અયોધ્યા પહોંચ્યા ઉદ્ધવ ઠાકરેઃ કર્યું એક કરોડનું દાન

અયોધ્યા : મહારાષ્ટ્રમાં સરકારના 100 દિવસ પૂર્ણ થવા નિમિતે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સપરિવાર ભગવાન રામની નગરી અયોધ્યાની મુલાકાત લીધી છે. જ્યાં તેમણે રામ મંદિરના નિર્માણ માટે એક કરોડના દાનની જાહેરાત કરી છે. બપોરે લખનૌના એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે રોડ માર્ગે અયોધ્યા આવી પહોંચ્યા હતા. અહીં શિવસૈનિકો તેમજ તેમના સમર્થકોએ ઉદ્ધવ ઠાકરેનું સ્વાગત કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે આ મુલાકાત વખતે ઉદ્ધવ ઠાકરે સાથે દીકરો આદિત્ય અને પત્ની સ્મિતા ઠાકરે પણ હાજર રહ્યા હતા. તેમનો સરયુ આરતી અને જનસભાનો કાર્યક્રમ હતો પણ કોરોના વાઈરસને લઈ ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી બાદ ભીડ એકત્રિત કરવાના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેના આ પ્રવાસનો કેટલાક લોકો વિરોધ કર્યો હતો તો કેટલાક લોકોએ સ્વાગત કર્યું છે. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્ય ગોપાલ દાસએ ઉદ્ધવ ઠાકરેનું અયોધ્યામાં સ્વાગત કર્યું પરંતુ હિંદુ મહાસભા અને કેટલાક સાધુ સંતોએ ઉદ્ધવ ઠાકરેનો અયોધ્યા નગરીમાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. હનુમાનગઢીના મહંત રાજૂ દાસના મુજબ મુખ્યમંત્રી એક શ્રદ્ધાળુ તરીકે અયોધ્યા આવે છે તો તેમનું સ્વાગત છે પરંતુ રામના નામે રાજકારણ થશે તો તેમનો વિરોધ થશે. આ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનો વિરોધ કરનારા સંત મહંત અને હિંદુ મહાસભાના જિલ્લાઅધ્યક્ષને નજરબંધ કરવામાં આવ્યાં છે. હનુમાનગઢીના મહંત રાજુ દાસ, હિંદુ મહાસભાના મહંત પરશુરામ દસ પણ નજરબંધ છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના નિર્માણ માટે તેમના ટ્રસ્ટ તરફથી દાનની જાહેરાત કરી. ઉદ્ધવ ઠાકરેએ જૂના દિવસો યાદ કરતા કહ્યું કે મને યાદ છે જ્યારે મારા પિતાજી અહીં આવ્યાં હતા. મહારાષ્ટ્રના ગામે-ગામથી પથ્થર મોકલવામાં આવ્યાં છે.

અયોધ્યાની મુલાકાત દરમ્યાન ઉદ્ધવ ઠાકરેનો સરયુ આરતી તેમજ જનસભાનો પણ કાર્યક્રમ હતો પરંતુ કોરોના વાયરસને લઇને ગૃહ મંત્રાલય તેમજ આરોગ્ય મંત્રાલયની એડવાઇઝરી બાદ આ બંને કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઉદ્ધવ ઠાકરેની આ ત્રીજી અયોધ્યા મુલાકાત છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે લોકસભા ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ અયોધ્યાની મુલાકાત લઇ રામલલાના દર્શન કર્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, હું ભાજપથી અલગ થયો છું, હિંદુત્વથી નહી. ભાજપનો અર્થ હિંદુત્વ નથી. હિંદુત્વ અલગ છે અને ભાજપ અલગ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 28 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રામલલ્લાનું મંદિર બનાવવું તે આપણા બધાની જવાબદારી. મંદીર એવું ભવ્ય બનવું જોઈએ કે દુનિયા જોવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]