Home Blog Page 4989

રાશિ ભવિષ્ય 17/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


 

આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ તા. 17/02/2020

આવકવેરાની તમામ રાહતોને દૂર કરવા કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથીઃ નાણાંપ્રધાન

હૈદરાબાદ – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું કે કોઈ રાહત વગરનો બીજા વૈકલ્પિક ટેક્સ સ્લેબ શરૂ કરવા પાછળ સરકારનો હેતુ દેશને સરળ, છૂટછાટ-મુક્ત અને કરવેરા પદ્ધતિને ઓછા દર તરફ લઈ જવાનો છે. જોકે બધી રાહતો દૂર કરવા માટે સરકારે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી.

સીતારામને આ વર્ષના કેન્દ્રીય બજેટ અંગે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ તથા બુદ્ધિજીવીઓ સાથે એક વાર્તાલાપ સત્ર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ઉપર મુજબ કહ્યું હતું.

નાણાં પ્રધાને કહ્યું હતું કે હાલ અમે માત્ર અમુક છૂટછાટોને દૂર કરવા સાથેનો કે અમુક છૂટછાટોના સમાવેશ સાથેનો બીજો વિકલ્પ શરૂ કર્યો છે, જોકે મૂળ હેતુ તમામ છૂટછાટોને દૂર કરવાનો અને આવકવેરાના ઘટાડેલા દરવાળી સરળ પદ્ધતિ આપવાનો છે.

વર્ષ 2020-21ના બજેટમાં વધારે ટેક્સ સ્લેબ રજૂ કરવામાં આવ્યા છે અને ઉંચી મર્યાદા પ્રદાન કરવામાં આવી રહી છે, પરંતુ એ શરતે કે કરદાતા તમામ ઉપલબ્ધ છૂટછાટો તથા કપાતને પૂરી કરવા માટે તૈયાર હોય, જેમાં હોમ લોન અને હોમ લોન પરના વ્યાજ તથા અન્ય કર-બચતવાળા ઈન્વેસ્ટમેન્ટ સામેલ હોય. તમામ છૂટછાટ દૂર કરવાનું અમે હજી વિચાર્યું નથી… અમે એક-એક ડગલું આગળ વધી રહ્યાં છીએ અને એ માટે કોઈ વિશેષ સમયમર્યાદા નક્કી કરી નથી.

ઉલ્લેખનીય છે કે સીતારામને ગઈ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારનો હેતુ લાંબા ગાળે બધી આવકવેરા રાહતો દૂર કરવાનો છે.

અનોખી દાંડીકૂચઃ ઈન્ટરનેશનલ રેસર મીરા એરડાનાં નેતૃત્ત્વમાં 35 સુરતી મહિલાઓ BMW કાર લઈને દાંડી પહોંચી

સુરત: નિમાયા હેલ્થ વુમન કેર સેન્ટર દ્વારા ગ્રેટ વિકેન્ડર કાર્યક્રમ અંતર્ગત આજે સવારે 7.30 કલાકે ડુમસ રોડ સ્થિત બીએમડબ્લ્યુ શો રૂમ ખાતેથી 35 મહિલાઓએ પોતાની BMW કારમાં સવાર થઇને દાંડી તરફ પ્રસ્થાન કર્યુ હતુ. નેશનલ ફોર્મ્યુલા-ફોરની ઇન્ટરનેશનલ રેસર મીરા એરડાએ આ ઇવેન્ટનું નેતૃત્ત્વ કર્યુ હતું.

બીએમડબ્લુ કારનો કાફલો રોડ પર નીકળ્યો ત્યારે વાહનચાલકો પણ એને જોવા માટે થંભી ગયા હતાં.

