Home Blog Page 4855

મુંબઈઃ બાન્દ્રા સ્ટેશનની બહાર હજારો માઈગ્રન્ટ કામદારો એકત્ર થયા; પોલીસનો હળવો લાઠીમાર

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનની મુદતને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી દીધી છે ત્યારે મુંબઈમાં કામ અને પૈસા વગર અટવાઈ ગયેલા હજારો માઈગ્રન્ટ કામદારો-મજૂરો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બપોરના સમયે બાન્દ્રા (વેસ્ટ)માં રેલવે સ્ટેશનની બહાર, મસ્જિદની સામે એકત્ર થયા હતા.

આ કામદારો પોતપોતાના વતન જવા માટે અધીરા હોવાથી એકત્ર થયા હતા અને ટ્રેનો શરૂ કરવામાં આવે એવી માગણી કરી હતી.

લોકડાઉનને કારણે કર્ફ્યૂ જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો પણ અમલમાં છે તે છતાં આ કામદારો હજારોની સંખ્યામાં એકત્ર થતાં પોલીસો પણ અચંબામાં પડી ગયા હતા.

આખરે કામદારોને વિખેરવા માટે પોલીસને બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. પોલીસે એમની પર હળવો લાઠીમાર કર્યો હતો. સાંજે 6 વાગ્યે પરિસ્થિતિ અંકુશમાં હોવાનો પોલીસે દાવો કર્યો હતો.

બાન્દ્રામાં પરપ્રાંતિય કામદારોના વિરોધનું કારણ કેન્દ્ર સરકારઃ આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ બાન્દ્રાની ઘટના વિશે એમના પ્રત્યાઘાત વ્યક્ત કર્યા છે. એમણે ટ્વીટ કરીને એવો આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે સ્થળાંતરિત મજૂરોને એમના વતન પાછા જવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરી નથી.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ લોકોને અનાજ કે ઘર નથી જોઈતા, પણ એમને તેમના ઘેર પાછા જવું છે. ટ્રેનો બંધ કરાયા બાદ મહારાષ્ટ્ર સરકારે રેલવે સેવાને ચોવીસ કલાક ચાલુ રાખવા અંગે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી, જેથી કામદારો પોતપોતાના ઘેર પાછા જઈ શકે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન મોદી સાથેની વિડિયો કોન્ફરન્સમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પરપ્રાંતિયોને વતન પાછા જવા માટે રોડમેપ ઘડી કાઢવાની વિનંતી કરી હતી.

મુંબઈ મહાપાલિકા નાગરિકોને કોરોના-પ્રતિબંધક HCQ ગોળીઓ આપશે

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો રોકવા માટે સમગ્ર ભારત દેશે કમર કસી લીધી છે. રાષ્ટ્રીય સ્તરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનની મુદતને 3 મે સુધી લંબાવી દીધી છે.

મુંબઈમાં મહાનગરપાલિકા તંત્ર પણ પોતાની રીતે આ લડાઈ લડી રહ્યું છે.

દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે દર્દીઓ ધરાવતું શહેર હોય તો એ મુંબઈ છે.

હવે મહાપાલિકાએ શહેરનાં હાઈ-રિસ્ક વસ્તીના લોકોને હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) ગોળીઓ આપવાનું નક્કી કર્યું હોવાનો અહેવાલ છે.

આ દવા આમ તો મેલેરિયાના રોગ વખતે દર્દીઓને આપવામાં આવે છે, પરંતુ તે કોરોના વાઈરસના વિષાણુઓને પણ કાબૂમાં રાખતી હોવાનું માલુમ પડ્યું છે.

શરૂઆતમાં, ધારાવી અને વરલી વિસ્તારોમાં 50 હજાર જેટલા નાગરિકોને આ ગોળી આપવામાં આવશે.

કન્ટેનમેન્ટ ઝોન પરિસરમાં રહેતા 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીના અને જેમને કોઈ મોટી બીમારી ન હોય એવા લોકોને 8 ગોળીઓનો ડોઝ આપવામાં આવશે.

