Home Blog Page 4786

વાહ ભાઈ વાહ! ૨૯ મે, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૯ મે, ૨૦૨૦

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રાઇટ ઇશ્યુમાં સબસ્ક્રાઇબ કરવાનાં પાંચ કારણો

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રૂ. 53,225 કરોડનો મેગા રાઇટ ઇશ્યુ 20 મે શેરધારકો માટે સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો હતો. આ પહેલો એવો ઇશ્યુ છે, જેમાં શેરહોલ્ડરોને તેમના રાઇટ શેર (રાઇટ એન્ટાઇલમેન્ટ્સ-RE’s) ડીમેટમા સીધા મળશે અને એના શેર સ્ટોક એક્સચેન્જીસ પર ટ્રેડ થઈ શકશે.

RE’sની કિંમત એ રિલાયન્સના શેરની ઇનટ્રિનસિક વેલ્યુ અને રાઇટ ઇશ્યુ પ્રાઇસ રૂ. 1257 વચ્ચેનો તફાવત છે.  રિલાયન્સની VWAP રૂ. 1442.3, RE’sની ઇનટ્રિનસિક વેલ્યુ શુક્રવારે રૂ. 185.3 હતી (રૂ. 1442.3 અને રાઇટ ઇશ્યુ પ્રાઇસ રી. 1257 વચ્ચેનો તફાવત).

સ્ટોટ એક્સચેન્જ પર રિલાયન્સના RE’sનો લિસ્ટિંગના પહેલા ત્રણ દિવસમાં રૂ. 1000 કરોડના સોદા થયા હતા. વાસ્તવમાં આ RE’s ટ્રેડ-ટુ-ટ્રેડ સેગમેન્ટમાં લિસ્ટેડ થયા હતા, જેથી બાયર્સે RE’sની ફરજિયાત ડિલિવરી લેવી જ પડે.  આ RE’sમાં ટ્રેડ કરવા ઇન્ટ્રા-ડેની મંજૂરી નથી સ્ટોક એક્સચેન્જીસ પર લિસ્ટિંગના પહેલા ત્રણ દિવસમાં રિલાયન્સ RE’sના પાંચ કરોડથી વધુના સોદા થયા હતા. હાલમાં રિલાયન્સના RE’નું બજાર મૂલ્ય રૂ. 9200 કરોડ છે. કંપની આ રાઇટ ઇશ્યુમાં શેરદીઠ રૂ. 1257ની કિંમતે પ્રતિ 14 શેરે એક શેર આપશે.

રિલાયન્સના રાઇટ ઇશ્યુમાં અરજી કરવાનાં પાંચ કારણો

  • વર્તમાનમાં દેશમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (RIL) ડિજિટલ અને રિટેલ બિઝનેસિસમાં માર્કેટ લીડર છે. CNBC-TV-18ના ડેટા મુજબ RIL-REનું ટ્રેડિંગ 25 ટકા પ્રીમિયમે થતું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ બંને સેગમેન્ટ્સ આગામી કેટલાંક વર્ષોમાં કંપનીના વિકાસ માટે ચાવીરૂપ ક્ષેત્રો છે. આગામી વર્ષોમાં ટેલિકોમ અને રિટેલ વેપાર કંપની માટે મહત્ત્વનો વિકાસ કરશે, એમ તેમણે કહ્યું હતું.
  • રિલાયન્સના જિયો પ્લેટફોર્મ્સે ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક અને KKR સહિતના અગ્રણી ટેક્નોલોજી રોકાણકારો પાસેથી રૂ. 78,562 કરોડ ઊભા કર્યા છે. આ નાણાં કંપનીને એનાં દેવાં ચૂકવવામાં મદદ કરશે.
  • મોતીલાલ ઓસવાલના મતે રિલાયન્સનો કન્ઝ્યુમર અને ટેલિકોમ બિઝનેસિસનો કંપનીના વેપાર-વ્યવસાયમાં 78 ટકા હિસ્સો છે. બ્રોકરેજ હાઉસના મતે રિલાયન્સના રિટેલ બિઝનેસનું મૂલ્ય શેરદીઠ રૂ. 500, ડિજિટલ વેપારનું શેરદીઠ રૂ. 760 અને કોર બિઝનેસનું મૂલ્ય પ્રતિ શેર રૂ. 358 છે.
  • RILની ડિજિટલ સર્વિસિસ એટલે કે જિયોનું નાણાકીય વર્ષ 2020માં 40 ટકા ગ્રોથ સાથે માર્જિન 18 ટકાથી સુધરીને 20 ટકા થયો છે. RILનો રિટેઇલ બિઝનેસનું નાણાકીય વર્ષ 2020માં માર્જિન નાણાકીય વર્ષ 2019ના 4.2 ટકાથી સુધરીને 5.1 ટકા થયું છે, જેમાં ગયા વર્ષની તુલનાએ રેવેન્યુ ગ્રોથ 25 ટકા થયો છે.                         અમે રોકાણકારોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના રાઇટ ઇશ્યુમાં સબસ્ક્રાઇબ કરવાની ભલામણ કરીએ છીએ, કેમ કે અમે કંપનીના ડિજિટલ અને રિટેલ બિઝનેસમાં ભાવિ ગ્રોથ પ્રત્યે આશાવાદી છીએ, એમ કહેતાં રોયે ઉમેર્યું હતું કે રિલાયન્સે ટેલિકોમ અને રિટેલ ક્ષેત્રે માર્કેટ લીડરની પોઝિશન મેળવશે.
  • RILના પ્રમોટરો અને પ્રમોટર કંપનીઓ કંપનીમાં 50.7 ટકાનો હિસ્સો ધરાવે છે. તેઓ તેમના હકના સંપૂર્ણ શેર ખરીદવાની અને રાઇટ્ય ઇશ્યુમાં તમામ નહીં વેચાયેલા શેરોને સબસ્ક્રાઇબ (ખરીદવા)ની ખાતરી આપે છે. વિશ્લેષકો કહે છે કે કંપનીના ભાવિ વિકાસમાં આ પ્રમોટરની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે.
રિલાયન્સના રાઇટ ઇશ્યુમાં  કઈ રીતે અરજી કરશો (છેલ્લી તારીખ ત્રીજી જૂન, 2020)

