IT વિભાગને માર્ચ સુધીમાં રૂ. બે લાખ કરોડની કરવસૂલાતનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન ભારતીય નાગરિકો દ્વારા ઘણો ટેક્સ ઓછો ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એના બે દિવસ પછી સરકારે આવકવેરા વિભાગને માર્ચ સુધીમાં રૂ. બે લાખ કરોડના ટેક્સ વસૂલાતનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંક એમ્નેસ્ટી સ્કીમ વિવાદથી વિશ્વાસ હેઠળ આપવામાં આવ્યો હતો, જેની સમયમર્યાદા જૂન, 2020 રાખવામાં આવી છે.

જોકે બજેટની આ દરખાસ્ત સંસદમાં પાસ થવી બાકી છે અને માર્ચના પહેલા સપ્તાહમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટેક્સ અધિકારીને રેઇડ પાડવા માટે કહેવામાં આવ્યું છે. જેથી ટેક્સ પેયર્સ પરેશાન થાય એવી શક્યતા છે. મહત્ત્વની વાત એ છે કે સીબીડીટીના અધિકારીઓની ભવિષ્યમાં થનારી પોસ્ટિંગ દરમ્યાન તેમની ટેક્સ વસૂલાતની લાયકાતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને હાલમાં રજૂ કરેલા બજેટમાં વિવાદથી વિશ્વાસની ઓનરશિપ પીએમઓ પાસે છે અને સરકારે આ માટે એક વિશેષ સેલની રચના કરી છે. સૂત્રો અનુસાર આ સેલમાં રેવન્યુ સચિવ અજય ભૂષણ પાંડે અને સીબીડીટીના ચેરમેન પીસી મોદી સામેલ છે. આ સેલની સપ્તાહમાં એક દિવસ બેઠક યોજાશે, જેમાં યોજના હેઠળ ટેક્સ વસૂલાત પર કડક નિગરાની રાખવામાં આવશે.

વિવાદથી વિશ્વાસ યોજનાનો પ્રારંભ ટેક્સના અધૂરા પડેલા આશરે 4,83,000 કેસોમાં સમાધાન કરવાનો ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યો છે. આ કેસ કમિશનર, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સામે પેન્ડિંગ છે.

આવકવેરા વિભાગની આવકમાં રૂ. 1.25 લાખ કરોડનો ઘટાડો થયો છે. આવકમાં ઘટાડાને કારણે કેન્દ્રીય બજેટ 2020માં સીધા કરવેરાની વસૂલાતના આંકડાને પુનર્ગઠિત કરવામાં આવ્યા હતા. આ પહેલાં ટેક્સ વસૂલાતના આંકડા રૂ. 13.35 લાખ કરોડ હતો, જે ઘટાડીને રૂ. 11.80 લાખ કરોડ કરવામાં આવ્યો હતો. આવકમાં પડેલી ઘટને પૂરી કરવા માટે સરકાર વિવાદથી વિશ્વાસ યોજના લાવી છે, જેથી કર વસૂલાતનું લક્ષ્ય હાંસલ થઈ શકે.