Home Blog Page 500

કલાકારોની નજરે સરદાર

અમદાવાદ: સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ઊજવાઈ રહી છે. એવા સમયે છેલ્લા શ્વાસ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ જે સંસ્થાના પ્રમુખ હતા એ નવજીવન ટ્રસ્ટ માટે બેવડા હરખની ક્ષણ છે. ૩૧ ઑક્ટોબર ૧૯૫૦ના રોજ નવજીવન ટ્રસ્ટના વર્તમાન ભવનનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું‌. નવજીવનના આ ઐતિહાસિક ભવને ગૌરવવંતાં ૭૫ વર્ષ પૂર્ણ કર્યાં છે. નવજીવન ટ્રસ્ટના આંગણામાં આવેલા આર્ટિસ્ટ સ્ટુડિયોમાં કલાસાધના કરતા આર્ટિસ્ટ મિત્રો દ્વારા સરદાર માટે એક અનોખું પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે.આર્ટિસ્ટ સંવેદના વૈશ્ય ચિત્રલેખા.કોમને કહે છે, “આ પ્રદર્શનનો મુખ્ય વિષય છે: ‘દેશ, ગુજરાત અને નવજીવન સાથેનો સરદાર વલ્લભભાઈ પટેલનો સંબંધ.’ બીજા શબ્દોમાં કહી શકાય કે સરદારનો ઋણાનુબંધ.”

આ આર્ટ એક્ઝિબિશન સરદારની ૧૫૦મી જન્મજયંતી અને નવજીવન ટ્રસ્ટ ભવનના ૭૫ વર્ષના સંગમને વંદન કરે છે. નવજીવન પરિવાર સાથે જોડાયેલા આ આર્ટિસ્ટ મિત્રો કળાના માધ્યમથી ભવ્ય ભૂતકાળનું પુણ્યસ્મરણ કરી સરદારને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.સંવેદના વધુમાં કહે છે, “મેં ગાંધીજી પર ઘણું કામ કર્યું. પણ જ્યારે સરદાર પર કામ કરવાનો અવસર આવ્યો ત્યારે એમને વાંચ્યા. વલ્લભભાઈ પટેલને વાંચ્યા પછી ખબર પડી કે એ ખરેખર સરદાર હતા. આ સાથે લોખંડી પુરુષ હતા જેમણે આ મહાન દેશમાં રજવાડાને ભેળવ્યા. એમને ભારત રત્ન બહુ જ પહેલા મળવા જેવો હતો. આ પ્રદર્શનમાં ભારત રત્નની કૃતિ અને સરદારનું વિશાળ પોર્ટ્રેટ તેયાર કરવાનો અવસર મને મળ્યો.”ગાંધીજીનું માનસ સંતાન એવા નવજીવનની આ ઇમારતે ૭૫ વર્ષ પૂર્ણ કર્યા. પણ એની શુભ શરૂઆત ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ થઈ હતી. ગાંધીજીના માર્ગદર્શનમાં ‘નવજીવન’ સાપ્તાહિકનો પ્રથમ અંક પ્રગટ થયેલો. એ પછી દસ વર્ષ બાદ ઈ.સ. ૧૯૨૯માં ગાંધીજીએ કાગળ પર નવજીવન ટ્રસ્ટની રચના કરી અને સરદાર વલ્લભભાઈ પટેલને ટ્રસ્ટના પ્રમુખ પદે નીમ્યા હતા. જીવનના અંતિમ શ્વાસ સુધી સરદાર નવજીવનની ધુરા સંભાળી હતી. છેલ્લાં ૧૦૬ વર્ષથી નવજીવન માત્ર એક પ્રકાશન સંસ્થા નથી રહી. ગાંધીજીના વિચારોને જીવંત રાખી નવી પેઢી સુધી આ વારસાને પહોંચાડવા અલગ-અલગ સ્વરૂપમાં નવજીવન સક્રિય રહી છે.ભારતના ભવ્ય ભૂતકાળ અને સુરક્ષિત વર્તમાનમાં સરદારની ભૂમિકા એ આ પ્રદર્શનનું મુખ્ય હાર્દ છે. આ દરેક કલાકૃતિમાં સરદારનું વ્યક્તિત્વ છલકાય છે. ભારત દેશ, અમદાવાદ શહેર અને નવજીવન સંસ્થામાં સરદારનું જે પ્રદાન છે એ દરેક પ્રસંગને અહીં ભાવાંજલિ આપવાનો પ્રયાસ થયો છે. આ પ્રદર્શન પુરાવો છે કે ઇમારતો, પુસ્તકો અને દસ્તાવેજો પૂરતું સરદારનું જીવન અને કાર્ય સીમિત નથી. અખંડ ભારતના શિલ્પી, કુશળ લોકનાયક અને વિચારવંત સેવક તરીકે સરદાર દરેક પેઢી સુધી પહોંચતું પ્રેરણાનું અજવાળું છે.

