જ આવા એક બ્લાઉઝની કિંમત 25,000 સુધીની હોય છે.

કણબી બ્લાઉઝ, કાપડું

કણબી શૈલીમાં હાથથી ભરતકામ કરેલું આ બ્લાઉઝ અત્યંત સુંદર રીતે બનાવવામાં આવે છે.રબારી, ભરવાડ, આહીર મહિલાઓ રંગબેરંગી દોરાઓથી ગૂંથીને પહેરે છે.તેમાં મોર પોપટની ભાતીગળ ડિઝાઇનથી એ ખૂબ સુંદર લાગે છે.

રબારી બ્લાઉઝ

રબારી કોમની મહિલાઓ આ પ્રકારના બ્લાઉઝ પહેરે છે.ચોરસ, ત્રિકોણ અને વર્તુળ કાચને દોરાથી બાંધીને આ બ્લાઉઝની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આની ખાસિયત એ છે કે ગરદન નીચે એક હૂક વડે તેને બાંધવામાં આવે છે અને કમરે એક દોરીથી બાંધવામાં આવે છે.

 

જયારે આવા માભાદાર ચોલી પહેરીને મહિલાઓ રાસ રમવા જાય છે ત્યારે એમની ખુલ્લી પીઠ પરના ટેટુ હોય કે છુંદણાં,તેઓને એ ઢાંકવાની કોઈ જરૂર નથી લાગતી કેમકે બેકલેસ બ્લાઉઝ એમના મિજાજનો એક અંશ છે. કેમકે એ માને છે કે શરમ અને સંકોચ તો એમની આંખના ઘરેણાં છે. બાકી કોઈની મનની સંકોચતાને એ માનતી નથી. પોતાનાપણાને ઉજવવાનો આ અવસર કોઈ ગુજરાતણ ચૂકતી નથી.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

તહેવારો સમયે તેલના ભાવમાં ભડકો, ગૃહિણીઓ પરેશાન

રાજકોટ: નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર નજીકમાં છે. ત્યારે રાજકોટમાં આયાત ડ્યુટીમાં વધારાનાં પગલે કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કપાસિયા અને પામોલીન તેલમાં 15 લીટરે રૂપિયા 50નો વધારો થયો છે.સન ફ્લાવર, તલ, મકાઈ અને સરસવ તેલમાં પણ 15 લીટરે રૂપિયા 50નો વધારો થયો હતો. આયાત ડ્યૂટી વધ્યા બાદ હાજર માલની ખેંચનાં બહાના હેઠળ ભાવમાં સતત વધારો થયો છે. કપાસિયા તેલનો 15 લીટરના ડબ્બાનો ભાવ રૂપિયા 2,080થી વધીને રૂપિયા 2,130 થયો છે. પામોલીન તેલનો ડબ્બો 1,885 થી વધીને 1,935 થયો છે.તેલનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનાં બજેટ પર પણ અસર થઈ રહી છે. આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારોમાં ફરસાણનાં ભાવમાં પણ વધારો થઈ શકે છે.

અલૌકિક જીવનમાં પદનો આધાર ભગવાનની યાદ

સૃષ્ટિ રૂપી નાટકમાં દ્વાપર – કળિયુગમાં મનુષ્ય દેહભાન વશ આત્મા, આત્માના ગુણ તથા ઈશ્વરીય સંબંધોને ભૂલવાથી શ્રાપિત થાય છે. કળિયુગના અંતમાં ભગવાનના અવતરિત થવા પર તેમના દ્વારા પ્રાપ્ત થયેલ ” મનમનાભવ ” ના વરદાનથી મનુષ્ય આ શ્રાપ થી મુક્ત થઈને અડધા કલ્પ માટે સુખના અધિકારી બની જાય છે. આપણે બધા ભગવાન દ્વારા ભાગ્ય પ્રાપ્ત કરીએ છીએ. જેવી રીતે લૌકિક દુનિયામાં હોદ્દાનો આધાર ભણતર છે તેવી જ રીતે અલૌકિક જીવનમાં તેનો આધાર ભગવાનની યાદ છે. જો સ્મૃતિ અતુટ, અખંડ તથા અવ્યભિચારી હશે તો ભાગ્ય શ્રેષ્ઠ બનશે.

