Home Blog Page 4788

APM ટર્મિનલ્સ પિપાવાવને ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’નું સર્ટિફિકેટ મળ્યું

અમદાવાદઃ ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ કિનારે ભાવનગરથી 140 કિલોમીટરે અમરેલી જિલ્લામાં આવેલું ખાનગી ક્ષેત્રનું દેશનું સૌપ્રથમ પોર્ટ પિપાવાવ છે. APM ટર્મિનલ્સ કન્ટેઇનર, રો/રો (પેસેન્જર કાર) અને પ્રવાહી પદાર્થો અને ડ્રાય બલ્ક કાર્ગો માટે દેશનાં અગ્રણી ગેટવે પોર્ટમાંનું એક છે, જે દેશનાં અંતરિયાળ વિસ્તાર અને ઉત્તર-પશ્ચિંમ વિસ્તારોના રોડ અને રેલ નેટવર્ક સાથે ગુજરાતના ગ્રાહકોને સેવા આપે છે. APM ટર્મિનલ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિ.)ને સ્મોલ અને મધ્યમ કદનાં ઓર્ગેનાઇઝેશનની શ્રેણીમાં સતત બીજી વાર ‘ગ્રેટ પ્લસ ટુ વર્ક’ સર્ટિફિકેટ મળ્યું છે. કર્મચારીઓ સૌથી વધુ કીમતી હિતધારકોમાં સામેલ છે અને આ કર્મચારીઓ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા વ્યકત કરે છે, એમ APM ટર્મિનલ પિપાવાવનું માનવું છે.

10,000થી વધુ કંપનીઓની  વર્ક સર્ટિફિકેશન માટે અરજી

દર વર્ષે 60 દેશોમાંથી 10,000થી વધુ કંપનીઓ વર્ક-સર્ટિફિકેશન માટે ગ્રેટ પ્લેસનું સ્થાન મેળવવા અરજી કરે છે. APM ટર્મિનલ્સ પિપાવાવનું મૂલ્યાંકન બહુ પરિમાણીય અભિગમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓએ ઓનલાઇન સર્વેમાં જવાબ આપ્યા હતા. વિવિધ સ્તરે કર્મચારીઓએ કંપનીના મૂલ્યાંકન માટે ઇન્ટરવ્યુ આપ્યા હતા અને ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ દ્વારા એની નીતિઓનું વિગતવાર વિશ્લેષણ થયું હતું. આ  ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ કંપનીના કર્મચારીઓના અનુભવનો સંપૂર્ણ ચિતાર આપે છે. APM ટર્મિનલ્સ પિપાવાવના કર્મચારીઓને કંપનીમાં કામ કરવા માટે ગર્વ છે અને તેઓ અહીં સતત કામ કરવાની ઇચ્છા ધરાવે છે.

સર્ટિફિકેટ મળવા બદલ ગર્વ

APM ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડિરેક્ટર જેકોબ ફ્રિસ સોરેન્સને કહ્યું હતું કે અમને સતત બીજી વાર આ સર્ટિફિકેટ મળ્યું છે. આ અમારી સર્વસમાવેશક અને પારદર્શક કામગીરીનો પુરાવો છે. જે અમે સતત સંદેશવ્યવહારથી ઊભી કરી છે અને અમે અમારાં મૂલ્યોને વળગી રહ્યાં છે.

પોર્ટની હાલની વાર્ષિક ક્ષમતા

પિપાવાવ પોર્ટની હાલની વાર્ષિક કાર્ગો સંચાલનની ક્ષમતા 1.35 મિલિયન TEU કન્ટેઇનર્સ, અઢી લાખ પેસેન્જર કાર, બે મિલિયન મેટ્રિક ટન લિક્વિડ બલ્ક અને ચાર મિલિયન ટન ડ્રાય બલ્ક છે. APM ટર્મિનલ્સ આંતરરાષ્ટ્રીય ટર્મિનલ નેટવર્કનો એક ભાગ છે.

લોકડાઉનથી કંટાળેલો ટીવી અભિનેતા મનીષ પૌલ પણ નોકરીની શોધમાં!

