નવી દિલ્હીઃ બેંગલોરમાં એઆઇએમઆઇએમના પ્રમુખ અને સંસદસભ્ય અસદુદ્દીન ઓવેસીની હાજરીમાં એક કાર્યક્રમમાં એક યુવતીએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જોકે આ યુવતીના પિતાએ તેના નિવેદનની તીખી આલોચના કરી હતી. અમૂલ્યાએ જેકાંઈ કહ્યું એ ખોટું છે. તે કેટલાક મુસ્લિમોની સાથે જોડાયેલી છે અને તેણે મારી વાત નહોતી સાંભળી. ઓવેસીના મંચ પર નારા લગાવનારી અમૂલ્યાની સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.
સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA)ના વિરોધમાં બેંગલુરુમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરવા માટે ઓવેસીને બોલાવવામાં આવ્યા, એ દરમ્યાન અમૂલ્યાએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જોકે આ યુવતીને ઓવેસીએ રોકવાની કોશિશ કરી હતી. અમૂલ્યાના પિતાએ કહ્યું કે અમૂલ્યાએ જેકાંઈ કહ્યું, એ ખોટું છે. તે કેટલીક મુસ્લિમો સાથે સંકળાયેલી છે અને મારી વાત નથી સાંભળતી.
ઓવેસીએ સ્પષ્ટતા કરી
બેંગલુરુમાં એક જનસભામાં એક યુવતીએ મંચ પરથી પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. જોકે મહિલાને રોકવાની કોશિશ કરવામાં આવી, પણ તે ના અટકી. છેવટે પોલીસે તેને મંચ પરથી દૂર કરવી પડી. ત્યાર બાદ ઓવેસીએ સ્પષ્ટતા કરી હતી કે તે યુવતી સાથે તેમની પાર્ટીને કોઈ સંબંઘ નથી. બેંગલુરુ પોલીસે સૂત્રો પોકારતી યુવતીનેની સામે દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. ઓવેસીએ લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે તે યુવતી સાથે તેઓ સંમત નથી. ના તો મારો અને ના તો પાર્ટીનો તે યુવતી સાથે કોઈ સંબંધ છે. આયોજકોએ તેને અહીં ના બોલાવવી જોઈએ. જો મને આ માલૂમ હોત તો હું અહીં ના આવત. અમે ભારત માટે છીએ અમે કોઈ પણ દુશ્મન દેશનું સમર્થન નથી કરતા. અમારું આંદોલન ભારતને બચાવવા માટેનું છે.
નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના કારણે બંધ પડેલા નોએડા-ફરીદાબાદ રોડને આજે થોડીવાર માટે ખોલવામાં આવ્યો હતો. આ રુટ પર એક બસ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આ રોડને આશરે 40 મીનિટ માટે ખોલવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં આને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો.
બીજીતરફ દિલ્હીના શાહીનબાગમાં બંધ રસ્તો ખોલાવવા માટે ગઈકાલે મધ્યસ્થ સાધના રામચંદ્રન અને સંજય હેગડે પહોંચ્યા હતા. તેમણે આંદોલનકારીઓ સાથે વાત કરી હતી. સાધના રામચંદ્રને કહ્યું કે, આપણે તમામ ભારતીય નાગરિકો છીએ. આપણે સમજીને ચાલવું પડશે. આપ લોકોએ સમજવું પડશે કે સીએએનો મુદ્દો સુપ્રીમ કોર્ટની સામે આવશે. તેમણે બંધ રોડ મુદ્દે વાતચિત શરુ કરી હતી. સંજય હેગડેએ કહ્યું કે, કોઈને તકલીફ થઈ રહી છે તો બધા મળીને રસ્તો કાઢીએ.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શાહીનબાગના બંધ રસ્તાને ખોલાવવા માટે આંદોલનકારીઓ સાથે વાતચિત કરવા માટે મધ્યસ્થોની પસંદગી કરી હતી. મધ્યસ્થ સંજય હેગડે અને સાધના રામચંદ્રને બુધવારના રોજ પણ શાહીનબાગમાં વિરોધ કરી રહેલા લોકો સાથે વાતચિત કરી હતી પરંતુ કોઈ સમાધાન આવી ન શક્યું. બંન્ને મધ્યસ્થ ગુરુવારના રોજ પણ ધરણા સ્થળ પર પહોંચેલા લોકો સાથે વાતચિત કરી હતી.