આવનારા 2-3 દિવસોમાં જ મહાપાલિકા તરફથી કન્ટેનમેન્ટ ઝોનમાં નાગરિકોને આ ગોળીઓ આપવાનું શરૂ કરવામાં આવશે. પહેલા દિવસે બે ગોળી (800 મિલીગ્રામ) લીધા બાદ પ્રત્યેક અઠવાડિયે માત્ર એક જ વાર એક જ ગોળી (400 મિલીગ્રામ) એમ કુલ 6 ગોળી આપવામાં આવશે.

હાલ કોરોનાનાં દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફને આ ગોળી આપવામાં આવે છે.

HCQ ગોળીનો ડોઝ લીધા બાદ કોરોના વાઈરસ ઘણા પ્રમાણમાં કાબુમાં રહે છે. તેથી હવે આ વાઈરસના હોટસ્પોટ નક્કી કરાયેલા વરલી અને ધારાવી વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવશે.

વૃદ્ધ અને મોટી વયની વ્યક્તિઓને આ ગોળી આપવામાં નહીં આવે.

હાલ મુંબઈ મહાનગરપાલિકા પાસે આવી સાડા છ લાખ ગોળીઓનો સ્ટોક છે.

20 એપ્રિલથી કેવીક રાહત અપાશે?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના વધતા જોખમને ધ્યાનમાં રાખતાં ભારતે લોકડાઉન ત્રીજી મે, 2020 સુધી વધારી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એની જાહેરાત કરતાં કહ્યું હતું કે ત્રીજી મે સુધી આપણે બધાએ, દરેક દેશવાસીઓએ લોકડાઉનમાં રહેવું પડશે. આ દરમ્યાન આપણે અનુશાસનનું એ રીતે પાલન કરવું પડશે, જે રીતે આપણે કરતા આવી રહ્યા છીએ. બધાના એ જ સૂચનો છે કે લોકડાઉનને વધારવામાં આવે. કેટલાંક રાજ્યો તો લોકડાઉનને વધારવાનો નિર્ણય કરી ચૂક્યા છે.

20 એપ્રિલ સુધી દરેક વિસ્તારની બારીકાઈથી સમીક્ષા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આગામી એક સપ્તાહમાં કોરોના સામેની લડાઈમાં સખતાઈ વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક એરિયા, દરેક પોલીસ સ્ટેશન, દરેક જિલ્લા અને દરેક રાજ્યની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવશે, જ્યાં લોકડાઉનનું કેટલું પાલન તઈ રહ્યું છે, એ ક્ષેત્રને કોરોનાથી કેટલું બચ્યું છે, એ જોવું પડશે. એ પછી રાહત આપવા માટે નિર્ણય લેવામાં આવશે.

20 એપ્રિલથી કેટલીક કામગીરી માટે છૂટ અપાશે

વડા પ્રદાન મોદીએ કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન જે ક્ષેત્ર આ અગ્નિપરીક્ષામાં સફળ થશે, હોટસ્પોટ નહીં હોય અને જેના હોટસ્પોટમાં પરિવર્તિત થવાની આશંકા પણ ઓછી હશે, ત્યાં 20 એપ્રિલથી કેટલીક કામગીરી માટે મંજૂરી આપવામાં આવશે.

નિયમોનું પાલન કરીને કોરોના રોગચાળાને હરાવાશે

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આપણે શિસ્તતાનું એ રીતે પાલન કરીશું, જેવી રીતે આપણે કરતા આવ્યા છીએ. આપણે હોટસ્પોટ વિસ્તારમાં બહુ સતર્કતા રાખવી પડશે. જે સ્થળો હોટ સ્પોટમાં દબદિલ થવાની આશંકા છે, એના પર આપણે બાજ નજર રાખવી પડશે. આપણે ધીરજ રાખવી પડશે અને નિયમોનું ચુસ્ત પાલન કરીશું તો કોરોના વાઇરસ જેવા રોગચાળાને સાથે મળીને હરાવી શકીશું.

