
તાંબાના વાસણમાં રસોઈ? ટાળો તો સારું!
પ્રશ્ન:આજકાલ તાંબાનાં વાસણનું (copper utensils) ચલણ ખૂબ વધ્યું છે. ખરેખર તાંબાનો ઉપયોગ સારો છે? એમાં રસોઈ બનાવવી
હિતાવહ છે?
- ભૂમિ પટેલ (સુરત)
ઉત્તર: તાંબું ફક્ત સાદા પાણી માટે ઉપયોગમાં લેવાય તો જ એ હિતાવહ છે. એમાં અથવા ઍલ્યુમિનિયમનાં વાસણમાં રસોઈ બને ત્યાં સુધી ન બનાવવી. ટામેટાં, લીંબુનો રસ, દહીં કે છાશ જેવી ખટાશવાળી વસ્તુનો સંગ્રહ પણ આ પ્રકારનાં વાસણોમાં ન કરવો, કારણ કે એના લીધે ખોરાકમાં રાસાયણિક પ્રતિક્રિયા ઉત્પન્ન થઈ શકે છે અને ખોરાક ઝેરી બની શકે છે.
તાંબું પીવાના પાણીના સંગ્રહ માટે શ્રેષ્ઠ છે. તમે આ પ્રકારનાં વાસણમાં ભરેલું પાણી પીવો છો ત્યારે તમે ફક્ત તમારી તરસ છીપાવી રહ્યાં નથી, પરંતુ એક પ્રકારની સદીઓ જૂની દવા લઈ રહ્યાં છો, જે તમને અમુક પ્રકારના માઇક્રોન્યુટ્રિઅન્ટ્સની ખામીથી બચાવવા ઉપયોગી નીવડે છે. આ પ્રકારનું પાણી પણ સાતથી આઠ કલાક સુધી જ સંગ્રહ કરીને ઉપયોગમાં લેવું.

રસોઈ બનાવવામાં વાસણને ગરમી આપવી પડે છે. ઍલ્યુમિનિયમ કે તાંબું જેવી અમુક પ્રકારની મેટલને કારણે ખોરાક પર વિપરીત અસર થાય છે. લોખંડનાં વાસણમાં રસોઈ બનાવવાથી એમાં રહેલું આયર્ન આહારમાં ભળે છે. સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ સાફસફાઈમાં પણ સરળ છે અને એના ઉપયોગથી હીટના લીધે આડઅસર થતી નથી. આ ઉપરાંત, સિરામિક અથવા કાચનાં વાસણમાં માઇક્રોવેવની મદદથી રસોઈ બનાવી શકાય, જે પણ સલામત છે.
એક રીતે જોઈએ તો, તાંબાનો ઉપયોગ સરળ તેમજ ફાયદેમંદ છે, પરંતુ એને રસોઈ બનાવવામાં ઉપયોગમાં લેવાનું ટાળવું. એ જ રીતે, ઍલ્યુમિનિયમનાં વાસણ પણ રાંધવામાં ઉપયોગમાં ન લેવાં.
પ્રશ્ન: સારા પ્રોટીનના સ્રોત તરીકે હું રોજ ડ્રાયફ્રૂટ્સ (dry fruits) લઈ રહ્યો છું. કયા સૂકા મેવામાં પ્રોટીન વધુ હોય? રોજ એનું સેવન કેટલું કરી શકાય?
- મંથન પટેલ (અમદાવાદ)
ઉત્તર: ન્યુ ઈંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ડ્રાયફ્રૂટ્સની આદર્શ દૈનિક જરૂરિયાત ૨૦થી ૩૦ ગ્રામ એટલે કે લગભગ એક મુઠ્ઠી જેટલી છે. મહત્તમ લાભ મેળવવા તેમજ વિટામિન્સ અને મિનરલ્સ સાથે ઓમેગા-૩ ફૅટી ઍસિડ્સનો સમન્વય જાળવવા વિવિધ પ્રકારના સૂકા મેવાનું સેવન કરી શકાય.
એમાં ત્રણથી ચાર બદામ, બે કે ત્રણ અખરોટ, બે ખજૂર અથવા કિસમિસ કે અંજીર (ડાયાબિટીસ હોય તો ન લેવાં)નો સમાવેશ કરી શકાય.

