ભોપાલઃ મધ્ય પ્રદેશમાં રાજકીય નાટક ધાર્યા કરતાં કંઈક લાંબું ચાલ્યું. હવે તો દરેકના મનમાં સવાલ ઊભા થાય છે કે કમલનાથ સરકાર બચશે કે પડી જશે. ભાજપ પણ હવે રાજકીય ગરમાટા વચ્ચે છાશ ફૂંકી-ફૂંકીને પી રહ્યો છે. નવી દિલ્હીમાં એમ ભાજપના મોટા નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓની બેઠક યોજાઈ તો એમાં પણ નિર્દેશ આપવામાં આવ્યો કે કમલનાથ સરકારને અસ્થિર કરવાના કોઈ પણ પગલાથી દૂર રહો. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના સત્તાવાર નિવાસસ્થાને મિટિંગ યોજાઈ હતી, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, કૈલાશ વિજય વર્ગીય અને નરોત્તમ મિશ્રાની મીટિંગ ગૃહપ્રધાન અમિત શાહ સાથે થઈ હતી.
બળવાખોર વિધાનસભ્યો પર ચર્ચા
આ મિટિંગમાં એ બળવાખોર વિધાનસભ્યો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો, વાર-તહેવારે કમલનાથ સરકારના નિર્ણયોની પ્રશંસા કરે છે. આ મિટિંગમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ પણ સામેલ થયા હતા. ભાજપની કાર્યકારિણીના એક વરિષ્ઠ નેતાએ હતું કે કેન્દ્રીય નેતાઓએ કોંગ્રેસના આરોપો અને દાવાઓ સામે ભાજપના નેતાઓને એકજૂટ રહેવા સંદેશ આપ્યો હતો. ભાજપના નેતા પ્રહલાદ પટેલે કહ્યું હતું કે પાર્ટી કોંગ્રેસના આરોપોનનો જડબાતોડ જવાબ આપશે.
કોંગ્રેસના 20 વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં
ભાજપના કેટલાક નેતાઓ દાવા કરી રહ્યા છે કે કોંગ્રેસના 20થી વધુ વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ વિધાનસભ્યો બુંદેલખંડ, મધ્ય ભારત અને પશ્ચિમી નિમાડના છે. જોકે સામે પક્ષે મુખ્ય પ્રધાન કમલનાથનું કહેવું છે કે કોંગ્રેસના નેતા બિકાઉ નથી અને તમામ વિધાનસભ્યો એકજૂટ છે.
દિગ્વિજય સિંહ હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાડ્યો તો ભાજપે યાદવાસ્થળીનો પ્રહાર કર્યો
કમલનાથ સરકાર પર સંકટ તોળાઇ રહ્યું છે, ત્યારે એની વચ્ચે ઓપરેશન લોટસની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. સામે પક્ષે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે ચૌહાણે કહ્યું છે કે કોંગ્રેસમાં એટલી યાદવાસ્થળી છે કે ના પૂછો વાત.
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી આખી દુનિયામાં ડર વ્યાપી ગયો છે. આ વાયરસથી બચવા માટે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના ઉપાયો બતાવવામાં આવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તાજેતરના અધિકારીક આંકડાઓ અનુસાર, વિશ્વભરમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના ચેપના કારણે 2,241 નવા કેસોની પુષ્ટી થઈ છે ત્યારે હવે આનાથી પીડિત લોકોની કુલ સંખ્યા 95,333 પર પહોંચી ગઈ છે. આ વાયરસને લઈને ઘણા વીડિયોઝ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક વિડીયો પાકિસ્તાનમાંથી સામે આવ્યો છે કે જેમાં એક વ્યક્તિ ચીન પર જોરદાર વરસી રહ્યો છે. આ વીડિયોને બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડને પણ શેર કર્યો છે.
રવીના ટંડન દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક પઠાણ ચીન પર ગુસ્સે થયો છે અને કહી રહ્યો છે કે, બધા કહી રહ્યા છે કે, કોરોના વાયરસને લઈને ચીન માટે દુઆ કરવી જોઈએ. પરંતુ એ લોકો માટે શું દુઆ કરું કે લોકો ગધેડા, બિલાડી જેવા પ્રાણીઓનું માંસ ખાય છે. આ લોકો કંઈજ છોડતા નથી. પાકિસ્તાનના પઠાણે આ પ્રકારે ચીન પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયો પર કમેન્ટ્સ પણ મોટી માત્રામાં કરી રહ્યા છે.
રવીના ટંડને પાકિસ્તાની પઠાણનો વિડીયો શેર કરીને લખ્યું કે, પઠાણના શબ્દો સાચા હોય છે, તેઓ કહી રહ્યા છે કે પ્રાણીઓની હાય લાગી છે, આ ખૂબ સારી સાચી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે આઈફા એવોર્ડ પણ પ્રભાવિત થયો છે. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં માર્ચના અંતમાં આયોજિત થનારા આ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડને કોરોના વાયરસના કારણે સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ જનઔષધિ કેન્દ્રોના લાભાર્થીઓ સાથેના સંવાદ દરમ્યાન વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા. કાર્યક્રમમાં દેહરાદુનની લકવાથી પીડિત દીપા શાહ નામની એક મહિલા સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો. આ દરમ્યાન દીપાએ જણાવ્યું કે જનઔષધિ દવાઓને કારણે તેની આર્થિક સ્થિતિ ઘણી સુધરી રહી છે અને ખર્ચ પણ ઘણો ઓછો થઇ રહ્યો છે.
