Home Blog Page 4946

અભિનેત્રી જયાપ્રદા સામે બિનજમાનતી વોરન્ટ

લખનૌઃ દિગ્ગજ અભિનેત્રી અને ભાજપનાં નેતા જયાપ્રદાની સામે રામપુરની એક કોર્ટે 2019ની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે બિનજમાનતી વોરન્ટ જારી કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલ છે. આ કેસની  સુનાવણી દરમ્યાન જયાપ્રદા ગેરહાજર રહેતાં કોર્ટે વોરન્ટ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં રામપુર સંસદીય બેઠકથી ભાજપનાં ઉમેદવાર જયાપ્રદા હતાં. એ દરમ્યાન તેમના પર આદર્શ આચારસંહિતાનો કેસ નોંધવામાં આવ્યો હતો.પાછલા વર્ષે લોકસભા ચૂંટણી દરમ્યાન સભાઓમાં  સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને જયાપ્રદા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. જોકે આઝમ ખાન અને જયાપ્રદા વચ્ચે એકબીજા પર શાબ્દિક હુમલા કેટલીય વાર થઈ ચૂક્યા છે. લોકસભા ચૂંટણી દરમ્યાન આઝમ ખાને જયા પ્રદાની તીખી આલોચના કરી હતી. તેમણે તેમની તરફ આપત્તિજનક ઇશારો કરતાં કહ્યું હતું કે અશ્લીલતાને સન્માન આપવવાળો સમાજ ક્યારેય આગળ નથી વધી શક્તો.

લોકસભા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર જયાપ્રદાને હરાવનાર આઝમ ખાને ચૂંટણી દરમ્યાન હરીફ માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. એને કારણે ચૂંટણી પંચે તેમને ચૂંટણીપ્રચાર કરવા માટે 72 કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો.

 

રાણા કપૂરને ત્યાં ઇડીના દરોડાઃ મની લોન્ડ્રિંગ મામલે કાર્યવાહી?

મુંબઈ : યસ બેંક નાણાકીય સંકટમાં ફસાઈ છે. જે બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના પર નાણાકીય પ્રતિબંધો મૂકી દીધા છે. આ સમાચાર બાદ બેંક સાથે જોડાયેલી નવી નવી વિગતો સામે આવી રહી છે. યસ બેંકના પ્રમોટર તેમજ પૂર્વ એમડી રાણા કપૂરના મુંબઈ ખાતેના ઘર ખાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડયા છે. ઈડીએ રાણા કપૂર સામે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ઈડીએ મુંબઈના વર્લી સ્થિત રાણા કપૂરના ઘર ‘સમુદ્ર મહેલ’ પર દરોડાં કર્યાં છે. નોંધનીય છે કે 13 મહિના પહેલા રાણા કપૂરે યસ બેંકના એમડી પદેથી રાજીનામું આપી દીધું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે હાલમાં રાણા કપૂરના એક જ ઘર પર ઇડીએ દરોડાં કર્યાં છે. અધિકારીઓ રાણાની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આખી રાત તેની પૂછપરછ કરવામાં આવી હતી. એવી શક્યતા છે કે આજે શનિવારે તેની ધરપકડ કરવામાં આવે.

યસ બેંકની નાણાકીય સ્થિતને જોતા ગુરુવારે સાંજથી જ સરકાર હરકતમાં આવી હતી. સાથે જ આરબીઆઈએ આદેશ કર્યો હતો કે ત્રીજી એપ્રિલ 2020 સુધી બેંકનો કોઈ પણ ખાતાધારક બેંકમાંથી 50 હજારથી વધુની રકમ ઉપાડી નહીં શકે. જે બાદમાં ખાતાધારકોમાં ચિંતાનો મોજુ પ્રસરી ગયું હતું. જોકે, શુક્રવારે સાંજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ખાતાધારકોને આશ્વાસન આપ્યું હતું કે બેંકમાં તેમના પૈસા સુરક્ષિત છે. આ માટે તેમણે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી.

રાણા કપૂરની જોખમ લેવાની કળાનો ફાયદો સીધો તેની બેંકને મળ્યો હતો. આ જ કારણ હતું કે એક સમયે યસ બેંકનો શેર 1400 રૂપિયાની સપાટી પર પહોંચ્યો હતો. શુક્રવારે ઘરેલૂ બજાર બંધ થયા બાદ બૉમ્બે સ્ટોક એક્સચેન્જ પર યસ બેંકનો શેર 16.20 રૂપિયા પર બંધ રહ્યો હતો.

