અનોખી દાંડીકૂચઃ ઈન્ટરનેશનલ રેસર મીરા એરડાનાં નેતૃત્ત્વમાં 35 સુરતી મહિલાઓ BMW કાર લઈને દાંડી પહોંચી

સુરત: નિમાયા હેલ્થ વુમન કેર સેન્ટર દ્વારા ગ્રેટ વિકેન્ડર કાર્યક્રમ અંતર્ગત આજે સવારે 7.30 કલાકે ડુમસ રોડ સ્થિત બીએમડબ્લ્યુ શો રૂમ ખાતેથી 35 મહિલાઓએ પોતાની BMW કારમાં સવાર થઇને દાંડી તરફ પ્રસ્થાન કર્યુ હતુ. નેશનલ ફોર્મ્યુલા-ફોરની ઇન્ટરનેશનલ રેસર મીરા એરડાએ આ ઇવેન્ટનું નેતૃત્ત્વ કર્યુ હતું.

બીએમડબ્લુ કારનો કાફલો રોડ પર નીકળ્યો ત્યારે વાહનચાલકો પણ એને જોવા માટે થંભી ગયા હતાં.

વડોદરાનાં 20 વર્ષીય રેસર મીરા એરડાએ કહ્યું કે ઘણાં લોકોએ એમ કહીને મારી મજાક ઉડાવી હતી કે,‘જુઓ એક ગુજરાતી છોકરી રેસમાં તેના પિતા સાથે આવી છે’. કેટલાકે એવું કહ્યું કે થોડા દિવસો માટે કરશે અને પછી ચાલી જશે. જોકે, મારાં ડ્રાઇવિંગના ઉત્સાહને મારાં પપ્પાએ મને ટેકો આપ્યો હતો અને ટીકાકારોને અવગણવાનું કહ્યું હતું, જેને કારણે આજે હું એક અલગ મુકામ પર આવી શકી છું. મને એનો ગર્વ છે. નારી શક્તિ કોઇપણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવા સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આઝાદીના આંદોલન વખતે બ્રિટિશ હકૂમત વિરુદ્ધ મીઠાના સત્યાગ્રહ માટે અમદાવાદથી પગપાળા દાંડી કૂચ કરી હતી. એ પછી પણ ઘણા ગાંધીપ્રેમીઓએ અવારનવાર વિવિધ સ્થળોએથી આ પ્રકારે દાંડીકૂચ કરતા રહ્યાં છે, પણ સુરતમાંથી પ્રથમવાર બીએમડબલ્યુ કાર-કાફલા દ્વારા અનોખી દાંડીકૂચ યોજાઈ, એમ નિમાયા ગ્રેટ વિકેન્ડરના ઓર્ગેનાઇઝર ડો. પૂજા નાડકર્ણી સિંહ અને ડો. પ્રભાકર સિંહે કહ્યું.

એમણે વધુમાં કહ્યું કે અમે મહિલા દિવસની ઉજવણી 8 માર્ચ પૂરતી સીમિત નથી રાખવા માંગતા તેથી જ અત્યાર સુધીમાં આ પ્રોગ્રામ હેઠળ ફૂટબોલ મેચ સહિત પાંચ મહિલાઓલક્ષી ઇવેન્ટ યોજી હતી. હવે બીએમડબલ્યુ એમીનેટ કારના અંકુર જૈનના સહયોગથી કાર ઇવેન્ટમાં મહિલાઓ લક્ઝરિયસ કાર ચલાવી શકે અને એની સાથે ઐતિહાસિક વારસા વિશે માહિતગાર થાય એ હેતુથી આ ઇવેન્ટનું આયોજન કરાયું છે. દાંડીમાં ત્યાંના ઈતિહાસ વિશે પણ ગાઇડ દ્વારા માહિતી આપવામાં આવશે. બાદમાં હળવો નાસ્તો કરી સૌ ફરીથી કારમાં સુરત પરત ફરશે.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]