પ્રવાસી મજૂરોને મફતમાં ઘેર પહોંચાડોઃ સુપ્રીમ કોર્ટનો સરકારોને આદેશ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે દેશભરમાં લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરોને ભોગવવી પડી રહેલી યાતનાના મુદ્દે કરાયેલા કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં બે કલાક સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે એક પણ મજૂર ભૂખ્યો રહેવો ન જોઈએ. તેમના ખાવાની સાથે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. જો કોઈ મજૂર ક્યાંક ફસાયા હોય તો એમને જણાવવાનું કે એમના રાજ્ય સુધી જવા માટેની ટ્રેન અને બસ ક્યારે શરૂ થશે. આવા એકેય મજૂર પાસેથી સરકારોએ ટ્રેન કે બસનું ભાડું વસુલ કરવું ન જોઈએ. એમના ટ્રેન કે બસ ભાડાની વ્યવસ્થા સરકાર જ કરે.

કોર્ટે વધુમાં સરકારને આદેશ આપ્યો કે પ્રવાસી મજૂરોને એમના વતન ઘેર પહોંચાડવાની પ્રક્રિયામાં ઝડપ આવવી જોઈએ. ટ્રેનોમાં પણ એવા મજૂરો માટે રેલવે તરફથી ભોજન તથા પાણીની વ્યવસ્થા થવી જોઈએ.

આ સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. તો કેટલાક રાજય સરકારો વતી એમના વકીલોએ પણ ભાગ લીધો હતો. આ કેસમાં હવે પછીની સુનાવણી માટે કોર્ટે પાંચ જૂનની તારીખ નક્કી કરી છે.

સરકાર મફત સારવાર માટે હોસ્પિટલોની યાદી બનાવે

આ પહેલાં બુધવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારથી પૂછ્યું હતું કે દેશમાં કઈ હોસ્પિટલ છે, જે કોરોના વાઇરસની મફત અથવા બહુ ઓછા ખર્ચમાં સારવાર ઉપબલ્બ્ધ કરી રહી છે. કોર્ટમાં અરજી કરીને માગ કરવામાં આવી છે કે સરકારે જે હોસ્પિટલો (ખાનગી અને ધર્માર્થ)ને ઓછી કિંમતે જમીન આપી છે, ત્યાં કોરોના વાઇરસની મફત સારવાર અથવા ઓછી કિંમતે સારવાર કરાવવા આવે. આ અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સરકારને હોસ્પિટલોની યાદી બનાવવાનો આદેશ આપ્યો છે.

લોકોને મફત અથવા ઓછી કિંમતે સારવાર ઉપલબ્ધ કરાવો

દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સચિન જૈને નોંધાવેલી જનહિતની અરજી પર સુનાવણી કરી હતી.

જજોએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે જે હોસ્પિટલોએ સરકાર પાસેથી રાહતના દરે જમીન લીધી છે અથવા ધર્માર્થ કામ કરી રહ્યા છે, ત્યાં લોકોને મફત અથવા ઓછી કિંમતે સારવાર કેમ ઉપલબ્ધ નથી કરાવવામાં આવતી?

એના જવાબમાં મહેતાએ કહ્યું કે કોર્ટ જે કહે છે એ સારું છે, પણ જમીન આપતાં સમયે અલગ-અલગ કેસમાં જુદી-જુદી શરતો હોય છે. આવામાં બધી હોસ્પિટલોને એકસમાન આદેશ આપી ન શકાય. આના પર જજો કહ્યું હતું કે તેઓ બધી હોસ્પિટલોની વાત નથી કરતા, પણ જે કેસોમાં રાહતના દરે અથવા મફત જમીન મળી છે એવી હોસ્પિટલો અને જેઓ ધર્માર્થનું કામ કરતા હોવાનું કહે છે, ત્યાં કોરોના વાઇરસની સારવાર ઓછી કિંમતે થવી જોઈએ.

એની સાથે કોર્ટે સોલિસિટર જનરલને કહ્યું કે સરકાર આવી હોસ્પિટલોની યાદી તૈયાર કરાવે. સોલિસિટર જનરલે કહ્યું કે આ વિશે તપાસ કરીને અને નિર્દેશ લઈને કોર્ટને માહિતી આપશે.