આવકવેરાની તમામ રાહતોને દૂર કરવા કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથીઃ નાણાંપ્રધાન

હૈદરાબાદ – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું કે કોઈ રાહત વગરનો બીજા વૈકલ્પિક ટેક્સ સ્લેબ શરૂ કરવા પાછળ સરકારનો હેતુ દેશને સરળ, છૂટછાટ-મુક્ત અને કરવેરા પદ્ધતિને ઓછા દર તરફ લઈ જવાનો છે. જોકે બધી રાહતો દૂર કરવા માટે સરકારે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી.

સીતારામને આ વર્ષના કેન્દ્રીય બજેટ અંગે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ તથા બુદ્ધિજીવીઓ સાથે એક વાર્તાલાપ સત્ર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ઉપર મુજબ કહ્યું હતું.

નાણાં પ્રધાને કહ્યું હતું કે હાલ અમે માત્ર અમુક છૂટછાટોને દૂર કરવા સાથેનો કે અમુક છૂટછાટોના સમાવેશ સાથેનો બીજો વિકલ્પ શરૂ કર્યો છે, જોકે મૂળ હેતુ તમામ છૂટછાટોને દૂર કરવાનો અને આવકવેરાના ઘટાડેલા દરવાળી સરળ પદ્ધતિ આપવાનો છે.

વર્ષ 2020-21ના બજેટમાં વધારે ટેક્સ સ્લેબ રજૂ કરવામાં આવ્યા છે અને ઉંચી મર્યાદા પ્રદાન કરવામાં આવી રહી છે, પરંતુ એ શરતે કે કરદાતા તમામ ઉપલબ્ધ છૂટછાટો તથા કપાતને પૂરી કરવા માટે તૈયાર હોય, જેમાં હોમ લોન અને હોમ લોન પરના વ્યાજ તથા અન્ય કર-બચતવાળા ઈન્વેસ્ટમેન્ટ સામેલ હોય. તમામ છૂટછાટ દૂર કરવાનું અમે હજી વિચાર્યું નથી… અમે એક-એક ડગલું આગળ વધી રહ્યાં છીએ અને એ માટે કોઈ વિશેષ સમયમર્યાદા નક્કી કરી નથી.

ઉલ્લેખનીય છે કે સીતારામને ગઈ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારનો હેતુ લાંબા ગાળે બધી આવકવેરા રાહતો દૂર કરવાનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]