
કોરોનાના કહેર વચ્ચે અમેરિકામાં ઉજવાશે ‘સેલ્યૂટ ટુ અમેરિકા’ સ્વતંત્રતા સમારોહ
વોશિગ્ટન: કોરોના વાઈરસના કહેર વચ્ચે અમેરિકામાં 4 જુલાઈના રોજ દેશમાં ‘સેલ્યૂટ ટૂ અમેરિકા’નું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યક્રમ માટેના પ્લાનની પણ જાહેરાત કરી દીધી છે. મહત્વનું છે કે, દર વર્ષે 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનું નામ સેલ્યૂટ ટૂ અમેરિકા રાખવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જમા થનારી ભીડને લઈને કેટલાક સાંસદોની ચિંતા છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દેશમાં આ કાર્યક્રમની ઉજવણીને લઈને તૈયાર છે. મહત્વનું છે કે, દાયકાઓથી વોશિગ્ટનમાં સ્વતંત્રતા દિવસ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કેપિટલ લોનમાં સંગીત કાર્યક્રમ અને વોશિગ્ટન સ્મારક નજીક સાંજના સમયે ભવ્ય આતશબાજી કરવામાં આવે છે.
વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ આ વર્ષે વ્હાઈટ હાઉસના સાઉથ લોન અને એલેક્સથી આ કાર્યક્રમની મેજબાની કરશે. ત્યારપછી ટ્રમ્પ લોકોને સંબોધિત કરશે. આ સમારોહમાં સંગીત અને સૈન્ય પ્રદર્શન કરવામાં આવશે. ગયા વર્ષે ટ્રમ્પે લિંકન મેમોરિયલમાં આ કાર્યક્રમ કરવાની યોજના બનાવી હતી.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જુડ ડીરેએ જણાવ્યું કે, ટ્રમ્પે કહ્યું કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહ હશે અને એમાં ભાગ લેનારા લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે 2019ની સરખામણી વિશેષ ધ્યાન આપવામાં આવશે. મહત્વનું છે કે, અમેરિકા સમગ્ર વિશ્વમાં એક એવો દેશ છે જે કોરોના વાઈરસ સૌથી વધુ પ્રભાવિત છે. અહીં સંક્રમિતોની સંખ્યા 21 લાખને પાર પહોંચી ગઈ છે તો મૃત્યુઆંક 1 લાખ 12 હજારને પાર પહોંચી ગઈ છે.
અમદાવાદ: મલખમ યોગાની પ્રેક્ટિસ…
અમદાવાદ: વિશ્વ યોગા દિવસ જાહેર થયા પછી જુન મહિનાની શરૂઆતથી જ તૈયારીઓ શરૂ થઇ જાય. ભારતીય સંસ્કૃતિની એક વિશિષ્ટ પધ્ધતિ ધ્યાન યોગા પ્રાણાયામ સમગ્ર વિશ્વમાં ખૂબજ પ્રચલિત થયાં છે. આખુંય વિશ્વ 21, જૂન ના રોજ યોગા દિવસ ઉજવે છે.

અત્યારે આખા વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાયરસથી હેરાન પરેશાન છે. સૌ કોરોના સામે લડવા માટે શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહે એવા પ્રયત્નો કરે છે. વિટામિન યુક્ત ખોરાક અને કસરત, યોગ પ્રાણાયામ શરીર માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દર વર્ષે યોગા ડે ને સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ મોટા પાયે આયોજન કરી ઉજવે છે.

જો કે આ વર્ષે સરકારે જ સૌને ભીડ ભેગી કર્યા વગર યોગા ડે ઉજવવાનું કહ્યું છે. શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ગુરુકુલમાં વિશિષ્ટ કળા એવા મલખમ યોગાની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)
LAC પર PMના નિવેદનનો ખોટો અર્થ કાઢવાના પ્રયાસઃ કેન્દ્ર
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું કે સર્વપક્ષી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત-ચીન સરહદે લઈને આપેલા નિવેદનને તોડીમરોડીનો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પલટવાર કરતાં જણાવવામાં આવ્યું હતું કે સર્વપક્ષી બેઠકમાં વડા પ્રધાનના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતે ચીની આક્રમકતાને સામને આત્મસમર્પણ કરી દીધું છે.