પોલીસ પર બંદૂક તાકનારા શાહરુખના ઘરેથી પકડાઈ પિસ્ટલ

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા દરમિયાન પોલીસના જવાન પર બંદૂક તાકનાર શાહરુખને 4 માર્ચના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. અત્યારે શાહરુખ પોલીસ કસ્ટડીમાં જ છે. તેને ઉત્તર પ્રદેશના શામલીથી પકડવામાં આવ્યો હતો. ધરપકડ બાદથી જ પોલીસ તેની પિસ્ટલની શોધમાં લાગી હતી. ત્યારે પોલીસને આ મામલે સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસે શાહરુખની આ બંદૂક તેના ઘરેથી મળી આવી છે. પોલીસે શાહરુખના ઘરેથી ત્રણ કારતૂસ જપ્ત કર્યા છે. આ સિવાય તેનો અન્ય 1 મોબાઈલ ફોન પણ ક્રાઈમબ્રાન્ચને હાથ લાગ્યો છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચની બે ટીમો દિલ્હી હિંસાની તપાસ કરી રહી છે. હિંસા દરમિયાન શાહરુખે કથિત રીતે પોતાની આ જ પિસ્ટલથી આશરે 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન શાહરુખે હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર પિસ્ટલ તાકી હતી, જો કે શાહરુખે તેમના પર ગોળી નહોતી ચલાવી. દીપકે આ મામલે જણાવતા કહ્યું હતું કે, મેં તેને કહ્યું હતું કે હવે ક્યાંય પણ તે છુપાઈ જાય પરંતુ પોલીસ તેને શોધી કાઢશે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, શાહરુખ 27 વર્ષનો છે. તે સલીમપુરના ચૌહાણ બાંગડનો રહેવાસી છે. આના પર કોઈપણ કેસ નોંધવામાં આવ્યો નહોતો. તેના પિતા ડ્રગ પેડલર છે. તે ઘણીવાર પકડાઈ ચૂક્યા છે. હિંસા બાદથી શાહરુખનો પરિવાર ગાયબ હતો. શાહરુખ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. તે વીડિયો મેકિંગ એપ ટિકટોકનો ખૂબ ઉપયોગ કરતો હતો. તે ટિકટોક પર પોસ્ટ કરતો રહેતો હતો. શાહરુખને જીમનો પણ ખૂબ શોખ છે. તેણે ટિકટોક પર આ મામલે ઘણા વીડિયોઝ પણ પોસ્ટ કર્યા છે.

‘ગોલ્ડપરી’ એથ્લીટ હિમા દાસ બની આસામની પોલીસ અધિકારી

ગુવાહાટી: આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણીતી એથ્લીટ – રનર હિમા દાસને નાયબ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ (ડીએસપી) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના નાણાં પ્રધાન હિમંત વિશ્વ શર્મા ગઈ કાલે રાજ્ય વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી.

હિમા દાસ જકાર્તા એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતી લાવી હતી.

આસામ સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તે રાજ્યના જે કોઈ પણ ખેલાડી ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ કે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતશે એમને ગ્રેડ-1 ઓફિસરના રૂપમાં નિયુક્ત કરશે. એને પગલે જ હિમા દાસને પોલીસ અધિકારીપદની ઓફર કરાઈ છે.

હિમા દાસ આ વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સમાં પણ ભારતને મેડલ અપાવશે એવી આશા રખાય છે. એણે પોતાની કેટેગરી બદલી છે અને હવે તે 400 મીટરને બદલે 200 મીટરમાં દોડવાની છે. 200 મીટરની રેસમાં તેનો શ્રેષ્ઠ સમય નોંધાયો છે 23.10 સેકંડનો.

2000માં આસામમાં જન્મેલી હિમા 400 મીટરની રેસમાં રાષ્ટ્રીય વિક્રમ ધરાવે છે. 2018ની એશિયન ગેમ્સમાં એણે 50.79 સેકંડ સાથે રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યો હતો. વર્લ્ડ અન્ડર-20 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર તે પહેલી ભારતીય એથ્લીટ છે.