મહિલાએ કહ્યું કે, મેં ઈશ્વરને તો જોયા નથી પરંતુ મેં તમને જોયા છે, આ સાંભળીને વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા. દીપા શાહ નામની આ મહિલાએ કહ્યું કે, વર્ષ 2011 માં મને લકવા થયો હતો, હું બોલી શકતી નહોતી, સારવાર ચાલતી હતી તેની દવાઓ ખૂબ મોંઘી હતી અને તેના ખર્ચના કારણે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ હતું. બાદમાં મેં જન ઔષધી કેન્દ્રમાંથી દવા લેવાનું શરુ કર્યું. મહિલાએ કહ્યું કે, જે દવાઓ પહેલા 5,000 રુપિયાની આવતી હતી તે હવે માત્ર 1500 રુપિયામાં મળી રહે છે. બચેલા પૈસાથી ઘર ચલાવું છું ફળ-ફળાદી ખાઈને તંદુરસ્તીના માર્ગે આગળ વધી રહી છું. મેં ક્યારેય ઈશ્વરને તો જોયા નથી પરંતું ઈશ્વરના સ્વરુપમાં મોદીજી આપને મેં જોયા છે, આટલું બોલતા મહિલા રડી પડી અને વડાપ્રધાન પણ ભાવુક બની ગયા.
બાદમાં વડાપ્રધાને દીપાને કહ્યું કે, તમે બિમારીને હરાવી છે. આપની હિંમત સૌથી મોટો ભગવાન છે. તેના કારણે તમે સમસ્યામાંથી બહાર આવી શક્યા. બાદમાં મોદીજીએ જેનેરિક દવાઓના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, આ જ દવાઓથી દીપા સાજા થયા થયા છે, આ પૂરાવો છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપ્લબ્ધ કોઈ દવાથી આ દવાઓ કંઈ ઓછી અસરકારક નથી.
અયોધ્યા : મહારાષ્ટ્રમાં સરકારના 100 દિવસ પૂર્ણ થવા નિમિતે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સપરિવાર ભગવાન રામની નગરી અયોધ્યાની મુલાકાત લીધી છે. જ્યાં તેમણે રામ મંદિરના નિર્માણ માટે એક કરોડના દાનની જાહેરાત કરી છે. બપોરે લખનૌના એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે રોડ માર્ગે અયોધ્યા આવી પહોંચ્યા હતા. અહીં શિવસૈનિકો તેમજ તેમના સમર્થકોએ ઉદ્ધવ ઠાકરેનું સ્વાગત કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે આ મુલાકાત વખતે ઉદ્ધવ ઠાકરે સાથે દીકરો આદિત્ય અને પત્ની સ્મિતા ઠાકરે પણ હાજર રહ્યા હતા. તેમનો સરયુ આરતી અને જનસભાનો કાર્યક્રમ હતો પણ કોરોના વાઈરસને લઈ ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી બાદ ભીડ એકત્રિત કરવાના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેના આ પ્રવાસનો કેટલાક લોકો વિરોધ કર્યો હતો તો કેટલાક લોકોએ સ્વાગત કર્યું છે. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્ય ગોપાલ દાસએ ઉદ્ધવ ઠાકરેનું અયોધ્યામાં સ્વાગત કર્યું પરંતુ હિંદુ મહાસભા અને કેટલાક સાધુ સંતોએ ઉદ્ધવ ઠાકરેનો અયોધ્યા નગરીમાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. હનુમાનગઢીના મહંત રાજૂ દાસના મુજબ મુખ્યમંત્રી એક શ્રદ્ધાળુ તરીકે અયોધ્યા આવે છે તો તેમનું સ્વાગત છે પરંતુ રામના નામે રાજકારણ થશે તો તેમનો વિરોધ થશે. આ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનો વિરોધ કરનારા સંત મહંત અને હિંદુ મહાસભાના જિલ્લાઅધ્યક્ષને નજરબંધ કરવામાં આવ્યાં છે. હનુમાનગઢીના મહંત રાજુ દાસ, હિંદુ મહાસભાના મહંત પરશુરામ દસ પણ નજરબંધ છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે તેમના ટ્રસ્ટ તરફથી દાનની જાહેરાત કરી. ઉદ્ધવ ઠાકરેએ જૂના દિવસો યાદ કરતા કહ્યું કે મને યાદ છે જ્યારે મારા પિતાજી અહીં આવ્યાં હતા. મહારાષ્ટ્રના ગામે-ગામથી પથ્થર મોકલવામાં આવ્યાં છે.
અયોધ્યાની મુલાકાત દરમ્યાન ઉદ્ધવ ઠાકરેનો સરયુ આરતી તેમજ જનસભાનો પણ કાર્યક્રમ હતો પરંતુ કોરોના વાયરસને લઇને ગૃહ મંત્રાલય તેમજ આરોગ્ય મંત્રાલયની એડવાઇઝરી બાદ આ બંને કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઉદ્ધવ ઠાકરેની આ ત્રીજી અયોધ્યા મુલાકાત છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે લોકસભા ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ અયોધ્યાની મુલાકાત લઇ રામલલાના દર્શન કર્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, હું ભાજપથી અલગ થયો છું, હિંદુત્વથી નહી. ભાજપનો અર્થ હિંદુત્વ નથી. હિંદુત્વ અલગ છે અને ભાજપ અલગ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 28 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રામલલ્લાનું મંદિર બનાવવું તે આપણા બધાની જવાબદારી. મંદીર એવું ભવ્ય બનવું જોઈએ કે દુનિયા જોવે.