  1. જો તમારી પાસે 14 મેએ રિલાયન્સના શેર્સ છે, તો તમે રાઇટ્સ શેરની અરજી કરવા હકદાર છો. આ માટેના એન્ટાઇટલમેન્ટ હાલમાં તમારા ડીમેટ ખાતામાં બતાવવામાં આવ્યા છે.
  2. કોઈ મહત્તમ મર્યાદા નથી, તમે આ ઇશ્યુમાં સંખ્યબંધ શેર્સ માટે અરજી કરી શકો છો.
  3. તમારા રાઇટ્સના શેરની ફાળવણી માટે તમને બાંયધરી આપવામાં આવે છે (એટલે કે શેરદીઠ 15 શેરે એક રાઇટ્સ શેર માટે તમે હકદાર છો.
  4. જો તમે તમારા રાઇટ્સ કરતાં વધુ શેરો માટે અરજી કરશો તો એ શેરો માટે કંપની દ્વારા નક્કી કરવામાં આવશે.
  5. જો તમે આ રાઇટ્સ શેર અરજી કરવા ના માગતા હો તો તમે સ્ટોક માર્કેટમાં તમારા અન્ય શેરની જેમ એને વેચી શકો છો.
  6. જો તમે શેરબજારમાં આ શેરો વેચવા માગતા હોતો આ વિકલ્પ 20 મેથી તમને મળશે, જેનો હાલનો ભાવ રૂ. 163 છે.
  7. એ જ રીતે જો તમને રાઇટ્સના વધુ શેર જોઈતા હોય તો તમે આ શેર શેરબજારમાંથી ખરીદી શકો છો.
  8. જો તમે શેરબજારમાંથી અન્ય 100 રાઇટ્સ એન્ટાઇલમેન્ટ ખરીદો છો તો તમને કુલ 100 રાઇટ્સની ફાળવણી માટે બાંયધરી મળશે.
  9. આમાંથી 25 ટકા રકમ એટલે કે શેરદીઠ રૂ. 314.25ની ચુકવણી તમારે હાલ કરવાની રહેશે.
  10. બાકીની રકમ ભવિષ્યમાં બે હપતામાં ચૂકવવાની રહેશે. બાકીની રકમ મે, 2021માં 25 ટકા અને બાકીના 50 ટકા રકમ ડિસેમ્બર, 2021માં ચૂકવવાની રહેશે.

 

ભારત-ચીન વિવાદ મામલે મોદી સારા મૂડમાં નથીઃ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટનઃ ભારત અને ચીન વચ્ચે સરહદ મામલે તંગદિલી સર્જાઈ છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિષયમાં ગઈ કાલે ફરી નિવેદન કર્યું. વ્હાઈટ હાઉસના ઓવલ કાર્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, ‘ભારત અને ચીન વચ્ચે મોટું ઘર્ષણ ચાલુ છે. આ બંને દેશમાં કુલ મળીને 1.4 અબજ લોકો રહે છે. બંને દેશ પાસે શક્તિશાળી સૈન્ય છે. ભારત ખુશ નથી. ચીન પણ ખુશ નથી. મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ચીન સાથે જે કંઈ થઈ રહ્યું છે એનાથી પીએમ મોદી સારા મૂડમાં નથી.’

આમ કહીને ટ્રમ્પે ફરી વાર કહ્યું હતું કે પોતે ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છે. ‘જો એમને લાગે કે મારી મધ્યસ્થતાથી મદદ મળી શકે છે તો હું એમ જરૂર કરીશ,’ એમ ટ્રમ્પે કહ્યું.

એક પત્રકારના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે મને આપના વડા પ્રધાન ગમે છે. એ સારા માનવી છે. મેં એમની સાથે વાત કરી છે.

ટ્રમ્પે આ બીજી વાર ભારત અને ચીન વચ્ચે સીમાવિવાદમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. ગયા બુધવારે એમણે એક ટ્વીટ દ્વારા આવી ઓફર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ લડાખમાં ગેલવાન ખીણવિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે તંગદિલી ઊભી થઈ છે. બંને દેશના સૈન્ય વચ્ચે આ તંગદિલી છે. પહેલા ચીનના સૈનિકો હેલિકોપ્ટર લઈને ભારતીય સીમાની અંદર ઘૂસી આવ્યા હતા પછી ગેલવાન ખીણવિસ્તાર અને પેંગોંગ ત્સો સરોવર નજીક ‘ફિંગર એરિયા’માં બંને દેશના સૈનિકો સામસામે આવી ગયા હતા.

લોકડાઉનમાં અમેરિકામાં આલ્કોહોલની ડિમાન્ડ વધી

ર્ષો પહેલાથી આલ્કોહોલને મનોરંજન માટેનું સાધન માનવામાં આવે છે. તણાવ ઘટાડવા આનંદ પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ થાય છે. એજ કારણે તેની માંગ વધતી રહી. જોકે વર્ષોથી દારુ, ગાંજાનો ઉપયોગ થતો જ રહ્યો છે કેટલાક દેશોમાં ઘાર્મિક મહત્વ પણ આ સાથે સંકળાયેલા છે. જેમકે ભારતમાં ભગવાન શિવને ગાંજા સાથે તથા ઉજ્જના મહાકાલેશ્વર ભગવાને દારુનો પ્રસાદ ધરાવાય છે. કેટલીક જગ્યાએ દેવી શક્તિઓને પણ દારૂનો પ્રસાદ ધરાવાય છે. તેવીજ રીતે પશ્ચિમના દેશોમાં ગોડ દિયોનીસ ને આલ્કોહોલના દેવતા મનાય છે.

તહેવારો અને ખુશીની ક્ષણોમાં ઉત્સાહ અને કામોત્તેજના વધારવા તેનો વઘુ ઉપયોગ થતો હતો. જે આજે લોકોની આદત બની ગઈ છે. જીવન જરૂરીયાત બની ગઈ છે. તેનો એક તાજો દાખલો અમેરિકાના લોકડાઉન સ્થિતિમાં જોવા મળે છે. આલ્કોહોલ અમેરિકન પ્રજાના જીવનનો હિસ્સો બની ગયો છે.

