વાસ્તુ: અગ્નિમાં રહેતી નારી પ્રભાવશાળી હોય છે

ર અને નારી બંનેને ઈશ્વરે અલગ બનાવ્યા છે અને એમની અલગતા જ એમની ઓળખાણ છે. પુરુષ સમોવડી નારી દર્શાવવા માટેની એડવરટાઈઝમાં સ્ત્રી પુરુષની મસ્તી કરતી હોય  એવું બતાવવું જરૂરી છે? શું પુરુષનો એ એકજ ગુણ છે? એની સામે નારી માત્ર ભોગવટા નો જ વિષય છે એ વિચારધારા પણ ખોટી છે. “ એકલાડકા ઔર એક લાડકી કભી દોસ્ત નહિ હો શકતે.” જેવા ડાયલોગ પર તાળીઓ પાડતો સમાજ આપણી આસપાસ છે. શું સંબંધોમાં સહજતા ન હોઈ શકે? જેમ બે પુરુષ મિત્રો એકબીજાના ખભે હાથ રાખીને બેસી શકે એટલીજ સહજતાથી એક પુરુષ અને એક સ્ત્રી મિત્ર ન બેસી શકે? શું મિત્ર માટે કોઈ જાતિવાચક શબ્દ જરૂરી છે ખરો? જયારે મન પર વધારે દબાણ આવે છે ત્યારે મન છટકે છે અને વિકારો જન્મ લે છે. નારીને સન્માન આપવા માટે સહુથી પહેલા તો આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવો જરૂરી છે. શું ટુવાલ માત્રસ્ત્રીઓ જ પહેરે છે? શું દારૂની એડ માં સ્ત્રી હોવી જરૂરી છે? અને એ જ જગ્યાએ તમારા ઘરની સ્ત્રીઓની કલ્પના કર્યા બાદ આના જવાબો વિચારવા જરૂરી છે. બિન્દાસ્ત હોવા માટે હાથમાં સિગારેટ જરૂરી છે? શું સિંહની સામે હોંકારો માંડતી ચારણ કન્યા બિન્દાસ્ત ન ગણાય? મોર્ડન મનથી થવાય માત્ર દેખાવથી નહિ.

વિશ્વ નારી દિવસે બે ચાર નારીના ફોટા મુકીને સારા વાક્યો લખી દીધા એટલે જવાબદારી પતિ ગઈ? તકલીફ ત્યાં છે કે રસોડામાં મદદ કરનાર પતિ કે દીકરાને આ સમાજ નમાલો ગણે છે. ઘરની જવાબદારીમાં હાથ અડાડનાર પુરુષ વેવલો ગણાય છે અને બાળકોનું ધ્યાન રાખનાર કે માં નું ધ્યાન રાખનાર? જો નારી નોકરી કરી શકે તો પુરુષ ઘરનું કામ શા માટે ન કરી શકે? મેં નાનપણમાં આવું એક યુગલ જોયું છે. પતિ ઘર સંભાળતા હતા અને પત્ની સારી નોકરી કરતા હતા. પેલા ભાઈને બધા હાઉસ હસબંડ કહેતા. અને એ એક સારા પિતા પુરવાર થઇ શક્યા. ખુબજ સરળ રીતે એક બીજાને અનુરૂપ થઇ અને જીવવામાં જ સાચી મજા છે. તો આવું જીવન કેવી રીતે મળે શકે? વળી વિવિધ પ્રકારની નારીઓને સમજવી કેવી રીતે? શું નારી પ્રધાન વાસ્તુ હોય ખરું? આ બધાજ સવાલોની આપણે ચર્ચા કરીએ.