વડોદરાનાં 20 વર્ષીય રેસર મીરા એરડાએ કહ્યું કે ઘણાં લોકોએ એમ કહીને મારી મજાક ઉડાવી હતી કે,‘જુઓ એક ગુજરાતી છોકરી રેસમાં તેના પિતા સાથે આવી છે’. કેટલાકે એવું કહ્યું કે થોડા દિવસો માટે કરશે અને પછી ચાલી જશે. જોકે, મારાં ડ્રાઇવિંગના ઉત્સાહને મારાં પપ્પાએ મને ટેકો આપ્યો હતો અને ટીકાકારોને અવગણવાનું કહ્યું હતું, જેને કારણે આજે હું એક અલગ મુકામ પર આવી શકી છું. મને એનો ગર્વ છે. નારી શક્તિ કોઇપણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવા સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આઝાદીના આંદોલન વખતે બ્રિટિશ હકૂમત વિરુદ્ધ મીઠાના સત્યાગ્રહ માટે અમદાવાદથી પગપાળા દાંડી કૂચ કરી હતી. એ પછી પણ ઘણા ગાંધીપ્રેમીઓએ અવારનવાર વિવિધ સ્થળોએથી આ પ્રકારે દાંડીકૂચ કરતા રહ્યાં છે, પણ સુરતમાંથી પ્રથમવાર બીએમડબલ્યુ કાર-કાફલા દ્વારા અનોખી દાંડીકૂચ યોજાઈ, એમ નિમાયા ગ્રેટ વિકેન્ડરના ઓર્ગેનાઇઝર ડો. પૂજા નાડકર્ણી સિંહ અને ડો. પ્રભાકર સિંહે કહ્યું.

એમણે વધુમાં કહ્યું કે અમે મહિલા દિવસની ઉજવણી 8 માર્ચ પૂરતી સીમિત નથી રાખવા માંગતા તેથી જ અત્યાર સુધીમાં આ પ્રોગ્રામ હેઠળ ફૂટબોલ મેચ સહિત પાંચ મહિલાઓલક્ષી ઇવેન્ટ યોજી હતી. હવે બીએમડબલ્યુ એમીનેટ કારના અંકુર જૈનના સહયોગથી કાર ઇવેન્ટમાં મહિલાઓ લક્ઝરિયસ કાર ચલાવી શકે અને એની સાથે ઐતિહાસિક વારસા વિશે માહિતગાર થાય એ હેતુથી આ ઇવેન્ટનું આયોજન કરાયું છે. દાંડીમાં ત્યાંના ઈતિહાસ વિશે પણ ગાઇડ દ્વારા માહિતી આપવામાં આવશે. બાદમાં હળવો નાસ્તો કરી સૌ ફરીથી કારમાં સુરત પરત ફરશે.











કેજરીવાલના શપથવિધિ સમારોહમાં ‘છોટુ મફલરમેન’ છવાઈ ગયો…

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે 16 ફેબ્રુઆરી, રવિવારે દિલ્હીના રામલીલા મેદાન ખાતે દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે સતત ત્રીજી વાર શપથ લીધા હતા. એ પ્રસંગે કેજરીવાલનાં પરિવારજનો તથા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ-સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં એક બાળક પણ સત્તાવાર રીતે હાજર રહ્યો હતો, જે 'છોટુ મફલરમેન' તરીકે જાણીતો થયો છે. પાર્ટીના નેતાઓ અને સ્વયંસેવકો રમાડતા જોવા મળ્યા હતા.


દિલ્હીની કાતિલ ઠંડીથી બચવા માટે કેજરીવાલ કાન અને ગળાને ઢાંકવા માટે મફલર પહેરવા માટે જાણીતા છે. એમની જેવો વેશ ધારણ કરીને ‘લિટલ મફલરમેન’ તરીકે 8 ફેબ્રુઆરીએ મતદાનના દિવસે જોવા મળેલા અને ફેમસ થયેલા બાળકને પણ શપથવિધિ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે હાજર રહ્યો હતો.


રાઘવ ચઢ્ઢા


સોમનાથ ભારતી


લિટલ મફલરમેન બાળકના પિતાએ કહ્યું કે એમના દીકરાને કેજરીવાલ જેવા ડ્રેસમાં સજ્જ કરવાનો આઈડિયા એમની પત્નીનો હતો. આ ઉંમરે તો એ માત્ર કેજરીવાલના ડ્રેસની જ નકલ કરી શકે એમ છે, પણ મોટો થઈને એ પણ કેજરીવાલની જેમ પ્રામાણિક અને મહેનતુ વ્યક્તિ બને એવા પ્રયત્ન કરીશું.


આ લિટલ મફલરમેન બાળકનું નામ છે અવ્યાન તોમર.