અમદાવાદઃ વૈશ્વિક પર્યાવરણને પ્રદૂષણમુક્ત બનાવવાનો એજન્ડા નક્કી કરનાર એક અગ્રણી વૈશ્વિક પર્યાવરણીય ઓથોરિટી UNEPએ અમદાવાદની સ્વરોજગાર મહિલા સંસ્થા ‘સેવા’ સાથે સહયોગ કર્યો છે. દેશના અસંગઠિત ક્ષેત્રની મહિલા કામદારોની સૌથી મોટી એકમાત્ર સંસ્થા ‘સેવા’ અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓલ ઇન્ડિયાએ દેશભરમાં નીચલા સ્તરેથી 15,000 મહિલાઓને સોલર ટેક્નિશિયન્સ તૈયાર કરવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે.
વિશ્વની સૌથી મોટી સંસ્થાઓ પૈકીની એક સંસ્થા ‘સેવા’ દેશનાં 18 રાજ્યોમાં ગ્રામીણ અસંગઠિત ક્ષેત્રે મહિલાઓના ઉદ્ધાર માટે કાર્યરત છે. સંસ્થામાં આશરે 19 લાખ ગરીબ મહિલા સભ્યો છે. વળી, છેલ્લા ચાર દાયકાથી સંસ્થા મહિલાઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે અવિરતપણે કાર્ય કરે છે. આ ઉપરાંત સંસ્થાની સપ્લાય ચેઇન પણ મજબૂત છે. 2012માં સેવાએ સોલર પમ્પનું નીચા ખર્ચે ઉત્પાદન શરૂ કર્યું હતું, જેથી કચ્છના રણમાં મીઠાના અગરિયાઓને ક્લીન એનર્જીનો વિકલ્પ આપી શકાય. ત્યારથી અત્યાર સુધી સેવાએ મીઠું પકવતા (અગરિયાઓ) ખેડૂતોની આવક વધારવા અને ડીઝલનો ખર્ચ ઘટાડવા માટે 1500 ડીઝલ પમ્પોની બદલીને હાઇબ્રીડ સોલર પમ્પસમાં પરાવર્તિત કર્યા છે, જેથી આ ખેડૂતોના મીઠાના ઉત્પાદનમાં પણ આશરે 15 ટકાનો વધારો થયો છે. આના લીધે પરર્યાવરણમાં કાર્બનનું ઉત્સર્જન પણ ઘટાડવામાં મદદ મળી છે. આવતાં પાંચ વર્ષમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોને સેવાની 20,000 સોલર પમ્પ આપવાની તેમ જ 2.7 મેગાવોટની ક્ષમતાનો સોલર પાર્ક સ્થાપવાની યોજના છે. વળી, લાંબા સમય સુધી આ સોલર પમ્પસની જાળવણી કરવા માટે ‘સેવા’એ ESSCI અને UNEP સાથે સહયોગ કરાર કર્યા છે. જેનો ઉદ્દેશ યુવા મહિલાઓને ટેક્નિકલ તાલીમ અને ઉદ્યોગ સાહસિક સ્કિલ વિકસાવી શકાય. આ સંસ્થાઓનો ઉદ્દેશ 15,000 સોલર ટેક્નિશિયન તૈયાર કરવાનો છે. જેથી ગ્રામીણ વિસ્તારોનાં ઘરોમાં આની યોગ્ય સેવાઓ પ્રદાન કરી શકાય.
આ પ્રોજેક્ટને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ESSCI) અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NSDC)નો પૂરતો સહયોયોગ કરવામાં આવ્યો છે. ‘સેવા’ની બહેનોને સંબંધ છે ત્યાં સુધી ગ્રાસરૂટ ટ્રેડિંગ નેટવર્ક (GTN) આ પ્રોજેક્ટના અમલીકરણમાં આગેવાની કરશે. UNEPનો અનુભવ અને નિપુણતાનો લાભ આ જ પ્રકારના કાર્યક્રમોના અમલીકરણમાં આપશે. ખાસ કરી અન્ય દેશો જેવા કે વિયેટનામ, કમ્બોડિયા અને બંગલાદેશમાં લાગુ કરવામાં આવતા મહિલા સશક્તીકરણના કાર્યક્રમમાં આ પ્રકારની સેવાઓ આપશે તેમ જ ક્ષમતા વધારવા અને માહિતી આપીને માર્ગદર્શન કરશે. સંસ્થા યોગ્ય બિઝનેસ મોડલ્સને વિકસાવવા પણ માર્ગદર્શન અને સહયોગ કરશે.
