Home Blog Page 483

પંચાંગ 05/11/2025

ભગવાન કરે કે… ગુરુ નાનક જયંતિ અને દેવ દિવાળી પર પીએમ મોદીએ શું કહ્યું?

પ્રધાનમંત્રી મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ, કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળી પર રાષ્ટ્રની પ્રજાને શુભેચ્છા પાઠવી છે. તેમજ તેમના ઉપદેશોને માનવતા માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક દેવની જન્મજયંતિ અને કાર્તિક પૂર્ણિમા તથા દેવ દિવાળી નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉપદેશોને માનવતા માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, “ગુરુ નાનક દેવજીનું જીવન અને સંદેશ માનવતાને માર્ગદર્શન આપે છે. કરુણા, સમાનતા, નમ્રતા અને સેવા પર આધારિત તેમના ઉપદેશો ખૂબ જ પ્રેરણાદાયક છે. ગુરુ નાનકજીની જન્મજયંતિ પર હાર્દિક શુભેચ્છાઓ. તેમનો દિવ્ય પ્રકાશ આપણી પૃથ્વીને હંમેશા પ્રકાશિત કરતો રહે.”

પ્રધાનમંત્રી મોદીએ કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલી પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું, “દેશભરમાં મારા પરિવારના તમામ સભ્યોને કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલી પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતામાં મૂળ ધરાવતો આ દિવ્ય પ્રસંગ દરેકના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સૌભાગ્ય લાવે. પવિત્ર સ્નાન, દાન, આરતી અને પૂજાની આપણી પવિત્ર પરંપરાઓ દરેકના જીવનને પ્રકાશિત કરે.”

બીજી બાજુ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે એક સત્તાવાર એક્સ-પોસ્ટમાં લખ્યું, “ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ પર હાર્દિક શુભેચ્છાઓ. તેમનું જીવન અને સમાનતા, કરુણા અને સત્યનો સંદેશ સમગ્ર માનવતા માટે પ્રેરણારૂપ છે. ચાલો આપણે એક ન્યાયી અને માનવીય સમાજ બનાવવા માટે પોતાને ફરીથી સમર્પિત કરીએ અને આપણા દૈનિક જીવનમાં પૂજ્ય ગુરુના ઉમદા ઉપદેશોનું પાલન કરીએ.”

ગુરુ નાનક જયંતિ, જેને ગુરુ પર્વ અને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક મહત્વપૂર્ણ શીખ તહેવાર છે. ગુરુ નાનક દેવના કરુણા, સંવાદિતા અને સત્યના ઉપદેશો લાખો લોકોને પ્રેરણા આપે છે.

વાહ ભાઈ વાહ! ૦૫ ઑક્ટોબર ૨૦૨૫

મગદાળની બરફી

આ પૌષ્ટિક બરફી કોઈપણ કડાકૂટ વગર ઝડપથી બની જાય છે!

સામગ્રીઃ

  • મગની દાળ 1 કપ
  • દૂધ 1 કપ
  • ઘી ½ કપ
  • મોળો દૂધનો માવો ½ કપ
  • એલચી પાવડર ½ ટી.સ્પૂન
  • કાજૂ-પિસ્તાની કાતરી 1 ટે.સ્પૂન
  • ચાંદીનો વરખ

રીતઃ મગની દાળને 3-4 પાણીએથી ધોઈને પાણી નિતારીને ચોખ્ખા ધોયેલા કૂકરમાં નાખી તેમાં 1 કપ દૂધ મેળવી દો. કૂકરને બંધ કરીને ગેસની તેજ આંચ ઉપર 2 મિનિટ માટે ગરમ થવા દો. ત્યારબાદ ગેસની આંચ ધીમી કરીને કૂકરની 2 સીટી થાય એટલે ગેસ બંધ કરી દો.

કૂકર ઠંડું થાય એટલે ઢાંકણ ખોલીને ચેક કરી લો. દાળ ચઢી જાય એટલે એક સ્ટીલની ચાળણીમાં દાળ નાખીને ચાળણીને એક બાઉલની ઉપર ગોઠવી દેવી. આ મગની દાળને એક ગ્લાસના અથવા વાટકીના તળિયા વડે વાટી લેવી. દાળ વાટતી વખતે ચાળણીમાંથી દાળ નીચે બાઉલમાં ભેગી થશે.