આ પ્રદર્શનમાં કુલ 15 કલાકારોએ ભાગ લીધો છે. જેમાં અવની વરિઆ, ભારવી ત્રિવેદી, દીપ્તિ શુક્લ, ગોપાલ પરમાર, જયેશ શુક્લ, જીગ્ના ગૌદાના, બંસિધર ખત્રી, મહેન્દ્ર મિસ્ત્રી, મિલન દેસાઈ, નિલેશ સુથાર, રાકેશ પટેલ, રોમા પટેલ, રોનક સોપારીવાલા, સંવેદના વૈશ્ય અને સુમેધ કુમાર કિશનનો સમાવેશ થાય છે. નવજીવન ટ્રસ્ટમાં રેઝોનન્સ – સરદાર • નવજીવન • ધ આર્ટિસ્ટ્સ આય.. પ્રદર્શન 31 ઓક્ટોબર 2025ના રોજ અમિત અંબાલાલના હસ્તે ખુલ્લું મુકાયા બાદ તા 15 ડિસેમ્બર,2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન જોઈ શકાશે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

GSPCએ કતાર એનર્જી સાથે LNG સપ્લાયનો કરાર કર્યો

ગાંધીનગરઃ  ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.એ (GSPCએ) કતાર એનર્જી  સાથે 17 વર્ષના સેલ્સ એન્ડ પર્ચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કર્યા છે, જેના અંતર્ગત દર વર્ષે એક મિલિયન ટન સુધી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો સપ્લાય કરવામાં આવશે. આ કરાર મુજબ LNGનું વોલ્યુમ 2026થી એક્સ-શિપ પદ્ધતિથી પહોંચાડવામાં આવશે.

કંપનીની આ વ્યૂહરચનાને મજબૂત બનાવવાનો આ કરાર સ્પર્ધાત્મક LNG  લાંબા ગાળે સુરક્ષિત કરવાનું મહત્વપૂર્ણ પગલું છે, જે ગુજરાત તેમ જ દેશમાં વધતા કુદરતી ગેસના માગ-પુરવઠા અંતરને પૂરું પાડવામાં મદદરૂપ થશે. કતાર એનર્જી સાથેની ભાગીદારી GSPCના લાંબા ગાળાના પોર્ટફોલિયોને મજબૂત કરીને ભારતમાં ગેસ ટ્રેડિંગ ક્ષેત્રમાં અગ્રણી શક્તિ તરીકે ઊભરી આવવાના અમારા દ્રષ્ટિકોણને આગળ ધપાવે છે,  એમ આ પ્રસંગે કંપનીના MD મિલિંદ તોરાવણે જણાવ્યું હતું.

વિશ્વની સૌથી મોટી અને વિશ્વસનીય LNG સપ્લાયર પૈકીની એક કતાર એનર્જી સાથેનો સહકાર કંપનીની ગેસ સેક્ટરમાં હાજરીને વધુ મજબૂત બનાવશે, જેથી વિશ્વસનીય LNG સપ્લાય પ્રાપ્ત કરવામાં અને ગેસ વેલ્યુ ચેઇનમાં પોતાની હાજરી મજબૂત કરવામાં સહાય મળશે.

આ કરાર કંપનીના પોર્ટફોલિયો અને ઓપરેશનલ ક્ષમતાઓમાં વધુ વધારો કરશે, કારણ કે ગ્રુપના વિશાળ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.