આલ્કોહોલ બિયર વાઈન અને સ્પિરિટસ.. જેનો ઉપયોગ દુનિયાભરના દેશોમાં ખુલ્લેઆમ થઇ રહ્યો છે. છતાં ઘણા મુસ્લિમ દેશો અને અમુક રાજ્યો ડ્રાય સ્ટેટ એટલેકે નશામુક્ત છે. જ્યાં આલ્કોહોલનું વેચાણ ઈલીગલ છે.

અમેરિકામાં ૧૯મી સદીની શરૂવાતથી આલ્કોહોલનાં સેવનનું પ્રમાણ વધ્યું હતું. જે યુરોપીયન પ્રજાની દેન છે એમ કહી શકાય. ૧૪મી સદીમાં યુરોપે દુનિયાભરના દેશોમાં આલ્કોહોનો ફેલાવો કર્યો હતો. બાકી આમ તો આલ્કોહોલનું સેવન ખુબ જુનું છે. આપણા પુરાણોમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે.

ખરીદવા અને પીવાની માટેની લિગલ ઉંમર ૨૧ છે છતાં છાનાં છપનાં આલ્કોહોલનો ટેસ્ટ અહીના મોટાભાગના બાળકો સમય પહેલા કરી દેતા હોય છે. તેનું કારણ છે ઘરમાં માતાપિતાને આ નશા સાથે મોજ મસ્તી અને આનંદ કરતા જોઈ તેઓને આ માટેનું આકર્ષણ જન્મી જાય છે. ઉપરાંત આ સેવન માટેની વસ્તુઓ હાથવગી ઘરમાં જ રહેલી હોવાને કારણે બાળકો તેમની કશુક નવું ટ્રાય કરવાની જીજ્ઞાસાને રોકી શકતા નથી. આથી મોટાભાગના બાળકો સમય મર્યાદા પહેલા તેનો આનંદ લઇ ચુક્યા હોય છે.

અમેરિકામાં મોટાભાગના બીચ અને જાહેરજગ્યાઓ ઉપર આલ્કોહોલનાં સેવન ઉપર પ્રતિબંધ મુકાયો છે. છતાં તેના શોખીન ઘણા પાણીની બોટલમાં કે પેપ્સી કોક જેવા પીણાની બોટલમાં ભરી તેનું શેવન કરતા જોવા મળે છે. જોકે કાયદાનો ભંગ કરનારની સંખ્યા અહી પ્રમાણમાં ઘણી ઓછી છે. આટલો બધો આલ્કોહોલ લીધા પછી પણ સ્વસ્થ અને શિષ્ટાચાર છોડતા નથી. કારણ તેમનું શરીર સાથે મગજ ટેવાઈ ગયા હો છે. બહુ ઓછા લથડીયા ખાતા કે પીને બકવાસ કરતા જોવા મળે છે. દારૂના નશામાં સ્ત્રીઓની છેડતી કે તેમની સાથેના કુવ્યવહાર ભાગ્યેજ જોવા સાંભળવા મળેશે. આ કારણે સમાજમાં તેને કુટેવ તરીકે જોવાતો નથી.

આલ્કોહોલના શેવન પછી કાર ડ્રાઈવિંગ માટે અહીના કાયદા બીજા દેશોની જેમ ખુબ સખત છે. વધારામાં અહી આ માટે ટીકીટ અપાય છે જેમાં ખાસ ડ્રંક એન્ડ ડ્રાઈવમાં પકડાઈ જનારનું લાઈસન્સ જપ્ત થઇ જાય છે જેના કારણે અસ્થાઈ કે સ્થાઈ રૂપે તે કાર ચલાવી શકતો નથી. અહી જાતે કાર ડ્રાઈવ આ કરવી એ હેન્ડીકેપ જેવી હાલત ગણાય છે. માટે આ બાબતે જવાબદાર લોકો ખુબ સાવચેત રહેતા હોય છે. વધારામાં કારમાં ડ્રાઈવિંગ વખતે ખુલ્લી બોટલ હોવી એ પણ ગેરકાયદેસર છે.

આલ્કોહોલનું સેવન તેની મર્યાદામાં રહીને કરવામાં આવે તો આનંદ સાથે ફાયદો પણ કરી જાય છે. જેમકે પથરી જેવા રોગોમાં બીયરને કારણે ફાયદો થાય છે, રેડ વાઈનનો વપરાશ શરીર માટે લોહી સુધારક ગણે છે. ખાસ વધુ પડતા માનસિક થાક આલ્કોહોલને કારણે ઓછો થાય છે. સ્ટ્રેસને ઓછો કરે છે. વગેરે પરંતુ તેના કારણે થતા મૃત્યુનો આંક બહુ ઉંચો પણ છે. વધુ પડતા સેવનને કારણે શરીરના અવયવો સાથે માનસિક સ્થિતિ ડામાડોળ થઇ જાય છે પરિણામે શારીરિક આર્થિક અને સામાજિક સ્થિતિ બેહુદી બની જાય છે. “દારૂની એક ખાસિયત છે છુપાઈને પીવામાં એ વધુ પીવાઈ જાય છે અને એ કુટેવ બની જાય છે.”

કોવીડ-૧૯ ને કારણે લોકડાઉન સ્થિતિમાં જાહેર થયેલી કટોકટી જેવી સ્થિતિમાં દરેક રાજ્યોને પોતાની જરૂરીયાત પ્રમાણે કાયદાઓ બનાવી ચાલવાની છૂટ અપાઈ છે ત્યારે ઘણા રાજ્યોમાં લગભગ બધુજ બંધ કરાયું હતું. જ્યારે અમુક રાજ્યોમાં જેવી જરૂરીયાત એ પ્રમાણે છુટ્ટી અપાઈ.

અમેરિકામાં આલ્કોહોલનું વેચાણ ઘણા રાજ્યોમાં પોતાને હસ્તક છે, જ્યારે ઘણા રાજ્યોમાં લોકોને હસ્તક છે. પેન્સીલવેનિયા સ્ટેટમાં આલ્કોહોલ સ્ટેટને હસ્તક છે. આ સ્થિતિમાં તેમણે આલ્કોહોલનું વેચાણ બંધ કર્યું હતું તેમને લાગ્યું કે આ જીવનજરૂરી વસ્તુઓમાં નથી ગણાતું.