દાળ સ્ટીલની ચાળણીમાં ચાળી લીધા બાદ એક કઢાઈમાં ½ કપ ઘી ગરમ કરી, તેમાં વાટેલી દાળ ઉમેરી, ચમચા વડે હલાવતાં રહેવું. ગેસની આંચ મધ્યમ રાખવી. જેવું દાળનું મિશ્રણ સહેજ સૂકું થવા આવે એટલે તેમાં મોળો માવો મેળવીને મિશ્રણ ચારવતાં રહેવું. તે સરખો મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

બીજી બાજુ ગેસ ઉપર એક વાસણમાં સાકર તેમજ અડધો કપ પાણી મેળવીને ગેસની મધ્યમ આંચે એક તારની ચાસણી તૈયાર કરી લો. આ ચાસણી મગની દાળના મિશ્રણમાં મેળવીને ગેસ ચાલુ કરીને ધીમી આંચે ચમચા વડે મિશ્રણને હલાવતાં રહી મિશ્રણ એકરસ થઈ ઘટ્ટ થવા આવે એટલે 1 ટે.સ્પૂન ઘી મેળવીને એકાદ મિનિટ ગેસ ઉપર થવા દઈ ગેસ બંધ કરી દો.

એક થાળી અથવા ટ્રેમાં ઘી લગાડી દો. ત્યારબાદ દાળનું ઘટ્ટ મિશ્રણ તેમાં રેડીને ફેલાવી દો. ઉપર ચાંદીનો વરખ લગાડી કાજૂ-પિસ્તાની કાતરી ભભરાવીને સહેજ પ્રેશ કરી, આ બરફી ઢાંકીને આખી રાત રહેવા દો. સવારે બરફી જામી જાય એટલે ચપ્પૂ વડે તેના ચોસલા પાડી લો.

૦૫ નવેમ્બર ૨૦૨૫

દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો અટલ ફૂટઓવર બ્રિજ

ગાંધીનગર: ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 31 ઓગસ્ટ, 2022થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77,71,269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹27.70 કરોડથી વધુની આવક પણ થઇ છે, જે અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.અમદાવાદ જે આધુનિકીકરણ સાથે જૂના વારસાને પણ સાચવીને બેઠું છે. તેમાં ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ શહેરની જૂની પોળ સંસ્કૃતિ, હેરિટેજ વૉક વગેરે પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેવા લાખો પ્રવાસીઓ આવે છે. તેમાં પણ અટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છે.SRFDCL દ્વારા આપવામાં આવેલા વર્ષવાર આંકડાઓની વાત કરીએ તો, 31 ઓગસ્ટ 2022થી માર્ચ 2023 દરમિયાન 21.62 લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જેનાથી ₹6.44 કરોડ આવક થઇ હતી. એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 26.89 લાખ મુલાકાતીઓ થકી ₹8.24 કરોડની તેમજ એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન 20.67 લાખ મુલાકાતીઓ થકી ₹8.19 કરોડની આવક થઇ હતી. એપ્રિલ 2025થી ઑક્ટોબર 2025 સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને ₹4.82 કરોડની આવક થઇ છે.આ આઈકોનિક અટલ બ્રિજ અંદાજે ₹74 કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજ થકી ₹27.70 કરોડની આવક થઇ ચૂકી છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલબ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના 37 ટકાથી વધુ રકમ વસૂલ થઈ ગઈ છે.

છત્તીસગઢના બિલાસપુરમાં માલગાડી-પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત, 10ના મોત

છત્તીસગઢ: બિલાસપુર જિલ્લામાં મંગળવારે એક મોટો રેલ અકસ્માત થયો. કોરબા પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાઈ છે. આ દુ:ખદ અકસ્માતમાં દસ લોકોના મોત થયાના પ્રાથમિક અહેવાલ છે, જ્યારે ઘણા મુસાફરો ઘાયલ થયા છે.