આસામના નાણાં પ્રધાન હિમંત વિશ્વ શર્મા સાથે હિમા દાસ

હિમા આસામના ઢિંગ નગરની સરકારી શાળામાં ભણી હતી. એ વખતે એને ફૂટબોલની રમતમાં રસ હતો અને તે સ્કૂલનાં છોકરાઓની સાથે ફૂટબોલ રમતી હતી. પરંતુ, ભારતમાં મહિલા ફૂટબોલમાં પોતાની કારકિર્દી બનવાની એને સંભાવના ન જણાતાં એણે તેનાં પી.ટી. ટીચરની સલાહને માનીને દોડવાની રમતમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું અને એમાં તે ઝડપથી સફળતા હાંસલ કરવા લાગી હતી.

કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રિજીજુ સાથે હિમા દાસ

હિમંત વિશ્વ શર્માએ એમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે મને એ જાહેર કરતા આનંદ થાય છે કે આપણી ‘ઢીંગ એક્સપ્રેસ’ આપણી નીતિની પહેલી લાભાર્થી છે. એને આપણે ડેપ્યૂટી સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસનો હોદ્દો ઓફર કરીએ છીએ.

આ સમાચાર વિશે હિમા દાસે ટ્વીટ કરીને પોતાના પ્રત્યાઘાત આપ્યા છે. એણે આસામના મુખ્ય પ્રધાન સર્બનંદા સોનોવાલ અને હિમંત વિશ્વ શર્માનો આભાર માન્યો છે. એણે વધુમાં લખ્યું છે સરકારના આ નિર્ણયથી મેડલ જીતનાર રમતવીરોને પ્રોત્સાહન મળશે.

ટીકટોકને ટક્કર આપવા માટે ગુગલે લોન્ચ કરી નવી એપ

નવી દિલ્હીઃ દેશભરમાં અત્યારે TikTok નામની એપ ખૂબ લોકપ્રિય બની ગઈ છે અને આ એપના ચાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. TikTok પર માત્ર યુવાનો જ નહી પરંતુ બાળકો અને વૃદ્ધો પણ વિડીયો બનાવીને શેર કરે છે. તો હવે ગુગલે ટીકટોકને ટક્કર આપવા માટે પોતાની એક શોર્ટ વિડીયો મેકિંગ એપ Tangi લોન્ચ કરી છે. જે ટીકટોકની જેમ જ એક શોર્ટ વિડીયો મેકિંગ એપ છે પરંતુ આને મનોરંજન માટે નહી પરંતુ ટ્યુટોરિયલ માટે લોન્ચ કરવામાં આવી છે.

Google Tangi એપની વાત કરીએ તો આને લોન્ચ કરવા પાછળ કંપનીનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન નથી પરંતુ આને એજ્યુકેશન અને ટ્યુટોરિયલની જેમ પણ ઉપયોગ કરી શકાશે. સામાન્ય ભાષામાં સમજીએ તો આ એપમાં આપ How To પ્રકારના વિડીયો બનાવીને શેર કરી શકો છો જે બીજા લોકો માટે ખાસ ઉપયોગી હશે. આ વિડીયોઝની મદદથી અન્ય યૂઝર્સ ઘણું નવું શીખી શકશે જ્યારે ટીકટોકનો ઉપયોગ માત્ર મનોરંજન પ્રદાન કરતા વિડીયોઝ બનાવવા માટે જ કરવામાં આવે છે.

Google Tangi અત્યારે એપલ યૂઝર્સ માટે આઈફોન અને વેબ વર્ઝન બન્ને પર ઉપ્લબ્ધ છે અને આને એપલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. અત્યારે ગુગલ પ્લે સ્ટોર પર આ એપ લિસ્ટ નથી કરવામાં આવી, પરંતુ આશાઓ રાખવામાં આવી રહી છે કે કંપની જલ્દી જ આને એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઉપ્લબ્ધ કરાવી શકે છે.

યૂઝર્સ ટીકટોકની જેમજ 60 સેકન્ડનો વિડીયો બનાવીને શેર કરી શકે છે. પરંતુ આ વિડીયો એજ્યુકેશન એટલે કે યૂઝર્સને કંઈક નવું શિખવાડવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવી છે. આમાં આપને રસોઈ, લાઈફસ્ટાઈલ, આર્ટ, ફેશન અને બ્યૂટી જેવી અલગ-અલગ કેટેગરિઝ મળશે, જેના આધાર પર આપ પોતાના વિડીયો બનાવી શકો છો.