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે લાંબા સમયથી ચાલી રહેલા લોકડાઉનને કારણે મોટાભાગના લોકોને રોજગારની ચિંતા થવા લાગી છે. લોકો બે મહિનાથી ઘરમાં કેદ થયા છે અને કામ-ધંધા વગર થાકી ગયા છે. દરેકને ઇચ્છા થાય છે કે બધું જ ફરી પહેલાં જેવું થઈ જાય. આવી જ હાલત બોલિવૂડના કલાકારોની છે જેમનું અભિનયનું કામકાજ લોકડાઉનના કારણે અટકી ગયું છે. એક્ટર અને કાર્યક્રમોમાં સંચાલક તરીકેની ભૂમિકા ભજવતો મનીષ પૌલ હવે કામ પર ફરવા ઉતાવળો થઈ રહ્યો છે.

મનીષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે અને કામ પણ માંગ્યુ છે. મનીષે પોસ્ટમાં લખ્યું છે કે, હું એક એક્ટર છું, હું શોને હોસ્ટ પણ કરુ છું. હું લોકડાઉન પછી કામ પર પાછો ફરવા માંગુ છું. હવેથી સેટ પર સમયસર આવીશ. હું 12 કલાક કામ કરીશ, ઘરેથી જમવાનું લઈ જઈશ, મારો સ્ટાફ પણ ઘરેથી જમવાનું લાવશે. જો તમને કોઈ ફિલ્મ, વેબ સિરીઝ અથવા રિયાલિટી શો માટે હોસ્ટની જરૂર હોય તો મારો સંપર્ક કરો. હું મુંડનના કાર્યક્રમોમાં પણ હોસ્ટ બનવા તૈયાર છું.

જો કે આ વાત ખરેખર તો મનીષે રમૂજી શૈલીમાં કરી છે જે હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ છે. પોતાની આગવી શૈલીમાં દરેકને હસાવતો આ કલાકાર મજાકમાં ગંભીર વાત કરે છે કે આ લોકડાઉનને કારણે જ પોતાને તેના કામનું મહત્વ જાણવા મળ્યું છે અને તે તમામ નિયમોને અનુસરવા તૈયાર છે. લોકડાઉનના કારણે ઘરમાં કેદ આ કલાકાર હવે કંટાળ્યો છે અને કામ પર પરત ફરવા અધીરો થયો છે.

BPCLના ગ્રાહકો વોટ્સએપથી પણ LPG સિલિન્ડર બુક કરી શકશે

નવી દિલ્હીઃ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)કંપનીએ તેના ગ્રાહકો માટે નવી સુવિધા શરુ કરી છે. જે હેઠળ હવે દેશભરમાં બીપીસીએલના ગ્રાહકો વોટ્સએપ દ્વારા રાંધણ ગેસ બુકિંગ કરાવી શકશે. કંપની પાસે હાલ 7.10 કરોડ એલપીજી ગ્રાહકો છે.

બીપીસીએલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત ગેસ (બીપીસીએલનું એલપીજી બ્રાન્ડ નામ) દેશભરમાં સ્થિત ગ્રાહકો વોટ્સએપ દ્વારા રાંધણ ગેસનું સિલિન્ડર બુક કરાવી શકે છે. કંપનીએ કહ્યું, તેમણે સિલિન્ડર બુકિંગ માટે એક નવી વોટ્સએપ બિઝનેસ ચેનલની શરૂઆત કરી છે. વોટ્સએપ પર આ બુકિંગ બીપીસીએલ સ્માર્ટલાઇન નંબર 1800224344 પર ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા સિલિન્ડર બુક કરાવી શકે છે.

કંપનીના કાર્યકારી નિર્દેશક ટી. પીતાંબરમે કહ્યું, વોટ્સએપ દ્વારા બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહકને સિલિન્ડર બુક થઈ ગયાનો મેસેજ મળશે. જેની સાથે એક લિંક પણ મોકલવામાં આવશે, તેના પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને એમેઝોન જેવી બીજી પેમેન્ટ એપ દ્વારા ચૂકવણી કરી શકાશે. કંપની એલપીજી ડિલિવરી પર નજર રાખવા અને ગ્રાહકોની આ અંગે પ્રતિક્રિયા લેવાનું પણ વિચારી રહી છે.