માહિતી મળતા જ રેલવે અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. એક માસૂમ બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ઘણા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે વહીવટીતંત્રે તાત્કાલિક તબીબી એકમો અને વિભાગીય અધિકારીઓને ઘટનાસ્થળે મોકલ્યા હતા. અકસ્માતની ગંભીરતાને જોતા, વરિષ્ઠ અધિકારીઓ બિલાસપુરથી રવાના થઈ ગયા છે.સમગ્ર રેલ માર્ગ પર ટ્રેન કામગીરી અટકાવી દેવામાં આવી છે. ઘણી એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. રાહત અને બચાવ ટીમો પરિસ્થિતિનો સતત સામનો કરી રહી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

મહિલાઓની આ સ્થિતિને કેમ સમજશો?

સ્વરા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી સુંદર આત્મવિશ્વાસુ યુવતી. બધા સાથે હસીને બોલવું, મજાક-મસ્તી એની ઓળખ. કોલેજમાં બધા કહેતા પણ ખરા કે સ્વરાના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એના સારા એવા ફોલોવર્સ પણ હતા.

રોજ કંઇકને કંઇક નવું અપડેટ કરવાની એની આદત. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ હસવાનું ભૂલી ગઈ હતી. દરરોજ સવારે ઊઠતી ત્યારે પણ કોઈ કારણ વિના એનું મન ઉદાસ રહેતું. સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ, મિત્રો સાથે વાત કરવાનું બંધ થઈ ગયું. એને સતત પોતાની અંદર કંઈક ખાલી છે એવો અહેસાસ થયા કરતો. એનું વજન થોડું વધી ગયું તો એને પોતાના મનગમતા કપડા પહેરવાનું પણ બંધ કરી દીધું. સ્વરાને લાગતું મારી અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે, પણ શું? એ જવાબ એના ખુદ પાસે પણ નહોતો.

સમજીના શકાય એવી સ્થિતિ!

મહિલાની માનસિક સ્થિતિ અમુક સમયે એટલી બધી ખરાબ થઈ જાય છે કે એને શું થઈ રહ્યું છે એ અન્યને સમજાવવામાં નિષ્ફળ નિવડે છે. કોઈ એની સ્થિતિ સમજી પણ નથી શકતું. ઘણીવાર હોર્મોન ચેન્જ થવાના કારણે શરીરમાં થતા બદલાવ એની માનસિક સ્થિતિને ખુબ ખરાબ કરે છે.

એ એવો સમય હોય છે જ્યારે એને ઘરમાંથી બહાર નીકળવું નથી ગમતું. રોજ સીવલેસ કપડા પહેરતી મહિલા કે યુવતી,શરીરમાં આવેલા બદલાવના કારણે એવા કપડા પહેરવાનું બંધ કરે છે. મિત્રો સાથે વાત કરવી, બહાર જવાનું પણ ટાળે છે, એની એકલતા એને અંદરોઅંદર વધારે અને વધારે દુઃખી કરે છે પણ એ કોઈને કહી નથી શકતી. રોજ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મહિલાની હાજરી ત્યાં પણ નહિવત થઈ જાય છે. ક્યારેક એને શરીરનું વજન વધારે લાગે છે તો ક્યારેક પોતાની જાતને અન્ય કરતા એકદમ નીચી આંકે છે. એની મનોસ્થિતિના સવાલોના જવાબ એની પાસે જ નથી હોતો. આવા સમયે પરિવાર અને મિત્રો જ એને સહકાર આપી શકે. આ  એવો તણાવ જેની જાણ એને પોતાને પણ નથી હોતી અને એ અન્યને પણ કહી નથી શકતી.

