Home Blog Page 56

રાશિ ભવિષ્ય 21/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિક કે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરી કે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

પંચાંગ 21/09/2024

સવારે કોંગ્રેસમાં જોડાયા અને સાંજે આ નેતાની થઈ ગઈ ઘર વાપસી

હરિયાણા: અહીં વિધાનસભા ચૂંટણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ભત્રીજા રમિત ખટ્ટર આજે(શુક્રવારે) સવારે કોંગ્રેસમાં જોડાયા હતા. રમિત ખટ્ટર મનોહરલાલ ખટ્ટરના ભાઈ જગદીશ ખટ્ટરના પુત્ર છે. જો કે થોડાંક જ કલાકોમાં તેઓ પાછા ભાજપમાં જતા રહ્યા છે. આમ તેમણે ‘આયા રામ ગયા રામ’ની જેમ એક જ દિવસમાં બે પક્ષોની સદસ્યતા લેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

હરિયાણાના દિગ્ગજ નેતા કહેવાતા રમિત ખટ્ટર શુક્રવારે ધારાસભ્ય ભારત ભૂષણ બન્નાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ દરમિયાન ભાજપમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જો કે થોડાંક જ કલાકોની અંદર રમિત ભાજપમાં પરત ફર્યા છે. તેઓ ભાજપ ઉમેદવાર મનીષ ગ્રોવરની ઉપસ્થિતિમાં ફરી ભાજપમાં જોડાયા છે. રમિતે એક જ દિવસમાં બે વખત પક્ષ બદલવાનું કોઈ કારણ આપ્યું નથી. એવું કહેવાય છે કે, ભાજપ દ્વારા તેમનો સંપર્ક કરાયો હતો અને કોઈક રીતે તેઓ પાછા ફરવા માટે રાજી થયા હતા.મનોહર લાલ ખટ્ટર હજુ પણ રાજ્યમાં મોટા નેતા છે અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની તેમની નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના ભત્રીજાનું કોંગ્રેસમાં જોડાવું એ ભાજપ માટે મોટા ફટકા સમાન હતું. તેથી જ રમિત કોંગ્રેસમાં જતા ભાજપના નેતાઓ એક્ટીવ થયા હતા અને છેવટે તેઓ થોડાંક જ કલાકોમાં ભાજપમાં પરત આવી ગયા છે.

તરણેતરના મેળામાં ડાન્સને લઈ થયો વિવાદ, તપાસના અપાયા આદેશ

તરણેતરના મેળામાં મહિલાના એક ગીત પર ડાન્સને લઈ વિવાદના વંટોળ ઊભા થયા છે. વાત એમ છે કે મેળામાં ભોજપુરી અશ્લિલ ગીત પર મહિલાઓના ઠુમકા લેતો વીડિયો વાયરલ થયો છે. લોકો પુછી રહ્યાં છે કે, જ્યાં ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ રજૂ થતી હોય છે, ત્યાં આવા અશ્વિલ ડાન્સ કેમ થઈ રહ્યાં છે? આ ડાન્સની મંજૂરી કોણે આપી?  ત્યારે હવે આ વાયરલ વિડીયોને લઈ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા એક્શન મોડમાં આવ્યા છે. વીડિયો વાયરલ થતાં અને વિવાદ બાદ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ તપાસના આદેશ આપ્યાં છે.

મુળુભાઈ બેરાએ તરણેતરના અશ્લિલ ડાન્સ વિશે જવાબ આપતા કહ્યું કે, કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. જોકે, મેળાનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં જે કોઈપણ આરોપી હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે ખાતરી આપી છે.  તરણેતરના મેળામાંથી સામે આવેલી અશ્લિલ ડાન્સના વીડિયો વિશે જવાબ આપતાં અધિક કલેક્ટર  આર. એમ. ઓઝાએ કહ્યું કે, તરણેતરના મેળાનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. અહીં હરાજી દ્વારા જે-તે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે અમે તપાસ કરી રહ્યાં છીએ કે, હરાજી દરમિયાન જ્યાં આ પ્રકારનો અશ્લિલ ડાન્સ થયો હતો, તે પ્લોટ કઈ એજન્સીને ફાળવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જે કોઈપણ પ્લોટ ધારક એજન્સી દોષિત સાબિત થશે તેની સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું.

આ વીડિયો મામલે કલેક્ટરે જણાવ્યું કે, 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા તરણેતરના મેળામાં અશ્લિલ ડાન્સ થયો હોવાની જાણકારી અમને વિવિધ પ્લેટફોર્મ દ્વારા મળી છે. અમે આ વીડિયોની ખરાઈ કરી રહ્યાં છીએ. ચોટીલા પ્રાંત અધિકારીને આ વિષયે તપાસ સોંપવામાં આવી છે. વીડિયોની ખરાઈ કરાયા બાદ જેના દ્વારા પણ આ કૃત્ય કરવામાં આવ્યું હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુળ ગુજરાતી ધ્રુવી પટેલે અમેરિકામાં ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’નો તાજ જીત્યો

અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થીની ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો તાજ જીત્યો છે. આ સિદ્ધિથી તે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’ એ ભારતની બહાર સૌથી લાંબી ચાલતી ભારતીય સ્પર્ધા છે. આ સ્પર્ધા જીત્યા બાદ ધ્રુવીએ બોલીવુડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ધ્રુવીએ ખુશી વ્યક્ત કરી

એડિસન, ન્યુ જર્સીમાં તાજ સિદ્ધ કર્યા બાદ ધ્રુવીએ તેની ખુશી વ્યક્ત કરી અને કહ્યું, ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ જીતવું એ અવિશ્વસનીય સન્માન છે. તે એક તાજ કરતાં વધુ છે – તે મારા વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે.’ નોંધનીય છે કે ધ્રુવી પટેલ મુળ ગુજરાતી છે.

