Home Blog Page 4785

બંગાળમાં 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પહેલીથી જૂનથી રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જોકે મોટાં ધાર્મિક આયોજનની મંજૂરી નહીં અપાય, એમ તેમણે આજે કોરોના સંકટમાં યોજેલી પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં સ્થળ, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા ખોલવામાં આવશે, પણ એક સમયે 10થી વધુ લોકોને અંદર ભેગા થવાની મંજૂરી નહીં આપવામાં આવશે.

જ્યૂટ ઉદ્યોગ પેહલી જૂનથી ધમધમશે

તેમણે કહ્યું હતું કે 8 જૂનથી રાજ્યમાં બધા – સરકારી અને ખાનગી કાર્યાલયોમાં કર્મચારીઓ પોતાના કામ પર પાછા ફરી શકશે. એની સાથે રાજ્યમાં જ્યૂટ ઉદ્યોગને પહેલી જૂનથી પોતાના બધા કર્મચારીઓની સાથે ખોલવામાં આવશે. રાજ્ય પાછલા બે મહિનામાં કોવિડ-19ને ફેલાવવાથી રોકવામાં સફળ રહ્યું હતું, પરંતુ હવે કેસ એટલા માટે વધી રહ્યા છે, કેમ કે બહારથી લોકો પાછા ફરી રહ્યા છે.

રેલવે કોરોના એક્સપ્રેસ ટ્રેનો ચલાવે છે?

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેમની સરકારથી પરામર્શ કર્યા વગર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોને રાજ્યમાં પાછા લાવવા માટે પાછલા કેટલાક દિવસોથી તેઓ રેલવેની આલોચના કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે આ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર કરવામાં આવ્યું હતું. તેમણે સવાલ કર્યો હતો કે ભારતીય રેલવે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને બદલે કોરોના એક્સપ્રેસ ટ્રેનો ચલાવી રહી છે. અન્ય રાજ્યોથી પરત ફરેલા પ્રવાસી મજૂરો માટે વધુ ટ્રેનો કેમ નથી ચલાવવામાં આવતી? એવો પ્રશ્ન કર્યો હતો.

વેસ્ટર્ન નેવલ કમાન્ડ ખાતે અલ્ટ્રાવાયોલેટ જંતુનાશક સુવિધા…

ભયાનક એવા કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારતીય નૌકાદળના મુંબઈ સ્થિત પશ્ચિમી કમાન્ડ ખાતે અલ્ટ્રાવાયોલેટ જંતુમુક્ત સુવિધા ડેવલપ કરવામાં આવી છે. નૌકાદળની આ ગોદી (નેવલ ડોકયાર્ડ)માં પ્રવેશ વખતે સુરક્ષાનો કડક ઉપાય કરવામાં આવ્યો છે. જેમાં અતિસ્વચ્છ (અલ્ટ્રાવાયોલેટ) સેનિટાઈઝર યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે લોકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવશે ત્યારે પણ કેટલોક સમય સુધી કોરોના-વિરોધી સુરક્ષા નિયમોનું પાલન કરવું પડશે. નેવલ ડોકયાર્ડ ખાતે UV સેનિટાઈઝેશન Bay બનાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ સાધનસામગ્રી, વસ્ત્રો તથા અન્ય ચીજવસ્તુઓને જંતુમુક્ત કરવા માટે કરી શકાશે. એક મોટા રૂમને યુવી-Bayમાં પરિવર્તિત કરવું પડે. UV-C લાઈટિંગ માટે એલ્યુમિનિયમ શીટ્સ ઈલેક્ટ્રિકલ એરેન્જમેન્ટ કરવામાં આવે છે.

દિવાળી સુધીમાં દેશમાં વિમાન સેવા નોર્મલ થઈ જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે 25 મેથી દેશમાં સ્થાનિક વિમાન સેવા ફરી શરૂ કરાઈ ત્યારથી લઈને ગુરુવાર, 28 મે સુધીમાં કુલ 1,827 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા 1,65,605 લોકોએ વિમાન પ્રવાસ કર્યો હતો.

