કોરોનાના વધતા કેસો જોતાં ટ્રેનોના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવાયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસો અને હોસ્પિટલોમાં બેડની ઊણપને જોતાં રેલવેએ ટ્રેનોના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવ્યા છે. ભારતીય રેલવેએ કોરોના દર્દીઓને ક્વોરોન્ટિન કરવા માટે વધારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે 5231 કોચ તૈયાર કર્યા છે. આ કોચોને જરૂર મુજબ રાજ્ય સરકારોના અનુરોધ પર તહેનાત કરવામાં આવશે.કોવિડ કેર સેન્ટરમાં તબદિલ ટ્રેનોના કોચોના જાળવણીની જવાબદારી રેલવેની હશે, જ્યારે સારવાર સુવિધા રાજ્ય સરકારો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રેલવેના કોચોને કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કરતાં પહેલાં નીતિ આયોગ અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સાથે ચર્ચા કરવામાં આવી. રેલવેએ કહ્યું હતું કે નીતિ આયોગ અને સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે NON-AC ડબ્બા AC ડબ્બાની તુલનામાં કોવિડ-19 નિયંત્રણ માટે વધુ સુલભ છે.

ડબ્બાને ઠંડા રાખવા માટે રેલવેના નુસખા

કોવિડ કેર સેન્ટરમાં તબદિલ ટ્રેનોના ડબ્બાને ઠંડા રાખવા માટે રેલવેએ ગરમીને રોકતા પેઇન્ટ અને વાંસના પડદા સિવાય બબલ રૈપ્સ જેવા નવા પ્રયોગોનો ઉપયોગ કરી રહી છે. રેલવેએ કહ્યું હતું કે આ ડબ્બાને શીટથી ઢાંકવામાં આવી રહ્યા છે, જેથી અંદરથી એ ઠંડા રહી શકે. બબલ રૈપ્સ એટલે કે પરપટાવાળી પોલિથિનને પણ ડબ્બાને લપેટી દેવામાં આવે છે, જેના દ્વારા ડબ્બાની અંદરનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેવાની ધારણા છે.   

રેલવે દ્વારા આઇસોલેટેડ કોચોની છત પણ હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટની સાથે પેઇન્ટ કરવામાં આવી છે. આ પરીક્ષણ દરમ્યાન એમ માલૂમ પડ્યું કે ડબ્બાની અંદર તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું કરી શકાય છે. રેલવેના જણાવ્યા મુજબ એક સ્થાનથી બીજા સ્થાન પર લઈ જવા પર યોગ્ય કૂલર પણ લગાવીને અજમાવવામાં આવ્યા છે. એ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો કરવામાં મદદગાર સાબિત થયા. ડબ્બાના ઠંડા રાખવાથી દર્દીઓને ગરમીથી પરેશાન નહીં થવું પડે.

રેલવેના નિવેદન મુજબ AC ડબ્બાના ઉપયોગથી સંક્રમણના પ્રસારના જોખમ થઈ શકે છે, એટલે નીતિ આયોગ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વચ્ચે થયેલી ચર્ચા પછી કોવિડ કેરવાળા ડબ્બામાં ACનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]