 

કોરોના વાઇરસના 10,363 કેસ, 339 લોકોનાં મોત

દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના અત્યાર સુધી 10,363 કેસો સામે આવ્યા છે અને એને કારણે 339 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે દેશમાં દવાઓ અને અનાજનો પર્યાપ્ત ભંડાર છે.

 

બોર્ડની પરીક્ષાઓનું હવે શું થશે?

નવી દિલ્હી: દેશમાં પહેલાથી ચાલી રહેલા 21 દિવસના લોકડાઉનને હવે આગામી 3 મે સુધી લંબાવાયુ છે. જેની સીધી અસર બોર્ડની પરીક્ષાઓ અને એન્ટ્રેન્સ પરીક્ષા પર પડશે. તો કેટલાક રાજ્યોમાં બોર્ડની પરીક્ષાઓ, સીબીએસઈ બોર્ડ પરીક્ષા અને CISCEની પરીક્ષાને અગાઉ લોકડાઉનની જાહેરાતને પગલે અધવચ્ચે જ અટકાવી દેવાઈ હતી.

આ સ્થિતિમાં કેટલાક રાજ્યના બોર્ડ દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે, બાકી રહેલા પેપર વગર જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. તો સીબીએસઈએ પણ 10માં ધોરણની બોર્ડના બાકી રહેલા પેપર ન લેવાનો નિર્ણય લીધો હતો. સાથે એમપણ કહ્યું હતું કે, 12માં ધોરણની મુખ્ય વિષયોની બાકી રહેલી પરીક્ષા જ લેવામાં આવશે. તો ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસાને કારણે ધો.10 12 સીબીએસઈ બોર્ડની પરીક્ષા  જે વિદ્યાર્થીઓ ન હતા આપી શક્યા તેમના માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

આ વર્ષે કુલ 30 લાખ વિદ્યાર્થીઓએ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપી હતી. બોર્ડને બાકી રહેલી પરીક્ષા અંગે પૂછવામાં આવ્યું તો સીબીએસઈના અધિકારીએ કહ્યું કે, આવતીકાલે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

તો આ તરફ શાળાઓ ક્યા સુધી બંધ રાખવામાં આવશે એ અંગે કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. ઓડિશા સરકાર પહેલા જ શાળાઓને 17 જૂન સુધી બંધ રાખવાની જાહેરાત કરી ચૂકી છે. એ જોતા હવે સીબીએસઈ સ્કૂલો પણ આ તારીખ પહેલા ખુલવાની આશા નહિવત્ત છે.

એન્જીનિયરિંગ (JEE Main) અને મેડિકલ (NEET)ની પરીક્ષાને પણ કોવિડ 19ને પગલે પહેલાથી જ સ્થગિત કરી દેવામાં આવી છે.

ગયા મહિને જ્યારે વડાપ્રધાન મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે એનટીએ એ કહ્યું હતું કે, તે નીટ અને જેઈઈ મેન પરીક્ષાઓને મે મહિનાના અંતિમ સપ્તાહમાં આયોજીત કરી શકે છે. પરંતુ હવે આજે લોકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાતને પગલે આ પરીક્ષાઓની તારીખમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે. આ સાથે જ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસની અન્ય પરીક્ષાઓ પણ હવે લોકડાઉન પછી જ યોજાઈ તેવી શક્યતા છે.

…તો પાકિસ્તાને ગંભીર પરિણામો ભોગવવાં પડશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં એક તરફ કોરોના વાઇરસ સતત પ્રસરી રહ્યો છે,જ્યારે બીજી તરફ કટ્ટરપંથી મૌલવીઓનું જૂથ ઇચ્છે છે કે સરકાર મસ્જિદોમાં સામૂહિક રૂપથી નમાજ અદા કરવા સામે પ્રતિબંધોને વધારવાની ભૂલ ના કરે. વકફકુલ મદરિસ અલ અરેબિયાથી જોડાયેલા દેશના આશરે 50થી વધુ મૌલવીઓએ સરકારને ચેતવણી આપતાં કહ્યું હતું કે કોરોના વાઇરસનો ડર બતાવીને પ્રતિબંધોને આગળ ના વધારવામાં આવે. આ બધા મૌલવીઓ રાવલપિંડી અને ઇસ્લામાબાદથી સંબંધ રાખવાવાળા છે, એમ પાકિસ્તાનના ન્યૂઝપેપર ધ ડોને માહિતી આપી હતી.