તેમણે કહ્યું કે વોટ્સએપ દ્વારા એલપીજી બુકિંગ કરાવાની સુવિધાથી ગ્રાહકોને વધુ સરળતા રહેશે. વોટ્સએપ આમ પણ લોકોમાં ઘણું લોકપ્રિય છે. આ નવી શરૂઆતથી અમે ગ્રાહકોની વધુ નજીક પહોંચીશું. ઉલ્લેખનીય છે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ વિતરણ કંપની છે અને તેનો ડિસઈન્વેસ્ટ થવા જઈ રહ્યું છે.

લોકડાઉન 5.0ની જોરશોરથી ઉડેલી અફવાને ગૃહ મંત્રાલયનો રદિયો

નવી દિલ્હીઃ દેશ કોરોના વાઇરસ સામેના જંગમાં લોકડાઉનના ચોથા તબક્કા હેઠળ છે, જે 31 મે પૂરું થશે. દેશ આ મહાબીમારી સામે લડી રહ્યો છે, ત્યારે સોશિયલ મિડિયા અનેક અફવાઓ, નકલી દાવાઓ અને ગેરમાહિતીથી ઊભરાઈ રહ્યું છે. કેટલાંક મિડિયા ગૃહો દ્વારા કોવિડ-19 અને લોકડાઉન લંબાવવાને સંબંધિત ખોટી માહિતી ફેલાવવા સામે સરકારે આજે નિવેદન કરીને સ્પષ્ટતા કરવી પડી છે.

લોકડાઉનનો ચોથો તબક્કો હવે છેલ્લા સપ્તાહમાં પ્રવેશ્યો છે, ત્યારે ઇન્ડિયા ટુડેએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)નાં આંતરિક સૂત્રોને ટાંકીને લોકડાઉન 5.0 વિશેની વિગતવાર માહિતી આજે બપોરે જાહેર કરી હતી. ઈન્ડિયા ટુડે અને તેની હિન્દી ન્યૂઝ ચેનલ અને સમાચાર પોર્ટલ આજતકનાન અહેવાલમાં પણ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 મેએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં લોકડાઉન-5ની જાણકારી આપશે.

જોતજોતામાં આ સમાચાર સોશિયલ મિડિયા પર ફરી વળ્યા હતા. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ તરત જ આ અહેવાલને રદિયો આપતું ટ્વીટ કર્યું હતું અને અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ખોટા અહેવાલો  પર સરકારની ચાંપતી નજર છે, એમ ગૃહ મંત્રાલયે કહ્યું છે.

 

ગૃહ મંત્રાલયે ઇન્ડિયા ટુડેના દાવાને ફગાવ્યો

ઇન્ડિયા ટુડેના અહેવાલમાં દાવો કરાયો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉન 5.0ની જાહેરાત તેમના કાર્યક્રમ ‘મન કી બાત’માં કરશે, જે 31 મેએ થવાનો છે. આ દાવાને નકારી કાઢતાં ગૃહ મંત્રાલયે (MHA) સત્તાવાર ટ્વિટર દ્વારા આને ફેક ન્યૂઝ કહીને ફગાવી દીધા હતા. MHAએ જણાવ્યું હતું કે તે પત્રકાર દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ અને અટકળો ખોટાં છે. આ અહેવાલમાં MHAને ટાંકીને કહેવામાં આવેલી વાતો ખોટી અને બેજવાબદાર છે.

મોદીએ 24 માર્ચ, 2020એ 21 દિવસ માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યાર બાદ રાજ્યોની વિનંતીથી વડા પ્રધાને રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કેટલીક શરતો સાથે ત્રીજી મે સુધી લંબાવ્યું હતું. ત્યાર બાદ કોવિડ-19નો ચેપ વધુ પ્રસરતાં 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું, સાથોસાથ, દેશને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન – એમ ત્રણ ઝોનમાં વહેંચ્યો હતો.  ત્યાર બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લોકડાઉનને 31 મે સુધી લંબાવવામાં આવ્યું હતું.

