વાસ્તુ: કેટલા પતિ પત્નીને રસોડામાં મદદ કરે છે?

ડીલ શ્રી. મને તમારી ઉમર નથી ખબર. પણ તમારા જ્ઞાનના લીધે તમને વડીલ કહું છુ. સામાન્ય રીતે સ્ત્રી પોતાની સાચી ઉંમર નથી જણાવતી. પણ મારે એ જણાવવી જરૂરી છે. મને પચાસ થયા. મારા લગ્ન પચીસમાં વરસે થયા. મારા એ બ્રિટનમાં ભણેલા. અને હું ગામડામાં. બધાને હતું કે કજોડું થશે. પણ મેં ઘણું સાચવી લીધું. એ પહેલીવાર ઘરે જમવા આવ્યા ત્યારે જ મારા પપ્પાએ એમને પારખી લીધા હતા. ધીમું ધીમું બોલે. થોડુંથોડું ખાય અને સામે પુરુષ હોય કે સ્ત્રી શરમ વિના વાતો કરે. અમારા લગ્ન એક સંબંધીએ કરાવ્યા હતા. મારા કરતા વધારે દેખાવડા અને ભણેલા એટલે મને ગમી ગયા. સસરા પણ સદ્ધર અને એકજ દીકરો. અમારા ઘરમાં આખી થાળી પીરસવાનો રીવાજ અને સાસરે ખાલી થાળીમાં જેને જે ફાવે એ લઇ લે.મારા પપ્પાને એ ઓછા ગમે.

અમે કાકા-ફોઈની થઈને પંદર બહેનો. બધા જમાઈ જયારે બહેનોની કુથલી કરે ત્યારે ખાલી મારા એ એકલાજ કઈ ન બોલે. ક્યાંથી બોલે? હું છુ જ એટલી સારી. એની સામે હું અમે બહેનો ભેગી થઈએ એટલે સહુથી વધારે ફરિયાદ કરું, કારણકે એમને કઈ સમજણ જ નથી. મને તીખું ભાવે અને એ તીખું તળેલું ઓછુ ખાય. જમતી વખતે ક્યારેક સારું ન બન્યું હોય તો પણ વખાણ કરે. સ્વાદની સમજ જ નથી. હમણાં મારી કઝીન ઘરે આવી હતી ત્યારે બનેવીએ મજાકમાં કહ્યું કે જીજી તમે એવું તો શું કરો છો કે તમે આવા માણસને આટલા વરસથી સહન કરી શકો છો? અને એમને ખરાબ લાગી ગયું. પહેલી વાર મને કૈક કહ્યું.” જો આવી વાતો બહાર ન કરાય. તારી પણ કેટલીક વાતો મને પસંદ ન હોય. હું ચલાવી લઉં છુ ને?” લ્યો મારી કઈ વાત ખરાબ છે? એમને સ્ત્રી હોય કે પુરુષ મિત્રતા થઇ જાય છે. મેં ક્યારેય વાંધો ઉઠાવ્યો છે? મેં બરાબર ઝગડો કર્યો. હવે મારી સાથે કામ પુરતી વાતો કરે છે. અમારે બાળકો નથી. એ એવું મને છે કે હું બાળકોને સાચવી નહિ શકું. કોઈ ઉપાય આપો જેનાથી એ બરાબર થઇ જાય.

બહેનશ્રી. લગ્નના પચીસ વરસ. એ બહુ મોટી વાત ગણાય. એમાં પણ પરફેક્ટ કજોડું હોય ત્યારે. તમે અને તમારો પરિવાર તમારા સાસરીના પરિવારથી અલગ છો. વિદેશમાં ઉછરેલી વ્યક્તિના વિચારો આધુનીક હોઈ શકે. એમનામાં વિશાળતા છે. જે વ્યક્તિ સહજ છે તે જ અલગ અલગ વ્યક્તિઓ સાથે સમાન ભાવથી રહી શકે છે. તમારા પતિ તમારી જાહેરમાં ફરિયાદ નથી કરતા એ એમની સજ્જનતા છે. હવે તમે એ વાત જાણો છો. તમે એમને ગમતું કરવાના બદલે એમની ખરાબ વાતો કરો છો એ યોગ્ય ન જ ગણાય. તમારા પતિની કોઈ વાત ન ગમે તો એમને કહો. બહાર વાતો કરવાથી શું ફાયદો? માબાપ જયારે પોતાના મંતવ્યો દીકરીના ઘર માટે આપવા પ્રબળ બને છે ત્યારે દીકરીનું ઘર ભાંગી શકે છે. એમની વાતો સાંભળીને નિર્ણય લેવાનું બંધ કરો. સવારની ચા તમારા પતિ બનાવે છે કારણકે એ તમને પ્રેમ કરે છે. નહીકે એ સ્ત્રૈણ છે એટલે. કેટલા પતિ પત્નીને રસોડામાં મદદ કરે છે? અને એ પણ પોતાનો બીઝનેસ સંભાળવાની સાથે? તમે નસીબદાર છો. માફી માંગીને સમાધાન કરી લો. તમારા પોતાના સ્વભાવનો વિચાર કરો. તમને એવું લાગે છે કે એ તમારી માં સાથે વધારે વાત કરે છે એટલે એ બંને વચ્ચે કૈક હશે. આ વધારે પડતું નથી? તમારા કાકા સાથે એમને ફાવે છે એ તમારા પપ્પાને નથી ગમતું. ત્યાં પણ કૈક આવીજ શંકા સેવાઈ રહી છે. વિશ્વાસ કરતા શીખો.માણસને પ્રેમથી જીતાય છે, શંકાઓ કે દાદાગીરીથી નહિ.

તમારા પિયરમાં ઘણાબધા લોકો એક જ ઘરમાં રહે છે. અને તમારી વાત પરથી લાગે છે કે એમાં ઈર્ષા પણ ઘણી છે. એનું મુખ્ય કારણ ઘરમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષીણ બંને અક્ષ નકારાત્મક છે. તમારા પપ્પા અગ્નિમાં સુવે છે. તેથી તેમનો આવો સ્વભાવ છે. તમે વાયવ્યમાં સુતા હતા એટલે તમે પ્રભાવમાં આવી ને લગ્ન કરી લીધા. સાસરીમાં તમારો બેડરૂમ પશ્ચિમમાં છે એટલે તમને વડીલ જેવી લાગણી થઇ રહી છે. અને તમારા પતિને તમે પરિપક્વ નથી લાગતા. નૈરુત્યના બેડરૂમમા સુવાનું રાખો. શિવ લિંગ પર સાથે બેસીને અભિષેક કરો અને ઘરમાં ગુગલનો ધૂપ ફેરવો. અને હા, પતિ જો તમને ગમતું કરતો હોય તો તેને ગમતું કરવાની ઈચ્છા રાખો. એમને તમારી રીતે બદલવા પ્રયત્ન ન કરો. તમે આટલા વરસોમાં બદલાયા છો?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]