નવી દિલ્હીઃ ઈશા અંબાણી પીરામલની હોળીની પાર્ટી ઈન્ટરનેટ પર છવાઈ છે. તેમની આ ગ્રાન્ડ પાર્ટીમાં સેલેબ્રિટીઝની ધૂમ રહી હતી. બોલિવુડ સેલેબ્સ સાથે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ પણ પહોંચ્યા હતા.હોળીનો પર્વ ભારતમાં ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. એમાંય બોલીવુડ સેલેબ્સ આમાં ધૂમ મચાવે છે. ઈશા અંબાણીએ હોળીથી 5 દિવસ પહેલા પાર્ટી રાખી હતી અને આ પાર્ટીમાં બધારે ખૂબ ધમાલ કરી હતી.
આ પાર્ટીમાં ઈન્ટરનેશનલ કપલ પ્રિયંકા અને નિક પહોંચ્યા હતા. બંન્ને લોકો ટ્રેડિશનલ લુકમાં ખૂબ સુંદર દેખાઈ રહ્યા હતા.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પાર્ટીમાં મન મૂકીને હોળી રમ્યા હતા. નિક જોનસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા અને લખ્યું કે અમે ખૂબ જલસા કર્યા.
હોળી પાર્ટીમાં કેટરીના કેફ ખૂબ વ્હાઈટ આઉટફિટમાં સુંદર રીતે તૈયાર થઈને આવી હતી. જો કે પાર્ટીમાં પહોંચીને તેણે પણ હોળી રમી હતી.
હોળી બાદ કેટરીના પણ બાકી લોકોના રંગમાં રંગાઈ ગઈ. તેણે નિક અને પ્રિયંકા સાથે રંગની છોળો ઉડાડી હતી અને સાથે પોઝ પણ આપ્યો હતો.
ઈશા અંબાણીની આ પાર્ટીના વીડિયોઝ અને ફોટોગ્રાફ્સ ઈન્ટરનેટ પર છવાયેલા છે. આ ફોટોગ્રાફ્સમાં બોલીવુડ સેલેબ્સ રંગોમાં રીતસરના તરબોળ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.
સોનાલી બેન્દ્રે પણ ઈશા અંબાણીની પાર્ટીમાં પહોંચી હતી. તેમણે પણ પાર્ટીમાં મસ્તી કરી અને ગુલાલમાં મગ્ન બન્યા હતા.
બોલીવુડ એક્ટ્રેસ જૈકલિન પણ ઈશા અંબાણીની પાર્ટીમાં પહોંચી હતી. મહત્વનું છે કે, તાજેતરમાં જ જેકલિનનો એક ઈન્ટરવ્યૂ ખૂબ ચર્ચામાં છે કે જેમાં તેણે જણાવ્યું કે, કેવી રીતે બોલીવુડમાં આવવા માટે તેણે એક નાક સર્જરી અને નામ બદલવાની સલાહ આપવામાં આવતી હતી.
ઈશા અંબાણીની ભાભી શ્લોકા મહેતા પણ હોળી પાર્ટીમાં પહોંચી. તે ખૂબ સુંદર દેખાતી હતી. પાર્ટીમાં રંગ ઉડાડવાની સાથે બોલીવુડના ગીતો પર ખૂબ ડાન્સ પણ થયો.
મુંબઈઃ મુંબઈમાં આજે ઓલ રોડસ ગોઝ ટુ વાનખેડે સ્ટેડિયમ, કેમ કે અન એકેડેમી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પહેલી મેચમાં સચિન તેંડુલકરની ઇન્ડિયા લિજેન્ડ્સનો સામનો બ્રાયન લારાની વિન્ડિઝ લિજેન્ડ્સ સાથે થશે. સચિન માટે આ બહુ ભાવુક પળો હશે, કેમ કે 14 નવેમ્બર, 2013 પછી સચિન પહેલી વાર વાનખેડે સ્ટેડિયમમાં રમશે. આ મેચનું વધારે મહત્ત્વની એટલા માટે છે, કેમ કે એ રોડ સેફ્ટી પ્રતિ લોકોને જાગરુક કરવા માટે રમાઈ રહી છે.
એ જ મેદાન ને એ જ ટીમ
ભારતમાં રોડ દુર્ઘટનામાં પ્રતિ ચાર મિનિટે એક વ્યક્તિ મૃત્યુ પામે છે. જેથી રોડ અકસ્માત બાબતે જાગૃતિ ફેલાય અને અકસ્માતોમાં ઘટાડો આવે એટલા માટે આ મેચ રમાઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે સચિનની કેરિયરની છેલ્લી મેચ આ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઈ હતી. એટલે આ મેટ પણ સચિન વિરુદ્ધ લારા તરીકે જોવામાં આવી રહી છે.