ઈન્ડિયા ટુડેનો અહેવાલ પ્રસારિત થતાં અન્ય કેટલાંક મિડિયા ગૃહોએ પણ આંતરિક સૂત્રોને ટાંકીને લોકડાઉન 5.0 આવશે એવા દાવા કર્યા હતા, પણ ગૃહ મંત્રાલયે એ તમામ દાવાઓને પણ ફગાવી દીધા હતા. જોકે ત્યાં સુધીમાં સોશિયલ મિડિયા પર આ ન્યૂઝ ઝડપથી વાઇરલ થઈ ગયા હતા, લોકો ઝપાટાબંધ એકબીજાને ફોરવર્ડ કરવા માંડ્યા હતા. આખરે ગૃહ મંત્રાલયે ટ્વિટર પર એની સ્પષ્ટતા કરી હતી.

મુંબઈમાં અગ્નિશામક દળના 30 જવાનને કોરોનાનો ચેપ; એકનું મરણ

મુંબઈઃ શહેરના અગ્નિશામક દળના 30 જવાનોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. આમાંના એક જવાનનું નિધન થયું છે.

અગ્નિશામક દળમાં કોરોનાને કારણે થયેલું આ પહેલું મરણ છે.

કોરોના વાઈરસ સામેના જંગમાં અગ્નિશામક દળ પણ મહત્ત્વની ભૂમિકા બજાવી રહ્યું છે.

મહાબીમારીમાં લોકોને બચાવવા માટે મહાનગરપાલિકાના અતિ આવશ્યક સેવાઓના કર્મચારીઓની સાથે અગ્નિશામક દળના જવાનો પણ કામગીરી બજાવી રહ્યા છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં જંતુમુક્ત કરવાની કામગીરી બજાવતી વખતે અગ્નિશામક દળના એક કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એ જવાન 57 વર્ષના હતા. તેઓ ગ્રાન્ટ રોડના ગોવાલિયા ટેન્ક વિસ્તારના અગ્નિશામક કેન્દ્રમાં સેવા બજાવતા હતા.

એ જવાનને ગઈ 24 મેએ જે.જે. હોસ્પિટલમાં બીમાર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા અને થોડા જ સમયમાં એમનું નિધન થયું હતું. આજે સવારે એ જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ એમનું મૃત્યુ કોરોના થયું હોવાનું માલૂમ પડ્યું હતું.

અનેક રાજ્યોમાં તીડોના ટોળાનો હુમલોઃ ખેડૂતોને પડતા પર પાટુ

જયપુરઃ કૃષિ ક્ષેત્રે ખેડૂતોની આ વર્ષે માઠી દશા છે. એક તો પહેલેથી કોરોના વાઇરસને પગલે લોકડાઉનમાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હવે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઉત્તર-પશ્ચિમના કેટલાંક રાજ્યોનાં ખેતરો પર છેલ્લાં 27 વર્ષમાં સૌથી ખરાબ હુમલો તીડોના ટોળાંઓ કરી રહ્યાં છે. આમ ખેડૂતોને પડતા પર પાટુ લાગી છે. આ તીડોનાં ટોળાં ખેતરોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ તીડો માનવી માટે તૈયારી થયેલી ઊપજનો મોટા પાયે ખાતમો બોલાવે છે, જેથી મોટા પાયે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં ઊપજને નુકસાન થવાથી ખેડૂતોની સાથે લોકો માટે પણ અનાજનું ઉત્પાદન ઓછું થાય છે.આ તીડો આવે ક્યાંથી છે?

આ તીડોના હુમલાથી દેશના અનેક રાજ્યોના પાકને ભારે ક્ષતિ પહોંચાડી રહ્યા છે. આ તીડો પૂર્વ આફ્રિકા અને સુદાનના રણમાં ઉદભવ્યા છે. તેઓ એમના રસ્તામાં આવતાં પાક, પાંદડાં, છાલ અને બીજને સાફ કરતાં લાબું અંતર કાપવામાં સક્ષમ હોય છે. આ તીડોનાં ટોળાંઓ સાઉદી અરેબિયા, ઇરાન, પાકિસ્તાન થઈને ભારત આવે છે.

આ તીડો કેટલા કિલોમીટરનું અંતર કાપે છે?

