એ મોબાઇલ નંબર નહીં, કિસ્મતના કનેક્શનનું ચિતરામણ હતું…

મહાશિવરાત્રિનો એ દિવસ. બિહારના બક્સર વિસ્તારના વાવણ ગામના શિવદુલારી અને બનારસીલાલ સાંજના સમયે ભગવાન શંકરના મંદિરે પૂજા કરીને બહાર નીકળતા હતા. એમણે મહાદેવ પાસે શું યાચના કરી એ તો કદાચ એ અને મહાદેવ બે જ જાણે, પણ કદાચ મહાદેવ કોઇ યાચના વગર ય એમના અંતરની વ્યથા સમજી ગયા હોય એમ જેવું આ દંપતિ પ્રાર્થના કરીને બહાર નીકળ્યું કે એમનો મોબાઇલ રણક્યો. નંબર અજાણ્યો હતો. સામે છેડે કોઇક બિહારથી હજારો કિલોમીટર દૂર ગુજરાતના ભૂજ શહેરથી વાત કરતું હતું. ફોન કરનારે એમને જાણ કરી કે, ‘કોઇ એક અજાણ વ્યક્તિ ભૂજની હોસ્પિટલમાં દાખલ છે. એ બોલી શકતા નથી, પણ એમની પાસેથી આ નંબર મળ્યો છે. આ વ્યક્તિ તમારે શું થાય?’

એમ માનો કે બનારસીભાઈ અને શિવદુલારી માટે આ ફોન કરનાર વ્યક્તિ ઇશ્વરનો દૂત બનીને જ સંદેશ લાવ્યો હતો. કારણ કે, ફોનમાં જે વ્યક્તિની વાત થઇ રહી હતી એ યુવાન એમનો દોઢેક મહિના પહેલા ખોવાયેલો દીકરો હતો! અને, જ્યાંથી ફોન આવ્યો હતો એ ભૂજની અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ હતી!

ક્યાં છેક બિહારનો બક્સર વિસ્તાર અને ક્યાં છેક છેવાડે આવેલું ભૂજ? કિસ્મતનું આ કનેક્શન છેવટે મળ્યું કઇ રીતે?

કથા જાણવા જેવી છે એટલું જ નહીં, સંવેદનશીલ હદયને સ્પર્શી જાય એવી છેઃ

વાત વીસમી ફેબ્રુઆરીની સાંજની છે. ભૂજમાં રસ્તા પર એક યુવાનને વાહનચાલકે ટક્કર મારતા એને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે એને અહીંની આ અદાણી જી. કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ઇમરજન્સી કેસમાં એને કેઝ્યુઆલિટી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો. ઉંમર હશે લગભગ પચીસથી ત્રીસની વચ્ચેની. કેસ બહુ ગંભીર નહોતો, પણ ચહેરા પર ઈન્જરી હતી. હોસ્પટલના ડો. અનુરાગ બારોટ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, ‘સારવાર દરમિયાન બધા મેડિકલ ટેસ્ટ કરતાં અમારા ધ્યાનમાં આવ્યું કે પેશન્ટ બોલીચાલી શકતા નથી અને એમની માનસિક સ્થિતિ બરાબર નથી. એ પણ ખબર પડી કે એમની કિડની ડૅમેજ થઇ હતી એટલે અમે ડાયાલિસિસ માટેની પણ તૈયારી શરૂ કરેલી.’

સારવાર તો શરૂ થઇ, પણ સૌથી મોટો સવાલ એ હતો કે દર્દી હતું કોણ? ન હતું નામઠામ કે ન હતો કોઇ અત્તોપતો. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કાર્યરત અદાણી ફાઉન્ડેશન હેડ પંક્તિ શાહ અને એમના સાથીદાર કિશોર ચાવડાએ પણ આ યુવાન વિશે વધારે જાણવાનો પ્રયત્ન કર્યો, પણ કોઇ સગડ ન મળ્યા.

પરંતુ કહે છે ને કે ક્યાંયથી સગડ ન મળતા હોય ત્યારે એની કોઇક રીતે એની સગવડતા ય આપોઆપ થઇ જતી હોય છે. આ કિસ્સામાં ય એવું જ બન્યું. સારવાર દરમ્યાન હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનું ધ્યાન અચાનક જ પેશન્ટના હાથ ઉપર ગયું તો એક ટેટૂં ચિતરાવેલું જોવા મળ્યું. સામાન્ય રીતે હોસ્પિટલમાં કોઇ આવા ચિતરામણ પર ધ્યાન ન આપે, પણ અહીં તો ટેટુમાં કોઈનો મોબાઇલ નંબર ચિતરેલો હતો!