સચિને મેચ માટે સારીએવી પ્રેક્ટિસ કરી છે અને યુવી પણ તૈયાર
ભારતીય ટીમે ગઈ કાલે સીસીઆઇમાં સારીએવી પ્રેક્ટિસ કરી છે. બધા ક્રિકેટરોએ મેદાનમાં ખૂબ પ્રેક્ટિસ કરી હતી. વર્લ્ડ કમ-2011ની જીતના હીરો યુવરાજ સિંહે કહ્યું હતું કે શરીર થાકી ગયું છે, પણ જોસ્સો બુલંદ છે. વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના અનેક ખેલાડીઓને મેદાનમાં પાછા ફરવું સારું લાગી રહ્યું હતું. અમે સિરિયસ ક્રિકેટ રમવા માટે તૈયાર છીએ, કારણ કે આ મેચ સારા ઉદ્દેશ સાથે રમાઈ રહી છે. સચિન સારી મહેનત કરી રહ્યો છે, પણ ફિલ્ડિંગની ચિંતા છે.
યુવરાજે કહ્યું હતું કે રોડ સેફ્ટી બહુ મહત્ત્વનો સંદેશ છે, જે અને ટુર્નામેન્ટના માધ્યમથી આપવા માગીએ છીએ.આ સંદેશ પ્રત્યેક વ્યક્તિ પાસે પહોંચશે, જેના પર આપણે વધુ ધ્યાન નથી આપતા. આપણે ઓફિસ, પરિવાર અને અન્ય બાબતો વિશે વધુ વિચારીએ છીએ.
લારાની ટીમે પણ આકરી તૈયારી કરી
પાંચ રાષ્ટ્રોની આ ટુર્નામેન્ટમાં લારા વિન્ડિઝની ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. જોકે કાર્લ હૂપરે અભ્યાસ સત્રનું નેતૃત્વ કર્યું હતું. શિવનારાયણ ચંદ્રપોલે લાંબી બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. જેથી મેદાન પર રસાકસીભરી મેચ રમાશે, એ નક્કી.
આ મેચની તમામ ટિકિટો વેચાઈ ચૂકી છે અને ટીમ રોડ સેફ્ટી પ્રતિ જાગરુકતા ફેલાવવા તૈયાર છે. આ મેચનો સમય સાંજે સાત કલાકનો છે.
મહાશિવરાત્રિનો એ દિવસ. બિહારના બક્સર વિસ્તારના વાવણ ગામના શિવદુલારી અને બનારસીલાલ સાંજના સમયે ભગવાન શંકરના મંદિરે પૂજા કરીને બહાર નીકળતા હતા. એમણે મહાદેવ પાસે શું યાચના કરી એ તો કદાચ એ અને મહાદેવ બે જ જાણે, પણ કદાચ મહાદેવ કોઇ યાચના વગર ય એમના અંતરની વ્યથા સમજી ગયા હોય એમ જેવું આ દંપતિ પ્રાર્થના કરીને બહાર નીકળ્યું કે એમનો મોબાઇલ રણક્યો. નંબર અજાણ્યો હતો. સામે છેડે કોઇક બિહારથી હજારો કિલોમીટર દૂર ગુજરાતના ભૂજ શહેરથી વાત કરતું હતું. ફોન કરનારે એમને જાણ કરી કે, ‘કોઇ એક અજાણ વ્યક્તિ ભૂજની હોસ્પિટલમાં દાખલ છે. એ બોલી શકતા નથી, પણ એમની પાસેથી આ નંબર મળ્યો છે. આ વ્યક્તિ તમારે શું થાય?’
એમ માનો કે બનારસીભાઈ અને શિવદુલારી માટે આ ફોન કરનાર વ્યક્તિ ઇશ્વરનો દૂત બનીને જ સંદેશ લાવ્યો હતો. કારણ કે, ફોનમાં જે વ્યક્તિની વાત થઇ રહી હતી એ યુવાન એમનો દોઢેક મહિના પહેલા ખોવાયેલો દીકરો હતો! અને, જ્યાંથી ફોન આવ્યો હતો એ ભૂજની અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ હતી!
ક્યાં છેક બિહારનો બક્સર વિસ્તાર અને ક્યાં છેક છેવાડે આવેલું ભૂજ? કિસ્મતનું આ કનેક્શન છેવટે મળ્યું કઇ રીતે?
કથા જાણવા જેવી છે એટલું જ નહીં, સંવેદનશીલ હદયને સ્પર્શી જાય એવી છેઃ
વાત વીસમી ફેબ્રુઆરીની સાંજની છે. ભૂજમાં રસ્તા પર એક યુવાનને વાહનચાલકે ટક્કર મારતા એને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે એને અહીંની આ અદાણી જી. કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ઇમરજન્સી કેસમાં એને કેઝ્યુઆલિટી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો. ઉંમર હશે લગભગ પચીસથી ત્રીસની વચ્ચેની. કેસ બહુ ગંભીર નહોતો, પણ ચહેરા પર ઈન્જરી હતી. હોસ્પટલના ડો. અનુરાગ બારોટ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, ‘સારવાર દરમિયાન બધા મેડિકલ ટેસ્ટ કરતાં અમારા ધ્યાનમાં આવ્યું કે પેશન્ટ બોલીચાલી શકતા નથી અને એમની માનસિક સ્થિતિ બરાબર નથી. એ પણ ખબર પડી કે એમની કિડની ડૅમેજ થઇ હતી એટલે અમે ડાયાલિસિસ માટેની પણ તૈયારી શરૂ કરેલી.’
