Home Blog Page 4879

માસ્ક પહેરવા વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાની વિચારણા

માસ્કનો લેખ વાંચો તે પહેલાં જાણી લો કે અમેરિકાની સરકારે શુક્રવારે નાગરિકોને અપીલ કરી છે કે ગ્રોસરી સ્ટોર વગેરે જગ્યાએ જાવ ત્યારે અચૂક સાદા માસ્ક પહેરજો. જોકે પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે મેડિકલ માસ્ક નહિ, પણ સાદા માસ્ક પહેરજો, જેથી તબીબી સ્ટાફ માટે મેડિકલ માસ્કની તંગી ઊભી ના થાય. ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે માસ્ક પહેરવાની ભલામણ સ્વૈચ્છિક છે અને હું પોતે સ્વૈચ્છિક રીતે માસ્ક પહેરવાનો નથી.

કોરોના વાયરસના સંકટ વચ્ચે કોણે કોણે અને કેવી રીતે માસ્ક પહેરવો જોઈએ તેની ચર્ચા નિષ્ણાતો વચ્ચે પણ થતી રહી છે. આમ જનતા પણ તેની ચર્ચા કરતા હોય છે, પણ નિષ્ણાતો તેની ચર્ચા જરા અલગ રીતે કરતા હોય છે. હાલમાં ફરી એકવાર માસ્ક કોણે પહેરવો, કેવા પ્રકારનો પહેરવો, કેટલો સમય અને કેવી પદ્ધતિએ પહેરવો અને તેના નિકાલમાં કેવી કાળજી લેવી તેની પુનઃવિચારણા થઈ રહી છે. પુનઃવિચારણાનો અર્થ એ નથી કે માસ્ક ના પહેરવા માટેની સલાહ અપાશે. પરંતુ વધારે અભ્યાસ સાથે અને સમજણ સાથે ગાઇડલાઇન અપાશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના સલાહકારોની એક કમિટી બેસાડાઈ છે તે આ વિશે હાલમાં વિચારણા કરી રહી છે. માસ્ક વિશેની ગાઇડલાઇન વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી જ છે, પરંતુ તેમાં સુધારો કે વધારો કરવો કે કેમ તેની વિચારણા ચાલી રહી છે. કારણ એટલું કે સ્વતંત્ર સંશોધકોએ ખાંસી અને છીંકને કારણે છાંટા કેટલે સુધી દૂર ઊડી શકે છે તેનો નવો અભ્યાસ કર્યો તેને ધ્યાનમાં લઈને નવેસરથી વિચારણા થઈ રહી છે.

ભારતમાં સામાન્ય દિવસોમાં પણ, મોટા શહેરોમાં દ્વિચક્રી વાહનચાલકોએ હેલમેટ અને હેલમેટ નહિ તો મોંઢે રૂમાલ બાંધીને જ નીકળવું પડે છે. ચાલવા નીકળ્યા હોઈએ ત્યારે પણ અને ઉનાળામાં માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધી લેવાતો હોય છે. આ સામાન્ય કાળજી લેવાની વાત છે.

પરંતુ કોરોના જેવી મહામારી વખતે માસ્ક વિશે ગાઇડલાઇન આપવામાં આવે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા પાકું કરીને આપતી હોય છે. હાલમાં જે ગાઇડલાઇન અપાઇ છે તે પ્રમાણે તબીબી સ્ટાફે તેમના માટેના વિશેષ N95 જેવા માસ્ક પહેરવાના હોય છે. પરંતુ જાહેર જનતા માટે એવી ગાઇડલાઇન હતી કે બિલકુલ તંદુરસ્ત માણસ પોતાના ઘરે હોય અથવા બહાર જાય ત્યારે ભીડમાં ના હોય, બીજાથી દૂર હોય ત્યારે માસ્ક ના પહેરે તો ચાલે. પરંતુ અન્યોની નજીક હોય, ખાસ કરીને બીમાર વ્યક્તિની નજીક જવાનું થાય ત્યારે માસ્ક પહેરવો જોઈએ. ક્લિનિક પર જતી વખતે માસ્ક પહેરવો જોઈએ વગેરે સલાહ આપેલી છે.

ખાસ કરીને ખાંસી અને છીંક આવતી હોય તે વ્યક્તિએ પોતાના પરિવારની કાળજી માટે, આસપાસના લોકોની કાળજી માટે મોં ઢાંકવું જરૂરી છે. રૂમાલ આડે રાખીને ઉઘરસ ખાવી જોઈએ અને તરત જ રૂમાલને ખિસ્સામાં નાખી દેવો જોઈએ. એવી કાળજી સાથે કે તેના શરીરના બીજા ભાગને પણ ભીનો હિસ્સો અડે નહિ. વારંવાર રૂમાલ બદલી પણ નાખવો જોઈએ.