નર્સિંગ સ્ટાફે કુતુહલતાથી એ નંબર તપાસ્યો અને પછી વિચાર્યું કે, કદાચ આ નંબર પરથી જ પેશન્ટ કોણ છે તેની જાણકારી મળી શકે છે. એમણે તરત જ નંબર ડાયલ કર્યો અને બક્સરમાં બેઠેલા બનારસીલાલ સાથે વાત થઇ ત્યારે ખબર પડી કે અકસ્માતે દાખલ થનારા આ યુવાનનું નામ ગ્યાન છે અને તે બિહારનો રહેવાસી છે. માનસિક રીતે અસ્થિર ગ્યાન દોઢેક મહિના પહેલાં ગંગાસ્નાનના મેળાવડામાં માતા-પિતા સાથે એ ગયો ત્યારે કોઇ કારણસર વિખૂટો પડી ગયેલો. ભૂલથી એ કોઇ કોઈ ટ્રેનમાં બેસી ગયેલો. પશ્ચિમ રેલવેની ગુજરાતમાં આવતી ટ્રેનનું છેલ્લું સ્ટેશન ભૂજ છે એટલે અકસ્માતે જ એ ભૂજમાં આવી ચડેલો.

કોઈ ઠેકાણા વગર ભૂજમાં આમતેમ રખડ્યા કરતા ગ્યાનને એ દિવસે વાહને અડફેટે લીધો અને એ આ હોસ્પિટલ સુધી પહોંચ્યો. કદાચ એની નિયતિ જ હતી કે મા-બાપનો મેળાપ હોસ્પિટલમાં જ થાય! અને થયું પણ એવું જ. દીકરો ભૂજમાં છે એવી ખબર પડતાં જ ગરીબ મા-બાપ મારતી ટ્રેને દોડી આવ્યા.

બિહારના બકસર વિસ્તારમાં વાવણ જેવા નાનકડા ગામમાં રહેતા શિવદુલારી અને બનારસીલાલનો પરિવાર અત્યંત કંગાળ હાલતમાં જીવતો પરિવાર છે. રાશનની નાનકડી દુકાનથી ઘરનું ગુજરાન ચાલે છે. મોટો દીકરો અલગ રહે છે એટલે માનસિક રીતે અસ્થિર એવા ગ્યાનની જવાબદારી નાખીને કુદરત શિવદુલારી અને બનારસીલાલની આકરી કસોટી કરી રહી છે.

દીકરાને મળવા દોડી આવેલું આ દંપતિ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે એમ, એમનો દીકરો ગ્યાન અગાઉ પણ દોઢેક વર્ષ પહેલાં આ જ રીતે ખોવાઈને છેક કેરાલા પહોંચી ગયેલો! માંડ માંડ એનો પતો લાગેલો. વારંવાર વિખૂટા પડી જવાની આવી ઘટનાઓના કારણે જ એના માતા-પિતાએ એના હાથ પર શોખના કે સપનાનાં ટેટૂની જગ્યાએ મોબાઈલ નંબરનું ચિતરામણ કરવું પડ્યું હતું! ગ્યાન નથી પોતાના વિશે કંઈ જણાવી શકતો કે નથી કાંઇ જાણી શકતો. એનું ફક્ત નામ જ ગ્યાન છે, એને પોતાના કે દુનિયા વિશે કદાચ કોઈ ‘જ્ઞાન’ નથી!

અલબત્ત, ખોવાયલો પુત્ર હોસ્પિટલમાં મળી આવ્યો પછી ય માતા-પિતા માટે એ તકલીફોનો અંત નહોતો. આવી હાલતમાં એને લઇને વતનમાં પાછા ફરવાનું ય અઘરૂ હતું.

જો કે, અદાણી ફાઉન્ડેશનના પંક્તિ શાહ કહે છે એમ, એમણે ગ્યાનને વધારે સારવાર માટે અમદાવાદ ખસેડવાની જરૂર હતી એ ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન દ્વારા જરૂરી રોકડ અને અન્ય સહાય કરી આપી હતી. ગ્યાન હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પંક્તિબહેન કહે છેઃ ‘અમને વધારે સંતોષ એ વાતનો છે કે અમે ગ્યાનનો સંપર્ક એના માતા-પિતા સાથે કરાવી શક્યા.’

હા, શરીર પર ચિતરાવેલો એક નંબર પર ક્યારેક આ રીતે વિખૂટા પડેલા પરિવારજનોનો મેળાપ કરાવી શકે છે એવી તો કોણે કલ્પના કરી હોય?

 

(કેતન ત્રિવેદી)