કોરોનાના કહેર વચ્ચે અમેરિકામાં ઉજવાશે ‘સેલ્યૂટ ટુ અમેરિકા’ સ્વતંત્રતા સમારોહ

વોશિગ્ટન: કોરોના વાઈરસના કહેર વચ્ચે અમેરિકામાં 4 જુલાઈના રોજ દેશમાં ‘સેલ્યૂટ ટૂ અમેરિકા’નું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યક્રમ માટેના પ્લાનની પણ જાહેરાત કરી દીધી છે. મહત્વનું છે કે, દર વર્ષે 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનું નામ સેલ્યૂટ ટૂ અમેરિકા રાખવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જમા થનારી ભીડને લઈને કેટલાક સાંસદોની ચિંતા છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દેશમાં આ કાર્યક્રમની ઉજવણીને લઈને તૈયાર છે. મહત્વનું છે કે, દાયકાઓથી વોશિગ્ટનમાં સ્વતંત્રતા દિવસ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કેપિટલ લોનમાં સંગીત કાર્યક્રમ અને વોશિગ્ટન સ્મારક નજીક સાંજના સમયે ભવ્ય આતશબાજી કરવામાં આવે છે.

વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ આ વર્ષે વ્હાઈટ હાઉસના સાઉથ લોન અને એલેક્સથી આ કાર્યક્રમની મેજબાની કરશે. ત્યારપછી ટ્રમ્પ લોકોને સંબોધિત કરશે. આ સમારોહમાં સંગીત અને સૈન્ય પ્રદર્શન કરવામાં આવશે. ગયા વર્ષે ટ્રમ્પે લિંકન મેમોરિયલમાં આ કાર્યક્રમ કરવાની યોજના બનાવી હતી.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જુડ ડીરેએ જણાવ્યું કે, ટ્રમ્પે કહ્યું કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહ હશે અને એમાં ભાગ લેનારા લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે 2019ની સરખામણી વિશેષ ધ્યાન આપવામાં આવશે.  મહત્વનું છે કે, અમેરિકા સમગ્ર વિશ્વમાં એક એવો દેશ છે જે કોરોના વાઈરસ સૌથી વધુ પ્રભાવિત છે. અહીં સંક્રમિતોની સંખ્યા 21 લાખને પાર પહોંચી ગઈ છે તો મૃત્યુઆંક 1 લાખ 12 હજારને પાર પહોંચી ગઈ છે.