પોલીસ પર બંદૂક તાકનારા શાહરુખના ઘરેથી પકડાઈ પિસ્ટલ

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા દરમિયાન પોલીસના જવાન પર બંદૂક તાકનાર શાહરુખને 4 માર્ચના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. અત્યારે શાહરુખ પોલીસ કસ્ટડીમાં જ છે. તેને ઉત્તર પ્રદેશના શામલીથી પકડવામાં આવ્યો હતો. ધરપકડ બાદથી જ પોલીસ તેની પિસ્ટલની શોધમાં લાગી હતી. ત્યારે પોલીસને આ મામલે સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસે શાહરુખની આ બંદૂક તેના ઘરેથી મળી આવી છે. પોલીસે શાહરુખના ઘરેથી ત્રણ કારતૂસ જપ્ત કર્યા છે. આ સિવાય તેનો અન્ય 1 મોબાઈલ ફોન પણ ક્રાઈમબ્રાન્ચને હાથ લાગ્યો છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચની બે ટીમો દિલ્હી હિંસાની તપાસ કરી રહી છે. હિંસા દરમિયાન શાહરુખે કથિત રીતે પોતાની આ જ પિસ્ટલથી આશરે 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન શાહરુખે હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર પિસ્ટલ તાકી હતી, જો કે શાહરુખે તેમના પર ગોળી નહોતી ચલાવી. દીપકે આ મામલે જણાવતા કહ્યું હતું કે, મેં તેને કહ્યું હતું કે હવે ક્યાંય પણ તે છુપાઈ જાય પરંતુ પોલીસ તેને શોધી કાઢશે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, શાહરુખ 27 વર્ષનો છે. તે સલીમપુરના ચૌહાણ બાંગડનો રહેવાસી છે. આના પર કોઈપણ કેસ નોંધવામાં આવ્યો નહોતો. તેના પિતા ડ્રગ પેડલર છે. તે ઘણીવાર પકડાઈ ચૂક્યા છે. હિંસા બાદથી શાહરુખનો પરિવાર ગાયબ હતો. શાહરુખ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. તે વીડિયો મેકિંગ એપ ટિકટોકનો ખૂબ ઉપયોગ કરતો હતો. તે ટિકટોક પર પોસ્ટ કરતો રહેતો હતો. શાહરુખને જીમનો પણ ખૂબ શોખ છે. તેણે ટિકટોક પર આ મામલે ઘણા વીડિયોઝ પણ પોસ્ટ કર્યા છે.