વડા પ્રધાનનો ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીથી સ્પષ્ટ ઇનકાર
વડા પ્રધાને આ બેઠકમાં ચીની સૈનિકના ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીથી સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કેન્દ્ર સરકારે નિવેદનમાં કહ્યું હતું કે વડા પ્રધાનને આ વાતને લઈને આશ્વસ્ત હતા કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કોઈ પણ પ્રકારના હુમલાના પ્રયાસના જવાબ ભારતીય સૈનિક નિશ્ચિત રીતે આપશે. તેમણે આના પર વિશેષ ભાર આપ્યો હતો કે પહેલાં સામે આવેલા આ પ્રકારના પડકારોની તુલનામાં અત્યારે વધુ સારી રીતે ભારતીય સેના વળતો જવાબ આપે છે. સર્વપક્ષી બેઠકને એ જાણ કરવામાં આવે છે કે આ વખતે ચીની દળો પૂરી હિંમતથી સરહદની તરફ આગળ વધ્યા હતા, જેનો ભારતીય સેના જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો.
20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષી બેઠકમાં ભારત-ચીન સરહદે તનાવપૂર્ણ સ્થિતિ અને બંને દેશોની સેના વચ્ચે હિંસક ટકરાવને લઈને ચર્ચા કરી હતી. આ બેઠકમાં તમામ પશ્રોના નેતાઓએ આ સંવેદનશીલ મુદ્દા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.આ વર્ચ્યુઅલ બેઠકની શરૂઆતમાં ચીની સૈનિકોની સાથે હિંસક ટકરાવમાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર 20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ. જયશંકર સૈનિકોના સન્માનમાં શાંતિથી ઊભા રહ્યા હતા.
આ વર્ચ્યુઅલ બેઠકમાં અનેક નેતાઓ હાજર

આ બેઠકમાં ભાજપરપ્રમુખ જેપી નડ્ડા, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, NCPના નેતા શરદ પવાર, TCR નેતા કે ચંદ્રશેખર રાવ, JDU નેતા નીતીશકુમાર, DMKના એમકે સ્ટાલિન, YSR કોંગ્રેસના YES જગન રેડ્ડી અને શિવસેનાના નેત ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય નેતાઓ હાજર હતા.
વિશ્વના 10 સૌથી વધુ શ્રીમંતોમાં રિલાયન્સના મુકેશ અંબાણીનો સમાવેશ
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 10 સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. કંપનીની ડિજિટલ વિંગ એટલે કે જિયો પ્લેટફોર્મ્સમાં આવેલા તાજા વૈશ્વિક મૂડીરોકાણ અને કંપનીના શેરના ભાવમાં આવેલા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચવાને કારણે અંબાણીની સંપત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અંબાણી ફોર્બ્સની અબજપતિઓની રિયલ ટાઇમ યાદીમાં નવમા સ્થાન પર છે. તેઓ બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં નવમાં સ્થાને છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત શુક્રવારે રૂ. 1788ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. જિયો પ્લેટફોર્મ્સમાં હાલમાં આવેલા ભારે મૂડીરોકાણને કારણે 63 વર્ષીય મુકેશ અંબાણીની કુલ સંપત્તિ સાડા 64 અબજ ડોલરે પહોંચી છે.
એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ પહેલા નંબરે

ફોર્બ્સના ટોચના માલેતુજારોની યાદીમાં એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ પહેલા નંબરે છે. તેમની પાસે 160 અબજ ડોલરની સંપત્તિ છે. ત્યાર બાદ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સનું સ્થાન આવે છે. ગેટ્સની પાસે કુલ 108.7 અબજ ડોલરની સંપત્તિ છે. ફ્રાંસના બર્નાર્ડ અર્નોલ્ટ અને તેમનો પરિવાર આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની પાસે 103.2 અબજ ડોલરની સંપત્તિ છે.
ઝુકરબર્ગ ટોચના 10 શ્રીમંતોની યાદીમાં સૌથી નાની ઉંમરના

