લાફ્ટર થેરપી, યોગવિદ્યાથી ધારાવીમાં 700 કોરોના દર્દીઓ સાજા થયા

મુંબઈઃ દેશમાં કોરોના વાઈરસના કેસોનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર રાજ્ય બન્યું છે અને રાજ્યમાં સૌથી વધારે કોરોનાનાં કેસો મુંબઈ શહેરમાં થયા છે. મુંબઈમાં આ ભયાનક રોગચાળાના દર્દીઓ ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નોંધાયા છે. પરંતુ, આ વિસ્તારના કોવિડ-19 હેલ્થ સેન્ટરમાં લાફ્ટર થેરપી અને યોગવિદ્યા દ્વારા આનંદદાયક વાતાવરણ નિર્માણ કરાતું હોવાથી અત્યાર સુધીમાં 700 જેટલા દર્દીઓ કોરોના-મુક્ત થઈને પોતપોતાને ઘેર પાછા ફર્યા છે.

આ વિશેષ થેરપી અને યોગવિદ્યાથી સેંકડો દર્દીઓના સ્વાસ્થ્યમાં ગજબનો સુધારો જોવા મળ્યો છે.

મુંબઈ મહાપાલિકાના સત્તાવાળાઓએ મિશન ધારાવી નક્કી કર્યું હતું જે અંતર્ગત 26 હજારથી વધારે કુટુંબોને રેશનની હોમ ડિલિવરી કરવામાં આવી હતી અને 19 હજાર લોકોને બે-ટાઈમનું ભોજન તેમજ પૌષ્ટિક નાસ્તો પૂરા પાડવામાં આવે છે. આ સુવિધાને કારણે ધારાવી વિસ્તારમાં રહેવાસીઓ એમના ઘરમાં જ રહ્યા છે અને કોરોના બીમારીનો સકંજો ધીમે ધીમે છૂટી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા ડબલ થવાનો દર 14 દિવસનો છે જ્યારે ધારાવીનો ડબલિંગ રેટ 25 દિવસનો છે. એવી જ રીતે, મુંબઈમાં અન્ય વોર્ડમાં દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો 4-9 ટકા સુધીનો રહ્યો છે જ્યારે ધારાવીમાં આ ટકાવારી 2.6 ટકા સુધી ઘટી ગઈ છે.

ધારાવી વિસ્તારમાં અત્યાર સુધીમાં 1,675 દર્દીઓ નોંધાયા છે જ્યારે 70 જણના મૃત્યુ થયા છે. તેથી જ મહાનગરપાલિકાએ અહીં મિશન ધારાવી શરૂ કર્યું છે. તે અંતર્ગત આશરે અઢી હજાર હેલ્થકેર કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. તે ઉપરાંત 27 ખાનગી ડોક્ટરો, 29 નર્સ, 68 વોર્ડબોય, 11 સહાયક અને 2 ફાર્માસિસ્ટ પણ સેવા બજાવે છે. આ જાણકારી ‘G-વોર્ડ’ના સહાયક કમિશનર કિરણ દિઘાવકરે આપી છે.

મિશન ધારાવી અંતર્ગત જનજાગૃતિનો પ્રસાર કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. તેથી જે રહેવાસીઓને કોરોના જેવા લક્ષણો જણાય તો જાતે જ હેલ્થકેર કર્મચારીઓ પાસે ચેકઅપ કરાવવા આવી જાય છે.

એશિયા ખંડના આ સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારમાંના તમામ સાર્વજનિક શૌચાલયોને દિવસમાં ચારથી પાંચ વખત જંતુમુક્ત કરવામાં આવે છે.

આ વિસ્તારમાં દર્દીઓ માટે પોર્ટેબલ ઓક્સિજન સુવિધા કરવામાં આવી છે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે મલ્ટી વિટામીન આપવામાં આવે છે.

ધારાવીમાં કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થવાનું પ્રમાણ 42 ટકા છે. સમગ્ર મુંબઈમાં આ ટકાવારી 27 ટકા છે જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં 30 ટકા છે.

ધારાવી વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી વધારે છે. રમઝાન મહિનામાં એમની ગીરદીને કઈ રીતે અંકુશમાં રાખી શકાશે તે એક મોટો પ્રશ્ન હતો. પરંતુ, મહાપાલિકા તંત્રએ મુસ્લિમો માટે 11 હજાર ઈફ્તાર પેકેટ્સની વહેંચણી કરી હતી. તે ઉપરાંત કોવિડ-ક્વોરન્ટાઈન સેન્ટરો ખાતે પણ રમઝાન ઉપવાસ છોડવા માટે દરરોજ સાંજે પાંચ વાગ્યે જ્યૂસ અને ફ્રૂટ પેકેટ પણ વહેંચવામાં આવ્યા હતા. તેથી વિસ્તારના મુસ્લિમો તરફથી એકેય ફરિયાદ આવી નથી.