



















અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રુપી અંધકારને દૂર કરવા માટે આજે ભારતની તમામ જનતાને રાત્રે 9 વાગ્યે અને 9મીનિટ સુધી દિવા પ્રગટાવવા માટે આહ્વાન કર્યું હતું.
ત્યારે ગુજરાતમાં પણ લોકોએ પોતાના આંગણામાં, અગાશી અન ધાબા પર આજે રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિપ પ્રજ્વલીત કરી કોરોના રુપી અંધકારને દિપ જ્યોતીથી દૂર કરવા માટે દિપ પ્રજ્વલીત કર્યા હતા. 
ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને નાયબ મુખ્યમંત્રી, વડાપ્રધાન મોદીના માતા હિરા બા, અને મોરારી બાપુ સહિત ગુજરાતની તમામ જનતાએ આજે દિપ જ્યોતિ પ્રજ્વલિત કરીને દિપ જ્યોતિમાંથી નિકળતી અતી પવિત્ર ઉર્જા દ્વારા કોરોનાની આ મહામારીને નાથવાનો પ્રયત્ન કર્યો હતો.
હકીકતમાં આ એક વૈદિક પરંપરા છે, શાસ્ત્રો અનુસાર જ્યારે તમે દિવો પ્રગટાવો છો, ત્યારે તે દિવામાંથી નિકળતી ઉર્જા તમારા ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મકતાને દૂર કરે છે.
અને એટલા માટે ભારતમાં જે કોરોના રુપી નકારાત્મકતા વ્યાપ્ત છે, તેને દિપ જ્યોતિમાંથી નિકળતી ઉર્જા દ્વારા નાથવાનો આ એક વૈદિક પ્રયત્ન છે કે જેને ગુજરાતીઓએ ખુબ હર્ષ પૂર્વક કર્યો હતો.
નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ આજે રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી ઘરોની લાઇટ બંધ કરવાની અપીલ કરી હતી અને બાલ્કની અથવા દરવાજા પર દીવો, કેન્ડલ અથવા મોબાઇલ લાઇટ શરૂ કરવા માટે આહવાન કર્યું હતું. દેશવાસીઓએ તેમના સંકલ્પને્ વધુ મજબૂત કર્યો હતો. દેશવાસીઓએ દીપ પ્રગટાવીને વડા પ્રધાનને સંદેશ આપ્યો હતો કે કોરોના સામેની લડાઈમાં અમે તમારી સાથે છે. વડા પ્રધાનના સંકલ્પને લોકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. દેશભરમાં દિવાળી જેવો માહોલ હતો.
દેશવાસીઓએ રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી ઘરની લાઇટ બંધ રાખીને મીણબત્તી અને દીપ પ્રાગટ્ય કર્યું હતું. દેશવાસીઓએ આ દીપ પ્રગટાવતાં શંખનાદ સાથે ભારત માતાની જય અને વંદે માતરમનો સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઉપરાંત દેશમાં લોકોએ અનેક જગ્યાએ ફટાકડા પણ ફોડ્યા હતા.

કોરોના સામેના જંગમાં સૌ સાથે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંકલ્પને દ્રઢ કરવા માટે દીપ પ્રગટાવ્યો હતો. ગાંધીનગરમાં વડા પ્રધાનનાં માતા હીરા બાએ પણ ઘરની બહાર આવીને દીપ પ્રગટાવ્યો હતો. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ િબરલા, ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ જયશંકર, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધન, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર સહિત યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યરાજ, બાબા રામદેવ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું. વડા પ્રધાને અપીલ કરી હતી કે દીપ પ્રાગટ્ય સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહ્યું હતું, જેનું લોકોએ સંપૂર્ણ પાલન કર્યું હતું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત કેન્દ્રીય પ્રધાનો, અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનો, ડોક્ટરો, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, નાણાપ્રધાન નીતિન પટેલ, મોરાપિ બાપુ સહિત અનેક મહાનુભાવોએ દીપ પાગટ્ય કર્યું હતું. આ ઉપરાંત અમિતાભ બચ્ચન સહિત અનેક ફિલ્મ કલાકારોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.
કોરોના સામે દેશભરમાં દીપ પ્રાગટ્ય

દેશમાં કોરોના સામે જંગમાં ડોક્ટરો, નર્સ, પોલીસ, આર્મી અને સફાઈ કામદારોને ટેકો આપવા માટે પણ દીપ પ્રગટાવ્યો હતો. તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ આ જંગમાં એકલા નથી પણ દેશવાસીઓ પણ ઘરે રહીને તેમની સાથે જંગમાં સાથ આપી રહ્યા છે. દિલ્હી, મુંબઈ, લખનૌ, નાગપુર, કોલકાતા, સહિત અનેક નાનાં-મોટાં શહેરોમાં ઉત્સાહનો માહોલ હતો. વડા પ્રધાને દેશવાસીઓને માત્ર નવ મિનિટ દીવો પ્રગટાવ્વા આહ્વાન કર્યું હતું, પણ લોકોએ 30 મિનિટ સુધી દીપ પ્રગટાવીને તેમને જબરજસ્ત સમર્થન કર્યું હતું.