એ બધી ગાઇડલાઇન તેમને ઓનલાઇન વાંચવા મળશે, વિશ્વ આરોગ્ય સંસ્થાની વેબસાઇટ પર પણ વિગતવાર તે મૂકેલી છે તે જોઈ લેશો. અહીં તમને એ સમાચાર આપીએ છીએ કે હાલમાં ખાંસી ખાવાથી અને છીંકથી છાંટા કેટલે દૂર ઊડે, કેવી રીતે ઊડે, હવામાં કેટલો સમય રહે અને નીચે બેસી જતા કેટલો સમય લાગે તેનું અલગથી સંશોધન થયું છે.

અમેરિકાની એમઆઈટીના સંશોધકોની એક ટીમે કોરોના પછી માસ્ક વિશે ઊભી થયેલી ચર્ચાને ધ્યાનમાં લઈને પ્રયોગો કરવાનું નક્કી કર્યું હતું. અમેરિકા અને યુરોપના લોકો માસ્ક પહેરવાનું ઓછું પસંદ કરે છે. ભારતમાં અને એશિયાના ઘણા દેશો તથા અરબ અને આફ્રિકા જગતમાં પણ ગરમ વાતાવરણ અને ઊડતી ધૂળને કારણે માથું ઢાંકી રાખવાની ટેવ હોય છે. તેથી અમેરિકામાં પ્રારંભમાં માસ્ક પહેરવા વિશે જુદી જુદી સલાહો અપાતી રહી હતી.

કેટલાક ડૉક્ટરોએ પોસ્ટ કરીને પબ્લિકને કહ્યું કે તમે માસ્ક ખરીદીને ખોટો બગાડ ના કરો. તેમનો ઇરાદો કદાચ સારો હતો, કેમ કે હોસ્પિટલમાં કામ કરતાં, પબ્લિક સંપર્કમાં રહીને કામ કરતાં પોલીસ સહિતના વિભાગના કર્મચારીઓને માસ્કની વધારે જરૂર હોય છે. માસ્કની અછત ઊભી થઈ અને લોકોએ મોટા પ્રમાણમાં ખરીદી કરીને ઘરે મૂકી દીધા તેથી ચિંતા ઊભી થઈ હતી. તેની જનતાને જણાવવું પડ્યું હતું કે તમારે બિનજરૂરી 24 કલાક માસ્ક પહેરીને ફરવાની જરૂર નથી. ગ્રોસરી લેવા જાવ ત્યારે પહેરો. ખાસ તો ક્લિનક પર જાવ ત્યારે પહેરો. તે સિવાય ઘરમાં પહેરવાની જરૂર નથી.

બે વ્યક્તિ વચ્ચે કેટલું અંતર રાખવું તેની ગાઇડલાઇન પણ દેશો પ્રમાણે અને નિષ્ણાતો પ્રમાણે જુદી જુદી જાહેર થઈ હતી. 3 ફૂટ અથવા પાંચ ફૂટ અને ઘણા દેશોમાં, રાજ્યોમાં 6થી 8 ફૂટ દૂર રહેવાની સલાહ અપાઈ હતી. આ બધી સલાહોનો સાર એ કે ચેપ એક વ્યક્તિમાંથી છૂટે ત્યારે કેટલે દૂર સુધી જઈ શકે છે તેને ધ્યાનમાં લઈને કાળજી લેવાની હોય. તેથી ચેપ એટલે કે ડ્રોપલેટ એટલે કે આપણી ભાષામાં છાંટા કેટલે દૂર ઊડે તેની સચોટ જાણકારી જરૂરી છે.

એમઆઈટીના પ્રોફેસર લીડિયા બોરિબા અને તેમની ટીમે નિર્ણય કર્યો કે છાંટા કેટલે દૂર ઊડે તેનું પાકું કરીએ. તેથી એકથી વધુ હાઇસ્પીડ કેમેરા, ભેજ પારખતા સેન્સર્સ વગેરેનો ઉપયોગ કરીને પ્રયોગો કર્યા. વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય ત્યારે શું થાય તે રેકર્ડ કરવામાં આવ્યું. કેમેરામાં જોવા મળ્યું કે જોશથી છીંક ખવાય ત્યારે છાંટા ઊડે તે એક બીજાની નજીક હોય એટલે નાનકડું વાદળું નીકળ્યું હોય તેવું લાગે. વાદળું આગળ વધે તેમ ફેલાતું જાય અને છાંટા વિખેરાતા જાય. કેટલાક છાંટા મોટા હોય (મોટા એટલે આપણા વાળથી તો કેટલાય નાના), કેટલાક નાના હોય. સાઇઝ પ્રમાણે તેની ગતિમાં ફેર પડવા લાગે. મોટા છાંટા નીચેની તરફ જવા લાગે, જ્યારે નાના છાંટા વધારે દૂર સુધી સીધે જાય.