આ સંસ્થાઓના સહયોગથી ‘સેવા’ની આશરે 15,000 ગરીબ ગ્રામીણ મહિલાઓને આજીવિકા મળશે. તેમનું જીવનધોરણ ઊંચું આવશે. આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને સોલર ટેક્નિશિયનની તાલીમ આપવામાં આવે છે, જેથી તેમના ઘરથી નજીકના વિસ્તારમાં જ તેમને રોજગારી ઉપલબ્ધ કરાવશે. આ સોલર ઉદ્યોગ સાહસિકો વિશ્વના ક્લાઇમેટ ચેન્જમાં સહયોગ કરવા સાથે ક્લીન એનર્જી વડે પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે. આ ઉપરાંત ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા ઉપરાંત તેમના કામકાજના દિવસો ઘટાડશે અને ઉત્પાદન તેમ જ આવકમાં વધારો કરશે. આ પ્રોજેક્ટ ગ્રામીણ રોજગારમાં વધારો કરશે અને રિન્યુએબલ એનર્જીની ચળવળને પ્રોત્સાહન આપશે, એમ ‘સેવા’નાં ડિરેક્ટર રીમા નાણાવટીએ કહ્યું હતું.
ભારતમાં યુએનના રેસિડેન્ટ કો-ઓર્ડિનેટર રિનાટા ડેસાલ્લિયને કહ્યું હતું કે હું યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ-ઇન્ડિયા ઓફિસ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ‘સેવા’ સાથે નવી ભાગીદારી બદલ અભિનંદન આપું છું જેમનો ઉદ્દેશ મહિલાઓની આગેવાની હેઠળ ઇન્ડિયાને રિન્યુએબલ એનર્જી ક્રાંતિને આગળ વધારવાનો છે. આ પહેલ દ્વારા અમારું લક્ષ્ય છે પર્યાવરણમાંના કાર્બન ઉત્સર્જનને ઘટાડવાનો છે અને આ પ્રદેશમાંની સોલર વીજ પેદા કરીને મહિલાઓ માટે વધુ રોજગાર ઊભી કરવાનો અને તેમનું જીવનધોરણ ઊંચું લાવવાનો છે.
સૌરાષ્ટ્રના લોકમેળા લોકોમાં જાણીતા છે. તરણેતરનો મેળો, માધવપુરનો મેળો કે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો હોય, તેમાં લોકો મન ભરીને આનંદ માણે છે. શિવરાત્રી દરમ્યાન ગરવા ગઢ ગિરનારની ગોદમાં ભરાતો શિવમેળો વિશેષ મહત્વ ધરાવે છે. 5 દિવસ ચાલતા લોકમેળાની છેલ્લા દિવસે નાગા સાધુઓની રવાડી સાથે પૂર્ણાહુતિ થાય છે. શિવરાત્રીએ ભવનાથની તળેટીમાં અદભૂત રોમાંચ જોવા મળે છે, જાણે નાગા સાધુઓની ભૂતાવળની દુનિયા!
ધાર્મિક મહત્વ:
મેળામાં આનંદ-પ્રમોદ સાથે ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે. જેમાં મહાદેવ શંકર પાતાળની તપસ્યા પૂર્ણ કરીને ગિરનારમાંથી સીધા કૈલાસમાં ગયા હતા, તેવી લોકવાયકા જોડાયેલી છે. અને એ દિવસથી જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો ભરાય છે, તેવી માન્યતા છે. વર્ષોથી ચાલતા દર વર્ષે ક્રમશ: મેળામાં ભક્તોની સંખ્યામાં વધારો થતો જાય છે. ગયા વર્ષે અંદાજે 6 લાખ શ્રદ્ધાળુંઓ મેળામાં જોડાયા હોવાનો સ્થાનિક તંત્રનો આંકડો હતો. આ વર્ષે આ આંકડો તેનાથી પણ વધુ નોંધાય તેવુ અનુમાન છે.