સગર્ભા સ્ત્રી રોજ આશરે ૩૦થી ૬૦ ગ્રામ જેટલાં ડ્રાયફ્રૂટ્સ લઈ શકે. સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ લેવાય તો એમાં રહેલાં પ્રોટીન ઉપરાંત અન્ય પોષક તત્ત્વો સારી રીતે પચી શકે. રાત્રે પલાળીને એનો ઉપયોગ કરવાથી ડ્રાયફ્રૂટ્સમાં રહેલા ઍન્ટિન્યુટ્રિશનલ ફૅક્ટરનો નાશ થાય છે, જેથી એનું પાચન પણ સારી રીતે થઈ શકે છે.
પ્રશ્ન: ગરમીમાં હાઈડ્રેટ રહેવા માટે ચિયા સીડ્સ (chia seeds) લઈ શકાય? એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય?
- ચિંતન ઠક્કર (રાજકોટ)
ઉત્તર: ચોક્કસપણે એનો ડિહાઇડ્રેશનથી બચવા ઉપયોગ કરી શકાય. ચિયા સીડ્સની વાત કરીએ તો, આ બીજ રાત્રે પલાળીને સવારે લેવાં. આ બીજમાં એના વજન કરતાં દસ ગણું પાણી શોષવાનો ગુણધર્મ છે. પેટમાં ગયા પછી એ ધીમે ધીમે શરીરમાં પહોંચે છે, જેનાથી તમે લાંબા સમય સુધી હાઇડ્રેટ રહી શકો છો.

એ બ્લડ પ્રેશર અને શુગરને પણ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તમે એને પાણીમાં અથવા દહીં કે સ્મૂધીમાં ભેળવીને પણ લઈ શકો. ચિયા સીડ્સને ઓછામાં ઓછા ૧૫થી ૩૦ મિનિટ પલાળીને પછી જ લેવાં જોઈએ.
ચિયા સીડ્સ ફાઇબર, ઓમેગા-૩ ફૅટી ઍસિડ્સ, પ્રોટીન, કૅલ્શિયમ અને ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર એક સુપરફૂડ છે, જે વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં, હૃદયના સ્વાસ્થ્ય માટે, બ્લડ શુગર નિયંત્રિત કરવામાં તેમજ હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે.
એનો રોજિંદો ઉપયોગ ચોક્કસપણે ફાયદાકારક છે. ખાસ ધ્યાન રાખવું કે રોજ માત્ર એક ચમચી ચિયા સીડ્સનું સેવન પૂરતું છે. એને વધારે માત્રામાં લેવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.
પ્રશ્ન: ઓલિવ ઑઈલ (olive oil) રાંધવા માટે સારું છે?
- છાયા શાહ (ભાવનગર)
ઉત્તર: રસોઈ માટે વપરાતાં પારંપરિક તેલ કરતાં ઓલિવ ઑઈલ વધુ હેલ્ધી છે, કારણ કે એમાં અત્યંત હેલ્ધી એવી મોનોઅનસૅચ્યુરેટેડ ચરબી હોય છે અને એ પોલીફિનોલ્સ એટલે કે એક પ્રકારના ઍન્ટિઑક્સિડન્ટથી ભરપૂર છે. એ શરીરમાં રહેલા ખરાબ કૉલેસ્ટરોલને ઘટાડીને હાર્ટ હેલ્થ સુધારે છે.
જો કે, આ તેલ વાપરવામાં ખાસ ધ્યાન રાખવું કે એને લો ટેમ્પરેચરમાં બનતી રાંધણ પદ્ધતિમાં જ વાપરવું. વધુ ઉષ્ણતામાને એ એની વાસ્તવિક અસર ગુમાવે છે.

ઓલિવ ઑઈલમાં શાકભાજી રાંધવાથી એમાં રહેલાં પોષક તત્ત્વોને શોષવાની ક્ષમતા વધે છે. એ ઓછીથી મધ્યમ ગરમી પર રસોઈ માટે યોગ્ય છે અને ખોરાકમાં વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે. આથી જ ઓલિવ ઑઈલ મોટા ભાગે સૅલડ ડ્રેસિંગમાં ઉપયોગમાં લેવાય છે. એના દ્વારા બનાવવામાં આવેલો આહાર ખાવાથી પેટ ભારે લાગતું નથી.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
Chitralekha Gujarati – 25 May, 2026
ઘરોંદાથી આજનું મુંબઈ… સપનાંના શહેરની સાંકડી હકીકત!