દૂર એટલે કેટલે દૂર જાય તે જોવાનું હતું. છીંકને કારણે નાના છાંટા 8 મીટર સુધી દૂર જતા દેખાયા, જ્યારે ખાંસીથી પણ છાંટા 6 મીટર દૂર સુધી પહોંચતા હતા. આ પ્રયોગ ચિંતા કરાવે તેવો હતો, કેમ કે મોટા ભાગના નિષ્ણાતોએ બે મીટરનો અંદાજ બાંધીને 6 ફૂટથી દૂર રહેવા લોકોને જણાવ્યું હતું. પરંતુ અહીં નાના છાંટા 20 ફૂટ સુધી પહોંચી શકે તેવી શક્યતા દેખાતી હતી.

અહીં યાદ એ રાખવાનું છે કે પ્રારંભિક પ્રયોગો થયા તે બંધ કમરામાં થયા હતા. ચારે બાજુ કેમેરા અને ઉપકરણો ગોઠવાયેલા હતા વગેરે. વાસ્તવિક જીવનમાં, રસ્તા પર હવાની ગતિ, વ્યક્તિની હલનચલન વગેરે પરીબળો પણ ગણવા પડે. આમ છતાં આ પ્રયોગે એટલું તો દર્શાવ્યું કે બે વ્યક્તિ વચ્ચે સલામત અંતર વિશે વિચારવું પડે. સાથે જ ધારણા કરતાં વધુ દૂર છાંટા પહોંચી જાય છે ત્યારે માત્ર અંતર નહિ, બીજી પણ કાળજી લેવી પડે.

આ બીજી કાળજી એટલી માસ્ક પહેરવો. એક રૂમમાં કોઈએ છીંક ખાધી તો રૂમના બીજે છેડે બેઠેલા માણસને પણ ચિંતા થઈ શકે. પણ જો માસ્ક પહેર્યો હોય તો છાંટાનું વાદળ સીધું નાકે કે મોંમાં જવાના બદલે ફંટાઇ શકે. સારી ગુણવત્તાનો, સારી રીતે પહેરેલો માસ્ક ભીના પદાર્થને સીધા ત્વચા સુધી જવા ના દે. તેનો અર્થ કે ગ્રોસરી સ્ટોર, મોલ વગેરેમાં માસ્ક પહેરવાનો કે મોઢે રૂમાલ બાંધવાનો આગ્રહ રખાય છે તે યોગ્ય છે. ભારતમાં તો મોટા ભાગે લોકો રૂમાલ બાંધી લે છે, પણ યુરોપ અમેરિકામાં લોકો તે બહુ પસંદ કરતા નથી.

તેથી પ્રોફેસેર લીડિયાનું સંશોધનને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ગંભીરતાથી લીધું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ નિષ્ણાતોની એક પેનલ બેસાડી છે. પેનલના વડા તરીકે પ્રોફેસર ડેવિડ હેયમેન છે. હેયમેને કહ્યું છે કે તેમની પેનલ આ પ્રયોગ તથા આ પ્રકારના અન્ય સંશોધનો અને પ્રયોગોનો અભ્યાસ કરશે. નવા જે પણ સંશોધનો થયા છે અને પુરાવા મળ્યા છે તેના આધારે માસ્ક પહેરવા અંગેની વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇનમાં જરૂરી સુધારાવધારા કરાશે એમ હેયમેને જણાવ્યું છે.

હાલમાં ખાંસી ખાતી વ્યક્તિથી કમસે કમ એક મીટર દૂર રહેવાની સલાહ છે. તેમાં પણ ફેરફાર થઈ શકે છે અને વધારે દૂર રહેવાની સલાહ પણ આપી શકાય છે. હાલમાં કોરોના માટે તાત્કાલિક આ બાબતોનો વિચાર થઈ રહ્યો છે, પરંતુ બાદમાં આ સંશોધનો આગળ વધશે તે નક્કી છે. ખાંસી અને છીંક ખાધા પછી આસપાસમાં શું સ્થિતિ સર્જાય છે તેના વધારે વ્યાપક સંશોધનો થશે, જેથી માત્ર રોગચાળામાં નહિ, પરંતુ સામાન્ય સ્થિતિમાં પણ સ્વચ્છતા અંગેના વિચારો નવેસરથી કરી શકાય.

વિશ્વ આરોગ્ય સંસ્થાની માસ્ક પહેરવા વિશેની ગાઇડલાઇન સુધારા સાથે આવે ત્યારે તે જાણી લેશો. અમે પણ તમને જણાવીશું. બીજું કે માસ્ક પહેરવો તે કેવો અને કઈ રીતે તેની પણ વિવિધ માર્ગદર્શિકા છે. તે પણ સમજી લેવી જોઈએ. સાદો રૂમાલ બાંધવાથી કામ ચાલતું નથી. નાકની આસપાસનો વિસ્તાર બિલકુલ સીલ થવો જોઈએ અને માસ્કમાં ફિલ્ટરેશનની પણ વ્યવસ્થા હોવી જોઈએ.