સારવાર તો શરૂ થઇ, પણ સૌથી મોટો સવાલ એ હતો કે દર્દી હતું કોણ? ન હતું નામઠામ કે ન હતો કોઇ અત્તોપતો. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કાર્યરત અદાણી ફાઉન્ડેશન હેડ પંક્તિ શાહ અને એમના સાથીદાર કિશોર ચાવડાએ પણ આ યુવાન વિશે વધારે જાણવાનો પ્રયત્ન કર્યો, પણ કોઇ સગડ ન મળ્યા.
પરંતુ કહે છે ને કે ક્યાંયથી સગડ ન મળતા હોય ત્યારે એની કોઇક રીતે એની સગવડતા ય આપોઆપ થઇ જતી હોય છે. આ કિસ્સામાં ય એવું જ બન્યું. સારવાર દરમ્યાન હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનું ધ્યાન અચાનક જ પેશન્ટના હાથ ઉપર ગયું તો એક ટેટૂં ચિતરાવેલું જોવા મળ્યું. સામાન્ય રીતે હોસ્પિટલમાં કોઇ આવા ચિતરામણ પર ધ્યાન ન આપે, પણ અહીં તો ટેટુમાં કોઈનો મોબાઇલ નંબર ચિતરેલો હતો!
નર્સિંગ સ્ટાફે કુતુહલતાથી એ નંબર તપાસ્યો અને પછી વિચાર્યું કે, કદાચ આ નંબર પરથી જ પેશન્ટ કોણ છે તેની જાણકારી મળી શકે છે. એમણે તરત જ નંબર ડાયલ કર્યો અને બક્સરમાં બેઠેલા બનારસીલાલ સાથે વાત થઇ ત્યારે ખબર પડી કે અકસ્માતે દાખલ થનારા આ યુવાનનું નામ ગ્યાન છે અને તે બિહારનો રહેવાસી છે. માનસિક રીતે અસ્થિર ગ્યાન દોઢેક મહિના પહેલાં ગંગાસ્નાનના મેળાવડામાં માતા-પિતા સાથે એ ગયો ત્યારે કોઇ કારણસર વિખૂટો પડી ગયેલો. ભૂલથી એ કોઇ કોઈ ટ્રેનમાં બેસી ગયેલો. પશ્ચિમ રેલવેની ગુજરાતમાં આવતી ટ્રેનનું છેલ્લું સ્ટેશન ભૂજ છે એટલે અકસ્માતે જ એ ભૂજમાં આવી ચડેલો.
કોઈ ઠેકાણા વગર ભૂજમાં આમતેમ રખડ્યા કરતા ગ્યાનને એ દિવસે વાહને અડફેટે લીધો અને એ આ હોસ્પિટલ સુધી પહોંચ્યો. કદાચ એની નિયતિ જ હતી કે મા-બાપનો મેળાપ હોસ્પિટલમાં જ થાય! અને થયું પણ એવું જ. દીકરો ભૂજમાં છે એવી ખબર પડતાં જ ગરીબ મા-બાપ મારતી ટ્રેને દોડી આવ્યા.
બિહારના બકસર વિસ્તારમાં વાવણ જેવા નાનકડા ગામમાં રહેતા શિવદુલારી અને બનારસીલાલનો પરિવાર અત્યંત કંગાળ હાલતમાં જીવતો પરિવાર છે. રાશનની નાનકડી દુકાનથી ઘરનું ગુજરાન ચાલે છે. મોટો દીકરો અલગ રહે છે એટલે માનસિક રીતે અસ્થિર એવા ગ્યાનની જવાબદારી નાખીને કુદરત શિવદુલારી અને બનારસીલાલની આકરી કસોટી કરી રહી છે.
દીકરાને મળવા દોડી આવેલું આ દંપતિ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે એમ, એમનો દીકરો ગ્યાન અગાઉ પણ દોઢેક વર્ષ પહેલાં આ જ રીતે ખોવાઈને છેક કેરાલા પહોંચી ગયેલો! માંડ માંડ એનો પતો લાગેલો. વારંવાર વિખૂટા પડી જવાની આવી ઘટનાઓના કારણે જ એના માતા-પિતાએ એના હાથ પર શોખના કે સપનાનાં ટેટૂની જગ્યાએ મોબાઈલ નંબરનું ચિતરામણ કરવું પડ્યું હતું! ગ્યાન નથી પોતાના વિશે કંઈ જણાવી શકતો કે નથી કાંઇ જાણી શકતો. એનું ફક્ત નામ જ ગ્યાન છે, એને પોતાના કે દુનિયા વિશે કદાચ કોઈ ‘જ્ઞાન’ નથી!
અલબત્ત, ખોવાયલો પુત્ર હોસ્પિટલમાં મળી આવ્યો પછી ય માતા-પિતા માટે એ તકલીફોનો અંત નહોતો. આવી હાલતમાં એને લઇને વતનમાં પાછા ફરવાનું ય અઘરૂ હતું.
જો કે, અદાણી ફાઉન્ડેશનના પંક્તિ શાહ કહે છે એમ, એમણે ગ્યાનને વધારે સારવાર માટે અમદાવાદ ખસેડવાની જરૂર હતી એ ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન દ્વારા જરૂરી રોકડ અને અન્ય સહાય કરી આપી હતી. ગ્યાન હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પંક્તિબહેન કહે છેઃ ‘અમને વધારે સંતોષ એ વાતનો છે કે અમે ગ્યાનનો સંપર્ક એના માતા-પિતા સાથે કરાવી શક્યા.’