ભજન અને ભોજનનું સમન્વય:
જૂનાગઢના મેળામાં 5 દિવસ સુધી પણ રોકાવાનું થાય તો ભક્તોને ભુખ્યા રહેવાનું થતું નથી, કારણ કે ઠેર-ઠેર વિવિધ મંડળો દ્વારા અમરનાથ યાત્રાની જેમ ભંડારા જોવા મળે છે. જ્યાં ભક્તોને ત્રણેય સમયનું ભોજન મળી રહે છે. આ ઉપરાંત ભજનની સાથે કાર્યક્રમનું પણ આયોજન હોય છે.
જેમાં ખ્યાતનામ ભજનિકો સમી સાંજે અને રાત્રે પોતાની ભજનવાણીથી ગિરનાર તળેટીને સંપૂર્ણ ધાર્મિક બનાવી દે છે. સમગ્ર દેશમાંથી ઉપસ્થિત નાગાબાવાઓ પોતાની રવાડીઓમાં અલખની ધુણી ધખાવતા જોવા મળે છે.
મૃગીકુંડમાં નાગા બાવાનું શાહી સ્નાન:
શિવરાત્રે ભવનાથ મંદિરના રસ્તા ઉપર નાગા બાવાઓની યાત્રા નીકળે છે, જે રવાડી તરીકે સાધુ સમાજમાં જાણીતી છે. સમીસાંજે સરઘસ નીકળ્યા પછી રાતના બાર-એક વાગે તેની પૂર્ણહુતિ થાય છે. ત્યારે મૃગીકુંડમાં સન્યાસીઓ શાહી સ્નાન કરવા ઉમટે છે. તેમાં એક એવી પણ લોકવાયકા છે કે કેટલાક નાગાબાવા મૃગીકુંડમાં વરુણપૂજા કરે છે.
સમગ્ર ગુજરાતમાં 1521 જેટલા મેળા ભરાય છે અને તેમાં ગિરનારની ગોદમાં શિવરાતનો મેળો અતિ પ્રાચીન અને જાણીતો છે. ઉલ્લેખનીય છે કે, ગિરનારનું મહત્વ અને વર્ણન સ્કંદપુરાણ તેમજ વિષ્ણુપુરાણમાં પણ સાભળવા મળે છે. આમ તો 5 દિવસ સુધી દામોદર કુંડથી ગિરનાર દરવાજા તેમજ બીજી તરફ ભવનાથ મંદિર સુધી આ લોકમેળો છે, જે શિવરાત્રીએ સન્યાસીઓના મેળાવડામાં પરિવર્તિત થઈ જાય છે.
મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે 20 ફેબ્રુઆરી, ગુરુવારે સધર્ન કમાન્ડ ઈન્વેસ્ટિચર કાર્યક્રમ દરમિયાન પુણેમાં ફરજ પર મૂકવામાં આવેલા 12 લશ્કરી જવાનોને શૌર્ય માટેના ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. લેફ્ટેનન્ટ જનરલ સી.પી. મોહંતી (જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, સધર્ન કમાન્ડ)એ 51 લશ્કરી જવાનો તથા સધર્ન કમાન્ડના 22 યુનિટ્સને બહાદૂરી તથા વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી બજાવવા બદલ ચંદ્રકો, એવોર્ડ એનાયત કર્યા હતા. 12 આર્મી જવાન અને છ યુનિટ્સ પુણેમાં સેવા બજાવે છે. આ પ્રસંગે એવોર્ડવિજેતા જવાનોનાં પરિવારજનો, સેનાનાં અધિકારીઓ, મિડિયાકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)
શિવ પુરાણના મત મુજબ શિવ એક અગ્નિ પુંજ છે. એક દિવસ એ અગ્નિ પુંજ નળાકાર સ્વરૂપમાં વિસ્તરતો ગયો અને એક પ્રચંડ વિસ્ફોટ થતા તેમાંથી સમગ્ર વિશ્વની સ્થાપના થઇ.જો બ્રહ્માંડની રચનાનો મૂળ સ્ત્રોત શિવ હોય તો જગતના કણ કણમાં શિવ છે એવું કહી શકાય. જેના થકી સમગ્ર વિશ્વ રચાયું છે તે દેવને મહાદેવ કહી શકાય? શક્ય છે કે બ્રહ્માંડના મૂળ બાર ભાગ બન્યા હોય અને તે જ પ્રતીકાત્મક સ્વરૂપે જ્યોતિર્લીંગ ગણાતા હોય. જ્યોતિ એટલે શું? તેજપુંજ અને જ્યોતિનો કોઈ સંબંધ દેખાય છે? વળીશિવ લિંગનો આકાર જ્યોતિપુંજ જેવો નથી લાગતો? જ્યાં.જ્યોતિ છે ત્યાં શક્તિ છે. મહાદેવી એટલે શક્તિ સ્વરૂપ.