ફેસબુકના માર્ક ઝુકરબર્ગ 87.9 અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. ઝુકરબર્ગ ટોચના 10 શ્રીમંતોની યોદીમાં સૌથી નાની ઉંમરના છે. ઝુકરબર્ગની વય માત્ર 36 વર્ષ છે. આ યાદીમાં વોરેન બફેટ પાંચમા નંબરે છે. બફેટની કુલ સંપત્તિ 71.4 અબજ ડોલર આંકવામાં આવી છે.
ટોચના 10 શ્રીમંતોમાં સાત ઉદ્યોગપતિઓ અમેરિકાના
વિશ્વના 10 સૌથી શ્રીમંતોની યાદીમાં અમેરિકી ઉદ્યોગપતિઓનો દબદબો છે. ટોચના 10 શ્રીમંતોમાં સાત ઉદ્યોગપતિઓ અમેરિકાના છે. ટોચના 10 શ્રીમંતોમાં ફ્રાન્સ અને સ્પેનના એક-એક ઉદ્યોગપતિ સામેલ છે.
આ યાદીમાં અંબાણી એકમાત્ર એશિયન

આ યાદીમાં અંબાણી એકમાત્ર એશિયન છે. ફોર્બ્સની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે મુકેશ અંબાણી ભારતના સૌથી વધુ મૂલ્યવાન કંપનીનું નેતૃત્વ કરે છે. અંબાણીની પાસે યુનિવર્સિટી ઓફ બોમ્બેથી બેચલર ઓફ સાયન્સ ઇન એન્જિનિયરિંગી ડિગ્રી છે.
કોરોનાના વધતા કેસો જોતાં ટ્રેનોના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવાયા
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસો અને હોસ્પિટલોમાં બેડની ઊણપને જોતાં રેલવેએ ટ્રેનોના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવ્યા છે. ભારતીય રેલવેએ કોરોના દર્દીઓને ક્વોરોન્ટિન કરવા માટે વધારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે 5231 કોચ તૈયાર કર્યા છે. આ કોચોને જરૂર મુજબ રાજ્ય સરકારોના અનુરોધ પર તહેનાત કરવામાં આવશે.કોવિડ કેર સેન્ટરમાં તબદિલ ટ્રેનોના કોચોના જાળવણીની જવાબદારી રેલવેની હશે, જ્યારે સારવાર સુવિધા રાજ્ય સરકારો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રેલવેના કોચોને કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કરતાં પહેલાં નીતિ આયોગ અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સાથે ચર્ચા કરવામાં આવી. રેલવેએ કહ્યું હતું કે નીતિ આયોગ અને સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે NON-AC ડબ્બા AC ડબ્બાની તુલનામાં કોવિડ-19 નિયંત્રણ માટે વધુ સુલભ છે.
ડબ્બાને ઠંડા રાખવા માટે રેલવેના નુસખા
કોવિડ કેર સેન્ટરમાં તબદિલ ટ્રેનોના ડબ્બાને ઠંડા રાખવા માટે રેલવેએ ગરમીને રોકતા પેઇન્ટ અને વાંસના પડદા સિવાય બબલ રૈપ્સ જેવા નવા પ્રયોગોનો ઉપયોગ કરી રહી છે. રેલવેએ કહ્યું હતું કે આ ડબ્બાને શીટથી ઢાંકવામાં આવી રહ્યા છે, જેથી અંદરથી એ ઠંડા રહી શકે. બબલ રૈપ્સ એટલે કે પરપટાવાળી પોલિથિનને પણ ડબ્બાને લપેટી દેવામાં આવે છે, જેના દ્વારા ડબ્બાની અંદરનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેવાની ધારણા છે. 
રેલવે દ્વારા આઇસોલેટેડ કોચોની છત પણ હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટની સાથે પેઇન્ટ કરવામાં આવી છે. આ પરીક્ષણ દરમ્યાન એમ માલૂમ પડ્યું કે ડબ્બાની અંદર તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું કરી શકાય છે. રેલવેના જણાવ્યા મુજબ એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જવા પર યોગ્ય કૂલર પણ લગાવીને અજમાવવામાં આવ્યા છે. એ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો કરવામાં મદદગાર સાબિત થયા. ડબ્બાના ઠંડા રાખવાથી દર્દીઓને ગરમીથી પરેશાન નહીં થવું પડે.
રેલવેના નિવેદન મુજબ AC ડબ્બાના ઉપયોગથી સંક્રમણના પ્રસારના જોખમ થઈ શકે છે, એટલે નીતિ આયોગ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વચ્ચે થયેલી ચર્ચા પછી કોવિડ કેરવાળા ડબ્બામાં ACનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શાળાના મહિલા ડિરેકટર બન્યા શિક્ષામાતા
રાજકોટ: ઝવેરી જેમ હીરાને પરખે તેમ શાળાના મહિલા ડિરેક્ટરે વિદ્યાર્થિનીને પરખી ધોરણ 4થી શિક્ષામાતા બની 12 કોમર્સ સુધી અભ્યાસ કરાવ્યો અને હજુ CA બનવાનું સપનું સાકાર કરાવશે. કાજલ ધોરણ 4થી તન્ના એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરી રહી છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય છે. તેના પિતા ધાનસુરભાઈ માસિક રૂપિયા ચાર પાંચ હજારની છૂટક મજૂરી કરી ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થિનીની ભણવાની ધગશને ધ્યાને લઇ શાળા પરિવાર દ્વારા છેલ્લા 9 વર્ષથી તેની ફીમાં 50 ટકા રાહત કરી આપી પુસ્તકો રેફરન્સ મટિરિયલ્સ તેમજ જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