જયારે ઘરનું દ્વાર અગ્નિમાંથી હોય ત્યારે એ વાસ્તુ નારીપ્રધાન હોવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંતઅગ્નિથી વાયવ્યનો અક્ષ સકારાત્મક હોય તો નારી પ્રધાન વાસ્તુ ગણી શકાય. જયારે મુખ્ય ચાર અક્ષ સકારાત્મક હોય અને ઇશાન, અગ્નિ, વાયવ્ય, નૈરુત્ય સકારાત્મક હોય ત્યારે એકબીજા સાથે સંતુલિત જીવન જીવી શકાય છે. હવે વાત કરીએ વિવિધ સ્વભાવ ધરાવતી નારીઓની. ઇશાનની સકારાત્મકતા નારીને સાત્વિક બનાવે છે.તે અંત્યંત ભોળી હોય તેવું બને પણ જો ઇશાન નકારાત્મક હોય તો તે જીદ્દી બને છે. અને પોતાના વિચારો સમગ્ર પરિવાર પર હાવી થાય તેવો પ્રયત્ન કરે છે. જો નારી ઈશાનના બેડરૂમમાં રહેતી હોય તો તે ધાર્યું કરવા અને કરાવવામાં સફળ થાય છે પણ તેની ચાહના ઓછી થાય છે. જો નારી વાયવ્યમાં રહેતી હોય તો તેનામા સર્જનાત્મક વિચારો વધે છે પણ જો આ જગ્યા સકારાત્મક હોય તો. જો તે નકારાત્મક હોય તો નારી નાના બાળક જેવી જીદ કરે અથવાતો વિદ્રોહ કરે તેવું બની શકે. નૈરુત્ય ની સકારાત્મકતા ઠાવકાપણું આપે છે.

અહી રહેતી સ્ત્રીને માંગીને સન્માન લેવાની જરૂર નથી પડતી. તેનું ઘર પર વર્ચસ્વ એની મેળે જ ઉભું થાય છે. પણ જો આ જગ્યા નકારાત્મક હોય તો તે ઘરમાં રાજકારણ કરવા પ્રયત્ન કરી શકે. તેને સતત પોતાનું સતીત્વ ટકાવી રાખવાની ચિંતા રહે છે. તેને જલ્દી કોઈના પર ભરોસો નથી આવતો. અગ્નિ તો દીશા જ નારીપ્રધાન છે. તેથી અહી રહેતી નારી પ્રભાવશાળી હોય છે. જો તે એકલી રહેતી હોય તો. અહી કામ કરવાથી પણ નારીનો પ્રભાવ વધે છે. તેથીજ રસોડું અગ્નિમાં રાખવાની વાત છે. અહી બનેલી રસોઈ સ્વાદીસ્ટ હોય છે. પણ જો આ જગ્યા નકારાત્મક હોય તો નારી નો સ્વભાવ નકારાત્મક બને છે. તેને નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય છે. ક્યારેક તે અન્યનું સન્માન નથી આપી શક્તિ. પૂર્વની સકારાત્મકતા સૌમ્યતા આપે છે તો પશ્ચિમની ઠરેલપણું. ઉત્તરની સકારાત્મકતા વિચક્ષણ બુદ્ધિ તો દક્ષિણની સલારાત્મકતા શક્તિ. પણ જો પૂર્વ નકારાત્મક હોય તો તે ઝગડાળું બની શકે અને પશ્ચિમની નકારાત્મકતા તેને વાંકદેખી બનાવી શકે. શારીરિક ફરિયાદો પણ રહે. ઉત્તરની નકારાત્મકતા અસંતોષ આપે તો દક્ષિણની નકારાત્મકતા નારીને ગુસ્સો આપી શકે. આમ કોઈ પણ નારીને દોષ દેવા કરતા તેના ઘરના વાસ્તુને સમજી અને બરાબર કરી દેવામાં આવે તો ઘરના મોભ સમી નારી સાચા અર્થમાં મોભ બની ઘરને સંતુલિત રાખી શકશે.હા, પણ આ બાબતમાં નારીને રસ હોય તે ખુબજ જરૂરી છે.