પરંતુ જેને સવારથી જ આલ્કોહોલની લત લાગી ગઈ હોય તેઓ ખાધા વિના ચલાવી શકે છે, પરંતુ આલ્કોહોલ વિના કેમ ચાલી શકે? તેમાય આ બંધની સ્થિતિમાં લોકો સાવ નવરા થઇ ગયા ઘરે બેસીને બીજું થયા પણ શું અને પીધા વિના ખુશ પણ કેમ રહેવાય એવું વિચારનારો વર્ગ અહી મોટા પ્રમાણમાં છે.

જેને સવારમાં ઉઠાતાની સાથે આલ્કોહોલ જોઈતો હોય તેમને દિવસો સુધી કેમ ચાલે? આથી લોકો પીવા કરતા સ્ટોક કરવામાં પણ વધારે પ્રમાણમાં તેની ખરીદી કરવા લાગ્યા. પોતાના રાજ્યમાં બાંધી હોય તો બાજુના રાજ્યોમાં જવા લાગ્યા. નશાની આદત બહુ ખરાબ છે તેની તલપ પણ ભાન ભુલાવે છે. આવા સમયમાં હેલ્થની પ્રાયોરીટી લોકો ભૂલી જાય છે.

પેન્સીલવેનિયા સ્ટેટની બાજુમાં આવેલા ડેલાવર સ્ટેટમાં આ બંધીના સમયમાં આલ્કોહોલના વેચાણમાં બમણો ઉછાળો આવ્યો. કારણ આ સ્ટેટના કાયદા પ્રમાણે ગ્રોસરી સ્ટોર્સ સાથે લીકર સ્ટોર્સ ખુલ્લા રખાયા હતા. તેમાય ડેલાવરમાં ટેક્સ ફ્રી હોવાને કારણે સસ્તું પડે છે. આજુબાજુના સ્ટેટ માંથી લોકો અહી આવવા લાગ્યા.

લોકડાઉનના સમયમાં , ડોલર્સની અછતમાં જ્યાં લીકરના ધંધામાં ઘટાળો થવો જોઈએ તેના બદલે અહી ડબલ કે ક્યાંક તો એનાથી કઈ વધારે થવા લાગ્યો. તેમાય બોર્ડરની નજીકના સ્ટોર્સમાં તો રીતસર લાઈનો પાડવા લાગી. લોકો સોશ્યલ ડીસ્ટન્સ પણ ભૂલી જતા. એક તરફ બંધી થઇ જશે અને પછી આલ્કોહોલ નહિ મળે તો શું ? આ ભય હેઠળ લોકોએ સંગ્રહખોરી શરુ કરી, અને બીજી તરફ નવરા પડેલા લોકોએ આ સમયને ભલે ઘરમાં પણ મોજમાં જીવી લેવા માટે આલ્કોહોલના સેવનનું પ્રમાણ વધારી દીધું.

ડેલાવરમાં બહારનાં સ્ટેટ્સમાંથી લોકોનું આવનજાવન વધી જતા અહી કોરોનાના ફેલાવાનો ભય વધી રહ્યો હતો. ડેલાવરમાં કોરોનાવાયરસનો થતો ફેલાવો ઘટાડવાના પ્રયાસમાં, અહીના ગવર્નર જ્હોન કાર્નીએ છેવટે રાજ્ય બહારના મુસાફરો પર મુસાફરી પર પ્રતિબંધ મૂકી દીધો. બહારના સ્ટેટમાંથી કોઈ આલ્કોહોલની ખરીદી માટે હવે કોઈ આવી શકે નહિ એ માટે પેટ્રોલિંગ શરુ કર્યું. છતાં આલ્કોહોલના બંધાણીઓ અહી આવતા રહ્યા. છેવટે પેન્સીલવેનિયા ગવર્મેન્ટને ઓનલાઈન આલ્કોહોલના વેચાણને ખુલ્લું કરવું પડ્યું.

ડેલાવર સ્ટેટમાં પહેલેથી આલ્કોહોલને છૂટ અપાઈ હતી. કારણ તેમનું માનવું હતું કે આના બંધાણીઓની સ્થિતિ વધુ નબળી બની જશે. એક તો કોરોનાગ્ર્સ્ત લોકોની સારવાર માટે હોસ્પીટલમાં જગ્યા નથી રહી ત્યાં આવા લોકોને ક્યા સાચવવા. જોકે તેમનો વિચાર યોગ્ય હતો. વાઈરસ જેટલોજ ખતરનાક આલ્કોહોલનો બંધાણી હોય છે.

લોકડાઉન સ્થિતિમાં અમેરિકામાં દરેક રાજ્યોમાં સ્થિતિ અલગ છે. અલાબામા સ્ટેટમાં આલ્કોહોલ છૂટક વેચાણકારો પાસેથી દારૂ “કર્બસાઇડ” લેવા માટે પરવાનગી અપાઈ  છે.  જેમાં લીમીટ બાંધવામાં આવી છે. એક લીટર સ્પિરીટ આપી શકાય. જેમ કે વ્હિસ્કી અથવા વોડકા, કોઈપણ બીયરની માત્રા ૨૮૮ ઔશ અને કોઈ પણ બોટલ અથવા વાઇન બોટલ ગ્રાહક દીઠ ૧૫૦૦ મિલી થી વધારે મોટી નાં ખરીદી શકે. વગેરે.

સોલ્ટલેક સિટી, ઉતાહમાં આલ્કોહોલ સ્ટોર્સ સામાજિક અંતર એટલેકે સ્ટોરના કદના આધારે સ્ટોરની અંદર ફક્ત પાંચથી દસ લોકોને પરવાનગી આપે છે. તે પણ અંતર જાળવીને ઉભા રહેવું ફરજીયાત છે. જોકે હવે લગભગ દરેક જગ્યાએ સામાજિક અંતર ફરજીયાત થઇ ગયું છે.