આ તીડોનાં ટોળાં સામાન્ય રીતે એક દિવસમાં 150 કિલોમીટરનું અંતર કાપી શકે. આ તીડોનાં ટોળાં પાંદડાં, ફળો, બીજ, અને ખેતરોમાંના ઊભા પાક પર ઊતરીને વ્યાપક નુકસાન પહોંચાડે છે.

તીડની ચિંતા આપણે કેમ કરવી જોઈએ

અગાઉ તીડનાં ખેતરો પરના હુમલાને સરકાર દ્વારા ગંભીરતાથી નહોતી લેવાતી અને મોટે ભાગે રાજસ્થાન સુધી મર્યાદિત હતી, પણ હવે આ તીડનાં ટોળાં રાજસ્થાનથી ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયાં છે. તીડનાં ટોળાંઓના હુમલાથી ખેડૂતોની હાલત વધુ કફોડી બને છે. આ વર્ષે તીડનાં ધાડેધાડાં ખેતરો પર ઊતરી આવ્યા છે, જેથી કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન થવાની ભીતિ છે. આમ પણ કોવિડ-19ને પગલે દેશભરમાં થયેલા લોકડાઉનથી ખેડૂતોની હાલત ખરાબ છે, ત્યાં આ તીડનાં ટોળાંએ તેમની હાલત કફોડી કરી દીધી છે.

ફાઓએ ચેતવણી આપી

યુનાઇટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર  ઓર્ગેનાઇઝેશને (FAOએ) વિવિધ તબક્કે આ તીડોના આક્રમણ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ચેતવી હતી. સંસ્થાએ ભારતને ચેતવણી આપતાં કહ્યું હતું કે આ તીડોનાં ટોળાં દેશની પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે. આ તીડનાં ટોળાં આવતા મહિને આફ્રિકાથી પાકિસ્તાન અને ફરીથી ભારતમાં આવશે. જોકે હાલમાં રાજસ્થાનના જયપુર જેવાં શહેરમાં તો તીડોનું વાદળ છવાયું હોય એવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં અને ક્યાંક તો તીડનાં ટોળાંને કારણે અંધકાર પણ છવાયો હતો. જોકે રાજસ્થાનના દૌસા જિલ્લામાં નિયંત્રણ અભિયાન પછી તીળોનાં ટોળાં યુપી તરફ વળ્યાં હતાં.

બંને રાજ્યોમાં રસાયણોનો ભારે દવાનો છંટકાવ

યુપી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના 10 જિલ્લાને તીડોના આક્રમણ સામે હાઇ અલર્ટ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ બંને રાજ્યોની સરહદતી અડીને આવેલા જિલ્લાઓમાં રાતના સમયે રસાયણોનો ભારે છટંકાવ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

એક તીડ આશરે 500 ઈંડાં આપે છે

એક તીડ આશરે 500 ઇંડાં આપે છે, એટલે કે આ તીડનાં ઝુંડની સાથે એમનાં બ્રીડિંગને પણ અટકાવવું પડશે. આ તીડનું સરેરાશ એક નાનું ઝુંડ 10 હાથીઓ, 25 ઊંટો તથા 2500 વ્યક્તિઓની બરાબર ભોજન ચટ કરી જાય છે. આ બહુ વિનાશકારી તીડ (કીટક) છે, જે હવાની દિશામાં 16થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે.

જીવન વીમોઃ ભારતમાં ઘણાખરાનું કવચ અપૂરતું…

અમેરિકન લેખક અને કલાકાર વિલ રોજર્સનું વાક્ય આજે યાદ આવે છે. તેમણે કહ્યું હતું, “જે માણસ પૂરતો જીવન વીમો કરાવ્યા વગર ગુજરી ગયો હોય એને પાછો મોકલીને બતાવવું જોઈએ કે એણે કેવડી મોટી સમસ્યા સર્જી છે.” કોરોના વાઇરસના રોગચાળાના વખતમાં માણસો ટપોટપ મરી રહ્યા છે એવા સમયે જીવનનું અને જીવનવીમાનું મૂલ્ય સમજાય છે.

