ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા અમેરિકાએ ફેંકી વિકસિત રાષ્ટ્રની ગૂગલીઃ શિવસેના

નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. શિવસેનાએ કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પહેલા સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિએ ભારતને વિકાસશીલ દેશોના લિસ્ટમાંથી બહાર કરીને સંકટમાં નાંખી દિધું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી કહ્યું કે, ટ્રમ્પના તંત્રએ આમ કરીને ગૂગલી ફેંકી છે. ભારત હવે એક વિકાસશીલ દેશ નહી પરંતુ વિકસીત રાષ્ટ્ર છે. આ ભારત માટે એક મોટું સંકટ છે. ભારત શિક્ષણ, સ્વાસ્થ્ય, બેરોજગારી, સ્વચ્છતા અને ગરીબી નિવારણ જેવા માપદંડો પર વિકસિત દેશોની સ્થિતિથી ખૂબ દૂર છે. શિવસેનાએ આગળ કહ્યું કે, ભારત એક વિકસિત દેશ નથી અને હવે આ દેશ એ લાભોનો વધારે ફાયદો નહી ઉઠાવી શકે, કે જે એક વિકાસશીલ રાષ્ટ્રને મળે છે. જો કે, આપણા વડાપ્રધાને આને લઈને એક રસ્તો શોધી લેશે અને ટ્રમ્પ દ્વારા મોકલવામાં આવેલા કારેલાને મિઠાઈમાં બદલી નાંખશે.

24 અને 25 ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પહેલા, અમેરિકાએ ભારતને વિકાસશીલ દેશોના લિસ્ટમાંથી બહાર મૂક્યું છે. યૂએસટીઆર કાર્યાલયે ભારતને એક વિકસિત અર્થવ્યવસ્થાના રુપમાં વર્ગીકૃત કરી છે કે જે વિકાસશીલ દેશોને વોશિંગ્ટનથી મળનારા લાભો માટે અયોગ્ય બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા સાથે બે દિવસીય ભારતના પ્રવાસે 24 ફેબ્રુઆરીના રોજ આવવાના છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં એક ભવ્ય રોડ-શો માં જોડાશે. તેઓ સાબરમતી આશ્રમ પણ જશે. બાદમાં ટ્રમ્પ, વડાપ્રધાન મોદી સાથે મોટેરામાં નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને સભાને સંબોધિત પણ કરશે, જેને “કેમ છો ટ્રમ્પ” નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ “હાઉડી મોદી” જેવો જ કાર્યક્રમ હશે, જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના હ્યૂસ્ટનમાં આયોજિત કરવામાં આવ્યો હતો.