કોઈપણ સ્પર્ધા વિશે સૌથી સામાન્ય બાબત એ છે કે તેમાં ફક્ત એક જ વિજેતા હોય છે. ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’ની આ સ્પર્ધામાં સુરીનામની લિસા અબ્દોએલહકને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે નેધરલેન્ડની માલવિકા શર્માને આ રેસમાં સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. મિસિસ કેટેગરીમાં ત્રિનિદાદ અને ટોબેગોની સુઆન માઉટ વિજેતા, સ્નેહા નામ્બિયાર પ્રથમ રનર અપ અને યુનાઇટેડ કિંગડમની પવનદીપ કૌર સેકન્ડ રનર અપ રહી હતી. ગ્વાડેલુપની સિએરા સુરેટે ટીન કેટેગરીમાં ‘મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ’નો તાજ જીત્યો હતો. નેધરલેન્ડની શ્રેયા સિંઘ અને સુરીનામની શ્રદ્ધા તેડજોને પ્રથમ અને દ્વિતીય રનર્સ અપ જાહેર કરવામાં આવી હતી.

31મી વર્ષગાંઠની ઉજવણી કરતી સ્પર્ધા

આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ‘ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી’ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભારતીય-અમેરિકન નીલમ અને ધર્માત્મા સરન તેની અધ્યક્ષતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે આ સ્પર્ધા તેની 31મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.

અંબાજી પદયાત્રાના રૂટ પર સફાઈ અભિયાન શરૂ..

અંબાજી: દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે યોજાયો હતો. ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો ચાલીને જગત જનની માં આંબાના દર્શન કરવા આવે છે. આ વર્ષે મહામેળામાં કુલ ત્રણ રૂટ પર અંદાજીત 34 લાખથી વધુ પદયાત્રીઓએ ચાલીનેમાં અંબાના દર્શન કર્યા હતા. GPCB અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા ‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ કુલ ત્રણ રૂટ પર તા. 12 થી 19 સપ્ટેમ્બર-2024 દરમિયાન ઉત્પન્ન થયેલો અંદાજિત 73 ટનથી વધારે કચરો સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે GPCB અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલ સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાનમાં તારખી 30 સપ્ટેમ્બર સુધીમાં લગભગ 700 ટન જેટલો કચરો એકત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત આ કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ પણ કરવામાં આવશે. આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પદયાત્રાની સાથે સ્વચ્છતા જળવાય તેવા હેતુસર વિવિધ ઉદ્યોગ એસોશીએશનના સહયોગથી ત્રણ પદયાત્રાના રૂટ પર ત્રણ સ્થળોએ પદયાત્રીઓને પાંચ ખાલી પ્લાસ્ટિકની બોટલ સામે એક સ્ટીલની બોટલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાસ્ટિક મુક્ત ગુજરાતને સમર્થન આપવા પદયાત્રીઓ દ્વારા અનેરો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જે અંતર્ગત કુલ 74,800 પ્લાસ્ટીકની ખાલી બોટલની જગ્યાએ 5000 સ્ટીલની બોટલો આપવામાં આવી હતી. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા-જાગૃતિ લાવવાના હેતુથી 50થી વધારે સેવા કેમ્પ-સ્થળો પર શેરી નાટક ભજવવામાં આવ્યા હતા.

તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ મામલે CBI તપાસની માગ

નવી દિલ્હીઃ તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુમાં પ્રાણીની ચરબી, પ્રાણીજન્ય ચરબી અને માછલીનું તેલ હોવાની વાત સામે આવી છે. આંધ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શર્મિલા રેડ્ડીએ ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને આ મામલે CBI તપાસ કરવાની માગ કરી છે.

CM ચંદ્રબાબુ નાયડુએ પોતે આ આરોપ લગાવ્યો હતો કે YSR કોંગ્રેસ પાર્ટીની પાછલી સરકારમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદ અને ભોગ માટે બનતા લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે મંદિરની પવિત્રતા અને લોકોની આસ્થા સાથે ચેડાં થયા હતા.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે મંદિરના પ્રસાદની તપાસ કરતાં પ્રસાદમાંથી લાડુમાં ચરબી અને બીફ ઉપયોગમાં લેવાયા હોવાનું ખૂલ્યું છે. આખો મામલો પ્રકાશમાં આવતા વિવાદ વધુ વકર્યો હતો. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકાર પર તિરુમાલા મંદિરની પવિત્રતાને લાંછન લગાડવાના આરોપ મૂક્યા છે.