સ્મૃતિનો સંબંધ સમર્થી સાથે પણ છે. યોગનો આધાર પણ સ્મૃતિ છે. યોગીને આ યાદના બળથી સર્વ સમર્થીઓ પ્રાપ્ત થઈ જાય છે. આ અંગે ઈશ્વરીય મહાવાક્ય છે – યથાર્થ સ્મૃતિનું પ્રમાણ છે સ્મૃતિ દ્વારા સમર્થી સ્વરૂપ બનવું. દિલમાં, મનમાં, બુદ્ધિમાં સ્મૃતિ આવી કે- “હું બાબાનો બાબા મારા” આ સ્મૃતિ દ્વારા જન્મ સિદ્ધ અધિકારના અધિકારી બન્યા. આ સ્મૃતિ તમામ શક્તિઓની સોનેરી ચાવી છે. આ સ્મૃતિની સમર્થી વિજયી બનાવીને વિજય માળાના નજીકના મણકા બનાવે છે. સમર્થીઓને સ્વરૂપમાં લાવો. જ્યારે પણ કોઈને જોઈએ છે ત્યારે આંખો દ્વારા સમર્થ સ્વરૂપનો અનુભવ થાય. દરેક બોલ દ્વારા બીજા પણ સમર્થ બની જાય. સાધારણ ચલનમાં પણ ફરીસ્તા-પનની સ્મૃતિનું સ્વરૂપ દેખાઈ દે. ડબલ લાઈટનો પોતાને પણ અને બીજાને પણ અનુભવ થાય. ચાલતા-ફરતા સમર્થ સ્વરૂપો બનો, બીજાને પણ સમર્થ બનાવો.

શબ્દકોશમાં “એશ” શબ્દનો અર્થ છે 1) ભોગ-વિલાસ, 2) સુખ-ચૈન, 3) ઈશ્વર સાથે સંબંધ રાખવા વાળા. પરંતુ આજે સમાજમાં જે અર્થમાં આ શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે તેમાં દૂર દૂર સુધી પણ ઈશ્વર સાથેનો સંબંધ નજરમાં નથી આવતો. આજના સંસારની સામે એસો આરામનો અર્થ છે – મોટું મકાન, શરીરને આરામ આપવા વાળા ભૌતિક સાધનો, નોકરો, ગાડી તથા ક્લબ-પાર્ટી-હોટલોમાં, સિનેમા ઘરોમાં આવન-જાવન.

આજનો મનુષ્ય એશની ભ્રામક ધારણામાં એડી થી ચોટી સુધી જકડાયેલો છે, તથા એશના સાધનો એકઠા કરવામાં દિવસ રાત એક કરી રહેલ છે. તે એશો-આરામના સાધનોની પ્રાપ્તિના સપના જોઈ રહેલ છે. જેની પાસે આ સાધનો નથી તેને તે ગરીબ સમજે છે. આવી વ્યક્તિ સાથે મિત્રતા કરવી તે પોતાના લેવલથી નીચે આવી જવાના ભયથી પીડાતો રહે છે.

આજે પોતાનું કાર્ય જાતે કરવા વાળાને સામાન્ય રીતે સાંભળવા મળે છે કે તમે અને આ કાર્ય! આવા નાના-નાના કામો માટે કોઈને રાખી લો અને એશ ફરમાઓ. પોતાના બે પગ રૂપી વાહન પર દોડવા વાળાને પણ સામાન્ય રીતે શિખામણ મળે છે કે એક ગાડી કેમ નથી લઈ લેતા? ક્યાં સુધી પગ ઘસડતા રહેશો? આ તમારા એશ આરામના દિવસો છે. અહીં એ પ્રશ્ન ઉઠે છે કે શું શરીરને આરામ-સુખ આપવા વાળા તમામ સાધનો જ એશ આરામનો આધાર છે કે સાચા એશનો અર્થ કંઈક જુદો છે?

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

Chitralekha Gujarati – 30 September, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.