વરિષ્ઠ મૌલવીઓની બેઠકમાં સરકારને ચેતવણી

અહેવાલ મુજબ ઇસ્લામાબાદના જામિયા દારુલ ઉલૂમ ઝકરિયામાં એક બેઠક થઈ હતી, જેમાં કોરોનાને કારણે મસ્જિદોમાં નમાજ અદા કરવામાં લાગેલા પ્રતિબંધોને દૂર કરવા અને આને માટે સરકારને ચેતવણી આપવા માટે સર્વસંમતિ બની હતી.આ બેઠકમાં આ સંગઠનથી જોડાયેલા વરિષ્ઠ મૌલવીઓ સિવાય પ્રતિબંધિત સંગઠન અહલે સુન્નત વલ જમાતના સભ્યો પણ સામેલ હતા. આ બેઠક પછી કહેવામાં આવ્યું હતું કે રમજાનના પવિત્ર મહિનામાં આ પ્રકારના કોઈ પણ પ્રતિબંધ ના લગાડવામાં આવે. આ બેઠકનો વિડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ બેઠક પછી જામિયા દારુલ ઉલૂમ ઝકરિયાના અધ્યક્ષ પીર અઝિઝુર રહેમાન હઝારવીએ કહ્યું હતું કે અમે કોઈ પણ પ્રકારના સંઘર્ષની સ્થિતિને ટાળવી જોઈએ.

મૌલાનાની સરકારને ચેલેન્જ

આ બેઠકમાં દેશમાં આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરતા મૌલવીઓની ધરપકડ પર નારાજગી દર્શાવતાં તેમને છોડવા અને તેમની સામે નોંધાયેલા કેસોને ખતમ કરવાની માગ પણ કરવામાં આવી હતી. રહેમાને કકહ્યું હતું કે સરકારના બધા અધિકારી અને ખુદ વડા પ્રધાન ધર્મના નિયમ-કાયદાઓથી બંધાયેલા છે. આમાં કહેવામાં આવ્યું છે કે બધી ધાર્મિક સંસ્થાઓથી જોડાયેલા લોકોએ આ જંગમાં સરકારને સહયોગ આપ્યો છે, પણ સરકાર તેમની સાથે સહયોગ નથી કરી રહી. લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝે પણ ઇસ્લામાબાદ વહીવટી તંત્રને સીધી ચેલેન્જ આપતાં કહ્યું હતું કે સરકાર મને રોકીને બતાવે.

તબલિગી જમાતનો પાકિસ્તાનમાં પણ કાળો કેર

પાકિસ્તાની મૌલવીઓનું એ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પાછલા દિવસોમાં તબલિગી જમાતને કારણે અચાનક કોરોના વાઇરસના દર્દીઓમાં ઝડપથી વૃદ્ધિ થઈ હતી. જેથી પાકિસ્તાનમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને 5,707 સુધી પહોંચી ગઈ છે. અહીંના સિંધ અને પંજાબ પ્રાંતમાં કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત છે. પંજાબમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 2,826 થઈ ગઈ છે, જ્યારે સિંધમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 1,452 થઈ છે. અત્યાર સુધી પાકિસ્તાનમાં કોરોનાને લીધે 96 દર્દીઓનાં મોત થયાં છે, જ્યારે 1092 દર્દીઓ ઠીક પણ થઈ ચૂક્યા છે.  

સરકારની અપીલને મૌલવીઓએ નજરઅંદાજ કરી

સરકાર દ્વારા વારંવનાર સોશિયલ ડિસ્ટન્સિંગ પર અમલ કરવાની વાતને આ મૌલવીઓ સતત નજરઅંદાજ કરી રહ્યા છે. આ મૌલવીએ સરકારની મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહ્યા છે. જો સરકાર મૌલવીઓના દબાણને વશ થઈ તો એના ગંભીર પરિણામો પાકિસ્તાને ભોગવવાં પડશે.