આમ છતાં આ વર્ષે જાન્યુઆરીમાં ઇન્ડિયાસ્પેન્ડ નામની સંસ્થાએ પ્રકાશિત કરેલા અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે ભારતમાં હજી પણ લોકો પૂરતા પ્રમાણમાં જીવનવીમો લેતા નથી. ઓછામાં ઓછા 98.8 કરોડ ભારતીયોએ, એટલે કે આપણી વસતિના 75 ટકા અને સમગ્ર યુરોપની વસતિ થાય એટલા લોકોએ જીવનવીમો લીધો જ નથી.

જીવનની વધતી જતી અનિશ્ચિતતા વચ્ચે લોકોએ પોતાના સ્વજનોને પૂરતું નાણાકીય રક્ષણ આપ્યું નહીં હોવાની વાત આઘાતજનક છે.

કોરોનાથી મૃત્યુ પામનારા લોકોનો કુલ આંકડો જોઈએ ત્યારે આ બીમારીની ગંભીરતા ધ્યાનમાં આવે છે. આ જ બાબતને ધ્યાનમાં લઈને હવે તો જીવનવીમા કંપનીઓએ પણ પ્રીમિયમ વધારી દીધાં છે. એચડીએફસી લાઇફ, મેક્સ લાઇફ અને તાતા એઆઇએ જેવી અગ્રણી કંપનીઓએ ગત મહિને પ્રીમિયમમાં 20થી 35 ટકાનો વધારો કર્યો છે. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફે તો 40 ટકા સુધીનો વધારો કર્યો છે. બીજી કેટલીક કંપનીઓ આગામી મહિનાઓમાં પ્રીમિયમમાં વધારો કરે એવી ધારણા છે.

ઇન્ડિયાસ્પેન્ડના અહેવાલ પરથી બીજી પણ એક અગત્યની વાત ધ્યાનમાં આવી છે. ન કરે નારાયણ ને ઘરની કમાનાર વ્યક્તિનું અવસાન થાય એ સ્થિતિમાં આર્થિક કમી પૂરી કરવા માટે જેટલી રકમ જોઈએ તેના ફક્ત 8 ટકા જેટલી જ રકમનો સરેરાશ જીવનવીમો લોકોએ ઉતાર્યો છે. ઘર ચલાવનાર વ્યક્તિના ગયા પછી એક કરોડ રૂપિયાની જરૂર પડવાની હોય અને તેની સામે ફક્ત આઠ લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હોય તો એ રકમ ઘણી ઓછી કહેવાય.

જીવનવીમાનું કામ કમાનાર વ્યક્તિની ગેરહાજરીમાં તેની આવક જેટલી જ અથવા તો ઘર સહેલાઈથી ચાલી શકે એટલી રકમનું નાણાકીય સુરક્ષાનું કવચ પૂરું પાડવાનું છે. જો પૂરતી નાણાકીય સુરક્ષા ન હોય તો પાછળ રહેલા પરિવારજનોએ ઘણી તકલીફો વેઠવી પડે છે.

દરેક કમાનાર વ્યક્તિએ કેટલો જીવનવીમો કઢાવવો જોઈએ એ આંકડો એટલે હ્યુમન લાઇફ વેલ્યુ (એચએલવી). ચોક્કસ આંકડો તો ક્યારેય મેળવી શકાતો નથી. એચએલવી એક અંદાજમાત્ર હોય છે. એ અંદાજના આધારે જીવનવીમાનું કવચ લઈ શકાય છે.

વ્યક્તિના નિધનથી થતા ભાવનાત્મક નુકસાનની ખોટ કોઈ પૂરી શકતું નથી; નાણાકીય ખોટ પૂરવાનું કામ જીવનવીમાનું કવચ કરી શકે છે. દરેક વ્યક્તિની હ્યુમન લાઇફ વેલ્યુ અલગ અલગ હોય છે. વળી, એ આંકડો શોધવા માટે અનેક પદ્ધતિઓ ઉપલબ્ધ છે. એ અંદાજ આપનારી સંખ્યાબંધ વેબસાઇટ્સ ઉપલબ્ધ છે. આથી જીવનવીમો કઢાવતાં પહેલાં યોગ્ય વેબસાઇટ પર જઈને એ અંદાજ મેળવી લેવાનું સારું.