હા, શરીર પર ચિતરાવેલો એક નંબર પર ક્યારેક આ રીતે વિખૂટા પડેલા પરિવારજનોનો મેળાપ કરાવી શકે છે એવી તો કોણે કલ્પના કરી હોય?
રાજકોટઃ બોરસદથી આગળનું રાસ-કંકાપુરા ગામ, 19મી માર્ચનો દિવસ અને આ દિવસે એંસી વર્ષના એક ડોશીમાએ ગાંધીજીને એક લિટીનો સવાલ પૂછ્યો કે હેં, વલ્લભભાઇ છૂટશે? ગાંધીજીએ કહ્યું, “જો તમે કહો કે અમારે ન જોઇએ ખેતર અને ઘરબાર અને બધાં જ બહારવટે નીકળી પડો તો અત્યારે જ વલ્લભભાઇ છૂટી શકે. જો આ તાકાત હોય તો મને પૂછજો. હું માર્ગ બતાવીશ…
આ ઓગણીસમી તારીખને સંબંધ હતો સાતમી માર્ચ સાથે. સાતમી માર્ચ, ઓગણીસસો ત્રીસ. આજે એ દિવસને, એ ઘટનાને બરાબર નેવું વર્ષ પૂર્ણ થયાં છે. સ્થિતિ એ સમયે અત્યંત હિંસક હતી. આજે પણ એવી છે. કારણ અલગ છે. હાલત એક સરખી, દેશમાં ભડ ભડ અગ્નિ હતો. આટલી હિંસકતા, અસહયોગ આંદોલનનું અપેક્ષિત નહીં એવું પરિણામ. બ્રિટિશ સરકારને અને આમ તો વિશ્વને એક મોટો સંદેશો આપવા માટે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. આપણને દાંડીકૂચના નામે કહેવાયેલી સ્ટોરી તો ઘણી નાની છે. પણ આ પ્રકરણ તો વિશ્વના ઇતિહાસનું એક સોનેરી પાનું છે.
દાંડીકૂચની વાત તો કદાચ અહીં 12મી માર્ચથી કરશું. નક્કી નથી, પ્રોમિસ નથી કરતો. ગાંધીજી શું હતા અને કોણ હતા એના માટે આ માર્ચ 1930ના સમયગાળાની ઘટનાઓમાંથી પસાર થવું જોઇએ. આપણે ઇતિહાસ માટે પણ આપણી પોતાને ફ્રેમ્સ બનાવીને રાખી છે. એમાં ફિટ થાય એ છબિ આપણી. એટલે ગાંધીજીને વખોડવા, આપણા વધી ગયેલા હિંસક નખોથી એ ઇતિહાસની ઇમાતરોના પોપડા ખંખેરવા અને ઊડાડવા એ આપણી પ્રવૃત્તિ બની ગઇ છે. અને જલ જુંબુરા ગાંધી કો ગાલી દે,,,લોગ તાલી બજાયેંગે..એટલે જંબુરાઓ આ ખેલ રોજ કરે છે. ભલે કરે.
આપણે તો આ દાંડીકૂચ, એક પ્રચંડ જુવાળ, મૂડીવાદી અને દમનકારી શાસન સામેનો એક પડકાર-એ પણ પવિત્રતાથી ભર્યો ભર્યો પડકાર એની વાત કરવી છે. અને એ પણ આજે તો ફક્ત સાતમી માર્ચને કેન્દ્રમાં રાખીને. ગાંધીજી અને સરદાર બન્ને વચ્ચેના સંબંધો વિશે પણ વિવિધતાથી ભરેલી વાતો થાય છે. પરંતુ આ દાંડીકૂચની સફળતામાં પણ સરદારનું અનન્ય યોગદાન હતું. શરુઆતમાં તો આ સત્યાગ્રહમાં અસંમતિ દાખવી પણ નિર્ણય અને આદેશ રામનો હોય તો હનુમાનજી પાછળ રહે? સરદારે આખા રુટ પર જઇને વ્યવસ્થા ગોઠવી એમ નહીં, વાતાવરણ ઊભું કરી દીધું કે શાંતિદૂત આવે છે આપણી ધરતીને ઘમરોળવા-તૈયાર રહેજો. કારણ કે અશાંતિ હવે અંગ્રેજ સરકારને થવાની છે.
દાંડીકૂચ ભવ્યાતિભવ્ય એપિસોડ છે. સાતમી માર્ચ એનો રુડો દિવસ છે. સાતમી તારીખે સરદાર વલ્લભભાઇ પટેલની સભા મહીસાગરના કિનારે આવેલા કંકાપુરા ગામે હતી. એ ત્યાં પહોંચે એ પહેલાં રસ્તામાં રાસ ગામ આવ્યું. લોકોએ વિનંતી કરી કે થોડું કંઇક અહીં પણ કહો ને…જમવા તો રોકાયા જ છો, તો સભા સંબોધી દો ને…ફૂડ પેકેટ આપીને કે એસટીની બસો દોડાવીને ભેગી કરેલી એ મેદની નહોતી. એ તો સ્વયંભૂ જુવાળ હતો લોકલાડીલા નેતા માટેનો. સરદારે પૂછ્યુઃ જે સત્યાગ્રહની લડત આપવાની છે, તેમાં ગામલોકો કેટલા સૈનિકો આપશે? જવાબ મળ્યો, બસો સૈનિકો…
અને બહેનો પણ હશે ને? સરદારે પૂછ્યુંઃ ગામ લોકોએ કહ્યું હા…
સરદારે કહ્યુઃ ભલે સભા રાખો પણ હવે હું બહુ નહીં બોલું. બસ એટલી વારમાં તો એમની ધરપકડ થઇ ગઇ. રવિવાર હતો તોય પોલીસ અધિકારી બિલિમોરીયા એમને લઇને કોર્ટે ગયા અને કોર્ટ ચાલુ રખાઇ હતી. ત્રણ માસની કેદ અને 500 રુપિયા દંડની સજા થઇ. અંગ્રેજ સરકાર આમ તો પોતાને બાહોશ માનતી પણ ભૂલ એ કરી કે વલ્લભભાઇની ધરપકડ થઇ અને ગાંધીજીને સરકારે ન પકડ્યા. આ બધી તો જાણીતી વાતો છે. પરંતુ થોડી રોચક વાતો વાંચવા મળે છે સરદારની જેલ ડાયરીમાં. સાતમી માર્ચથી બાવીસમી એપ્રિલ સુધી સાબરમતી જેલમાં સરદારે ડાયરી લખી.