ડબ્લ્યુએસડબ્લ્યુએ ( વાઈન સ્પિરીટ હોલસેલર ઓફ અમેરિકા) ના સીઇઓ મિશેલ કોર્સમોએ જણાવ્યા પ્રમાણે એક રાજ્યમાં બાંધી હશે તો લોકો આલ્કોહોલના પુરવઠા માટે બીજા રાજ્યોમાં ઘસારો કરશે જેમાં કોરોનાનો ફેલાવો વધુ ઝડપી થશે જે બંને રાજ્યો માટે ખતરારૂપ બનશે. વધારામાં કાળા બજારનો પણ ભય રહેલો છે. તેમની આ વાત સાવ સાચી છે. ગેરકાયદેસર વેચાણ વધી જવાની શક્યતાઓ નકારી શકાય નહિ. આલ્કોહોલના બંધાણીઓ માટે લીકર્સસ્ટોર્સ બંધ થઇ જતા એ માટે અફડાતફડી થઇ ગઈ. જેને મેળવવા માટે ગેરકાયદેસર ઉત્પાદનો અને ગેરકાયદેસર, લાઇસન્સ વિનાના, અને અજાણ્યા સ્થળોથી લોકોની ખરીદી વધી ગઈ. ઉપરાંત હજારો લોકોની નોકરી જતા બેરોજગારી વધી ગઈ.

ડેનવરના મેયરને કોરોનાવાયરસના ફેલાવાને  રોકવા માટે લોકડાઉન ભાગ રૂપે બધુજ બંધ કરવાની ઘોષણા કર્યાના કલાકો પછી જ ગાંજા,મેરાવાના અને દારૂની દુકાનો ફરીથી ખોલવાની ફરજ પડી હતી. જે લોકોને નશાની આદત પડી ગઈ છે એ લોકો માટે આ હવે દવાઓ તરીકે કામ કરી રહી છે. આ વિના તેમનું શરીર પણ ચાલતું નથી.

લોકડાઉન નક્કી કરવાની આગલી રાત્રે લોકો દરેક જગ્યાએ લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા. દરેક એક નાના મોટા સ્ટોર્સની સેલ્ફો ખાલી થઇ ગઈ હતી. ખાદ્ય સામગ્રી સાથે લોકો જરૂરી બિન જરૂરી જે પણ મળ્યું તેનો સંગ્રહ કરવા લાગ્યા હતા. દરેકને એક ડર હતો કે આ બધું ફરી હાથ નહિ લાગે તો કેમ જીવાશે. કારણ અમેરિકન એટલે કટોકટી અને અછતથી લગભગ અજાણ પ્રજા છે. જોકે એક વાતની અહીની ખુબ સારી છે કે સમય અને જરૂરીયાત પ્રમાણે વસ્તુઓના ભાવ અહી ઉંચકતા નથી, ફુગાવો નથી. જેના કારણે લોકોને અછતમાં પણ એજ ભાવે વસ્તુઓ મળતી રહે છે.

આ લોકડાઉનની આ સ્થિતિમાં વોલમાર્ટ જેવા બીજા ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં જરૂરી ખાદય પદાર્થ અને દવાઓ સિવાય બાકીના અમુક ડિપાર્ટમેન્ટ બંધ કરવાની વાત કરી હતી ત્યારે કેટલાય લોકો, અમારે કપડાં જોઈશે, બાળકોને રમવા ગેઇમ કે ઘરની જરૂરીવસ્તુઓ જોઈશે તો ક્યાં જઈશું કહી કકળાટ શરૂ કરી દીધો હતો. ધીમેધીમે હવે બધું રાબેતા મુજબ ખુલી જશે તેવી શક્યતાઓ વધી રહી છે. આ સ્થિતિ કાયમી નથી. બસ ખતરો છે ત્યાં સુધી સંયમ સમાજ અને સોશ્યલ ડિસ્ટન્સ રાખી જીવી લેવાનું છે. “જીવન હશે તો વસ્તુઓ માટેની જરૂરિયાત પુરી થશે આ માટે સ્વસ્થ રહેવું દરેકની પ્રથમ જરૂરીયાત છે”

(રેખા પટેલ- USA)

ડો. હર્ષવર્ધને આપી કોરોનાની વેક્સીનને લઈને મહત્વની જાણકારી

નવી દિલ્હી. દેશમાં કોરોનાની વેક્સીન તૈયાર કરવા માટે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ કામ ચાલી રહ્યું છે. એક કારગર વેક્સીન બનાવવાનો પ્રયાસ છે. હાલ 14 કંપનીઓ આ કામમાં લાગી ગઈ છે. જેમાંથી 4ની વેક્સીન પ્રી-ક્લીનિકલ ટ્રાયલના એડવાન્સ સ્ટેજમાં છે. 10 વેક્સીનને બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાંથી ફંડિગ આપવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ન્યૂઝ એજન્સી IANSને  આપેલા ઈન્ટરવ્યૂમાં કોરોના સાથે જોડાયેલા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા.

અમેરિકા, બ્રિટન અને ચીનની સરખામણીમાં ભારતમાં કોરોનાના કેસની સ્થિતિ અંગે ના સવાલનો જવાબ આપતા ડો. હર્ષવર્ધને કહ્યું કે, યોગ્ય સમયે નિર્ણય લેવાથી હાલ સારી સ્થિતિમાં છીએ. 26 મે સુધીના આંકડાઓ પ્રમાણે, ભારતમાં 1 લાખમાંથી 10.7 લોકો સંક્રમિત છે, જ્યારે દુનિયામાં એક લાખની વસ્તીમાં સરેરાશ 69.9 કેસ છે. આપણા અહીંયા લાખની વસ્તીમાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યા 0.3 છે, જ્યારે દુનિયામાં 4.4 છે. તાપમાન અને કોરોના સંક્રમણ વચ્ચે કોઈ સંબંધ જોવા મળતો નથી. ગરમ દેશમાં કોરોનાથી ઓછા મોતના ઘણા કારણો હોઈ શકે છે. જેવા કે ઓછી વસ્તી હોવી, યુવાનોની સંખ્યા વધારે હોવી અને ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરનાર લોકોની સંખ્યા ઓછી હોવી.

 

વધુમાં ડો. હર્ષવર્ધને મારો અનુભવ છે કે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, પણ તેના કારણે મોતનો દર ઓછો થયો છે. ભારતમાં લોકડાઉન અને પબ્લિક હેલ્થ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર ધ્યાન આપવાથી કોરોનાથી મરનારાઓની સંખ્યા ઓછી થવામાં મદદ મળી છે. એવું કહેવું ઉતાવળ ભર્યુ હશે કે વાઈરસ ક્યારે નાબૂદ થશે. સમય સમયે આ વાઈરસ તેની અસર બતાવશે. એટલા માટે આપણે પર્સનલ હાઈજીન અને ફિઝિકલ ડિસટન્સીંગ ધ્યાન રાખવાનું છે.