બેએક અઠવાડિયાં પહેલાં મહાનગરોમાં ઘર મેળવવાની માથાકૂટ અને પેયિંગ ગેસ્ટ જેવા વિષય પર બનેલી ફિલ્મો વિશે લખેલું
ત્યારે અંતમાં આજીજી કરેલી કે આ વિશે કોઈને કાંઈ કહેવાપણું હોય તો કહેજો એટલે રાજકોટથી મનીષકુમારે કહ્યું કે, “દસ વર્ષ પહેલાં આવેલી મનોજ જોશી-મલ્હાર ઠાકરની ‘થઈ જશે’ ભૂલી ગયા. ઓહ! શોરી. યસ, એ સરસ ફિલ્મ હતી. કોડીનારથી જિજ્ઞેશભાઈએ કહ્યું કે “ત્રણેક વર્ષ પહેલાં આવેલી, સારા અલી ખાન-વિકી કૌશલને ચમકાવતી ‘જરા હટકે જરા બચકે’ પણ ઘર મેળવવાની માથાકૂટ પર આધારિત હતી.” અફ કોર્સ. છેક આટલાન્ટાથી નિમિષ સેવક કહે છે કે “અભિજાત જોશી-રાજકુમાર હીરાણીની જોડી આવા વિષયને ન્યાય આપી શકે.” જી, બિલકુલ.
તો સુરતથી મુકેશ રાણા કહે છે કે “એ બઢું જવા દોની… તમે ‘ઘરોંદા’ વિશે લખો.”
* * *
૧૯૭૭માં કેટલીક ધુરંધર ફિલ્મો રિલીઝ થઈઃ ‘અમર અકબર એન્થની,’ ‘ધરમ વીર,’ ‘પરવરિશ,’ ‘હમ કિસીસે કમ નહીં…’ સાથે, ‘અનુરોધ,’ ‘અપનાપન’, ‘આદમી સડક કા,’ ‘દૂસરા આદમી.’ રાજશ્રી પ્રોડક્શનની ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’ તો વર્ષઆખું ફુલ હાઉસ લેતી રહી. ૧૯૭૭ના આવા મસ્તીભર્યા માહોલમાં જ આવી ‘ઘરોંદા,’ જેણે ક્રિટિક્સ અને ફિલ્મરસિકોનાં દિલ જીતી લીધેલાં.

ડિરેક્ટર ભીમસેનની ‘ઘરોંદા’ હિંદી રંગભૂમિના પ્રખ્યાત લેખક ડો. શંકર શેષના નાટક પર આધારિત હતી. પટકથા-સંવાદ ગુલઝારનાં. વાર્તા કંઈ આવી છેઃ એક જ ઓફિસમાં જોબ કરતાં સુદીપ-છાયા (અમોલ પાલેકર-ઝરીના વહાબ) પ્રેમમાં પડે છે ને લગ્ન કરીને સેટલ થવા માગે છે, પણ ઘરનો પ્રોબ્લેમ છે. છાયા ભાઈ-ભાભી સાથે નાનકડા ફ્લેટમાં રહે છે, જ્યારે સુદીપ મિત્રો સાથે ફ્લેટ શેર કરે છે. જેમતેમ બન્ને ડાઉન પેમેન્ટનો જોગ કરીને અંધેરી ઈસ્ટમાં ગોલ્ડ સ્પોટ ફેક્ટરીની પાસે નવા બંધાતા બિલ્ડિંગમાં ફ્લેટ બુક કરે છે, પણ બિલ્ડર ફ્રોડ નીકળે છે, પૈસા ડૂબી જાય છે. આ બનાવ સુદીપને ભાંગી નાખે છે.