ગુરુવારે જ 494 સ્થાનિક ફલાઇટ્સ દ્વારા 38,708 પ્રવાસીઓએ હવાઈ મુસાફરી કરી હતી

દેશમાં લોકડાઉનને પગલે આશરે બે મહિનાના ગાળા પછી હવાઈ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ હજી પણ સસ્પેન્ડ છે. સોમવારથી લઈને ગુરુવાર સુધીમાં 1827 સ્થાનિક ફ્લાઇટ્સ દ્વારા 1,65,605 લોકોને દેશમાં જુદા જુદા શહેરોમાં લાવવા-લઈ જવામાં આવ્યા હતા. પુરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 28 મે, 2020 સુધીમાં 494 ફ્લાઇટ્સમાં 38,078 પેસેન્જર્સને લઈ જવામાં આવ્યા હતા અને 493 ફ્લાઇટ્સ દ્વારા 38,389 પેસેન્જર્સ આવ્યા હતા.

પુરીનું કહેવું છે કે દેશમાં વિમાન સેવા છ મહિનામાં, દિવાળી સુધીમાં રાબેતા મુજબ થઈ જશે.

16 પેસેન્જરો કોરોના સંક્રમિત

સ્થાનિક હવાઈ સેવા ફરી શરૂ થયા સાત વિવિધ ફ્લાઇટ્સમાં ઇન્ડિગોમાં 13 પેસેન્જર્સ સહિત 16 પેસેન્જરો કોરોના સંક્રમિત થયાં હોવાનું માલૂમ પડ્યું હતું. સોમવારે 428 સ્થાનિક ફ્લાઇટ્સ દ્વારા 30,550 પેસેન્જર્સે પ્રવાસ કર્યો હતો અને મંગળવારે 445 ફ્લાઇટ્સ દ્વારા 62,641 લોકોએ હવાઈ મુસાફરી કરી હતી, જ્યારે બુધવારે 460 ફ્લાઇટ્સમાં 34,336 પેસેન્જર્સે મુસાફરી કરી હતી.

દેશમાં ફેબ્રુઆરીમાં લોકડાઉન પહેલાં આશરે સ્થાનિક ફ્લાઇટ્સમાં દૈનિક ધોરણે 4.12 લાખ પેસન્જર્સ અવરજવર કરતા હતા, જ્યારે લોકડાઉન પહેલાં સ્થાનિક એરપોર્ટસ દૈનિક ધોરણે 3000 સ્થાનિક ફ્લાઇટ્સોનું સંચાલન થતું હતું એમ એવિયેશન ઉદ્યોગનાં સૂત્રોએ કહ્યું હતું.  

3840 શ્રમિક ટ્રેનો દોડી

રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું હતું કે પાછલા એક સપ્તાહમાં અમે પ્રતિદિન આશરે ત્રણ લાખ પ્રવાસી મજૂરોને તેમનાં ગંતવ્ય સુધી પહોંચાડ્યા હતા. આ સિવાય 28 મે સુધી 3840 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી હતી, જેમાં 52 લાખ યાત્રીઓ આવ-જા કરી ચૂક્યા છે. પાછલા એક સપ્તાહમાં સરેરાશ 1524 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો આશરે 20 લાખ યાત્રીઓની આવ-જા કરી ચૂક્યા છે.  તેમણે કહ્યું હતું કે 24 મેએ બધી રાજ્ય સરકારોથી તેમની ટ્રેનોની જરૂરિયાત પૂછી હતી, એ આશરે 923 ટ્રેનોની હતી. આજે માત્ર 449 ટ્રેનોની જરૂર છે.

‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’: ગીતકાર યોગેશનું નિધન

લખનઉઃ હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર યોગેશનું નિધન થયું છે. યોગેશ ગૌર 77 વર્ષના હતા. એમણે ‘આનંદ’, ‘મિલી’, ‘છોટી સી બાત’, ‘મંઝિલ’, ‘બાતોં બાતોં મેં’, ‘રજનીગંધા’ ફિલ્મોમાં ગીતો લખ્યા હતા. છેલ્લે એમણે ‘બેવફા સનમ’ ફિલ્મના ગીતો લખ્યા હતા, જે ફિલ્મ 1995માં રિલીઝ થઈ હતી.

એમણે લખેલા અનેક ગીતો સુપરહિટ થયા છે અને આજે પણ લોકજીભે છે. એમના લિખિત ગીતો છેઃ

‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’ અને ‘ઝિંદગી કૈસી હૈ પહેલી હાયે’ (આનંદ),

‘રીમઝીમ ગીરે સાવન’ (મંઝિલ),

‘બડી સૂની સૂની હૈ’ અને ‘મૈંને કહા ફૂલોં સે’ (મિલી).

