વીર સાવરકરઃ તિરંગામાં ચક્ર મૂકવાનો આઈડિયા એમનો જ હતો

નવી દિલ્હીઃ વિનાયક દામોદરદાસ સાવરકરનું નામ આવતા જ લોકોને એ કિસ્સાઓ યાદ આવી જાય છે કે જેમાં લોકો પોત-પોતાની રીતે સાવરકરને પરિભાષિત કરે છે. વિનાયક સાવરકરનું નામ વિવાદોમાં પણ સપડાયું છે. સાવરકરની એમ કહીને ટીકા કરવામાં આવે છે કે, આંદામાનની કાળાપાણીની જેલમાં પૂરી દેવાયા બાદ તેઓ ત્યાંથી મુક્ત થવા માટે અંગ્રેજોને કરગર્યા હતા. મહારાષ્ટ્રના નાસિકમાં જન્મેલા સાવરકર સાથે જોડાયેલી કેટલીક વાતોને જાણીએ.

ખૂબ ઓછા લોકોને એ વાતનો ખ્યાલ હશે કે, તિરંગામાં ચક્ર મૂકવાનો પ્રથમ આઈડિયા સાવરકરે જ આપ્યો હતો. બે-બે વાર જનમટીપની સજા મેળવનારા સાવરકરની 130મી જન્મજયંતી પર તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

સાવરકરનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં થયો હતો. તેમણે શરુઆતી શિક્ષણ નાસિક સ્થિત શિવાજી સ્કુલમાં લીધું હતું. ત્રણ ભાઈ અને એક બહેન સહિત સાવરકર 9 વર્ષની ઉંમરમાં જ અનાથ થયા હતા. સાવરકરે માત્ર 11 વર્ષની ઉંમરે વાનર સેના બનાવી હતી. વર્ષ 1901માં તેમના લગ્ન યમુનાબાઈ સાથે થયા હતા.

બ્રિટિશ ગવર્મેન્ટ સામે આઝાદી અપાવારા ક્રાંતિકારીઓમાં એકમાત્ર એવા સેનાની કે જેમણે સર્વપ્રથમ વિદેશી કપડાની હોળી સળગાવી હતી. સાવરકર પ્રથમ વાર સ્વદેશી આંદોલન સાથે ત્યારે જોડાયા કે જ્યારે તેઓ પુણેમાં અભિનવ ભારત સોસાયટીનું નિર્માણ કર્યું. તિલકના સ્વરાજ આંદોલન સાથે જોડાયા બાદ સાવરકરની ખુબીઓ લોકો સામે આવવા લાગી. આનાથી કંટાળીને અંગ્રેજ સરકારે તેમની ડિગ્રી છીનવી લીધી હતી. વર્ષ 1906 માં બેરિસ્ટર બનવા માટે તેઓ ઈંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે ભારતીય વિદ્યાર્થીઓના સહયોગથી આઝાદ ભારત સોસાયટીનું નિર્માણ કર્યું અને હથીયારો માટે યુવાનોને પ્રેરિત કર્યા.

વર્ષ 1909 માં સાવરકરના સહયોગી મદનલાલ ધિંગરાએ સર વિએલીને ગોળી મારી દીધી. બાદમાં તેમને કેદ કરી લેવામાં આવ્યા હતા. સાવરકર પર આ આરોપ બાદ તેમને 50 વર્ષની સજા સંભળાવીને અંદમાનની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. અહીંયા તેમને અમાનવીય યાતનાઓ આપવામાં આવી હતી.

સાવરકરે પાકિસ્તાન નિર્માણનો વિરોધ કરતા ગાંધીજીને આવું અનર્થ ન કરાવવાની અપીલ કરી હતી. ગાંધીજીની હત્યાના આરોપમાં સાવરકરના પણ છેડા બહાર આવ્યા હતા. જો કે, બાદમાં પૂરાવાન અભાવે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 1 ફેબ્રુઆરી 1966 ના રોજ તેમણે આજીવન ઉપવાસનો નિર્ણય કર્યો હતો. 26 ફેબ્રુઆરી 1966ના રોજ તેમનું નિધન થયું હતું.