વાહ ભાઈ વાહ! ૭ માર્ચ, ૨૦૨૦

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચે જ કેમ?

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચે ઊજવવામાં આવે છે. મહિલા દિવસની શરૂઆત આમ તો 1908માં થઈ હતી, પણ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1975માં માન્યતા આપવામાં આવી હતી. દર વર્ષે મહિલા દિવસને અલગ-અલગ થિમ પર મનાવવામાં આવે છે.  વર્ષે મહિલા દિવસની થિમ ”I am Generation Equality: Realizing Women’s Rights” ( હું જાતિ સમાનતામાં માનું છું: મહિલાઓના અધિકારની અનુભૂતિ કરું છું)’ છે. જેનો અર્થ મહિલાઓને તેમના હકો પ્રત્યે જાગ્રત કરવાનો અને જેન્ડર ઇક્વાલિટી (જાતિ સમાનતા) પર વાત કરવાનો છે.

 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પ્રારંભ

1908માં એ મજૂર આંદોલન પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત થઈ હતી. વાસ્તવમાં ન્યુ યોર્કમાં અનેક મહિલાઓએ મોરચો કાઢીને નોકરીના કલાકો ઓછા કરવાની અને પગાર વધારવાની માગ કરી હતી. મહિલાઓને એ આંદોલનમાં સફળતા મળી અને એના પછીના વર્ષે સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ આ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કર્યો

આઠ માર્ચે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

1917માં પહેલા વિશ્વ યુદ્ધ દરમ્યાન રશિયાની મહિલાઓએ બ્રેડ અને પીસ માટે હડતાળ કરી હતી. મહિલાઓએ તેમની હડતાળ દરમ્યાન તેમના પતિઓની માગને ટેકો આપવા માટે ના પાડી દીધી અને યુદ્ધને છોડવા માટે રાજી કરી લીધા. ત્યાર બાદ ત્યાંના સમ્રાટ નિકોલેસે તેમનું પદ છોડવું પડ્યું હતું અને છેવટે મહિલાઓને મતદાનનો અધિકાર પણ આપવામાં આવ્યો. રશિયાની આ મહિલાઓ દ્વારા 28 ફેબ્રુઆરીએ આ વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે યુરોપમાં મહિલાઓએ આઠ માર્ચે પીસ ચળવળકારોને ટેકો આપવા રેલીઓ કાઢી હતી. આને કારણે આઠ માર્ચે આંરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત થઈ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું શું મહત્ત્વ?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મુખ્યત્વે મહિલાઓ દ્વારા અલગ-અલગ ક્ષેત્રોમાં તેમના યોગદાનના લીધે મનાવવામાં આવે છે. આ સિવાય મહિલાઓ લઈને સમાજના લોકોને જાગ્રત કરવા, મહિલાઓને તેમના અધિકારો પ્રતિ જાગરૂક કરવા અને તેમને પ્રેરિત કરવા આ દિવસ મહત્ત્વપૂર્ણ છે. એટલા માટે મહિલા દિવસે અલગ-અલગ થિમ રાખવામાં આવે છે.

 

 

 

 

બિહારની વિધાનસભામાં એક ઉંદર આવ્યો અને….

પટણાઃ બિહારમાં ઉંદરોનો બહુ ત્રાસ છે. ઉંદરો ઘણીવાર એવા કારનામા કરી બેસે છે કે પછી સરકાર પણ ધંધે લાગી જાય છે. બિહારના ઉંદરો સામાન્ય નથી ખાસ છે અને ક્યારેક તો તેઓ દારુની બોટલોમાંથી દારુ પણ પી જાય છે, ક્યારેક શિક્ષકોની ફાઈલો કોતરી નાંખે છે અને ક્યારેક દર્દીઓની દવા પણ પી જાય છે.

ત્યારે હવે બિહારમાં ગોટાળો કરનારા આ ઉંદરોને આરજેડી નેતાની મદદથી રાબડી દેવીએ પિંજરામાં કેદ કરી લીધા છે અને આજે આ ઉંદરોને લઈને આરજેડી નેતા વિધાનસભામાં પહોંચી ગયા અને કહ્યું કે, બિહારના ઉંદરોને વિધાનસભામાં રજૂ થવું પડશે અને આ લોકોને બિહાર સરકાર કડક સજા પણ આપશે.