બીજું કે માસ્ક વારંવાર બદલો પડે. કેટલા કલાકમાં બદલવો તે કેવા વાતાવરણમાં તમે કામ કરો છો તેના પર છે. ચાર દિવાલ વચ્ચે વધારે લાંબો સમય પહેરી શકાય, પણ ચાર રસ્તા પર ઊભા રહીને કામ કરવાનું હોય ત્યારે ઓછો સમય ચાલે. બીજું કે મોઢા પરથી તેને કાઢતી વખતે એકદમ કાળજી લેવી જોઈએ. સંભાળપૂર્વક વાળીને પેક કરીને પ્લાસ્ટિકની થેલીમાં નાખી દેવો જોઈએ. બાદમાં અલગથી તેનો નિકાલ કરવો પડે. મોટા પ્રમાણમાં માસ્કનો નિકાલ મેડિકલ ઇક્વિપમેન્ટના નિકાલના કડક ધોરણે કરવાનું વિચારવું પડશે તેવો પત્ર મહેશ પંડ્યા જેવા પર્યાવરણવિદે સરકારને લખ્યો છે.

લોકડાઉનઃ ખેડા પોલીસની અનોખી સંવેદના આસામ પહોંચી

નડિયાદ: કોરોના વાયરસ ને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ખેડા પોલીસ તેનો અસરકારક અમલ કરાવવા સાથે પોતાનું સમાજ પ્રત્યેનું ઋણ પણ અદા કરી રહી છે. ખેડા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ શુભાષિશ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ એકલવાયું જીવન જીવતા વયોવૃદ્ધ નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો ઘરે પહોંચાડવામાં આવી રહ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ નડિયાદ,કપડવંજ, કઠલાલ સહિત ખેડા જિલ્લામાં જરૂરિયાતમંદ વયોવૃદ્ધ નાગરિકોને ઘરે જઈ પોલીસ અધિકારીઓ દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ,દવાઓ,કરિયાણું પહોંચાડવામાં આવી રહ્યું છે. ખેડા પોલીસનો આ નવતર અભિનવ પ્રયોગ હવે છેક આસામ સુધી પહોંચ્યો છે. ખેડા પોલીસનો આ પ્રયોગ ગંભીર બિમારીથી પીડાતી આસામની મહિલા માટે આશિર્વાદ રૂપ બન્યો છે.

વાત એમ છે કે સંગીતા ગોગાઈ નામની પીડિત મહિલાએ લોકડાઉનની સ્થિતિમાં ખેડા પોલીસની વયોવૃદ્ધ નાગરિકો ને મદદરૂપ થવાની વાત સોશિયલ મીડિયાના માધ્યમથી જાણી. આ બિમાર મહિલા માત્ર ફળફળાદી ઉપર જીવન ગુજારતી હતી. પરંતુ આ સ્થિતિમાં ફળફળાદી મેળવવી એ વિકટ સમસ્યા હતી. મહિલાએ પોતાની વેદના અને ખેડા પોલીસની વયોવૃદ્ધ નાગરિકો પ્રત્યેની સંવેદના ફેસબુકના માધ્યમથી વ્યક્ત કરી. અને પોલીસના અધિકારીઓ મહિલાના ઘરે જઈ જરૂરી મદદ પહોચાડી.

મહિલાએ પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે ખેડા જિલ્લા પોલીસના એસપી દિવ્ય મિશ્ર એ આ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો, જેનો આભાર માન્યો છે. ‘પ્રોજેક્ટ શુભાશિશ’ જે સિનિયર સિટિઝન્સ,અને એકલી રહેતી મહિલાઓ તેમજ ગંભીર માંદગીના દર્દીઓ માટે દવાઓ અને કરિયાનું પહોંચાડે છે. (કોઈપણ વયના દર્દીઓની સહાય કરવાનો છે). ખેડા જિલ્લા પોલીસ પોતાની ફરજ બજાવ વાની સાથે વયોવૃદ્ધ લોકોની નિયમિત સાર સંભાળવા લઈ રહી છે.તેમણે મને મારી આવશ્યક ચીજોમાં પહોંચવામાં મદદરૂપ બન્યા છે હું હંમેશ માટે આભારી રહીશ (જો તેમણે વિવેક સરને બોલાવ્યા ન હોત તો હું આજ સુધી ભૂખી રહેત) પોલીસ દળ ની કાર્યક્ષમતા અંગે મારા સામાન્ય અભિપ્રાયમાં પરિવર્તન આવ્યું છે.