જે કંપનીમાં બન્ને નોકરી કરે છે એના માલિક, મધ્ય વયસ્ક મિસ્ટર મોદી (શ્રીરામ લાગુ)ને છાયા માટે સ્નેહ છે. સુદીપ છાયાને કહે છેઃ “તું મોદી સાથે પરણી જા. એ હાર્ટ પેશન્ટ છે. થોડા મહિનામાં ગુજરી જશે. પછી આપણે પરણી જઈશું, ઘરની ચિંતા દૂર થઈ જશે.” છાયા આવો નોનસેન્સ પ્લાન સાંભળીને ગુસ્સે થાય છે. ડેસ્પરેટ સુદીપ કહે છેઃ “ઈસ શહર કે લોગ રોને કે લિયે કંધા નહીં દેતે, મરને કા ઈન્તેઝાર કરતે હૈં કંધા દેને કે લિયે…” ક-મને છાયા મિસ્ટર મોદીને પરણી જાય છે. લગ્ન બાદ મિસ્ટર મોદી સાજાનરવા થઈ જાય છે. છાયા પણ આદર્શ પત્ની બનીને રહે છે. હતાશ સુદીપ શહેર છોડી દેવાનું નક્કી કરે છે. એ છાયાને કહે છે કે “આજે રાતે જઈ રહ્યો છું. તું સ્ટેશન પર આવી જજે, આપણે સાથે ભાગી જઈએ…”
પછી શું થાય છે? એ જણાવીને મજા બગાડવી નથી. કદાચ તમારે ‘ઘરોંદા,’ જોવી હોય તો…

ફિલ્મની રિલીઝને અલમોસ્ટ પચાસ વર્ષ વીતી ગયાં, પણ ખાસ કંઈ બદલાયું નથી. મુંબઈમાં ઘર લેતાં આજે પણ કેડ ભાંગી જાય છે, મોઢે ફીણ, આંખમાં પાણી આવી જાય છે. ફિલ્મનો એક સંવાદ છેઃ “યહ બમ્બઈ હૈ પ્યારે! યહાં તો શમશાન કી રાખ ભી બીકતી હૈ. ખરીદો મત, બસ- બેચો.” માયાનગરીનો સ્વભાવ આ એક ડાયલોગ સમજાવી દે છેઃ અહીં સપનાં પણ બજારમાં વેચાય છે, અને લાગણીના સોદા થાય છે.
બે ફિલ્મફેર સહિત અનેક એવોર્ડ્સથી સમ્માનિત થઈ ‘ઘરોંદા.’ જયદેવના સ્વરાંકનવાળાં ત્રણ ગીતમાંથી ભૂપીન્દરસિંહ-રુના લૈલાના સ્વરવાળા “દો દીવાને શહર મેં” માટે ગુલઝારને બેસ્ટ લિરિક્સની કેટેગરીમાં એવોર્ડ મળ્યો, જ્યારે મિસ્ટર મોદીની ભૂમિકા માટે ડો. લાગુને ફિલ્મફેર મળ્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરની કેટેગરીમાં.

ભારતીય એનિમેશનના ભીષ્મપિતામહ તરીકે ખ્યાતિ મેળવનાર ભીમસેનના પથદર્શક હતા રામ મોહન. એડ ફિલ્મ્સ અને એનિમેશન ફિલ્મો માટે જાણીતા ભીમસેનનાં લઘુ ચિત્રપટ ફિલ્મ્સ ડિવિઝન અને દૂરદર્શન પર પ્રસારિત થતાં. 16 જેટલા નેશનલ એવોર્ડ્સથી સમ્માનિત ભીમસેન-સર્જિત એનિમેશન ફિલ્મ “એક ચીડિયા… અનેક ચીડિયા” આજે પણ મારા જેવા રસિકોને યાદ છે. ‘ઘરોંદા’ એમની પહેલી પૂર્ણ કદની ફિલ્મ. ‘ઘરોંદા’ બાદ એમણે સર્જી ‘દૂરિયાઁ.’ ઉત્તમકુમાર-શર્મિલા ટાગોર-ડો. શ્રીરામ લાગુ અભિનિત આ ફિલ્મ પણ ડો. શંકર શેષની વાર્તા પરથી બની. ફરી એક વાર જયદેવનું મ્યુઝિક, ફરી એક વાર ભૂપીન્દરસિંહ (સાથે અનુરાધા પૌડવાલ)નો સ્વર. રચના? “જિંદગી મેરે ઘર આના…”
2001 સુધી ફિલ્મ્સ-શોર્ટ્સ-એનિમેશન-ટીવીસિરિયલ્સ ક્ષેત્રે કાર્યરત રહેનાર ભીમસેનનું 2018માં 81 વર્ષની વયે અવસાન થયું.