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રુપી અંધકારને
દૂર કરવા માટે આજે ભારતની તમામ જનતાને રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિવા પ્રગટાવવા માટે આહ્વાન કર્યું હતું.
ત્યારે અમદાવાદમાં પણ લોકોએ પોતાના આંગણામાં, અગાશી અને ધાબા પર આજે
રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિપ પ્રજ્વલીત કરી કોરોના રુપી અંધકારને દિપ જ્યોતીથી દૂર કરવા માટે દિપ પ્રજ્વલીત કર્યા હતા.
તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ
મુંબઈઃ કોરોના મહામારી સામેના જંગમાં, આજે રાતે બરાબર 9 વાગ્યાના ટકોરે ભારતવાસીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે પોતપોતાના ઘરની લાઈટો બંધ કરી દીધી હતી અને પોતપોતાના ઘરની બાલ્કનીમાં, ટેરેસમાં, બારીમાં દરવાજે 9 મિનિટ સુધી ઊભીને મીણબત્તી, દીવો, ટોર્ચ અને મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ વડે પ્રકાશ ફેલાવ્યો હતો. મુંબઈમાં ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગપતિઓએ પણ સામાન્ય નાગરિકોની સાથે જોડાઈને પીએમની અપીલનું અનુસરણ કર્યું હતું એને કારણે સુંદર દ્રશ્યો સર્જાયા હતા.


આ રીતે પ્રકાશપર્વ ઉજવીને ભારતવાસીઓએ બતાવી આપ્યું કે કોરોના મહામારીને માત કરવા માટે સમગ્ર દેશ સંગઠિત છે, તમામ ભારતવાસીઓ એક છે.
એક પરિવારે ઘરના આંગણામાં ‘GO COVID GO’ની ડિઝાઈનમાં દીવડાઓ પ્રગટાવ્યા હતા.
ઘણા લોકોએ પોતાના મોબાઈલ ફોન પરથી તસવીરો પાડીને ઈન્ટરનેટ પર શેર કરી હતી.
હિન્દી ફિલ્મ ‘મોહેંજો દરો’ની અભિનેત્રી પૂજા હેગડેએ પણ તેની બારી પર દીવડા પ્રગટાવીને કોરોના સામેની લડાઈમાં પોતે પણ સામેલ છે એ દર્શાવ્યું હતું.

પ્રભાદેવીસ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં પણ દીપ પ્રજ્વલિત કરાયા
રતન ટાટા અને મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ પણ કોરોના સામેની આ લડાઈમાં સામેલ થયા હતા.
મુકેશ અંબાણીએ એમના પત્ની નીતા સાથે એમના નિવાસસ્થાન એન્ટિલીયા ખાતે આરતી કરી હતી. ભવ્ય નિવાસસ્થાન એન્ટિલીયાની તમામ લાઈટો બંધ કરી દેવાયા બાદ ઈમારત આવી દેખાતી હતી.