ખેડા પોલીસે આસામ પોલીસના અધિકારીઓનો હૃદયથી ઋણ સ્વીકાર કર્યો છે. એમાંય ખાસ કરીને લખીમપુરના ડીઆઈજી વિવેક રાજ સિંહ અને એસ.પી. રાજવીર એ આસામમાં સંગીતા ગોગોઈને શાકભાજી અને ફળ પહોંચાડવામાં જે મદદ કરી છે એ માટે અને તેમના ખૂબ ખૂબ આભારી છીએ. લોકડાઉનની સાથે ખેડા પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી અનોખી સામાજિક સંવેદનાના દર્શન કરાવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનાં દર્દીઓનાં કેસ વધીને 748; નવા 113 દર્દીઓ નોંધાયા

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં આજે કોરોના વાઈરસનાં નવા 113 દર્દીઓ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં આ રોગચાળાનાં કેસોની સંખ્યા વધીને 748 થઈ છે.

મહારાષ્ટ્રમાં આજે સવારે નોંધાયેલા 26 કેસોમાં 17 કેસો પુણેમાં છે. ચાર કેસ પુણેની પડોશના પિંપરી-ચિંચવડ નગરમાં, 3 કેસ એહમદનગરમાં અને બે કેસ ઔરંગાબાદમાંથી મળ્યા છે.

મહારાષ્ટ્રમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં 32 જણનાં જાન ગયા છે જ્યારે 56 જણને સાજા થઈ ગયા બાદ હોસ્પિટલોમાંથી રજા આપી દેવામાં આવી છે.

પુણે શહેરમાં 69 વર્ષીય કોરોનાગ્રસ્ત મહિલા દર્દીનું નિધન થયું છે. એ મહિલા કેલ્ક્યુલેસ કોલેસિસ્ટિટીસથી પીડિત હતાં. પુણેમાં કોરોનાને કારણે આ ત્રીજું મૃત્યુ થયું છે. પુણે જિલ્લામાં મરણાંક પાંચ થયો છે.

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે દેશમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરાયું છે, જે 14 એપ્રિલ સુધી ચાલશે. આજે 12મો દિવસ છે.

ભારતની જનતાને સંપૂર્ણપણે સુરક્ષિત કરું પછી અમેરિકાને કોરોનાની દવા સપ્લાય કરીશઃ મોદી (ટ્રમ્પને)

નવી દિલ્હીઃ ભારતે અમેરિકાને જણાવ્યું છે કે પોતે એક જવાબદાર દેશ છે અને અમેરિકામાં કોરોના વાઈરસ જાગતિક રોગચાળા સામે લડી રહેલા આરોગ્ય ક્ષેત્રના સેવાકર્મીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા પોતે જરૂર સપ્લાય કરશે, પરંતુ સૌથી પહેલાં આ રોગચાળા સામે ભારતની 1.3 અબજની જનતાને સુરક્ષિત કરી લેવાય એ પછી જ.

વડા પ્રધાન મોદીએ શનિવારે સાંજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર કોરોના વાઈરસ અને ભારતમાંની સ્થિતિ અંગે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. એ વખતે ટ્રમ્પે મોદીને વિનંતી કરી હતી કે તેઓ હાઈડ્રોક્સીક્લોરોક્વીન અમેરિકાને સપ્લાય કરે. ત્યારે મોદીએ જવાબમાં ટ્રમ્પને કહ્યું હતું કે અમે અમારાથી શક્ય બધું જ કરીશું. સૌથી પહેલાં અમે ભારતની જનતાને સુરક્ષિત કરીશું.

ટેલિફોન પરની વાતચીતમાં મોદી અને ટ્રમ્પે જાગતિક મહાબીમારીનો સામનો કરવામાં દ્વિપક્ષી સહકાર વિશે પણ વાતચીત કરી હતી. ટ્રમ્પે ગયા ફેબ્રુઆરીમાં એમની ભારત મુલાકાતને પણ યાદ કરી હતી.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના વાઈરસના ચેપના ઉપચારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા સૌથી વધારે અસરકારક ગણાય છે. અત્યંત ખરાબ પરિસ્થિતિ ઊભી થાય તો પહેલા ભારતની જનતાને તેનાથી સારવાર આપી શકાય એ માટે ભારતે આ દવાનો સ્ટોક ભેગો કરી રાખ્યો છે. જરૂર જણાશે તો સરકાર આ દવાની નિકાસ પરનો અંકુશ ઓર્ડર ઉઠાવી લેશે.

અન્ય દેશો પણ આવું જ કરી રહ્યા છે. ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક ગણાય છે. આ જ દવાનો ઉપયોગ મેલેરિયા અને લુપસ બીમારીઓની સારવાર માટે પણ કરવામાં આવે છે.