વાસ્તુ, કર્મ અને નકારાત્મક ઊર્જાનો પ્રભાવ
આપણે સતત કોઈના સર્ટિફિકેટની જરૂર પડતી હોય ત્યારે કોઈ આપણને મૂર્ખ બનાવી શકે. સ્વથી વધારે સમજણ આપણા માટે કોની
હોય? મદદ કરવાના બહાને લોકોને પૈસા આપીને જમીન પચાવી પાડનાર માણસો વિશે Mother India ફિલ્મમાં સરસ વાત કરી છે. સમય સાથે આ વિચાર હવે અન્યના દેશ પચાવી પાડવાની ભાવના સુધી પહોંચી રહ્યો છે. આવા સમયે ભારતીય વિચારો સાથે જીવવું અત્યંત જરૂરી છે. પોતાના મોજશોખ કરતાં અન્યની જરૂરિયાતો પૂરી કરવાની ભાવના, સાદાઈ, સહાનુભૂતિ, સમન્વય અને સાચી સમજણ જેવા વિષયો ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. દેવસ્થાનમાં ધક્કા ખાવા કરતાં કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ પણ ધર્મ જ છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સ: એક સોસાયટીમાં અમારી કમિટી છે. સાચું કહું તો કમિટીમાં આવ્યા બાદ જેટલા પૈસા દેખાયા એટલા ક્યારેય જોયા નથી. હવે સોસાયટીના વહીવટમાંથી અમારું ઘર પણ ચાલે છે અને મોજશોખ પણ પૂરા થાય છે. કોઈને પોતાનું માર્કેટિંગ કરવું હોય તો એમને અમારે ત્યાં આવવા માટે પણ ચાર્જ આપવો પડે છે અને મત માટે પણ અમને કહેવામાં આવે છે.
સોસાયટીમાં અમે દર મહિને પૂજા કરાવીએ છીએ. એના મહારાજ અમને પગે લાગવા આવે છે. એમને મળ્યા પછી સમજાયું કે ધંધાદારી માનસિકતા બધે જ લાગુ પડે છે. ઈરાન યુદ્ધ પછી જે સ્થિતિ દેખાઈ રહી છે એમાં એક વિચાર આવ્યો કે સોસાયટીના લોકોને જૂના બિલ બાકી છે અને દંડ સાથે ડબલ પૈસા ભરવાના છે એવી નોટિસ મોકલીએ, જેથી જો બધું બંધ થઈ જાય તો અમને ઘર ચલાવવામાં અગવડ ન પડે.

અમારી સોસાયટીમાં એક બ્રાહ્મણ રહે છે. એણે જૂની રસીદ બતાવીને વિરોધ કર્યો. અમે એનું અપમાન કરીને ઘર સીલ મારી દેવાની ધમકી પણ આપી. એ માત્ર એટલું જ કહે છે કે કોઈના પાપમાં ભાગીદાર ન થાવ. ઈશ્વરની લાઠી કોઈને છોડતી નથી. શું આવું થાય? એક બ્રાહ્મણ પૂજાની કિંમતમાં પણ કમિશન આપવાની વાત કરે છે અને બીજો ઈશ્વરની વાતો કરે છે. ડર લાગે છે. મારી પત્ની કહે છે કે પૈસા આપીએ એટલે ભગવાન પણ આપણું જ માને. ખબર નથી કેમ, પણ એ માણસની આંખમાં કોઈ એવું તત્વ છે કે એનો ડર લાગે છે. શું કરવું જોઈએ?
જ: બ્રાહ્મણ બે પ્રકારના હોય છે — જન્મે અને કર્મે. જે નિયમો નથી પાળતા, એ જન્મે બ્રાહ્મણ હોય પણ એમનામાં બ્રહ્મતત્વ ન હોય એવું બને. વ્યસન કરીને પૂજા ન થાય. પૂજા સમયે અન્ય વિચારો ન કરાય. આવા અનેક નિયમો સમજવા અને અનુસરવા પડે. માત્ર બ્રાહ્મણનો યુનિફોર્મ પહેરવાથી કે માત્ર સંસ્કૃતનું જ્ઞાન હોવાથી કોઈ બ્રાહ્મણ નથી બની જતું.
આપને જે નમે છે એ ભલે આપને ગમતા હોય, પણ એમનામાં બ્રહ્મતત્વ ઓછું હોઈ શકે. જે વ્યક્તિની આંખમાં જોવામાં આપને ડર લાગે છે એ સાચા બ્રાહ્મણ હોઈ શકે. સત્યની તાકાત અલગ જ હોય છે.

આપની પત્ની જો એવું માનતા હોય કે ઈશ્વરને ખરીદી શકાય છે તો એ મૂર્ખતા છે. જેનું આધિપત્ય સમગ્ર બ્રહ્માંડ પર છે, એમને તમારા પૈસાની શું જરૂર હોય? કર્મનો સિદ્ધાંત લાગુ તો પડે જ છે.