ઉલ્લેખનીય છે કે બિહારની રાજનીતિમાં ઉંદરોની બોલબાલા છે. બિહારમાં જ્યારે પૂર આવ્યું તો તેનો આરોપ આ ઉંદરો પર લાગ્યો કે ઉંદરોએ પૂલને કોતરી ખાધો અને તેના કારણે પૂર આવ્યું. પછી બિહારમાં દારુબંધી બાદ જ્યારે દારુની બોટલો જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવી ત્યારે બોટલો ખાલી મળી આવી અને ફરીથી આરોપ ઉંદરો પર લાગ્યો કે, ઉંદરો અનેક બોટલોમાંથી દારુ પી ગયા.

ત્યારે આજે આરજેડી નેતાઓએ વિધાનસભા બહાર પિંજરામાં બંધ ઉંદર સાથે અનોખું પ્રદર્શન કર્યું. આરજેડી નેતા સુબોધ રાય પિંજરામાં બંધ ઉંદરો સાથે વિધાનસભામાં પહોંચ્યા અને દાવો કર્યો કે અમે બિહારમાં ગોટાળાના આરોપી ઉંદરોને પકડી લીધા છે.

વિધાનસભામાં શૂન્યકાળ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષી સભ્યો વચ્ચે ઉંદરોને લઈને ખૂબ તૂતૂ-મેંમેં થઈ. સદનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની ઉપસ્થિતિમાં આરજેડીના સુબોધ રાય સરકારમાં ગોટાળો કરનારા ઉંદરોને લઈને કાર્યવાહીની માંગ કરતા રહ્યા. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો એકબીજા સાથે બાખડ્યા પણ ખરા. આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હસતા રહ્યા. પછી આક્ષેપ-પ્રતિઆક્ષેપને જોતા નીતિશ કુમાર સદનમાંથી બહાર નિકળી ગયા.

સુબોધ રાયે વારંવાર માંગણી કર્યા બાદ રજનીશે સભાપતિ પાસેથી માંગ કરી કે, આરજેડી નેતા સુબોધ રાયે ઉંદરને પકડી રાખ્યું છે અને એટલા માટે તેમના પર કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આ ઘટનાક્રમ વચ્ચે નારાયણ પાંડેએ કહ્યું કે, ઉંદર તો રાંચી જેલમાં બંધ છે. આવું સાંભળતા જ રાબડી દેવી સીટ પર ઉભા થઈ ગયા અને ભાજપ પર પ્રહારો કર્યા.

આ તમામ ઘટનાક્રમ ઉગ્ર સ્વરુપ ધારણ કરે તે પહેલા જ સભાપતિએ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને બધાને સમજાવ્યા બાદ મામલો શાંત થયો.

વાસ્તુ: અગ્નિમાં રહેતી નારી પ્રભાવશાળી હોય છે

ર અને નારી બંનેને ઈશ્વરે અલગ બનાવ્યા છે અને એમની અલગતા જ એમની ઓળખાણ છે. પુરુષ સમોવડી નારી દર્શાવવા માટેની એડવરટાઈઝમાં સ્ત્રી પુરુષની મસ્તી કરતી હોય  એવું બતાવવું જરૂરી છે? શું પુરુષનો એ એકજ ગુણ છે? એની સામે નારી માત્ર ભોગવટા નો જ વિષય છે એ વિચારધારા પણ ખોટી છે. “ એકલાડકા ઔર એક લાડકી કભી દોસ્ત નહિ હો શકતે.” જેવા ડાયલોગ પર તાળીઓ પાડતો સમાજ આપણી આસપાસ છે. શું સંબંધોમાં સહજતા ન હોઈ શકે? જેમ બે પુરુષ મિત્રો એકબીજાના ખભે હાથ રાખીને બેસી શકે એટલીજ સહજતાથી એક પુરુષ અને એક સ્ત્રી મિત્ર ન બેસી શકે? શું મિત્ર માટે કોઈ જાતિવાચક શબ્દ જરૂરી છે ખરો? જયારે મન પર વધારે દબાણ આવે છે ત્યારે મન છટકે છે અને વિકારો જન્મ લે છે. નારીને સન્માન આપવા માટે સહુથી પહેલા તો આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવો જરૂરી છે. શું ટુવાલ માત્રસ્ત્રીઓ જ પહેરે છે? શું દારૂની એડ માં સ્ત્રી હોવી જરૂરી છે? અને એ જ જગ્યાએ તમારા ઘરની સ્ત્રીઓની કલ્પના કર્યા બાદ આના જવાબો વિચારવા જરૂરી છે. બિન્દાસ્ત હોવા માટે હાથમાં સિગારેટ જરૂરી છે? શું સિંહની સામે હોંકારો માંડતી ચારણ કન્યા બિન્દાસ્ત ન ગણાય? મોર્ડન મનથી થવાય માત્ર દેખાવથી નહિ.