મુંબઈના પોલીસ જવાનોએ પણ એમની ફરજમાં 9-મિનિટનો બ્રેક લઈને મીણબત્તી પેટાવીને પ્રકાશપર્વમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ કોરોના વાયરસને મ્હાત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યાં છે. હવે તેમણે આ મહામારીને નાથવા રાજકીય પક્ષો અને સમાજના દરેક વર્ગના વ્યક્તિને એક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદી આજે દેશના તમામ જીવિત પૂર્વ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી.
પીએમઓ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ રવિવારે સૌથી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે વાત કરી હતી. ત્યાર બાદ તેમણે પૂર્વરાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે વાત કરી. આ સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એસ જી દેવગોડા સાથે પણ વાતચીત કરી હતી.
પીએમ મોદીએ દરેકને કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલાં વિશે જણાવ્યું અને કહ્યું હતું કે, તેમની પાસે કોઈ સારો રસ્તો હોય તો જરૂરથી જણાવે. 8 એપ્રિલે તે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વધુ એક બેઠક કરશે.
ચંડીગઢઃ ભારતના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આજે જાહેરાત કરી છે કે તે કોરોના વાઈરસ રોગચાળા સામે લડવામાં મદદરૂપ થવા માટે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 50 લાખ દાનમાં આપશે.
યુવરાજ સિંહે લોકોને અપીલ કરી છે કે કોરોના રોગચાળો અત્યાર સુધીમાં આપણા દેશમાં 80થી વધુ લોકોના જાન લઈ ચૂક્યો છે અને 3000થી વધારે લોકોને ચેપ લગાડી ચૂક્યો છે તો એની સામે લડવામાં સૌથી સંગઠિત બનીને રહે.
યુવરાજે કહ્યું છે કે આપણે સંગઠિત રહીશું તો આપણે મજબૂત રહીશું. હું પણ આજે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી મીણબત્તી પેટાવવાનો છું. આજના સંગઠિતતાના મહાન દિવસે હું પીએમ-કેર્સ ફંડમાં રૂ. 50 લાખનું દાન કરવાનો સંકલ્પ કરું છું. તમે પણ તમારાથી બનતું કરજો.
We are stronger when we stand united.
I will be lighting a candle tonight at 9pm for 9 minutes. Are you with me?
On this great day of solidarity, I pledge Rs. 50 Lakhs to the #PMCaresFunds. Please do your bit too!@narendramodi#9pm9minutes #IndiaFightsCorona
— yuvraj singh (@YUVSTRONG12) April 5, 2020
હરભજન સિંહ, પત્ની ગીતા જલંધરમાં 5000 પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરશે
દરમિયાન, અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર અને ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે તેના વતન શહેર જલંધરમાં કોરોના વાઈરસના રોગચાળાને કારણે મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા 5000 વંચિત પરિવારોનાં લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપશે.
હરભજને ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘ઈશ્વરના આશીર્વાદ સાથે હું અને ગીતા જલંધરમાં રહેતા એવા 5000 ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરીશું, જેમને હાલના કટોકટીભર્યા સમયમાં એમના પરિવારોને જમાડવામાં મુશ્કેલી પડી રહી છે.’
અમે એમના સંઘર્ષનો બોજ ઓછો કરવામાં મદદ કરીશું. મેં સહાયક પોલીસ કમિશનર (જલંધર) સાથે વાત કરી છે. મારા મિત્રોની એક ટીમ એમના આદેશોનું પાલન કરશે અને તે અનુસાર ભોજનના પેકેટોનું વિતરણ કરાશે. જ્યાં સુધી કોરોના વાઈરસથી સ્થિતિ સામાન્યવત્ નહીં થાય ત્યાં સુધી અમે ગરીબ પરિવારોને અનાજનું વિતરણ કરતા રહીશું. અમે પાંચ કિલો ચોખા, લોટ, તેલ તથા અન્ય ખાદ્યસામગ્રીનું વિતરણ કરીએ છીએ.
Satnam waheguru.. bas Himmat hosla dena ?? @Geeta_Basra and I pledge to distribute ration to 5000 families from today ?? May waheguru bless us all pic.twitter.com/s8PDS9yet1
— Harbhajan Turbanator (@harbhajan_singh) April 5, 2020
નવી દિલ્હીઃ દેશના ઉદ્યોગ ક્ષેત્રની આગેવાન સંસ્થાઓએ કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોરોના વાઈરસને કારણે લેવામાં આવેલા પગલાંને લીધે પર્યટન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. પાંચ કરોડ જેટલી નોકરીઓમાં કાપ મૂકવો પડે એવી સંભાવના છે. સરકાર તરફથી આ ક્ષેત્રને રીલિફ પેકેજીસની જરૂર છે.
પર્યટન ઉદ્યોગની સંસ્થાઓ સાથે સરકારે શનિવારે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. એ દરમિયાન આ સંસ્થાઓનાં પ્રતિનિધિઓએ કહ્યું કે કોરોના વાઈરસના ફેલાવાને લીધે વિઝા આપવા પર પ્રતિબંધ મૂકાતાં પર્યટન અને એવિએશન સેક્ટરોને આશરે રૂ. 8,500 કરોડની ખોટ જવાનો સંભવ છે.
નાણાકીય પેકેજ આપવા વિશે પર્યટન ઉદ્યોગની સંસ્થાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને પત્ર લખ્યો છે.
પર્યટન અને આતિથ્ય ઉદ્યોગોના 10 સંગઠનોનાં પ્રમુખોએ શનિવારે કેન્દ્રીય ટૂરિઝમ મંત્રાલયના સચિવ યોગેન્દ્ર ત્રિપાઠી સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. આ 10 સંગઠનો ફેડરેશન ઓફ એસોસિએશન્સ ઈન ઈન્ડિયન ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (FAITH)ના છત્ર હેઠળ એકત્ર થયા છે.
ત્રિપાઠીએ કબૂલ કર્યું હતું કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ભારતના તમામ ઉદ્યોગો કરતાં ટૂરિઝમ ઉદ્યોગ પર ખૂબ માઠી અસર પહોંચશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ વિમાન સેવાઓ બંધ સસ્પેન્ડ કરી દીધી છે. તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન ઉદ્યોગ પણ ઠપ છે.
પર્યટન અને આતિથ્ય-સત્કાર ઉદ્યોગોએ કેટલીક માગણીઓ સરકાર સમક્ષ મૂકી છે. જેમ કે, પર્યટન, પ્રવાસ અને આતિથ્ય ઉદ્યોગોને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) તથા આવકવેરા ચૂકવણીમાં એક વર્ષ સુધીની છૂટ મળવી જોઈએ, ટર્મ લોનના માસિક હપ્તાઓ તેમજ વ્યાજની ચૂકવણીને 12-મહિના સુધી સ્થગિત કરી દેવી જોઈએ.
એસોસિએશનોએ એવી પણ માગણી કરી છે કે પ્રોવિડન્ટ ફંડ (પીએફ) યોગદાન અને એમ્પલોઈઝ સ્ટેટ ઈન્શ્યુરન્સ (ઈએસઆઈ)ને એક વર્ષ માટે માફ કરી દેવા જોઈએ તથા જીએસટી લાયાબિલિટી, એડવાન્સ ટેક્સ, કસ્ટમ્સ ડ્યૂટીઝ, એક્સાઈઝ ડ્યૂટીઝ, VAT અને TDSને એક વર્ષ માટે મોકૂફ રાખવા જોઈએ.
વડોદરા: હાલમાં કોરોનાના સંકટનો દેશ સામનો કરી રહ્યો છે. આ સંકટને પહોંચી વળવા સરકાર ભરપૂર પ્રયાસો કરી રહી છે અને સમાજના પ્રત્યેક વર્ગના લોકો જુદી-જુદી રીતે યોગદાન આપી સરકારના પ્રયાસોને સહયોગ આપી રહ્યા છે.
કોરોના સામેની લડતમાં યોગદાન આપવાની આ સામાજિક પહેલમાં વડોદરા તાલુકાના કરોડિયા ગામની હરસિધ્ધિ મહિલા મંડળની 200 બહેનો આ સત્કર્મનું માધ્યમ બની છે. આ મહિલાઓએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કોરોના સામેનું યુદ્ધ લડવા દરરોજ 1000 માસ્ક બનાવવા સાથે 10000 માસ્ક બનાવવાનું બીડું ઝડપ્યું છે.