રામનું વનગમન-રામકથાનું અનુગમન : મોરારિબાપુની નોખી કથા

ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ ભારતીય અધ્યાત્મ જગતની આત્મા છે. બંને દેવતા ‘રામાયણ અને ‘ભાગવત’ કથાના વાંગમય સ્વરૂપે પ્રવાહી અને પવિત્ર પરંપરામાં પ્રસ્થાપિત છે. ભગવાન રામની કથાના આધિકારિક વક્તાઓમાં આદર સાથે અગ્રહરોળના વક્તા મોરારિબાપુ દ્વારા રામવનગમનના માર્ગના મુખ્ય પડાવો પર એક-એક દિવસ કથા કરી શ્રીલંકા અને ત્યાંથી અયોધ્યા સુધીની કથાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કથાયાત્રા વિશેષ ટ્રેનમાં ચાર સો જેટલા શ્રોતાઓ સાથે નિશ્ચિત પડાવો સુધી પહોંચશે અને કોલંબો (શ્રીલંકા)થી વિમાનયાત્રા દ્વારા અયોધ્યા પહોંચી વિરામ લેશે.

આ રહ્યા રામકથાયાત્રાના આશ્રયસ્થાન
તા.25.10.25 અત્રિમુની આશ્રમ, ચિત્રકૂટ (મધ્ય પ્રદેશ)
તા. 26.10.25 અગત્સ્યમુનિ આશ્રમ, સતના (મધ્ય પ્રદેશ)
તા.27.10.25 પંચવટી (મહારાષ્ટ્ર)
તા.28.10.25 શબરી આશ્રમ (કર્ણાટક)
તા.29.10.25 ઋષ્યમુક પર્વત, હમ્પી (કર્ણાટક)
તા.30.10.25 પ્રવર્ષન પર્વત (કર્ણાટક)
તા.1.11.25 રામેશ્વરમ (તમિલનાડુ)
તા.3.11.25 કોલંબો (શ્રીલંકા)
તા.4.11.25 અયોધ્યા (ઉત્તર પ્રદેશ)

ભારતના 5 રાજ્યોમાં અને શ્રીલંકા થઈ અયોધ્યા આઠ હજાર કિલો મીટરની યાત્રા 11 દિવસમાં પૂર્ણ કરી વિરામ લેશે. મોરારિબાપુએ આ 966મી ઐતિહાસિક કથાને ‘માનસ રામયાત્રા’ નામ આપ્યું છે. આ કથાને હનુમાનજી મહારાજના આશ્રયમાં આયોજિત સહજ યાત્રા, કેવળ અસ્તિત્વની કૃપાનું પરિણામ ગણાવી છે.

આ પૂર્વે ખાસ ટ્રેન દ્વારા 27 જુલાઈથી 8 ઑગસ્ટ 2023 સુધી માનસ 900 ( દ્વાદશ જ્યોતિર્લિંગ) ભારતભરના જ્યોતિર્લિંગમાં અગિયાર દિવસની યાત્રા કરી નવ દિવસીય રામકથાનું ગાન મોરારીબાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. સનાતનના પવિત્ર અને પ્રવાહી પ્રવાહમાં પોતાના સદગુરુ પૂ.ત્રિભુવનદાસદાદાના કથા પ્રસાદને પોતાની આગવી શૈલી અને મૌલિકતા સાથે બાપુ વહેંચી રહ્યા છે.

(અરવિંદ ગોંડલિયા-સુરત)