‘કહાં તક યે મન કો’ અને ‘ન બોલે તુમ ન મૈંને કુછ કહા’ (બાતોં બાતોં મેં)

‘કઈ બાર યૂં ભી દેખા હૈ’, ‘રજનીગંધા ફૂલ તુમ્હારે મહકે યૂં હી જીવન મેં’ અને ‘ન જાને ક્યૂં હોતા હૈ યે જિંદગી કે સાથ’ (રજનીગંધા)

યોગેશના નિધનના સમાચાર મહાન ગાયિકા લતા મંગેશકરે ટ્વિટર મારફત આપ્યાં હતા. એમણે ટ્વીટમાં લખ્યું છે કે ‘મને હમણાં જ જાણવા મળ્યું કે હૃદયને સ્પર્શી જાય એવા ગીતો લખનાર કવિ યોગેશજીનું આજે નિધન થયું છે. એ જાણીને મને બહુ દુઃખ થયું છે. યોગેશજીએ લખેલા અનેક ગીતો મેં ગાયા હતા. યોગેશજી બહુ જ શાંત અને મધુર સ્વભાવના માનવી હતા. હું એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.’

યોગેશ ગૌર ઉત્તર પ્રદેશના લખનઉમાં જન્મયા હતા. વખત જતાં કામની તલાશમાં મુંબઈ આવ્યા હતા. એમના પિતરાઈ ભાઈ પટકથા લેખક હતા. યોગેશને ગીતો લખવાનું કામ સૌથી પહેલા આપનાર હતા નિર્માતા-દિગ્દર્શક ઋષિકેશ મુખરજી અને યોગેશે ઘણા ગીતો લખ્યા, જે લોકપ્રિય થયા છે. યોગેશે લેખક તરીકે ટેલિવિઝન સિરિયલો માટે પણ કામ કર્યું હતું.

કારમાં વાઈરસ-વિરોધી ટેક્નોલોજી ઉમેરવા ઉત્પાદકોનો ધસારો

મુંબઈઃ હજી થોડા સમય પહેલાં કાર ખરીદનારા ગ્રાહકો એન્જિનની ક્ષમતા, આરામાદાયક સફર, કારની અંદરનાં ફીચર્સને ધ્યાનમાં રાખીને કાર ખરીદતા હતા, ઉપરાંત વિશ્વભરના કાર ઉત્પાદકો પણ ગ્રાહકોની સુવિધા અને મહત્ત્વનાં ફીચર્સ ધ્યાનમાં રાખતાં હતાં, પણ હવે કોવિડ-19ના વર્તમાન સમયમાં કારમાં વાઇરસ સામે લડવાની ક્ષમતા ધરાવતી ટેક્નોલોજી છે કે નહીં- એ વિશેષ ધ્યાન રાખે છે. વર્તમાન સમયમાં હવે આ રોગચાળાથી કાર કેટલી સલામત છે, એને સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખતાં અનેક કાર ઉત્પાદકો તેમનાં વાહનો વાઇરસ અને બેક્ટેરિયાથી મુક્ત હોવાથી સજ્જ હોવાના દાવા કરી રહ્યા છે. અનેક કારઉત્પાદકો તેમના વાહનો વાઇરસ અને બેક્ટેરિયાથી મુક્ત કરવાની ટેક્નોલોજી તરફ ધ્યાન આપી રહ્યા છે.  

ફિયાટે યુરોપિયન બજારોમાં 500 હાઇબ્રિડ વાહનો લોન્ચ કર્યાં

તાજેતરમાં ફિયાટે યુરોપિયન બજારોમાં 500 હાઇબ્રિડ અને પાંડા હાઇબ્રિડ વાહનો લોન્ચ કર્યાં. કંપનીએ બંને કાર્સ ડી-ફેન્સ (જંતુમુક્ત) રીતે તૈયાર કહ્યું હોવાનું કહ્યું હતું.  કંપનીએ આ કારોમાં સ્ટિયરિંગ, ડેશબોર્ડ અનમે સીટો પર કોઈ પણ પ્રકારના વાઇરસ ખતમ થવા સાથે ઊંચી ક્ષમતાવાળા એર ફિલ્ટર, પ્યોરિફાયર અને uV લાઇટ ટેક્નિકથી સજ્જ હોવાનું જણાવ્યું હતું. આમાં UV લાઇટ વૈજ્ઞાનિક રીતે કોરોના વાઇરસ સામે અસરકારક હોવાનું સાબિત નથી થતું પણ જંતુનાશક તરીકે કામ કરવાની ખાતરી કાર ખરીદતા ગ્રાહકો પર પ્રભાવ  અવશ્ય પાડે છે.