દિલ્હી, મુંબઈ, આગરા, પશ્વિમ બંગાળ, ઈન્દોર અને અમદાવાદમાં સ્થિતિ વધારે બગડવાના કારણ અંગે સવાલ પુછતા ડો. હર્ષવર્ધને કહ્યું કે, હું રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સતત સંપર્કમાં છું. તેઓ સંક્રમણ અટકાવવાના પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. આ એ વાત પર આધારિત છે કે કોમ્યુનિટી સોશિયલ ડિસટન્સીંગ પ્રત્યે કેટલી જવાબદારી નિભાવી રહી છે? આ પ્રયાસોમાં થોડીક પણ બેદરકારી સ્થિતિને બગાડી શકે છે.

હાલ જરૂરિયાત પ્રમાણે ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. જોખમ વાળા અથવા પછી બિમારીના લક્ષણ વાળા લોકોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખતા સમય સમયે સ્ટ્રેસજી બદલવામાં આવે છે. દરરોજ 1.60 લાખ ટેસ્ટ કરવાની કેપેસિટી છે.અત્યાર સુધી 32 લાખ 44 હજાર 884 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમે પડકાર સામે લડવા માટે તૈયાર છીએ. અમારી પાસે 2 લાખ 49 હજાર 636 ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ અને 1 લાખ 75 હજાર 982 સેન્ટર છે. 60 હજાર 848 વેન્ટીલેટરના ઓર્ડર આપવામાં આવ્યા છે જે અલગ અલગ તબક્કામાં જૂન સુધી મળી જશે. રાજ્યો પાસે અત્યાર સુધી 32.54 લાખ પીપીઈ કીટ ઉપલબ્ધ થે, 2.23 કરોડનો ઓર્ડર આપી દીધો છે, જેમાંથીલ 89.84 લાખ કીટ આવી ગઈ છે. દેશમાં દરરોજ 3 લાખ કીટ બની રહી છે. અંતે કહ્યું કે, હું પહેલા પણ કહી ચુક્યો છું કે કોરોના સંક્રમણ અટકાવવામાં લોકડાઉન સફળ નિવડ્યું છે, પણ તેની સામાજિક-આર્થિક અસરને સમજવી પણ જરૂરી છે.

‘હનુમાન ચાલીસા’નો જાદુઃ યૂટ્યૂબ પર 1 અબજ વ્યૂઝ મળ્યા

મુંબઈઃ કોરોના વાઇરસને લઈને દેશભરમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકો ઘરોમાં નજરકેદ થવા મજબૂર બન્યા છે. આવામાં લોકો ઘરોમાં સમય પસાર કરવા પોતપોતાની રીતે મનોરંજન કરી લે છે. લોકડાઉનમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ ટીવી સિરિયલોને ફરી પ્રસારિત કરવાની માગ ઊઠી હતી અને એ બંને રી-ટેલિકાસ્ટ પણ કરાઈ. રામાયણને લઈને લોકોની લાગણી એવી રહી હતી કે રી-ટેલિકાસ્ટ કરવામાં આવેલી એ સિરિયલે TRPના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. રામાયણ વિશ્વભરમાં સૌથી વધારે જોવાયેલી ટીવી સિરિયલ બની ગઈ. હવે નવા ખુશખબર હનુમાન ચાલીસાને લગતા છે. T-સિરીઝ નિર્મિત ‘હનુમાન ચાલીસા’એ સૌથી વધુ વાર જોવાયેલા ધાર્મિક ભજનનો રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. આ વાતની માહિતી ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે ટ્વીટ કરીને આપી છે. તેમણે લખ્યું હતું કે આજે T-સિરીઝ પરિવાર માટે બહુ ખુશીની પળ છે, કેમ કે આજે T-સિરીઝના ભક્તિ વિડિયો ‘હનુમાન ચાલીસા’એ એક અબજ વ્યૂઝ હાંસલ કરી લીધા છે. ‘હનુમાન ચાલીસા’ સૌથી જોવાતું ભજન બન્યું. તેમણે તેમના સદ્દગત પિતા ગુલશન કુમારને યાદ કરતાં લખ્યું હતું કે પાપા, તમારા આશીર્વાદ હંમેશાંની અમારી સાથે છે અને અમે આગળ પણ આ રીતે લક્ષ્ય હાંસલ કરતા રહીશું.

આ ભજન હરિહરને ગાયું છે. હનુમાન ચાલીસાને આજે નવ વર્ષ, પહેલાં 2011માં યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યું હતું.

T-સિરીઝ  ભક્તિસંગીતમાં સૌથી આગળ

T-સિરીઝ પ્રારંભના સમયમાં ભક્તિ સંગીતના બજારમાં સૌથી આગળ હતી. T-સિરીઝ ભારતીય દેવી-દેવતાઓનાં રેકોર્ડેડ ભજન અને આરતી માટે મશહૂર છે. જેને લોકોએ બહુ પસંદ કર્યું છે. T-સિરીઝના સંસ્થાપક ગુલશન કુમાર  80અને 90ના દાયકાઓમાં ભક્તિ ગીતોના વિડિયોમાં બહુ સામેલ થતા હતા. તેમના પુત્ર ભૂષણકુમાર  સંગીતની આ શૈલી પર પર્યાપ્ત ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની વિરાસતને જીવિત રાખી છે.

ઓનલાઇન શિક્ષણ એટલે આત્મનિર્ભર ભારત બનવા તરફનું પહેલું પગથિયું

કોરોના વાઇરસના આગામી તબક્કાથી દેશને બચાવવા માટે આગામી શૈક્ષણિક વર્ષથી ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ દેશની તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓએ અપનાવવાની જરૂર છે. સમગ્ર દેશના સ્ટુડન્ટ્સ માટે ઓનલાઇન ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ છે, જેનાથી અસમાનતા ઘટાડી શકાય છે. આપણી પાસે અનેક કોલેજો છે, પણ બધી ફેકલ્ટીઓ લાયકાત ધરાવતિ નથી. કેટલીક વાર કોલેજો ભ્રષ્ટાચારને કારણે શિક્ષણની ગુણવત્તાનો ભોગ બને છે.