આ વ્યક્તિ કેટલા સાદા, કેટલા દેશભક્ત, કેટલા સરળ હતા એ જાણવા માટે અનેક સંદર્ભો છે. પણ આ નાની ડાયરીના પાનેથી ખબર પડે કે આ કઇ કક્ષાએ જીવી ગયા!! ગાંધીજીને, એમના કાર્યને કેટલા સમર્પિત રહ્યા. રાષ્ટ્રવાદીઓ તો ત્યારે ય ઘણા હતા, આજે ય ઘણા છે, પણ રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય? એ અહીં અનુભવી શકાય. જેલમાં ઘણું લખાયું છે. જેલવાસની ઘણી ય કથાઓ પણ છે. પણ સરદારની જેલ ડાયરીના અક્ષરે અક્ષરમાંથી સત્ય અને સમર્પણ ટપકે છે. મેં આમ કર્યું ને મેં તેમ કર્યું એવું નહીં.
7મી માર્ચના દિવસ માટે એ લખે છેઃ રાતના આઠ વાગ્યે સેન્ટ્રલ જેલ સાબરમતીમાં બોરસદથી મોટરમાં ડે. સુપ્રિન્ટેન્ડેન્ટ મિ.બીલીમોરિયા મૂકી ગયા.પકડતાં તેમ જ છૂટા પડતાં ખૂબ જ રોયો. રસ્તામાં ખૂબ ભલમનસાઇથી વર્ત્યો. રાતે જેલમાં ક્વોરેન્ટીન વોર્ડ કહે છે તેમાં રાખ્યો. ત્યાં ત્રણ કામળી આપવામાં આવી. તે પાથરી સૂઇ ગયો…
8 માર્ચને સવારના એ પહોરમાં ઊઠતાં વેંત જ આસપાસ બધે કેદી જોયા. પાયખાનામાં જવા માટે બે-બેની હારમાં બેઠેલા. એક જ પાયખાનું હતું. એકમાં જવાનું ને બીજામાં પાણી લેવાનું. આ નવો જ અનુભવ હતો. એટલે આપણે તો વિચાર જ માંડી વાળ્યો. પેશાબને માટે સામે જ ખુલ્લાંમાં એક કૂંડું મૂકેલું હતું….નવ વાગ્યે વોર્ડરે મારા માટે ખાસ સગવડ પાયખાનાની કરી. એક જ પાયખાનામાં બે કૂંડી મુકાવી. બીજા બધા કામ પતાવી આવેલા એટલે આપણને અડધો કલાક પૂરો મળ્યો… એટલામાં જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા. તેમણે કંઇ જોઇએ છે એમ ખબર પૂછી. સરદારે કહ્યું કે મહેરબાનીથી કંઇ ન જોઇએ. હકથી શું મળે છે, તે ખબર પડે તો વિચાર કરું…
ખુમારી હતી. અને જેલમાં દસમી માર્ચે આચાર્ય કૃપલાણી અને દાંડીકૂચના જેને પ્રચારમંત્રી નહીં પણ મોબાઇલ કોમ્યુનિકેશન સેન્ટર કહી શકીએ એવા મહાદેવ દેસાઇ વલ્લભભાઇને મળવા ગયા. એ દિવસની નોંધ તો ડાયરીમાં છે જ પણ મહાદેવભાઇ સરદારની મુલાકાત લઇ ગયા હતા એમાં સરદારે જે કહ્યું તે એમના વ્યક્તિત્વનો જબરો પરિચય આપે છે. યંગ ઇન્ડિયાના 12 માર્ચ,1930ના અંકમાં હાઉ સરદાર વોઝ ઇમ્પ્રિઝ્ન્ડ- સરદાર જેલ ભેગા કેવી રીતે થયા- લેખ લખીને માત્ર ગુજરાત નહીં. દેશની જનતાને સરદારના લોખંડી મનોબળનો વધુ એક પરિચય મહાદેવભાઇએ આપ્યો.
