કૂતરાની પૂંછડી છ મહિના ભોંયમાં દાટો તોય વાંકી ને વાંકી

 

કૂતરાની પૂંછડી છ મહિના ભોંયમાં દાટો તોય વાંકી ને વાંકી.

 

કૂતરાની પૂંછડી વાંકી હોવી એ તેના શરીરની રચના સાથે જોડાયેલી બાબત છે. તેને લાંબા સમય સુધી જમીનમાં દાટી રાખો, તો પણ બહાર નીકળતાની સાથે જ તે ફરી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે.

આ જ રીતે, ગમે તેટલું સમજાવવા છતાં જે વ્યક્તિ ન સમજે, પોતાના મત પર અડગ રહે, હઠીલા સ્વભાવને ન છોડે અથવા પોતે પકડેલી વાતનો આગ્રહ ન છોડે, એવા જડ સ્વભાવના માણસ માટે આ કહેવત વપરાય છે.

જે વ્યક્તિ જ્ઞાન વિના ફોગટની પંડિતાઈ કરે, ગપ્પાં મારવાની પોતાની ટેવ છોડે નહીં અથવા પોતાના સ્વભાવમાં કોઈ ફેરફાર કરવા તૈયાર ન હોય, તેના માટે પણ આ કહેવત યોગ્ય છે.

આ કહેવતનો મૂળ અર્થ એ છે કે જેનો સ્વભાવ અથવા પ્રકૃતિ એકવાર ઘડાઈ જાય, તેને બદલવી અત્યંત મુશ્કેલ છે. તેના માટે લાખ પ્રયત્નો કરવામાં આવે, તો પણ મૂળ સ્વભાવ સહેલાઈથી બદલાતો નથી. એટલે જ કહેવાયું છે—“પ્રાણ જાય, પણ પ્રકૃતિ ન જાય.”

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)