રોહિત શર્મા સૌપ્રથમ વાર બન્યો વિશ્વનો નંબર વન વનડે બેટ્સમેન

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ વિશ્વનો નંબર વન વનડે બેટ્સમેન બની સૌથી વયસ્ક ભારતીય ક્રિકેટર બની ઇતિહાસ રચ્યો છે. તેણે વનડે કેપ્ટન શુભમન ગિલને પાછળ મૂકી રેન્કિંગમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનનો ખિતાબ પોતાને નામે કર્યો. મુંબઈનો 38 વર્ષીય આ ક્રિકેટરે કેરિયરમા સૌપ્રથમ વાર ICC વનડે બેટ્સમેનની રેન્કિંગમાં નંબર વન સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રોહિતે ભારતીય કેપ્ટન શુભમન ગિલને પાછળ રાખી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ભૂતપૂર્વ કેપ્ટન શર્માની હાલની ઉંમર 38 વર્ષ અને 182 દિવસ છે. રોહિતને નામે ગયા અઠવાડિયે 745 રેટિંગ પોઇન્ટ હતા. તેણે 23 ઓક્ટોબરે એડિલેડ ઓવલમાં ભારત–ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજા વનડેમાં 97 બોલમાં 73 રન બનાવ્યા હતા. જ્યારે 25 ઓક્ટોબરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલા ત્રીજી મેચમાં 125 બોલમાં 121 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.

રોહિત શર્માના બેટની બે મોટી ઇનિંગ્સે તેને 781 રેટિંગ પોઇન્ટ મેળવવામાં મદદ કરી. આ પહેલાં બેટ્સમેનની ICC રેન્કિંગમાં ટોચ પર પહોંચનારા સૌથી વયસ્ક ખેલાડી મહાન સચિન તેંડુલકર હતો, જે 2011માં 38 વર્ષની ઉંમરે ટેસ્ટ ફોર્મેટની યાદીમાં ટોચ પર પહોંચ્યો હતો. હવે રોહિતે પોતાના સાથીઓને પાછળ છોડ્યા છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં શાનદાર દેખાવ કર્યો હતો. તેણે ત્રણ મેચમાં 101ની સરેરાશથી 202 રન બનાવ્યા, જેમાં ત્રીજા અને અંતિમ મેચમાં બનાવેલો નોટઆઉટ સદી પણ સામેલ છે. રોહિતે ઓપનિંગ કરતાં પોતાની અદભુત બેટિંગ માટે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ મળ્યો હતો.

તે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એમ.એસ. ધોની અને વર્તમાન કપ્તાન શુભમન ગિલ પછી વનડે રેન્કિંગમાં નંબર એક બનનાર પાંચમા ભારતીય ખેલાડી બની ગયા છે.

મોદીજી મત માટે કોઈ પણ નાટક કરી શકેઃ રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન

પટનાઃ બિહારમાં એક સભાને સંબોધિત કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મત મેળવવા માટે કોઈ પણ નાટક કરી શકે છે. તેમણે કહ્યું હતું કે મોદીજી મત માટે કોઈ પણ નાટક કરી શકે છે. તેમને ફક્ત તમારો મત જોઈએ. જો તમે નરેન્દ્ર મોદીને નૃત્ય કરવા માટે કહેશો તો તેઓ નાચી પણ જશે. કોંગ્રેસ સાંસદ મુઝફ્ફરપુરમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટેની તેમની પ્રથમ ચૂંટણી સભામાં હાજર હતા.

દિલ્હીના યમુના અને છઠ પૂજાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તે ત્યાં કોઈ યમુના નથી, ત્યાં એક કૂવો છે. નરેન્દ્ર મોદીને પોતાના સ્વીમિંગ પુલમાં નાહવાનું ગમતું છે. તેમને યમુનાથી કોઈ સંબંધ નથી. તેમને છઠ પૂજાથી કોઈ સંબંધ નથી. તેમને ફક્ત તમારો મત જોઈએ. જો તમે નરેન્દ્ર મોદીને નૃત્ય કરવા માટે કહેશો તો તેઓ મત માટે નૃત્ય પણ કરશે. તેઓ તમારા મત ચોરવામાં વ્યસ્ત છે. કારણ કે તેઓ આ ચૂંટણી સંપત્તિને ખતમ કરવા માગે છે. હું તમને કહી રહ્યો છું કે તેમણે મહારાષ્ટ્રની ચૂંટણી ચોરી હરિયાણાની ચૂંટણી ચોરી અને તેઓ બિહારમાં પણ પૂરતી કોશિશ કરશે, એમ તેમણે કહ્યું હતું.