MG બ્રાન્ડની માલિકીની ચાઇનીઝ ઓટો કંપની SAICએ દાવો કર્યો છે કે તેની કેટલીક કારોમાં પણ UV લ્મ્પ છે, જ્યારે તેની પ્રતિસ્પર્ધી ગ્વાંગઝોઉ ઓટોમોબાઇલે પણ દાવો કર્યો છે કે તેની કારમાં હવે ટ્રિપલ ફિલટરેશન સિસ્ટમ છે.

SUVમાં એડવાન્સ્ડ ફિલ્ટરકેશન સિસ્ટમ

વોલ્વો અને લોટસની માલિક કંપની ગિલી અગાઉની આઇકોન- તેની નવા લોન્ચ થયેલી કોમ્પેક્ટ SUV પર દાવો કરતાં કહે છે કે આ SUVમાં એડવાન્સ્ડ ફિલ્ટરકેશન સિસ્ટમ છે, અને એ એર પ્યોરિફિકેશન અને કોરોન વાઇરસ જેવા વાઇરસને ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. વળી, કંપનીએ જણાવે છે કે આ ફિલ્ટરેશન સિસ્ટમ N95- સર્ટિફાઇડ છે.

નિષ્ણાતો આને માર્કેટિંગ ગિમિક્સ કહે છે

વળી હાલમાં એક પેઇન્ટ કંપનીએ પણ જણાવ્યું હતું કે તેણે વાહનો માટે એન્ટિ-વાઇરસ કોટિંગ વિકસાવ્યું છે.

નિષ્ણાતો કારઉત્પાદકોમાં આવેલાં આ પરિવર્તનોને કેવી રીતે જોઈ રહ્યા છે? કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે સ્ટરિલાઇઝેશન ટેક્નોલોજી થોડા સમયથી કાર્યરત હતી, અને કોવિડ-19એ આ પ્રક્રિયાને ઝડપી બનાવી છે, જ્યારે કેટલાક આને માર્કેટિંગ ગિમિક્સ (જૂઠાણું) કહી રહ્યા છે.

કંપનીઓ ગ્રાહકોને આકર્ષવાના પેંતરા

કંપનીઓ કોવિડ-19ના સમયમાં ગ્રાહકોને પોતાનાં ઉત્પાદનો અને સર્વિસિસને ઊંચા પ્રીમિયમે વેચવા માટે આ ડરનો એડવાન્ટેજ લેવાના પ્રયાસો કરી રહ્યા છે, એમ ચાઇના માર્કેટ રિસર્ચના MD શૌન રેને કહ્યું હતું.ઓટો ઉત્પાદકો હવે વાઇરસ સામે તેમની કારને સલામત હોવાનું કાર ખીદરનારા ગ્રાહકોને ઠસાવી રહ્યા છે. હું ડોક્ટર કે વૈજ્ઞાનિક નથી, પરંતુ હું ગ્રાહકોને ચેતવવા માગું છે કે કોઈ કંપની તેમનાં ઉત્પાદનો વાઇરસનું સમક્રમણ ઘટાડે છે- ખાસ કરીને કોવિડ-19 સામે સલામત હોવાના દાવા કરે તો ભોળવાશો નહીં, એમ તેમણે કહ્યું હતું.

હાનિકારક વાઇરસ સામે સુરક્ષિત

દેશમાં પણ કાર કંપનીઓ અને અનેક સર્વિસિસ દાવા કરે છે કે તેમનાં વાહનો હાનિકારક વાઇરસ સામે સુરક્ષિત છે. ભારતી શહેરોમાં વધતા પ્રદૂષણના સ્તરેને કારણે બજારમાં નવી કેટલીક કારો પર એર પ્યોરિફાયર્સ સાથે આવી રહી છે.