આ દવાની સપ્લાય અમેરિકાની કંપનીઓને કરવા માટેના કોન્ટ્રાક્ટનું ભારત સરકાર બરાબર પાલન કરી રહી છે. સાથોસાથ, ભારત કોરોના વાઈરસની રસીની અજમાયશો પણ કરી રહ્યો છે. એ માટે અત્યંત પ્રોફેશનલ ડોક્ટરો, અદ્યતન લેબોરેટરીઓ સંકળાયેલા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાઈરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 2 લાખ 78 હજારથી વધારે કેસો નોંધાયા છે અને 7,100થી વધારે લોકોનાં મરણ થયા છે. ભારતમાં કોરોનાનાં 3000થી વધારે કેસો નોંધાયા છે અને 70થી વધારે લોકોનાં મરણ થયા છે.

છેલ્લા બે અઠવાડિયાથી વડા પ્રધાન મોદી કોરોના વાઈરસ સામે લડવા માટે દુનિયાના તમામ મોટા દેશોના નેતાઓ સાથે ફોન પર વાતચીત તેમજ વિડિયો કોન્ફરન્સ કરી રહ્યા છે. ભારતમાં લોકડાઉન ઘોષિત કરાયું ત્યાર પછી એમણે જી-20 સમૂહના દેશો, ‘સાર્ક’ સમૂહના દેશો તથા ઈઝરાયલ, સ્પેન અને બ્રાઝિલના વડાઓ સાથે પણ વાતચીત કરી છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓ સાથે કોરોના વાઈરસ સામેની લડાઈ અંગે ચર્ચા કરી હતી. એવી જ રીતે, વિદેશ સચિવ હર્ષ શ્રિંગલા પણ અમેરિકા, જાપાન, સાઉથ કોરિયા, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના વિદેશ સચિવ સાથે સતત સંપર્કમાં રહે છે.

કોવિડ-19ની લડાઈમાં માઇકા પણ જોડાઇ

અમદાવાદઃરાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં રાજ્યમાં કેસ વધીને કુલ 122 થયા છે અને અત્યાર સુધીમાં કુલ 10 લોકોનાં મોત થયાં છે. અમદાવાદમાં કોરોના કેસ વધીને 53 થયા છે. રાજ્યમાં છેલ્લા એક જ દિવસમાં 14 કેસ નવા નોંધાયા છે.

દેશમાં કોરોના સામે લડવા માટે 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે, પણ આ લોકડાઉનને કારણે ગરીબ, નિમ્ન લોકો અને દૈનિક ધોરણે કામ કરતા શ્રમિક વર્ગને ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. કોરાના સામેના જંગમાં ગરીબો લોકોને મદદ કરવા માટે અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા માઇકા (MICA)એ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે હાથ મિલાવ્યા છે.

માઇકાએ ગરીબ અને ભૂખ્યા લોકો માટે કેમ્પસમાં રસોડું શરૂ કર્યું છે, જેમાં દરરોજ 1000 જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ આપવામાં આવે છે. આ ઉપરાંત આશરે 3000 પરિવારોને અનાજનું વિતરણ કર્યું છે. માઇકાના જ કેમ્પસમાં રસોડું શરૂ કરવામાં આવ્યું છે.

લોકડાઉનના ગાળામાં ઘણા લોકોના જીવનને અસર થઈ છે. ખાસ કરીને દેશભરના સમાજના નબળા અને વંચિત વર્ગને ભોગવવું પડ્યું છે. તેમના હાલત કફોડી થઈ ગઈ છે. તેમની આવકમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

 

આ ઉપરાંત, ગરીબ કુટુંબોને જે કમાણીમાં નુકસાન થઈ રહ્યું છે તેમને રેશન કિટ પણ આપવામાં આવી રહી છે. માઇકાના પ્રમુખ અને ડિરેક્ટર ડો. શૈલેન્દ્રરાજ મહેતાએ કહ્યું હતું કે લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી આ ફૂડ પેકેટનું વિતરણ પણ ચાલુ રાખવામાં આવશે. ફૂડ પાર્સલની વહેંચણી કરનારા અમારા કાર્યકરોને પણ ચહેરા પર માસ્ક લગાવવા અને ગ્લવ્ઝ પહેરવા માટે આપીએ છીએ.

