વોડાફોન-આઇડિયા ભારતનો વેપાર બંધ કરે એવી શક્યતાઃ એક લાખ નોકરીઓ પર જોખમ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને એડજસ્ટ ગ્રોથ રેવન્યુ (AGR)ની ચુકવણીને લઈને આપેલા આદેશ પછી દેશભરમાં ટેલિકોમ કંપનીઓમાં હડકંપ મચી ગયો છે. આ આદેશ પછી વોડાફોન-આઇડિયાને અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે, કેમ કે કંપનીનની ડિસેમ્બર ત્રિમાસિકમાં પણ ખોટમાં વધારો થયો વોડાફોન-આઇડિયાના બાકી લેણાંની રકમ જોતાં કંપની પોતાનો ભારત ખાતેનો વેપાર સમેટી પણ લે, એવી શક્યતા છે. આનાથી એક લાખથી વધુ લોકોની આજીવિકા પ્રભાવિત થવાની શક્યતા છે.

વોડાફોન-આઇડિયા પર રૂ. 53,000 કરોડનાં બાકી લેણાં

સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર, 2019એ ચુકાદામાં ટેલિકોમ કંપનીઓને એડજસ્ટ ગ્રોથ રેવન્યુ (AGR)ની ચુકવણી કરવા કહ્યું હતું. આ આદેશ પછી ટેલિકોમ ક્ષેત્રે જબરદસ્ત હરીફાઈનો સામનો કરી રહેલી કંપનીઓ પર રૂ. 1.47 લાખ કરોડનાં બાકી લેણાં છે. વોડાફોન-આઇડિયા પર રૂ. 53,038 કરોડનાં બાકી લેણાં છે. આ બાકી લેણાંની ચુકવણી માટે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સને (ડોટ) ફટકાર લગાવી હતી. ત્યાર બાદ ડોટે ટેલિકોમ કંપનીઓને બાકી રકમને ચૂકવવા માટે શુક્રવાર રાત્રે 12 વાગ્યાનો સમય આપ્યો હતો. હવે જો કંપની આવામાં કામગીરી બંધ કરી દે તો કમસે કમ એક લાખથી વધુ લોકો બેરોજગાર થઈ જાય. આરકોમના ચેરમેનના જણાવ્યા મુજબ ટેલિકોમ વર્લ્ડમાં 20 લાખ નોકરીઓ જતી રહી છે.

વોડાફોન-આઇડિયાએ ગુરુવારે ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામો જાહેર કર્યા હતાં. જેમાં વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમ્યાન કંપનીની ખોટ વધીને રૂ. 6,438.80 (રૂ. 5,004.6) કરોડ થઈ છે. આ ઉપરાંત ડિસેમ્બર, 2019એ પૂરા થતા ત્રિમાસિક દરમ્યાન કંપનીની કુલ આવક પાંચ ટકા ઘટીને રૂ. 11,380.5 કરોડ થઈ હતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]