તેઓ સંપૂર્ણ પ્રયાસ કરશે કે બિહારમાં ‘બિહારનો અવાજ’ ધરાવતી સરકાર ન બને. તેઓ તેમાં વ્યસ્ત છે. SIR નો અર્થ પણ એ જ છે. તમને સમગ્ર શક્તિ લગાવવી પડશે અને બધા મહાગઠબંધનની પાસે મત આપવો પડશે. અમે તમને ગેરંટીની આપીએ છીએ કે અમે બિહારમાં દરેક વર્ગ, દરેક જાતિ, દરેક ધર્મની સરકાર બનાવીશું. અમે કોઈને પછાડીશું નહીં,

આજ સુધી તમને જે પણ મળ્યું છે — ભલે એ મત હોય, શિક્ષણ હોય કે આરોગ્ય — તે બધું બંધારણને કારણે છે. નરેન્દ્ર મોદી અને RSS તેના ઉપર હુમલો કરી રહ્યા છે. જ્યારે તેઓ મત ચોરે છે, ત્યારે તે ઉપર હુમલો કરે છે. તેઓ આંબેડકરના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. જ્યારે તેઓ ભારતની કોઇ સંસ્થાને નબળી કરે છે, જ્યારે તેઓ RSSના કોઈ લોકોને કુલપતિનો પદ આપે છે, ત્યારે તેઓ બંધારણ પર હુમલો કરે છે અને હું તમને કહી રહ્યો છું કે અમે બંધારણની રક્ષા કરીશું અને તેને કોઈ નષ્ટ કરી નહીં શકે, એમ તેમણે કહ્યું હતું.

NFSU ખાતે “સતર્કતા જાગૃતિ સપ્તાહ-2025″ની ઉજવણી

ગાંધીનગર: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) “સતર્કતા જાગૃતિ સપ્તાહ-2025″ની ઉજવણી કરવામાં આવી રહી છે. NFSUના સ્થાપક કુલપતિ, પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે. એમ. વ્યાસના નેતૃત્વમાં 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2025 સુધી આ ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણીમાં આ વર્ષની થીમ “સતર્કતા: આપણી સહિયારી જવાબદારી” છે.

આ સતર્કતા સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે, એસ.કે. સરીન, સલાહકાર (સતર્કતા)-NFSU દ્વારા તા.28 ઓક્ટોબર, 2025ના રોજ “પ્રિવેન્ટિવ વિજિલન્સ એન્ડ ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2018” પર એક વિશિષ્ટ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ભ્રષ્ટાચાર સામે લડવા માટે મુખ્ય કાનૂની માળખા અને સક્રિય વ્યૂહરચનાઓ પર મહત્ત્વનો પ્રકાશ પાડ્યો હતો.

ડૉ. જે.એમ. વ્યાસે અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રસન્નતાની જેમ પ્રામાણિકતા પણ એક જન્મજાત માનવીય ગુણ છે. તેમણે ઉપસ્થિત સૌને ગુના અને ભ્રષ્ટાચારથી મુક્ત સદ્ગુણો કેળવવા વિનંતી કરી હતી. તેમણે સમજાવ્યું કે જ્યારે લોકો ગેરકાયદેસર રીતે ઇચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ભ્રષ્ટાચાર ઉદ્ભવે છે. આને રોકવા માટે, તેમણે સ્વ-શિસ્ત અને વ્યક્તિગત ઇચ્છાઓ પર નિયંત્રણ અનિવાર્ય છે. પ્રામાણિકતા એ ન્યાયયુક્ત સમાજનો મહત્ત્વનો પાયો છે.

કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ પણ ઉપસ્થિત સૌને જણાવ્યું હતું કે, સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરીને NFSU નૈતિક પ્રથાઓને મજબૂત બનાવવા ઉપરાંત ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણના રાષ્ટ્રીય મિશનમાં પણ યથાર્થ યોગદાન આપી રહ્યું છે.