હ્યુમન લાઇફ વેલ્યુ પ્રાપ્ત કરવા માટે સામાન્યપણે વીમો લેવા ઈચ્છુક વ્યક્તિની ઉંમર, તેની વર્તમાન આવક અને ભવિષ્યના ખર્ચનો અંદાજ એ ત્રણ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે કહ્યું એમ, આ વેલ્યુ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ છે અને દરેકમાં અલગ અલગ બાબતોને ગણતરીમાં લેવામાં આવે છે.

અહીં પુનરોક્તિના ભોગે પણ કહેવું ઘટે કે જીવનવીમાને ક્યારેય રોકાણ ગણવો નહીં. જીવનમાં કોઈ નિશ્ચિત બાબત હોય તો એ તેની અનિશ્ચિતતા જ છે. કોરોનાથી બચવા માટે શહેરમાંથી ગામ જઈ રહેલા લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા હોવાનું આપણે જોયું છે. આના પરથી કહી શકાય કે મૃત્યુ નિશ્ચિત છે, પણ ક્યારે આવશે એ અનિશ્ચિત હોય છે. આથી દરેક કમાનાર વ્યક્તિએ પોતાના ગયા પછી પરિવારને કોઈ આર્થિક ભીંસ નડે નહીં એ માટે પૂરતો જીવનવીમો લઈ લેવો જોઈએ. જીવનવીમો ફક્ત કોઈના કહેવાથી કે કોઈ સંબંધી કે મિત્રની પોલિસીની સંખ્યા પૂરી કરાવવા માટે નહીં, પણ પોતાની અનુપસ્થિતિમાં પરિવારની આર્થિક સુરક્ષા માટે કઢાવવાનો હોય છે. હવે જીવનવીમાનો વિચાર કરો ત્યારે હ્યુમન લાઇફ વેલ્યુ જાણી લેવા માટે ઇન્ટરનેટની અથવા કોઈ જાણકારની મદદ લઈ લેજો.

  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)

T20 વર્લ્ડ કપ સ્પર્ધાને મુલતવી રાખી નથીઃ ICCની સ્પષ્ટતા

મુંબઈઃ આ વર્ષના ઓક્ટોબર-નવેંબરમાં ઓસ્ટ્રેલિયામાં નિર્ધારિત T20 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાને 2022 સુધી મુલતવી રાખવામાં આવી હોવાના અહેવાલોને ક્રિકેટનું વિશ્વસ્તરે સંચાલન કરતી આઈસીસી સંસ્થાએ રદિયો આપ્યો છે.

આઈસીસીએ કહ્યું છે કે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા માટેની તૈયારીઓ ચાલુ જ છે.

અગાઉ ભારતીય મિડિયામાં એવા અહેવાલો હતા કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે આઈસીસી સંસ્થા આ વર્ષની T20 વર્લ્ડ કપને 2022 સુધી મુલતવી રાખશે.

આઈસીસીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ગુરુવારે બેઠક છે અને એમાં તેઓ કોરોના મહાબીમારી સંબંધિત અનેક પ્રશ્નો અંગે ચર્ચા કરશે. T20 વર્લ્ડ કપ પણ એજન્ડામાં સામેલ છે.

જો ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે T20 વર્લ્ડ કપ યોજી ન શકાય તો ભારત આવતા વર્ષે આ સ્પર્ધા યોજે એવી ધારણા છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.50 લાખને પાર

નવી દિલ્હીઃ વિશ્વના દેશોની સાથે-સાથે દેશમાં પણ કોરોના વાઇરસના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો દોઢ લાખને પાર થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના તાજા જારી થયેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,51,767 થઈ ગઈ છે. જ્યારે આ વાઇરસથી અત્યાર સુધી 4337 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6387 નવા કેસ નોંધાયા છે અને 170 લોકોનાં મોત થયાં છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી 64,426 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ 42.45 ટકાએ પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના કેસ 55,000ની નજીક