સુપ્રીમ કોર્ટે પણ ઇમરાન ખાન સરકાર સામે લાલ આંખ કરી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વારંવાર ખરાબ આરોગ્ય વ્યવસ્થા અને હોસ્પિટલોની ખસ્તા હાલત પર કેટલીય વાર ઉલ્લેખ કરી ચૂક્યા છે. આ ઉપરાંત કોરોના વાઇરસથી લડવા સામેની આ લાપરવાહીને લઈને સુપ્રીમ કોર્ટે પણ સરકાર સામે લાલ આંખ કરતાં કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે સ્વાસ્થ્ય મામલોના સલાહકારને જવાબદાર ગણાવતાં તેમને દૂર કરવાનો આદેશ પણ આપ્યો હતો.

હાર્દિક પંડ્યાને ફિયાન્સીએ શું જવાબ આપ્યો?

નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યા મુખ્યત્વે પોતાના ફેન્સ સાથે પોતાની અને પોતાની થનારી પત્નીના ફોટોગ્રાફ્સ શેર કરે છે. હવે બંન્નેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની ફિયાન્સી નતાશા સ્ટેનકોવિકને પૂછ્યું કે, બેબી શું હું તારો છું?

આના પર નતાશાએ પણ ખૂબ સરસ જવાબ આપ્યો અને કહ્યું, “જિગર કા ટુકડા”. આ જવાબને હાર્દિક પંડ્યાએ પણ રીપિટ કર્યો. ઉલ્લેખનીય છે કે અન્ય સ્પોર્ટ્સ પર્સનની જેમ આ લોકો પણ પોતાના ઘરમાં કેદ છે અને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. તો નતાશા હાર્દિક સાથે સમય વિતાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ન્યૂ યર પર હાર્દિકે પોતાની લવ સ્ટોરી બધા સાથે શેર કરી હતી. થોડા દિવસ બાદ હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈ કરી હતી. બંન્ને એક ક્રૂઝ પર સમુદ્ર વચ્ચે સગાઈ કરી હતી, જેમાં તેમના કેટલાક મિત્રો હતા. બાદમાં હાર્દિક પંડ્યા સતત નતાશા સ્ટેકોવિક સાથે રહી રહ્યો છે.

હવે આઈપીએલ નું શું? બીસીસીઆઈ કરી શકે છે જાહેરાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 10 વાગ્યે દેશને સંબોધિન કર્યું હતું. કોરોના વાયરસના કારણે કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે છેલ્લો દિવસ હતો. લોકડાઉનને આગામી 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આ સાથે જ નક્કી થઈ ગયું છે કે આઈપીએલની 13 મી સિઝન પણ સ્થગિત કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ હવે 19 દિવસનું ફરીથી લોકડાઉન કર્યું છે કે જે 3 મે સુધી લાગુ રહેશે. આ કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવેલી આઈપીએલ 2020 ને ફરીથી એકવાર સ્થગિત કરવાનો નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈને લેવો જ પડશે. બીસીસીઆઈ આગામી સમયમાં આ મામલે એક મોટી જાહેરાત કરશે કે આ લીગને ક્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે  આઈપીએલની 13 મી સીઝન 29 માર્ચથી શરુ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે આને 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી હતી. બીસીસીઆઈને રાહ હતી કે વડાપ્રધાન મોદી શું જાહેરાત કરે છે અને 15 એપ્રિલના રોજ નવી ગાઈડલાઈન્સ શું કહે છે. જો કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 3 મે સુધી તો આઈપીએલ શરુ નહી જ થઈ શકે, જેની અધિકારીક જાહેરાત બીસીસીઆઈ આગામી એક-બે દિવસમાં કરે તેવી શક્યતાઓ છે.