વિશ્વ નારી દિવસે બે ચાર નારીના ફોટા મુકીને સારા વાક્યો લખી દીધા એટલે જવાબદારી પતિ ગઈ? તકલીફ ત્યાં છે કે રસોડામાં મદદ કરનાર પતિ કે દીકરાને આ સમાજ નમાલો ગણે છે. ઘરની જવાબદારીમાં હાથ અડાડનાર પુરુષ વેવલો ગણાય છે અને બાળકોનું ધ્યાન રાખનાર કે માં નું ધ્યાન રાખનાર? જો નારી નોકરી કરી શકે તો પુરુષ ઘરનું કામ શા માટે ન કરી શકે? મેં નાનપણમાં આવું એક યુગલ જોયું છે. પતિ ઘર સંભાળતા હતા અને પત્ની સારી નોકરી કરતા હતા. પેલા ભાઈને બધા હાઉસ હસબંડ કહેતા. અને એ એક સારા પિતા પુરવાર થઇ શક્યા. ખુબજ સરળ રીતે એક બીજાને અનુરૂપ થઇ અને જીવવામાં જ સાચી મજા છે. તો આવું જીવન કેવી રીતે મળે શકે? વળી વિવિધ પ્રકારની નારીઓને સમજવી કેવી રીતે? શું નારી પ્રધાન વાસ્તુ હોય ખરું? આ બધાજ સવાલોની આપણે ચર્ચા કરીએ.

જયારે ઘરનું દ્વાર અગ્નિમાંથી હોય ત્યારે એ વાસ્તુ નારીપ્રધાન હોવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંતઅગ્નિથી વાયવ્યનો અક્ષ સકારાત્મક હોય તો નારી પ્રધાન વાસ્તુ ગણી શકાય. જયારે મુખ્ય ચાર અક્ષ સકારાત્મક હોય અને ઇશાન, અગ્નિ, વાયવ્ય, નૈરુત્ય સકારાત્મક હોય ત્યારે એકબીજા સાથે સંતુલિત જીવન જીવી શકાય છે. હવે વાત કરીએ વિવિધ સ્વભાવ ધરાવતી નારીઓની. ઇશાનની સકારાત્મકતા નારીને સાત્વિક બનાવે છે.તે અંત્યંત ભોળી હોય તેવું બને પણ જો ઇશાન નકારાત્મક હોય તો તે જીદ્દી બને છે. અને પોતાના વિચારો સમગ્ર પરિવાર પર હાવી થાય તેવો પ્રયત્ન કરે છે. જો નારી ઈશાનના બેડરૂમમાં રહેતી હોય તો તે ધાર્યું કરવા અને કરાવવામાં સફળ થાય છે પણ તેની ચાહના ઓછી થાય છે. જો નારી વાયવ્યમાં રહેતી હોય તો તેનામા સર્જનાત્મક વિચારો વધે છે પણ જો આ જગ્યા સકારાત્મક હોય તો. જો તે નકારાત્મક હોય તો નારી નાના બાળક જેવી જીદ કરે અથવાતો વિદ્રોહ કરે તેવું બની શકે. નૈરુત્ય ની સકારાત્મકતા ઠાવકાપણું આપે છે.