જેલમાં જતાં પહેલાં સરદારે લોકોને પંદર વર્ષથી આકરી તપશ્ચર્યા કરી રહેલા ગાંધીજીએ ગુજરાત માટે જે કંઇ કર્યું હતું એનો બદલો વાળવાનો આ મોકો ન ચૂકવા સલાહ આપી હતી. સાબરમતી જેલમાં રહેલા સરદારની મુલાકાતમાં મહાદેવભાઇએ પૂછ્યું કે ” તમને અહીં કેમ રાખે છે ? ” તો સરદારે તેમને કહ્યુઃ ચોર લૂંટારાને જેવી રીતે રાખે છે તેવી રીતે મને પણ રાખે છે. બહુ આનંદ છે. આના જેવી લહેર જિંદગીમાં કોઇ વાર આવી નહોતી. ખોરાકનું તો શું પૂછવું? જેલમાં કાંઇ મોજ કરવા થોડા આવ્યા છીએ, કાંઇક જાડા રોટલા અને દાળ એક દિવસ, અને રોટલા શાક બીજે દિવસે એમ આપે છે. ઘોડાને ખપે એવું તો હોય છે જ. આવી વાતો કરીને સરદાર અચાનક બોલી ઊઠ્યાઃ પણ એની ચિંતા તું શા સારુ કરે છે? ત્રણ મહિના હવા ભરખીને રહી શકું એમ છું. અને પછી મોટેથી હસ્યા.
આપણને જે દાંડીકૂચ દોઢેક પાનામાં ભણાવી દેવાઇ છે એ પોતે જ અનેક પાના ભરાય એવડો જીવંત ગ્રંથ સમાન ઘટના છે. અહિંસા શું કરી શકે,કરાવી શકે એનો મોટો જબરો પુરાવો… દાંડી યાત્રા 12મી માર્ચથી…
જિનિવાઃ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)એ આ વર્ષે યોજાનારા ટોક્યો ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ માટે એક મોટ નિર્ણય લીધો છે. આયોજન સમિતિ જૂની પરંપરામાં બદલાવ કરતાં આ વખતે એને એક નવું રૂપ આપવાની છે. આઇઓસીએ કહ્યું હતું કે 24 જુલાઈથી નવ ઓગસ્ટ દરમ્યાન યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવ ઇતિહાસમાં પહેલી વાર એવો રમતોત્સવ હશે, જેનામાં લિંગ-સમાનતાને આધારે રમવામાં આવશે. આ રમતોત્સવમાં 48.8 ટકા ખેલાડીઓ મહિલાઓ હશે.
આઇઓસીના અધ્યક્ષ થોમસ બાચે કહ્યું છે કેર આઇઓસીના કાર્યકારી બોર્ડે નિર્ણય કર્યો છે કે આ વર્ષે ઓલિમ્પિકમાં હિસ્સો લેવાવાળી 200 ટીમો અને આઇઓસી રેફ્યુજી ઓલિમ્પિક ટીમમાંથી દરેક ટીમમાં એક મહિલા અને એક પુરુષ ધ્વજારોહક હશે. હજી સુધી દરેક ઓલિમ્પિક ટીમમાં એક જ ધ્વજારોહક જ હોય છે, પણ આ ઓલિમ્પિકમાં મહિલા અને પુરુષ બે ધ્વજાવાહકોની મંજૂરી આપી દેવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે એ સાથે અમે રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા ઉદઘાટન સમારોહમાં સંયુક્ત રૂપે મહિલા અને પુરુષ ધ્વજાવાહકને નામાંકિત કરનારા નિયમોમાં પણ બદલાવ કર્યા છે. અમે ઇચ્છીએ છીએ કે બધી રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ આ વિકલ્પનો ભરપૂર ઉપયોગ કરે. એટલે આઇઓસી દુનિયાઆખીમાં લિંગ સમાનતાનો મજબૂત સંદેશ આપી રહી છે.
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેના કેટલાક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. આ ફોટોગ્રાફ્સને એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી ફેન્સ સાથે શેર કરી છે. દીપિકા પાદુકોણ આ ફોટોગ્રાફ્સમાં અલગ-અલગ પોઝ આપતી નજરે આવી રહી છે. એક્ટ્રેસના આ ફોટોગ્રાફ્સ ફેન્સ ખૂબ રિએક્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણના ફોટોગ્રાફ્સ આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે, હવે એક્ટ્રેસના આ ફોટોગ્રાફ્સ પણ ખૂબ વાહ વાહી ભેગી કરી રહ્યા છે.
તાજેતરમાં જ દીપિકા પાદુકોણનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક્ટ્રેસ પોતાની ટ્રેનરની સાથે જિમમાં ખૂબ ગંભીર બનીને એક્સસાઈઝ કરી રહી હતી. પરંતુ જેવો જ તેમની અને શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું ગિત લુંગી ડાન્સ વાગે છે તો, એક્ટ્રેસ એક્સસાઈઝની વચ્ચે જ હુક સ્ટેપ કરવાનું શરુ કરી દે છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
તો, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લીવાર દીપિકા પાદુકોણ ફિલ્મ “છપાક” માં દેખાઈ હતી જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. પરંતુ હવે જલ્દી જ દીપિકા રણવીર સિંહ સાથે ફિલ્મ “83” માં દેખાશે. 1983 માં ક્રિકેટ વર્લ્ડ કપમાં મળેલી ભારતની જીતની આ સ્ટોરી જલ્દી જ મોટા પડદા પર દર્શકોનું મનોરંજન કરતી દેખાશે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે-સાથે તાહિર ભસીન, સાહિલ ખટ્ટર, એમિ વિર્ક, હાર્ડી સંધૂ સાકિબ સલીમ અને ઘણા એક્ટર્સ દેખાશે.