આ મહિલાઓને માસ્ક દીઠ રૂપિયા 10 મહેનતાના પેટે ચૂકવવામાં આવે છે. રિલાયન્સ ફાઉન્ડેશને સામાજિક જવાબદારીના ભાગરૂપે આ મહિલાઓને માસ્ક સિવવાના મશિનો અને માસ્ક બનાવવામાં વપરાતું રો-મટિરીયલ પૂરું પાડ્યું છે. હરસિધ્ધિ મહિલા મંડળની સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ દ્વારા બનાવતા આ માસ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વડોદરા આસપાસના ગામડાઓમાં જરૂરિયાત મંદોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

મહિલા મંડળના આગેવાન ઈન્દિરાબેન નાગરે જણાવ્યું કે કોરોના મહામારી સામે સમગ્ર દેશ એકજૂટ થઇ લડી રહ્યો છે.અમારા સખી મંડળની મહિલાઓ તેમાં પોતાનું યોગદાન આપી રહી છે તેનું અમોને ગર્વ છે.દેશવ્યાપી લોક ડાઉન માં મહિલાઓને ઘરે બેઠા રોજગારી મળવા સાથે સમાજ સેવાનો આનંદ મળી રહ્યો છે. મહિલાઓને માસ્ક બનાવવાનું પૂરતું વળતર મળી રહ્યુ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કોરોના અટકાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે,ત્યારે આ રોગને ફેલાતો અટકાવવા અને અન્ય વ્યક્તિને ચેપ લાગે નહિ તે માટે માસ્ક બનાવવાનું ભગીરથ કામ ઉપાડી અમે વડાપ્રધાનની મુહિમ મા અમારું યોગદાન આપી રહ્યા છીએ.

સરપંચ વિજયભાઈ ચાવડાએ જણાવ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન નિગમિત સામાજિક જવાબદારી અંતર્ગત ગામની ૨૦૦ જેટલી મહિલાઓને સીવણ ની આધુનિક તાલીમ પૂરી પાડવા સાથે સીવવાના સંચા પણ આપ્યા છે. ગ્રામ પંચાયતમાં શેડ બનાવી સામાજિક અંતર જાળવી મહિલાઓ માસ્ક બનાવવાની કામગીરી કરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને જમવા તથા ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દેશ સામે આવી પડેલી આ આફતમાં મહિલાઓ માસ્ક બનાવી રોજગારી રળી રહી છે.