ઓનલાઇન ક્લાસિસ અને ડિજિટલ મિડિયા દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાથી આત્મ નિર્ભરતા મિશનને પણ મદદ મળશે. છેવટે તો ગુણવત્તાયુક્ત શિક્ષણ જ ભવિષ્યના નાગરિકોને સોસાયટી માટે અને રાષ્ટ્રના ભાવિ માટે શું સાચું છે કે ખોટું છે- સમજવામાં મદદ કરશે.

નાણાપ્રધાને પણ જાહેર કરેલા 20 લાખ કરોડના પેકેજમાં કહ્યું હતું કે  સરકાર પણ મોટા પાયે ઓનલાઇન શિક્ષણને મહત્ત્વ આપી રહી છે. એણે ઓનલાઇન શિક્ષણને સકારાત્મક અને આવકારદાયક ગણાવ્યું હતું.

ઓનલાઇન શિક્ષણના લાભાલાભ

  1.  દેશમાં મોટા ભાગનાં ઘરોમાં ઇન્ટરનેટ પહોંચી ગયું છે અને જો એને વધુ સારી રીતે પહોંચાડવામાં આવે તો- 12 નવી ઓનલાઇન શૈક્ષણિક ચેનલ્સની મદદથી બધા સ્ટુડન્ટ્સ માટે ગુણવત્તાયુક્ત લેકચર્સ ઉપલબ્ધ થઈ શકે છે, વળી દૂરનાં ગામોના સ્ટુડન્ટ્સ માટે પહોંચાડી શકાય એમ છે.
  2.  અમારા બાળકોને કોરોના વાઇરસથી બચાવવા અને શિક્ષણની સાતત્યતાની ખાતરી માટે ઓનલાઇન વર્ગો જ  શ્રેષ્ઠ ઉપાય છે.
  3.  બાળકો ઘરેથી સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકશે, જેથી માતાપિતા માટે ચિંતાનું કોઈ કરાણ રહેશે નહીં.
  4.  શિક્ષકો પણ તેમના ઘરેથી સ્ટુડન્ટ્સને ભણાવી શકે છે અને સ્ટુડન્ટ્સ પણ સ્વયં અભ્યાસ અને સંશોધન માટે વધુ સમય આપી શકશે.
  5. જો 10 કરોડથી વધુ શાળાના વિદ્યાર્થીઓ શારીરિક ધોરણે શાળામાં ન જાય અને એને બદલે તેમના  ઘરેથી અભ્યાસ કરશે તો રસ્તાઓ પર ટ્રાફિક અને ભીડ ઓછાં થશે.
  6. કોરોના વાઇરસ ચેપ લાગવાની અને સમુદાયમાં ફેલાવાની શક્યતા ઓછી થશે.
  7. કિડ્સ (નાનાં બાળકો) નવી ટેકનોલોજી શીખવામાં હોશિયાર હોય છે અને ઓનલાઇન શિક્ષણનો આનંદમાણી શકશે.
  8.  વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભારે સ્કૂલ બેગ લઈ જવાની જરૂર રહેશે નહીં અને બસો અને રિક્ષાઓમાં ભીડ થશે નહીં
  9.  વિદ્યાર્થીઓ પાઠય પુસ્તકો દ્વારા અને ઓનલાઇન વર્ગો દ્વારા તેમના ઘરે જાતે જ અભ્યાસ કરવાનું શીખી શકશે,

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વધુ સ્વતંત્ર બનશે અને જેમ-જેમ મોટાં થશે તેમ-તેમ આત્મનિર્ભર ભારત બનાવવામાં અને આ મૂલ્યોને આગળ વધારવામાં મદદ કરી શકશે.

ડો. ઇન્દુ રાવ, પીએચ.ડી.

પ્રોફેસર અને ડિરેક્ટર –એકેડેમિક સ્ટાફ કોલેજ

વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી

વેલ્લોર, તામિલનાડુ

36મો રાષ્ટ્રીય રમતોત્સવ કોરોનાને કારણે બેમુદત મોકૂફ

નવી દિલ્હીઃ આ વર્ષના ઓક્ટોબર-નવેંબરમાં ગોવામાં નિર્ધારિત 36મો રાષ્ટ્રીય રમતોત્સવ કોરોના વાઈરસના ફેલાવાને કારણે બેમુદત મુલતવી રાખવામાં આવ્યો છે. આ જાણકારી ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરિન્દર બત્રાએ આપી છે.

IOA સંસ્થાએ હાલમાં જ ગોવા સરકારને કહ્યું હતું કે એણે આ વર્ષે 20 ઓક્ટોબરથી 4 નવેંબર સુધી નિર્ધારિત રાષ્ટ્રીય રમતોત્સવ યોજવો પડશે.

તે છતાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં રમતોત્સવને મુલતવી રાખી દેવામાં આવ્યો છે.

નેશનલ ગેમ્સ આયોજન સમિતિએ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને રમતોત્સવને મોકૂફ રાખી દેવાનો નિર્ણય લીધો છે, એમ ગોવાના સ્પોર્ટ્સ પ્રધાને કહ્યું છે.

હવે સમિતિ આવતા સપ્ટેંબરમાં બેઠક કરશે અને ત્યારે નેશનલ ગેમ્સની નવી તારીખ નક્કી કરવાનો નિર્ણય લેશે.

છેલ્લે 2011માં ઝારખંડમાં રાષ્ટ્રીય ગેમ્સ યોજાઈ હતી.

મુંબઈમાં એરપોર્ટ વિસ્તાર નજીક તીડોનું કોઈ ટોળું નજરે પડ્યું નથી

મુંબઈઃ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં હાહાકાર મચાવનાર ઝેરી તીડોનું પ્રચંડ ટોળું એકાદ-બે દિવસમાં મુંબઈમાં ત્રાટકવાની તૈયારીમાં છે એવા અહેવાલો હતા, પરંતુ મુંબઈ એર ટ્રાફિક કન્ટ્રોલે કહ્યું છે કે હાલમાં તો એવા તીડ નજરે ચડ્યા નથી કે જેનાથી વિમાન સેવાને માઠી અસર પડે. જોકે સત્તાવાળાઓએ તીડોના સંભવિત આક્રમણ ઉપર સતત નજર રાખવાનું કન્ટ્રોલરોને કહી દીધું છે.