કાજલને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે તેને સફળતાના શિખરો સર કરાવવા શિક્ષામાતા બનેલા ડિરેક્ટર દર્શના મેડમે બીડું ઝડપ્યું છે.ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા તન્ના એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતી ચોરડી ગામની કાજલે ધોરણ 12 કોમર્સમાં 98.98 પીઆર મેળવી શાળા પરિવાર સાથે ગોંડલનું ગૌરવ વધાર્યું છે. આ તકે શાળાના ચેરમેન મધુસુદનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, શાળાના ડિરેક્ટર દર્શના મેડમે આજથી 9 વર્ષ પહેલાં જેમ ઝવેરી હીરાની પરખ કરે તેમ કાજલની ભણવાની ધગશને પારખી લીધી હતી. કાજલને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય તેને સફળતા ના શિખરો સર કરાવવા શિક્ષા માતા બનેલ ડિરેક્ટર દર્શના મેડમે બીડું ઝડપ્યું છે
(જિતેન્દ્ર રાદડિયા-રાજકોટ)
વર્ષ 2020નું પ્રથમ સૂર્યગ્રહણ આવતી કાલેઃ અદભુત અવકાશી ઘટના
આવતી કાલે એક અદભુત આકાશી ઘટના બનવાની છે. રવિવારે એટલે કે 21 જૂને સૂર્યગ્રહણ દેખાશે, જે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ હશે. જે ગુજરાત અને દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં દેખાશે. ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો ‘રિંગ ઓફ ફાયર’ને જોઈ શકશે. વળી, આવતી કાલનો દિવસ એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને આવતી કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે. હવે પછી સૂર્યગ્રહણ જોવા માટે આપણે બીજાં 11 વર્ષ રાહ જોવી પડશે.

ગ્રહણ એ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેની એક કુદરતીય ખગોળીય ઘટના છે. કેટલીક વાર સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી બધા એક લાઇનમાં હોય છે. ચંદ્ર જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે એનો પડછાયો પૃથ્વી પર પડે છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
સૂર્યગ્રહણ સવારે 9.15 કલાકે શરૂ થશે અને બપોરે 3.04 કલાક સુધી ચાલશે
આવતી કાલે સૂર્યગ્રહણ સવારે 9.15 કલાકે શરૂ થશે અને બપોરે 3.04 કલાક સુધી ચાલશે. આ ગ્રહણ એશિયા, આફ્રિકા, પેસિફિક, હિંદ મહાસાગર, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં દેખાશે.

ગુજરાતમાં સૂર્યગ્રહણ 10.00 કલાકથી 1.27 કલાક દરમ્યાન સુધી દેખાશે
ગુજરાતમાં સૂર્યગ્રહણ 72 ટકા સુધી આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે, જે સવારે 10 કલાકે શરૂ થશે અને બપોરે 1.27 કલાક સુધી દેખાશે. મહત્તમ ગ્રહણ 11.37 કલાકે જોવા મળશે. જોકે દેશના ઉત્તર ભાગમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે, જ્યારે બાકીના વિસ્તારોમાં સૂર્યનું આંશિક ગ્રહણ જોવા મળશે.

હવે સૂર્યગ્રહણ જોવા 11 વર્ષ રાહ જોવી પડશે
આ સૂર્યગ્રહણને જોવાની તક આપણે ગુમાવી દઈશું તો દેશમાં સૂર્યગ્રહણ જોવા માટે આપણે બીજાં 11 વર્ષ રાહ જોવી પડશે. આગામી સૂર્યગ્રહણે 21 મે, 20131ના રોજ થશે, જે ભારતમાં દેખાશે.