આ વિશિષ્ટ વ્યાખ્યાન અંતર્ગત પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા પણ મંચ પર બિરાજમાન હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તથા NFSUના અધ્યાપકગણ અને સ્ટાફે રાજભાષા-હિન્દીમાં જાહેર જીવનમાં પ્રામાણિકતા જાળવી રાખવા અંગેની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

જોધપુરથી 52 ઊંટ સાથે આવેલી BSFની બે ટુકડી એકતા પરેડમાં સામેલ થશે

રાજપીપળા: એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટીન્જન્ટ એકતા પરેડમા પણ ભાગ લેવાની છે. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટૂકડી પરેડ દરમિયાન અલગ તરી આવે છે.

એકતા નગર ખાતે કુલ 52 ઊંટ સાથેની કેમલ કન્ટીન્જન્ટ આવી પહોંચી છે. આ 52 ઊંટને ખાસ પ્રકારના વાહનોમાં જોધપુરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાવવામાં આવ્યા છે. એકતા પરેડમાં ભાગ લેનારા આ ઊંટ પ્રત્યે વિશેષ સંભાળ લેવામાં આવે છે. ભારતના રજવાડાઓમાં ખાસ કરીને રણ પ્રદેશ એટલે કે રાજસ્થાન અને કચ્છના કેટલાક પ્રાંતમાં જે તે સમયે સૈનિકો દ્વારા ઊંટનો ઉપયોગ થતો હતો. પણ ઊંટને સેનામાં સામેલ કરવાનો શ્રેય બિકાનેરના રાજવી ગંગાસિંહને જાય છે. તેમણે ૧૯મી સદીમાં પોતાના રાજ્યમાં સેનાનું આધુનિકીકરણ કર્યું અને ઊંટ માટે ખાસ ટુકડીની રચના કરી. એટલે તેને ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખવામાં આવતી હતી.

દેશને આઝાદી મળી એ બાદ આ ગંગાસિંહ રિસાલાને ભારતીય સેનામાં ભેળવી દેવામાં આવ્યો હતો. રણ પ્રદેશમાં ચાલવાની અને તેને અનુકૂળ શરીર રચનાને કારણે ઊંટ ટુકડી હવે ભારતીય સેનાની કેમલ કન્ટીન્જન્ટ બની. આ જોડાણ 1965 સુધી રહ્યું અને તે વર્ષમાં સીમા સુરક્ષા દળની સ્થાપના કરવામાં આવતા કેમલ રેજીમેન્ટની જવાબદારી BSFને સોંપવામાં આવી. ત્યારથી લઈ આજ સુધી ઊંટ સીમા સુરક્ષા દળના સદસ્ય છે.

સીમા સુરક્ષા દળ અને અન્ય નિષ્ણાંતો દ્વારા રાજસ્થાન સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ફરી ઊંટ ખરીદવામાં આવે છે. જેમાં મુખ્યત્વે જેસલમેરી અને બિકાનેરી પ્રકારના ઊંટ હોય છે. જેસલમેરી ઊંટ દોડવામાં પાવરધા હોય છે અને બિકાનેરી ઊંટ વજન ઊંચકવામાં સક્ષમ હોય છે. ઊંટની ઊંચાઈ, વજન, શરીરની રચના, દાંત સહિતની બાબતોને પારખી ઊંટને સીમા સુરક્ષા દળમાં સમાવવામાં આવે છે.૧૯૮૬માં કેમલ બેન્ડને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી. ત્રણ વર્ષની તાલીમ બાદ ૨૬-૧-૧૯૯૦ના રોજ કેમલ બેન્ડ પણ પરેડમાં ભાગ લેતા થયા. હાથમાં વાદ્યો સાથે ઊંટની પીઠે બેસવું કપરું કામ છે. આ છતાં તાલીમબદ્ધ સવાર વાદ્યો સરળતાથી વગાડી શકે છે. ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો ! પરેડ દરમિયાન ઊંટ વૃક્ષો જોઈ ખાવા લલચાય નહિ તેની ખાસ કાળજી લેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રતિદિન દસ કિલો ચારો અને ૨ કિલો ચણા સહિતના કઠોળ મિશ્રિત ખોળ આપવામાં આવે છે. તેની પૂંછડીના વાળને સુંદર રીતે કાપી ડીઝાઇન આપવામાં આવે અને બાદમાં પરેડમાં લઈ જવામાં આવે છે.