જ્યારે સ્વભાવ બદલાઈ જાય છે

આ ફેરફાર કોઈને અચાનક ખબર નથી પડતો. રોજ ફિટિંગ ડ્રેસ પહેરતી યુવતી ઢીલાં કપડાં પહેરવા લાગે છે, બહાર જવાનું ટાળી દે છે, પોતાનું પ્રતિબિંબ જોઈને ઉદાસ થઈ જાય છે. ક્યારેક લાગે છે કે એ વજનદાર થઈ ગઈ છે, ક્યારેક લાગે છે કે એ અન્ય કરતા હવે ઓછી સુંદર છે. આ સમય એવો હોય છે કે એ પોતાના શરીર સાથે પણ વેરઝેર કરવા લાગે છે. એના મનમાં સતત ચાલતું એક વાક્ય હોય છે, હું સારી નથી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર પ્રિતિ સરવૈયા કહે છે કે, “જ્યારે મહિલા પોતાની મનની વાત કોઈને કહી શકતી નથી, ત્યારે એની એકલતા એનો સૌથી મોટો શત્રુ બની જાય છે. બહારથી એ સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી ધીમે ધીમે ખાલી થતી જાય છે. રોજના કામમાં મન નથી લાગતું, હસવું જબરજસ્તી લાગે છે. એવી સ્થિતિમાં એ લોકો વચ્ચે રહીને પણ પોતાની જાતને એકલી અનુભવે છે. એ એકલતા મનમાં એવી જગ્યાએ વળી જાય છે જ્યાંથી બહાર આવવું મુશ્કેલ બને છે.”

બદલાવએ કમજોરી નહીં, પરિસ્થિતિ છે

ઘણા લોકો માનતા હોય છે કે મહિલા કે યુવતીઓમાં આવી રહેલો બદલાવ કમજોરી છે, પરંતુ હકીકતમાં એ એક માનસિક પરિસ્થિતિ છે જેનું કારણ શારીરિક ફેરફાર, હોર્મોનલ ઈમ્બેલન્સ અથવા માનસિક થાક હોઈ શકે છે. એ માટે શરમ કે અપરાધભાવની જરૂર નથી. જો સમયસર કાઉન્સેલિંગ લેવાય, થેરાપી કરવામાં આવે અથવા ફક્ત વિશ્વાસપાત્ર સાથે વાત કરવામાં આવે તો સ્થિતિ સુધરી શકે છે. પોતાનામાં થતા બદલાવને અવગણવું જોખમી છે, પરંતુ એનો સામનો કરવો શક્ય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશયન અલ્પા ચૌહાણ કહે છે, આવા સમયમાં સૌથી વધુ જરૂરી છે સમજ અને સહકાર. શું થયું?  એ સવાલ કરતાં હું તારી સાથે છું એ શબ્દ વધુ ઉપચાર આપે છે. જ્યારે પરિવાર અથવા મિત્રો એ સમયને ગંભીરતાથી લે છે, એ સ્ત્રી માટે એ આશાનું કિરણ બની જાય છે. ઘણીવાર એ ફક્ત એક વ્યક્તિની સમજદારીથી બહાર આવી શકે છે. પ્રેમ, સંવાદ અને સાન્નિધ્ય  આ ત્રણ વસ્તુ એના મન માટે દવા સમાન છે.

ડોક્ટર કહે છે…

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. દિપક વ્યાસ કહે છે કે, મહિલાના શરીરમાં થનારા હોર્મોનલ ફેરફારો ઘણીવાર એની મનોસ્થિતિ પર ગંભીર અસર કરે છે. પીરિયડ્સ પહેલાં કે પછી, પ્રેગ્નન્સી દરમિયાન કે પછી, અથવા મેનોપોઝના તબક્કે શરીરના ઈસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફારો મૂડ સ્વિંગ્સ, ચીડિયાપણું, ઉદાસીનતા અને ડિપ્રેશનનું કારણ બને છે. ઘણીવાર મહિલાઓને લાગે છે કે એમની સાથે કઈ ખોટું થઈ રહ્યું છે, પરંતુ હકીકતમાં એ શરીર અને મન વચ્ચેનું એક અદૃશ્ય યુદ્ધ છે જેની ખબર અન્યને તો શું, ક્યારેક એમને ખુદને પણ નથી પડતી.