 

 

 

મુંબઈઃ લોકડાઉનમાં ગરીબોને અન્ન વિતરણ સહાય…

કોરોના વાઈરસને કારણે હાલ દેશભરમાં લોકડાઉન લાગુ છે અને એને કારણે ગરીબ, બેસહારા લોકોને જમવાની મુસીબત ઊભી થઈ છે ત્યારે મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરમાં ઈસ્માઈલ ભાટી ટ્રસ્ટ નામની એક સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓ કાશીમીરા વિસ્તારમાં જઈને ત્યાં રહેતા ગરીબ લોકોને ભોજન પૂરું પાડવાની કામગીરી બજાવે છે. (તસવીરોઃ દીપક ધુરી)






















કોરોના સંકટઃ બેઘર-ગરીબોને આશરો…

કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ છે ત્યારે મુંબઈની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરના મીરા-ભાયંદર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા એક કામચલાઉ શેલ્ટર હોમમાં બેઘર અને ગરીબ લોકોને આશરો આપવામાં આવ્યો છે. કોરોના બીમારી વધુ ફેલાય નહીં એટલા માટે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ છે અને રસ્તાઓ પરથી બેઘર-ગરીબોને હટાવી આશ્રયસ્થાનમાં રાખવાના સરકારી આદેશને પગલે એવા લોકોને મીરા-ભાયંદર સ્થિત એક મકાનમાં આશરો આપવામાં આવ્યો છે. આ સ્થળે લોકોને કેન્દ્ર સરકારે નક્કી કરેલી માર્ગદર્શિકાઓ અનુસાર સ્વચ્છ વાતાવરણમાં અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમ અનુસાર રાખવામાં આવે છે. અહીં નિરાશ્રીતોને મફતમાં ભોજન પણ પૂરૂં પાડવામાં આવે છે. (તસવીરોઃ દીપક ધુરી)
















સંકટ ટાણે અબોલ જીવોની સંભાળ

અમદાવાદઃ કોરોના વાયરસની ભયાનકતાથી મનુષ્ય ડરી ગયો છે. લોક ડાઉન, કરફ્યુ, કોરોન્ટાઇન જેવા શબ્દોથી માણસને મકાનમાં પુરી રખાય. પણ પશુ-પક્ષીઓનું શું? અત્યારે સ્થિતિ એ છે કે પ્રકૃતિને જેણે ખૂબ હાની પહોંચાડીને સિમિત કરી દીધી હતી તેવો મનુષ્ય આજે ઘરમાં કેદ છે અને પકૃતિ પોતાની સોળેય કળાએ ખીલી શકે તેવી રીતે મુક્ત બની ગઈ છે.

પણ પશુ , પક્ષીઓ આ મહામારી કે આફતથી અજાણ છે. માનવ વસ્તીમાં રહેતા, માણસ પર જ આધારિત પશુ, પક્ષીઓ અને બીજા અબોલ જીવો સમય થાય ત્યારે ખોરાક પાણીની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે. કેટલાક અબોલ જીવો પાણી, ખોરાક માટે અહીંથી તહીં વલખાં મારતાં નજરે પડે છે.

આ તમામ અબોલ જીવોની આશ કેટલાક જીવદયા પ્રેમીઓ પુરી કરતા હોય છે. કોરોના મહામારીમાં ભેંકાર ભાસતું નગર અને રસ્તા ઓ પર કેટલાક પરોપકારી લોકો પક્ષીઓને દાણા- પાત્રોમાં પાણી ભરે છે. ગાયોને ઘાસચારો અને શેરી, મહોલ્લા, માર્ગો પર રખડતા કુતરાને ભરપેટ ખોરાક પુરો પાડવાનું ચુકતા નથી. કેટલાક માણસો મુંગા પશુ પક્ષીઓને ખવડાવવામાં પૂણ્ય સમજે છે, તો કેટલાક ફરજ સમજી ઉમદા કાર્ય કરે છે.