શું કારમાંની ટેક્નોલોજી ખરેખર અસરકારક રીતે વાઇરસ સામે સુરક્ષાની બાંયધરી આપી શકવા સક્ષમ છે, એ જોવાનું બાકી છે, પણ આ સર્વિસિસ જીવાણુનાશક હોવાના દાવા હજી પણ અસ્પષ્ટ છે. જેથી ચેતતો નર સદા સુખી.

લાફ્ટર થેરપી, યોગવિદ્યાથી ધારાવીમાં 700 કોરોના દર્દીઓ સાજા થયા

મુંબઈઃ દેશમાં કોરોના વાઈરસના કેસોનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર રાજ્ય બન્યું છે અને રાજ્યમાં સૌથી વધારે કોરોનાનાં કેસો મુંબઈ શહેરમાં થયા છે. મુંબઈમાં આ ભયાનક રોગચાળાના દર્દીઓ ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નોંધાયા છે. પરંતુ, આ વિસ્તારના કોવિડ-19 હેલ્થ સેન્ટરમાં લાફ્ટર થેરપી અને યોગવિદ્યા દ્વારા આનંદદાયક વાતાવરણ નિર્માણ કરાતું હોવાથી અત્યાર સુધીમાં 700 જેટલા દર્દીઓ કોરોના-મુક્ત થઈને પોતપોતાને ઘેર પાછા ફર્યા છે.

આ વિશેષ થેરપી અને યોગવિદ્યાથી સેંકડો દર્દીઓના સ્વાસ્થ્યમાં ગજબનો સુધારો જોવા મળ્યો છે.

મુંબઈ મહાપાલિકાના સત્તાવાળાઓએ મિશન ધારાવી નક્કી કર્યું હતું જે અંતર્ગત 26 હજારથી વધારે કુટુંબોને રેશનની હોમ ડિલિવરી કરવામાં આવી હતી અને 19 હજાર લોકોને બે-ટાઈમનું ભોજન તેમજ પૌષ્ટિક નાસ્તો પૂરા પાડવામાં આવે છે. આ સુવિધાને કારણે ધારાવી વિસ્તારમાં રહેવાસીઓ એમના ઘરમાં જ રહ્યા છે અને કોરોના બીમારીનો સકંજો ધીમે ધીમે છૂટી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા ડબલ થવાનો દર 14 દિવસનો છે જ્યારે ધારાવીનો ડબલિંગ રેટ 25 દિવસનો છે. એવી જ રીતે, મુંબઈમાં અન્ય વોર્ડમાં દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો 4-9 ટકા સુધીનો રહ્યો છે જ્યારે ધારાવીમાં આ ટકાવારી 2.6 ટકા સુધી ઘટી ગઈ છે.

ધારાવી વિસ્તારમાં અત્યાર સુધીમાં 1,675 દર્દીઓ નોંધાયા છે જ્યારે 70 જણના મૃત્યુ થયા છે. તેથી જ મહાનગરપાલિકાએ અહીં મિશન ધારાવી શરૂ કર્યું છે. તે અંતર્ગત આશરે અઢી હજાર હેલ્થકેર કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. તે ઉપરાંત 27 ખાનગી ડોક્ટરો, 29 નર્સ, 68 વોર્ડબોય, 11 સહાયક અને 2 ફાર્માસિસ્ટ પણ સેવા બજાવે છે. આ જાણકારી ‘G-વોર્ડ’ના સહાયક કમિશનર કિરણ દિઘાવકરે આપી છે.

મિશન ધારાવી અંતર્ગત જનજાગૃતિનો પ્રસાર કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. તેથી જે રહેવાસીઓને કોરોના જેવા લક્ષણો જણાય તો જાતે જ હેલ્થકેર કર્મચારીઓ પાસે ચેકઅપ કરાવવા આવી જાય છે.

એશિયા ખંડના આ સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારમાંના તમામ સાર્વજનિક શૌચાલયોને દિવસમાં ચારથી પાંચ વખત જંતુમુક્ત કરવામાં આવે છે.

આ વિસ્તારમાં દર્દીઓ માટે પોર્ટેબલ ઓક્સિજન સુવિધા કરવામાં આવી છે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે મલ્ટી વિટામીન આપવામાં આવે છે.

ધારાવીમાં કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થવાનું પ્રમાણ 42 ટકા છે. સમગ્ર મુંબઈમાં આ ટકાવારી 27 ટકા છે જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં 30 ટકા છે.