કેજરીવાલના 'મફલરમેન' તરીકેનો વેશ ધારણ કરીને બીજા પણ ઘણા બાળકો હાજર રહ્યા હતા, જેમને સહુ રમાડતા જોવા મળ્યા હતા.












મૌની રોય માલદીવમાં: સ્વિમિંગ પૂલમાં કર્યો બ્રેકફાસ્ટ…

બોલીવૂડ (ગોલ્ડ ફિલ્મ) અને હિન્દી ટીવી સિરિયલોની અભિનેત્રી મૌની રોય વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવા માટે માલદીવના દરિયાકાંઠે લક્ઝરિયસ વેકેશન ગાળવા ગઈ છે. ત્યાં મજા માણતી પોતાની કેટલીક ઉત્તેજક તસવીરો એણે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે.


આ તસવીરમાં તે એક સ્વિમિંગ પૂલમાં બ્રેકફાસ્ટની મજા માણી રહી છે.












મૌનીએ ફોટોશૂટ માટે આકર્ષક અને સેક્સી રંગનાં સ્વિમવેર પસંદ કર્યા હતાં.










આ તસવીરમાં મૌની બીચ બેબનાં લૂકમાં જોઈ શકાય છે.




એક તસવીરમાં તે બ્લુ રંગ જેવા દેખાતા પાણીનો દરિયો નિહાળતી અને ખુલ્લી પીઠ સાથે જોવા મળે છે, બહુ સુંદર દેખાય છે.


















BCCIના સીઈઓ પદેથી રાહુલ જોહરીએ રાજીનામું આપ્યું

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રથમ ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર રાહુલ જોહરીએ એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, પણ ક્રિકેટ બોર્ડ એને સ્વીકારે એમાં થોડોક સમય લાગી જશે અને ત્યાં સુધી એમણે હોદ્દા પર ચાલુ રહેવું પડશે.

જોહરીને 2016માં એ વખતના બીસીસીઆઈ પ્રમુખ મનોહર શશાંક અને સેક્રેટરી અનુરાગ ઠાકુરે સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)એ એ વખતે આદેશ કર્યા બાદ સીઈઓનો હોદ્દો પહેલી જ વાર રચવામાં આવ્યો હતો. ગયા વર્ષના ઓક્ટોબરમાં CoAએ બોર્ડના કામકાજમાંથી વિદાય લીધી હતી અને એ સાથે જ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ટીમ માટે બીસીસીઆઈનો કારભાર પોતાને હસ્તક લેવાનો માર્ગ મોકળો થયો હતો. CoAની વિદાય બાદ પોતાના સીઈઓ હોદ્દા પરથી રાજીનામું આપવાનું રાહુલ જોહરીએ નક્કી કર્યું હતું.

બીસીસીઆઈના એક સૂત્રનું કહેવું છે કે જોહરીનું રાજીનામું સ્વીકારાતાં થોડોક સમય લાગશે. એ માટે એમની સાથે વાટાઘાટ ચાલી રહી છે, કારણ કે એ ઘણી બધી જવાબદારીઓ સંભાળી રહ્યા છે. એમાંની એક જવાબદારી છે સ્ટાર ઈન્ડિયાને રૂ. 16,348 કરોડની રકમમાં આપવામાં આવેલા આઈપીએલ બ્રોડકાસ્ટિંગ રાઈટ્સને પ્રમોટ કરવાની.

કેજરીવાલે CM તરીકે ત્રીજી વાર શપથ લીધા; PM મોદીના આશીર્વાદ માગ્યા

નવી દિલ્હી – દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અહીં ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન ખાતે યોજવામાં આવેલા શપથવિધિ કાર્યક્રમમાં દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર બૈજલે એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

કેજરીવાલ ઉપરાંત એમની પાછલી સરકારમાંના તમામ છ પ્રધાનોએ પણ આજે શપથ લીધા હતા. એમાં મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે.

શપથવિધિ સમારોહમાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા.

