લોકડાઉનમાં મહિલાઓ ઘેર બેઠા મેળવી રહી છે રોજગારી 

વડોદરા: હાલમાં કોરોનાના સંકટનો દેશ સામનો કરી રહ્યો છે. આ સંકટને પહોંચી વળવા સરકાર ભરપૂર પ્રયાસો કરી રહી છે અને સમાજના પ્રત્યેક વર્ગના લોકો જુદી-જુદી રીતે યોગદાન આપી સરકારના પ્રયાસોને સહયોગ આપી રહ્યા છે.

કોરોના સામેની લડતમાં યોગદાન આપવાની આ સામાજિક પહેલમાં વડોદરા તાલુકાના કરોડિયા ગામની હરસિધ્ધિ મહિલા મંડળની 200 બહેનો આ સત્કર્મનું માધ્યમ બની છે. આ મહિલાઓએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કોરોના સામેનું યુદ્ધ લડવા દરરોજ 1000 માસ્ક બનાવવા સાથે 10000 માસ્ક બનાવવાનું બીડું ઝડપ્યું છે.


આ મહિલાઓને માસ્ક દીઠ રૂપિયા 10 મહેનતાના પેટે ચૂકવવામાં આવે છે. રિલાયન્સ ફાઉન્ડેશને સામાજિક જવાબદારીના ભાગરૂપે આ મહિલાઓને માસ્ક સિવવાના મશિનો અને માસ્ક બનાવવામાં વપરાતું રો-મટિરીયલ પૂરું પાડ્યું છે. હરસિધ્ધિ મહિલા મંડળની સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ દ્વારા બનાવતા આ માસ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વડોદરા આસપાસના ગામડાઓમાં જરૂરિયાત મંદોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

મહિલા મંડળના આગેવાન ઈન્દિરાબેન નાગરે જણાવ્યું કે કોરોના મહામારી સામે સમગ્ર દેશ એકજૂટ થઇ લડી રહ્યો છે.અમારા સખી મંડળની મહિલાઓ તેમાં પોતાનું યોગદાન આપી રહી છે તેનું અમોને ગર્વ છે.દેશવ્યાપી લોક ડાઉન માં મહિલાઓને ઘરે બેઠા રોજગારી મળવા સાથે સમાજ સેવાનો આનંદ મળી રહ્યો છે. મહિલાઓને માસ્ક બનાવવાનું પૂરતું વળતર મળી રહ્યુ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કોરોના અટકાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે,ત્યારે આ રોગને ફેલાતો અટકાવવા અને અન્ય વ્યક્તિને ચેપ લાગે નહિ તે માટે માસ્ક બનાવવાનું ભગીરથ કામ ઉપાડી અમે વડાપ્રધાનની મુહિમ મા અમારું યોગદાન આપી રહ્યા છીએ.

સરપંચ વિજયભાઈ ચાવડાએ જણાવ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન નિગમિત સામાજિક જવાબદારી અંતર્ગત ગામની ૨૦૦ જેટલી મહિલાઓને સીવણ ની આધુનિક તાલીમ પૂરી પાડવા સાથે સીવવાના સંચા પણ આપ્યા છે. ગ્રામ પંચાયતમાં શેડ બનાવી સામાજિક અંતર જાળવી મહિલાઓ માસ્ક બનાવવાની કામગીરી કરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને જમવા તથા ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દેશ સામે આવી પડેલી આ આફતમાં મહિલાઓ માસ્ક બનાવી રોજગારી રળી રહી છે.