મુંબઈ એર ટ્રાફિક કન્ટ્રોલના જનરલ મેનેજર રાજીવ મહેતાએ કહ્યું કે હાલ અમને એરપોર્ટ વિસ્તારમાં તીડના કોઈ ટોળા નજરે ચડ્યા નથી. અમે એવા ટોળા પર સતત નજર રાખવા માટે અમારા કન્ટ્રોલર્સને એલર્ટ કરી દીધા છે. ધારો કે એવા ટોળા નજરે ચડશે કે તરત અમે સાવચેતીના પગલાં લઈશું.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં વિક્રોલી, જૂહુ વિસ્તારોમાં તીડો ઘૂસી આવ્યા હોવાનું દર્શાવતી સમર્થનવિહોણી અમુક વિડિયો ક્લિપ્સ અને તસવીરો આજે સવારથી વોટ્સએપ પર ફરી રહી છે.

રાજીવ મહેતાએ કહ્યું કે તીડોનું નાનું ઝૂંડ કદાચ મુંબઈમાં પ્રવેશી ગયું હશે. વિમાન ઉતરાણ કરતું હોય ત્યારે કે ઉડ્ડયન કરી રહ્યું હોય ત્યારે જો આ તીડો એના માર્ગમાં આવશે તો પણ કોઈ વાંધો નહીં આવે, કારણ કે તેઓ એટલા બધા નાના કદના હોય છે કે એનાથી વિમાનના એન્જિનને કોઈ અવળી અસર ન થાય. પંખીના કદ કરતાં તીડો બહુ જ નાના હોય છે. જો એમનું ટોળું મોટું નહીં હોય તો વિમાન સેવામાં કોઈ તકલીફ નહીં પડે.

દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકા તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તીડોનું ટોળું મુંબઈમાં ઘૂસી આવ્યું હોવાની માત્ર અફવા છે. સોશિયલ મિડિયા પર તીડો વિશેની જે તસવીરો ફરે છે એ મુંબઈની નથી.

પ્રવાસી મજૂરોને મફતમાં ઘેર પહોંચાડોઃ સુપ્રીમ કોર્ટનો સરકારોને આદેશ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે દેશભરમાં લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરોને ભોગવવી પડી રહેલી યાતનાના મુદ્દે કરાયેલા કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં બે કલાક સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે એક પણ મજૂર ભૂખ્યો રહેવો ન જોઈએ. તેમના ખાવાની સાથે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. જો કોઈ મજૂર ક્યાંક ફસાયા હોય તો એમને જણાવવાનું કે એમના રાજ્ય સુધી જવા માટેની ટ્રેન અને બસ ક્યારે શરૂ થશે. આવા એકેય મજૂર પાસેથી સરકારોએ ટ્રેન કે બસનું ભાડું વસુલ કરવું ન જોઈએ. એમના ટ્રેન કે બસ ભાડાની વ્યવસ્થા સરકાર જ કરે.

કોર્ટે વધુમાં સરકારને આદેશ આપ્યો કે પ્રવાસી મજૂરોને એમના વતન ઘેર પહોંચાડવાની પ્રક્રિયામાં ઝડપ આવવી જોઈએ. ટ્રેનોમાં પણ એવા મજૂરો માટે રેલવે તરફથી ભોજન તથા પાણીની વ્યવસ્થા થવી જોઈએ.

આ સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. તો કેટલાક રાજય સરકારો વતી એમના વકીલોએ પણ ભાગ લીધો હતો. આ કેસમાં હવે પછીની સુનાવણી માટે કોર્ટે પાંચ જૂનની તારીખ નક્કી કરી છે.

સરકાર મફત સારવાર માટે હોસ્પિટલોની યાદી બનાવે

આ પહેલાં બુધવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારથી પૂછ્યું હતું કે દેશમાં કઈ હોસ્પિટલ છે, જે કોરોના વાઇરસની મફત અથવા બહુ ઓછા ખર્ચમાં સારવાર ઉપબલ્બ્ધ કરી રહી છે. કોર્ટમાં અરજી કરીને માગ કરવામાં આવી છે કે સરકારે જે હોસ્પિટલો (ખાનગી અને ધર્માર્થ)ને ઓછી કિંમતે જમીન આપી છે, ત્યાં કોરોના વાઇરસની મફત સારવાર અથવા ઓછી કિંમતે સારવાર કરાવવા આવે. આ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સરકારને હોસ્પિટલોની યાદી બનાવવાનો આદેશ આપ્યો છે.

લોકોને મફત અથવા ઓછી કિંમતે સારવાર ઉપલબ્ધ કરાવો

દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સચિન જૈને નોંધાવેલી જનહિતની અરજી પર સુનાવણી કરી હતી.

જજોએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે જે હોસ્પિટલોએ સરકાર પાસેથી રાહતના દરે જમીન લીધી છે અથવા ધર્માર્થ કામ કરી રહ્યા છે, ત્યાં લોકોને મફત અથવા ઓછી કિંમતે સારવાર કેમ ઉપલબ્ધ નથી કરાવવામાં આવતી?

એના જવાબમાં મહેતાએ કહ્યું કે કોર્ટ જે કહે છે એ સારું છે, પણ જમીન આપતાં સમયે અલગ-અલગ કેસમાં જુદી-જુદી શરતો હોય છે. આવામાં બધી હોસ્પિટલોને એકસમાન આદેશ આપી ન શકાય. આના પર જજો કહ્યું હતું કે તેઓ બધી હોસ્પિટલોની વાત નથી કરતા, પણ જે કેસોમાં રાહતના દરે અથવા મફત જમીન મળી છે એવી હોસ્પિટલો અને જેઓ ધર્માર્થનું કામ કરતા હોવાનું કહે છે, ત્યાં કોરોના વાઇરસની સારવાર ઓછી કિંમતે થવી જોઈએ.

એની સાથે કોર્ટે સોલિસિટર જનરલને કહ્યું કે સરકાર આવી હોસ્પિટલોની યાદી તૈયાર કરાવે. સોલિસિટર જનરલે કહ્યું કે આ વિશે તપાસ કરીને અને નિર્દેશ લઈને કોર્ટને માહિતી આપશે.