અહી રહેતી સ્ત્રીને માંગીને સન્માન લેવાની જરૂર નથી પડતી. તેનું ઘર પર વર્ચસ્વ એની મેળે જ ઉભું થાય છે. પણ જો આ જગ્યા નકારાત્મક હોય તો તે ઘરમાં રાજકારણ કરવા પ્રયત્ન કરી શકે. તેને સતત પોતાનું સતીત્વ ટકાવી રાખવાની ચિંતા રહે છે. તેને જલ્દી કોઈના પર ભરોસો નથી આવતો. અગ્નિ તો દીશા જ નારીપ્રધાન છે. તેથી અહી રહેતી નારી પ્રભાવશાળી હોય છે. જો તે એકલી રહેતી હોય તો. અહી કામ કરવાથી પણ નારીનો પ્રભાવ વધે છે. તેથીજ રસોડું અગ્નિમાં રાખવાની વાત છે. અહી બનેલી રસોઈ સ્વાદીસ્ટ હોય છે. પણ જો આ જગ્યા નકારાત્મક હોય તો નારી નો સ્વભાવ નકારાત્મક બને છે. તેને નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય છે. ક્યારેક તે અન્યનું સન્માન નથી આપી શક્તિ. પૂર્વની સકારાત્મકતા સૌમ્યતા આપે છે તો પશ્ચિમની ઠરેલપણું. ઉત્તરની સકારાત્મકતા વિચક્ષણ બુદ્ધિ તો દક્ષિણની સલારાત્મકતા શક્તિ. પણ જો પૂર્વ નકારાત્મક હોય તો તે ઝગડાળું બની શકે અને પશ્ચિમની નકારાત્મકતા તેને વાંકદેખી બનાવી શકે. શારીરિક ફરિયાદો પણ રહે. ઉત્તરની નકારાત્મકતા અસંતોષ આપે તો દક્ષિણની નકારાત્મકતા નારીને ગુસ્સો આપી શકે. આમ કોઈ પણ નારીને દોષ દેવા કરતા તેના ઘરના વાસ્તુને સમજી અને બરાબર કરી દેવામાં આવે તો ઘરના મોભ સમી નારી સાચા અર્થમાં મોભ બની ઘરને સંતુલિત રાખી શકશે.હા, પણ આ બાબતમાં નારીને રસ હોય તે ખુબજ જરૂરી છે.

 

દાહોદના તબીબનો અનોખો સેવાયજ્ઞ: 8 હજારથી વધુ મહિલાઓનું કર્યુ નિઃશુલ્ક નિદાન

આ વાત વર્ષ ૧૯૭૪-૭૫ની છે. એ અરસામાં ઝાલોદ તાલુકામાં પર્યાપ્ત શિક્ષણ સુવિધા નહોતી. તાલુકા મથકથી નજીક આવેલા ગામડી ગામમાં પણ ઉચ્ચ શૈક્ષણિક સુવિધા નહોતી. માત્ર એક જ ઓરડાની શાળામાં પ્રાથમિક શિક્ષણની સુવિધા હતી. વાલીઓ બાળકને નાસ્તો કરાવવા અને બાળક રખડે નહી તે માટે શાળાએ મોકલે. આવી સ્થિતિમાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ત્યાં માધ્યમિક શાળા ખોલવામાં આવી. ગામના છોકરાઓ આ શાળામાં અભ્યાસ માટે આવતા. તેમાં એક છાત્ર અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી. છાત્રની મેધાવીશક્તિને પારખીને શાળાના શિક્ષકો પણ તેમાં વિશેષ રૂચિ લેતા હતા. આ છાત્ર ભવિષ્યમાં તબીબ બનવાનો હતો અને દાહોદ જિલ્લાની અનેક મહિલાઓની સેવા કરવાનો હતો.

અહીં વાત થાય છે દાહોદના જાણીતા તબીબ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગભાઇ આર. ડામોરની. સમગ્ર ગુજરાતમાં આ જ એક માત્ર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે જે પોતાની હોસ્પિટલે દર માસમાં એક વાર એટલે પ્રતિ માસની નવમી તારીખે મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરી આપે છે. તેમની સેવા અનન્ય છે. પણ, તે પૂર્વે તેમની આ સેવા પાછળ રહેલા તેમના સંકલ્પ-સંઘર્ષની વાત કરીએ.