AAPને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર જિતાડવા બદલ દિલ્હીની જનતાનો આભાર માનતા બેનર્સ અને પોસ્ટર્સ સાથે AAPના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ‘ધન્યવાદ દિલ્લી’ જેવા સૂત્રો બેનર્સ અને પોસ્ટર્સ પર જોવા મળ્યા હતા. આ સમારોહ જાહેર જનતા માટે પણ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

શપથ ગ્રહણ કર્યા બાદ પોતાના 20-મિનિટના ભાષણમાં કેજરીવાલે કહ્યું હતું કે પોતે આગામી પાંચ વર્ષ માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન રાખીને કાર્ય કરશે.

પોતાની પાર્ટીની જીતને પ્રત્યેક દિલ્હીવાસીની સફળતા તરીકે ગણાવીને કેજરીવાલે કહ્યું કે પોતે દરેક જણના મુખ્ય પ્રધાન છે, પછી ભલે કોઈએ દિલ્હીવાસીઓએ ભાજપ કે કોંગ્રેસને મત આપ્યો હોય તો પણ. હું દિલ્હીના તમામ બે કરોડ લોકોને કહેવા માગું છું કે તમે સૌ મારા પરિવાર છો. તમે કોઈ પણ પાર્ટીના હો કે જાતિ કે ધર્મના હો, ગરીબ હો કે શ્રીમંત હો, આપણે સૌ એક જ પરિવારના સભ્યો છીએ. હું મુખ્ય પ્રધાન તરીકે આવતા પાંચ વર્ષમાં આપ સૌને માટે કાર્ય કરીશ.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની કાતિલ ઠંડીથી બચવા માટે કેજરીવાલ કાન અને ગળાને ઢાંકવા માટે મફલર પહેરવા માટે જાણીતા છે. એમની જેવો વેશ ધારણ કરીને ‘બાળ મફલરમેન’ તરીકે 8 ફેબ્રુઆરીએ મતદાનના દિવસે જોવા મળેલા અને ફેમસ થયેલા બાળકને પણ આજે શપથવિધિ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે હાજર રહ્યો હતો.

કેજરીવાલે દિલ્હીની પ્રગતિ માટે પોતાની સરકારને મદદ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી અને ખાતરી આપી હતી કે આ માટે પોતે કેન્દ્ર સરકાર સાથે સહયોગ અને સંકલન જાળવીને કામ કરશે. મેં મારા શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન મોદીને પણ આમંત્રિત કર્યા હતા. હું એમને વિનંતી કરું છું કે તેઓ દિલ્હીનો વિકાસ કરવામાં અમને મદદ કરે.

વડા પ્રધાનને એમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી તેઓ આજે કેજરીવાલના સમારંભમાં હાજર રહી શક્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, 70-બેઠકોની વિધાનસભાની ગત્ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 62 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો હતો. અન્ય આઠ બેઠક ભાજપને મળી હતી. કોંગ્રેસને એકેય બેઠક મળી નથી.

સુવિચાર – ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૦

વાજતેગાજતે થઈ 19મા ટ્રાન્સમિડિયાનાં નામાંકનોની જાહેરાત

અમદાવાદઃ 19મા ટ્રાન્સમિડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ 2019ના વિજેતાઓ માટેના નોમિનેશન્સ-નામાંકનોની જાહેરાત થઈ ચૂકી છે. આ વર્ષની ગુજરાતી ફિલ્મોમાં ટિચર ઓફ ધ યર અને મોન્ટુની બિટ્ટુને સૌથી વધુ 12-12 નામાંકનો, જ્યારે ધુનકી અને ચીલઝડપને 10-10 નામાંકનો મળ્યાં છે. આ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મના એવોર્ડ માટે હવે ટીચર ઓફ ધ યર, મોન્ટુની બિટ્ટુ, ગુજરાત 11, ચીલઝડપ, ધુનકી અને કાચિંડો નામાંકનોમાં છે.