તમે જે સોસાયટીમાં રહો છો ત્યાં ચોક્કસ નિર્માલ્ય પ્રજા રહેતી હશે, જે તમને પોતાની મહેનતના પૈસા ધરી દે છે. જો આપ તમારી આવનારી પેઢીને સુખી જોવા ઈચ્છતા હો તો લોકોને રંજાડીને પૈસા લેવાનું બંધ કરવાની સલાહ છે.
સૂચન: માણસના વિચારોની પણ ઊર્જા હોય છે. કોઈને દુઃખી કરવાની ઊર્જા વિનાશકારી સાબિત થાય છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
મોંઘવારીનો ‘કરંટ’: જથ્થાબંધ મોંઘવારીએ તોડ્યો 42 મહિનાનો રેકોર્ડ
જો તમને લાગતું હોય કે તમારા ખિસ્સા પર બોજ વધી ગયો છે, તો સરકારી આંકડાઓ પણ આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે. કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) વધીને 8.30% પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે માત્ર એક મહિના પહેલા એટલે કે માર્ચમાં આ દર માત્ર 3.88% હતો. આ ઉછાળો એટલો મોટો છે કે તેણે ઓક્ટોબર 2022 પછીનું સર્વોચ્ચ સ્તર સ્પર્શ્યું છે.

કિંમતોમાં આગ લાગવા પાછળના મુખ્ય કારણો
જથ્થાબંધ મોંઘવારી વધવા પાછળ બે સૌથી મોટા કારણો જવાબદાર છે- ઇંધણ (Fuel) અને આવશ્યક ચીજવસ્તુઓ.
ઈરાન જંગની અસર: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમતો પ્રતિ બેરલ $100 ને પાર કરી ગઈ છે.
ફ્યુઅલ અને પાવર: ઇંધણ ક્ષેત્રમાં મોંઘવારી દર 1.05% થી સીધો કૂદકો મારીને 24.71% પર પહોંચી ગયો છે. આનો અર્થ એ છે કે વીજળી અને ગેસના જથ્થાબંધ ભાવમાં બેફામ વધારો થયો છે.

દરેક ક્ષેત્રમાં ભાવવધારો
જથ્થાબંધ બજારની દરેક કેટેગરીમાં ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે:
પ્રાથમિક ચીજવસ્તુઓ: દાળ, અનાજ અને શાકભાજી જેવા ખાદ્યપદાર્થોમાં મોંઘવારી 6.36% થી વધીને 9.17% થઈ ગઈ છે.
મેન્યુફેક્ચરિંગ: ફેક્ટરીમાં બનતી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક, રબર અને કેમિકલનો મોંઘવારી દર પણ વધીને 4.62% રહ્યો છે.
રિટેલ મોંઘવારી (CPI): સામાન્ય માણસ જે કિંમત ચૂકવે છે તે રિટેલ મોંઘવારી પણ એપ્રિલમાં વધીને 3.48% થઈ ગઈ છે.
સામાન્ય માણસ પર કેવી અસર થશે?
જથ્થાબંધ મોંઘવારીનો સીધો સંબંધ કારખાનાઓ અને મોટા વેપારીઓ સાથે હોય છે. જ્યારે જથ્થાબંધ ભાવ વધે છે, ત્યારે કંપનીઓ આ બોજ પોતાની પર રાખવાને બદલે અંતે ગ્રાહકો એટલે કે સામાન્ય જનતા પર નાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો કાચો માલ મોંઘો થશે તો આવનારા દિવસોમાં સાબુ, તેલ, કપડાં અને વીજળી જેવી જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે.
સરકાર પાસે ટેક્સ (એક્સાઇઝ ડ્યુટી) માં ઘટાડો કરવાનો વિકલ્પ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ જે રીતે વધી રહ્યા છે તેની સામે ટેક્સ ઘટાડાની પણ એક મર્યાદા છે. જો પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો નહીં થાય, તો આગામી મહિનાઓમાં મોંઘવારીનો આ ગ્રાફ હજુ પણ ઊંચે જઈ શકે છે.
ગુજરાતીઓને અગનગોળા ફેંકતી ગરમીથી મળશે રાહત
હાલમાં સમગ્ર ગુજરાતમાં ગરમી ગાભા કાઢી રહી છે. આકરી ગરમીના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતીઓ માટે એક સારા સમાચાર છે. ગુજરાતીઓ માટે આવતીકાલનો દિવસ નવી આશા લઈને આવશે. રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે જ ગરમીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને બળબળતા તાપમાંથી મોટી રાહત મળશે.

પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો
હવામાન નિષ્ણાતોના મતે, વાતાવરણમાં આવેલા પલટા અને પવનની દિશામાં થયેલા ફેરફારને કારણે હવે કાળઝાળ ગરમીની તીવ્રતા ઓછી થશે. આગામી 24 થી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, આ રાહત મળે તે પહેલા હજુ 24 કલાક કેટલાક જિલ્લાઓમાં ગરમીનું જોર યથાવત રહેશે.
કયા જિલ્લામાં કેવું એલર્ટ?
હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગરમીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યા છે. જેમાં આગામી 24 કલાક દરમિયાન કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું જોર વધુ રહેવાની શક્યતા હોવાથી અહીં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી અને બોટાદમાં તાપમાન ઊંચું રહેવાની સંભાવનાને પગલે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ તેમજ મુખ્ય શહેરો એવા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ હીટવેવની અસરને જોતા સાવચેતીના ભાગરૂપે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.
આમ, ભલે આગામી 24 કલાક આકરા તાપનો સામનો કરવો પડે, પરંતુ ત્યારબાદના ત્રણ દિવસ તાપમાનમાં થનારો ઘટાડો રાજ્યવાસીઓ માટે મોટી રાહત લઈને આવશે. તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવી છે.
જસપ્રીત બુમરાહ બન્યો મુંબઈ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન
આઈપીએલ 2026 માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) એ એક અત્યંત ચોંકાવનારો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સ સામેની મહત્વની મેચ પહેલા ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને મુંબઈ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન (સ્ટેન્ડ-ઇન) બનાવવામાં આવ્યો છે. વર્ષ 2013 થી મુંબઈની ટીમ સાથે જોડાયેલા બુમરાહ માટે આ પહેલી તક છે જ્યારે તે આઈપીએલમાં કોઈ ટીમનું નેતૃત્વ કરશે.
A kid with a unique action bowled yorkers at will. That same kid, now a legend of the game will lead the Blue & Gold in Dharamshala.
A journey to be proud of, Captain Jasprit! 💙 pic.twitter.com/QCi1X4HhDy
— Mumbai Indians (@mipaltan) May 14, 2026
કેમ લેવો પડ્યો આ નિર્ણય?
મુંબઈ ઇન્ડિયન્સ અત્યારે કેપ્ટનશીપના સંકટમાંથી પસાર થઈ રહી છે. ટીમના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા કમરના દુખાવાને કારણે છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે અને તેઓ ટીમની સાથે ધર્મશાળા પણ પહોંચ્યા નથી. બીજી તરફ, સૂર્યકુમાર યાદવ જેઓ પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી રહ્યા હતા, તેઓ પણ વ્યક્તિગત કારણોસર હાલ ટીમ સાથે ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં મેનેજમેન્ટે અનુભવી બુમરાહ પર ભરોસો મૂક્યો છે.
બુમરાહ: મુંબઈનો 10મો કેપ્ટન
જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કરનાર 10મો ખેલાડી બની ગયો છે. આ અગાઉ સચિન તેંડુલકર, હરભજન સિંહ, શાન પોલોક, ડ્વેન બ્રાવો, રિકી પોન્ટિંગ, રોહિત શર્મા, કાયરન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા આ જવાબદારી નિભાવી ચૂક્યા છે. જોકે બુમરાહ પાસે આઈપીએલમાં કેપ્ટનશીપનો અનુભવ નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે ટેસ્ટ અને ટી20 માં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે.
કેપ્ટન બન્યા બાદ શું બોલ્યો બુમરાહ?
ટોસ દરમિયાન કેપ્ટન તરીકે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા બુમરાહે જણાવ્યું હતું કે, “આ ઘણું સારું અનુભવાય છે. જ્યારે હું 19 વર્ષની ઉંમરે આ ટીમમાં આવ્યો હતો, ત્યારે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું એક દિવસ ટેસ્ટ કેપ્ટન કે એમઆઈનો કેપ્ટન બનીશ. મને જવાબદારી લેવી ગમે છે અને આ એક નવો પડકાર છે જેનો હું ચોક્કસ આનંદ માણીશ.”