પોતાને સમય આપો, મનને સાંભળો

સ્ત્રી આખા પરિવારની ચિંતા કરતી હોય છે, પરંતુ પોતાને ભૂલી જાય છે. આ માટે જરૂર છે સેલ્ફ કેર. રોજ થોડો સમય પોતાને માટે કાઢો, ફરવા જાઓ, વાંચો, ધ્યાન કરો અથવા ફક્ત શાંતિથી બેસી રહો. મનની વાત લખો, સાંભળો, અને જરૂરી લાગે તો તબીબી સહાય લો. સૌથી અગત્યનું  પોતાને દોષ ન આપો. દરેક સ્ત્રીમાં એક શક્તિ છુપાયેલી હોય છે, ફક્ત એ શક્તિને ફરી શોધવાની જરૂર છે.

પરિવાર અને મિત્રોના સમર્થનની જરૂર

આવા સમયમાં સૌથી વધુ જરૂરી છે સમજ અને સહકાર. શું થયું? એ સવાલ કરતાં “હું તારી સાથે છું” એ શબ્દ વધુ ઉપચાર આપે છે. જ્યારે પરિવાર અથવા મિત્રો એ સમયને ગંભીરતાથી લે છે, એ સ્ત્રી માટે એ આશાનો કિરણ બની જાય છે. ઘણીવાર એ ફક્ત એક વ્યક્તિની સમજદારીથી બહાર આવી શકે છે. પ્રેમ, સંવાદ અને સાનિધ્ય આ ત્રણ વસ્તુ એના મન માટે દવા સમાન છે.

સ્ત્રીના મનમાં ઘણી વાર એવું દુઃખ હોય છે જેને શબ્દો નથી પરંતુ એને સમજદારીથી સ્પર્શી શકાય છે. જ્યારે સમાજ એની મનની સ્થિતિને સમજવા લાગશે, ત્યારે અનેક મહિલાઓ ફરી સ્મિત કરવાનું શીખી જશે.

હેતલ રાવ

બિહારમાં NDA પ્રચંડ વિજય મેળવશે તેમાં કોઈ શંકા નથી: PM મોદી

બિહાર વિધાનસભા ચૂંટણી નજીક છે. ત્યારે પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા તબક્કામાં મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) ના મહિલા કાર્યકરો સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મહિલાઓ રેકોર્ડ સંખ્યામાં ચૂંટણી રેલીઓમાં હાજરી આપી રહી છે. તેઓ સૂત્રોચ્ચાર કરી રહી છે. તેમણે કહ્યું, “મને એમાં કોઈ શંકા નથી કે NDA બિહારમાં પ્રચંડ વિજય મેળવશે.”

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા તબક્કામાં મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) ના મહિલા કાર્યકરો સાથે વાતચીત કરી. ભાજપ-એનડીએ સમર્થકો સાથે વાતચીત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે રેકોર્ડ સંખ્યામાં મહિલાઓ ચૂંટણી રેલીઓમાં હાજરી આપી રહી છે અને સૂત્રોચ્ચાર કરી રહી છે. તેમણે કહ્યું, “મને કોઈ શંકા નથી કે એનડીએ બિહારમાં પ્રચંડ વિજય મેળવશે.” વડા પ્રધાને મહિલા કાર્યકરોને મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા વિનંતી કરી.

આ વાતચીત ભારતીય જનતા પાર્ટીના “મેરા બૂથ, સબસે મઝબૂત” પહેલના ભાગ રૂપે થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા કાર્યકરોને વિનંતી કરી હતી કે તેઓ ખાતરી કરે કે બિહાર ચૂંટણીમાં “જંગલ રાજ” ના સમર્થકોને તેમની અત્યાર સુધીની સૌથી મોટી હારનો સામનો કરવો પડે. પીએમ મોદીએ કહ્યું કે એનડીએ સરકાર મહિલાઓના જીવનને સરળ બનાવવા અને તેમને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ધ્રુવ પર્વ: સાતમો ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલ ગાંધીનગરમાં યોજાયો