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદના મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આંધ્ર પ્રદેશના CM એન. ચંદ્રાબાબુ નાયડુ પાસેથી એક વિસ્તૃત અહેવાલ માગ્યો છે.  તેમણે કહ્યું હતું કે સરકાર આ મામલે વધુ તપાસ કરશે અને યોગ્ય પગલાં લેશે. તેમણે કહ્યું હતું  કે મને આ મુદ્દા વિશે સોશિયલ મિડિયા દ્વારા જાણ થઈ છે. મેં ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી અને તેમને સંપૂર્ણ અહેવાલ મોકલવા કહ્યું છે. હું તેની તપાસ કરીશ અને રાજ્યના નિયમનકાર સાથે પણ વાત કરીશ અને જાણીશ કે તેઓ શું કહેવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યમાં ફરી ક્યાં કરી યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી?

ગાંધીનગર: હવામાન વિભાગ દ્રારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 25 અને 26મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ બે દિવસ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા આગામી 20મી સપ્ટેમ્બરનાં રોજ સૌરાષ્ટ્રનાં કેટલાંક જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં છૂટાં છવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.21મી સપ્ટેેમ્બરનાં રોજ હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં કેટલાંક સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.22 અને 23મી સપ્ટેમ્બરનાં રોજ અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.24મી સપ્ટેમ્બરનાં રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવરાત્રી પર રોમિયોગીરી કરનાર માટે એન્ટી રોમિયો સ્ક્વોડની થશે રચના

રાજ્યમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. એક એક પરંપરા અને આસ્થાના તહેવારોની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં સૌથી મોટો ગણાતો નવરાત્રીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. લોકોએ નવરાત્રીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સામાન્ય નાગરિકની સાથે અમદાવાદ પોલીસે પણ અત્યારથી જ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર પોલીસે મહિલા સુરક્ષા માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.

નવરાત્રીમાં મહિલાઓ સાથે છેડતી ન થાય અને ગરબા રમવા જતી વખતે તેમને કોઈ ભય ન રહે તે માટે અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આજુબાજુના ડાર્ક સ્પોટ પર ફરજિયાતપણે લાઈટો લગાવવાથી લઈને દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવાની સૂચના આપી દીધી છે. નવરાત્રી દરમિયાન શી ટીમ (SHE TEAM) ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી અને મહિલાઓની છેડતી કરનાર અસમાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે. અમદાવાદ પોલીસ શહેરના તમામ પાર્ટી પ્લોટ, શેરી ગરબા તેમજ અન્ય જગ્યા જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેનું લિસ્ટ બનાવીને તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા અને લાઈટો માટે ફરજ પાડી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદથી ગરબા દરમિયાન ખાસ બંદોબસ્તનું આયોજન કરશે. આ દરમિયાન જે પણ રોમિયોગીરી કરતું ઝડપાયું તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રોમિયોગીરી કરનારા માટે પોલીસ એન્ટી રોમિયો સ્ક્વોડની પણ રચના કરશે, જે પોલીસ વાન અને પોલીસ ડ્રેસ સિવાય ટ્રેડિશનલ વેશભૂષામાં કોઈપણ વાહનમાં આવીને ગરબા સ્થળ પર ચાંપતી નજર રાખશે અને રોમિયોગીરી કરનારને દબોચીને યોગ્ય પગલાં લેશે.

 

બંગલાદેશ 149માં ઓલઆઉટઃ બુમરાહે રચ્યો ઇતિહાસ

ચેન્નઈઃ ભારત અને બંગલાદેશની વચ્ચે ચેન્નઈ (ચેપોક)ના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ભારતે બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા હતા. ભારતે આ સાથે બંગલાદેશની સામે 306 રનની લીડ મેળવી છે.

આ પહેલાં મેચના પહેલા દિવસે ભારત 376 રને ઓલઆઉટ થયું હતું. જે પછી બંગલાદેશ માત્ર 149 રન જ બનાવી શક્યું હતું. બંગલાદેશનો કોઈ બેટર પિચ પર ટકી શક્યો નહોતો અને સમયાંતરે વિકેટો પડી હતી. ભારત વતી બુમરાહે ચાર વિકેટ, સિરાજ,  આકાશ દીપ અને જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિને એક પણ વિકેટ મળી નહોતી.

આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી તેણે બાંગ્લાદેશ સામે 3 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 400 વિકેટ લેનારો 10મો ભારતીય બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહે ભારત માટે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી બાદ તેણે 400 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે.

ભારત તરફથી અનિલ કુંબલેએ સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે. જ્યારે આર અશ્વિને 369 ઇનિંગ્સમાં 744 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહ સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં ત્રીજા સ્થાને છે. તેણે 707 બેટ્સમેનોને ટાર્ગેટ કર્યા છે. ચોથા નંબર પર કપિલ દેવ છે જેણે 448 ઇનિંગ્સમાં 687 વિકેટ લીધી છે. જ્યારે ઝહીર ખાને 373 ઇનિંગ્સમાં 597 વિકેટ લીધી છે.