સંપૂર્ણ શિવલીંગને જોઈએ ત્યારે જે નીચેનો ભાગ છે તે શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે. આમ આપણે શિવ અને શક્તિ બંનેની સાથે આરાધના કરીએ છીએ. અને તેથીજ શિવપૂજા સંપૂર્ણતા આપી શકે છે. લીંગની નીચેનો ભાગ જેના પર તેની સ્થાપના કરવામાં આવે છે અને અભિષેક કર્યાબાદ જળ જેમાંથી પસાર થઇ બહાર તરફ જાય છે તે પણ શિવલીંગનો ભાગ છે. શિવને વિવિધ સ્વરૂપે વિચારવામાં આવે છે પણ પૂજા શિવલિંગ સ્વરૂપે થાય તે જ યોગ્ય છે. ભારતીય ગ્રંથો અને શાસ્ત્રોમાં વિવિધ સ્વરૂપે વિજ્ઞાન ની વાતો જોવા મળે છે. પણ એ બધુજ સંસ્કૃતમાં લખાયેલું છે. સંસ્કૃત પ્રત્યેની ઉદાસીનતા આપણને કેટલીક સાચી અને સારી માહિતીથી દૂર રાખવા માટે સક્ષમ છે. સંસ્કૃત એ કયા ધર્મની ભાષા છે? સંસ્કૃત કાળમાં સમગ્ર વિશ્વમાં માત્ર માનવ ધર્મ હતો. તો જે માનવ છે તેની ભાષા એને ગણી શકાય? વળી આપણા સિધ્ધાંતો પણ માનવલક્ષી છે. તે માત્ર કોઈ એક ધર્મ માટે રચાયા નથી. તો તેનું આચરણ પણ જે કોઈ પણ પોતે માનવ છે તેવું માનવાવાળી વ્યક્તિ કરી શકે.
વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે દરેક વ્યક્તિ- સ્ત્રી અથવા પુરુષ-ના મગજમાં ડાબો ભાગ લોજીકલ છે અને જમણો ભાગ ક્રિએટીવ છે. વ્યક્તિત્વની સામાન્ય સમજણથી વિચારીએ તો ડાબી બાજુ પુરુષ જેવું મગજ છે અને જમણી બાજુ સ્ત્રી જેવું મગજ છે. ડાબા હાથથી કામ કરનાર વધારે ક્રિએટીવ હોય છે. તેમનામાં કોઈ પણ સમસ્યાને સમજવાનો અલગ દ્રષ્ટિકોણ જોવા મળે છે. અર્ધનારેશ્વરના સ્વરૂપમાં આવી કોઈ બાબત દેખાય છે. ઘરની દીવાલો પર આવા ચિત્રો લગાવીને માત્ર ફૂલ ચડાવવા કરતા તેને સમજવા પ્રયત્ન કરીશું તો ભારતીય હોવાનો ગર્વ પણ વધશે. સ્વરોદય શાસ્ત્ર કેટલા લોકો સમજે છે? શું બ્રહ્માંડનો આકાર ઓહ્મ્ જેવો હશે? ધ્યાનના શ્રેષ્ઠ સમયમાં જે રંગ દેખાય છે એ રંગ ભારતીય આધ્યાત્મિકતાનું પ્રતિક શા માટે છે? ઓહ્મનેઉચ્ચાર નહિ પણ નાદ શા માટે કહે છે? આવા સવાલો ક્યારેય મનમાં ઉદભવ્યા છે ખરા? શિવપુરાણનો પાઠ વાંચવો કે તેની કથા કરવી તે સારી બાબત છે પણ તેને અલગ રીતે સમજવી તે જરૂરી બાબત ગણી શકાય. મારા રિસર્ચમાં મેં જોયુંછે કે શિવલિંગ પર અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવાથી અલગ અલગ સમસ્યાઓમાં લાભ થાય છે. શિવ જો જગતનું મૂળ તત્વ હોય તો તેમાંથી પ્રાપ્ત થતી સકારાત્મક ઉર્જા જીવનને વધારે સકારાત્મક બનાવી શકે. શિવ નિરાકાર છે તેવું શા માટે કહે છે?