ગુજકોસ્ટે વેબિનેર્સ સિરીઝનું આયોજન કર્યું
ગુજકોસ્ટે સૂર્યગ્રહણ સમજવા માટે, ગ્રહણના સમયે વૈજ્ઞાનિક ખગોળીય ઘટનાને જોવાજાણવા માટે એક વેબિનર્સ સિરીઝનું આયોજન કર્યું છે. આમાં વિજ્ઞાન પ્રસારના ભૂતપૂર્વ ડિરેક્ટર ડો. વી. બી. કાંબળે, સિનિયર સાયન્ટિસ્ટ ડો. બી. કે. ત્યાગી, આણંદસ્થિત એસ. પી. યુનિવર્સિટીના પ્રોફેસર ડો. બ્રિજ મોહન ઠાકોર, PRLના સાયન્ટિસ્ટ ડો. વિશાલ જોષી, ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહો, ભુજની એસ્ટ્રોનોમી ક્લબના નરેન્દ્ર ગોર સહિત અનેક લોકો વેબિનાર સેશન્સમાં ભાગ લઈ રહ્યા છે અને સૂર્યગ્રહણ અને એના મહત્ત્વ વિશે માહિતી આપી રહ્યા છે.
21 જૂને ઉત્તરાયણ પૂરું
21 જૂન અન્ય કારણોસર પણ મહત્ત્વપૂર્ણ છે. એ દિવસે સૂર્યનું ઉત્તરાયણ ગમન પૂરું થાય છે. આ દિવસે ઉનાળો પૂરો થયો એમ કહેવાય. આવતી કાલે દિવસ આશરે 13 કલાક અને 31 મિનિટનો રહેશે.

સાયન્સ સિટી દ્વારા સૂર્યગ્રહણ પર ખાસ સંવાદનું આયોજન
હવે થોડા કલાકમાં 2020નું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે ત્યારે અવકાશરસિયાઓ ઉત્સાહિત છે. ચક્રિય સૂર્યગ્રહણ જે રિંગ ઓફ ફાયર તરીકે પણ ઓળખાય છે, એ 21 જૂન, 2020એ થવાનું છે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત વેબિનારમાં સૂર્યગ્રહણનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં સી.એમ. નાગરાણીએ (નિવૃત્ત વૈજ્ઞાનિક ,ઇસરો) આકાશી ઘટનાનાં વિવિધ પાસાંઓ સમજાવ્યાં હતાં. સૂર્યગ્રહણ અંગે વધુ વાત કરતાં ડો.નાગરાણીએ કહ્યું કે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર પસાર થાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ સામાન્ય રીતે ચંદ્રગ્રહણના બે અઠવાડિયાં પહેલા કે પછી થાય છે. છેલ્લું ચંદ્રગ્રહણ 5 જૂને થયું હતું, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં સૂર્યગ્રહણ સવારે 10:03 એ શરૂ થશે અને 1:32 સુધી દેખાશે.

સૂર્યગ્રહણના ત્રણ પ્રકાર હોય છે
સૂર્યગ્રહણના ત્રણ પ્રકાર હોય છે: સંપૂર્ણ, આંશિક અને ચક્રિય. સંપૂર્ણ સૂર્યગ્રહણમાં, ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકે છે. આંશિક સૂર્યગ્રહણમાં, ચંદ્ર સૂર્યને માત્ર આંશિક રીતે ઢાંકી દે છે, જેનાથી સૂર્ય અર્ધચંદ્રાકાર આકારમાં દેખાય છે. ચક્રિય સૂર્યગ્રહણમાં, ચંદ્ર તેની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીથી દૂર હોય છે તેથી તે સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકતો નથી. જેથી ચંદ્રના સપાટીની આજુબાજુ ચક્રિય પ્રકાશ “રિંગ ઓફ ફાયર” બનાવે છે.
સૂર્યગ્રહણને સીધું ના જોવાની સલાહ
ચંદ્રગ્રહણને નરી આંખે જોઈ શકાય છે, પણ ડો. નાગરાણીએ સૂર્યગ્રહણ સમયે સૂર્યને સીધો ન જોવાની સલાહ આપે છે કારણ કે તે રેટિનાને નુકસાન કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે લોકોએ બોક્સ પ્રોજેક્ટર દ્વારા સૂર્યને જોવો જોઈએ અથવા સૌર ફિલ્ટર્સનો ઉપયોગ કરીને દૂરબીનનો ઉપયોગ કરવો જોઈએ.

માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે સકારાત્મકતા જરૂરી!
માનસિક બીમારી અંગે અનેક મનોચિકિત્સકો સકારાત્મકતા રાખવાનું કહે છે. તો માનસિક બિમારીનો અનુભવ કરી ચૂકેલી અભિનેત્રી દીપિકા પદુકોણ લોકોને હતાશામાંથી બહાર આવવા ભારપૂર્વક કહે છે. પોતાના દમદાર અભિનયથી લોકોમાં ચાહના પામેલા ૩૪ વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરે આત્મહત્યા કરી લેતાં તેના ચાહકો તેમજ અનેક ફિલ્મી હસ્તીઓને આઘાત લાગ્યો છે. પોલીસ તપાસમાં સુશાંત સિંહના ઘરેથી ડિપ્રેશનના ઇલાજ માટે તેના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન તેમજ દવાઓ મળી આવી છે. બુદ્ધિશાળી તેમજ અનેક વિષયોનું જ્ઞાન ધરાવનાર સુશાંત સિંહ રાજપૂત કુશળ કલાકાર હતો. તેમજ તે બહુ મહેનતુ અને અભ્યાસુ પણ હતો.

અનેક ફિલ્મી હસ્તીઓએ સુશાંત સિંહને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી. ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક લાગણીસભર નોટ શેર કરી છે. જેમાં તેણે માનસિક હતાશામાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે એ વાત ભારપૂર્વક લખી છે. દીપિકાએ માનસિક તાણથી ઝઝૂમતા દરેક લોકોને ભારપૂર્વક લખ્યું છે, ‘તમે પોતાની સમસ્યા વિશે કોઈ સાથે વાત કરો, જણાવો. કોઈની મદદ લો.
દીપિકાએ પોસ્ટ કરેલી નોટમાં લખ્યું છે, ‘માનસિક બીમારીનો અનુભવ લઇ ચૂકેલી વ્યક્તિ તરીકે હું ભારપૂર્વક જણાવું છું કે, તમે તમારી સમસ્યાનો ઉકેલ મેળવો. તમારી સમસ્યા વિશે કોઈને જણાવો, વાતો કરો. કોઈની મદદ લો. તમે તમારી લડાઈમાં એકલા નથી. યાદ રાખો, આમાં આપણે બધા આ વાતમાં સાથે છીએ. સૌથી મહત્વપૂર્ણ વાત છે, આશા રાખો!’
વર્ષ 2017માં સુશાંત સિંહની ફિલ્મ ‘રાબતા’નું એક ગીત દીપિકા પદુકોણ પર ચિત્રિત થયું હતું. દીપિકા પણ ડિપ્રેશનથી લડી ચૂકી છે અને આ જ માનસિક તાણ માટે ‘લિવ લવ લાફ’ નામનું ફાઉન્ડેશન પણ ચલાવી રહી છે.

થોડાં વર્ષો પહેલાં દીપિકા પદુકોણને માનસિક બીમારી નિદાન થઈ હતી. તે કહે છે, ‘માનસિક તાણના એ ભયાનક દિવસોમાં સવારે ઉઠું તો બધું ખાલી ખાલી લાગે. કોઈ દિશા જ ના જડે, બધું દિશાવિહીન લાગતું. મારે ક્યાં જવું, શું કરવું, કંઈ સૂઝતું જ નહોતું. એમાં ને એમાં હું વાતે વાતે અચાનક રડી પડતી. મેં રીતસરની આ બાબત માટે ડોક્ટરોની મદદ માંગી છે.’
આ વાતના બે-ત્રણ વર્ષ બાદ માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થતાં દીપિકા પદુકોણે પીટીઆઈ એજન્સીને જણાવ્યું કે, ‘માનસિક તણાવ, હતાશા સાથે લડવું એ એક બહુ ભયંકર અનુભવ છે.’ વધુમાં તેણે જણાવ્યું, ‘મને નથી લાગતું કે, હું આ માનસિક બીમારીથી સંપૂર્ણ સાજી થઈ હોઉં. મને હંમેશાં એક ડર લાગ્યા કરે છે કે, આ બીમારી ફરીથી ઉથલો ના મારે. કારણ કે, માનસિક તાણનો બહુ ખરાબ અનુભવ મને રહ્યો છે.’
દીપિકાએ બાદમાં વર્ષ 2015માં માનસિક રોગોથી લડતાં લોકો માટે ‘લિવ લવ લાફ ફાઉન્ડેશન’ શરૂ કર્યું છે. માનસિક તાણ અંગે આપણા વડીલો તેમજ શિક્ષકો પણ એક સલાહ અચૂક આપતા આવ્યાં છે કે, ‘તમે કોઈ પણ દુઃખનો મનમાં સંગ્રહ ના કરો. કોઈને તમારી વાત કહીને તમારું મન હળવું કરી લો. કહી ના શકતા હોવ તો તમારા મનની વાતને કોઈ કાગળમાં લખી દો પછી કાગળ ફાડીને કચરાની ટોપલીમાં ફેંકી દો.’

