આશરે 69 દિવસ બાદ શાહીનબાગનો રોડ ખૂલ્યો, પણ થોડીવાર માટે!

નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના કારણે બંધ પડેલા નોએડા-ફરીદાબાદ રોડને આજે થોડીવાર માટે ખોલવામાં આવ્યો હતો. આ રુટ પર એક બસ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આ રોડને આશરે 40 મીનિટ માટે ખોલવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં આને ફરીથી બંધ કરી દેવામાં આવ્યો.
 
બીજીતરફ દિલ્હીના શાહીનબાગમાં બંધ રસ્તો ખોલાવવા માટે ગઈકાલે મધ્યસ્થ સાધના રામચંદ્રન અને સંજય હેગડે પહોંચ્યા હતા. તેમણે આંદોલનકારીઓ સાથે વાત કરી હતી. સાધના રામચંદ્રને કહ્યું કે, આપણે તમામ ભારતીય નાગરિકો છીએ. આપણે સમજીને ચાલવું પડશે. આપ લોકોએ સમજવું પડશે કે સીએએનો મુદ્દો સુપ્રીમ કોર્ટની સામે આવશે. તેમણે બંધ રોડ મુદ્દે વાતચિત શરુ કરી હતી. સંજય હેગડેએ કહ્યું કે, કોઈને તકલીફ થઈ રહી છે તો બધા મળીને રસ્તો કાઢીએ.
 
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શાહીનબાગના બંધ રસ્તાને ખોલાવવા માટે આંદોલનકારીઓ સાથે વાતચિત કરવા માટે મધ્યસ્થોની પસંદગી કરી હતી. મધ્યસ્થ સંજય હેગડે અને સાધના રામચંદ્રને બુધવારના રોજ પણ શાહીનબાગમાં વિરોધ કરી રહેલા લોકો સાથે વાતચિત કરી હતી પરંતુ કોઈ સમાધાન આવી ન શક્યું. બંન્ને મધ્યસ્થ ગુરુવારના રોજ પણ ધરણા સ્થળ પર પહોંચેલા લોકો સાથે વાતચિત કરી હતી.