શિવનું એકજ સ્વરૂપ છે પણ દેવીના વિવિધ સ્વરૂપ છે. જીવનનું તત્વ એકજ છે પણ શક્તિના વિવિધ સ્વરૂપો છે જે વિજ્ઞાને સ્વીકાર્યું છે. શક્તિના રૂપાંતરની વાત પણ વિજ્ઞાનમાં છે ને?આમ જોવા જઈએ તો શાસ્ત્ર એટલે નિયમોનું જ્ઞાન અથવા વિજ્ઞાન. વિવિધવિષયના નિયમોની સમજણ માટે શાસ્ત્રોની રચના થઇ.જર્મનીની માફક ભારતમાં પણ વિજ્ઞાન ભણવા માટે સંસ્કૃતનો અભ્યાસ ફરજીયાત કરી દેવામાં આવે તો ઘણા બધા રહસ્યો પર કામ થઇ શકે તેમ છે.
શિવપૂજા સ્વ ને પણ સાકાર કરવા સક્ષમ છે. શિવપૂજા જગતના કોઈ પણ માનવો કરી શકે છે. તેથીજ શિવ મંદિરમાં ક્યારેય તાળું નથી લગાવાતું કે ક્યારેય કોઈને પૂજા માટે મનાઈ નથી હોતી. હા, નિયમાનુસાર પૂજા થાય તે જરૂરી છે. વ્યક્તિની સમસ્યા અનુસાર તેને શિવપૂજા કરાવી શકાય. એક સામાન્ય શિવપૂજામાં પહેલા શુદ્ધિકરણ માટે જળ, ત્યાર બાદ મુખ્ય દ્રવ્ય દૂધ અને ફરીવાર પાણીથી અભિષેક કરી ત્યાર બાદ ચંદનથી ત્રિપુંડ કરી બીલીપત્ર ચડાવવાની પ્રક્રિયા જરૂરી છે. વધારે દ્રવ્ય વધારે લાભ અપાવે છે એવું નથી હોતું. આ શિવરાત્રીએ કપાળમાં ચંદનનું તિલક કરવાની સલાહ છે.
શિવરાત્રિનું પર્વ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ઊજવાય છે. શિવરાત્રિ એટલે શિવ+રાત્રિ એમ બે શબ્દો સંકળાયેલા છે. તેને શંકરરાત્રિ કહેવાતી નથી. આમ તો શિવરાત્રિ દર મહિનાની વદ ચૌદસે (અમાસ પહેલાનો દિવસ) આવે છે. પણ લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે.
શિવરાત્રિ વ્રત ક્યારે કરાય?
જેને આ વ્રત કરવું હોય તેને ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિ વ્રત કરે છે તેને અનંત ફળ મળે છે.
આ સંબંધમાં ત્રણ પક્ષ છે –
ચૌદશની પ્રદોષવ્યાપિની – તેરસ ઉપર ચૌદસ બેસે તે રાત્રિ
નિશીથ (અર્ધરાત્રિ) વ્યાપિની – તેરસની મધ્ય રાત્રિ, રાત્રે ૧૨ વાગ્યા પછીનો સમય.
ઉભય વ્યાપિની – વૃદ્ધિ તિથિ : તેરસ તિથી સૂર્યોદય સમયે બેસતી હોય તો તે બીજા દિવસે (ચૌદસ) સૂર્યોદય સુધી અથવા થોડા વધુ સમયે રહે તેને ઉભયવ્યાપિની કહેવાય.
વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથ વ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથ વ્યાપિની હોય તે મુખ્ય / અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષ વ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથ વ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ
શિવરાત્રિ સાથે જોડાયેલ કથાઓ
સમુદ્રમંથન
એક કથા અનુસાર સમુદ્રમંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વિકાર કરવા માટે તૈયાર ના થયા, કેમકે હળાહળ (અતિ ભયાનક વિષ) એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પુછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે.
શિકારી અને હરણાંની વાર્તા
શિવરાત્રિના સંદર્ભમાં શિકારી અને હરણાંની વાર્તા પ્રચલિત છે. શિકારી હરણીનો શિકાર કરવા તત્પર બને છે ત્યારે હરણી કહે છે કે હું મારાં બાળકોને મળીને આવું તેટલી મને રજા આપ, પછી હું તારા શિકાર માટે હાજર થઈશ. શિકારી એ વાત માની ગયો. જંગલમાં રાત્રિનો સમય સલામતીથી વિતાવવા શિકારી બીલીના વૃક્ષ ઉપર ચઢી ગયો. રાત્રિ દરમિયાન તે પાંદડાં તોડીને નીચે ફેંકવા લાગ્યો. આ વૃક્ષ નીચે શિવલિંગ આવેલું હતું. બીજી તરફ, હરણીએ ઘેર જઈને શિકારી સાથેની વાતચીત કહી સંભળાવી. હરણી, હરણ અને હરણબાળ સૌ સમર્પણ માટે તૈયાર થયાં. તે સૌ વાયદા મુજબ શિકારી પાસે આવ્યાં. રાત્રિનો ઉપવાસ અને શિવલિંગ ઉપર બીલીપત્ર ફેંકતાં શિકારીના હૃદયમાં પરિવર્તન થયું હતું. તેવામાં મરવા તત્પર બનેલા હરણ પરિવારને જોતાં તેને આશ્ચર્ય થયું. તેનાથી તે પ્રસન્ન થયો. તેણે સાચાબોલાં હરણાંને જીવતદાન આપ્યું. એમ કહેવાય છે કે આ ઘટનાથી શિકારી અને હરણાં સ્વર્ગવાસી થયાં.
શિવરાત્રિ પુજા અને વ્રત કેવી રીતે કરાય?
શિવની પુજા શુદ્ધ પાણી કે ગંગાજળ, કાચું દૂધ (ગાયનું), મધ, દહી, શેરડીના રસથી કરવી. ચંદન અને કેસરથી શિવલિંગનું અનુલેપન કરવું. સાથે જ ધતૂરો, આમ્ર અને બિલિપત્ર ચઢાવવા. શિવની પૂજામાં ધતૂરો, કરેણ, બીલીપત્ર આદિ પુષ્પો ચઢાવવામાં આવે છે. શિવની ચાર પ્રહરની પુજા કરવામાં આવે છે. શિવરાત્રિના દિવસે જાગરણ કરવામાં આવે છે. જાગરણ તો માત્ર પ્રતીક છે. આ માત્ર એક રાત્રિનું સ્થૂળ જાગરણ નથી, પણ આ સંગમયુગમાં આત્માની જ્યોતિ જગાડવાનું, આત્માને જાગૃત કરવાનું સૂચન કરે છે.
મહાશિવરાત્રિના દિવસે હંમેશની તુલનામાં હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ માટે ‘ૐ નમ: શિવાય’ નામ જાપ વધારેમાં વધારે કરવો. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. પ્રાચીન સમયે ઋષિઓ કંદમૂળ ખાઈને ભોજનની આસક્તિ વિના ધ્યાન, ભક્તિ, પૂજા, પ્રાર્થના, તપસ્યા કરતા હતા. શિવરાત્રિમાં કંદમૂળનો ખૂબ ઉપયોગ થાય છે.
આ દિવસે ભાંગને શિવની પ્રસાદી રૂપે ગ્રહણ કરાય છે. આ વ્રત બાર, ચૌદ અથવા ચોવીસ વર્ષો સુધી થઈ શકે છે. પછી તેનું ઉદ્યાપન કરવું. વ્રતની સમાપ્તિ માટે બ્રાહ્મણ ભોજન કરાવવું. બ્રાહ્મણોના આશીર્વાદ મેળવીને વ્રતની સમાપ્તિ કરવી.