ગાંધીનગર: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન સારું ‘ધ્રુવ પર્વ’- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. કમિશ્નર , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના સહયોગથી ત્રીદિવસીય પર્વનું આયોજન કરવામાં આવ્યુું હતું. ૩૧ ઓકોટબાર ૨૦૨૫થી ૨જી નવેમ્બર ૨૦૨૫ સુધી આ પર્વ સેક્ટર-12માં આવેલા આંબેડકર હોલ ખાતે યોજાયો હતો. ‘ધ્રુવ પર્વ’- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલનો શુભારંભ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ ડો. સંધ્યા પુરેચા, મુખ્ય અતિથિ, અતિથિવિશેષ ગોપીનાથજી જ્યોતિષપીઠના આચાર્ય ગોસ્વામી રણછોડલાલજી અને હેમાબેન ભટ્ટ(અધ્ય્ક્ષ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, ગાંધીનગર મહાનગરપાલિકા) અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદગમના મેં. ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ઉદગમના સામાજિક કાર્યો અને શાસ્ત્રીય સંગીતના સંવર્ધન વિષે માહિતી આપી હતી.મુખ્ય અતિથિ ડો. સંધ્યા પુરેચાએ ઉદગમના શાસ્ત્રીય સંગીતના સંવર્ધનના કાર્યોના વખાણ કરીને યોગ્ય સહયોગની ખાતરી આપી હતી.ઉદગમના ટ્રસ્ટી ધુવભાઇ જોષીની સ્મૃતિમાં હેમંત ભટ્ટ, સિદ્ધાર્થ બેનર્જી, જશવંત શ્રીમાળી અને પ્રફુલ્લ પંચાલને ઉદગમ કલા સન્માનથી નવાજવામાં આવ્યા. ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલમાં તા.૩૧ ઓકોટબર ૨૦૨૫ના શાસ્ત્રીય સંગીતના સાધક અને  બનારસથી સિદ્ધ વીણા વાદક પંડિત સિદ્ધાર્થ બેનર્જીએ સિદ્ધ વીણામાં વિવિધ રાગની પ્રસ્તુતિથી કરી અને ત્યારબાદ ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહોદયએ વૈષ્ણવ હવેલીમાં ગવાતાં વિવિધ પદ ગાયનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.૦૧ નવેમ્બર ૨૦૨૫ ના સુશ્રી શિવાની કિનારીવાલાએ દેવઉઠી એકાદશીના ઉપલક્ષ્યમાં હવેલી સંગીતના અદભુત પદોની પ્રસ્તુતિથી સહુને ભક્તિમય કરી દીધા તથા સુરતના ગોસ્વામી શ્રી જયવલ્લભલાલજી મહોદય સંતૂર ની સાથે તબલા પાર શ્રી રસિકપ્રીતમજી મહોદયએ અવર્ણીય પ્રસ્તુતિ કરી અને અંતે પંડિત જસરાજના શિષ્ય ઉદેપુરના સમર્થ જાન્વે શાસ્ત્રીય સંગીતમ વિવિધ  ભજન અને અંતે માતા કાલિકાથી સ્તુતિથી અવર્ણીય અને અદભુત વાતાવરણ ઉભું કરી દીધું હતું.૦૨ નવેમ્બર ૨૦૨૫ શ્રી યોગી મકવાણા પખાવજની સુંદર પ્રસ્તુતિ અને ત્યારબાદ પંડિત વિકાસ કસલકરના શિષ્ય વૈભવ દવેએ બાદ ખ્યાલથી શરૂઆત કરી અને પોતાના શાસ્ત્રીય ગાયનની અદભુત પ્રતીતિ કરી અને અંતે ડૉ. સુપ્રવા મિશ્રાની ઓમ આર્ટ્સ ડાન્સ એકેડેમી વિદ્યાર્થીઓ નયનરમ્ય ઓડિસી નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. ત્રણ્ય દિવસ પારૂલબેન મેહતાએ સુંદર મંચ સંચાલન કર્યું.
ધ્રુવ પર્વ- સાતમા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના આયોજનમાં પં. શિશિર ભટ્ટ,  દિપાંશ છાબરા, આશાબેન સરવૈયા, પરમજીત કૌર છાબરા, ચાણક્ય જોષી, અનિતા ચાવડા, વાગ્મી જોષી અને કિરાત જોષી, મનોજ જોષીએ સફળ બનાવ્યું હતું.