કલસિંગે પોતાના જૂના મેટ્રીક્લુલેશન સુધીનો અભ્યાસ પોતાના ગામમાં જ કર્યો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી તબીબી શિક્ષણ માટે જરૂરી વિષયો સાથે અભ્યાસ કરવાનો આગ્રહ શિક્ષકોએ રાખ્યો પણ, દુવિધાએ હતી કે, ગામડીની આ શાળામાં આ વિષયના ક્લાસ નહોતા. આ બાબતનો તોડ શાળાના તત્કાલીન આચાર્ય શ્રી પી. આર. પટેલે કાઢ્યો.
કલસિંગને શિક્ષક રૂમમાં જ અભ્યાસ શરૂ કરાવવામાં આવ્યો. વિજ્ઞાન પ્રવાહમાં માત્ર એક જ વિદ્યાર્થી હોવા છતાં શિક્ષકો તેને અભ્યાસ કરાવવા માટે તૈયાર ! વિજ્ઞાન પ્રવાહના વિષયો શિક્ષકો સારી રીતે અભ્યાસ કરાવવા લાગ્યા. મેટ્રીકમાં ૭૪ ટકા આવ્યા. પછી ઝાલોદની બી. એમ. હાઇસ્કૂલ અને દાહોદમાં અભ્યાસ કરી અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો. બી જે મેડિકલ કોલેજમાં સ્ત્રી રોગ વિશેષજ્ઞની પદવી મેળવીને પાંચ વર્ષ દાહોદ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં સેવા બજાવી. સરકારી સેવામાં તેઓ કદાચ આજે ઉચ્ચ પદ પર હોત. પરંતુ દાહોદ જિલ્લાની મહિલા ઓની આદિવાસી મહિલાઓની તંદુરસ્તી અને એની સમસ્યાઓ શરૂઆતથી જોઈ હતી..એના માટે જ કામ કરવાનું નક્કી કરીને પોતાની સ્વતંત્ર જનની હોસ્પિટલ ચાલુ કરી.

એવામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ચિરંજીવી યોજના શરૂ કરી. આ યોજના હેઠળ વર્ષ ૨૦૦૫થી છેક ૨૦૧૪ સુધી આ યોજના અંતર્ગત હજારો માતાઓને તેમનું માતૃત્વ સુરક્ષિત કરવામાં ડો. ડામોરે પોતાના જ્ઞાનનું યોગદાન આપ્યું.

હવે મૂળ વાત ! એ બાદમાં નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા બાદ તબીબી જગતને એવી અપીલ કરી કે માસમાં એક દિવસ તબીબો સેવાભાવ સાથે કોઇ પણ ફિ લીધા વીના કામ કરે. વડાપ્રધાનશ્રીની આ વાત ડો. ડામોરને ખૂબ જ સ્પર્શી ગઇ. એમણે વર્ષ ૨૦૧૬માં દર માસની નવમી તારીખે વિનામૂલ્યે પોતાની હોસ્પિટલે જ નિદાન કરવાનું શરૂ કર્યું. વડાપ્રધાનશ્રીના સુરક્ષિત માતૃત્વ અભિયાનને તેમને સારી રીતે ઝીલી લીધું.

ડો. ડામોર કહે છે, છેલ્લા ચાર વર્ષમાં ૮૦૦૦થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક નિદાન અને જરૂર પડે તો પરિસ્થિતિને અનુરૂપ વિનામૂલ્યે સારવાર કરી છે. માસની નવમી તારીખે મારી હોસ્પિટલે ઓછામાં ઓછી ૨૦૦ જેટલી મહિલાઓ આ સેવાનો લાભ લે છે.  તે જણાવે છે, મહિલા તંદુરસ્તી જ મહિલા સશક્તિકરણની પ્રથમ શરત છે. વડાપ્રધાનશ્રીની આ વાત મને ખૂબ જ પસંદ આવી છે. હું આદિવાસી વિસ્તારની મહિલાની બની શકે એટલી સેવા કરૂ છું. આ ઉપરાંત વર્ષમાં ચાર બહારના સ્થળે કેમ્પ કરૂ છું. એમાં એક કેમ્પ મારા ગામ ગામડીમાં કરૂ છું. જેમાં નિદાન અને સારવાર, દવાઓ વિનામૂલ્યે આપું છું.

ડો. ડામોરે એક વાત એવી પણ કહી કે, દાહોદ જિલ્લાની આદિવાસી મહિલાઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ સાવ ઓછું જોવા મળે છે. અમે ક્યારેક માત્ર એકથી દોઢ ટકા હિમોગ્લોબીન હોય એવી મહિલાની પણ સુરક્ષિત ડિલિવરી કરાવી છે. આ માટે રાજ્ય સરકારે પોષણ અભિયાન ચલાવ્યું છે, એ સારી બાબત છે.  તેમણે પોતાની હોસ્પિટલમાં કવિ બોટાદકરની કવિતા જનની ની જોડ સખી નહી જડે રે લોલ લખાવી છે અને તેને સાર્થક કરવાની પ્રબળ મહેચ્છા ધરાવે છે.

(દર્શન ત્રિવેદી)