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસથી 97 લોકોનાં મોત થયાં છે અને 2091 નવા કેસ સામે આવ્યા છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આમાં 39 મોત એકલા મુંબઈમાં થયાં છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોવિડ-19થી થનારાં મોતની સંખ્યા વધીને 1792 થઈ ગઈ છે. જ્યારે આ વાઇરસના કુસ કેસોની સંખ્યા 54,758 થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે 97 મોતોમાંથી 35 મોત છેલ્લાં બે દિવસોમાં થયાં છે. જ્યારે 62 મોત 17 એપ્રિલથી 23 મે દરમ્યાન થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

શી જિનપિંગે સેનાને યુદ્ધની તૈયારી કરવાનો આદેશ આપ્યો

બીજિંગઃ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ટેન્શન જારી છે, ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૌથી ખરાબ સ્થિતિની કલ્પના કરતાં સેનાને યુદ્ધની તૈયારીઓ તેજ કરવાનો આદેશ આપ્યો હતો અને એને પૂરી દ્રઢતા સાથે દેશની સુરક્ષા કરવાના નિર્દેશ આપ્યા હતા. દેશની સત્તારૂઢ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના મહાસચિવ અને આશરે 20 લાખ સૈનિકોવાળી સેનાના પ્રમુખ 66 વર્ષીય શીએ ચાલી રહેલા સંસદ સત્ર દરમ્યાન પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને પીપલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સના પ્રતિનિધિઓની બેઠકમાં ભાગ લેતાં આ ટિપ્પણી કરી હતી. આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણે સેનાપ્રમુખો સાથે મુલાકાત કરી હતી.

સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના અહેવાલ અનુસાર શીએ સેનાને આદેશ આપ્યો છે કે તેઓ ગંભીર સ્થિતિની કલ્પના કરે. એના વિશે વિચારે અને યુદ્ધ માટેની તૈયારીઓ અને ટ્રેનિંગમાં વધારો કરે. તમામ જટિલ પરિસ્થિતિઓ સામે તત્કાળ અસરકારક રીતે કેવી રીતે કામગીરી કરવી એની તૈયારી કરે. આ સાથે પૂરી દ્રઢતાની સાથે રાષ્ટ્રીય હિતો, સુરક્ષા અને વિકાસ સંબંધી હિતોની રક્ષા કરે. તેમની ટિપ્પણી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનની વચ્ચે આશરે 20 દિવસથી જારી રહેલા સંઘર્ષને લીધે આવી છે.

બંને સેનાઓએ સરહદે સંખ્યા બળ વધાર્યું

હાલના દિવસોમાં લદ્દાખ અને ઉત્તરીય સિક્કિમમાં ભારત અને ચીનની સેનાઓએ પોતાના સંખ્યામાં સતત વધારો કર્યો છે. આ બંને દેશોની સેનાઓની વચ્ચે અલગ-અલગ બે સપ્તાહથી ટેન્શનમાં સતત વધારો થયો છે અને બંને પક્ષો પોતાના વલણમાં નમતું જોખવા તૈયાર નથી. આશરે 3500 કિલોમીટર લાંબા LAC બંને દેશોની વચ્ચે સરહદે કામ કરે છે.

ભારત-ચીનના સૈનિકો આમને-સામને

લદ્દાખ સરહદે ભારત અને ચીનના સૈનિકો એકબીજાની વાસ્તવિક નિયંત્રણ રેખા પર આમનેસામને આવી ગયા છે. વળી ભારતના લદ્દાખ ક્ષેત્રની ગલવા ઘાટી પર ચીની દાવાએ તણાવમાં ઓર વધારો કર્યો છે.

ભારત પાછા હટવા તૈયાર નહીં

ભારત સતત એ વાતનો સંકેત આપી રહ્યું છે કે એ આ મામલે પાછા હટવા તૈયાર નથી. ભારતીય સેનાના સૂત્રોએ એ સ્પષ્ટ કર્યું છે કે ચીને વાંધો ઉઠાવ્યો હોવા છતાં સરહદી ક્ષેત્રોમાં રસ્તા અને અન્ય બાંધકામ પ્રવૃત્તિ જારકી રહેશે. લદ્દાખની સરહદ નજીક ભારતીય ક્ષેત્રમીં રસ્તા અને અન્ય નિર્માણ કાર્યને અટકાવવાના ઉદ્દેશથી ચીની સેના અતિક્રમણ કરીને ટેન્શનમાં વધારો કર્યો છે.