શ્રેષ્ઠ અભિનેતા માટે મૌલિક જગદીશ નાયક(મોન્ટુની બિટ્ટુ), શૌનક વ્યાસ(ટીચર ઓફ ધ યર), કિરણ કુમાર(હવે થશે બાપ રે બાપ), જીમિત ત્રિવેદી(ચીલઝડપ), હિતેનકુમાર(જલસાઘર), ગૌરવ પાસવાલા(ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર) અને પ્રતીક ગાંધી(ધુનકી)ને નોમિનેશન્સ મળ્યાં હતાં, તો શ્રેષ્ઠ અભિનેત્રી માટે ડેઝી શાહ(ગુજરાત 11), આરોહી પટેલ(મોન્ટુની બિટ્ટુ), સોનિયા શાહ(ચીલઝડપ), દિક્ષા જોશી(ધુનકી), ઝીનલ બેલાની(ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર) અને પ્રીનલ ઓબેરોય(સાજન પ્રીતની જગમાં થશે જીત)ને નોમિનેશન્સ મળ્યાં હતાં.

શ્રેષ્ઠ દિગ્દર્શન માટે ધર્મેશ મહેતા(ચીલઝડપ), ડૉ. વિક્રમ પંચાલ-શૌનક વ્યાસ(ટીચર ઓફ ધ યર), નીરવ બારોટ(હવે થશે રે બાપ રે બાપ), અનીશ શાહ(ધુનકી), હિરેન જાદવાની(તારી મુસ્કુરાહટ), જયંત ગીલાટર(ગુજરાત 11) અને વિજયગીરી બાવા(મોન્ટુની બિટ્ટુ) નોમિનેટ થયા છે.

આ સિવાય મુંબઈનાં નાટકો, ગુજરાતનાં નાટકો અને ટેલિવિઝન સિરિયલ્સ માટે પણ તમામ કેટેગરીઝમાં નોમિનેશન્સની જાહેરાત આ પ્રસંગે કરવામાં આવી. સ્ક્રીન અને ટીવીના તજજ્ઞો તુષાર વ્યાસ, કાર્તિકેય ભટ્ટ, શ્રીનિવાસ પાત્રો, ચીકા ખરસાણી, અતુલ બ્રહ્મભટ્ટ વગેરેએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. નિર્ણાયકોએ જણાવ્યું હતું કે આ વર્ષે 56 ગુજરાતી ફિલ્મો આવી, જેમાંની મોટાભાગની સારી ફિલ્મો આ સ્પર્ધામાં સામેલ છે. આપણી ફિલ્મોનું સ્તર ઘણું ઊંચું આવ્યું છે ને આનંદ પમાડે એવું છે. ગીતલેખન, કોસ્ચ્યુમ ડિઝાઈન અને સ્ક્રીનપ્લેમાં આપણે હજી વધારે મહેનત કરીએ તો સોનામાં સુગંધ ભળે.

‘હેલ્લારો’ ફિલ્મ અને ‘સફરજન’ નાટકને આ વર્ષે ટ્રાન્સમિડિયાના સ્પેશિયલ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ટ્રાન્સમિડિયા સ્પેશિયલ એવોર્ડઝમાં આ વર્ષે સંગીતબેલડીનો શ્રી મહેશ-નરેશ એવોર્ડ કેદાર-ભાર્ગવને, સ્વ હેમુ ગઢવી એવોર્ડ પ્રફુલ્લ દવેને, સ્વ ગોવિંદભાઈ પટેલ મહારથી એવોર્ડ આનંદ પડિતને, જૈનરત્ન એવોર્ડ કમલકુમાર સચેતીને, લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મિનળ પટેલ અને ફિરોઝ ઈરાનીને જાહેર કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ઈસ્કોન ગ્રુપના પ્રવીણ કોટક, જાણીતા અભિનેતા નરેશ કનોડિયા, ધારાસભ્ય ને અભિનેતા હિતુ કનોડિયા વગેરે જેવા અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ટ્રાન્સમિડિયાના એમ.ડી. જસ્મીન શાહને સતત 19 વરસ આ ભગીરથ કાર્યને આગળ ધપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

‘ચિત્રલેખા’ સાપ્તાહિક આ આયોજનનું ‘મેગેઝિન પાર્ટનર’ છે.

અભિલાષ ઘોડાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના સમાપન નજીક નરેશ કનોડિયાએ એમની લોકપ્રિય શૈલીમાં ‘જાગ રે માલણ જાગ’ ગીત સંભળાવી શ્રોતાઓને ખુશહાલ કર્યા હતા.













અહેવાલઃ સુનીલ મેવાડા

તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