ધારાવી વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી વધારે છે. રમઝાન મહિનામાં એમની ગીરદીને કઈ રીતે અંકુશમાં રાખી શકાશે તે એક મોટો પ્રશ્ન હતો. પરંતુ, મહાપાલિકા તંત્રએ મુસ્લિમો માટે 11 હજાર ઈફ્તાર પેકેટ્સની વહેંચણી કરી હતી. તે ઉપરાંત કોવિડ-ક્વોરન્ટાઈન સેન્ટરો ખાતે પણ રમઝાન ઉપવાસ છોડવા માટે દરરોજ સાંજે પાંચ વાગ્યે જ્યૂસ અને ફ્રૂટ પેકેટ પણ વહેંચવામાં આવ્યા હતા. તેથી વિસ્તારના મુસ્લિમો તરફથી એકેય ફરિયાદ આવી નથી.

આ વર્ષે અમરનાથ યાત્રા ટૂંકાવીને કદાચ 15 દિવસની કરાશે

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહામારીની અસર આ વર્ષે અમરનાથ યાત્રા પર પણ પડે તેવી શક્યતા છે.  આ વર્ષે અમરનાથ યાત્રા ટૂંકાવીને માત્ર 15 દિવસની કરવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અગાઉ યાત્રા ટાળવાને લઈ વાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, બાબા બર્ફાનીની પવિત્ર ગુફા સમુદ્રતટથી 3880 મીટરની ઉંચાઈ પર દક્ષિણ કાશ્મીરની પહાડીઓ પર સ્થિત છે. આ વર્ષે યાત્રા બાલટાલ રૂટથી થાય તેવી શક્યતા છે જે ટૂંકો રૂટ છે. અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે બે રસ્તા છે જેમાંથી પહેલો રસ્તો બાલટાલ દ્વારા જ્યારે બીજો રસ્તો પહલગામથી થઈને જાય છે.

સૂત્રોનું કહેવું છે કે યાત્રા ટૂંકાવવાનો નિર્ણય ગુરુવારે જમ્મુ-કાશ્મીરના એલજી જીસી મુર્મૂ તરફથી આયોજિત એક બેઠકમાં લેવાયો છે. દરમિયાન બેઠકમાં ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમ, અલજીના પ્રિન્સિપલ સેક્રેટરી બિપુલ પાઠક અને ડીજીપી દિલબાગ સિંહ પણ હાજર હતા. બેઠક બાદ ગાંદરબલના ડેપ્યૂટી કમિશનરને બાલટાલ રૂટ ખોલવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સરકારે આ વાર્ષિક તીર્થ યાત્રા માટે 42 દિવસની સમયસીમા નક્કી કરી હતી.

અમરનાથ યાત્રા અનંતનાગ જિલ્લાના પહલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ રૂટ પરથી 23 જૂનના રોજ પ્રસ્તાવિત હતી. આ સાથે જ આ યાત્રા 3 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા રક્ષાબંધનના દિવસે પૂરી થનાર હતી. ગયા વર્ષે યાત્રા આતંકી હુમલાના ઈન્ટેલિજેન્સ ઈનપુટને જોતાં સમય પહેલા સમાપ્ત કરી દેવામાં આવી હતી.

પંચાંગ 29/05/2020

રાશિ ભવિષ્ય 29/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલન મુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુફરવુ કે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

કોરોનાના 7466 નવા કેસ અને 175નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ના 1.65 લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતોની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત નવમા સ્થાને પહોંચ્યો છે. દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 1,65,799 થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં આ વાઇરસને કારણે મૃતકોની સંખ્યા 4706એ પહોંચી છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના સૌથી વધુ 7466 કેસ નોંધાયા છે અને 175 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના વાઇરસના 89,987 કેસ સક્રિય છે. અત્યાર સુધી આ બીમારીમાંથી 71,105 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. આ જ રીતે રિકવરી રેટ 42.75 ટકાએ પહોંચ્યો છે.  

તામિલનાડુમાં રેકોર્ડ 827 નવા કેસ

તામિલનાડુમાં એક જ દિવસમાં સૌથી વધુ 827 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 19,372 થઈ છે. આ સાથે પડોશી રાજ્ય કર્ણાટકે મહારાષ્ટ્ર, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાંથી આંતર રાજ્ય પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.