જાડેજાએ તલવાર ચલાવી, પોતાને રાજપૂત ગણાવતાં ઈન્ટરનેટ પર ટ્રોલ થયો

જામનગરઃ હાલ કોરોના સામેની લડાઈના ભાગરૂપે દેશભરમાં સંપૂર્ણપણે લોકડાઉન સ્થિતિ લાગુ છે ત્યારે ઘણી જાણીતી હસ્તીઓ પોતાની ઈતર પ્રવૃત્તિ દર્શાવતા વિડિયો ઈન્ટરનેટ પર રિલીઝ કરતી હોય છે.

 

ક્રિકેટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ પોતાનો એક વિડિયો ઈન્ટરનેટ પર શેર કર્યો છે.

પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા વિડિયોમાં જાડેજા એની ફેવરિટ તલવાર ચલાવતો જોઈ શકાય છે.

જાડેજાએ મ્યાનમાંથી તલવાર કાઢે છે અને પછી એને આજુબાજુ વીંઝવાની પોતાની કળા બતાવે છે.

ઘણી વાર મેચમાં પોતે સારી બેટિંગ કરતો હોય છે ત્યારે જાડેજા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂપ તરફ ફરીને પોતાનું બેટ તલવારની જેમ વીંઝતો હોય છે, એમ બતાવવા માટે જોયું, હરીફોને કેવા માર્યા.

હાલનો વિડિયો રિલીઝ કરીને જાડેજાએ એની કેપ્શનમાં લખ્યું છે, ‘તલવાર પોતાની ચમક ગુમાવી શકે છે, પણ પોતાના માલિકનું ક્યારેય અપમાન નહીં કરે. #રાજપૂતછોકરો.’

જાડેજા પોતાના ફાર્મહાઉસ પર આ તલવારબાજી બતાવતો હોવાનું મનાય છે.

પરંતુ જાડેજાએ એના ટ્વીટની કેપ્શનમાં હેશટેગ ‘રાજપૂતબોય’ લખ્યું એટલે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સને એ ગમ્યું નથી અને એને ટ્રોલ કર્યો છે. કેટલાકે એને ઊંચી જાતિનો ઘમંડ હોવાનો આરોપ મૂક્યો છે તો કેટલાકે કહ્યું કે રાજપૂત લોકો અનેક લડાઈ હાર્યા હતા અને આવા ખાલી મેદાનમાં તલવાર ચલાવવાથી કંઈ ન વળે.

જોકે ઘણા લોકો જાડેજાના સમર્થનમાં પણ આવ્યા છે. કોઈકે કહ્યું કે જાડેજાએ તો માત્ર પ્રશંસકોના મનોરંજન માટે આ વિડિયો પોસ્ટ કર્યો છે, પણ અમુક લોકોએ એને ખોટું સ્વરૂપ આપી દીધું છે.

મેલાનિયા ટ્રમ્પને કેમ યાદ આવ્યા દિલ્હીના હેપ્પીનેસ ક્લાસ?

નવી દિલ્હીઃ વિશ્વ આખામાં અત્યારે કોરોના સંકટ ચાલી રહ્યું ત્યારે આવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પને દિલ્હીના હેપ્પીનેસ ક્લાસ યાદ આવી ગયા અને તેમણે દિલ્હી સરકારના ભરપૂર વખાણ કર્યા છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણ અને પડકારો વચ્ચે મેલાનિયા ટ્રમ્પે ટ્વીટ કર્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં ભારત પ્રવાસ દરમિયાન દિલ્હી સરકારની શાળામાં હેપ્પીનેસ ક્લાસ જોઈને હું પ્રભાવિત થઈ ગઈ હતી. અત્યારે અસામાન્ય પડકારના સમયમાં મન અને શરીર બંન્નેનું ધ્યાન રાખીને આપણી ભલાઈનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

મેલાનિયા ટ્રમ્પના આ ટ્વીટના જવાબમાં તેમને ટેગ કરતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ તેમનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, અમે આપની યાત્રા માટે આભારી છીએ. અમારી શાળાઓમાં આપનું આવવું એક સન્માનની વાત હતી. આ અસામાન્ય પડકારના સમયમાં, જ્યારે દરેક લોકોને ઘરે રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે હેપીનેસ ક્લાસ એટ હોમ સંબંધો અને ભાવનાત્મક સંબંધોને ફરીથી બનાવવા અને સુધારવામાં મદદ કરી રહ્યા છે.