દરેક વ્યક્તિ પછી એ પ્રાથમિક શાળાનું બાળક હોય, કે કોલેજના ટીનેજર, કે પછી વ્યવસાય કે કેરિયર માટે ફાંફા મારતા યુવાનો હોય, વેલ સેટલ્ડ વ્યક્તિને પણ કોઈક માનસિક દ્વિધા હોઈ શકે છે. આવી વ્યક્તિ આપણી આસપાસ પણ જોવા મળી શકે છે. પરંતુ એવી વ્યક્તિને કઈ રીતે ઓળખાય જેથી તે વ્યક્તિને મદદરૂપ થઇ શકાય?
| 1. માનસિક લક્ષણોમાં એ વ્યક્તિ એકલી, બધાથી દૂર અને હંમેશાં દુઃખી રહેતી હોય છે અને બધી વાતોમાં પોતાની જ ભૂલ થઈ છે. એવું જણાવ્યા કરતી હોય છે.
2 શારીરિક લક્ષણોમાં આવી વ્યક્તિ રાત્રે શાંતિથી સૂઈ શકતી નથી. હંમેશા થાકેલી દેખાય એનો અવાજ પણ ધૂંધવાયેલા જેવો ધીમો હોય છે. 3. ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનું ટાળે છે. તેને ક્યાંય જવું, કોઈ સાથે બોલવું ગમતું નથી. તેઓ એકલા જ રહેવાનું પસંદ કરે છે. 4. આવી વ્યક્તિ હંમેશા વિચારોમાં ખોવાયેલી હોય છે. તેમના મગજમાં ખોટા વિચારો આવતા રહે છે. તેમને ડર લાગ્યા કરતો હોય છે. 5. ડિપ્રેશનવાળી વ્યક્તિ મુક્ત મને હસી નથી શકતી. 6. ડિપ્રેશન વાળા લોકો માટે ભાગે નકારાત્મક વિચાર જ કરતા હોય છે. કોઈ સારી સકારાત્મક વાતમાં પણ તેઓ નકારાત્મકતા જોવા લાગે છે. 7. હતાશ વ્યક્તિ કોઈપણ કારણ વગર રડી પડે છે. તેમને હંમેશા અશક્તપણું લાગતું હોય છે. માથું દુખ્યા કરે, હદયના ધબકારા વધી જાય અને પરસેવો છૂટતો હોય છે. |
માનસિક તાણથી બચવાના અમુક સાદા ઉપાયો:
| 1. દરરોજ કસરત અથવા યોગાસન કરો. 2. સમયસર જમવાનું રાખો. 3. સમયસર ઉંઘો. 4. પોતાના પર વિશ્વાસ રાખો. 5. બહુ વિચાર ના કરો . 6. પોતાના પરિવાર સાથે સમય વિતાવો. 7. સકારાત્મક વિચાર કરો. |
માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે સકારાત્મકતા રાખવી, એ સૌથી ઉત્તમ ઉપાય છે એવું મનોચિકિત્સકો પણ કહેતાં હોય છે. તમે કોઈ સારી પ્રવૃત્તિમાં પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરીને હતાશામાંથી બહાર આવી શકો છો. છતાં જો તમે માનસિક તાણમાંથી ઉપર નથી આવી શકતા, તો તમારે માનસિક ચિકિત્સકને મળીને યોગ્ય સલાહ તેમજ ઉપચાર મેળવવા જોઈએ. આ બાબતમાં પોતાની જાતે કોઈ ઉપાય કે દવા કરવા કરતાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.




