ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર, સંજુ સેમસનની બાદબાકી

મુંબઈ: ઝિમ્બાબ્વે સામે રમાનારી 3 મેચની ટી-20 સિરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરિઝ માટે ટીમના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે તિલક વર્મા વાઇસ કેપ્ટન રહેશે. આ ટીમ પસંદગીમાં સૌથી ચોંકાવનારો નિર્ણય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને બહાર રાખવાનો છે. તેની જગ્યાએ ટીમમાં આઈપીએલના ધુરંધર ખેલાડીઓની એન્ટ્રી થઈ છે. હાર્ડ હિટર રિન્કુ સિંહની ટીમમાં વાપસી થઈ છે. આ સિરિઝની તમામ મેચ ઝિમ્બાબ્વેના હરારેમાં રમાશે.ત્રણને પહેલીવાર તક

આ પ્રવાસ માટે પસંદગીકારોએ યુવા ખેલાડીઓ પર મોટો ભરોસો મૂક્યો છે. આઈપીએલ સ્ટાર પ્રભસિમરન સિંહ ઉપરાંત ફાસ્ટ બોલર અશોક શર્મા અને યશ ઠાકુરને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. આ સિવાય, તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પણ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તે અભિષેક શર્માની સાથે ઓપનર તરીકે ટીમમાં જોવા મળશે.

પ્રભસિમરન સિંહની ધમાકેદાર એન્ટ્રી

પંજાબ કિંગ્સના વિસ્ફોટક ઓપનર અને વિકેટકીપર પ્રભસિમરન સિંહને તેના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. પ્રભસિમરને તેની ટી-20 કરિયરની 129 મેચોમાં 151.50 ના સ્ટ્રાઈક રેટથી 3665 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 27 અર્ધસદી સામેલ છે. IPL-2026માં પણ તેણે 14 મેચમાં 168ના આક્રમક સ્ટ્રાઈક રેટથી 510 રન ફટકાર્યા હતા.

મયંક યાદવની વાપસી 
ભારતના સૌથી ઝડપી બોલરોમાંથી એક એવા મયંક યાદવની અંદાજે 2 વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી થઈ છે. તેની સાથે પ્રિન્સ યાદવને પણ ટીમમાં સામેલ કરાયો છે, જે પેસ એટેકની જવાબદારી સંભાળશે. સ્પિન વિભાગની કમાન વરુણ ચક્રવર્તીના હાથમાં રહેશે.

સીરિઝનું શિડ્યુલ
ભારતીય ટીમ આ પ્રવાસમાં 3 T20 મેચ રમશે…

  • પ્રથમ ટી-20 મેચ: 23 જુલાઈ
  • બીજી ટી-20 મેચ: 25 જુલાઈ
  • ત્રીજી અને અંતિમ મેચ: 26 જુલાઈ

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિન્કુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).