૨૬ મી જાન્યુઆરી, ૧૫ મી ઓગસ્ટ બાદ હવે એકતા પરેડમાં પણ આ ઊંટ દળ ભાગ લેતું હોવાથી તે આકર્ષણનું કેન્દ્ર બને છે.

અમેરિકા ભારત સાથે ટ્રેડ ડીલ કરવા ઉત્સુકઃ ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કોરિયાની મુલાકાતે છે, જ્યાં તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અંગે કહ્યું કે અમે ભારત સાથે એક નવા વેપાર કરાર પર કામ કરી રહ્યા છીએ. તેમની આ ટિપ્પણી ભારતીય વસ્તુઓ પર અમેરિકન ટેરિફના ભારે બોજાની પૃષ્ઠભૂમાં ચાલી રહેલી વેપાર વાટાઘાટ દરમિયાન આવી છે.

એશિયા-પ્રશાંત આર્થિક સહકાર (APEC) શિખર સંમેલન પહેલાં દક્ષિણ કોરિયામાં એક સંબોધનમાં ટ્રમ્પે કહ્યું હતું કે હું ભારત સાથે એક ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યો છું અને વડા પ્રધાન મોદીના પ્રત્યે મારા મનમાં ઊંડું માન અને પ્રેમ છે. અમારા વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે.

ટ્રમ્પે દ્વારા વડા પ્રધાન મોદીની કરી પ્રશંસા

ટ્રમ્પનો સકારાત્મક સ્વર વેપાર રાહતોને ભારતના તેલ આયાત સાથે જોડતી તેમની અગાઉની ચેતવણીઓથી બદલાવનું સૂચન કરે છે. તેમણે સિયોલમાં કહ્યું હતું કે હું પ્રધાનમંત્રી મોદીને ખૂબ માન આપું છું અને તેમને પ્રેમ કરું છું. અમારા સંબંધો ખૂબ સારા છે. તેમણે ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે થયેલી એક નાટકીય વાતચીતનું પણ સ્મરણ કર્યું, જેમાં તેમના કહેવા મુજબ તેમની દખલને કારણે સંભવિત યુદ્ધ ટળી ગયું.

ટ્રમ્પે કહ્યું હતું કે આ બંને પરમાણુ સજ્જ દેશો છે અને તેઓ ખરેખર એકબીજા પર હુમલો કરી રહ્યા હતા. મેં વડા પ્રધાન મોદીને ફોન કર્યો અને કહ્યું હતું કે ‘અમે તમારી સાથે ટ્રેડ ડીલ નહીં કરી શકીએ. તમે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ કરી રહ્યા છો. પછી મેં પાકિસ્તાનને પણ ફોન કરીને એ જ વાત કરી. બંનેએ કહ્યું,‘ના, તમે અમને લડવા દો, પરંતુ બે દિવસ પછી તેમણે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અમે સમજીએ છીએ અને તેમણે લડવું બંધ કરી દીધું હતું.

ઓગસ્ટમાં, ટ્રમ્પ પ્રશાસને રશિયા સાથે ભારતના ચાલુ તેલ વેપાર પર વધારાના દંડરૂપે ભારતીય આયાત પર 50 ટકા સુધીનો શૂલ્ક લગાવ્યો હતો.

પરેશ રાવલની ‘ધ તાજ સ્ટોરી’ વિરુદ્ધ અરજી, દિલ્હી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

દિલ્હી હાઈકોર્ટે પરેશ રાવલની ફિલ્મ “ધ તાજ સ્ટોરી” ને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. અરજીમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે પરેશ રાવલને હાઈકોર્ટ તરફથી રાહત મળી હતી. બુધવારે, દિલ્હી હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે તે જરૂરી નથી.

અરજીમાં કયા આરોપો લગાવવામાં આવ્યા છે?

પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં અભિનીત ફિલ્મ “ધ તાજ સ્ટોરી” ની રિલીઝને પડકારતી દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ફિલ્મ તાજમહેલ વિશે ખોટી માહિતી ફેલાવે છે અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે ખતરો ઉભો કરી શકે છે. જોકે, બુધવારે દિલ્હી હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા તેને પ્રમાણપત્ર આપવાને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો.

ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાના આરોપો

આ અરજી અંગે બેન્ચે જણાવ્યું હતું કે તાત્કાલિક સુનાવણીની કોઈ જરૂર નથી અને તેથી આ મામલાને વહેલી સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદાર, વકીલ શકીલ અબ્બાસે કોર્ટને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા અને તેને આપવામાં આવેલ CBFC પ્રમાણપત્ર રદ કરવા વિનંતી કરી હતી. તેમની અરજીમાં અબ્બાસે દલીલ કરી હતી કે ફિલ્મ ઐતિહાસિક તથ્યોને વિકૃત કરે છે અને સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચાડી શકે છે. અરજી અનુસાર આ ફિલ્મ એક સિદ્ધાંતને પુનર્જીવિત કરે છે જે કથિત રીતે જણાવે છે કે તાજમહેલ મૂળરૂપે એક હિન્દુ મંદિર હતું, જે દાવો ઘણા પ્રખ્યાત ઇતિહાસકારો અને વિદ્વાનો દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ફિલ્મ તાજમહેલ વિશે ખોટી અને ભ્રામક માહિતી પ્રદાન કરે છે અને રાજકીય એજન્ડાને પ્રોત્સાહન આપે છે. અરજદારે ચેતવણી આપી છે કે ફિલ્મમાં આવા ચિત્રણના દૂરગામી પરિણામો આવી શકે છે, જેમાં સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવાનું અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તાજમહેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું જોખમ શામેલ છે. અરજદારે વિનંતી કરી છે કે CBFC ફિલ્મની ફરીથી તપાસ કરે, ડિસ્ક્લેમર ઉમેરે અને વાંધાજનક ગણાતા કેટલાક દ્રશ્યોને દૂર કરે. આ ફિલ્મ 31 ઓક્ટોબરે રિલીઝ થશે. તુષાર અમરીશ ગોયલ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, આ ફિલ્મ સુરેશ ઝા દ્વારા નિર્મિત છે. પરેશ રાવલ ઉપરાંત, તેમાં ઝાકિર હુસૈન, અમૃતા ખાનવિલકર, નમિત દાસ અને સ્નેહા વાઘ છે.

આ છે હસ્તી બીબીનો ગોખલો..

અમદાવાદના રીલિફ રોડ પર ઝવેરીવાડથી સ્વામિનારાયણ મંદિર તરફ જતા એક જાણીતી પાંજરાપોળ આવેલી છે. એની નજીક દુકાનોની વચ્ચે લીલા આવરણ સાથેની દિવાલમાં એક નાનકડો ગોખલો છે. એની ઉપર લખ્યું છેઃ હસ્તી બીબીનો ગોખલો..

એક માન્યતા પ્રમાણે અહીં માંદુ બાળક રડતું આવે છે અને હસતું હસતું જાય છે. ઇતિહાસના સંશોધકોના મતે, 500થી વધુ વર્ષ પહેલા અહીં શેખ અબ્દુલ્લા એદ્રુસ પરિવારની એક મહિલા રોજ ઝરુખે બેસતી હતી. આ મહિલા સદાય હસતી જોવા મળતી. માન્યતા એવી છે કે આ મહિલા બીમાર બાળકોના માથે હાથ ફેરવતી અને બાળકોની બીમારી દૂર થઈ જતી.

હાલ તેમના આ ઝરૂખાના બદલે અહીં ગોખલો છે, જ્યાં સતત ઘીનો દીવો પ્રજ્વલિત હોય છે. પોતાના બાળકોની સતત ચિંતા કરતાં મા-બાપને એમ ખબર પડે કે અહીં માનતા રાખવાથી બાળક સાજુ થઇ જાય એટલે એ ફક્ત આસ્થા અનુસરે. રડતું બિમાર બાળક, કોઇપણ ધર્મ જાતિનું હોય, પણ એને હસાવવા-સાજું કરવા દવા સાથે દુવા માટે આસ્થાળુઓ અહીં હસ્તી બીબીના ગોખલે જરૂર આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)