-પ્રજ્ઞેશ વ્યાસ

રાજકોટના આ ઉદ્યોગપતિએ બનાવ્યા વેન્ટિલેટર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો પણ વધી રહ્યા છે. અચાનક આવડી મોટી આફત આવી પડતા રાજ્યમાં વેન્ટિલેટરની અછતના કારણે કોઈ દર્દીને જીવ ગુમાવવાનો વારો ન આવે તે અંગે રાજ્ય સરકાર સતર્ક છે. વિશ્વગુરુ ગણાતા અમેરિકા જેવા દેશે પણ કપરા સમયમાં રશિયા પાસેથી વેન્ટિલેટર્સ મંગાવવા પડ્યા છે, ત્યારે ગુજરાતમાં પાણી પહેલા જ પાળ બાંધવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  
રાજકોટના એક ઉદ્યોગકાર પરાક્રમસિંહ જાડજાએ વેન્ટીલેટર બનાવ્યું છે. જેને કારણે ગુજરાતમાં વેન્ટિલેટરની અછત નહીં સર્જાય. આ વેન્ટિલેટરને ગુજરાતી નામ ધમણ-1 આપવામાં આવ્યું છે. રાજકોટની જાણીતી કંપની જ્યોતિ સીએનસી દ્વારા આ વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યું છે.
આ વેન્ટીલેટર બનાવવાના પ્રોજેક્ટમાં જોડાયેલા કંપનીના માલિક પરાક્રમસિંહે જણાવ્યું કે, 10 દિવસની અંદર અમે આ પ્રોજેક્ટને પૂર્ણ કર્યો છે. 150 લોકોએ દિવસ રાત કામ કર્યું છે. ભારતની 26 કંપનીઓએ અમને પાર્ટ્સ આપ્યા છે. દમણ 1 પ્રેસર કંટ્રોલ વેન્ટિલેટર છે. અને તે ખાસ કોરોનાના દર્દીઓ માટે જ બનાવવામાં આવ્યું છે. આગામી 10 દિવસમાં દિવસના 100 વેન્ટિલેટર બનશે. હાલ ફક્ત 3 જ વેન્ટિલેટર બન્યા છે. 1 લાખથી પણ ઓછા ખર્ચમાં આ વેન્ટિલેટર બન્યું છે. સાડા ત્રણ લાખની કિંમતનું વેન્ટિલેટર 1 લાખ રૂપિયાની અંદર ગુજરાતમાં બની રહ્યું છે. અત્યારે જરૂરિયાતને પૂર્ણ કરવા માટે વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે. પહેલાં 1 હજાર વેન્ટિલેટર રાજ્ય સરકારને દાન કરવામાં આવશે. આ વેન્ટિલેટર ગુજરાત અન્ય રાજ્યોને પણ મોકલવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓએ મોટી જાહેરાત કરતાં કહું કે, રાજકોટનાં એક ઉદ્યોગકારે વેન્ટીલેટર બનાવ્યું છે. જેને કારણે ગુજરાતમાં વેન્ટિલેટરની અછત નહીં સર્જાય. નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું કે, એન-95 માસ્કની વિશ્વમાં અછત છે. તો વેન્ટિલેટરની અછતને લઈને પણ વિશ્વમાં ચિંતા છે. તેવામાં રાજકોટના એક ઉદ્યોગકારને વેન્ટિલેટર બનાવવામાં સફળતા મળી છે. અને આ વેન્ટિલેટર દર્દીઓ પર સફળ રીતે કામ કરી રહ્યું છે. સાથે જ સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં વેન્ટિલેટરની અછત નહીં રહે, અને જો પ્રોડક્શન વધુ હશે તો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટે વેન્ટીલેટર મોકલશે. આ વેન્ટીલેટર મેડ ઈન ગુજરાત અને મેડ ઈન રાજકોટ બન્યું છે. એટલે તેનું નામ ‘ધમણ-1’ રાખવામાં આવ્યું છે. રાજકોટમાં નાસાના પાર્ટ્સ પણ બને છે તેવું સીએમ રૂપાણીએ જણાવ્યું છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારોઃ અમદાવાદ હોટસ્પોટ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના  122 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 12 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધારે દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કેટલીક સેવાઓને બાદ કરતા તમામ અન્ય વ્હીકલ્સ લઈને રોડ પર નિકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શહેરમાં અત્યાર સુધી 53 કેસ પોઝિટીવ નોંધાયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે.

જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમદાવાદના તમામ દર્દી દિલ્હી મરકજથી આવેલા લોકોના સંપર્કમાં આવ્યા હતા. મરકજથી આવેલા તમામ લોકોનું ચેકિંગ હાલ ચાલુ છે. પોઝિટીવ ન હોય તો પણ તેમને આઈસોલેશનમાં રાખાશે. જયંતિ રવિએ કહ્યું કે કુલ 33 લોકો વિદેશથી આવ્યા, વિદેશથી આવેલ 17 લોકોના કોરોના કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારે 72 લોકોને લોકલ ટ્રાન્સમિશનથી કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે.

ભાવનગરની વાત કરીએ તો 11 કેસ પોઝિટીવ આવ્યા છે અને 2 લોકોના મોત થયા છે. જ્યારે વડોદરામાં 10 કેસ પોઝિટીવ આવ્યા છે અને 1 દર્દીનું મોત થયું છે. સુરતમાં 15 કેસ પોઝિટીવ આવ્યા છે અને 2 લોકોના મોત થયા છે. પંચમહાલમાં 1 કેસ પોઝિટીવ અને એક 1 શખ્સનું મોત થયું છે. ઉપરાંત, ગાંધીનગરમાં 13 કેસ પોઝિટીવ આવ્યા છે. મહેસાણામાં 01 કેસ પોઝિટીવ આવ્યો છે. ગીર સોમનાથમાં 02 કેસ પોઝિટીવ, પોરબંદરમાં 03 કેસ પોઝિટીવ, પાટણમાં 01 કેસ પોઝિટીવ, આ સિવાય રાજકોટમાં 10 કેસ પોઝિટીવ આવ્યા છે. જો કે, સદનસીબે કોઈનું મોત થયું નથી. કચ્છની વાત કરીએ તો 1 કેસ પોઝિટીવ આવ્યો છે.