લોકડાઉન 2.0 પર આ નેતાઓએ શું કહ્યું?

નવી દિલ્હી: કોરોના વાઈસને કારણે દેશમાં ચાલી રહેલા લોકડાઉને હવે આગામી 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. વડાપ્રધાને આ જાહેરાત કરતા કહ્યું કે, કોરોના માહામારીને ફેલાતી અટકાવવા માટે આ ખૂબ જ જરૂરી છે. લોકડાઉન 2.0ની જાહેરાત પછી દેશના નેતાઓએ પણ ટ્વિટ કરીને તેમની લોકડાઉન અંગે તેમની પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, આ ખરાબ સમયમાં ડોક્ટરો, નર્સો, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ, સ્વચ્છતા કર્મીઓ, પોલીસ અને તમામ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને હું સલામ કરું છું.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ મોદીની જાહેરાત પર કહ્યં કે, આપણે સાવચેત રહેવું પડશે કે કોઈ નવું કોરોના હોટસ્પોટ સામે ન આવે. આપણે સાવધાન રહેવું પડશે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યુ કે, ગઈકાલે ફ્રાંસમાં પણ લોકડાઉનને 15 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ઈટલીએ 3 મે સુધી, સ્પેને 25 એપ્રિલ સુધી લંબાવ્યું છે. અમેરિકામાં તમામ 50 રાજ્યોમાં લોકડાઉન પ્રતિબંધ હેઠળ ચાલી રહ્યું છે. બ્રિટનમાં 3 સપ્તાહ સુધી લોકડાઉન રહ્યું અને હજુ આગામી 3 સપ્તાહ સુધી ચાલુ રહે તેવી આશા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ રાજ્યો કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે તેના વખાણ કર્યા હતા. લોકોને લોકડાઉનો ચૂસ્ત પાલન કરવા અપીલ કરી હતી.

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ લોકડાઉન વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય ટીકા કરતું ટ્વીટ કર્યું છે.

તો ભાજપા સાંસદ ગૌતમ ગંભીરે લોકડાઉન લંબાવવાના નિર્ણનું સ્વાગત કરતા લખ્યું કે, 21 દિવસ સુધી જેમ પાલન કર્યું એવું જ હજુ થોડા દિવસો સુધી કરીશું. અને લોકોને લોકડાઉનના દિશાનિર્દેશોનું પાલન કરવા અપીલ કરી હતી.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ લોકડાઉન વધારવાના નિર્ણય અંગે ટ્વીટ કર્યું કે, ચાલો આપણે બધા પીએમનું અનુસરણ કરીએ. કોરોનાને હરાવવામાં પીએમ મોદીની જે સલાહ છે તેનું પાલન કરીએ.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પછી એક વીડિયો મારફતે લોકડાઉન લંબાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે ટ્વીટમાં લખ્યું કે, પ્રધાનમંત્રી આપણા બધાની પીડા અંગે જાણે છે, તેમણે જે પગલા લીધા છે તે આપણી સુરક્ષા માટે છે, નહીતર આપણી સ્થિતિ પણ ચીન, ઈટલી ,બ્રિટન અને અમેરિકા જેવી થઈ જાત. ઘરે રહો સુરક્ષિત રહો.

રાજનાથ સિંહે ટ્વીટમાં લખ્યું કે, આ નિર્ણય ભારતવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

રેલવે મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરતા લખ્યું કે, લોકડાઉન 3 મે સુધી લંબાવવાના નિર્ણયમાં પીએમ મોદીની દૂરદર્શિતા દેખાઈ છે. આ નિર્ણય લોકોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. લોકડાઉનને કારણે કોરોના વાઈરસને નવા વિસ્તારમાં ફેલાતો અટકાવી શકાશે.